સાચા રાજાના નસીબમાં સુખ હોતું નથી !
હજી યાત્રા પૂરી થાય છે, દાન અપાય છે, આશીર્વાદ લેવાય છે, ત્રિવેણી નવાય છે, દેવસેવા થાય છે, ત્યાં સમાચાર આવ્યા .
પાટણનો દૂત પવનવેગી સાંઢણી પર ચઢીને આવ્યો; સમાચાર લાવ્યો.
સમાચાર તે કેવા ?
અંગારાની પથારી પર પગ મુકાઈ જાય, અને માણસ ચીસ પાડી ઊઠે એવા !
સિદ્ધરાજ ત્રિવેણીમાં નાહતો હતો, એ ત્યાં જ ઊભો રહી ગયો. એના અંગઅંગમાં જાણે લાય લાગી. ત્રિવેણીનાં પાણી પણ એ લાય શાંત ન કરી શક્યાં !
ચંદનનાં કચોળાં એમ ને એમ રહી ગયાં !
પુરોહિતો આશિષવચન બોલતા હતા. રાજાએ તેઓને ચૂપ રહેવા ઇશારો કર્યો.
એ બહાર નીકળ્યો – ઘાયલ વાઘ બોડમાંથી નીકળે તેમ.
કપડાં પહેર્યાં ન પહેર્યા ને માતા પાસે પહોંચ્યો. મા પાસે જઈને અકળાતો બોલ્યો :
‘મા ! મા ! સિદ્ધરાજ જીવ્યો ન જીવ્યો બધું સરખું થઈ ગયું !’
માતા દીકરાને જાણતી હતી, એના સ્વભાવને જાણતી હતી. એ એકદમ નજીક આવી ને બોલી : ‘શું થયું મારા સિંહને ?’ બોલનારા બોલી રહ્યા. મારા જયસિંહનું તો જીવ્યું પ્રમાણ છે ! ભૂત જેવા ભેંકાર બાબરા સિદ્ધને હરાવ્યો ! સાવજની બોડ જેવું સોરઠ જીત્યું, ને બોતેર લાખનો કર માફ કર્યો ! બીજો જયસિંહ છે ક્યાં ? આજ ભગવાન સોમનાથદેવ મારા દીકરાની ભેરમાં ખડા છે !’
‘મા ! ખોટી વાત કરીને મને ચઢાવ મા ! પુરોહિતોને કહી દે, મારાં વખાણ ન કરે ! મને એ કડવાં ઝેર જેવા લાગે છે.’ સિદ્ધરાજ નાનો છોકરો ચીડે બળે તેમ બોલ્યો.
‘પણ કારણ શું છે.’ મીનલદેવીએ પૂછ્યું.
‘મા ! માળવાનો રાજા મારું નાક કાપી ગયો ‘ સિદ્ધરાજે કહ્યું.
‘એક ખેંગાર કાપવા આવ્યો હતો, પણ બિચારો જીવથી ગયો ! વળી બીજાને સિંહની બોડમાં માથું ઘાલવાનું મન ક્યાંથી થયું ? બેટા ! મરદોનાં નાક તો કદી કપાતાં નથી.’
સિદ્ધરાજ વધુ કોપે ભરાણો. એ બોલ્યો : ‘મા ! તું માતા છે. દીકરાના દોષ તું જોઈ ન શકે. એક આગમાં બીજી આગ ભળી છે.’
મીનલદેવી કહે : ‘મને ચોખ્ખું કહે. દીકરા ! હું પુત્રનો દેહ જોઈ રાજી થનારી માતા નથી. દીકરાના કર્તવ્યદેહને પૂજનારી મા છું. દીકરાને શસ્ત્ર સજાવી સમરાંગણે મોક્લનારી મા છું. બેટા ! મેં ગોદમાં કૂકડા પાડ્યા નથી, સિંહ ઉછેર્યો છે.’
સિદ્ધરાજ ક્હે : ‘મા ! માલવાનો રાજા મારુંનાક કાપી ગયો, એ તો જાણે પારકો હતો; પણ આપણા મહાઅમાત્ય પાસે રહીને કપાવરાવ્યું એનું મને દુ:ખ છે.’
મીનલદેવી કહે : ‘મહાઅમાત્ય સાંતૂદેવ તો ગુજરાતના વફાદાર મંત્રી છે. આ દેશમાં બીજા એવા અમાત્ય નથી. તારા પિતા નાની ઉંમરમાં ગુજરી ગયા. હું રાજની બિનઅનુભવી. રાજ જાળવ્યું હોય તો આ સાંતૂ મંત્રીએ. આ રૂડા દાડા દેખ્યા હોય તો સાંતૂ મંત્રી અને પાટણના બીજા મંત્રીઓને આભારી છે.’
‘મા ! મંત્રીએ ધણીની હજાર સેવાઓ કરી હોય, તો એનો બદલો લાગે, પણ ધણીનું માથું તો ન કાપે !’
મીનલદેવી પાસે જઈને રાજાને પંપાળતાં ધીરેથી બોલ્યાં : ‘વત્સ ! એણે જે કર્યું હશે, એ રાજના હિતમાં કર્યું હશે. એક ખાનગી વાત કહું તારા પિતાને હું અણગમતી હતી. હુંય તારી જેમ માનનું ઘોયું હતી. જીવવું તો માનથી, નહિ તો મોત સારું. હું તો બળી મરવાની તૈયારીમાં હતી. આ મંત્રીએ અને રાજમાતા ઉદયમતીએ મને ધીરજ આપી, અને રાહ જોવા કહ્યું. આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું. રાજાને નીતિ પર ચલાવનાર એ જ મંત્રી હતા. એ ન હોત તો બેટા, તું પણ ન હોત. અમારો મનમેળ કરાવનાર એ હતા. પાટણના સેવકોની વફાદારીમાં શંકા, એ પોતાની જાત તરફની શંકા છે. માંડીને મને વાત કહે.’
સિદ્ધરાજ માતાની વાત સાંભળી કંઈક ઢીલો પડ્યો. એ બોલ્યો :
‘મા ! દૂત સમાચાર લાવ્યો છે. માળવાનો રાજા નરવર્મા લાગ જોઈને બેઠો હશે. આપણે આમ આવ્યાં અને એ પાટણ પર ધસી ગયો. આજુબાજુના ગામડાંને હેરાન કરવા લાગ્યો.’
મીનલદેવી કહે : ‘માળવાના રાજા હજી મન મેલું જ રાખી રહ્યા છે. એને ખોડ ભુલાવવી પડશે. હાં, પછી શું બન્યું ?’
સિદ્ધરાજ કહે : ‘મહામાત્યે માલવપતિને કહેવરાવ્યું કે તમારે રાજ જોઈએ, તો દરેક ગુજરાતી બચ્ચો લડવા તૈયાર છે; એમાં કંઈ સાર કઢશો નહિ; વળી બિલાડીના જેવા છાનામાના ઘી ચાટનાર કહેવાશો એ વધારામાં. તમારે ધન જોઈએ, તો પાટણ તમને ધન પૂરું પાડવા તૈયાર છે.’
‘હાં, પછી માલવપતિએ શું કહ્યું ?’ મીનલદેવીએ પૂછ્યું.
‘એણે કહ્યું : મારે ધન જોઈએ છે, ધન આપો તો પાછો ફરી જાઉં. મહામંત્રીએ પાટણના ખાધવાળા ખજાનામાંથી અને પાટણના શ્રીમંતોના ઘરમાંથી ધન લઈને તેને પાછો વાળ્યો. કેવું અપમાન ! આ તો હું માલવાની ખંડણી ભરનારો રાજા થયો.’
‘તે બેટા, માલવાને ભરી પી ! અવંતીનાથ બની જા ! તારા છોગામાં એક છોગું વધુ ઘાલ. બહાનું સરસ છે. ખરાબમાંથી સારું તારવે એ જ ખરો મુસદ્દી. જે વખતને અને વાને પલટી શકે એ જ સાચો ધીર.’ મીનલદેવીએ પુત્રને પાનો ચઢાવ્યો.
‘મા ! તાબડતોબ પાટણ પહોંચીએ. મારે જલદી નિર્ણય લેવો છે.’
‘હું જાણું છું. ત્યાં સુધી તને ખાવું-પીવું નહિ ભાવે.’ મીનલદેવીએ કહ્યું, અને હુકમ કર્યો : ‘ચાલો, ઝટ સવારી ઉપાડો. વહેલું આવે પાટણ.’
ગણતરીના વખતમાં તંબુઓ, રાવટીઓ સમેટાઈ ગયાં, અને બધાં પાટણ તરફ વળી ગયાં.
ન રાત જોવાની, ન દિવસ. ન ટાઢ જોવાની, ન તડકો !
કૂચ ખૂબ જ ઝડપી હતી.
રાજા સિદ્ધરાજની આંખોમાં અંગારા ભર્યા હતા. કોઈ એની આંખ સાથે આંખ માંડી ન શક્તા. એના મોંમાં જાણે જ્વાલામુખી બેઠો હતો. એને બોલાવવો પણ મુશ્કેલ હતો.
રાજા વારંવાર એક જ વાત કરતો :
‘મારું અપમાન ! મારી ગુજરાતનું અપમાન !’
‘એને સજા ન કરું તો જીવ્યું ન જીવ્યું સમાન !’
થોડા વખતમાં બધાં દડમજલ કૂચ કરતાં પાટણમાં આવી પહોંચ્યાં. મહાઅમાત્ય તેમના સ્વાગત સામે ગયા, પણ રાજાનો રોષ ભયંકર હતો. એ ન હસીને બોલ્યો, ન કંઈ વાત કરી.
એ જ બપોરે દરબાર ભરાયો.
રાવ-રાણાઓને નોતરાં ગયાં હતાં. દરબાર હકડેઠઠ ભરાયો હતો.
મહાઅમાત્યે પોતાનું નિવેદન રજૂ કરતાં કહ્યું : “નરવર્મા આવ્યો ત્યારે પાટણના કુશળ યોદ્ધાઓ પ્રવાસમાં હતા. રાજમાતા કે રાજા પણ પાટનગરમાં નહોતાં. યુદ્ધ આપવાનો નિર્ણય કઈ રીતે લેવો એ પ્રશ્ન હતો. અલબત્ત, પટ્ટણીઓ તૈયાર હતા. પણ માત્ર ઉત્સાહ કે ભક્તિથી લડાઈ જિતાતી નથી. અને એક વખત લડાઈ જાહેર કર્યા પછી તરત સમેટાતી પણ નથી. સો વાર વિચાર કરીને પગલું ભરવું; અને ભર્યા પછી પાછું ન મુકાય એ જોવું. આ અંગે સલાહ લેવા લાયક અહીં કોઈ નહોતું. મેં મારા મનની સલાહ લીધી. મને લાગ્યું. કે એક રાતે વહાણું વાશે નહિ, એટલે મેં પાટણના લાખેણા જુવાનોનું લોહી વહેવરાવવાને બદલે સંધિ કરી. મહારાજ ! હવે આપ આજ્ઞા આપો તે મને પ્રમાણ છે !’
સિદ્ધરાજે કેસરી સિંહ જેવી ગર્જના કરતાં કહ્યું : ‘મહામંત્રી ! કેસરિયાં કરવાં હતાં ને ? રજપૂતો દેહમાં જીવતા નથી, યશમાં જીવે છે.’
મહામંત્રી બોલ્યા : ‘હું લડવૈયો છું, પણ વૈશ્ય છું. કેસરિયાં કરવાં મને ન સૂઝે ! નહિ તો આપ જાણતા જ હશો કે ગિજનીના સુલતાન સામે લડવા ગુજરાતી સેનાને સિંધુ સુધી દોરનાર આપનો આ સેવક જ હતો. માત્ર મરવામાં બહાદુરી નથી; મરવાથી કંઈ અર્થ સરતો હોય, તો એક પણ ગુજરાતી પાછી પાની ન કરે.’
સિદ્ધરાજ રોષમાં હતો. એ મહાઅમાત્ય જેવાનું ભરસભામાં અપમાન કરી બેસશે, એમ સહુને લાગ્યું. એને માટે માન ખોવા કરતાં જીવ ખોવો ઉત્તમ હતો.
સિદ્ધરાજ કંઈક અવિચારી બોલી ન બેસે, કંઈ અવિચારી નિર્ણય ન લઈ બેસે, એ માટે મીનલદેવી બોલ્યાં :
‘સિદ્ધરાજ ! પેલું નીતિસૂત્ર તો તું ભણ્યો જ છે. વત્સ ! જ્યાં વૃદ્ધો નથી, એ સભા નથી. જે ધર્મપૂત બોલતા નથી, એ વૃદ્ધ નથી. જેમાં સત્ય નથી, એ ધર્મ નથી. અને જે વ્યવહારુ નથી, એ સત્ય નથી !’
સિદ્ધરાજ જંજીરથી જકડાયેલા કેસરીની જેમ બૂમ પાડી ઊઠ્યો : ‘મા ! મને પાછો ન પાડ !’
મીનલદેવી કહે : ‘સાચી મા સાવજને ખડ ખાવાનું ન કહે. બેટા ! ગુર્જરેશ્વરનાં ઘોડાં સિંધુનાં પાણી પીતાં હતાં અને હજી પણ પીશે. દે નગારે ઘાવ ! શું કરવા વાર કરે છે ?’
સિદ્ધરાજ સભામાં તલવાર ખેંચીને ઊભો થઈ ગયો અને બોલ્યો : ‘સંસારમાં મારે બે પૂજનીય છે : એક સોમેશ્વરદેવ, અને બીજાં માતા મીનલદેવી ! બંનેની સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું, મારા દેશનું અપમાન કરનાર રાજાની ચામડી ઉતરડી એનું મ્યાન બનાવીશ, ત્યારે જ આ ખુલ્લી તલવાર મ્યાન કરીશ !’
સભા પ્રતિજ્ઞા સાંભળી નાચી ઊઠી. સભાજનો રાજાનો જય બોલાવવા જતા હતા, ત્યાં સિદ્ધરાજનો અવાજ આવ્યો :
‘આ યુદ્ધમા આગેવાની હું લઈશ. મારી સાથે મહામંત્રી મુંજાલ, મહામંત્રી કેશવ અને મહામંત્રી મહાદેવ રહેશે. અને બર્બરક….’
જેનાં નામ લીધાં તે બધા ઊભા થઈને હાથ જોડી રહ્યા.
બર્બરક ઊભો થયો, પણ આગળ ન આવ્યો : પાછળથી બોલ્યો :
‘માળવા સુધીનો માર્ગ તૈયાર કરવાનું કામ મારું. વચ્ચે-વચ્ચેના દુર્ગ, વાવ ને તળાવો જોતજોતામાં તૈયાર થઈ જશે !’
‘અને મહારાજ જયસિંહદેવ ! મને શી સજા ?’ મહાઅમાત્ય સાંતૂ ઊભા થઈને માથું નીચું ઢાળીને બોલ્યા.
સિદ્ધરાજ પોતાના વફાદાર મંત્રીની આ નમ્રતા જોઈ ઢીલો પડી ગયો. એ આગળ વધ્યો ને ભેટી પડ્યો.
‘તમે પાટણને આજ સુધી જાળવ્યું છે અને હવે પણ જાળવજો ! વૃદ્ધ છો, વડીલ છો ! છોરું-ક્છોરું…’
સાંતૂમંત્રી રાજાની ઉદારતા જોઈ ગળગળા થઈ ગયા. એ બોલ્યા : ‘ગમે તેવા હો, પણ મારે મન રાજા છો. ઇચ્છા એક જ છે કે ગુજરાતની સેવા કરતોકરતો રણના સાથરે સૂઉં.”
[સાંતૂમંત્રી- મહાઅમાત્ય સાંતુ વડોદરાના વતની હતા. રાજકાજમાં ભારે નિપુણ હતા. પ્રસિદ્ધ મંત્રી યૌગંધરાયણથી પણ ચઢિયાતા મનાતા. એમના મંદિરમાં પ્રસિદ્ધ કવિ બિલ્હણે રચેલું ‘કર્ણસુંદરી’ નાટક ભજવાયું હતું. ગુજરાતના રાજાનો કર્ણાટક સાથે વિવાહ સંબંધ કરાવી, બંનેનો રાજદ્વારી સંબંધ ગાઢ કરવાની નીતિ આ મંત્રીની. ગિજનીના સુલતાન સામે પણ સિંધુ નદી પર લશ્કર મોકલેલું. – રત્નમણિરાવ
શ્રી. મુનશીએ કર્ણ રાજા અને મીનલ વચ્ચે સુમેળ કરનાર તરીકે મુંજાલનું નામ આપ્યું છે, પણ ઈતિહાસની રીતે એ સાંતુ છે. ]
‘તમારા જેવા વીરો પર મને ગર્વ છે !’ સિદ્ધરાજે કહ્યું ને સભા બરખાસ્ત કરી.
દીકરો માત્ર વીરતાનો અવતાર જ નથી, વિવેકનો અવતાર છે, એ જોઈ મીનલદેવીની આંખો આંસુથી છલકાઈ ગઈ.
હર્ષના ને ઉત્સાહના અવાજો વચ્ચે સભા દરખાસ્ત થઈ.
ટૂંકા દહાડામાં ગુર્જરસેના માળવા તરફ કૂચ કરી ગઈ.
[ ક્રમશઃ આગળની વાત જાણો હવે પછી ના ભાગમાં.. ત્યાં સુધી આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ. આ પોસ્ટ તમને કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો… ]
લેખક – જયભિખ્ખુ
આ પોસ્ટ લેખક જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથા સિધ્ધરાજ જયસિંહ પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો
વાંચો પહેલાના ભાગ:-
★ પ્રકરણ – 5 : ખેંગારે નાક કાપ્યું ★
★ પ્રકરણ – 6 : દારુ એ દાટ વાળ્યો ★
★ પ્રકરણ – 7 : પાણી એજ પરમેશ્વર ★
★ પ્રકરણ – 9 : બોંતેર લાખનું દણ માફ ★