શ્રી બદ્રીનાથ – ચાર ધામ યાત્રાનું અંતિમધામ

જે હિમાલય હરિદ્વારથી દૂર ફેલાયેલો નજરે પડે છે. એ હિમાલય ઋષિકેશથી નજીક જ લાગે છે. કારણકે હિમાલયની શરૂઆત જ અહીંથી શરુ થાય છે. આમ તો ચારધામની યાત્રામાં ગંગોત્રી -યમુનોત્રી અને કેદારનાથ મુખ્ય રસ્તાની બીજી તરફ છે. જ્યારે બદ્રીનાથ જવાનો રસ્તો સીધો જ છે એટલે કે મુખ્ય રસ્તો છે નેશનલ હાઈવે ૭. એમ તો લાંબા રસ્તે હાઈવે ૫૩૪ પરથી પણ બદ્રીનાથ પહોંચી શકાય છે.

મહાત્મ્ય અને મનોહર યાત્રાધામ એટલે બદ્રીનાથ. નીલકંઠ બર્ફિલા પહાડની સોડમાં આવેલું ખળખળ વહેતી નિર્મળ સ્ફટિક જેવાં પાણીવાળી અલકનંદાને તીરે આવેલું છે આ બદ્રીનાથ.. બદ્રીનાથ એ નેશનલ હાઈવે ૭ નું અંતિમ સ્થાન છે. બદ્રીનાથની આજુબાજુ પહાડો જ છે. વનરાજી થોડે દૂર છે પણ લાગે છે બહુજ મનોહારી.. સવારના ૪-૫ વાગે નીલકંઠ શિખર બહુજ સરસ લાગે છે. જાણે એમ જ લાગે કે આપણે ચંદ્ર પર હોઈએ !!!! એટલું સરસ દ્રશ્ય હોય છે એ

અલકનંદાનો બ્રિજપસાર કરીએ એટલે બહુજ સરસ અને અને વિશાલ બદ્રીનાથનું મંદિર આવે. એટલે જ આ મંદિરને બદરી વિશાલ કહેવામાં આવે છે. ઠંડી હિમગાર અલકનંદા પાસે જ ગરમ પાણીના કુંડો છે. એમાં નાહ્યા પછી જ મંદિર માણવાની બહુજ મજા આવે !!!! બદ્રીનાથથી આગળ પહાડી નંદાદેવી નેશનલ પાર્ક આવે અને પછી ચીનની સરહદ !!!! ઉત્તરાપથનું યાત્રાધામ અનેક પર્વતીયરસ્તાઓ અને નયનરમ્ય પહાડોની મજા માણતા બહુ જ આસનીથી ત્યાં પહોંચી શકાય છે. જે જોવાનું છે એ તો મુસાફરીમાં બહાર દેખાતી હિમાલયની પ્રકૃતિ, બાકી દર્શન બહુ દુર્લભ નથી જ !!!! આ બદ્રીનાથ એ ભારતનાં ચાર ધામો માનું પણ એક છે અને ચાર મઠોમાનું પણ એક છે !!!!! આ બદરી વિશાલનું મંદિર છે બહુ જ સરસ !!!!

 

બદરી નારાયણ મંદિર જેને બદ્રીનાથ પણ કહેવાય છે એ અલક્નંદા નદીને કિનારે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું યાત્રાધામ છે. નર નારાયણની ગોદમાં વસેલું બદ્રીનાથ નીલકંઠ પર્વતનો પાર્શ્વ ભાગ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મદિર આદિગુરુ શંકરાચાર્ય દ્વારા ચારે ધામમાંથી એકનાં રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.
આ મંદિર ત્રણ ભાગોમાં વિભાજિત છે

[૧] ગર્ભગૃહ
[૨] દર્શનમંડપ
[૩] સભામંડપ

મંદિર પરિસરમાં ૧૫ મૂર્તિઓ છે ,એમાં પ્રમુખ છે ભગવાન વિષ્ણુની એક મીટર ઉંચી કાળા પથ્થરની પ્રતિમા છે. અહીંયા ભગવાન વિષ્ણુ ધ્યાનમગ્ન મુદ્રામાં સુશોભિત છે !!! જેમની જમણી બાજુએ કુબેર, લક્ષ્મી અને નારાયણની મૂર્તિઓ છે. બદ્રીનાથને ધરતી પરનું વૈકુંઠ પણ કહેવામાં આવે છે. શંકરાચાર્યની વ્યવસ્થા અનુસાર બદ્રીનાથ મંદિરનાં મુખ્ય પુજારી દક્ષિણભારતના કેરળ રાજ્યમાંથી હોય છે. મંદિર એપ્રિલ-મેથી ઓક્ટોબર-નવેમ્બર સુધી મંદિર દર્શનાર્થી માટે ખુલ્લું રહે છે.

શ્રી વિશાલ બદ્રી ———

શ્રી વિશાલ બદ્રીનાથ ધામમાં શ્રી બદરીનારાયણ ભગવાનનાં પાંચ સ્વરૂપોની પૂજા-અર્ચના થાય છે. વિષ્ણુનાં આ પાંચ સ્વરૂપોને “પંચ બદ્રી”નાં નામથી પણ ઓળખવામાં આવે છે. બદ્રીનાથનાં મુખ્યમંદિર સિવાય ચાર બદ્રીઓનાં મંદિરો પણ અહીં સ્થાપિત છે. શ્રી વિશાલ બદ્રી પંચ બદ્રીઓમાં મુખ્ય છે. એમની દેવ સ્તુતિનું પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે !!!

બ્રહ્મા, ધર્મરાજ અને ત્રિમૂર્તિનાં બંને પુત્ર નરની સાથે નારાયણે પણ બદ્રીનામનાં વનમાં તપસ્યા કરી ,જેમાં ઇન્દ્રનો ઘમંડ ચકનાચૂર થઇ ગયો. એનાં પછીથી આજ નર નારાયણ દ્વાપર યુગમાં કૃષ્ણ અને અર્જુનના રૂપમાં અવતરિત થયાં. જેને આપણે વિશાલ બદ્રીનાં નામે જાણીએ છીએ !!! આ સિવાય શ્રી યોગધ્યાન બદ્રી, શ્રી ભવિષ્ય બદ્રી, શ્રી વૃદ્ધ બદ્રી અને શ્રી આદિ બદ્રી આ બધા રૂપોમાં ભગવાન બદ્રીનાથ અહીંયા નિવાસ કરે છે !!!

પૌરાણિક માન્યતાઓ  ——-

કહેવાય છે કે જયારે ગંગા દેવી પૃથ્વી પર અવતરિત થઇ તો પૃથ્વીનો પ્રબળ વેગ એ સહન નાં કરી શકી. ગંગાની ધારા ૧૨ જલધારાઓમાં વિભક્ત થઇ. એમાંથી એક છે અલકનંદાનો ઉદગમ  ……… આ જ સ્થળ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન બન્યું અને બદ્રીનાથ કહેવાયું.

એક અન્ય માન્યતા છે કે પ્રાચીનકાળમાં આ સ્થળ જંગલી બોરોથી ભરેલું રહેવાનાં કારણે એને બદ્રીવન પણ કહેવામાં આવતું હતું.. કહેવાય છે કે કોઈ ગુફામાં વેદવ્યાસે મહાભારત લખ્યું હતું અને પાંડવોનો સ્વર્ગ જતાં પહેલાંનો અંતીમ પડાવ હતો જ્યાં તેઓ રોકાયા હતાં.

લોકકથા  ———–

પૌરાણિક કથાઓ અને અહીંની લોકકથાઓ અનુસાર અહીં નીલકંઠ પર્વત સમીપ ભગવાન વિષ્ણુએ બાળરૂપમાં અવતરણ કર્યું હતું. આ સ્થાન પહેલાં શિવ ભૂમિ (કેદાર ભૂમિ)નાં રૂપમાં વ્યવસ્થિત હતું. ભગવાન વિષ્ણુજી પોતાનાં ધ્યાનયોગ હેતુ સ્થાન શોધી રહ્યાં હતાં અને અલકનંદા નદી સમીપ આ સ્થાન એમને બહુજ ગમી ગયું. એમણે વર્તમાન ચરણપાદુકા સ્થળ પર (નીલકંઠ પર્વતની સમીપ) ઋષિ ગંગા અને અલકનંદા નદીનાં સંગમની નજીક બાળ રૂપમાં અવતરણ કર્યું અને ક્રંદન કરવાં લાગ્યાં !!!

એમનું રુદન સાંભળીને માતા પાર્વતીનું હૃદય દ્રવિત થઇ ઉઠયું પછી માતા પાર્વતી અને ભગવાન શિવજી સ્વયં એ બાળકની સમીપ ઉપસ્થિત થઇ ગયાં.. માટે પૂછ્યું બાળક તારે શું જોઈએ છે? તો બાલકે ધ્યાનયોગ કરવાનાં હેતુસર આ સ્થાન માંગી લીધું !!! આ રીતે રૂપ બદલીને ભગવાન વિષ્ણુએ શિવ -પાર્વતી પાસેથી આ સ્થાન પોતાનાં ધ્યાનયોગ હેતુસર પ્રાપ્ત કરી લીધું. આ પવિત્ર સ્થાન આજે બદરી વિશાલનાં નામથી સર્વવિદિત છે !!!

બદરીનાથ નામની કથા  ———–

જ્યારે ભગવાન વિષ્ણુ યોગધ્યાનમુદ્રામાં તપસ્યામાં લીન હતાં તો બહુજ અધિક હિમપાત થવાં લાગ્યો. ભગવાન વિષ્ણુ હિમમાં પૂર્ણ રીતે ડૂબી ચુક્યા હતાં ……. એમની આ દશા જોઇને માતા લક્ષ્મી દ્રવિત થઇ ઉઠયાં અને એમણે સ્વયં ભગવાન વિષ્ણુની સમીપ ઉભાં રહીં એક બેર (બદરી)નાં વૃક્ષનું રૂપ લઇ લીધું અને સમસ્ત હિમને પોતાની ઉપર સહેવાં લાગ્યાં.. માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને ધૂપ, વર્ષા અને હિમથી બચાવવાં માટે કઠોર તપસ્યામાં જુટી ગયાં.. થોડાંક વર્ષો પછી જયારે ભગવાન વિષ્ણુએ પોતાનું તપ પૂર્ણ કર્યું તો જોયું તો લક્ષ્મીજી હિમથી ઢંકાયેલા પડયાં હતાં.. તો એમણે માતા લક્ષ્મીનાં આ તપને જોઇને કહ્યું કે ” હે દેવી …… તમે મારી બરોબર જ તપ કર્યું છે, તો આજથી આ ધામે મારી સાથે તમારી પણ પૂજા થશે !!! અને કેમકે તમે મારી રક્ષા બદરી વૃક્ષનાં રૂપમાં કરી છે તો આજથી જ મને બદરીનાં નાથ -બદરીનાથનાં નામથી જાણવામાં આવશે !!! આ રીતે ભગવાન વિષ્ણુનું નામ બદરીનાથ પડયું !!!

જ્યાં ભગવાન બદરીનાથે તપ કર્યું હતું, એ પવિત્ર સ્થળ આજે તપ્ત-કુંડનાં નામથી વિશ્વવિખ્યાત છે અને એમનાં તપનાં રૂપમાં આજે પણ એ કુંડમાં દરેક મૌસમમાં ગરમ પાણી ઉપલબ્ધ રહેતું હોય છે !!!

બદ્રીનાથ ઉતરાંચલ રાજ્ય, ઉત્તરી ભારત, શીત ઋતુમાં નિર્જન રહેવાંવાળું એક ગામ અને મંદિર છે.. ગંગા નદીની મુખ્ય ધારા કિનારે વસેલાં તીર્થસ્થળ હિમાલયમાં સમુદ્રતળથી ૩૦૫૦ મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ અલકનંદા નદીની ડાબી બાજુ તટ પર નર અને નારાયણ નામનાં બે પર્વત શ્રેણીઓની વચ્ચે સ્થિત છે. બદ્રીનાથનું નામકરણ એક સમયે ત્યાં પ્રચુર માત્રામાં મળનારાં જંગલી બોરો બદ્રીનાં નામ પરથી પડયું છે.. આ ભારતનાં ચાર પ્રમુખ ધામોમાંથી એક છે !!!

મહત્વ  ———-

બદ્રીનાથ ઉત્તર દિશામાં હિમાલયની અધિત્યકા પર હિન્દુઓનું મુખ્ય યાત્રા ધામ માનવામાં આવે છે. મંદિરમાં નર-નારાયણની વિગ્રહ પૂજા થાય છે અને અખંડ દીપ પણ જલતો રહેતો હોય છે. જે અચલ જ્ઞાનજ્યોતિનું પ્રતિક છે. બદ્રીનાથ ભારતની ચાર ધામ યાત્રાનું પ્રમુખ તીર્થ છે. દરેક હિન્દુની એ કામના હોય છે કે એ એક વાર બદ્રીનાથનાં દર્શન અવશ્ય કરે !!! અહીંયા ઠંડીને કારણે અલકનંદામાં સ્નાન કરવું અત્યંત જ કઠીન છે. અલકનંદાનાં તો દર્શન જ કરવામાં આવે છે, યાત્રીઓ તપ્તકુંડમાં સ્નાન કરે છે !!! વન તુલસીની માળા, ચલેની કાચી દાળ, ગીરીનો ગોળો અને મિશ્રી આદિનો પ્ર્રસાદ ચઢાવવામાં આવે છે !!!

અલકનંદા

મૂર્તિસ્થાપના  ——–

બદ્રીનાથની મૂર્તિ શાલીગ્રામ શિલા થી બનેલી છે …….. ચતુર્ભુજ ધ્યાનમુદ્રામાં છે. એમ કહેવાય છે કે આ મૂર્તિ દેવતાઓએ નારદકુંડમાંથી બહાર કાઢીને સ્થાપિત કરી હતી. સિદ્ધ ,ઋષિ, મુનિ એનાં પ્રધાન અર્ચક હતાં. જયારે બૌદ્ધોનું પ્રાબલ્ય થયું તો એમણે આને બુદ્ધની મૂર્તિમાની લઈને એની પૂજા આરંભ કરી !!! આદિ શંકરાચાર્યની પ્રચાર યાત્રા સમયે બૌદ્ધો તિબેટ ભાગતાં ભાગતાં આ મૂર્તિને અલકનંદામાં ફેંકી આવ્યાં.. શંકરાચાર્યે અલકનંદામાંથી એ મૂર્તિને પુન: બહાર કાઢીને એની સ્થાપના કરી.. તદનંન્તર મૂર્તિ પુન: સ્થાનાંતરિત થઇ ગઈ અને ત્રીજી વખત તપ્તકુંડમાંથી બહાર કાઢીને રામાનુજચાર્યે એની સ્થાપના કરી. મંદિરમાં જમણી બાજુએ કુબેરની મૂર્તિ છે. એની સામે ઉધ્ધવજી છે ઉત્સવમૂર્તિ છે !!! ઉત્સવમૂર્તિ શીતકાલમાં બરફ જામી જતો હોવાથી જોશીમઠ લઇ આવવામાં આવે છે. ઉદ્ધવજીની પાસે જ ચરણપાદુકા છે. ડાબી તરફ નર-નારાયણની મૂર્તિ છે.એની સમીપ જ શ્રીદેવી અને ભૂદેવી છે !!!

પૌરાણિક માન્યતા  ———–

પૌરાણિક માન્યતાઓ અનુસાર , જ્યારે ગંગા નદી ધરતી પર અવતરિત થઇ, તો એ ૧૨ ધારામાં વહેંચાઇ ગઈ. આ સ્થાન પર મૌજુદ ધારા અલકનંદાને નામે વિખ્યાત થઇ અને આ સ્થાન બદ્રીનાથ ભગવાન વિષ્ણુનોવાસ બન્યો. ભગવાન વિષ્ણુની પ્રતિમાવાળું મંદિર ૩૧૩૩ મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને એમ માનવામાં આવે છે કે આદિ શંકરાચાર્ય, આઠમી શતાબ્દીનાં દાર્શનિક સંતે આનું નિર્માણ કરાવ્યું હતું. એની પશ્ચિમમાં ૨૭ કિલોમીટરની દૂરી પર સ્થિત બદ્રીનાથ શિખરની ઊંચાઈ ૭૧૩૮ મીટર છે !!!! બદ્રીનાથમાં ૨,૦૦૦ વર્ષથી પણ અધિક સમયથી એક પ્રસિદ્ધ તીર્થસ્થાન રહ્યું છે !!!

બદ્રીનાથધામ ઉત્તરાખંડની સાથોસાથ દેશના પ્રમુખ ચારધામોમાંથી એક છે. આ ધામ માટે એક કહેવત છે કે  —–
” જો જાયે બદરી, વો ના આયે ઓદરી ”
એટલે કે જે વ્યક્તિ બદ્રીનાથનાં દર્શન કરી લે છે એને પુન: માતાનાં ઉદર એટલેકે ગર્ભમાં ફરીથી નથી આવવું પડતું. એટલાં માટે શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે કે મનુષ્યના જીવનમાં કમસેકમ એક વાર તો બદ્રીનાથનાં દર્શન જરૂર કરવાં જોઈએ.

ચરણ પખારતી અલકનંદાને જોવી એ પણ એક લ્હાવો જ છે. પુરાણોમાં બતાવવમાં આવ્યું છે કે બદ્રીનાથમાં દરેક યુગમાં એક બહુ મોટું પરિવર્તન સતયુગ સુધી અહીં દરેક વ્યક્તિને ભગવાન વિષ્ણુનાં સાક્ષાત દર્શન થયાં કરતાં હતાં. ત્રેતાયુગમાં દેવતાઓ અને સાધુઓને ભગવાનનાં સાક્ષાત દર્શન પ્રાપ્ત થતાં હતાં. દ્વાપરયુગમાં જયારે ભગવાન શ્રી કૃષ્ણનાં રૂપમાં અવતાર લેવાનાં હતાં એ સમયે ભગવાને એ નિયમ બનાવ્યો કે અહીંયા મનુષ્યોને એમનાં વિગ્રહનાં દર્શન થશે. બસ ત્યારથી જ ભગવાનનાં એ વિગ્રહનાં દર્શન પ્રાપ્ત થાય છે !!!

બદ્રીનાથનાં પુજારી શંકરાચાર્યનાં વંશજ હતાં જે રાવલ કહેવાતાં હતાં. એ જ્યાં સુધી રાવલના પદ પર રહેતાં હતાં ત્યાં સુધી એમણે બ્રહ્મચર્યનું પાલન કરવું પડતું હતું. રાવલ માટે સ્ત્રીઓનો સ્પર્શ પણ પાપ માનવામાં આવે છે !!!

દર્શનીય સ્થળ  ——-

બદરીનાથમાં તથા એની સમીપ ઘણાં દર્શનીય સ્થળો છે
જે નીચે પ્રમાણે છે  ——-

[૧] અલકનંદાના તટ પર સ્થિત તપ્ત કુંડ.

[૨] ધાર્મિક અનુષ્ઠાનો માટે ઇસ્તેમાલ થવાંવાળો એક સમતલ ચબુતરો  – બ્રહ્મ કપાલ

[૩] પૌરાણિક કથાઓમાં ઉલ્લેખિત સાપ (સાપોના જોડા)

[૪] શેષનાગની કથિત છાપવાળો એક શિલાખંડ -શેષનેત્ર

[૫] ચરણપાદુકા  – એના માટે એમ કહેવાય છે કે આ ભગવાન વિષ્ણુનાં પગનાં નિશાન છે (અહીં ભગવાન વિષ્ણુએ બાલરૂપમાં અવતરણ કર્યું હતું)

[૬] બદરીનાથ થી જ નજરે પડતું બરફથી ઢંકાયેલું ઊંચું શિખર નીલકંઠ

[૭] માતા મૂર્તિ મંદિર  – જેમને બદરીનાથ ભગવાનજીની માતાના રૂપમાં પૂજવામાં આવે છે

[૮] માણા ગામ  – એને ભારતનું અંતિમ ગામ પણ કહેવાય છે

[૯] વેદવ્યાસ ગુફા, ગણેશ ગુફા  – અહીં વેદો અને ઉપનિષદોનું લેખન કાર્ય થયું હતું

[૧૦] ભીમ પુલ  – ભીમે સરસ્વતી નદીને પાર કરવાંનાં હેતુસર એક ભારે ચટ્ટાનને નદી ઉપર રાખી હતી જેને ભીમ પુલનાંનામે પણ ઓળખવામાં આવે છે

[૧૧] વસું ધારા  – અહીંયા અષ્ટ વસુઓએ તપસ્યા કરી હતી  ……. આ જગ્યા માણાથી ૮ કિલોમીટર દુર છે ……. કહેવાય  છે કે જેના ઉપર એની બુંદો
પડે છે એનાં સમસ્ત પાપો નષ્ટ થઇ જાય છે અને એ પાપી નથી રહેતો પછી !!!

[૧૨] લક્ષ્મીવન  – આ વન લક્ષ્મી માતાનાં વનનાં નામથી પ્રસિદ્ધ છે

[૧૩] સતોપંથ (સ્વર્ગારોહિણી) – કહેવાય છે કે આ સ્થાનેથી જ રાજા યુધિષ્ઠિરે સદેહ સ્વર્ગ પ્રસ્થાન કર્યું હતું !!!

[૧૪] અલકાપુરી  – અલકનંદા નદીનું ઉદગમ સ્થાન ……. એને ધનનાં દેવતા કુબેરનો પણ નિવાસ સ્થાન માનવામાં આવે છે !!!

[૧૫] સરસ્વતી નદી  –  આખાં ભારતમાં કેવલ માણા ગામમાં જ આ નદી પ્રકટ રૂપમાં છે

[૧૬] ભગવાન વિષ્ણુનાં તપથી એમની જંઘામાંથી એક અપ્સરા ઉત્પન્ન થઇ જે ઉર્વશીનાં નામે વિખ્યાત થઇ  …….. બદરીનાથ કસ્બાની નજીક જ બામણી ગામમાં એનું મંદિર છે !!!

પાવનકારી સ્થળોએ એકવાર તો જવું જ જોઈએ. એ દરેક હિંદુનું કર્તવ્ય પણ છે અને ફરજ પણ છે. જેને કયારેય ના ચૂકવું જોઈએ !!! સ્થાનનું મહત્વ એનાં આજુબાજુના વાતાવરણથી જ વધે છે. પૌરાણીકતા અને આધુનિકતાનો સુભગ સમન્વય એટલે —– બદ્રીનાથ ધામ.
સાથે સાથે હિમાલય દર્શન તો કેમ કરી વિસરાય !!! એકવાર સૌ બદ્રીનાથ તો અવશ્ય જ જજો !!!

જય હો બદ્રીવિશાલ ભગવાન કી ……

———- જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!