શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ

પુરાણકાળથી જ ભારતીય સંસ્કૃતિ શંખનું મહત્વ રહ્યું છે.શંખ એ શુભ્રતા અને વિજયનું પ્રતિક માનવામાં આવે છે.સમુદ્રમંથનમાં નીકળેલા ૧૪ રત્નોમાં શંખ પણ એક અમૂલ્ય રત્ન હતું.વિષ્ણુપુરાણમાં કહેવાયું છે કે,શંખએ સમુદ્ર વડે ઉત્પન્ન થયેલો છે અને લક્ષ્મીજી પણ સમુદ્રના જ પુત્રી છે.આથી,શંખ એ લક્ષ્મીજીનો “સહોદર ભાઇ” છે.માટે જ્યાં શંખનો વાસ હોય ત્યાં લક્ષ્મીજીનો અવશ્ય વાસ થાય છે.માત્ર હિંદુ જ નહિ,બૌધ્ધ અને જૈન ધર્મમાં પણ શંખને વિજયનું પ્રતિક માનવામાં આવે છે.

પ્રાચીનકાળના લગભગ રાજાઓ પોતાનો શંખ અવશ્ય રાખતા. અને એમાંયે મહાભારત કાળમાં તો શંખનું મહત્વ જરા હટકે જ છે. વેદ વ્યાસે પણ શંખનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. મહાભારતના યુધ્ધમાં કુરુક્ષેત્ર શંખનાદોથી ગાજ્યું હતું. ભીષ્મ, દ્રોણ, કર્ણ, અર્જુન, યુધિષ્ઠિર, ભીમ અને કૃષ્ણ સહિત બધાં પાસે પોત પોતાના શંખો હતાં અને શંખ ફુંક્યા બાદ જ યુધ્ધનો આરંભ થતો. મહાભારતના યુધ્ધમાં સર્વપ્રથમ શંખ પિતામહ ભીષ્મએ ફુંક્યો હતો. તો અર્જુનનો દેવદત્ત શંખ પણ રણનાદો કરતો. પણ આ બધાંમાં અનેરુ મહત્વ હતું – ભગવાન ક્રિષ્નના પંચજન્ય શંખનું….!

વાસુદેવના પ્રભાવી શંખ પંચજન્યની ઉત્પતિકથા –

ભગવાન કૃષ્ણ બલરામ અને સુદામા સાથે રહીને મહર્ષિ સાંદિપનીના આશ્રમમાં ભણ્યા. અંતે વિદ્યાભ્યાસ પૂર્ણ થયો ત્યારે ગુરૂ દક્ષિણા આપવાનો વખત આવ્યો. કૃષ્ણએ મહર્ષિ સાંદિપનીને ગુરૂ દક્ષિણા માંગવા કહ્યું ત્યારે સાંદિપનીએ કહ્યું કે, તમે મારા પુત્રને પંચજન્યની કેદમાંથી છોડાવો એ જ મારી ગુરૂદક્ષિણા….!

સાંદિપનીનો પુત્ર એકવાર પ્રભાસ પાટણ સોમનાથના સમુદ્રમાં નાહવા ગયો હતો જ્યાં પાણીમાં પંચજન્ય નામે રાક્ષસ રહેતો હતો જેણે સાંદિપનીના પુત્રને અંદરથી પકડી અને પાણીમાં કેદ કરી રાખ્યો હતો. પંચજન્ય રાક્ષસ શંખનું સ્વરૂપ પણ ધારણ કરી શકતો…! કૃષ્ણ અને બલરામે સાંદિપનીને વંદન કરી સોમનાથ પ્રયાણ કર્યું. અને સમુદ્રમાં ડુબકી લગાવી પંચજન્યને પડકાર ફેંક્યો. એક મહાકાય શરીર દેખાયું અને અટ્ટહાસ્ય કરતો પંચજન્ય પ્રગટ થયો. કૃષ્ણ અને પંચજન્ય વચ્ચે તુમુલ યુધ્ધ થયું. સમુદ્રનું પાણી હિલોળા લેવા માંડ્યું. ઘડીભર બંને એકબીજા પર વાર કરવા લાગ્યા. અંતે પંચજન્યને લાગ્યું કે કૃષ્ણ સામે પોતાનું કાંઇ ચાલે તેમ નથી એટલે તે ભાગ્યો. કૃષ્ણ તેની પાછળ થયાં. પંચાસુરે શંખનું રૂપ લઇ શંખનો આશરો લીધો. કૃષ્ણએ શંખ ખોળી કાઢ્યો અને તેમાં રહેલાં પંચાસુરને હણી નાખ્યો. સાંદિપનીના પુત્રને મૃત્યુલોકમાંથી આઝાદ કરાવ્યો અને એ શંખ કૃષ્ણએ પોતાની પાસે રાખી લીધો. પંચજન્ય રાક્ષસ સાથે તેને નાતો હોવાથી નામ “પંચજન્ય” પડ્યું.

અન્ય કથા –

એક વાત એવી પણ છે કે, મહર્ષિ સાંદિપનીનો પુત્ર, કૃષ્ણ અને બલરામ સાથે પ્રભાસ તીરે સાથે નહાવા ગયેલા એ વખતે પંચજન્ય રાક્ષસે સાંદિપની પુત્રને પકડ્યો હતો.

તો અમુક આ પ્રમાણે પણ કહે છે કે – સાંદિપનીના પુત્રને પંચજન્યએ મારી નાખેલો. બાદમાં કૃષ્ણ-બલરામ પંચજન્યનો વધ કરીને સાંદિપની પુત્રને યમલોકમાંથી પાછા લઇ આવેલા.

ત્રણેય વાત એકબીજા સાથે નીકટતમ નાતો ધરાવે છે. અલબત્ત, કૃષ્ણના શંખ પંચજન્યને “જગતનો અનન્ય” શંખ ગણાતો. જે માત્ર કૃષ્ણ પાસે જ રહી શકે….! એના શંખનાદની ધ્વનિ પ્રબળ હતી અને રણમેદાનમાં શત્રુઓના હાજાં ગગડાવવા માટે પુરતી હતી. સુદર્શન ચક્રની જેમ પંચજન્ય પણ ભગવાન વાસુદેવનો હંમેશ માટેનો સાથીદાર હતો….!

– Kaushal Barad.

જો તમે આવીજ અજાણી વાતો વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ભગવાન રામનું ધનુષ્ય : કોદંડ

– અર્જુનનું ગાંડીવ ધનુષ્ય 

– જયદ્રથ વધની ગાથા

– હાડી રાણીનું અમર બલિદાન

– નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ

error: Content is protected !!