રાજસ્થાનના મારવાડપ્રદેશમાં જૂના જોધપુર રાજ્યના પરગણામાં ભાદ્રશ નામનું ગામ આવેલ છે. ગામમાં રોહડિયા શાખાના મારુ ચારણ જ્ઞાતિના પ્રભુભક્ત સુરાજીને ત્યાં ઈસરદાનજીનો જન્મ વિક્રમ સંવત 1515ના શ્રાવણ સુદ 2ના રોજ થયો હતો.
પિતા સુરાજી પૂજાપાઠ અને ભક્તિમાં લીન રહેતા. માતા અમરબા પતિવ્રતા અને કર્તવ્ય પરાયણ હતાં. આવા ભક્તિમય વાતાવરણમાં કવિનો ઉછેર થયો.
કહે છે કે ભક્ત સુરાજી અને અમરબાને કોઈ સંતાન ન હતું, પરંતુ જ્વાલાગિરિ નામના ના એક સાધુ અનાયાસે પ્રસાદ લેવા સુરાજીને ત્યાં આવી ચડેલ. તેમણે આપેલ આશીર્વાદ પછી આ દંપતીને પાંચ પુત્રો થયા. ઈસરદાસ સૌથી મોટા હતા.
ઇશરદાસજી શૈશવમાં પોતાના કાકા આશાજી પાસેથી ભક્તિપદો, છંદશાસ્ત્ર નો અભ્યાસ કર્યો હતો. કવિતા તેમને સહજ વરી હતી. ચૌદ વર્ષની નાની વયે ઈસરદાસ કવિતા રચવા લાગ્યા. આશાજી પણ સમર્થ કવિ હતા. તેમણે લક્ષ્મણજીના છંદ રચેલા તે સમગ્ર મારવાડમાં જાણીતા થયેલા.
યુવાનવયે ઈસરદાસજી કાકા આશાજી સાથે તીર્થયાત્રાએ નીકળ્યા. ગિરનાર પર્વત પર કોઈ સિદ્ધયોગીએ પોતાનું એઠું દૂધ પીવા આપતાં કાકા વિચારમાં પડયા. પરંતુ ઈસરદાસ શ્રદ્ધાપૂર્વક દૂધ ગટગટાવી ગયા. કહે છે કે આ યુવાન કવિને જીવનદર્શન લાધ્યું.
ગિરનારથી પ્રભાસપાટણ અને દ્વારકા થઈ કવિ કાકા સાથે કચ્છ પહોંચ્યા. કચ્છમાં જામ રાવળ સાથે પરિચય થયો. જામ રાવળ આ યુવાન કવિના નિર્મળ સ્વભાવ અને ઓજસ્વી વાણીથી ભારે પ્રભાવિત થયા. તેમને પુરસ્કૃત કર્યા અને પોતાની સાથે રાખી લીધા.
જામ રાવળે હાલારપ્રદેશ સર કરી જામનગરની સ્થાપના કરતાં કવિ જામનગર આવી વસ્યા. ઉત્તર જીવનમાં કવિ ઈસરદાસજીને જામ રાવળે સચાણા ગામ દાન આપતાં કવિએ સચાણામાં નિવાસ કર્યો. કવિનાં પત્નીનું નામ રાજબાઈ હતું. કવિને પાંચ પુત્રો થયા.
કવિના જીવનને એક જબરો વળાંક મળે તેવો એક પ્રસંગ બન્યો હોવાનું કેહવાય છે. જામ રાવળના દરબારમાં પંજુ ભટ્ટ ઉર્ફે પિતામ્બર ભટ્ટ નામે ત્રિકાળજ્ઞાની અને પ્રખર વિદ્વાન બ્રાહ્મણ હતા. જામ રાવળનો દરબાર ભરાય ત્યારે કવિ ઇસરદાસજી સુંદર અને ભાવવાહિ રીતે જામ રાજવીની પ્રશંશા કવિતા રજૂ કરતા. આખો દરબાર ડોલી ઉઠતો જામ રાવળ પંજુ ભટ્ટ તરફ ફરીને કહેતા : “ભટ્ટજી ! કહો, કવિતા કેવી છે? પ્રત્યુત્તરમાં ભટ્ટજી ‘ઠીક છે’ કહીને મૌન સેવતા, પરંતુ વધારે પ્રોત્સાહક શબ્દો કહીને કવિની ક્યારેય પ્રશંશા કરતા નહી માટે ઇશરદાસજીને હડોહડ લાગી આવતુ.
એક વખત ભટ્ટજીને પૂરા કરી દેવાના વિચારથી ભેટમાં તલવાર છુપાવીને કવિ પંજુ ભટ્ટજીની પાછળ-પાછળ ગયા અને ભટ્ટજી ઘરમાં જતા પોતે લાગ મળવાની રાહ જોતા છુપાઇ રહયા. આ તરફ પંજુ ભટ્ટજી તેમના પત્ની સાથે વાત કરવા લાગ્યા: “રાવળ જામના દરબારમાં એક યુવાન કવિ છે અને સાક્ષાત સરસ્વતી એની જીભના ટેરવે વસેલાં છે. ખરેખર રસસિધ્ધ કવિ છે પરંતુ આવી દૈવી વિદ્યા ક્ષણભંગુર રાજાની પ્રશંસામાં વેડફી નાખે છે , તેથી મને અફસોસ થાય છે. જો ઈશ્વરનાં પદપંકજમાં પોતાની વૈખરી ધરી દે તો પરમાત્માને સાક્ષાત્ પ્રગટ થવું પડે એવી આ કવિ પાસે શક્તિ છે.”
પંજુ ભટ્ટજીના આ વાર્તાલાપે ભેટમાં તલવાર સાથે કમાડ પાછળ છુપાયેલા કવિનાં બધાં કમાડો ખોલી નાખ્યાં અને કવિ ઇસરદાસજીના હૃદયમાં દિવ્ય જ્યોત પ્રગટી ગઈ. કવિએ તલવારનો ઘા કર્યો અને ભટ્ટજીના પગમાં પડી ગયા ? આ પ્રસંગથી કવિની કાયાપલટ થઈ ગઈ. કવિએ ભટ્ટજી પાસે સંસ્કૃત, વેદ, પુરાણો, ઉપનિષ્દો, સાંખ્ય, મહાકાવ્યો, દર્શનશાસ્ત્ર અને યોગનો અભ્યાસ કર્યો. કવિ એક પછી એક ઉત્તમ ભક્તિમય રચનાઓ કરવા લાગ્યા. પરમાત્મા વિષ્ણુના અવતાર દ્વારકાધીશ શ્રીકૃષ્ણચંદ્રની ભક્તિમાં કવિ લીન રહેવા લાગ્યા કવિએ માછીમારોના ગામ સચાણાને પાવક તીર્થ બનાવી દીધું. દ્વારકાની યાત્રાએ જતા સાધુસંતોનો ડાયરો કવિની ડેલીએ જામતો. ભક્તિમય સત્સંગ થતો.
માંડણ ભગત નામના ભક્ત દ્વારકા જતાં સચાણા ઊતર્યા, પરંતુ માછીમારોનું ગામ જોઈને ચાલી નીકળ્યા. કવિ વિશે તેમણે હલકા ખ્યાલો બાંધ્યા, પરંતુ દ્વારકામાં કહે છે કે સ્વયં દ્વારકાધીશે સમુદ્ર ઉપર દર્શન દઈને ઈસરદાસજીની ભક્તિ વિષે માંડણ ભગતને પ્રતીતિ કરાવી.
કવિ ઈસરદાસજી 107 વર્ષનું લાંબું આયુષ્ય ભોગવી વિક્રમ સંવત 1622ના ચૈત્ર સુદ 9ના રોજ પરમાત્મામાં લીન થઈ ગયા. કવિએ હરિરસ’ નામે દીર્ઘ કાવ્યગ્રંથ રચેલ છે. આ ગ્રંથમાં કવિએ શ્રીકૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ તરીકે આલેખ્યા છે.
મોટો હરિરસ ઉપરાંત કવિએ છોટા હરિરસ’, ‘દેવિયાણ’, ‘હાલી કુંડળિયા’, ‘સૃષ્ટિ ઉત્પત્તિરો બીસ દુઆલો ગીત અને દાણલીલા’ વગેરે રચનાઓ કરી છે. ભક્તમાળના કર્તા નાભાજીએ ભક્તકવિ ઇસરદાસજી પરમ ભક્ત તરીકે વર્ણવ્યા છે. કવિ વિશે અનેક ચમત્કારિક પ્રસંગો લોકજીભે વહે છે. કવિ એટલા લોકપ્રિય થયા કે લોકોએ તેને ‘ઇસરા પરમેસરા’ કહિને બિરદાવ્યા. જાબુંડા નજીક સચાણા ગામે ઇસરદાસજીનો ચોરો આવેલો છે. કવિના મકાન જામનગરમાં મોજુદ છે. જે ઇસરમેડીથી ઓળખાય છે. કવિયે 107 વર્ષનું દિર્ઘ આયુષ્ય ભોગવી સવંત 1622 માં સચાણા ગામે સમુદ્રગમન કર્યુ. આજે પણ પ્રત્યેક રામનવમીની રાતે ચારણ કવિયો, લોકસાહિત્યકારો તેમની નિર્વાણતિથિ ઉજવી અનન્ય શ્રધ્ધાંજલી આપે છે. કવિના ‘હરિરસ’ ગ્રંથનો આ દોહરો પ્રસિધ્ધ છે.
અવધ-નીર તન અંજલિ, ટપકત શ્વાસો શ્વાસ,
હરિ ભજ્યા વિણ જાત હૈ અવસર ઇસરદાસ.
સંદર્ભઃ-
નગરનવાનગર જામનગર પુસ્તક માંથી
લેખક:-
શ્રી હરકિશનભાઇ જોષી-જામનગર
પ્રેષિત-સંકલનઃ
મયુર. સિધ્ધપુરા- જામનગર
Mo- 97256 30698