15. સર્વ ધર્મ સમાન : સિધ્ધરાજ જયસિંહ

સંસારમાં હંસ પણ છે, કાગડા પણ છે. કાગડાઓને દેશનિકાલો આપી એક્લા હંસને રાખી શકતા નથી.

સારા ભેગું ખરાબ હોય છે. પ્રેમ હોય ત્યાં ઈર્ષ્યા પણ હોય છે.

મહારાજ સિદ્ધરાજના રાજ્યની બધે બોલબાલા થઈ રહી હતી. દૂરદૂરના પ્રવાસીઓ ગુજરાત જોવા આવતા. અહીંના અજબ નરો, અલબેલી નારીઓ, ક્લા, સ્થાપત્ય ને વિદ્યા જોઈ બધા છક્ક થઈ જતા.

એથી વધુ છક્ક થતા ધર્મની બાબતમાં મનની મોટાઈ જોઈને ! નહિ તો જેમ પક્ષના ઝઘડા દુનિયામાંથી આથમ્યા નથી, એમ ધર્મના ઝઘડા પણ ક્યાંય શાંત થયા નથી ! અને એમાં પણ રાજા જ્યારે કોઇ ધર્મનો પક્ષ લે, ત્યારે તો ધર્માંધ લોકોનું ચઢી વાગે છે.

અહીં એવું નહોતું કે-

રાજાને ગમતા દેવને સહુ માને !

રાજાને રુચતો ધર્મ સહુ પાળે !

મહારાજા સિદ્ધરાજનો કુળનો ધર્મ શૈવધર્મ ! સોમનાથ મહાદેવ એમના દેવ. એ દેવની પ્રીતિ માટે તો મીનલદેવી ગુજરાતે ઊતર્યાં. એ દેવની પ્રીતિ માટે બોતેર લાખનો કર માફ કર્યો.

પણ રાજા તો તમામ પ્રજાનો. પ્રજા એક ધર્મ પાળે એવું કદી ન બને. પ્રજા અનેક ધર્મ પાળે. એ ભલે પોતાનો ધર્મ પાળે, પણ પડોશી ધર્મ તરફ ઉદાર ભાવ રાખે.

રાજાએ પણ પોતાનો ધર્મ પાળવાનો ને બીજા ધર્મોને ભલી નજરથી જોવાના : એક આંખે જોવું રાજાને ન શોભે.

શૈવ પોતાનો ધર્મ. શિવમંદિરમાં સદા જાય; પણ એથી વિષ્ણુ મંદિર પર દ્વેષ એવું નહિ !

વૈષ્ણવો સિદ્ધરાજમાં વિષ્ણુનો અંશ ભાળે !

અનેક શૈવ કે વૈષ્ણવો પર ભાવ, એટલે જૈનો પર દ્વેષ એવું પણ નહિ. સોરઠના મંત્રી સજ્જન મહેતાએ ગિરનાર પર દહેરાં બાંધ્યાં, રાજના પૈસે બાંધ્યાં, તોય એને મંજૂરી આપી. અને અનેક લોકોના વિરોધ છતાં કાપડી વેશે પોતે શત્રુંજયની યાત્રા કરી.

ધર્માંધ લોકો જ્યારે આડીઅવળી વાતો કરે ત્યારે મહારાજા સિદ્ધરાજ કહે,

‘જે શાંતિ-સંતોષથી ને પડોશી સાથે પ્રેમથી રહે, એ ખરી પ્રજા, એ ખરો નાગરિક. મારા માટે તો શૈવ, વૈષ્ણવ કે જૈન સૌ સમાન છે. મારી પ્રજામાં તો મુસલમાન પણ છે. જે આ ભૂમિને વફાદાર રહે, પોતાને આ દેશનું સંતાન માને, અને શાંતિથી પોતાના ઇષ્ટદેવને પૂજે એ મારી પ્રજા-એ મારા રક્ષણની અધિકારી !

‘નાગર અને જૈનો મારી બે આંખો છે. એ બંને વર્ગના લોકો મારા રાજના મંત્રીઓ છે. હું કઈ આંખને રાખું ને કોને ફોડું ?

‘રજપૂતો મારી બે ભુજાઓ છે : કોઈ શૈવ છે, કોઈ વૈષ્ણવ છે. કઈ ભુજા રાખું અને કઈ કાપું?

‘શૂદ્રો તો મારા પગ છે. પગ નબળા હોય તો આખું શરીર નબળું ! મારા પગ હું કાપું એવો મૂર્ખ નથી.

‘મારે કોઈ જ્ઞાતિ નથી, જાતિ નથી, વર્ણ નથી. મારી પાસે તો એક પિતાની પ્રજા જેવી આ પ્રજા છે.

‘પ્રજા કાળી-ગોરી હોય. પ્રજા બળવાન-નિર્બળ હોય; પ્રજા ઊંચી-નીચી હોય : બાપની નજર બધા પર સમાન.’

છતાં દીકરાઓમાં ખટપટ ચાલે એ મનુષ્યસ્વભાવ છે. જ્ઞાન ઓછું હતું ત્યારે એક ધર્મ હતો-પ્રેમ અને આતિથ્યનો. જ્ઞાન વધતાં વિવાદ વધી ગયા.

શૈવો કહે : ‘મારો ધર્મ મોટો. સંસારના દેવ તો મહદેવ !

વૈષ્ણવો કહે : ‘વિષ્ણુ મહાન, વૈષ્ણવ થયા વિના વૈકુંઠ કેવું ?’

જૈનો કહે : ‘ખરા દેવ તો વીતરાગ ! એ દેવની ઉપાસના કરનારનું કલ્યાણ થશે. બીજા નરકે જશે.’

મુસલમાન કહે : ‘એક અલ્લા; એ સિવાય બીજા દેવ નહિ !’

આવા વાદવિવાદ રોજ ચાલ્યા કરે. નબળા મનના લોકો લડે પણ ખરા !

એક દહાડો કેટલાક ટીખળી લોકોએ કારસો ગોઠવ્યો. તેઓએ મહારાજને કહ્યું કે અમે સાચો ધર્મ ક્યો, ને કયો ધર્મ અમારે પાળવો એ જાણવા માગીએ છીએ.

આવી બાબતમાં મહારાજની નજર વિદ્યાગુરુ આચાર્ય હેમચંદ્ર પર જ પડે.

મહારાજાએ તેમને તરત પ્રશ્ન કર્યો :

આચાર્યવર ! કયો ધર્મ પાળવાથી કલ્યાણ થાય ?’

બધાએ માન્યું કે આચાર્યશ્રી જૈન ધર્મનું નામ દેશે, કારણ કે પોતે તે ધર્મ પાળે છે. પણ એમ કરવાને બદલે તેઓએ તો એક વાર્તા કહેવી શરૂ કરી-જાણે નાનાં બાળકોને સમજાવવા માંડ્યાં.

વાર્તા શરૂ કરતાં કહ્યું :

એક શેઠ હતો, એને એક પત્ની હતી. બંને સુખે રહેતાં હતાં.

પણ ન જાણે કેમ, શેઠે પહેલી પત્નીને છોડી દીધી ને જઈને બીજી પત્ની પરણી લાવ્યો.

પહેલી પત્ની ખૂબ રોષે ભરાઈ. એણે પતિને વશ કરવા માટે અનેક જાતના યત્નો કરવા માંડ્યા. પતિ તાબે થયા, પછી શોક્યને તો ઘડીના છઠ્ઠા ભાગમાં જોઈ લેવાશે !

એક દિવસ ગૌડ બંગાળાનો એક માણસ આવ્યો. એ જાદુ અને કામણ-ટુમણ જાણતો હતો. એણે બાઈને કહ્યું :

‘મારી પાસે અજબ હિકમત છે. તારા પતિને દોરી બાંધીને તું ઘેરે તેવો બનાવી દઉં તો ?

બાઈ ખૂબ રાજી થઈ ગઈ. એ કહે : ‘તું માગે તે આપું. બસ, મારે એ જ જોઈએ છે.’

પેલા મંત્રવાદીએ એક ઔષધ, અને એક મંત્ર આપ્યાં. ઔષધ ખવરાવવાની રીતિ બતાવી. મંત્ર ભણવાની તિથિ દર્શાવી.

બાઈએ ક્ષયતિથિવાળા દિવસે પતિને પૂજા માટે બોલાવ્યો. સતી સ્ત્રી આવા દિવસે પતિને પૂજ્યા વિના પાણી પણ પીએ નહિ, પતિને ખવરાવ્યા વિના ખાય નહિ ! પતિ જમવા આવ્યો. એણે તો પાંચ પકવાન રાંધ્યાં. થાળી પીરસી. ધીરેથી પેલું ઔષધ ભોજનમાં નાખી દીધું.

પતિ જમવા બેઠો. પત્ની વીંઝણો લઈને પાસે બેઠી. એ મંત્ર ભણતી જાય ને વીંઝણો ઢોળતી જાય !

થોડીવારમાં એના પતિને માથા પર ખણ આવવા માંડી.

અંદરથી કંઈક અણીદાર બહાર નીકળવા માંડ્યું.

પતિએ પત્નીને કહ્યું : ‘અરે સુલક્ષણે ! આ શું થાય છે ?’

પત્નીએ આંખ બંધ રાખી, મુખેથી મંત્ર ભણતાં કહ્યું: ‘એ તો જેવાં તમારાં લક્ષણ હશે એમ થતું હશે.’

પુરુષે જોયું તો માથા પર બે શીંગડાં ઊગેલાં. હજી એ આશ્ચર્યનો વિચાર કરે છે, ત્યાં પૂંઠે ખણ ઊપડી, ને ખણ્યું તો કંઈક દોરડા જેવું હાથ આવ્યું ! ખેંચ્યું તો લાંબુ લચરક !

થોડીવારમાં તો પીઠ પાછળ પૂંછડું ઊગી આવ્યું ! અરે, માણસ અને વળી શીંગડા ને પૂંછડું !

પુરુષે કહ્યું : ‘અરે સુલક્ષણે ! જો તો ખરી, આ શું થાય છે ?’

પત્ની કહે : ‘એ તો જેવાં તમારાં લક્ષણ હશે એમ થતું હશે.’ એ વીંઝણો ઢોળતી હતી, મંત્ર ભણતી હતી. એની આંખ બંધ હતી.

થોડી વારમાં ઊંચું નાક ખેંચાતું હોય એમ ખેંચાણું ને અંદર બેસી ગયું. બેઠેલું મોં લાંબું લચ થઈ ગયું.

અને ખાધું થોડું પણ પેટ વધુ ફૂલવા લાગ્યું. પહેલાં ગાગર જેવું થયું. પછી ગોળા જેવું થયું ને પછી કૂવાના કોસ જેવું થઈ રહ્યું !

પતિએ કહ્યું : ‘અરે સુલક્ષણે ! આ મને શું થાય છે ?’ સ્ત્રી તો આંખ બંધ રાખી, મંત્ર ભણતી બોલી : ‘જેવાં તમારાં લક્ષણ એવું થતું હશે !’

એવામાં પતિ જે હાથે ખાતો હતો, એ હાથ બૂંઠા થઈ ગયા, જાડા બની ગયા, વચ્ચમાં ફાટ પડી ગઈ. હવે તો એ હાથ ઊંચા રાખવામાં મુક્લી પડવા લાગી.

‘અરે ! આ શું? મારા બે હાથ જતા રહ્યા અને બેના ચાર પગ થઈ ગયા ! સુલક્ષણા ! મને કોઈ વૈદ પાસે લઈ જા !’

પડખેના કારણે વૈદ રહેતો હતો.

પેલી સ્ત્રી આંખ બંધ રાખી, મંત્ર ભણતી વૈદને ત્યાં પતિને લઈ ગઈ. પુરુષ ચાર પગે ચાલતો ગયો. વૈદે એને જોતાં જ કહ્યું,

‘અરે બાઈ ! આ બળદને કેમ લાવે છે ? હું ઢોરવૈદ નથી.’

બાઈએ આવું ધાર્યું નહોતું. એણે આંખ ઉઘાડીને જોયું તો પોતાનો પતિ બળદ ! એને જાદુગર યાદ આવ્યો. અરે, મેં તો દોરી બાંધીને દોરી શકય એનો અર્થ પોતાનું કહ્યું કરે તેવો વર માગ્યો હતો.

પણ હવે શું કરે ?

લોકોએ સ્ત્રીનો તિરસ્કાર કરવા માંડ્યો.

શોક્યે પતિને કાઢી મૂક્યો.

બાઈ બળદને લઈ જંગલમાં ચાલી ગઈ. ત્યાં લીલી ધરો ને મીઠાં મીઠાં પાંદડાં ખવરાવે અને રહે.

કોઈ વાર પોતાની ભૂલ યાદ આવે એટલે ખૂબ રોવે. રોવે એવું કે જંગલનાં ઝાડવાંય કંપી જાય.

એક વાર એક વિમાન ત્યાંથી નીકળ્યું.

એમાં શંકર અને પાર્વતી બેઠેલાં.

પાર્વતીએ રુદન કરતી બાઈને જોઈને શંકરને પૂછ્યું.

શંકરે બધી વાત વિગતથી કહી. ધણીને કહ્યાગરો બનાવવા જતાં ધણીની અને પોતાની કેવી ખરાબ દશા કરી એ જણાવ્યું.

પાર્વતીએ કહ્યું : ‘અરેરે ! બાઈને માથે દુ:ખનાં ઝાડ ઊગ્યાં. હવે બળદને માણસ બનાવો તો હા.’

શંકર કહે : ‘એમ દુનિયામાં બધાંનાં દુ:ખ દૂર કરતાં ફરીએ તો આપણા દુ:ખનો પાર ન રહે ! અને તમે સ્ત્રીઓ તો વાતવાતમાં ઢીલી પડનારી !’

પણ આ તો પાર્વતીની હઠ ! લીધી મૂકે નહિ.

એ તો ભમરો થઈને શંકરજીની જટામાં પેસી ગયાં. શંકરને પાર્વતી વગર એક પળ પણ ન જાય. એમને લાગ્યું કે પોતે પાર્વતી વિના પાગલ બની જશે.

એમણે કહ્યું : ‘અરે પાર્વતી ! શું તમારો સ્વભાવ ! લીધી લપ છોડવાનાં જ નહિ. જુઓ ! આ ઝાડની છાયામાં જ એ ઔષધ છે. બળદને ખવરાવશે એટલે પાછો માણસ બની જશે.’

પાર્વતી આ સાંભળી જટામાંથી નીકળી બહાર આવ્યાં.

બંને વાર્તાવિનોદ કરતાં-કરતાં કૈલાસમાં ચાલ્યાં ગયાં.

પેલી બાઈએ આ વાત સાંભળી. પણ વૃક્ષની છાયા મોટી છે. ને નાનીમોટી અનેક વનસ્પતિ ત્યાં ઊગેલી હતી.

કયું ઝાડપાન ગુણકારી ? કઈ વનસ્પતિ હિતકારી ? એ તો મૂંઝાઈ ગઈ. અરે, આટલું કહ્યું ને આટલું ન કહ્યું. ચોક્કસ નામ આપ્યું હોત તો કમ કેવું સરલ થઈ જાત ! બાઈએ બુદ્ધિ દોડાવી. કોઈ એક વનસ્પતિ શોધવી નકામી હતી. એણે પહેલાં દોરીથી વૃક્ષની છાયા માપી લીધી. પછી એમાં ઊગેલી વનસ્પતિ ચૂંટી-ચૂંટીને બળદને ખવરાવવા લાગી.

કઈ ચોક્કસ વનસ્પતિ ગુણ કરે, એની ખબર નહોતી; પણ ધીરેધીરે બધી વનસ્પતિઓ આવી ગઈ.

ખાતાંની સાથે બળદ પુરુષ થઈ ગયો.

બાઈ રાજી થઈ. પુરુષે પૂછ્યું : અરે ! આ કેમ થયું ?’

સ્ત્રી કહે : ‘હું કંઈ જાણતી નથી. ચોક્કસ વનસ્પતિ જાણતી નહોતી એટલે આ બધી ભેગી કરીને તમને આપી.’

આટલી વાત પૂરી કરતાં આચાર્ય કહ્યું :

‘જેમ અજાણી અનેક ઔષધીઓથી ધાર્યું કાર્ય સિદ્ધ થયું, એમ કલિયુગમાં મોહથી વિવેકજ્ઞાન ઢંકાઈ ગયું છે; માટે સર્વ ધર્મનું ભક્તિથી અજાણતાં પણ આરાધન કરતાં એ કલ્યાણ કરે છે, એવો મારો મત છે.’

મહારાજા સિદ્ધરાજ આ સાંભળી ખૂબ રાજી થયા.

ધર્મઝનૂનીઓની જીમ સિવાઈ ગઈ.

[ ક્રમશઃ આગળની વાત જાણો હવે પછી ના ભાગમાં.. ત્યાં સુધી આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ. આ પોસ્ટ તમને કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો… ]

લેખક – જયભિખ્ખુ
આ પોસ્ટ લેખક જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથા સિધ્ધરાજ જયસિંહ પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!