દુનિયામાં કંઇજોવાં જેવું હોય તો તે હિમાલય છે. હિમાલયમાં ઘણાં બરફના શિખરો છે જેમાંનાં બહુજ ઓછાં ભારતમાં સ્થિત છે. વધારે એ નેપાળ અને તિબેટમાં આવેલાં છે. નેપાળ યાત્રા મેં વરસાદના સમયે કરી હતી પણ હું નસીબદાર હતો તે મને ધૌલાગીરી અને અન્નપુર્ણા જોવાં મળ્યા હતાં. આ મારી એક અને માત્ર એક વિદેશયાત્રા હતી. નગરકોટમાંથી દુર દેખાતાં. માઉન્ટ એવરેસ્ટનાં પણ દર્શન થયાં હતાં. એ મારી જિંદગીનો એક અભૂતપૂર્વ લ્હાવો હતો પણ મેં હિમાલય સૌપ્રથમ ૮૨ની સાલમાં જોયો હતો. બદ્રીનાથની યાત્રા દરમિયાન આ હિમાલયને મેં માત્ર જોયો જ નથી પણ માણ્યો છે અને મારામાં મેં એને આત્મસાત કર્યો છે !!! હિમાલય એટલે બધાંજ બરફના પહાડો એવું હું એ સમયે માનતો હતો પણ હિમાલયમાં બધે જ બરફના શિખરો નથી. એ સુંદર પર્વતો છે અને લીલોતરીથી ભરપુર અને ગાઢ જંગલોવાળા છે અને અત્યંત રમણીય છે. એ જ્યારે મેં નજરોનજર જોયું ત્યારે માની ગયો..
યાત્રા હંમેશા કઠિન જ હોય એનો પણ મને એ વખતે જ એહસાસ થયો. આ હિમાલય એ પવિત્ર હિમાલય છે. એ વખતે અત્યારે જેટલા સરસ રસ્તાઓ છે એવાં તો હતાં નહીં પણ સેનાની મહેરબાનીથી એ રસ્તાઓ તે વખતે પણ સારાં જ હતાં. બરફનાં શિખરો દૂર દેખાતાં જરૂર હતાં તે જોઇને હું આનંદિત થઇ ઉઠતો પણ જ્યારે નજીકથી બદરીનાથમાં માઉન્ટ નિલકંઠનાં દર્શન કર્યા ત્યારે જ મને લાગ્યું કે દુનિયાનું સાચું સ્વર્ગસુખ તો આ જ છે !!! બરફ રસ્તામાં પણ પડેલો હતો અમેય લપસ્યા હતાં !!!લપસવું એ તો માણસની ખાસિયત જ છે ને પણ ક્યાં અને કેવી રીતે એની જ ખબર ખાલી આપણને નથી હોતું ક્યારેક ક્યારેક લપસવું પણ આહલાદક લાગતું હોય છે. હિમાલયને જોયો-માણ્યો-અનુભવ્યો -આત્મસાત કર્યો. એ વખતે કેદારનાથ બંધ થઇ ગયું હતું એટલે એનાં દર્શન નાં કરી શક્યો એનો રંજ જરૂર છે મને પછી હું નેપાળ ગયો ત્યારે હિમાલય જોયો !!! આ બદ્રીનાથની યાત્રા દરમિયાન જ મેં જાણ્યું હતું કે આ તો ચાર ધામની યાત્રા છે
આમાં મેં ખાલી બદ્રીનાથની જ યાત્રા કરી છે આ ત્રણ હજી બાકીજ છે. એ જ્યારે જવાય ત્યારે સાચું પણ મેં એને વિષે બહુજ વાંચ્યું છે ફોટાઓ નેટ પરથી અઢળક લીધાં છે અને એ વિષે લખ્યું પણ છે……. જે જાણે હું ત્યાં ગયો જ હોઉં એવું મને લાગે છે !!! હિમાલયના હવા ખાવાના સ્થળોએ ગયો છું પણ બહુ ઓછો !!!
આ હિમાલય વિષે જેટલું વાંચીએ કે જેટલું લખીએ એટલું ઓછું પડે તેમ છે. વાંચતી વખતે મારાં ધ્યાનમાં પંચકેદાર પણ આવ્યું હતું એ વિષે મેં વિસ્તૃત માહિતી પણ એકઠી પણ કરેલી છે !!! એની માત્ર અલ્પ માહિતી આપી જ દઉં —–
- કેદારનાથ (ઊંચાઈ આશરે ૩૦૦૦ મીટર)
- તુંગનાથ (ઊંચાઈ ૩૬૮૦ મીટર એટલે કે ૧૨૦૭૦ ફૂટ)
- રુદ્રનાથ ( ઊંચાઈ ૨૨૮૬ મીટર એટલે કે ૭૫૦૦ ફૂટ)
- મધ્ય મહેશ્વર આથવા મદમહેશ્વર ( ૩૪૯૦ મીટર ૧૧૪૫૦ ફૂટ)
- કલ્પનાથ (ઊંચાઈ ૨૨૦૦ મીટર ૭૨૦૦ ફૂટ)
જયારે કૈલાસ માનસરોવર યાત્રામાં મહાદેવનું મંદિર નથી અને અમરનાથ યાત્રામાં અમરનાથની ગુફા છે જ્યાં બરફનું શિવલિંગ છે પણ શિવ મંદિર નથી
ઉત્તરાખંડમાં એક જીલ્લો છે ગઢવાલ ત્યાં એક ચોપટા નામનું ગામ અને જગ્યા છે. આ જગ્યાએ કદાચ તમે ગયાં પણ હશો કે ક્યાંક વાંચ્યું પણ હશે પણ તમને એ નામ યાદ તો નહિ જ રહ્યું હોય. એ જગ્યાએ કદાચ તમે ફોટો પણ પાડયા હશે. કદાચ એ જગ્યાએ તમે ય-ટ્યુબ પર અપલોડ કરવાં તમે વિડીયો પણ ઉતાર્યો હશે પછી શું …….. યાદ કરીને જ ખુશ થાવનું કે બીજું કંઇ !!! હવે આ જગ્યા તમે કોઈ ફિલ્મમાં જોઈ છે ખરી?
આમ તો એ ઘણી બધી ફિલ્મોમાં આવે છે પણ એ કંઇ યાદ રહેતું નથી. પણ હમણાં જ થોડા સમયમાં એક ફિલ્મ આવી હતી. જી હા એ ગુજરાતી ફિલ્મ હતી …..અને વારંવાર જોવી ગમે એવી. એ ફિલ્મમાં જયારે આ ચોપટા વિશાળ પડદા પર સિનેમાઘરમાં નિહાળ્યું ત્યારે મારાં સહિત બધાનું ધ્યાન આ ચોપટા પર ખેંચાયું. શું સુંદર જગ્યા છે શું સુંદર ફિલ્માંકન થયું છે આ જગ્યાનું એ ફિલ્મમાં.. મન પ્રફુલ્લિત થઇ ગયું આ જગ્યા અને તુંગનાથ અને કેદારનાથનાં દર્શન કરીને.. હવે કઈ યાદ આવ્યું ખરું !!! ચલો …… ચલો …….. તમને કહી જ દઉં છું એ ફિલ્મનું નામ.. એ ફિલ્મનું નામ છે ——– ચાલ જીવી લઈએ !!! આ ફિલ્મે બધાંની વાહ વાહ મેળવી અને બધાંનું જ ધ્યાન આ જગ્યા અને તુંગનાથ મહાદેવ મંદિર તરફ ખેંચાયું !!! આ જગ્યા તો પહેલેથી જ જાણીતી હતી માત્ર આપણી નજર બહાર ગયું હતું એટલું જ !!!
ચોપટાથી જ જવાય છે તુંગનાથ અને એ પણ પગપાળા કારણકે ત્યાં બસ નથી જતી રસ્તો હોય તો વાહન જાય ને !!! વળી આ મંદિરમાં પગથિયાં ચડીને જવાનું હોય છે. ખાસી ઉંચાઈએ છે એટલે ત્યાં જતા પગની પણ કઢી જ થઇ જાય. આ મંદિર એ દુનિયામાં સૌથી ઊંચાઈ પર આવેલું મહાદેવ મંદિર છે. એની ઊંચાઈ આમ તો ઘણી જ છે પણ એની બાંધકામની ઊંચાઈને લીધે નહિ પણ સૌથી વધારે ઊંચાઈ પર સ્થિત છે એટલે એ જગમશહૂર બન્યું છે. આ મંદિરની યાત્રા એ પંચ કેદારમાં જે ક્રમ દર્શાવેલાં છે એજ પ્રમાણે કરવાની હોય છે અને એ યમુનોત્રી જતાં રસ્તામાં જ આવે છે પણ આની અલગ યાત્રા પણ થઇ જ શકે છે જો સમય હોય તો !!!
આ મંદિર એ “ટોંગનાથ પર્વત “માં જ સૌથી ઊંચાઈ પર આવેલું પંચકેદારમાનું એક મંદિર છે. ટોંગનાથ કે તુંગનાથનો અર્થ થાય છે ચોટીઓ એટલેકે શિખરોના સ્વામી. આ પર્વતમાળામાં મંદાકિની અને અલકનંદા ઘાટીઓનું નિર્માણ થતું હોય છે. આ મંદિર આશરે ૧૦૦૦ વર્ષ કરતાં પણ વધુ પુરાણું છે એવું માનવામાં આવે છે અને આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત છે. આ મંદિરમાં ભગવાન શિવજીને “પંચકેદાર” રૂપમાં પૂજવામાં આવે છે !!! તુંગનાથ મંદિર એ કેદારનાથ અને બદ્રીનાથ મંદિરની વચમાં જ સ્થિત છે. આ મંદિર પંચકેદારનાં ક્રમમાં બીજાં સ્થાને છે !!! હિમાલય પર્વતની ખુબસુરત પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે બનેલું આ મંદિર તીર્થયાત્રીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને હજી પણ બનતું જ રહેશે !!! ચારધામની યાત્રા કરનારાઓ યાત્રીઓ- પ્રવાસીઓ માટે આ મંદિર બહુ જ મહત્વપૂર્ણ છે. મંદિરના પ્રવેશદ્વાર પર ભગવાન શિવજીના વાહન અને એમનાં પરમ ભક્ત “નંદી”ની મૂર્તિ નિર્મિત છે. જે આ પવિત્ર સ્થાનું સતત દર્શન કરતાં જ રહેતાં હોય છે !!! આ મંદિરના પુજારી મક્કામાધ ગામનાં સ્થાનીય બ્રાહ્મણ હોય છે કોઈ એમ કહે છે કે આપૂજનનો અધિકાર બંગાળનાં ખાસી બ્રાહ્મણો પાસે છે !!! એવું પણ કહેવાય છે કે આ બ્રાહ્મણો અહીં વર્ષો પહેલાં પૂજારીનું જ કામ કરતાં હતાં !!
તુંગનાથ મંદિરની વાસ્તુશિલ્પ શૈલી ગુપ્તકાશી, મધ્ય મહેશ્વર અને કેદારનાથનાં જ્યોતિર્લિંગને બિલકુલ મળતી આવે છે. મંદિર ની વાસ્તુકલા ઉત્તરી ભારતીય શૈલીથી નિર્મિત છે અને મંદિરની આસપાસ અનેક દેવતાઓનાં ઘણાં નાનાં -નાનાં મંદિરો સ્થિત છે. મંદિરનો પવિત્ર ભાગ એક મોટો કાળો પથ્થર છે, જે સ્વયંમંડલ અથવા સ્વયંભુ લિંગ છે !!! મંદિરમાં વાડાની અંદર સ્થિત મંદિર પથ્થરોનું બનેલું હોય છે અને એની બારની તરફ એમાં ચિત્રો દોરાયેલાં કે શિલ્પો કોતરાયેલા હોય છે !!! મંદિરની છતને પણ પથ્થરોનાં સ્લેબથી બનવવામાં આવતી હોય છે. મંદિરનાં પ્રવેશદ્વારની જમણી બાજુ ભગવાન ગણેશજીની એક મૂર્તિ છે. મંદિરનાં મુખ્ય પરિસરમાં કાલ ભૈરવ અને મહર્ષિ વેદવ્યાસની અષ્ટધાતુની બનેલી મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. મંદિરમાં પાંડવોની મૂર્તિઓ અને અન્ય ચાર મંદિરોનાં ચાંદીનાં ચકચકાટ ટુકડાઓથી સજાવેલી છે !!!
દેવી પાર્વતી (ભગવાન શિવજીનાં પત્ની )એક નાનનું મંદિર અને પંચકેદારને સમર્પિત પાંચ નાનાં નાનાં મંદિરોનો સમૂહ પણ છે જેમાં તુંગનાથ મહાદેવ પણ શામિલ છે !!! પંચકેદારમાં પહોંચવા માટે પગપાળા જ જવાનું હોય છે કારણકે બધાંજ કેદાર ઘણી ઉંચાઈ પર સ્થિત છે અને રસ્તો કઠિન અને રમણીય છે !!! શિયાળામાં આ બધા કેદાર બંધ હોય છે કારણકે એ સમયે આ આખું ક્ષેત્ર બરફથી ઢંકાયેલું હોય છે.
તુંગનાથ મંદિરની પૌરાણિક કથા —–
તુંગનાથ મંદિર માટે એમ કહેવાય છે કે આ મંદિર પાંડવો દ્વારા ભગવાન શિવજીને પ્રસન્ન કરવાં માટે બનાવવામાં આવ્યું હતું. જેઓ કૃરુક્ષેત્રમાં બહુ મોટી સંખ્યામાં થએલા યુદ્ધનાં રક્તપાતથી નારાજ હતાં. આ મંદિરનાં નિર્માણનો શ્રેય અર્જુનને જાય છે. અર્જુને ગંગાનાં આ પવિત્રસ્થાનમાં સ્થિત ભગવાનનાં શસ્ત્રોનું પ્રતિનિધિત્વ કરવાંવાળાં લિંગમ મંડલની સાથે આ મંદિરનું નિર્માણ કર્યું હતું !!!
બીજી એક કથા અનુસાર ભગવાન રામે જ્યારે રાવણનો વધ કર્યો હતો ત્યારે ભગવાન રામે પોતાને બ્રહ્મહત્યાનાં શ્રાપથી મુક્ત કરવાં માટે એમણે અહીંયા ભગવાન શિવજીની કઠોર તપસ્યા કરી હતી ત્યારથી જ આ સ્થાનનું નામ “ચંદ્રશીલા ” પ્રસિદ્ધ થઇ ગયું !!!
આ મંદિરમાં ભગવાન શિવજીના હાથની પૂજા કરવામાં આવે છે જે વાસ્તુકલા અનુસાર ઉત્તર ભારતીય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરનાં મુખ્ય પ્રવેશદ્વાર પર નંદીની પથ્થરની મૂર્તિ છે જે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવજીનું વાહન છે
તુંગનાથ પંચકેદારમાનું એક માનવામાં આવે છે. આ મંદિર આગળ કહ્યું તેમ લગભગ ૧૦૦૦ વર્ષ પુરાણું છે અને આ મંદિરની સ્થાપના પાંડવોએ એટલેકે અર્જુને કરી હતી. હિંદુ ધર્મના મહાન મહાકાવ્ય મહાભારત અનુસાર પાંડવોએ જયારે પોતાનાં જ ગોત્ર ભાઈઓ (કૌરવોની) હત્યા કરી અને યુદ્ધ જીત્યું હતું ત્યારે ભગવાન શિવજી એમનાંથી નારાજ થઇ ગયાં હતાં અને પાંડવો પર ગોત્ર વંશની હત્યાનો દોષ લાગી ગયો હતો. મહર્ષિ વેદ વ્યાસજીના કહેવાં પર જ પાંડવો ભગવાન શિવજીના દર્શન કરવાં કેદારખંડ આવ્યાં હતાં
કેદારખંડ એટલે શિવજીની માનીતી – પોતાની જ ભૂમિ જેને આજે આપણે ઉત્તરાખંડ તરીકે ઓળખીએ છીએ. ભગવાન શિવજી આમ તો દર્શન આપવાં નહોતાં માંગતા અને પાંડવો ભગવાન શિવજીના દર્શન કર્યા વગર જ જતાં રહેવાનાં હતાં. એવામાં પાંડવોએ આખું કેદારખંડ ઘૂમી લીધું. એક દિવસ ભગવાન શિવજીનો પીછો કરતાં કરતાં પાંડવો એક ઘાટીમાં પહોંચ્યા જ્યાં બહુજ બધાં બળદો ચરતાં હતાં !!! આ બળદો જોઇને જ ભગવાન શિવજીએ બળદ (વૃષભ)નું રૂપ ધારણ કરી લીધું !!! મહાબલી ભીમે ભગવાન શિવજીને ઓળખી લીધાં અને બળદરૂપી ભગવાન શિવજીને પકડી લીધાં. બળદ રૂપી ભગવાન શિવ ધીરે ધીરે અદ્રશ્ય થવાં લાગ્યાં અને બળદનો આગળનો ભાગ પશુપતિનાથમાં નીકળ્યો. કેદારનાથમાં બળદનો ઉપરી ભાગ અને મધ્ય મહેશ્વરમાં નીચેનો ભાગ (નાભિ) તો તુંગનાથમાં ભુજા અને ઉદારનો ભાગ અને રુદ્ર્નાથમાં મોં અને કલ્પેશ્વરમાં જટાઓ !!! આ બધે આજ ભાગોની આજે પણ પૂજા થાય છે !!! પછીથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ પાંડવોને દર્શન કરાવ્યાંઅને એમણે દોષમાંથી મુક્ત પણ કર્યા !!!
આ આખો વિસ્તાર એ પંચકેદારનાં નામે જાણીતો થયો. ઋષિકેશથી શ્રીનગર (ગઢવાલ) થઈને અલકનંદાનાં કિનારે -કિનારે યાત્રા આગળ વધતી હોય છે. રુદ્રપ્રયાગ પહોંચ્યા પછી જો ઉખીમઠનો રસ્તો લેવાનો હોય તો અલકનંદાને છોડીને મંદાકિની ઘાટીમાં પ્રવેશ કરવાનો હોય છે. અહીંથી માર્ગ સાંકડો અને ચઢાણવાળો હોય છે એટલાં માટે વહન ચાલકે બહુજ સાવધાની પૂર્વક વાહન ચલાવવું પડે છે. જો કે કોઈ ગુજરાતી વાહનચાલકો ત્યાં ચાલતાં નથી !!!
માર્ગ અત્યંત લોભામણો અને મનમોહક છે આગળ જતાં અગત્સ્ય મુની નામનો એક નાનકડું કસ્બા છે જ્યાંથી હિમાલયની નંદાખાટ ચોટી (શિખર)નું દર્શન કરી શકાય છે !!!
ચોપટા તરફ આગળ વધતાં રસ્તામાં વાંસ અને બુરાંશનું બહુજ ગાઢજંગલ અને અત્યંત મનોહારી દ્રશ્ય પર્યટકોનું અત્યંત પ્રિય છે !! આ ચોપટા એ સમુદ્રતલથી બાર હજાર ફૂટ ઊંચાઈ પર સ્થિત છે. અહીંથી ૩ કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યા પછી ૧૩૦૦૦ ફૂટની ઊંચાઈ પર તુંગનાથ મંદિર છે. જે પંચકેદારમાંનું એક છે અને જે વિશ્વનું ઊંચાઈ પર સ્થિત છે એ શિવમંદિર આવે છે. ચોપટાથી ત્રણ કિલોમીટરની આ પદયાત્રા દરમિયાન બુગ્યાલો એટલેકે અમુક ઊંચાઈ સર કર્યા પછી ઘાસનાં મેદાનો આવે છે. જ્યાં ઝાડ ના હોય પણ ઘાસનું મેદાન હોય અને શિખરની ટોચ પર હોય. આવાં ઘાસનાં મેદાનો એ ૮-૧૦ હજાર ફૂટની ઊંચાઈ પછી જ આવે જેને બિયોન્ડ ટ્રી લેવલ કે નો ટ્રી લેન્ડ કહેવાય છે !!! આનાથી ઉંચે કશું જ નાં હોય અને જવાય પણ નહિ હા બીજાં પહાડો પર જરૂર જઈ શકાય
આ મેદાનોની વિશેષતા એ હોય છે કે એ સીધાં-સપાટ નથી હોતાં પણ ઢળતાં હોય છે !!! એણે સીધીસાદી સરળ ભાષામાં કહીએ તો ઝાડ અને હિમશિખરો વચ્ચેનું મેદાન એવું પણ કહી શકાય. એની એક આગવી વિશેષતા એ છે કે એ દર સિઝનમાં એ રંગ બદલતાં હોય છે ને નોખાજ તરી આવતાં હોય છે !!! આવા બુગ્યાલો એ આ ગઢવાલ હિમાલયની જ ખાસિયત છે. ઠેર ઠેર આવા બુગ્યાલો જોવાં મળે છે. એ વિષે તો લાંબો લેખ થઇ શકે પણ એની જરૂર નથી અહીં !!! એને માટે આટલું જ અહી પુરતું છે એને માટે ગઢવાલમાં આ બુગ્યાલો કહેવાય છે. એની સુંદરતાનો સાક્ષાત્કાર એટલે જાણે જીવતું જાગતું સ્વર્ગ આને જ માટે ભારતનું સ્વીટઝરલેન્ડ પણ કહેવાય છે. મારી દ્રષ્ટીએ સ્વીટઝરલેન્ડને યુરોપનું હિમાલય કહેવું યથાયોગ્ય ગણાશે કારણકે આ હિમાલય એ આલ્પ્સ કરતાં મોટો પણ છે અને અતિપ્રાચીન પણ !!! આ પ્રાચીન શિવ મંદિરથી દોઢ કિલોમીટર ઉંચે ચડયા પછી ૧૪૦૦૦ ફૂટ પર ચંદ્રશીલા નામનું એક શિખર છે. અહીંથી હિમાલયને અડી શકાય એવું યથાયોગ્ય હિમાલયનું વિરાટ સ્વરૂપ કોઈને પણ હતપ્રભ કરી જ શકે છે. ચારે તરફ પ્રસરેલા સન્નાટામાં એવું લાગે છે કે જાણે આપણે અને પ્રકૃતિ એક પ્રકારનું ધ્યાન ધરતાં તાદાત્મ્ય સાધતાં નજરે પડે છે
ચોપટા થી ગોપેશ્વર જવાનાં માર્ગ ઉપર કસ્તુરી મૃગ પ્રજનન ફાર્મ છે. અહીંયા કસ્તુરી મૃગોની સુંદરતાને મન ભરીને માણી શકાય છે – જોઈ શકાય છે !!! માર્ચ-એપ્રિલ મહિનામાં આ સમગ્ર માર્ગ પર બુરાંશનાં ફૂલો જાને પોતાની એક ચાદર બિછાવીને નાં પડયાં હોય એવું લાગે છે !!! જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં આખું ક્ષેત્ર બરફથી જ ઢંકાયેલુંજ રહેતું હોય છે
ચોપટા વિષે બ્રિટીશ કમિશ્નર એટકીન્સને કહ્યું હતું કે —— જે વ્યક્તિએ પોતાનાં જીવનકાળ દરમિયાન ચોપટા નથી જોયું એનો આ પૃથ્વી પર જન્મ લેવો જ વ્યર્થ છે. એટકીન્સનની આ ઉક્તિ જરાય અતિશયોક્તિ ભરેલી નથી. ચાલ જીવી લઈએ જોયાં પછી એ વાત મને સાચી જ લાગી છે. કુદરતનું સૌન્દર્ય આ જગ્યાએ એની ચરમ સીમાએ ભારોભાર ભરેલું છે એમ જરૂરથી કહી શકાય એમ છે !!! કોઈ પણ પર્યટક માટે આ યાત્રા રોમાંચપૂર્ણ અને મનોહારી અને પાવનકારી છે જ એમાં બેમત નથી જ નથી !!!
તુંગનાથ મહાદેવ મંદિરનાં કેટલાંક રોચક તથ્યો અને એ જગ્યાનું મહાત્મ્ય ———-
[૧] તુંગનાથ પંચકેદારોમાંનું તૃતીય કેદાર છે જ્યાં શંકરભગવાનની ભુજાઓની પૂજા થાય છે
[૨] આને સપ્ત તારા પર્વત પર સ્થિત કહેવામાં આવે છે કારણકે સપ્ત ઋષિઓ એવં તારાગણોએ અહીંયા શિવ પાર્વતીનું તપ કરીને ઊંચાઈ પર રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું
[૩] આ પૃથ્વી પર સૌથી ઊંચાઈ પર સ્થિત શિવાલય છે જે સમુદ્રતલથી ૩૭૫૦ મીટરઉંચાઈએ છે. આનાથી પણ ઉપર ૧.૫૦ કિલોમીટર ઊંચાઈ પર ચંદ્રશિલા નામનું શિખર છે જ્યાં ભગવાન શ્રી રામે બ્રહ્મહત્યાનાં પાપમાંથી મુક્તિ મેળવવા માટે તપ કર્યું હતું !!! આટલી ઊંચાઈ પર હોવાં છતાં પણ આ પંચકેદારોમાં સૌથી સુગમ સ્થાન છે !!!
[૪] અહીંયાથી બદ્રીનાથ, પંચચૂલી, બંદર પૂંછ , હાથી પર્વત અને કેદારનાથ આદિ અનેક હિમાલય સ્થાનોનાં દર્શન થાય છે.
[૫] અહીંયા વગર પુછડીના ઉંદરો જોવા પણ મળે છે જેને રુંડા કહેવામાં આવે છે
[૬] અહીંયા ગુલાબી બુરાંસસિવાય સફેદ બુરાંસ પણ જોવાં મળે છે.
[૭] તૃતીય કેદાર ભગવાન તુંગનાથ મંદિરનાં કપાટ શીતકાલ દરમિયાન બંધ કરી દેવામાં આવે છે.
[૮] અહીં સુધી ઉખીમઠથી ૨૮ કિલોમીટર ચોપટા મોટર માર્ગે અને ત્યાંથી ૪ કિલોમીટર પગપાળા પ્રવાસ કરવાનો રહેતો હોય છે !!!
[૯] અહીંનું એડ્રેસ છે ——-
તુંગનાથ —– પત્રાલય – ચોપટા, તાલુકો – ઉખીમઠ, જીલ્લો – રુદ્રપ્રયાગ. ઉત્તરાખંડ !!!
મહાત્મ્ય ——-
સ્કંદપુરાણ -કેદાર ખંડ – અધ્યાય ૪૯
૪૪ શ્લોકો અનુસાર તુંગનાથ મહાદેવનું સંક્ષિપ્ત મહાત્મ્ય —–
મહાદેવજી પાર્વતીને કહે છે ——-
” હે દેવી …….તુંગનાથ શિવલિંગમાં જળનું પ્રત્યેક બુંદ અથવા પ્રતિકણનાં પુણ્યથી સહસ્ર વર્ષો સુધી શિવલોકમાં વાસ હોય છે !!!અહીંયાનાં મહાત્મ્યનું વર્ણન કરવાની કોઈનામાં શક્તિ નથી. એક વાર ધર્મદત્ત નામનો વેદાંતનો પારગામી બ્રાહ્મણ હતો. એનો એક પુત્ર હતો કર્મશર્મા નામનો જે બાળપણથી જ કુમાર્ગે ચઢેલો હતો અને એની પુત્રી પણ જે અતિસુંદર હોવાં છતાં વ્યભિચારિણીઓની સંગતમાં એ આડે માર્ગે જતી રહી. ધર્મદત્ત આ ખરાબ સમયમાં મૃત્યુ પામ્યો. કર્મશર્માએ પોતાના પિતાની સારી ધનસંપત્તિ કુકર્મોમાં ખર્ચી નાંખી. જયારે એનાં બંધુ – બાંધવોએ પણ એને ત્યાગી દીધો તો એ પરદેશ જતો રહ્યો. એની બેન વેશ્યા બની ગઈ અને એવાં જ કર્મો કરવાં કોઈની સાથે ભાગીને જતી રહી !!!
દેશાંતરમાં એનું આ કુકર્મ પ્રસિદ્ધ થયું અને દૈવયોગથી કાલાંતરમાં કર્મશર્મા પણ એ નગરમાં ગયો જ્યાં એ રહેતી હતી. પછી એ બંને અજ્ઞાનાવૃત્ત થઈને પતિ-પત્નીની જેમ વ્યભિચારમાં રત રહ્યાં. કેટલાંક સમય પછી કર્મશર્માએ મધ્યરાત્રીમાં નિર્જન વનમાં વાઘે એને મારી નાંખ્યો. યમદૂત પાશ લઈને એના પ્રાણ લેવાં આવ્યાં એટલામાં એક ક્ષુધાપિપાસાથી પીડિત એક કાગડો પ્રસન્ન થઈને એનું માંસ લેવાં ત્યાં પહોંચ્યો. દૈવયોગથી કર્મશર્માનાં હાડકાંનો ટુકડો ચાંચમાં લઈને એ તુંગનાથ ક્ષેત્રમાં પહોંચી ગયો. એ અસ્થિખંડનાં માણસને ખાઈને એ કાગડાએ એ ટુકડો એ જ તુંગક્ષેત્રમાં છોડી દીધો !!! હવે તો એ અમારાંક્ષેત્રમાં કર્મશર્માની અસ્થિ પડતાંની સાથે જ એ નિષ્પાપ થઇ ગયો અને મારાં ગણ નંદી,ભૃંગી આદિ એણે લેવાં પહોંચ્યા !!!
પછી એ બધાં એણે યમદૂતોથી મુક્ત કરાવીને અને એણે સાથે લઈને કૈલાસ ધામ ઉપસ્થિત થયાં. અનેક સહસ્ર વર્ષ પર્યંત મારો નિકટ વાસ કરીને એ સમય જોઇને ધર્માત્મા રાજા થયો. આ પ્રકારે અસ્થિ પતન માત્રથી એ પાપી મુક્ત થયો !! જે મનુષ્ય એકવાર પણ તુંગક્ષેત્રનું દર્શન કરે છે પછી એનું મૃત્યુ જ્યાં પણ થાય એને અવશ્ય સદગતિ પ્રાપ્ત થાય છે.
પછી આકાશગંગાનું મહાત્મ્ય બતાવીને શંકર ભગવાન પાર્વતીજીને કહે છે ——–
તુંગનાથસ્ય મહાત્મ્યં ય : પઠેચ્છુણુયાદપિ !
સ: સર્વેશુ ચ તીર્થેશુ ગતો ભવતિ પાર્વતિ !!
સ્કંદ પુરાણ , કેદાર ખંડ અધ્યાય ૫૦ શ્લોક – ૧૬
જે વ્યક્તિ તુંગનાથનું માહત્મ્ય વાંચશે અથવા એનું શ્રવણ કરશે
હે પાર્વતિ ….. એને સમસ્ત તીર્થોની યાત્રા કરવાનું ફળ મળશે !!!
ટૂંકમાં —- આવી સુંદર જગ્યાએ જવાં માટે મન લલચાયાં વગર રહે જ નહીં. હવે તો એ યાત્રા પણ સુગમ બની છે અને ગુજરાતમાંથી જ ઘણી ટૂરો ચારધામ યાત્રા કરાવે છે જ. એ લોકોની સગવડ પણ સારી હોય છે એટલે ત્યાં જવામાં કોઈ જ ઢીલ ના કરશો અને સ્વીટઝરલેન્ડ તો બધાં કઈ જઈ શકતાં જ નથી. એનાય બાપ જેવી આ યાત્રા જીવનમાં એક વાર તો કરવી જ જોઈએ. તો જ આપણા સૌનું જીવન સફળ થયું ગણાશે તો સૌ જઈ જ આવજો એકવાર !!!
———- ઓમ નમઃ શિવાય ————-
————– હર હર મહાદેવ —————-
———- જનમેજય અધ્વર્યુ.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..