ઉસ્માન ભગત રામાયણી

તમે સાવ નિરાંતવા થઇને ગામના બજારના ઓટલે બેઠા હશો ત્યારે કોઇ સમજણો છોકરો તમારાં ઘણાં બધાં વર્ષોને ઓળંગી જઇને તમે સાવ નવરા છો અને નાનપણમાં છો એવી ગણતરી સાથે તમારા હાથમાં એકાદ છાપેલો કાગળિયો બાળસહજ ભાવે તમારા હાથમાં મૂકશે. ‘આ સમાચાર વાંચજો દાદા! એમાં આપણા ઉસ્માન ભગત રામાયણીના સમાચાર છે.’ અને પછી એની ભાવોર્મિઓને છૂટા મને વહેતી મૂકશે.

‘આમાં આપણા ઉસ્માન ભગત રામાયણીના સમાચાર છે. એની વાતો વાંચતાં ન ધરાઇએ એવી છે. જોજયો, ક્યાંક આ કાગળને વાળીને ડૂચો ન કરશો. છાપેલો છે માટે બેસવા માટેનું આસન ન બનાવશો. આ કાગળમાં તો આપણા ઉસ્માન ભગત રામાયણીનો પરિચય છે. નામ ઉસ્માન પણ ભગત અને રામાયણીનાં રળિયામણાં બબ્બે છોગાં છે. વાંચજો તો ખરા?’

બાળકની વાત સાંભળનાર ગમે તે કોમનો માણસ હોય પણ એને હોઠે રમૂજ આવી જવાની. ‘એલા નામ ઉસ્માન અને પીછું ભગતનું? આ પીંછાની પાછળ લટકણિયું વળી રામાયણીનું? એનોય વાંધો નથી પણ ઉસ્માન ભગતની પાછળ ‘રઘુનાથ ગાથા’નું અસલ હિન્દુ છાપનું તર્પણ…?’ વાત અજબ કરતાં ગજબની વધારે છે. લ્યા! કાંઇ સમજાતું નથી…’

‘અમારા વઢવાણ ગામના નાના છોકરાને પણ પૂછી જોજયો અમારા ઉસ્માન ભગત શું હતા, એ તમને સમજાવશે, સાહેબ!’અને અજબ ગણાય એવી વાતના સાક્ષીઓ એકાદ બે નથી પણ વઢવાણની ચોખૂંટ ધરતી અને સરિયામ પ્રજા એના સાક્ષી છે પછી એને અજબ ગણવી હોય તો કોણ રોકશે? ઉસ્માન ભગતની વાત તો ‘માણસ વચ્ચેના માણસ’ની સાવ સાચૂકલી વાત છે. વઢવાણવાસીઓ ઉમળકાથી તમને વિગત આપશે કે ભાઇ! ઉસ્માન નાજાભાઇ બારૈયા જન્મે અને કુળે મુસલમાન. ધર્મે મસ્જિદ અને દરગાહ વચ્ચેનો મુસાફર… પણ અમારા આ આદમીના દિમાગમાં મજહબને પામવા, ખોજવા, કોણ જાણે કેટલાક વરસ રઘવાયો ફર્યો હશે…

મથીને મજહબનો મતલબ એણે ‘પ્રેમ’ એવો તારવ્યો અને પછી પ્રેમ નામના આ સોળવલા સોના જેવા શબ્દને ઉસ્માનભાઇએ ટીપી ટીપીને એટલો લાંબો ચોડો કરી વાળ્યો કે પનાદાર, લાંબી ચોડી માનવતા આવીને એ શબ્દમાં બેસી ગઇ. બસ ધર્મ, પ્રેમ, મજહબ એટલે માનવતા… માનવતા શાંતિ આપે, અભય આપે, ઉદારતા આપે…જેમાં રામ-રહીમનો એક સાથે વસવાટ હોય…!

ઉસ્માન ભગતે બસ, એને લાધેલો ટોકરબંધ આ માર્ગ અપનાવી લીધો. જેટલો આદર કુરાન માટે એટલો જ આદર માનવતાની, નીતિની, પ્રેમની, વાતો કરતી રામાયણ માટે. પીરની દરગાહમાં બેસીને ઉસ્માન ભગત રામાયણની ચોપાઇઓ લલકારે… કુરાનનાં છુપાં રહસ્યો પ્રગટ કરે.

સૂફીવાદના મર્મને સમજાવે… પીરની દરગાહમાં ઉસ્માન ભગતની રામાયણ ચોપાઇઓ ગવાતી હોય અને હિન્દુ-મુસ્લિમ શ્રોતાઓ ડોલતા હોય…! કોઇએ લાદેલા, ચડાવેલા, ગેરસમજનાં ફોતરાં ઊડતાં હોય. કુરાન અને પુરાણ વચ્ચેનું સામ્ય સમજાતું હોય… મનની સંકીર્ણતા દૂર થતી હોય.. ક્યારેક ક્યારેક આંખો પણ ભીની થતી હોય કે ઉસ્માન ભગતની આ વાતો, જ્યાં રમખાણો થાય છે ત્યાં સુધી પહોંચે તો સમાજ કેટલો સુખી થાય?

ઉસ્માન ભગતે પોતાની આસપાસમાં એવો તો એક માહોલ રચી દીધો કે કોમી ઉશ્કેરાટ વઢવાણના પાદરમાં પગ ન મૂકી શકે…!રામ અને રહીમનો આ બંદો, ફક્ત અડતાલીસ વરસની અવસ્થાએ જ્યારે આ દુનિયા છોડી ગયો. તે દિવસે વઢવાણના સમગ્ર સમાજે એક આપ્તજન ગુમાવ્યાનો વલોપાત અનુભવ્યોતો. ઉસ્માન ભગતના જનાજામાં ઉમટેલો વઢવાણનો સમૂહ તે દી’ તમામ મનાઇઓને ઓળંગીને ડૂસકે ચડ્યો હતો. ઉસ્માન ભગત અલ્લા કે ઇશ્વરના દરબારમાં જતા રહ્યા પણ એણે વાવેલાં માનવતાનાં, કરુણાનાં, અનુકંપાનાં બીજ ઊગીને છોડવા થઇ ગયાં હતાં…

હિન્દુ સમાજના ચાર યુવાનો સુરેશભાઇ, પ્રતાપસંગ, રાજુભાઇ અને દેવાતભાઇ ભેગા થયા. મોટા પીરની દરગાહમાં જ બેઠક રાખી. કોરમ પૂરું હતું અને એજન્ડા એક જ હતો. મજૂરી ભલે કરવી પડે, જરૂર પડે તો ભીખ પણ માગવી પણ આપણા ઉસ્માન ભગતના જીવતરને આપણે ઊજળું કરી દેખાડવું છે… એમણે પેટની ચિંતા કર્યા વગર આપણને જીવનભર રામાયણ સંભળાવી છે તો આપણે હવે એના દિવગંત આત્માને રામાયણ સંભળાવીએ. હજારો માણસોને દસ દસ દિવસ સુધી મંડપ બાંધીને માઇક વગાડીને ‘રઘુનાથ ગાથા’ સંભળાવીએ.

‘થઇ જાય! વિશાળ મંડપ હોય, માઇક હોય, વ્યાસપીઠ હોય અને આસપાસનો હજારોનો સમૂહ હોય. ભયો ભયો થાય…’ વાતને ચારેય મિત્રોએ ઉલ્લાસભર્યા હૈયે વધાવી પણ હાથ ખિસ્સામાં જતા થડકો હૈયામાં લાગ્યો… આટલા બધા રૂપિયા?

થોડીવાર આ યુવાનો ચૂપ રહ્યાં પણ ક્યાંકથી જાણે હોંકારો મળ્યો હોય એમ વળી પાછા અંકુરાયા: ‘થઇ જાશે. ભગત એવા ભાગ્યશાળી માણસ હતા કે એની પાછળનું સત્કાર્ય કોઇ દી’ નૈ અટકે… ચાલો આપણે સૌપ્રથમ ‘રઘુનાથ ગાથા’ કરી આપે એવા કથાકારને ગોતીએ.’

વિચારતાં વિચારતાં વલ્લભદાસ દૂધરેજિયાનું નામ હોઠે આવ્યું. હૈયે ઠર્યું અને ચડતા વિશ્વાસે યુવાનો વલ્લભદાસભાઇ પાસે ગયા. આખી વાત કરી અને પછી ચારેય જણનાં માથાં ધર્મની ધજા થઇને, જો કથાકાર હા પાડે તો લહેરાવા માટે ટાંપી રહ્યાં. ‘મુંઝાશો મા…!’ દૂધરેજિયા બોલ્યા: ‘મારે એક પણ પૈસો ન ખપે. દસ દિવસ રઘુનાથ ગાથા સૌને સંભળાવીશ… મારી ફરજ સમજીને સંભળાવીશ, કેમ કે ઉસ્માન ભગત રામાયણી હતા.’

‘વાહ બાપુ વાહ!’ ચારેય યુવાનો પગમાં વીજળી આંજીને નીકળી પડ્યા. કથાકાર તો મળી ગયા સોના જેવા. પણ હવે? ઘણું બધું બાકી છે. એનું શું? અને જે જે મળ્યાં એને વાત કરતાં રહ્યા: ‘અમે આપણા ઉસ્માન ભગત પાછળ ‘રઘુનાથ ગાથા’નું આયોજન કર્યું છે. કથાકાર મળી ગયા છે પણ હજી ઘણું બાકી છે. ઉસ્માન ભગત માટે પ્રેમ અને માયા હોય, એ અમને સાથ આપે. એક જ ધરતી ઉપર વસતા આપણા હિન્દુ અને મુસલમાનોના બે કિનારાને ઉસ્માન ભગતે પુલ બનીને જોડી આપ્યા છે. આપણો ઉસ્માન ભગત એક્સાથે ફકીર હતો અને સાધુ પણ હતો. અલ્લા અને ભગવાનને એક્સાથે વંદનાર, પૂજનાર એ આદમી માટે આપણે બને તે કરી છુટવું જોઇએ.’

‘સાંભળો મિત્રો!’ મંડપ સર્વિસવાળા એક ગૃહસ્થે આ ચારેયને પાસે બોલાવ્યા: ‘તમે રઘુનાથ ગાથાનું આયોજન કરતા હો તો હું મારો વિશાળ મંડપ, કેવળ મારી રોટી માટે ફક્ત સો રૂપિયાના ભાડામાં દસ દિવસ મફત આપીશ.’ યુવાનો ઉછળ્યા અને ઘૂમવા માંડ્યા… વાત વેગ પકડતી ગઇ. કાગળવાળા ફકીર મોહંમદભાઇએ યુવાનોને ચાનક ચડાવી: ‘પત્રિકામાં જેટલા જોઇએ એટલા કાગળ હું પૂરા પાડીશ…’ અને છાપી આપવાનું કામ મારું… ‘ગૌતમભાઇએ વચન આપ્યું… કહો એટલા હજાર… પત્રિકા મફતમાં છાપીશ… ઊડીને આંખે વળગે એવા રંગમાં અને ટાઇપમાં, કરો… કંકુના…’

પત્રિકાઓ છપાણી, શેરીએ શેરીએ, જાહેર સ્થળોએ વહેંચવા છોકરાઓ સેવામાં લાગી ગયાં. જે કોઇ મળે એને ‘રઘુનાથ ગાથા’ની પત્રિકા પકડાવે અને વિનંતી કરે: ‘બીજા બે ને વંચાવજો સાહેબ! ડૂચો વાળીને ફેંકી ન દેશો આમાં તો અમારા ઉસ્માન ભગત રામાયણીનું નામ છે…’

સૌએ વાંચી, અન્યને વંચાવી… સૌએ અહોભાવ અનુભવ્યો. ‘રઘુનાથ ગાથા’નું મુહૂર્ત અપાયું… શહેરની ચારેક સંસ્થાઓએ સાથે મળીને કથા સ્થળે વિપુલ પ્રમાણમાં માઇક, લાઇટની વ્યવસ્થા કરી આપી… દિવસ નજીક આવતો ગયો… ઉત્સાહ-ઉલ્લાસની વાદળીઓ ગોરંભાઇને વરસવા માંડી… ફરીદભાઇ અને હાજીભાઇ જેવા મુસ્લિમ ભાઇઓએ ધંધા-નોકરીમાં દસ દિવસની રજા મૂકીને કથા સ્થળે ખડા પગે ઊભા રહીને શ્રોતાઓની સેવા કરવાની ભક્તિ દેખાડી… ફક્ત રિક્ષા ભાડામાંથી કુટુંબનું ગુજરાન કરનાર અરુણભાઇ ગોહિલ નામના યુવાને દસે દસ દિવસ માટે ઘરનું પેટ્રોલ પુરાવીને કથા સાંભળનાર શ્રોતાઓને વગર ભાડે કથા સ્થળે પહોંચાડવાની પ્રતિજ્ઞા કરી…

કથા આરંભ થવાના આગલા દિવસે હિન્દુ અને મુસ્લિમ મિત્રોની સંયુક્ત મિટિંગ મળી… કથાના નિયમ મુજબ કથાના મુખ્ય યજમાન જાહેર થવા જોઇએ. કોને બનાવવા કથાના મુખ્ય યજમાન? ‘આપણે કોઇ વ્યક્તિને મુખ્ય યજમાન નહીં બનાવીએ’ હિન્દુ મિત્રોએ દરખાસ્ત કરી: ‘પણ આપણા ઉસ્માન ભગતના જીવનને ઉજળું અને સાર્થક બનાવે એવા જ મુખ્ય યજમાન શોભે. માટે મોટા પીરદાદાના પ્રતીક સમો હાથનો પંજો કથાના મંચ પાસે પધરાવીએ. સાથે ચાંદ તારાનો લીલો નેજો.’

મુસ્લિમ મિત્રોએ વાતને વધાવી અને પછી પોતાની ઉદારતાનો વટક વાળ્યો : ‘વ્યાસપીઠ ઉપર, પંજા પાસે ગણપતિ અને લક્ષ્મીજીને પણ પધરાવીએ.’ હિન્દુ એક ડગલું ઔર આગળ વધ્યા: ‘કથા મંડપને થાંભલે થાંભલે લીલી ધજાઓ ફરકાવીએ…’ મુસ્લિમ બિરાદરો કોઇપણ રીતે પાછળ રહેવા નહોતા માગતા એમણે કહ્યું: ‘અને એ લીલી ધજાઓની સાથે ભગવી ધજાઓ હોવી જોઇએ…’

‘કબૂલ, પણ કથાના મુખ્ય પ્રવેશદ્વારો અમે મોટા અક્ષરે બોર્ડ મુકાવીશું: જેમાં લખાવશું ‘યા યોગ ખિદમત કમિટી, મોટા પીરદાદા વઢવાણ-આપનું સ્વાગત કરે છે…’

‘અને કથા સ્થળનું નામ? ‘મુસ્લિમ મિત્ર હસ્યા: અમે કથા સ્થળનું નામ ‘અંજનીધામ’ રાખશું અને એનું મોટું બેનર લટકાવીશું.’ સર્વ સંમતિ સધાઇ ગઇ. એક બીજાને પીઠ ઠપકારીને શાબાશી અપાઇ. આખી બેઠકમાં આનંદ, ઉલ્લાસ,સમર્પણ, ઉદારતાની વાદળીઓ ઝરમરતી હતી. અહીં કોઇ નેતા નહોતા. કોમી એકતાના વાંઝિયા નારા નહોતા. ભાષણો નહોતાં… માઇક નહોતાં… અહીં તો માણસાઇ હતી. સ્વાર્થ વગરની. કલ્યાણમયી, સહચારની સુવાસમય માણસાઇ! રામ-રહીમે બક્ષેલી જિંદગીને રૂડી રીતે જીવી જવાની… માણસ તરીકે જન્મ્યા છીએ. માણસ તરીકે જીવી જવાની ભલમાનસાઇ ભરી માણસાઇ…!

કથાકાર વલ્લભદાસ દૂધરેજિયાએ હૃદયમાં ઝબોળેલા કંઠેથી એક મુસ્લિમ બેટાની ધર્મ સભાનતાને એના ધરતી સાથેના સાચા નેહને, એના પ્યારને, માનવતાની એની પૂજા અને બંદગીને એવાં તો રજૂ કર્યા કે સાંભળનારના જાતિ પાંતિના બલોયાં ઊતરી જાય…! કથા મંડપમાં એક્સાથે લહેરાતા ભગવા અને લીલા રંગે એક એવો અલાયદો રંગ પેદા કર્યો કે કોમી એકતાના નામે અત્યાર સુધી થયેલા ફટકિયા રંગના લપેડા ધોવાઇને ઊખડી ગયા…! ઉસ્માન ભગત રામાયણી જાણે સંદેશો આપે છે કે

‘મંદિર કો તોડ, મસ્જિદ કો તોડ, તો ન કોઇ મુઝાઇ કા હૈ,
મગર કિસકા દિલ મત તોડ બંદે! યહ ઘર પ્યારા ખુદા કા હૈ.’

(સત્યઘટના પર આધારિત)

તોરણ – નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!