દીકરીને શિખામણ

સૌ ને બપોરા કરાવીને પાંચાળની ચોડી ભોમકા ઉપર સૂરજ મહારાજ સવારથી બપોર સુધીનો હિસાબ લખવા આકાશને અડીએ અટક્યા હતા…પોતાના છાંયડાને ખોળામાં લઇને, પાંચાળ મલકનાં આછાંપાછાં ઝાડવાં તડકાના પડાળને માથા ઉપર રાખીને સૂનમૂન ઊભાં હતાં…! ગામડાનો બપોરી પહોર શેરીએ શેરીએ ખાટલા ઢાળીને લાંબા ડિલ કરતો હતો… એવે વખતે મોઢુકા ગામની મધ્યમાં વળીબંધ ખોરડાની ચાર ઓરડાની ઓસરીમાં મોઢુકાનો અમરોભાઇ ધાધલ, ચણોઠીના ફોતરા જેવા લાલચટક ઢોલિયા ઉપર મખમલના ઓશીકે માથું નાખીને બપોરની નીંદરના પ્રયાણ કરે છે.

આંખ મીંચું મીંચું થાય છે અને ઊઘડી જાય છે… વચલા ઓરડેથી હળુ હળુ રવતાં ઝાંઝરનો મધુરો ઝનકાર, એના મનોપ્રદેશમાં શ્રાવણનાં સરવડાંથી ભીંજાતા લીલાછમ્મ ડુંગરાની જેમ ભીંજાઇને મઘમઘતા બગીચા ઉગાડે છે. એનો મનખો રાજીપાથી નાચી ઊઠે છે. ‘વાય જીતવા! નસીબની પણ બલિહારી છે ને…? ચોરાસી ગામના જસદણરાજના અડાબીડ રાજવી, દરબાર આલા ખાચરનો હું જમાઇ બન્યો… જસદણરાજનો ક્યાંય વડિયો થાય! એનાં ચોરાસી ગામડાંમાં દરબાર આલા ખાચરની અજોડ રાજવ્યવસ્થા. એની સજાગતા ઉદારતા અને ન્યાયપ્રિયતાનો જોટો ન જડે.

જસદણરાજની વસતી ઉઘાડાં બારણાં મૂકીને નિરાંતે નીંદર કરે… ચોર, લૂંટારા અને હરામહલાલીને દરબાર ગાડે બાંધીને ચિરાવી નાખે… દંતાળના દાંતાની ચોરી માટે સગા મામાની છાતીમાં દંતાળનો દાંતો જડી દેવાનો અગાધ ન્યાયનો દાખલો જસદણરાજ સિવાય આખા કાઠિયાવાડમાં ગોત્યો ન જડે. જસદણનો રાજવહીવટ, મોટપ, રખાવટ, અમીરાત… આભે આંબે એવાં! દરબાર આલા ખાચર મારે મામા-સસરા થાય… નસીબની બલિહારી નહીં, તો વળી બીજું શું?’અમરતભાઇ ધાધલ જેમ જેમ વિચારે છે એમ પોતાના નસીબના ચોપડામાં કંકુવણૉ અક્ષરે લાભશુભ લખેલાં દેખાય છે…બપોરની વેળા છે. શાંતિ છે. અમરો ધાધલ વિચારે છે.

ઓરડામાંથી ઝાંઝરનો મધુરો મધુરો નાદ ઓરો ને ઓરો સંભળાય છે. ઢોલિયે સૂતેલો આદમી ત્રાંસી નજરે નિહાળે છે… જસદણનાં રાજકુંવરી અને પોતાનાં અધાઁગના એવા જાહબાઇ ધીમે પગલે ઓસરીમાં આવે છે… બપોર વેળાના આ આદમીની ઘેરાતી આંખેથી એકાએક ઉમળકાના ટહુકા પ્રગટયા… ઓરતાના તારો રણઝણ્યા અને પતિ તરીકેનો મીઠોમધ હક એના ચિત્તમાં થાતોક ને હૈયેહોઠે આવી ગયો…! પાણીની મષે, હેમકંકણ ખણખણાવતો હાથનો કમળ જેવો પોંચો હાથમાં પાણીનો પિયાલો લઇને પોતાને ઓશીકે ઊભો હોય તો એટલી પળોનું આયખું રંગરંગ થઇ જાય…!

‘સાંભળ્યું?’ ઢોલિયે સૂતાં સૂતાં એણે રૂપના બગીચામાં મીઠો ટહુકો મોકલ્યો: ‘પાણીનો પિયાલો અંબાવો… મને તરસ લાગી છે.’પાણિયારેથી પતિનો ઢોલિયો કાંઇ છેટો નહોતો અને ચિંધેલું કામ પણ હળવુંફૂલ હતું પણ પત્ની જાહબાઇના અંતરમાંથી રાજાની કુંવરી હોવાનો ઠસ્સો અને વેંત એકનું અહમ્. પવન અને વરસાદની જેમ ઝડપથી જાગ્યાં…! પોતે જસદણના રાજકુંવરી અને પતિ તો અમરતિયો કાઠી…! પરણીને એ પતિ થઇ શકે પણ પરમેશ્વર થઇને હુકમ કેમ કરી શકે? અને મારાથી એના હુકમને ઝિલાય પણ શાનો? રાજકુંવરી? જાહબાઇના હોઠ આછા તિરસ્કારથી બિડાયા. આંખમાં આંજણ જેવો પાતળો તુચ્છકાર અંજાયો અને ધણીને કહી દીધું: ‘કામવાળી છોકરી હાજર નથી..!’

‘તે?’ ઢોલિયેથી ધારદાર થયેલો ‘તે’ રઘવાયો થઇને જાહબાઇ પાસે દોડી ગયો. સડેડાટ કરતો સામેથી ઉત્તર મળ્યો: ‘ ’ જસદણનાં રાજકુંવરીના પગમાં અત્યાર લગી માલકૌંસની તરજમાં મીઠાં રણકતાં પગનાં ઝાંઝર, ‘ક્ષત્રિય કલંક’માં ખણેણાટ થયાં અને ચોથે ડગલે એ ઓરડામાં જતાં રહ્યાં…! પતિએ નજર માંડી… ઓકિળયાળી ભાત્ય પાડીને ગાર્ય કરેલી આખી રૂપાળી ઓસરી હવે અડવી હતી! પતપિણાના વેલા અને પાંદડાં ભસ્મીભૂત થઇ જઇને હવે તો કેવળ એની રાખ ઊડતી હતી!

ધાધલ અમરોભાઇ એકાદ પળ તો નેતરની સોટી થઇ ગયો, પણ જસદણના ધણી એવા આલા ખાચર સાથે મામા-ભાણેજનો સંબંધ હતો… મામો અચ્છો અચ્છો વાનાં કરતા હતા. ભાણેજ જમાઇને ફૂલની જેમ સાચવતા હતા… એવા અમીટ રાજવીની રખાવટ ઉપર કાંઇ પાણી ફેરવાય? પોતાનાં અરમાનો અને એષણાઓનાં કાચલાં ભેગાં કરીને અમરા ધાધલે એક પોટલીમાં બાંધીને અંતરના એક ખૂણામાં પોટલી મૂકી દીધી. પોતે ઊભા થઇને પાણિયારે ગયા અને એટલી વારમાં તો ઓરડામાં ખુલ્લાં બારણાં પણ અધખૂબડાં વસાઇ ગયાં હતાં!

સળગતા ચહેરાને ઢાંકી દેવા માટે અમરોભાઇ માથા પર પંચિયું ઓઢીને સૂઇ ગયા… પણ એ જ રાતથી એણે ઓરડામાં પગ ન મૂકવાની ટેક લઇ લીધી!સાતમે પાતાળથી જાગેલો આ ધરતીકંપ, મેંડમલાજાને કારણે ઉપરની સપાટી એ તો ન આવ્યો પણ દાંપત્યજીવનનું આખુંય ખોરડું પાયામાંથી હચમચી ગયું…! અબોલ ચહેરો- ઘર, ઓસરીમાં ફરતા રહ્યા… સામસામેનું માપ કાઢતા રહ્યા… દિવસો વીતતા રહ્યા…અને ચોથા દિવસે આપા અમરાએ ઘેર આવીને ઘરવાળાંને સામે ચહેરે સમાચાર દીધા:

‘જસદણથી સમાચાર આવ્યા છે કે તમારે મળવા જઇ આવવું…’

રાજકુંવરીના ગળામાં બાપનો રાજમહેલ ટહુકી ઊઠ્યો: ‘કયે દી’ જાઉં?’

‘આજે જ… વેલડું હમણાં આવે છે, તૈયાર થાઓ… હું ઘોડીએ સામાન માંડું છું અને વેલડા સાથે જસદણ આવું છું.’

માવતરે જવાના હરખ સંનિપાતમાં જાહબાઇને ઝીણી ખટકની સરત ન રહી અને પિયર જવા ઉતાવળાં થઇ ગયાં. વેલડું આવ્યું. જાહબાઇ શણગાર સજીને વેલડામાં બેઠાં… પતિ અમરો ધાધલ, ઘોડી ઉપર સવાર થઇને વેલડાની પાછળ પાછળ આવ્યા પણ જસદણનું પાદર આવતાં પાછા વળ્યા…

‘તમારે ગઢમાં નથી આવવું? આમ પાદરથી કાં પાછા વળો છો? મારા બાપુને મળવું નથી?’

આવા બેચાર પ્રશ્નો જાહબાઇના ગળા-તળવા વચાળે લટકતા રહ્યા પણ હોઠ ન ઊઘડ્યા અને ત્યાં તો પતિની ઘોડી જસદણનો સીમાડો વળોટી ગઇ..!

કુંવરીબા જસદણના દરબારગઢમાં આવ્યાં… જનેતાએ ઓસરીમાં સામે આવીને પુત્રીને ગળે વળગાડી… ખબરઅંતર પૂછ્યાં પણ જાહબાઇના અંતર આડે ભોગળ ભિડાઇ ગયાં’તાં! ગઢના ગોલાંબાના આઘાપાછા થયાં એટલે જનેતાએ પુત્રીને પૂછ્યું કે ‘બેટા! છો તો મજામાં ને?’ અને જરીક જ વળગી રહેલો સંયમનો તાંતણો તડ દઇને તૂટી ગયો… દીકરીએ માને બાથમાં લઇને ડૂસકાં ઉપર ડૂસકાં મૂક્યાં…!

‘બેટા! આમ કોચવાઇ કાં જા?’ માએ હૈયાળી આપી: ‘અમે ખાનદાન ખોરડે તને વટાવી છે બાપા! કાંઇ વાંકું પડ્યું?’ જવાબમાં જાહબાઇએ પાણીના પિયાલાની વાત કરી: ‘ત્યારથી અમારે બેઇ માણાંહને અબોલા છે, મા! ઇ… (પતિ) આપણા જસદણ લગી ઘોડી લઇને આવ્યા’તા પણ પાદરથી પાછા વળી ગયા…!’
ચતુર જનેતાને કાળજે રાજના છોરુની અણઘટતી આવી મોટપ કટારી થઇને વાગી… ન ભૂંસાય એવો એક ધ્રાસકો જનેતાના હૈયામાં કોતરાઇ ગયો. છતાં દીકરીને એણે હૈયાળી આપી કે ‘વાંધો નૈ,’ બેન! દરબાર મોઢુકે જઇને બધું સમુંનમું કરી આવશે. હમણાં તું તારે મજાથી આંહી રોકાઇ જા… ઘીના ઠામમાં ઘી પડી રહેશે….સમયનાં પડ ચડતાં ગયાં… દીકરી મોઢુકેથી મળવા આવ્યાં છે પણ મોઢુકાના અમરા ધાધલના કાંઇ ખબરઅંતર નથી કે આંટો પણ આવ્યો નથી. આ વાત દરબાર આલા ખાચરે જાણી ત્યારે એના પહોળા હૈયામાં ઉચાટના રવાયા ઘુમ્યા! એક દિવસે એકાંતમાં દરબારે પોતાનાં ઘરવાળાંને ટકોર કરી ત્યારે એણે જાહબાઇ અને અમરા ધાધલ વચ્ચે પાણીના પિયાલામાંથી અંટસ પડી છે એવી ચોખવટ કરી: ‘જાહબાઇએ પાણીનો પિયાલો અંબાવ્યો નહીં અને ભાણેજ અમરો રિસાઇ ગયો છે.’

ડહાપણના ભંડાર સમા અમીર રાજવીને કાળજે શેરડો પડ્યો કે કુંવરીપણાનું અહમ્ દીકરીના ઘરવાસની ભીંત્યુંમાં લૂણો થઇને બેસી ગયું છે… ભારે કરી દીકરીએ! કુંવરી રાજની હોય તોય એનો પતિ એના માટે ચક્રવર્તી રાજવી ગણાય… દરબારે છાનો એક નિહાપો મૂકીને ઊલટી થયેલી વાતને સૂલટી કરવા મનોમંથન આદર્યું. ઇલાજ હાથવગો થયો એટલે આલા ખાચરે મોઢુકે માણસ મોકલ્યો કે અમરોભાઇ આ સમાચાર મળતાં જ જસદણ આવી જાય…. ગઢમાં એની વાટ જોવાય છે!

જસદણનો સંદેશો મળતાં અમરા ધાધલને ચિંતા થઇ કે જો વાત વધશે તો વેતરણ રહેશે નહીં. પોતે ઘરધણી કાઠી છે. જ્યારે સામે ચોરાસી ગામનું રજવાડું, પણ પોતે વાતમાં ક્યાંય દોષિત નથી. એટલે ડરવાનું કોઇ કારણ નથી… બપોર પહેલાં અમરોભાઇ ધાધલ ચડી ઘોડીએ જસદણના દરબારગઢમાં આવ્યા. દરબાર આલા ખાચર એની વાટ જોઇને હાજર હતા. ભાણેજની ઘોડી ગઢના માણસો પાસે બંધાવીને મામો-ભાણેજ ડેલી ઉપરની મેડીએ ગયા.

મામાના ચહેરા ઉપર કેટલી ક્રોધની અને કેટલી તિરસ્કારની લીટીઓ લખાણી છે એ જોવા માટે અમરાભાઇ ધાધલે ચિકિત્સક આંખો માંડી જોઇ! પણ મામાના ચહેરા ઉપર માત્ર કોરા કાગળ જેવી સળંગ નિરાંત અને અમીરાત જ ભાળ્યાં… નિરાંત થઇ પછી માંડીને એણે મામાને વાત કરી.

‘અમરાભાઇ! ઇ વાતનો નિકાલ આવી જશે. આજ છાશું ટાણે…!’

‘પણ મામા!’ જમાઇની અવઢવ શરૂ થઇ: ‘આ તો ખોટાં અભિમાનની વાત…’

‘ખોટાં અને સાચાં, જેટલાં હશે એટલાં અભિમાન આજ ઓગળી જશે અમરાભાઇ.’

ભાણેજે પ્રશ્નાર્થભર્યો ચહેરો મામા સામે માંડયોત્યારે મામાએ ભાણેજના કાનમાં જ સંભળાય એવા ઝીણા અવાજે આખી યોજના સમજાવી…

‘ના, ના, મામા! એવું કામ તો આપને હું નૈ કરવા દઉં.’

અમરા ધાધલના હૈયામાં અરેરાટી થઇ ગઇ. ‘મને એમાં કોઇ હરક્ત નથી, અમરાભાઇ!’ મામાએ હસીને કીધું: ‘તું જરાય મૂંઝાશમા… મારાં સંતાનોને હું બોધપાઠ નૈ આપું તો ઇ અહમ્નાં પૂતળાં થઇને ફરશે.’

‘પણ…’ જમાઇ ફરી વાર શરમિંદો બન્યો.

‘તું જોયા કર, ભાઇ!’ દરબાર હસીને બોલ્યા અને બપોરના ભોજની વાટ જોઇ રહ્યા અને ત્યાં તો ગઢમાંથી સમાચાર આવ્યા કે ‘છાશું તૈયાર છે, પધારો.’ મામો અને ભાણેજ મેડીએથી ફળીમાં આવ્યા… ગોઠવણ મુજબ અમરા ધાધલે પોતાનાં પગરખાં ઓસરીને બદલે ફળીમાં જ ઊતારી નાખ્યાં અને અડવાણા પગે ઓસરીનાં પગથિયાં ચડ્યા.

પિતા અને પતિ મેડી ઉપરથી ખાનગી વાત કરીને આવે છે તો શું હશે એ જાણવાની ઇંતેજારીથી જાહબાઇ ઓરડાના એક જાળિયામાંથી ફળીમાં એકધારી આંખેથી જોઇ રહ્યાં હતાં. અમરાભાઇનાં પગરખાં જ્યાં પડ્યાં હતાં ત્યાં આવતાં દરબાર આલા ખાચરે ખભેથી પછેડી ઉતારીને હાથમાં લીધી અને જમાઇનાં પગરખાં ઉપરથી રજ ખંખેરીને હાથમાં લઇ લીધી:

‘અમરાભાઇ, પગરખાં આંહી છેટાં કેમ ઉતાયાઁ બાપા?’ અને અમરોભાઇ ધાધલ પગરખાં લેવા પાછો વળે એ પહેલાં તો દરબાર આલા ખાચરે પગરખાં હાથમાં રાખીને પગથિયે પગ દીધો.

‘આ તમે શું કરો છો મામા? મારાં પગરખાં ઉપાડાય?’

‘તો કોનાં ઉપાડાય, અમરાભાઇ?’

‘પણ હું તમારો ભાણેજ છું, મામા!’

‘ભાણેજ પછી… પણ તું મારો જમાઇ છો, ભાઇ! જમાઇનાં પગરખાં ઉપાડવાની સસરાની ફરજ ગણાય, હો…’

‘પણ આપ ગામ ધણી છો… ચોરાસી ગામના રાજા…’

‘હું ચોરાસી ગામનો રાજા, પણ તું જમાઇ એટલે બસો ગામનો રાજા, અમરાભાઇ!’

આખા ઓરડામાં સંભળાય એવા ઊંચા સાદે આલા દરબાર બોલ્યા: ‘જમાઇ તો રાજાનો ય રાજા… હો, માટે મને આટલી સેવા કરવા દે… હું જ ઓસરીમાં મૂકી દઉં.’ કહીને જસદણના રાજવીએ જમાઇનાં પગરખાં સાચવીને ઓસરીમાં મૂક્યાં: ‘તારી સેવા કરવી ઇ મારી ફરજ છે…!’

આ આખીય ઘટના સગી આંખે જોઇને, કાને સાંભળી ગયેલાં રાજકુંવરી જાહબાઇ ના અહમ્નો, ગર્વનો, મોટપનો આખોય બંગલો ગંજીપાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયો! બાપે, ઠપકાનું એકપણ વેણ કીધા વગર દીકરીને એનું સ્થાન દેખાડી દીધું! જાહબાઇના રાજવળાનાં સાતેય પડ ઉતરડાઇને લીરા લીરા થઇ ગયાં! પોતાનો પતિ પોતાના માટે કઇ વસ્તુ છે એની સમજણ આવતાં જાહબાઇના હૈયામાં ઊથલપાથલ મચી ગઇ કે હાય મા! ચોરાસી ગામ જેને સલામું ભરે છે, જેની છડી પોકારાય છે એવો અડાબીડ રાજવી અને પોતાનો પિતા, જેનાં પગરખાં ઉપાડે છે એને મેં પાણીનો પિયાલો ન અંબાવ્યો? મને કઇ કમત્ય સૂઝી? શીદને? ઘણોય કાબૂ રાખ્યો છતાં જાહબાઇના ગળામાંથી પસ્તાવાનું મોટું બધું એક ધ્રુસકું આખા ઓરડાને છલકાવી ગયું!

દરબાર આલા ખાચરે અમરા ધાધલ સામે સૂચક નજર માંડી ત્યારે રાજવીપણાની ચતુરાઇ અને ખાનદાનીનો એનો ચોપડો ભાણેજ જમાઇ અમરા ધાધલના હૈયામાં પૂજનમાં પૂજાતો હતો… છાશું પિવાઇ રહી એ જ વેળા જાહબાઇએ પોતાની માને કહ્યું: ‘મા! મને મારી ભૂલ સમજાણી છે. જીવનમાં હવે પછી કાઠીનું વેણ ક્યારેય નૈં ઉથાપુુ. મારા બાપુ જો એનાં પગરખાં ઉપાડતા હોય તો હું કઇ વિસાતમાં?’ માએ સંતોષ ભરીને દીકરીને માથે હાથ મૂક્યો: ‘બેટા! તારા માટે તો તારો પતિ જ તારો પરમેશ્વર!’

‘મા! હવે વેલડું જોડાવો…’ દીકરીએ કહ્યું: ‘મારે મોઢુકે જવાનું મોડું થાય છે…’ વેલડું જોડાવીને સાસરે જતી દીકરીને બાપે હસતે મુખે વિદાય આપી: ‘ડાહ્યાં થઇને રહેજયો બહેન! ઘર સાચવજો અને ઘર ઉજાળજો.’‘બાપુ!’ દીકરીએ ભીની આંખે હાથ જોડ્યા: ‘હવે વધારે બોલશો મા… તમારી દીકરી તરીકે ઊજળું જીવીને તમારી આબરૂ વધારીશ.’

લેખક:- નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!