સિંહણ નો સવાર

નાગેશ્રીમાં કાંથડ વરુ કરીને દરબાર, નાગશ્રીમા અડધો ભાગ અને પોતાના બીજાં પાંચ ગામ : બારમણ, સમઢીયાળ, રાવકી, પાટી, અને નેસડી.

પડોશમાં દંતા કોટીલા જેવાની ભીંસ, બીજી બાજુ ભાવનગરના મહારાજ વજેસીંહજીની સરહદ વધારવાની તથા નબળા ગરાસદારને દબાવી એના ગરાસ પડાવી લેવાની વૃત્તિ.

કાથડ વરુ આડાભીડ અને સતજુગી આદમી, કઇંક વખત દંતા કોટીલા અને ભાવનગર સાથે બાખડેલ અને પોતના ગરાસ સાચવેલ. એ વખતે એમનાં ગામોમાં જંગલ, એટલે સિંહનો પણ શિકાર કરેલો. આવા તેગે ને દેગે બળવાન પુરુષનાં કવિઓએ વખાણ કરેલાં

કહે નાર વેરાં નણી મ છોડો કાંથડો
નરાંખર કાંથડો અનડ નીઠો
હેક નામાહરો કાંથડો હઠિયલ
દોખિયે કાંથડો વરુ દીઠો
વેરીમાં ધકાવે કાંથડો વીજ્ળે
ફેરવે કાંથડો નતુ ફોજા
સુમરા ઘરે કોઇ કાંથડો નતુ શેરસંગ
માણતલ કાંથડો અળવ મોજા
છતો બોંતેર ધણી કાંથડો છત્રળો
ધજ વડે કાંથડે ભુપ ઢાયા
જામ જેમ કાંથડો નગા પત જવાના
રંગ છે કાંથડા દવ્ય રાજા”

વેરીઓની સ્ત્રી જેના વખાણ કરીને કહે છે કે : “કોઇ કાંથડ વરુ ને છંછેડશો નહીં, કારણ કે આડાભીડ ને હઠાળો છે, પુરુષના મુગુટ જેવો અમે જોયો છે, નામા વરુ નો પૌત્ર ખરેખર હઠીયલ છે અને દુશ્મનોને તેનો અનુભવ છે. પોતાની તલવાર થી વેરીઓને ધકેલી દીધા અને રોજ ફોજ ફેરવે છે, સુમરા વરુને ઘરે અવતરેલ કાંથડો સાવજ સાથે ખેલ કરીને મોજું માણે છે. બોંતેએ શાખના બાબરિયાઓનો ધણી પ્રસીદ્ધ છે. કાંથડ વરુએ તરવારથી કંઇક ભુપને ઢાળી દીધા છે. જામની જેમ કાંથડ વરુએ જમાવટ કરી છે. આવા દિવ્ય રાજાને રંગ છે……”

આ કાંથડ વરુને સિંહણ નામની ની ઘોડી. સિંહણ કાંથડ વરુને પ્રાણથી યે પ્યારી. ઊંટ જેવું ગજું. ચન્દ્ર જેવો સફેદ વાન, બે ય બાજુ દોઢે ચડીને કમાન રચતી ખારેક જેવડી નાની કનોટી. લાંબી કેશવાળી. ડુંગરોમાં છુટી ચરેલી અને બબ્બે મણ ઘી પાયેલું તેથી નળિયું નકર અને પોલાદી. જંગલમાં ચરતી હોય ત્યારે સિંહે એકબે વાર મારવા હુમલો કરેલો પણ એટલી ચપળ કે સાવજને હાથ પડે નહી. ઘોડીમાં અણકળ્યું તેજ ને પાણી. કાંથડ વરુએ જાતે ઘોડીને કેળવેલી. આ ઘોડી માથે બેસી કંઇક ધીંગાણા ખેલી નાખેલાં. ગોળીઓની ધાણી ફુટતી હોય તેની સામેપણ જરા અચકાયા સિવાય કે જ્જક્યા સિવાય ઇશારો થતાં ઊપડે તેથી કાંથડ વરુએ ઘોડીનું નામ શીણ (સિંહણ) પાડેલું.

એક વાર સમઢિયાળાથી કાંથડ વરુ દિવસ આથમ્યે નાગેશ્રી આવવા નીકળ્યા છે. ઘોડી રૂમજુમ કરતી ચાલી આવે છે. ત્યાં બે ચાર જુવાન સામા મળ્યા. વાત કરી : “બાપુ ! આ ડુંગરાઓમાં હમણાં સાવજની રંજાડ છે, ઘોડું મળે તો મુકતો નથી. સવાર માથે હોય તો સવારને હેઠો પછાડીને પણ ઘોડા ને માર્યા વગર રે’તો નાથી, એટલે આમ અસુરા નાગેશ્રી ન જાવ તો સારું”

“સીણની માથે માંડેલું પલાણ સાવજની બીકે ઉતાંરુ તો મને શીણને બેયને ખોટ્ય બેસે. શામજી સારાં વાનાં કરશે. ધોળા દિવસે જેવું ચંદ્રનું અજવાળું છે. આ ઘડીએ નાગેશ્રી પહોંચી જાઇશ” એમ કહીને શીણ માથે હાથ ફેરવતા વહેતા થયાં.
ઘોડી રુમ્માજુમ્મા જુલતી રેવાળની ચાલે પડી. સિહંણ ની ચાલ ઉપર ફીદા થઇ ને કાંથડ વરુ “શાબાશ શીણ! વાહ બેટા !” કહેતા અરધો ગાઉ ગયા હશે ત્યાં સીણ ચમકવા અને જ્જકવા માંડી. ‘ ધીરી બાપા !’ કહેતાં ઘોડી સ્થીર થઇ ગઇ.
ઘોડી જે દિશામાં જોતી હતી ત્યાં કાંથડ વરૂએ નજર કરી. ત્યાં સાવજને ઉભેલો જોયો. ખરે ખર વરેડાઇ ગયેલો. ડાલામથ્થો. મોઢા ફરતીએ લાંબી લાંબી કેશવાળી, અગનની આગ શી જબુકતિ લાલચોળ આંખ્યું.

સાવજ સ્થીર ઊભેલી શીણ ઉપર કઇ રીતે હુમલો કરવો એના વેંતામાં જમીન સાથે દબાઇને ઉભેલો. કાંથડ વરુને ખબર હતી કે આ સાવજ કંઇક ઘોડેસવારોને પાડી ઘોડા ખાઇ ગયો છે. શીણ પાછી વાળી પાટી આપે તો સીંહ ની સાત પેઢી આવે તોપણ હાથ ન આવે, પણ આ સાવજ ભાળીને ભાગે તો કાંથડ વરુને ખોટ બેસે. એટલે તલવારને ગળાછડી કરી મોઢામાં લીધી. જમણાં હાથમાં ભાલો લીધો. ડાબે હાથે ઘોડીની લગામ પકડી. શીણ ઘોડી કાંથડ વરુના મનની વાત કળી ગઇ. સિંહ શું કરે છે તેની વાટ જોતી અને કાંથડ વરુના ઇશારાની વાટ જોતી સ્થીર થઇ ઉભી રહી છે.

સિંહે ઘોડીને ભડકાવવા બાણ્ય નાખીને ઊઆંહ….. કર્યું; ઘોડી જરા ય ન હલી. સિંહે ધીમે ધીમે આગળ પગલાં માંડયાં. જરાક નજીક આવતાં તો કાંથડ વરુએ શીણને ઇશારો કર્યો. શીણ કુદીને સામે ઘેં ઘેં ઘેં કરતા સિંહે લા સાંધી. સિંહ માથેથી હરણની જેમ છલાંગ મારી શીણ ઉતરી. સાથે કાંથડ વરુએ સાવજના ફાટેલા મોઢામાં જોરથી ભાલું પોરવી દીધું.
ભાલાએ સાવજનું તાળવું વીંધી નાખ્યું. સિંહ ત્રાડુ નાખતો ફેરફુદડી ફરવા લાગ્યો. કાંથડ વરુએ ઘોડી પાછી ફેરવી, તલવાર હાથમાં લઇ સાવજને હુમલો કરવાનો વેંત આવે તે પહેલાં તો સોઇજાટકીને ઘા કર્યો. સિંહની કમર ના બે કટકા થય. મરણની છેલ્લી ત્રાડ નાખી સિંહ પડ્યો. ડુંગરમાં પડછંદા પડ્યા. ધ્રધક ધ્રધક લોહીનાં પડનાળાં વછુટ્યાં.

કર્નલ વોકરએ રાજાઓ, તાલુકદારો, મુળ ગરાસિયાઓ સાથે કરાર કરવા અને સેટલમેન્ટ કરવા બગસરા પાસે માણેકવાડામાં કેમ્પ નાખેલો. રોજ રાજઓ, તાલુકદારો ને ગરાસદારો વોકર સાથે વાટાઘાટ કરવા આવતા. વોકરે આ બધાની સરહદો ક્યાં ક્યાં સુધી છે તે નક્કી કરવા જાણકાર માણસોને તથા ભોમીયાઓને પોતાની પાસે રાખેલાં. એમા એક હરપાળ વરુ નામે તાલુકદાર પણ હતો. એમણે સાહેબ આગળ કાંથડ વરુની ઘોડીના વખાણ કરેલાં. એવામાં એકવાર કાંથડ વરુ પોતાના તાલુકા અંગે સેટલમેન્ટ કરવા સાહેબ પાસે આવ્યા.

કર્નલ વોકર પોતાના કેમ્પની બહાર ખુરશી નાખી હરપાળ વરુ સાથે બેઠા છે, ત્યાં શીણ માથે સવાર થઇ કાંથડ વરુ આવ્યા . ઘોડી ને કાંથડ વરુ એકરૂપ થઇ ગયેલાં, ઘોડીનાં રૂપ, રંગ, બાંધો, ત્રોડ પાણ ને અડધો રસ્તો રોકતી આડીઅવળી થતી, રુમ્માજુમ્મા ડાબા નાખતી ઘોડીની ચાલ ભાળીને કર્નલ વોકર : “વાહ ઘોડી ! શાબાશ સવાર ! “ એમ આફરીનનાં શબ્દો ઉચ્ચારી હરપાળ વરુને આવનાર કોણ છે એ પુછે છે.
હરપાળ વરુ વોકરને કહે છે, “આવનાર સવાર નાગેશ્રીના કાંથડ વરુ છે તે ઘોડીને ખુબ ફેરવી અને તાલીમ આપી જાણે છે”

ત્યાં તો વોકર કહે; “બહોત અચ્છા. ઉસકી કરામત હમકો દીખલાએ, એસા ઉસકો બોલો.”
“ સારુ સાહેબ !” હરપાળ વરુએ જવાબ દીધો. ત્યાં કાંથડ વરુ સાહેબ પાસે આવ્યા. રામ રામ કરી સાહેબ સાથે હાથ મિલાવ્યા. હરપાળ વરુ સાથે રામ રામ કર્યા, ત્યાં હરપાળ વરુ કહે : “કાંથડભાઇ ! સા’બને તમારી ઘોડીની રમત જોવી છે. જો ઘોડીને રમાડો તો સાહેબ ખુશી થશે”

પોતાના દીકરાના પાડની રમત સાહેબને જોવી છે એ સાંભળી કાંથડ વરુ ખુશ થઇ ગયા. વોકરને પુછ્યું: “સા’બ ! તમારે શું જોવું છે ?”
“ જો કુછ તુમ જાનતે હો.” વોકરે જવાબ આપ્યો.
“ તો સા’બ જુઓ. આ ઘોડીની સરકને મેં ચોકડાની બેય કડીમાં ભરાવીને રાખી છે. ઘોડાને પોતાના મનની ધારી હાંકવી હોય અને મોંજોર થવા ન દેવા માટે હું સરકથી ઘોડીને હાંકુ છું. જેથી ઘોડીને વારંવાર ટોચવી ન પડે. આ રીતે રાખવાથી ઘોડી કાયમ લગામમાં રહે. ક્યારેક ઘોડી ભડક્વાની થાય કે કુદવાની થાય ત્યારે આ મોટી વાઘ છે તેનો ઉપીયોગ કરીએ. જુઓ સા’બ આ ઘોડી ની કનોટી પાસે આ ટુંકી વાઘ પડી છે તેને અમે શંખવાઘ કહીએ છીએ. આ વાઘનો તો ભાગ્યેજ ઉપીયોગ કરીએ. મણોમણ ભાગતા દુશ્મનનો ભેટો કરવા આ શંખવાઘનો ઉપીયોગ કરાય, શંખવાઘ પકડીએ એટલે સવારને ડોક સાથે થઇ જવું પડે જેથી ઘોડા ને વેગ પકડવામાં અનુકુળતા રહે. આ શંખવાઘ ના ઇશારાથી ઘોડી તોપના ગોળાજેમ છુટે. આ અમે ઘોડા કેમ ફેરવીએ એની ટુંકી વાત થઇ. હવે ઘોડી ને બે પગે જાડ કરું છુ.” આમ કહી લગામનો ઇશારો કરતાં ઘોડી જાણે હાથીના કુંભાથળ પર ડાબા માંડવા હોઇ એમ જાડ થાઇ. જરાક ઇશારો કરતાં બે પગે પાંચસાત ડગલાં ચાલી.

“જુઓ સા’બ ! ઘોડી આમ જાડ કરી હોય અને પાછળ દુશ્મન હોય તો ઘોડીને પાછળાના દુશ્મન સામે લેવા આ થાય” એમ કહીને ઘોડીને જાડ કરી જમણી લગામથી ઇશારો કરતાં ડાબા પગ ઉપર જ ઘોડી અડધું ચક્કએ ફરી ગઇ.
“ જુઓ સા’બ ! વાંદરાની જેમ ચારે પગે ઊછળતી ચાલે તેમ આ ઘોડીને કુદવતી ચાલે ચલાવું છું. અમે એને લંગુરી લેવરાવી કહીએ” આમ કહી ઘોડીની બે ય વાઘને ડાબા હાથે પક્ડી ઇશારો કરતાં ઘોડી ચારે કુદતા વાંદરાની જેમ કુદતી કુદતી ઠેકો ભરવા માંડી.

“આનુ નામ ઉડાન” કહી શીણની લગામ ખેંચતા ઘોડી બે પગે જાડ થઇ. લગામ પોચી મુકી જરા એડી મારતા ઘોડીએ ફાળ સાંધી અને જાણે પાંખ આવી હોય એમ ઊછળી. આમ ઉપરાઉપર પંદરેક ફાળ સંધાવી ‘ ઘોડી ઉડાન ની રમત બતાવી’

“સા’બ જુઓ ! લડાઇમાં દુશ્મનનો તલવારનો કે ભાલાનો ઘા ચુકવવો હોઇ તો આમ ઘોડીને ગોઠણભેર કરાય” એમ કહી ઘોડીના ગોઠણ પર જરા એડી મારતાં ઘોડી ગોઠણભેર થઇ ગઇ.

“ પાછળ આવતા અસવારને પોતાની નજીક ન આવવા દેવો હોય તો ઘોડી પાસે ટીટોડ નખાવી આમ જુડું મારે” આમ કહી ઘોડીના પેટમાં બે ય એડી અડાડતાં ઘોડીએ પાછલે પગે કુદીને સોઇજાટકીને જુડ મારી.

વોકરને થયું કે આ ઘડી કાંથડ વરુ આ ટીટોડથી કાઠા પરથી હેઠા જઇ પડશે. પણ કાંથડ વરુએ હસતાં હસતાં ફરી વાર પેટને બે ય પગની એડી અડાડી. ઘોડીએ પાછી જુડ મારી. પાછલા પગ જમીનને અડતાં કાંથડ વરુએ ઇશારો કરતાં પાછી જાડ થઇ. એમ વારંવાર ઘોડીને જાડ કરે ને જુડ નખાવે. આમાં ભલભલાં સવાર પડી જાય. પણ કાંથડ વરુ તો ઘોડીને પોતાની રીતે કાઠામાંથી ચળ્યા સીવાય આસાનીથી રમાડતા જોઇ વોકર દંગ થઇ ગયો.

કાંથડ વરુએ એક પડખે દોડતી ઘોડીને બંદુકનુ નીશાન કેમ ચુકવવું તે બતાવ્યું, દોડતી ઘોડીએ ડોકે કેમ ચોટ્યા રહેવું તે બતાવ્યું. દોડતી ઘોડીએ કેમ ઉતરી જવું…. આવી અનેક કરામત કર્નલ વોકરે બતાવી. ઘોડીની તાલીમ ને કાંથડ વરુની કરામત જોઇ વોકરને કાંથડ વરુ પાસેથી આ ઘોડી લેવાની ઇચ્છા થઇ. કાંડ વરુ પોતાના ઉતારે ગયા.

કર્નલ વોકરે હરપાળ વરુને કહ્યું; દેખો હરપાળ વરુ ! હમકો ઘોડી બહુત પસંદ આયી. તુમ હમકો ઘોડી દિલવાઓ. મૈં કાંથડ વરુ કો બોલે વો દામ દુંગા”
“સા’બ ! ઇ કાંથડભાઇ દામે ઘોડી દે નહીં” હરપાળ વરુએ જવાબ દીધો.
“દેખો હરપાળ વરુ ! યે ઘોડી પર મૈં બૈઠું ઔર મેમ-સા’બકો યે સબ રમત દિખલાઉં તો મેમસા’બ બહુત ખુશ હોંગે” વોકર પોતે શીણ ઉપર બેસીને આ બધી કરામત પોતાની પત્નીને દેખાડતો હોય એવું સ્વપ્નું જોતાં હરપાળ વરુ ને કહે છે :
“સા’બ કાંથડભાઇના કેસનો અને સમઢીયાળાનો એને લાભ આપો તો હું વાત કરું “
“તુમ જો બોલો વો મૈં કર દુંગા, મગર ઘોડી કા કુછ કરો.” વોકરે જવાબ દીધો.

હરપાળ વરુ ને આ વાત સાંભળી બહુ આનંદ થયો. એણે પાસે જઇ કહ્યું : “ કાંથડભાઇ ! સા’બને તમારા કેસનો તમે કહો તેમ લાભ કરી આપશે.”
“શું લાભ કરી આપશે ?” કાંથડ વરુએ પુછ્યું.
“તમારા સમઢીયાળ, રાવકી, પાટી અને નેસડી પર ભાવનગર રાજે પોતાનો હક્ક છે એમ કહ્યું છે. તમારો ફફત ચોથો ભાગ છે એમ જણાવ્યું છે “
“પણ આ બધાં ગામ મારા કબજામાં છે. તો પણ એ ભાવનગરનાં છે એમ કેમ નક્કી થાય ?” કાંથડ વરુએ પુછ્યું

“કાંથડભાઇ ! તમને આ ગોરાની રમત્યુંની ખબર નથી. એ મોટાં રજવાડાંને વધારે મોટા બનાવવા માંગે છે. નાના તાલુકદારો, ગરાસદારો વગેરે મોટાં રાજ્યમાં છે તેવું કરી નાખવા માંગે છે. ભાવનગરે તો ભલભલા ગરાસદારોના ગરાસ ઉપર પોતાનો હક્ક સાબીત કરીને ચોથો ઠરાવી આપી છે”
“તો મારે શું કરવું એ તમે કહો.” કાંથડ વરુએ હરપાળ વરુને કહ્યું
“ આમાં કાંઇ બહું કરવાપણું નથી, ફ્ફત તમે હા પાડો તો બધું તમારા લાભમાં કરાવી દઉં” હરપાળ વરુએ જવાબ આપ્યો.
“તમે નામ પાડો તો ખબર પડે ને !”
“ આ તમારી શીણ ઘોડી વોકરસાહેબને આપી દ્યો તો તમને પાંચે ય ગામના તાલુકદાર ઠરાવી આપે”

“ તમે શું કહ્યું હરપાળભાઇ ? હું મારી શીણ સા’બને આપું ? એ નહીં બને.” કાંથડ વરુએ જવાબ આપ્યો.
“કાંથડભાઇ ! તમે ઘણા ચારણ- રાવળને ઘોડાં આપ્યાં છે તો આ તો આપણા ગરાસનો સવાલ છે. ઘોડીનો મામલો શું છે ?” હરપાળ વરુએ કાંથડ વરુને સમજાવતાં કહ્યું.
“ઘોડીનું દાન દેવું એ એક વાત છે, પણ આમ ઘોડી દઇ દેવી એ બીજી વાત છે “ કાંથડ વરુએ આમ કહી આગળ ચલાવ્યું. “આ શીણ પર સવાર થઇ મેં કંઇક ધીંગાણા કર્યા, શીણ માથે સવાર થઇ મેં સવાજ પણ માર્યા. આ ઘોડી ઉપર એક કાંથડ વરુ જ બેસે. કાંથડ વરુ નહીં હોય તે દિ’ સામજીની જગ્યામાં(તુલશી શ્યામ) બંધાશે”

“અરે કાંથડભાઇ ! તમારા જેવા ડાહ્યા માણસ કાં આવી ભુલ કરે ? આ તો છોકરાઓના ગરાસનો, વંશપરંપરાનો સવાલ છે, કોઇક ભવીષ્યમાં આપણને મહેણું મારશે કે કાંથડ વરુએ શીણ સાટુ થઇને ગરાસ ખોયો “ હરપાળ વરુએ સમજાવતાં કહ્યું.
“ઘોડી સા’બને આપીશ તો ય મેણાં મારશે જ. તમે સા’બને પુછી જોજો કોઇ સા’બની મેઢમ સાટે પાંચ-સાત ગાળ્યું આપે તો સા’બ એની મેઢમ આપે ?” કાંથડ વરુએ ગુસ્સા થઇને પુછયું.

“ એમ તે કોઇની બાયડી માગવાનું પુછાતું હશે !” હરપાળ વરુએ કહ્યું
“ત્યારે હરપાળભાઇ ! આ ય એના જેવું છે. તમે સા’બને કહેજો કે સા’બની બેઠક શીણ માથે ન હોઇ, “એમ કહી શીણ માથે સામાન મંડાવી, કર્નલ વોકરને મળ્યા વિના ચાલતા થયા ને પહોચ્યા નાગેશ્રી.
વોકરે ઘોડી ન મળતાં ખીજાયને વોકરે કાંથડ વરુના સમઢીયાળા, રાવકી, પાટી ને નેસડી ઉપર ભાવનગરનો હક્ક છે એમ ઠરાવી આપ્યું. તો પણ કાંથડ વરુનું એકનું એક વેણ કાયમ રહ્યું કે ; “શીણને માથે સા’બની બેઠક ન હોઇ.”
આજે ભાવનગર રાજ્ય પણ રહ્યું નથી, કાંથડ વરુ પણ રહ્યા નથી, પણ પોતાની પ્રાણપ્યારી સિંહણ ઘોડી માટે ગરાસનો મોહ જતો કરનારા એ અટંકી અડાભીડ આદમીને ઘોડી પર કેટલો પ્રેમ હશે એની કલ્પના પણ આજે અઘરી છે.

?સંકલન:- કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન
?આભાર:- સુરગભાઇ વરુ (ભલ ઘોડા વલ વંકડા;- જયમલ્લભાઇ પરમાર)

☀ सुर्याय सदाय सहायते ☀
? *क्षात्रतेजः दीप्तः राष्ट्रः*?
?जय काठीयावाड ?
?????????

error: Content is protected !!