દ્વારકાના દયાળુ દાનવીર- શેઠ ગોવિંદજી

(દુહા)
હાતમ છે એ હિન્દનો સખાવતો શાહ,
મીઠો જાણે માળવો, વિશ્વ વદે છે વાહ.
શોભાવ્યો સૌરાષ્ટ્રને મેળવ્યું મોટું માન.
ગુણવંતા ગોવિંદજી હૈયે નોતું ગુમાન.

દ્વારકાના દરબારમાં બેઠેલું વરવાળા ગામ. એટલે લીલી નાઘેરની, નાનકડી બેન, લહેરાતી વાડીઓ, વીંઝણો ઢોળતાં ફળાવ ઝાડનાં ઝુંડ ને બીજી બાજુ દ્વારકાધીશનાં પાદ-પ્રક્ષાલનના સદ્દભાગ્યના આનંદમાં આઠેય પહોર ઘૂઘવતો સાગર.

આવા વાટકી જેવા વારવાળા ગામની માથે ઊતરતા અષાઢનો દિવસ છે. સાત થયે અંબર ઢાંકીને ઢુંગે વળેલી વાદળીઓ ટલ્લા દઇ રહી છે. ઊભી વનરાઇમાં મોરલા ટહુકા કરીને મેઘરાજાની છડી પોકારી રહ્યા છે. ત્યારે એવું રૂપ બંધાઇ રહ્યું છે કે જાણે કોઇ મહારાજની પધરામણી સાથે ચોપદાર પોકારતો હોય કે ગૌબ્રાહ્મણ પ્રતિપાળ ચક્ર ચુડામણી રાજરાજેશ્વરી મુકુટમણિ મહારાજાધિરાજ મેઘરાજના ઘણી ખમ્મા. અમીધારે ઉરના ઉમંગની છોળો છાંટી રહ્યો છે. પશુ-પંખીને ખેડૂતોના હૈયે હરજની હેલીઓ ચડી રહી છે. નદીઓ નવોઢા નારની જેમ રુમઝુમ રુમઝુમ કરતી અરબીના અંકમાં સમાઇ રહી છે.

એવે ટાણે વરવાળા ગામના ગૃહસ્થ ઠાકરશી ભાટીઆના રેણાંક ઓરડાની પડાળી પરથી થાળીનો રણકાર ઊઠયો ત્યારે આખા ગામે જાણ્યું કે ઠાકરશી શેઠના પારણે બીજો પુત્ર ઝૂલ્યો. ગામના હૈયે હરખના હિલોળા ચઢ્યા.

ઠાકરશી શેઠ અઢાર વર્ષની અવસ્થાએ આઠસો રૂપિયાનો માલ વહાણમાં ભરીને મુંબઇમાં વેપાર ખેડવા ગયેલા અને હજી તો ઠરીઠામ થવા માટે મુંબઇમાં મથામણ કરી રહ્યા હતા એટલે તેમનો ઘરખાટલો વરવાળા ગામમાં રહેતો હતો. ત્રણેક વર્ષની શિશુવયે મોટાભાઇ સાથે ગોવિંદજી મુંબઇ ગયો.

પાંચ વર્ષની વયે નિશાળમાં બેઠા. દિવસો, મહિનાઓ અને વરસો વીતવા લાગ્યાં ને ધાકજીની ચાલમાં આવેલી શાળામાં ખત, કાગળ, હૂંડી, અને નામાનું ભણતર ભણ્યા. ભાણા ભટ્ટનું ભણતર તે દિ’ પંકાતું હતું. ભાણા ભટ્ટની નિશાળમાં ભણેલો છોકરો સોમાં સોંસરવો નીકળે એવી છાપ હતી.

આવી નિશાળમાં ખપપૂરતું ભણીને ગોવિંદજી તીખા મિજાજના પ્રામાણિકતાની જલતી જ્યોત જેવા પિતાના પુનિત પગલે ઠાવકું રૂપ ધારણ કરીને ધંધે વળગ્યા. કૃષ્ણ ભક્તિની ભભક જેના જીવનમાં ભભકતી હતી, દયાનો દરિયો જેના દિલમાં ડોલતો હતો, જેને વિદ્યાએ સદ્દવિચારની વરમાળા પહેરાવી હતી એવા ગોવિંદજી શેઠની શાખાનો સૂરજ સોળે કળાએ તપવા લાગ્યો. સફળતાનાં શિખરોને સર કરીને મુંબઇમાં વરમાળાનો વિજય વાવટો ફરકાવનાર ગોવિંદજી શેઠને ક્યારેય અભિમાન આવ્યું નહીં. ક્યારેય કંજૂસાઇ એનાં કાંડાં પકડી શકી નહીં.

મુંબઇને મરકીના રોગે ઘેર્યું. પટોપટ પરપોટાની જેમ માણસો મરવા લાગ્યાં. રોક્કળ ને રીડીઆમણથી મહાનગરી ગણાતી મુંબઇ ગૂંગળાવા લાગી ત્યારે ગોવિંદજી શેઠથી સવામણની તળાયમાં સુવાય કેમ? દયાના સાગરથી સુખની નિંદર કેમ કરીને થાય? તેનાથી થાય એટલા ધોડા કર્યા. મરતા માણસોને ગારવા ઉપાય આદર્યા.

મરકી ગઇ ને દુકાળનાં ડાકલાં વગાડતી ગઇ. સંવત ઓગણીસો ત્રેપનનું વરસ દુર્મુખ વરસ બેઠું. વેપારવણઝુ ભાંગી પડી. વાણીઓ-વેપારીઓ ગાદી-તકિયે બેઠા બેઠા બગાસાં ખાવા લાગ્યા. ગાય મંકોડા ભરખવા લાગી. માએ છોકરાં માંડયાં.

મહાકોપ ધરીઓ પૃથ્વી પરે, ધળવા ફરી.
હુવા શંકર બ્રહ્મા ઈન્દ્ર, ભેળા હરિ.
ધોમસર જગત પર રૂપ, બેઠા ધરી.

આવો દુકાળ ડાચાં ફાડીને ડારા દેવા લાગ્યો. ઊભી નાળિયેરનાં પાણી સુકાઇ ગયાં. કોયલીની ખાણો પણ ખૂટી.

ખડ ખૂટયા, ગોરલ વહુક્યા,
વા’લા ગયા વિદેશ.
મેહુલીઆ હવે વરસીને કાઉ કરેશ.

વળી પાછી પરદુઃખભંજન ગોવિંદજી શેઠની આંખમાંથી ઊંઘ અલોપ થઇ. રૈયતની ભેરે ચડવા, આ ભાટીઆ ભડવીરે ભેટ વાળી. પેઢીના મેંતા મુનીમોને ભેગા કરી આજ્ઞાા આપી કે એક કાગળ લખો.

શેઠના વેણે કલમ દોતમાં ઝબોળાણી. બીજી પળે કલમ તોળાણી ગરવા ગોવિંદજીની શોભીએ ઝૂલતી મૂછો ફરફરી, બે હોઠ પહોળા થયા, તેમાં પારકી પાડીને ટાળનારા ઔષધ જેવાં વેણનાં પડીકાં પડયાં. લખો ઃ

વિજ્ઞપ્તિ પત્ર
જે જે ગામમાં દુકાળના સંકટથી લોકો અન્ન માટે પોતાનાં બચ્ચાંઓને થોડી કિંમતે વેચી નાંખતા હોય અગર તો અનાથ છોડી આપતાં હોય તે તે ગામના મુખ્ય અમલદાર સાહેબને અરજ કરવામાં આવે છે.

આથી વિપત્તિથી તેમને છોડાવવા અર્થે કાંઇ યત્ન કરવો, એવો ઈરાદો થવાથી અમોએ અહમદનગર, બારસી, સોલાપુર, બિજાપુર વગેરે જગાએ તપાસ કરાવી તો બિજાપુરનાં લોકો પોતાનાં બાળબચ્ચાંઓને આપવા (વેચવા) ના કહે છે; તેમજ બીજાં ગામોવાળાઓ પણ પોતાનાં નહાનાં બચ્ચાંઓને આપવા ના જ પાડશે એમ અમો ધારીએ છીએ. તો પણ આવા સંકટમાં આવી પડેલા લોકો જો પોતાનાં દશ વર્ષથી અંદરનાં બાળકો પંઢરપુરના નિરાશ્રિત આશ્રમગૃહમાં રાખવા રાજી હશે તો તેવા બાળકોને અમારા ખર્ચે મજકૂર આશ્રમ-ગૃહમાં પહોંચાડી આપવામાં આવશે. તેથી અમો આશા રાખીએ છીએ કે સર્વ લોકો આવાં બાળકોને ઉપલી જગ્યાએ મોકલવામાં વાંધો લેશે નહીંઃ સિવાય દશ વર્ષ ઉપર અને ચૌદ વર્ષ સુધીના છોકરાઓને મુંબઇ ખાતે અમારા ખર્ચે મોકલવા. અહીં તેઓને મિલના ઉદ્યોગમાં લગાડશું. આથી આવા છોકરાઓનો અચ્છી રીતે નિભાવ થશે અને ભવિષ્ય માટે સારો લાભ મળવાની ઉમેદ રહેશે.

અમો આશા રાખીએ છીએ કે લોકો આ છોકરાઓને મુંબઇ મોકલવામાં કશો વાંધો લેશે નહીં.

જ્યાં આવી રીતનું સંકટ હોય ત્યાં ત્યાં તપાસ કરી, ઉપર પ્રમાણે મોકલવા અર્થે અમોએ અમારા માણસો ફરતા કર્યા છે. તેઓને આ કામમાં સર્વે મુખ્ય અમલદારો પોતા તરફથી વાજબી રીતની મદદ આપી, લોકોને સમજાવી, આ તરફ મોકલાવશે એવી અમે આશા રાખીએ છીએ.

લિ. ગોવિંદજી ઠાકરશી મુળજી

આવા કાગળો ઉપર કાગળોની નકલ થવા માંડી. કાગળો તૈયાર થઇ ગયા પછી ગોવિંદજી શેઠે દેશની દશેય દિશાઓમાં માણસો દોડાવી કાગળો પહોંચાડી અનેક આશાભર્યા છોકરાઓને ઉગારી દ્વારકાના આ દાનવીરે દેશમાં ડંકો વગાડી દીધો હતો.

જીવનસંધ્યાના છેલ્લા ઝબકારા ઝીલતા આ અલૌકિક આત્માના કાને દુઃખીઓનાં જાણે ડૂસકાં ઊઠતાં હતાં. ભૂખમરામાં ભરડાતી ગાયોના ભાંભરડા સંભળાતા હતા. આધાર વગરનાં ખખડી ગયેલાં ખોળીઆં જાણે શેઠ ગોવિંદજીની સામા ખોળા પાથરી રહ્યાં હતાં. જેની તકદીરમાં તપતો સંસારનો સૂરજ અકાળે આથમી ગયો હતો એવી વિધાતાની આવતા દિ’ના અંધારામાં અટવાતી આંખોમાંથી ઊઠતી આરત આંખમાં અંજાતી હતી. ગોવિંદજીએ ઓખા મંડળ ઉપર મહારાજાધિરાજનો મોભો ભોગવતા, શ્રીમંત સરકારને તાર કર્યો કે રાહતફંડ ખોલો, અનાથ, વૃદ્ધો માટે અને અર્થ ખરચમા હું ભાગીદાર થઇશ.

આમ દાનવીર દાનનો છેલ્લો દીવડો પેટાવીને પંચ મહાભૂતમાં પોઢી ગયો.

નોંધ ઃ શેઠ શ્રીગોવિંદજી ઠાકરશી મુળજીનો જન્મ સંવત ૧૯૦૫ અષાઢી વદી ૩ બુધવારે થયો હતો.  તેમનું અવસાન સંવત ૧૯૫૫ના ભાદ્રવદ સુદ ૨ ને દિવસે થયું હતું. તા. ૭-૯-૧૮૯૯. તેમને મુંબઇમાં જે.પી.નો ઈલ્કાબ આપવામાં આવ્યો હતો. તેમની સખાવતોનું લિસ્ટ કરવા બેસીએ તો પાનાં ભરાય. તેઓ પ્રવાસ વખતે પૂર્ણપણે પરોપકારીનાં કામ કરતા હતા.
* * * * *

લેખમાં વપરાયેલા ”કોયલી’ શબ્દનો અર્થ એવો છે કે કચ્છ-કાઠીયાવાડમાં સારા વરસમાં અનાજ પાકે ત્યારે વધારાનું અનાજ પાણીવાળી જમીનને ૨૦/૨૫ હાથ ઊંડી ખોદીને તેની ખાણ બનાવતા ફરતી ટીપીને ખાડાની દીવાલ મજબૂત કરતા અને તળિયામાં રેતી-કાંકરાનું ટીપીને પડ બનાવતાં. પછી તેમાં અનાજ ભરતા. ખાણમાં કઇ સાલમાં અનાજ ભરવામાં આવ્યું છે અને કેટલું ભર્યું છે તેની વિગત માટે એક નળિયામાં કોતરીને એક નળિયું અંદર મૂકી ખાણ ઉપર કણસલાના ડૂંડાં ઢાંકી ઉપર પાણી નાંખી ખાણ પૂરી દેવામાં આવતી અને ખાણ ઉપર ગોળ ઢોરો કરતા જેથી ચોમાસાનું પાણી તેમાં ઊતરે નહીં.
* * * * *

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!