નામની હદમાં- વાઘણીઆના રાજવી અમરાવાળા બાપુએ પાડોશી રાજના ગામને બચાવવા માટે ધીંગાણું કર્યું

સધ્યાએ વાઘણીઆ ગામના પશ્ચિમાકાશેથી વિદાય લેતાં લેતાં, બહેન નિશાને નિરાંતે વાચવા માટે, વાંચીને વિચારવા માટે, આંખે દેખ્યા અહેવાલ જેવો એક પત્ર હાથોહાથ દીધો:

‘તારે આ પંથકમાં કાઇ પણ જોવાની અને જોઇને અચંબાવાની ઇચ્છા થાય તો આ ગામની બજારોમાં ક્યાંય ખોટી થયા વગર ગામના દરબારગઢમાં પાંસરે પાંસરી ચાલી જજે. વાદળી રંગની જબ્બર ડેલીમાં દાખલ થઇને વિધાવડ જેવડા એના ફળીમાં પગ મૂકજે, સામે જ જુનવાણી બાંધણીનું નાનકડા ડુંગરા જેવું એક મકાન અડીખમ ઊભું છે. મકાનની પ્રલંબ ઓસરીમાં અંદર મોટા મોટા ઓરડા છે. ઓરડાની દીવાલો, બારી-બારણાં, ટાંકા, જાળિયા બધું જ વાદળી રંગનું છે. અષાઢમાં આપણા આકાશ પાસે ઊભરે છે એવો જ આ વાદળી રંગ! પણ છતાં એ રંગ આકાશ માટેનો નથી-આ રંગ તો ભગવાન ‘પિનાકપાણિ’ના ઘનશ્યામ રંગની પ્રતિકૃતિ છે. દરબારગઢમાં ઠેરઠેર ભગવાન શંકરના લલાટે સોહતાં ત્રિપુંડની મુદ્રાઓ જડેલી છે.’

વાઘણીઆ રાજ્યના દરબાર અમરાવાળા પરમ શિવભક્ત છે, છતાં કેવળ માળા ફેરવેલી શાંત સાધના એને પોસાતી નથી. એ તો શૂરવીર, પરાક્રમી, પ્રજાપ્રેમી અને વટનો કટકો છે. અત્યારે તો વાઘણીઆ નામના નાનકડા રાજનો રાજા છે. પત્ર વાંચીને નિશાએ, સંધ્યાની એંધાણીએ પગ મૂક્યો ત્યારે દરબારગઢમાં સસલો, હરણાં, સાબરશિંગા આનંદથી હરીફરી રહ્યાં હતાં. દરબારગઢના રક્ષકો રાબેતા મુજબ ભરી બંદૂકે ટહેલતા હતા અને એકાએક દરબાર અમરાવાળા ચોંકી ગયા! દરબારે કાન માંડ્યા. પછી એ દિશા તરફ આંગળી ચિંધી:

‘બંદૂકોના એકધારા અવાજ થાય છે, સંભળાય છે?’
‘હા બાપુ! ભડાકા તો ક્યારનાય થાય છે.’
‘પણ શા માટે?’

‘શું ખબર? પણ એ ભડાકા આપણી હદમાં નથી.’
‘તો ક્યાં થાય છે?’
‘આપણી બાજુના ગામમાં થતા હોય એમ લાગે છે.’

‘હં, પણ એ અવાજ કદાચ એક લૂંટારાના હશે યા કોઇ બહારવટિયો પણ ભૂલો પડ્યો હોય આપણા વિસ્તારમાં.’
‘અવાજ કાં તો લૂંટારાના, કાં તો બહારવટિયાના જ લાગે છે.’

વાઘણીઆ પોલીસે કુલડીમાં ગોળ ભાંગ્યો.’
‘કાં તો કાં તો શું કરો છો?’
દરબારનો અવાજ વાળુટાણાનો શાંત મટીને ખરા બપોરનો થઇ ગયો:

‘આપણી હદમાં પગ મૂકવાની હિંમત એનાથી થાય જ શાની?’
‘ખમા બાપુ! ઇ ગામ આપણા રાજનું નથી.’

‘આપણા રાજનું ભલે નથી.’
અમરાવાળાની આંખમાં રાતા દોરા ફૂટયા:
‘આપણી પડખેનું તો ખરું ને?’

‘બાપુ! ઇ ગામને એક વાર ખબર પડવી જોઇએ કે આપણે વાઘણીઆના રાજમાં હોત તો આમ ભંગાઇ જવાનો વારો ન આવત.’

‘રાખો! બહુ થયું! વાઘણીઆમાં અમરાવાળાની હયાતી હોય અને લૂંટારો પગ મૂકે! વસતી તો રાજ, રાજાની બેટાબેટી! એ આપણી હોય કે પરરાજની હોય. એની રક્ષા કરવી એ રાજા લેખે, કાઠી લેખે મારી ફરજ છે.’

‘તે આપણે મુકાબલો કરવો છે, બાપુ?’

‘હા મુકાબલો ધીંગાણું. હું આગળ ચાલીશ. વાઘણીઆ સ્ટેટને મારે મહેણું નથી બેસાડવું. ચાલો, બીજાને બોલાવો અને સમાય એટલા મોટરમાં બેસી જાઓ. મારતી મોટરે પહોંચવાનું છે.

’ચપટી વાગે એટલીવારમાં લૂંટાતા ગામને ગોંદરે અમરાવાળાની વાદળી મોટર પાદર આવીને ઊભી રહી! રાતની ભયાનક વિભિષિકામાં ધણિયાતી, નોંધારી વસતીને બાથમાં લઇને લૂંટારા બોકાસા બોલાવતા હતા. સંખ્યાબંધ લૂંટારું સિંધી ટોળી, સાવ નિરાંતવે જીવે ખોરડે ખોરડાં ફંફોસતી હતી અને પ્રજાના માલ-મિલકતની ગાંસડીઓ બાંધી રહી હતી.

‘મોટર ગામમાં લઇ લે.’ દરબારે ડ્રાઇવરને હુકમ દીધો.

‘આ બહારવટિયા નથી. લૂંટારા, લોહીચખ્ખા સિંધીઓ છે. સિંધીઓની લગોલગ ગાડી ખડી કરી દે.’ અને સિપાઇઓને સાવધાન કર્યા:

‘ગાડીનો ઓડવો લઇને નિશાન લો અને ગોળીઓની ધાણી ફોડો ચાલો.

’ આમ વ્યૂહ નક્કી કરીને ગાડી ગામના ઝાંપામાં દાખલ થઇ. એન્જિનનો અવાજ સાંભળતાં લૂંટારા સિંધીઓ ચોંક્યા. મારઝૂડ અને લોંટાઝોંટી પડતી મૂકી સિંધીઓ મોટર બાજુ ઊમટયા. ગામમાં ચાલતો ‘હાનરડો’ હવે પાદરમાં, ધીંગાણામાં ગોઠવાયો!’ સામસામે પડકારા થયા, હથિયારો ઉપડ્યાં. ઓડવા બંધાયા. સિંધીઓ પાસે પણ દેશી બંદૂકો હતી. અમરાવાળાની મોટર ઉપર ભમરાઓનું ટોળું ત્રાટકે એમ ગોળીઓનો મે વરસ્યો. દરબાર અને એની પોલીસ જંગની પોઝિશનમાં ગોઠવાયા. ગાડીની ઓથ લઇને એમણે પણ ગોળીઓ છોડી. સામેથી આવતી ગોળીઓ દરબારની વાદળી મોટર ઝીલતી હતી અને મોટર પછવાડેથી છુટતી ગોળીઓ સરનામાં સાથે સણસણતી હતી.

લૂંટારાની સંખ્યામાંથી બાદબાકી થઇ રહી હતી. સિંધીઓના છક્કા છુટી ગયા! મોટર, કેવળ નોકરીનો સલામત રોટલો ખાનારા સ્વાર્થી પોલીસની જ નહોતી પણ જાતને હોમી દેનાર કાબેલ, નીડર અને ધૂંઆધાર આદમીઓની હતી એની સિંધીઓને ખાતરી થઇ. લૂંટના મોલનો ઓડકાર આવવાને બદલે ઘચરકા આવશે એની પ્રતીતિ થતાં, લૂંટેલા માલનાં ગાંસડા-પોટલાં પડતાં મૂકીને સિંધી ટોળી જીવ ઉગારવા નાઠી! અને એ જ વેળા વાઘણીઆની વાદળી મોટરમાં પ્રથમ ધડાકો અને પછી મોટો બધો ભડકો થયો! દુશ્મનોની ગોળીઓના મારાથી મોટરનો આગળનો ભાગ વીંધાઇને નવરાત્રિના ગરબા જેવો થઇ ગયો હતો. બે-ત્રણ ગોળીઓ પેટ્રોલની ટાંકીમાં વાગી હતી અને ટાંકી ફાટતાં આખી મોટર અગ્નિના હવાલે થઇ ગઇ હતી! કોઇ પારકી છઠ્ઠીના જગતલ મર્દે ગામને ઉગારીને લૂંટારાને ભગાડ્યા છે એની ખાતરી થતાં ભોં ભીતર થયેલ ગામ સળવળીને બેઠું થયું, દોડ્યું અને પાદરમાં આવ્યું. જોયું તો મોટર ભડકે બળતી હતી…!

‘ઓ હો હો!’ પડોશવાડિયું ગામ વાઘણીઆના દરબારને ઓળખી ગયું.

‘અમરાવાળા બાપુ! તમે અમારા ગામે?

તમે તો બાપુ! અમારી લાજ રાખી! અમારાં બાળબચ્ચાં અને અમારી બેન બેટીઓની ઇજજત બચાવી. ભગવાન ભોળો. રામનાથ દાદો. તમારું ભલું કરે બાપુ!’

‘ભાઇ!’ દરબારે સળગતી મોટર સામે આંગળી ચિંધી: ‘લૂંટારાઓની ગોળીઓથી ગાડી સળગે છે. ઠરે તો પ્રથમ એને ઠારો. પછીની વાત પછી…’

અને ગામેડું મંડી પડ્યું. ધૂળની ફાંટો અને પાણીના મારાથી ગાડી ઠારી નાખી.

‘બાપુ! અમારી ચામડીના જોડા સિવડાવીને પહેરો તોય તમારો ‘ગણ’ નૈ ચૂકવાય. તમે તો બાપુ! ભોળાનાથની જેમ અવરનાં ઝેર પીધાં. નીકર…’

ગામ લોકો ભોળાભાવે ભાવવિભોર થઇને બોલતા હતા.

‘નીકર અમારું ગામ તમારા રાજનું તો ક્યાં હતું! તમારી હદમાં પણ ક્યાં હતું?’

‘મારા રાજની હદમાં ભલે ન હતું ભાઇ! પણ મારા નામની હદમાં તો હતું ને? હું બેઠો હોઉં અને હદ પરહદની આંકણી થાય?’

‘તમને રંગ બાપુ! ગામલોકોએ વિનયથી હાથ જોડ્યા. આપ અમારા ગામમાં પધારો. અમે મહેમાનગતિ કરીએ. બીજું શું થાય અમથી?’

‘જુઓ ભાઇ! મહેમાનગતિની વેળા નથી, ઇચ્છા પણ નથી. અમારી ગાડી સળગી ગઇ છે માટે તમારા ગામમાંથી થોડા ઘોડા આપી દો એટલે અમે વાઘણીઆ જઇને વાળુ કરીએ…’

ગામ લોકો દોડતા ગયા… પાંચ સાત ઘોડા લઇ આવ્યા. મોટરમાં બેસીને ગામને બચાવવા માટે ગયેલા દરબાર અમરાવાળા, રાજની કીમતી મોટર આગને હવાલે કરીને મોડી રાત્રે ઘોડા પર વાઘણીએ આવીને વાળુ કર્યા! વળતા દિવસે બચેલ મોટરના ખોખાને બળદગાડે નાખીને ગામલોકો વાઘણીઆ દરબારગઢમાં ઉતારી ગયા.

અમરાવાળાએ ખરા વખતે ખપ લાગેલી આ ગાડીને સાચવી રાખવા બંગલાના પાછળના ભાગમાં ગોઠવી દીધી. બ્રિટિશ જમનાની જૂના મોડેલની આ મોટર, કાયમ માટે દરબારના બંગલાના પાછળના ભાગમાં કોઇ શહીદની ખાંભીની જેમ જળવાતી રહી.!

નોંધ : વાઘણીઆ અમરાવાળા સ્વ. રતુભાઇ અદાણીના મિત્ર હતા. આરઝી હકૂમત વેળા એમણે રતુભાઇ અદાણીને સાથ આપેલો. આ ઘટનાની નોંધ પણ રતુભાઇના પુસ્તક ‘સોરઠની લોકક્રાંતિમાં વહેણ અને વમળ’ નામના પુસ્તકમાં રતુભાઇએ જ નોંધી છે.

લેખક:- નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!