કહેવાય છે કે,જે ખુબીઓ અર્જુનના ગાંડીવ ધનુષમાં નહોતી એવી ખુબીઓ અને શક્તિઓ કર્ણના “વિજય” ધનુષ્યમાં હતી. ભગવાન કૃષ્ણએ પોતે એ સ્વીકારેલું કે, જ્યાં સુધી કર્ણના હાથમાં વિજય ધનુષ હશે ત્યાં સુધી એને પરાસ્ત કરવો અસંભવ હશે….! આ ધનુષ્ય પર મંત્રવિદ્યાનો એટલો પ્રભાવ હતો કે એ જેના પણ હાથમાં હોય તેની આસપાસ એક અભેદ કવચ રચી દે અને ખુદ ભગવાન શંકર એના પાશુપતાસ્ત્ર વડે એના પર પ્રહાર કરે તો પણ એ કવચ ના તોડી શકે….!
ધર્નુવેદમાં કહ્યાં પ્રમાણે કોઇપણ ધનુષ્યનો પ્રાણ એની પણછ અર્થાત્ જેના પર તીર ચડાવાય એ દોરી ધનુષ્યનો પ્રાણ હોય છે. કર્ણના વિજય ધનુષ્યની પણછ એટલી મજબુત હતી કે દુનિયાના કોઇપણ અસ્ત્ર-શસ્ત્ર વડે તે- કાપી ના શકાય….! અને આવા અજેય વિજય ધનુષ્યનો સ્વામી હોવાથી કર્ણને “વિજયધારી” પણ કહેવાય છે.
વિજય ધનુષ્યની ઉત્પતિકથા –
આ ધનુષ્યનું નિર્માણ તારકાસુર રાક્ષસના પાપી પુત્રની નગરી “ત્રિપુરા”નો નાશ કરવા માટે થયું હતું. અને નિર્માણ ખુદ વિશ્વકર્માએ કર્યું હતું. ભગવાન શંકરે પોતાના પાશુપતિ બાણને આ ધનુષ્ય પર ચડાવી અને ત્રિપુરા નગરીનો નાશ કર્યો હતો. જેને “ત્રિપુરદાહ” પણ કહેવાય છે. નાગરાજ વાસુકિ એ વખતે આ ધનુષ્યની પણછ બન્યા હતાં. ત્રિપુરદાહ પછી વિજય ધનુષ ભગવાન શંકરે ઇન્દ્રને આપ્યું. ઇન્દ્રએ આના દ્વારા ઘણાં યુધ્ધોમાં જીત હાંસલ કરેલી. અનેક રાક્ષસોને રોળી નાખેલા. એ ધનુષ્ય વડે ઇન્દ્ર ખરેખર અપરાજિત બન્યાં હતાં.
પરશુરામના પિતા જમદગ્નિને જ્યારે સહસ્ત્રાર્જુન સહિતના હૈહયવંશી ક્ષત્રિયોએ મારી નાખ્યાં ત્યારે પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રિણી કરવાનો સંકલ્પ લીધો. અને એ વખતે ભગવાન શિવે ઇન્દ્ર પાસે રહેલું ધનુષ્ય પરશુરામને અપાવ્યું. ભગવાન પરશુરામે પોતાના કુહાડા અને વિજય ધનુષ્ય વડે ક્ષત્રિયોનો સંહાર કર્યો.
આ પછી આ ધનુષ્ય પરશુરામ પાસે રહ્યું. પ્રચલિત વાત છે કે,કર્ણ પોતે બ્રાહ્મણ હોવાનો બહાનો કરી પરશુરામનો શિષ્ય બન્યો. પણ પરશુરામને જ્યારે તે ક્ષત્રિય છે એ વાતની ખબર પડી ત્યારે તેમણે કર્ણને અંત સમયે બધી જ વિદ્યા ભુલી જવાનો શ્રાપ આપ્યો. ત્યારબાદ પરશુરામને પસ્તાવો થયો અને તેમણે કર્ણની સહાયતા માટે વિજય ધનુષ આપ્યું.
એકપણ વાર ઉપયોગ નહોતો કર્યો ! –
હા, આશ્વર્ય છતાં હક્કીકતની વાત છે કે, કર્ણએ આ ધનુષ્યનો એકપણ વાર ઉપયોગ નહોતો કર્યો. કર્ણએ સંકલ્પ લીધેલો કે, જ્યારે રણમેદાનમાં અર્જુન સામે યુધ્ધ થશે ત્યારે તે વિજય ધનુષ્ય હાથમાં લેશે. અને ગુરુદ્રોણના પડ્યાં પછી કર્ણ સેનાપતિ બન્યો અને મહાભારતના યુધ્ધના સત્તરમાં દિવસે કર્ણ-અર્જુન સામસામે આવ્યા. એ વખતે કર્ણએ વિજય ધનુષ હાથમાં લીધું અને તેના રથનું પૈડું જમીનમાં કિચડમાં ખુંપી ગયું….! બસ, ભગવાન વાસુદેવને ખબર જ હતી કે આ જ મોકો છે કર્ણને હણવાનો….! બાકી જો એના હાથમાં વિજય ધનુષ્ય હશે તો દુનિયાની કોઇપણ શક્તિ એને હણવાને શક્તિમાન નથી….!અને અર્જુને નિ:શસ્ત્ર કર્ણનો વધ કર્યો.
કેવી કરુણતા કે વિજય ધનુષ્ય જેવું પ્રખર શક્તિમાન હથિયાર હોવા છતાં વિજયધારી એનો કદી ઉપયોગ ના કરી શક્યો….!
– Kaushal Barad.
જો તમે આવીજ અજાણી વાતો વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ