[રા’ દેસળ ત્રીજાના સમયમાં]
રા’ દેસળના જીવને તે દિવસે જંપ ન હતો. એની નીંદરને એક ચિંતાએ હરી લીધી છે. રાતમાં ઊઠીને ઊઠીને એક કાગળિયો હાથમાં ઝાલી, વિચારમાં ગરકાવ થઈ જાય છે. કાગળિયો એનો કોયડો બન્યો છે.
એ એક લખત હતું. લખી દેનાર એક કણબી અને લખાવનાર એક શાહુકાર. શાહુકારને ખેડુએ લખી દીધેલ કે ‘એક હજાર કોરી મેં તમારી પાસેથી લીધી છે; તે મારે વ્યાજ સોતી ભરી જવી છે — સૂરજ-ચંદ્રની સાખે.’
પણ આજ એ દસ્તાવેજમાંથી નવો જ મામલો ઊભો થયો છે. ખેડુ કહે છે કે મેં કોરી એક હજાર ભરી દીધી છે. વાણિયો કહે છે કે જૂઠી વાત, એણે નથી ભરી.
ખેડૂતે કોરી ચૂકવ્યાનો કોઈ સાક્ષી નથી. કોઈ એંધાણી નથી. ન્યાયની દેવડીએ ફેંસલા લખાણા કે ‘કણબી કૂડ કરે છે.’
“જિયેરા! જિયેરા! મારી વા’રે ધાજો, જિયેરા!” મધરાતે દરબારગઢની દેવડીએ કણબીની ચીસ પડી.
“કોણ છો, માડુ? મધરાતે કમાડ કેમ ખખડાવ્યાં?”
“જિયેરા! મારો ઇન્સાફ તોળો. એક હજાર કોરી ઉપર હું આંસુડાં નથી પાડતો. પણ હું કણબીની દીકરો ખોટો પડું છું.”
કાગળિયાં તપાસીને રા’એ નિસાસો મેલ્યો: “ભાઈ, શું કરું? તારી કોરી ભર્યાની નિશાની જ ન મળે!”
“નિશાની મેં કરી છે, અન્નદાતા! નિશાની કરી છે. શાહુકારના કહેવાથી લખત ઉપર મેં મારે સગે હાથે ચોકડી મારી છે.”
“ચોકડી!” ચમકીને રા’ પૂછે છે: “લખત ઉપર?”
રા’ના હાથમાં દસ્તાવેજ છે, પણ એમાં ચોકડી નથી.
“હા, બાપુ! કાળી રુશનાઈની મોટી એક ચોકડી — ચારેય ખૂણા સુધીની ચોકડી.”
“ગમે તેમ થયું હોય, બાપુ! પણ હું ભૂલ્યો નથી. આ જ લખત ઉપર મેં ચોકડી દીધી છે.”
“તું ભૂલ્યો લાગ છ, ભાઈ! આ જો, આ લખત. આમાં ચોકડી કેવી? કાળું ટપકુંયે નથી.”
સમસ્યા વસમી થઈ પડી. રા’એ મોંમાં આંગળી નાખી, લમણે હાથ ટેકવ્યો. એના વિશાળ લલાટમાં કરચલીઓ ખેંચાવા લાગી.
*********
“શેઠ!” રા’એ શાહુકારને બોલાવ્યો.: “શેઠ, કાંઈ કૂડ હોય તો કહી નાખજો, હો! હું આ વાતનો તાગ લેવાનો છું.”
હાથ જોડી ઠાવકે મોંએ વાણિયો બોલ્યો: “મારે તો કહેવાનું જ ક્યાં છે? કાગળિયો જ એની જીભે કહેશે.”
“જોજો હો, શેઠ, વાંસેથી ગોટા વાળતા નહિ,” રા’નો સૂર અક્કડ બનતો ગયો.
“બાપુ! હું કાંઈ નથી કહેતો: કાગળિયો જ કહેશે.” વાણિયાએ ટટ્ટાર છાતી રાખીને જવાબ વાળ્યો.
“શેઠ, હું રા’ દેસળ! નાગફણિયું જડાવીને મારી નાખીશ, હો.”
“તો ધણી છો! બાકી તો કાગળિયો એની મેળે બોલશે.”
કોઈ સાક્ષી નહિ, પુરાવો નહિ: મૂંઝાતા મૂંઝાતા દરબાર કાગળિયાને ફેરવ્યા કરે છે. ફરી ફરી નિહાળીને જોયા કરે છે. સોયની અણી સરખી એની નજર કાગળના કણે કણ સોંસરવી ચાલી જાય છે, પણ ચોકડીની સમસ્યા ક્યાંયે નથી સૂઝતી.
“મૂરખો માડુ! નક્કી કોઈ બીજા કાગળ ઉપર ચોકડી કરી આપી હશે!”
એટલું બોલતાં જ એની નજર લખતને છેડેની એક લીટી ઉપર પડી. લખ્યું હતું કે: ‘સૂરજ-ચંદ્રની સાખે.’
રા’ વિચારે ચડ્યા: ‘આ તે કઈ જાતની સાખ? જીવતાં માણસોની સાક્ષી તો જાણી છે, પણ સૂરજ-ચંદ્રને સાક્ષી રાખવાનો મર્મ શો હશે! શું આ તે જૂના કાળનો વહેમ હશે?
‘ના-ના; આ સાક્ષી લખવામાં કાંઈક ઊંડો ભેદ હોવો જોઈએ. પૂર્વજો નકામી શાહી બગાડે નહિ.’ એટલું વિચારીને રાજાએ સૂરજના બિંબની આડો કાગળિયો ઝાલી રાખ્યો, અને વાંસલી બાજુએ જ્યાં નજર કરે, ત્યાં સામસામા ચારેય ખૂણા સુધી દોરેલી ચોકડી દેખાઈ.
“બોલો શેઠ, આમાં કાંઈ કૂડ હોય તો કહી દેજો, હો!”
“જિયેરા! મારે ક્યાં કાંઈ કહેવાનું છે! કાગળિયો જ કહેશે ને!” વાણિયાએ ઠાવકે મોઢે જવાબ દીધો.
“શેઠ, સાવધાન, હો! હું રા’ દેસળ! નાગફણિયું જડીને જીવ કાઢી લઈશ.”
“તો તમે ધણી છો, રાજા! બાકી તો કાગળિયો જ કહેશે. મારે શીદ બોલવું પડે?”
“શેઠ!” રા’ પોતાના અંતરની અગ્નિઝાળને દબાવતા દબાવતા પૂછે છે: “કણબી કહે છે કે લખત પર એણે ચોકડી મારી દીધી છે.”
“તો તો કાગળિયો જ બોલશે ને, બાપા!”
“પટેલ. તમે ચોકડી મારી એનો કોઈ સાક્ષી?”
“કાળો કાગડોયે નહિ, જિયેરા!”
“આમાં તો લખ્યું છે કે સૂરજ-ચંદ્રની સાખે!”
“હં….હં….હં! જિયેરા!” વાણિયાએ હસીને જવાબ દીધો. “એ તો લખવાનો રિવાજ: બાપ-દાદાની ટેવ; બાકી સૂરજ-ચંદ્રની સાખવાળાં તો અમારાં કંઈક લખત ડૂબ્યાં છે!”
“પટેલ, તમને સૂરજ-ચંદ્રની સાખ ઉપર આસ્થા ખરી?”
“દેવતા તો સાખ દીધા વિના રહેતા જ નથી, દાદા! પણ એ સાખ ઉકેલવાની આંખો વિનાનાં માનવી શું કરે?”
“ઓરા આવો, શેઠ! રા’એ અવાજ દીધો. ચોગાનમાં જઈને લખતનો કાગળિયો સૂર્ય મહારાજ સામે ધરી રાખ્યો. પાણીની ચોકડીનાં ધાબાં આખેઆખાં પ્રકાશી નીકળ્યાં.
“કહો હવે, શેઠ! તમે કરામત શી કરી’તી? સાચું બોલો તો છોડી દઈશ.”
શરમિંદે વાણિયે પોતાની ચતુરાઈનું પાપ વર્ણવ્યું: “બાપુ, ચોકડીની શાહી લીલી હતી ત્યાં જ એના ઉપર ઝીણી ખાંડ ભભરાવી અને કીડીઓના દર આગળ ચોપડો મેલ્યો. ચોકડીની લીટીએ લીટીએ ચડીને ખાંડ સાથે એકરસ થઈ ગયેલી શાહીને કીડીઓ ચૂસી ગઈ; ચૂસીને કાગળિયો કોરો કરી મૂક્યો. એ રીતે ચોકડી ભૂંસાઈ ગઈ. હવે તો ચાહે મારો, ચાહે જિવાડો.”
“શેઠિયા, તેં આવા ઈલમને આસુરી મારગે વાપર્યો? તારી ચાતુરીને તેં ચોરી–દગલબાજી શીખવી? ઈશ્વરે દીધેલ અક્કલને દુનિયાના કલ્યાણમાં વાપરી હોત તો?”
રા’એ એને ત્રણ વરસની કેદ દીધી.
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– રાણજી ગોહિલ – સૌરાષ્ટ્રની રસધાર
– ભીમોરાની લડાઈ -સૌરાષ્ટ્રની રસધાર
– ઓઢો ખુમાણ – સૌરાષ્ટ્રની રસધાર
– વાળાની હરણપૂજા – સૌરાષ્ટ્રની રસધાર
– આંચળ તાણનારા! – સૌરાષ્ટ્રની રસધાર
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો