સહસ્ત્રાર્જુન એટલે નામ પ્રમાણે એને “હજાર હાથ” હતાં. નર્મદા કિનારે વસેલ માહિષ્મતી [ હાલનું મહેશ્વર ] નગરીનો તે સમ્રાટ હતો. સહસ્ત્રાર્જુનની ગણના મહાન હૈહયવંશી સમ્રાટ તરીકે થાય છે. એનુ બાહુબળ અતુલ્ય હતું. છેક નર્મદાને કિનારેથી લઇને હિમાલય સુધી એનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું….! યુધ્ધમાં તેને હરાવવો એ કાર્ય અશક્ય જ નહિ, અસંભવ હતું….! એક હજાર હાથ વડે તે પ્રહારો કરતો અને ગમે તેવી વિશાળ સેનાને ઘડીના છઠ્ઠા ભાગમાં રહેંસી નાખતો.
સહસ્ત્રાઅર્જુન યદુવંશમાં જન્મયો હતો. યદુવંશમાં જન્મેલા રાજા હૈહયના નામ પરથી “હૈહયવંશ” ચાલ્યો અને સહસ્ત્રાર્જુન એ વંશનો સમ્રાટ હતો. યદુવંશના એક રાજવી માહિષ્માન દ્વારા “માહિષ્મતી” નગરની સ્થાપના કરવામાં આવેલી જે આગળ જતાં હૈહયોની રાજધાની બની. હૈહયરાજ કૃતવીર્ય એ સહસ્ત્રાર્જુનના પિતા હતાં. જેના પરથી તે “કાર્તવીર્ય અર્જુન” કહેવાયો.
ભગવાન દત્તાત્રેયની તેણે ભયંકર તપશ્વર્યા કરેલી જેના ફળસ્વરૂપે દત્તાત્રેયએ તેને હજાર હાથનું વરદાન આપેલું. એવું કહેવાય છે કે દાન, પુણ્ય, તપ, શુરવીરતા કે બુધ્ધિમત્તામાં જગતનો કોઇ રાજવી તેને હરાવવાને શક્તિમાન નહોતો. બધી જ રીતે તે સર્વસ્વ પર પોતાનું રાજ કરવાને શક્તિમાન હતો.
દુનિયામાં રામ ઉપરાંતની બે વ્યક્તિ એવી હતી જેણે લંકાપતિ રાવણને ધ્રુજાવ્યો હતો. એક હતો – કિષ્કિંન્ધા નરેશ વાલી અને બીજો – માહિષ્મતી સમ્રાટ સહસ્ત્રાર્જુન….!
એક વખત લંકાનરેશ રાવણ પોતાનો કાફલો લઇને વિહાર કરવા નીકળેલ ત્યારે રસ્તામાં નર્મદા નદીને કાંઠે તેણે ઉતારો કર્યો. શિવપુજાનો સમય થયો હોવાથી તેણે કાંઠે માટીમાંથી શિવલિંગનું નિર્માણ કર્યું અને પૂજા કરવા બેઠો. હવે એ જ વખતે નર્મદાના બીજે છેડે માહિષ્મતીસમ્રાટ કાર્તવીર્ય અર્જુન પોતાની રાણીઓ સાથે નર્મદામાં સ્નાનવિહાર કરવા ઉતર્યો. આનંદમાં તેણે પોતાનો હજાર બાહુ પહોળા કર્યા અને સમસ્ત નર્મદાના પ્રવાહને રોકી લીધો….! આ વિશાળ “સરદાર સરોવર” બની જવાથી રાવણ જ્યાં પૂજા કરતો હતો એ બાજુ નર્મદાના પાણીનો ભરાવો થયો અને રાવણની પૂજા સામ્રગી સહિત શિવલિંગ પાણીમાં ધબાય નમ: થઇ ગયું….! રાવણના ગુસ્સાનો પાર ન રહ્યો. તેણે સૈનિકો દ્વારા તપાસ કરાવી. અને ખબર પડી કે કાર્તવીર્ય અર્જુને આખો પ્રવાહ રોકી લેવાના કારણે આમ થયું છે. આથી રાવણે અર્જુનને યુધ્ધ માટે લલકાર્યો. સહસ્ત્રા અર્જુને પહેલાં તો ના પાડી કે, તમે અમારા મહેમાન કહેવાઓ ! પણ રાવણ ના માન્યો. અને બંને વચ્ચે ભયાનક યુધ્ધ થયું. આખરે સહસ્ત્રાર્જુને રાવણને પકડી અને બંદી બનાવી લીધો. સહસ્ત્રાર્જુન સામે દશાનન હારી ગયો….! આખરે રાવણના દાદા મહર્ષિ પુલસ્ત્યએ સહસ્ત્રાર્જુનને વિનંતી કરી અને રાવણને છોડાવ્યો. અને બાદમાં સમય પારખનાર બુધ્ધિમાન રાવણે સહસ્ત્રાર્જુન સાથે મિત્રતા કરી લીધી, વાલી સાથે કરેલી તેમ જ !
આ મહાન રાજવી એક વખત ભાન ભુલ્યો અને તેણે વશિષ્ઠ મુનિનો આશ્રમ સળગાવી દીધો. આથી વશિષ્ઠએ શ્રાપ આપ્યો કે, એક દિવસ તારી બુધ્ધિ ભ્રષ્ટ થશે અને તારો વધ તારાથી સવાયા વીરના હાથે થશે !
અંતે એમ જ થયું ! એક વખત સહસ્ત્રાર્જુન પરશુરામના પિતા મહર્ષિ જમદગ્નિના આશ્રમે ગયાં. એ વખતે પરશુરામ તપશ્વર્યામાં લીન હોવાથી ઘરે હાજર નહોતા. સહસ્ત્રાર્જુનના પિતા કૃતવીર્યને અને જમદગ્નિને સારા સબંધો હતાં. આશ્રમમાં સહસ્ત્રાર્જુનની નજર કામધેનુ ગાય પર પડી. તેણે જમદગ્નિ પાસે તેની માંગણી કરી પણ પોતાની દિકરી સમાન ગાયને આપવાની જમદગ્નિએ ના પાડી. એમાંથી ચર્ચા ઉગ્ર બની અને અંતે સહસ્ત્રાર્જુને જમદગ્નિનો વધ કરી નાખ્યો….! આથી કલ્પાંત કરતી પરશુરામની માતા રેણુકા પણ એની પાછળ સતી થયાં. જ્યારે પરશુરામ આવ્યા ત્યારે તેમણે આશ્રમ ઉજ્જડ દીઠો અને તેમને સહસ્ત્રાર્જુનના દુષ્કૃત્યની ખબર પડી. પરશુરામનું મસ્તિષ્ક ભયંકર ક્રોધથી ફાટી જવા લાગ્યું. અને તેમણે સહસ્ત્રાર્જુન સહિત બધા હૈહયોનો ઘાણ કાઢી નાખવાનો નિર્ણય લીધો….!
પરશુરામ અને સહસ્ત્રાર્જુન વચ્ચે ભયાવહ રણસંગ્રામ થયો. પરશુરામે સહસ્ત્રાર્જુનના હજારે હાથ પરશુના પ્રહાર કરી કાપી નાખ્યાં અને સહસ્ત્રાર્જુનનો વધ કર્યો. આમ,એક મહાન રાજવીનો અંત આવ્યો. એવું કહેવાય છે કે,પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરી હતી પણ ખરેખર તો એમ લાગે છે કે, તેમણે હૈહયોને એકવીસ વાર રોળ્યાં હતા; નહિ કે બધાં ક્ષત્રિય રાજાઓને ! અને ઇતિહાસમાં નજર કરતા એ વાતનો પુરાવો મળી રહે કે હૈહયો સાથે પરશુરામે ઘણીવાર યુધ્ધો કર્યા હતા. સહસ્ત્રાર્જુનના વધ પછી એના પુત્રોએ પણ પરશુરામ સાથે સંઘર્ષ કર્યો હતો. અને તેનો વધ પણ પરશુરામના હાથે થયો હતો. આ જોતા પરશુરામ એકવીસ વાર હૈહયો સાથે સંઘર્ષમાં ઉતર્યા હોય એ વધારે માન્ય લાગે.
સહસ્ત્રાર્જુનની સમાધિ ઇન્દોરથી ૬૦ કિલોમીટર દુર મહેશ્વર અર્થાત્ પ્રાચીન માહિષ્મતીમાં આવેલી છે.અને આજે પણ અમુક વંશના ક્ષત્રિયો તેને પૂજે છે અને “સહસ્ત્રાર્જુન જયંતિ”ની ઉજવણી કરે છે.
માહિષ્મતી સામ્રાજ્યનો આ દેખીતો “બાહુબલી” હતો એતો સાચું !
જય માહિષ્મતી !
– Kaushal Barad.
જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– શ્રી ભાથીજી મહારાજની શૌર્યગાથા
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.