દરબાર ભોકા ખવડની ભલમનસાઇ ની કથા

સુદામડા ગામ મધ્ય કાઠીયાવાડ ના ઉગમણા છેડે ચોટીલા થી ઉગમણુ ૧૨ ગાઉ દુર નીમણી નદિ ના કાંઠે એક અનેરી સંસ્કૃતીના ધણી નુ ગામ છે. એક દિ આ ગામ માથે મિયાણા નુ ધાડુ ગામ ને લુંટવા ઘમરોળવા અચાનાક આવી ચડ્યુ. કાઠી ભાયાતો ને ભેગા કરવા જેટલો વખત પણ ના રહેવા પામ્યો, ત્યાના ખવડ શાખાના કાઠી દરબારે બુંગીયો વગડાવી હાકલ કરાવી કે ,’આજે સુદામડે લાજ સૌની ભેળી છે, સરખે ભાગે સુદામડા વેંચાશે પણ સુદામડાનુ પાણી જાય નહિ.’ આ સાંભળી બ્રાહ્મણ, ડાંગશીયા, કાંગશીયા, કોળી, રજપુત, ચમાર, રબારી, ભરવાડ, હરીજન, મીર, મીયા, ઘાંચી, સઇ, સુતાર, લુહાર, ઢોલી, બાવાજી ટુંકા મા અઢારે આલમ હાથ મા જે હથીયાર જડ્યુ તે ભાલા, કુહાડી, તરવાર, બંધુક, ધારીયા, બરછી, કોદાળી, લાકડી, ગોફણ-હાથુકિયા કરવા પાણા, લાકડા, ઇંધણા લઇ ને આવતલ પાળ ઉપર તુટી પડ્યા,અને સુદામડાને પાદર લોહિ લોહાણની ખુંદણ મચાવી દિધી.

નીમણી નદીનુ પાણી લોહિ ના લાલ રંગે રંગાઇ ગયુ અને એના શેરડા લીંબડી ના ભોગવા મા ભળ્યા.આ વાત ની શાખ પુરે છે કે સુદામડા ની કોઇ કોમ ગરાસના ટુકડા વિના ની નથી.આવી તો સુદામડા ની ભલાઇ અને ભડાઇ ની અનેક વાતો છે. તેવી વાતો માં એક સુદામડા ના દરબાર ભોકા ખવડ છત્રીસી ના રાજવી અને દિલાવર આદમી.જેમના પીતા ગોદડ ખવડ વિર રાજવી હતા તેમના સમય મા રાજ્ય ખુબ શક્તિશાળી બન્યુ હતુ.

તેમણે ચારણ કમા પાલીયા ના પુત્રી ના વિવાહ રુપી યજ્ઞ માં આઠસો ઘોડા ના દાન આપ્યા હતા. સાયલા ના મુખ્ય અંગ્રેજ અફસરે ધાંધલપુરને બ્રિટીશ સત્તા મા ભળવા પત્ર મોકલ્યો. પણ તેઓ ભળ્યા નહિ. આથી વઢવાણ અને સાયલા નુ કટક સવંત ૧૮૫૫ માં ધાંધલપુર ચડી આવેલ જેને કારમો પરાજય આપી પાછુ હટાવ્યુ હતુ. સવંત ૧૮૫૬ માં જુનાગઢ નવાબ હામીદખાનની વિશાળ ફૌજ ખંડણીની લુંટ કરવા આવી પહોચ્યુ. દાડમા દૈત્યની ધાર પાસે એનો પડાવ હતો અને ધાંધલપુર ગઢનો ઘણા દિવસો સુધી ઘેરો ઘાલ્યો તોપો ના હુમલા કર્યા પણ દરબાર ગોદડ ખવડે મચક ના આપી જુનાગઢ ના સૈન્ય પડાવમાં સુરંગ લઇ જઇ વિસ્ફોટો કર્યા મોટુ ભંગાણ સર્જી પાછુ હટવા મજબુર કર્યુ.

“નર ગોદડ ને નવાબ,લડીયા ત્રણ મહિના લગી
પરવત મોટા પહાડ,ઘુંખળા નાલુ ને ધુંવે
નોતી ને નવી કરી,ગઢ જુના ને ગાળ
બાબી અક્કલ બાર,ખીજવીયો ગોદડ ખવડ
ભડ ગોદડ થી ભડકચી મહિપત મેલી માણ
રાત લઇ રસ્તે પડ્યો બોલી હામદખાન”

આવા પ્રતાપી ગોદડ ખવડ ના પટાધર કુંવર ભોકા ખવડ અને તેવાજ જસદણ રાજ્ય માં અજાનબાહુ વિચારવંત ડાહ્યા રાજવી આલા ખાચર ના રાજ તપે. જસદણ મા તેદિ ધાન નો ધરવ હતો, એને ચોપાડે ત્રીસો તારીખે અન્નધાન ના રંધેડા પરોઢીયે થી અધરાત સુધી ચાલે. અને દરબાર આલા ખાચર જીવ્યા અને રાજ કર્યુ ત્યા સુધી જસદણ ને ગામતરે જનાર કોઇ ભુખ્યો ન જાય એવુ નામધારી દરબાર ને નીમ. કોઇ માણસ હટાણુ કરવા આવ્યુ હોય, ખડ કે ઇંધણ નો ભારો વેચવા આવ્યો હોય પણ ચોપાડે જાય એટલે પેટ ભરી એને ભોજન મળતા નાતજાત ના કે ખાનપાન ના કોઇ ભેદ આ રસોડે નહતા. અમીર ઉમરાવ થી માંડી ઘોડાર્ય ના ઠાણીઓ અને ગાયો ના ગોવાળ સુધીની એક સાથે થાળીઓ પીરસાય. તે કોંઠીબા ની કાચળી ને મિષ્ટાન સુધી કોઇ ની થાળી મા કશો ભેદ નહિ એટલા કારણે જ ‘રાજધાની’ શબ્દ વપરાતો. દરબાર આલા ખાચર જમવા પગંત ની વચોવચ્ચ ચાકરો નાખી બેસે અને બધા ને આગ્રહ કરી જમાડે.

સૌને શીખવ્યુ આલો, આલો, આલણા,
નાકારો ભણીયો નહિ, કદિયે કાઠીડા.”

તેઓ ઉત્તમ અશ્વો રાખતા અને ઘણા દાન પણ ચારણો ને આપ્યા છે,

‘કવિયા તેં કેતા કીયા, ઘરેઘર ઘોડા થા;’
‘તેથી અમર કીત વરી, તું ને વાછાહરા.’

તેમની નજર મા પણ આ દરબાર ભોકા ખવડ નો રેડીઓ અશ્વ વસી ગયેલો હતો. હવે વાત એવી બની કે દશેરા ના દિવસે દરબાર ભોકા ખવડ ની ડેલીએ દેશી પરદેશી માણસો આવી ગયા છે. એમા એક પરજીયા ચારણ ભુરાભા જેહળ ચારણ સોદાગર આગલી રાતે આવી પહોચ્યાં. ભુરાભા ને સોદાગરી માં બુંદિ, કોટા, અલ્વર જેવા રજવાડા મા ગરાસ-ઇનામ મળેલ. દશેરા ની આગલી રાતે ભુરાભાએ દ.ભોકા ખવડ ના પ્રસિધ્ધ ઘોડા ‘રેડીઆ’ ની માંગણી ઇ વખત ના પાંચ હજાર પૂરા આપવાના મોંઘા મુલે કરી.

Bhoka Khavad

દરબારે જવાબ આવ્યો કે,’ભા ભુરા આ રેડી નો પહેલી ઠાણ નો વછેરો મારા થી કેમ દેવાય? નાણાની કિમંત નથી, પણ આ ઘોડાઉ ઉપર આપણી જાગીર બંધાણી છે. ભુરા જેહળ કહે, ‘દરબાર, આ વખત મા સારા ઘોડા મો માંગ્યા દામે મળે! પણ આતો તમને મારા પર ભાવ છે એટલે ખટાવવા.’
દરબાર ભોકા ખવડ કહે ‘ભા ભુલી જાઓ, આ વાત ના ઉચ્ચારતા.’

ભુરા જેહળ કહે,’દરબાર,તમને પસ્તાવો થશે, ઘોડા નો ઘરાક અને બાપ નો મારતલ એક જ વાર ઝપટે ચડે.’
દરબારે કહ્યુ,’ભુરા ભા ,સવારે ડાયરા કહુંબા પછી વાત, સુરજડાડા પસ્તાવાનો વારો નહિ આવવા દે એવુ આપડે કરશુ.’ ભુરાભા રાજી થયા કે કાલે સવારે રેડીઓ હાથ આવશે.
પણ એ ઘોડોય કેવોક,

“ખેડી ખેડી જો એ તોય,નેડી નેડી કરે ખોત,
બાગે એડીયે મેડી,મેડી મેડી બાજ.
બેડી જો હોય તો કેદી સપતસ સકે બેડી
ઉબેડી જે બેડી તો ન બેડી શકે આજ.”

વારંવાર જેને ખેડી(દોડાવી) ને જેનુ પાણી માપવા મા આવે તો પણ એની ચાલ જોતા બીજી ચાલ નો સ્નેહ ભુલાઇ જાય છે. એવો અશ્વ જેની જોડ જો જગત મા શોધવી હોય તો સૂર્યનારાયણ ના સાપતાશ અશ્વો મા જ મળે એવા આ ઘોડાની બરોબરી નો બીજો ઘોડો આ ધરતી પર દુર્લભ છે.

‘દિ ઉગ્યા તિમીર ટળ્યા,આવ્યો દશેરા નો દિ’
ડાયરો જામ્યો છે, મીર માગણીઆત સતાર પર ટેરવા ફેરવી મુંજરા કરે છે. ડેલી આગળ ત્રાંબાળુ ગડહડે છે. મીઠા સુર થી લંઘા ના મોઢે શરણાઇ મા પરજ ના ઢાળે રાસડા સોળાવાગી રહ્યા છે. બરોબર ડાયરો દસેક વાગ્યા ના સુમારે જેને તળપદી ભાષા મા કુણા બપોરે કહિએ તે ટાણે મુળી થી મુળુભાઇ રતનુ જેના પર દરબાર ભોકા ખવડ ખુબ ભાવ રાખે છે તો મોજ લેવા ના ઉદેશ્ય થી આવેલ છે. ધોયેલ ધકોએલ પણ થીંગડા દિધેલ જાડા વસ્ત્ર ધોળાફુલ જેવા પહેર્યા છે. ઝીણીઝીણી હજામત મા પળીયા(ધોળા વાળ) કોક કોક ટબકે છે. અંગ મા દૂબળ પણ ચાળી કરે છે. ચોરણા ના પાયચા ની ધુળ ખંખેરી, થીગડ થીગડ પગરખા આઘા ઉતારી ,’જે માતાજી, ખમ્મા દરબાર ભોકા ખવડ, ખમ્મા કાઠીયા જામને’ એમ કહિ ડેલી ના પગથીયા ચડી આસન લિધુ.

દરબાર મુળુભાઇ ને ભાળી ખુશ થયા, ખબર અંતર પુછ્યા, ત્યા તો છાશુ પીવાની(જમવા) હાકલ થઇ, ડાયરો જમવા ઉઠ્યો, દરબારે કહ્યુ કે આજ આપણે જમ્યા પછી પાહા ઢાળ(આડે પડખે આરામ) કરવો નથી. વાણંદ ને કહે, કે રેડીઆને શણગારી સવારીએ જવાની તૈયારી અટાણ થી કરો, અને તેને એકકોર બોલાવી કોઇ ના સાંભળે એમ મુળુભાઇ ગઢવી ની હજામત કરવા હુકમ કર્યો, વાણંદે મુળુભાઇને વાત કરી અને મુળુભાઇ સમજી ગયા કે હજામત(દાળદાર) કાઢવાનો હુકમ કર્યો છે એટલે આજ આનંદનો પાર નથી,

જાય દુઃખ જાસણા તણા તું જમદર જેવો
કોઇ દી કેરડીયે ભાંગે ન દાળદર ભોકલા

ભેદુ ના ભેદ મુળુભાઇ પારખી ગયા. એમનુ જમણી આંખ નુ ઉપલુ પડખુ, જમણુ અંગ ફરકવા લાગ્યુ અને હથેળી મા ઝીણી ઝીણી ખંજવાળ આવવા લાગી ચતુર ચારણ ધન પ્રાપ્તિ ના શુકન મા રાચે છે. ડાયરો જમી ને ડેલીએ આવ્યો ને બેઠક વળી. દરબારે કુંવર ગોલણ ખવડ ને રેડીઓ લઇ આવવા કહેતા બે ખાસદારો વાઘે ચોટ્યા આવે છે. બાજીઆ નાખતો હાવળ્ય પર હાવળ્ય દેતો આભ ધરતી ગજાવતો રેડીઓ ઘોડો ડેલી ની ગડારે આવી હમચી ખુંદવા માંડ્યો.
દરબાર ઉભા થયા ને બોલ્યા કે ,’લ્યો મુળુભાઇ રતનુ, સુરજડાડા ના હુકુમ થી આ રેડીઓ ઘોડો દાન મા આપુ છુ. દેવીપુત્ર આશીષ દેજો ને દાદા સુરજભાણ આપને સુખી રાખે. લ્યો ઝાલો વાઘ. અને ભુરાભા ને સંબોધી ને કહ્યુ આપણ ને પસ્તાવાના વખત ના દિયે એ વાત ના સાક્ષી રેજો. ભુરાભા ગઢવીએ પણ ભલકારા દિધા. મુળુભાઇ શીધ્ર કવિ હતા,

“ચોટીલે ડુંગર ચડી,મે તો જોયો જમીદાર
પણ આતો સુદલપર સરદાર,ભલપ નુ છત્ર ભોકોખવડ”

“કેદિક હોય કરવરુ,વેણે હોય કણે પણ હાણ્ય,
તે’દિ ખવડ અમારે ખાણ્ય,ધાન ની ભરીઅલ ભોકલા.”

“કવ કાવ્યને તાંતે કરણ,રંગ પાતર હર રાણ,
જેદી મેલે દરીઓ માણ,તો ભાણ ન ઉગે ભોકલા”

(કવિઓ ગહેકતા હોય, સીતાર વાગતા હોય, ત્યારે રંગ નો પાંતરે, નય તો દરીયો માજા મુકે અને સૂરજ ના ઉગે)

“નવરસે નિગ્રામ,અજંવાળુ કરે અરગ
જોતું ખવડો ના જામ,ભણ્ય નાકારો ભોકલા.”

“ભોકાણંદ ભેટ્યે પછે ,ભડ કો બીજા ને ભેટવા
એતો મોવેસર મુકે,કરતા ભૂતાનાં ભજન”

“ચોથે પહોરે છેક,માનાહર મોળો રવિ,
પણ વૃધ્ધ પણ મોજ વિશેક ભણીએ તેણી ભોકલા.”

“કઢીંઉ મા દોરા કરે ,એવા સે બીજા સરદાર
પણ સાકર સાજ સવાર,દ્યેં ભુજાએ ભોકલા”

દરબાર ભોકા ખવડ ના કુંવર ગોલણ ખવડે મુળુભાઇ ને કોરાકડાક બગલાની પાંખ જેવા પોશાક, દશેય આંગળીઓ માં હેમ ની વેઢ પહેરાવી તથા સાતભાર સોનાની ઉતરી(અઠંગો ગુથેલ ચગદા માં બીજ ના ચંદ્ર આકારે ચગદુ ઘૂઘરીઓ વાળુ સોનાનુ)પહેરાવી લાવ્યા.

દશેરા ના વળતે દિવસે મુળુભાઇ વિચાર કરે છે કે તેઓ આ ઘોડા નુ શુ કરશે? ત્યા તો સામે થી ખવડે કહ્યુ કે તમે આ ઘોડો જસદણ આલા ખાચર ને ત્યા લઇ જાવ એને ગળે વાત છે ત્યા તમારી કદર થાશે, ભુરાભા ગઢવી આપને આલા ખાચર સાથે નત્ય નો નાતો(ગાઢ સબંધ) છે એમને કેજો કે રેડીઓ ઘોડો તમારી ઘોડાર નુ રુપ થાય એમ માની માગણી ઘણીવાર મોકલી પણ મારાથી એ તમને ના દેવાણો પણ આ ચારણ ની કદર કરી રેડીઆ નુ પુરુ મુલ ચુકવજો.

ભુરા જેહળ રાજી થયા અને મુળુભાઇ રતનુ ની મોર જસદણ પહોચી આલા ખાચર ને બધી વાત કરી નાખી, આલાખાચર ના અચંબા નો પાર ના રહ્યો, તેરસ ના પ્રભાતે મુળુભા જસદણ પહોંચી ઘોડા ની હાવળ્ય અને ડાબલા ની ધણેણાટી દેખાડી, આલા ખાચર નો ડાયરો, ભાયાતો, સરદારો સૌ ઘોડા ને રંગ દેવા લાગ્યા, દરબાર આલાખાચરે મુળુભાઇ ને દાશોંદિ પદે સ્થાપ્યા કુંટુબ ને જસદણ તેડાવી વસાવ્યુ. તે પછી દેવદિવાળી ના ડાયરે રેડીઆ ઘોડા ની કિમંત મા ચૌર્યાસી પાદર મા ખળે ખળવટે માણ્યુ ધાન અને શેરડી ના વાડે વાડ દિઠ એક લીલુ ગોળ અને સાત સાંઠા નુ સાલિયાણું જસદણ મા ખાચર વંશનુ રાજ તપે ત્યા સુધી કરી આપ્યુ જે ભારત મા વિલિનીકરણ સુધી અમર રહ્યુ.

ગરાસ એની વાત ન ગણવી, પણ હાથ વડાળે વધુ હલો
કંઇ રાજા જોયા જોખ થી, એમા ભોકો સૌથી નપટ ભલો

પ્રતાપી દરબાર ભોકા ખવડ ની દેરી જે સુદામડા ગામ મા આથમણી દિશાએ આવેલી છે ત્યા એકાતરો તાવ અને પ્રસુતા ની પીડા માટે આડા ભાંગવા ની માનતા લોકસમાજ માથી આજે પણ વૈજ્ઞાનીક યુગ માં આવે છે.

?કથા સહયોગઃ શ્રી મુળુભાઇ પાલીયા
પ્રેષિતઃ કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન ☀
‌ ?॥જય કાઠીયાવાડ॥?

error: Content is protected !!