શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન.. દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે. હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે. આવા જ એક વિખ્યાત અને કષ્ટનિવારક મંદિર વિશે જાણીએ.
આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત –પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી તેમજ ચમત્કારી મનાય છે. બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત -પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિના લોકો પણ આ મંદિરમાં હનુમાનજીના દર્શનનો અવશ્ય લાભ લે છે.
ખાસ કરીને કાળી ચૌદસના દિવસે આ મંદિરમાં હનુમાનજીના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ભુત –પ્રેતાત્માથી ઉગારતા આ મંદિર માટે એવી વાયકા છે કે ભુત -પ્રેતાત્માથી પીડિત લોકો આ મંદિરમાં આવવાથી મંદિરનું પરિસર ધ્રુજવા લાગે છે અને હનુમાનની મુર્તિના દર્શન માત્રથી ભાગી જાય છે.વળી, મંદિરમાં ચાલતો ધુમાડો શ્વાસમાં જતાં અને મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી ભુત-પ્રેત કાયમ માટે નાસી જાય છે. સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતાં પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રધ્ધાળુઓનું કષ્ટ હરવા માટે થઇ છે.
આવો જાણીએ આ મંદિરની મુર્તિ પાછળનો રસપ્રદ ઇતિહાસ
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણુંખરું ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા. સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા, તેમની ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરતા રહ્યા. એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો. પ્રાણી હોય કે મનુષ્ય – પાણી વિના દરેકની હાલત દયનીય બની. આ દુકાળ સાળંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું.
આ સમયે વાધા ખાચરે શ્રી ગોપાલાનંદે સ્વામીને વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. એક ત્રણ વરસથી વરસાદ નથી થયો અને બીજુ આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃધ્ધ હોવાથી તેઓ સંતોને રોકિ રાખે છે જેથી અમોને સતસંગનો લાભ નથી મળતો. આ સાંભળી ગોપાળાનંદ ગંભીર બની ગયા અને તેમણે કહ્યુ કે ભીડ ભાંગે એવા હનુમાનજી ની પ્રતીષ્ઠા કરી આપુ.
ગોપાળાનંદ સ્વામી સાળંગપુર પધાર્યા ત્યા વાઘા ખાચર તેમને ગામ બહાર ધાર પાસે લઇ ગયા ત્યા સ્વામીએ વાઘા ખાચરના પુર્વજો જેમણે વિરગતી પ્રાપ્ત કરેલી તેમના પાળીયા જોયા. એમા દરબારશ્રી એ એક પાળીયો બતાવી કહ્યુ કે આ અમારા ઉગાબાપુ ખાચર નો પાળીયો. ગોપાળાનંદ સ્વામી એ કહ્યુ કે દરબાર આમા હનુમાનજી ની મૃર્તી કંડારીયે તો? વાઘા ખાચરે સહમતી આપી અને ત્યારબાદ આ પાળીયો ગઢ મા લવાયો અને સ્વામી એ હનુમાનજી નુ ચિત્ર બનાવ્યુ.
અને એક કાનજી કડીયા ને બોલાવી કહ્યુ કે આમા એવી મુર્તી કંડાર કે વિશ્વ મા તેની નામના થાય.
ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સવંત ૧૯૦૫(ઇ.સ.૧૮૫૦) ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો-વિદ્રાનો, બ્રાહ્મણો અને હરિભકતોને આંમત્રિત કયૉ. ભવ્ય મોહત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં ઊભા છે. પોતે સંકલ્પ કરે છે કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિભૉવ થાઓ.
ત્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી. ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોનાં દુઃખ દુર કરજો, પીડિતોને સવૅ પ્રકાર મુકત કરી એ સવૅના ઉધ્ધાર કરજો.મુર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી. તેથી ભકતોએ સ્વામીને પ્રાથૅના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદનમોહનજી મહારાજનું માહાત્મય ધટી જશે માટે માટે મુર્તી ને ધ્રુજતી બંધ કરો. ત્યારથી આ મુર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી ને સાળંગપુરના હનુમાનનું નામ કષ્ટભંજન પડી ગયું.
સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું. વધુ ને વધુ શ્રધ્ધાળુઓ આ મંદિરનો લાભ લઇ શકે એ માટે ઇ.સ1956માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે 2011 સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે. તો ચાલો જાણીયે આ મંદિરની વિષેસતા વિષે.
આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.
બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે. એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે. પ્રેતાત્માવાળી વ્યકિત મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ મંદિર ધ્રૂજવા લાગે છે. ભગવાનની મૂર્તિ સામે આવતાં જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતાં તેમજ હનુમાનજીના મંત્રો ભણતાં જ પ્રેતાત્મા નાસી જાય છે.
મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે. ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળાછે. મંદિરની વ્યવસ્થા- કમિટી પાસે 600 એકર જમીન ઈનામમાં મેળલી છે. જેમાં 200 એકરમાં મંદિર તરફથી વાવણી કરી અનાજ ઉગાડવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ,સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
- – શ્રી ધેલા સોમનાથની સ્થાપના નો ઈતિહાસ
- – સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ
- – માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા
- – તુલસીશ્યામ પ્રાગટ્ય કથા
- – સંત શ્રી ભોજલરામબાપા ની જીવન કથા
- – આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા
- – બાબા અમરનાથની સંપૂર્ણ કથા