મહેર સંત શ્રી ગીગાભગત ઓડેદરા

આ ઇતિહાસની શરુઆત જગદંબા સ્વરુપ શ્રી લીરબાઇમાના સમયકાળ દરમ્યાનની છે. જ્યારે લીરબાઇમાના કુટુંબના સભ્યનું વેવીશાળ કોટડા ગામના લખીબેન સાથે થયેલું હતું. તેના થોડા સમય બાદ તે લખીબેને કોટડા ગામના ભારાઆતા નામના મહેર યુવાન સાથે ગાંધર્વ વિવાહ કર્યા. આ વાતની જાણ લીરબાઇમા ને થતા લીરબાઇ માતાએ કડવી વાણી ઉચ્ચારેલ અને કહેલ “હે લખી તું દખીથા, તારા ધરે બાલ-બચ્ચા ઉજરશે નહિ, બાલ મોવારે તું બાકી રે”. ત્યારબાદ લખીબેનના ધરે સાત પુત્રોનો જન્મ થયો પરંતુ લખીબેન તેના એક પણ પુત્રની છઠ્ઠી પણ ઉજવી શક્યા નહિ અને એક પછી એક એમ સાત પુત્રો મરણ પામ્યા. લખીબેન સંતાન વિહોણી અગ્નીમાં જલવા લાગ્યા, અને ખુબ દુઃખી થયા પછી ગામના સંતો અને આગેવાનો પાસે પોતાની વેદના સંભળાવી. ત્યારે ગામના આગેવાનોએ લખીબેનને પોતાની ભુલ સ્વીકારી લીરબાઇમા પાસે ક્ષમા માંગવાનુ કીધુ.

એક દિવસ લીરબાઇમાનો ઉતારો કોટડા ગામે રેહતા ધર્મપ્રીય એવા વીરમ પટેલને ત્યા થયો. સનાતન ધર્મના સત્સંગમાં લખીબેને બે હાથ જોડી પોતાની વેદના લઇ મા લીરબાઇ સમક્ષ પોહચ્યાં. લખીબેને સત્સંગ પુર્ણ થયા પછી લીરબાઇમા પાસે માફી માંગવા ગયા અને સાત દાતણની ચીરો કરીને પોતાની જીભમાં ધસીને એઠી કરી ત્યારે તુરંત જ લીરબાઇમા પોતાનુ મુખ ઓઢણ દ્રારા ઢાકીને બોલ્યા “લખી મારે તારુ મોઢુ નથી જોવુ, તું અહિંથી ચાલી જા.” ત્યારે સત્સંગમા બેસેલા જતી-સતી સેવકોએ મા લીરબાઇને લખીબેનને ક્ષમા કરવાની વિનંતી કરી અને કહ્યુ “છોરુ કછોરુ થાય પરંતુ માવતર કમાવતર કદી ન થાય.”

સત્સંગમા પધારેલ સંતો મહંતોની વિનંતી સાંભળી લીરબાઇ માતાજીએ તુરંત જ સમાધિ લગાવી અને લખીબેનનું ભાગ્ય જોઇને બોલ્યા, “હે લખી હું કડવી વાણી ઉચ્ચારી તે પાછી વારુ છું, તારે ધરે દેવ જેવો એક પુત્રનો જન્મ થાશે પણ તારા કરમનો બદલો તારે ચુકવવો પડશે આથી દિકરો તારો નહિં થાય અને તે અબોધ પશુ-પંખીની સેવા કરશે અને હંમેશા પ્રભુ ભજનમાં જ લીન રહેશે પરંતુ તે એક માંથી અનેક થાશે.” ભારાઆતા અને લખીમાં ઓડદર થી ઓખા જવા નીક્ળ્યા ત્યારે એક રબારી ને પાસે પોતાની ૫૦૦ વીઘા જમીન ગીરવી મુકિ અને બદલામાં એક સાંઢળી એક ધાબરી અને રુપીયા પાંચ લીધા હતા અને કરાર કરેલ કે જ્યાં સુધી પાછા પચાસ રુપીયા ના આપવામાં આવે ત્યાંસુધી જમીન પરત નહી મળે( આજે પણ બારોટ ના ચોપડે તે લખાણ છે).

ત્યાર બાદ સ્વાતી નક્ષત્રમાં શ્રી લીરબાઇ માતાજીના આશિર્વાદથી લખીબેનના કુખેથી દેવપુરુષ જેવા એક દિવ્ય પુત્રનો જન્મ થયો,જેનુ નામ ગીગો રાખવામાં આવ્યુ. ગીગાભગત તેમના પીતા ભારાઆતાના લાડકવાયા પુત્ર હતા. કિશોર અવસ્થામાં પોહચતાં જ ગીગાભગતને ભજનમાં રસ લાગ્યો અને તેઓ હંમેશા પ્રભુ સ્મરણ કરતા રેહતા. યુવા અવસ્થામાં પોંહચતા ગીગાભગતના લગ્ન રુપીબેન નામના મહેર કન્યા સાથે કરવામાં આવ્યા. ગૃહસ્થાશ્રમની શરુઆત કર્યા બાદ પણ ગીગાભગત વારંવાર રૂપીબેનને એકલા મુકી પ્રભુભજન અને સત્સંગ માટે બહાર જતા રેહતા, જેથી પરિવારજનોને સતત આ બાબતે ચિંતા રેહતી અને આ વાત કુટુંબીજનોએ નાગકાથી સત્સંગ અર્થે કોટડા ગામે આવેલ લીરબાઇમાના પ્રખરભક્ત એવા પુંજાભગતને કહી. પુંજાભગતે ગીગાભગતને પોતાના પાસે બેસાડી ધર્મનો સાર સમજાવ્યો અને ગીગાભગત પાસે એક વચન માંગ્યુ કે પોતે કોટાડાગામમાં રહીને જ કાવડ ફેરવી ગાય, કુતરા અને અબોલ જીવો માટે રામરોટી માંગે અને ગીગાભગતે પુંજાભગતે તેના જવાબમાં વચન આપ્યુ કે છ વર્ષ સુધી રામરોટી માંગીશ અને જો પ્રભુ ઇચ્છા હશે તો છ વર્ષ સિવાય પણ આ કાર્ય ચાલુ રાખશ.

આમ ગીગાભગત આખા કોટડા ગામમાં રામરોટીની ટહેલ કરતા પરંતુ કેહવત છે ને ‘સારા કામમાં સો વિધન’ કોટડાગામના અમુક વિધ્નસંતોષી લોકોને એવુ લાગતુ કે ગીગાભગતના ધરમાં અનાજ નથી એટલે તે રામરોટી માંગે છે. ગીગાભગત આવા વિધ્નને અવગણી સતત રામનામ લેતા કામધેનુ ફેરવતા. નાગકાના પુંજાભગત પણ એક સિધ્ધ સંત હતા. એક દીવસ ગામલોકો પુંજાભગતના સત્તના પારખા કરવા ભેગા થયા ત્યારે પુંજા ભગતે બાજુમા પડેલ સુકા વડલાની એક ડાળખાને જમીનમા ખુંચાડી અને થોડાજ સમયમાં તેમાંથી કુંપળો ફુંટવાલાગી અને સમયાંતરે તે વીશાળ વટ વૃક્ષ બની ગયું, હાલમાં નાગકા ગામ માં તે વીશાળ વટ વૃક્ષ હયાત છે. પુંજા આતા ગીગા આતાના માસીઆઈ ભાઈ હતા.

ગીગાભગત સતાધારના સંત શ્રી આપાગીગાના પરમ મિત્ર હતા અને તેઓ અવારનવાર સતાધાર આપાગીગાને મળવા અને ગીરનારની યાત્રાએ જતા રહેતા. તેઓ એક દિવસ તે પોતાની યાત્રા સકુશળ પૂર્ણ કરી પરત ફરતા હતા, ત્યારે તેમને બરડાના ડુંગરમાં *નાગીમા* ના દર્શન થયેલા તેમના વાળ નીચે જમીનનો સ્પર્શ કરે તેવા લાંબા હતા. ગીગાભગત તે નાગી માતાની સાથે એક ગુફમા ગયા. ત્યાં નાગીમાતા નો અખંડ ધુણો હતો. નાગીમાતાએ ગીગાભગત ને ચીપ્યો વડે તે અખંડ પ્રજવલ્લીત ધુણા માંથી ભભૂત આપી એના કિધુ કે “ભગત આપ ઘરે જાવ તમને એક પુત્ર પ્રાપ્ત થશે જે તમારી સેવા કરશે. નાગીમાના આશિર્વાદથી ગીગાભગતને એક પુત્ર થયો અને તેનું નામ ‘રામ’ રાખ્યું.”(મારા દાદા).

ગીગા આતાને ગૌમાતા પ્રત્ય અખૂટ શ્રધ્ધા અને પ્રેમ હતો. એક દિવસ ગીગાભગત પોતાના ખેતરે બેઠા હતા ત્યારે ગાયોનું ધણ આખુ લીલુ ખેતર ચરી ગયુ, તે જોય તેઓ પોતાની માથે ખેસ નાખી સુઇ ગયા પણ ગાયોને ખેતર માંથી ભગાડી નહી. તેઓ કેહતા કે ગાય સાક્ષાત બ્રહ્મ સ્વરુપા છે, ભગવાન રામ-ક્રિષ્નની પણ ઇષ્ટ આરાધ્યા છે,ભગવાને બન્ને અવતારમાં ગાયોની ખુબ સેવા કરી છે,માટે દરેક માણસે ગાયોની સેવા કરવી એ ધર્મ છે. વીરમ આતા (ગીગા આતાના પુત્ર ) જ્યારે ગીગાઆતા એ તેને રાત્રીના ખેતરે રખોલા માટે મોકલેલ ત્યારે ગૌધણ ખેતરમા ફરી વળ્યું અને ઉભો મોલ ખાય ગઈ અને માત્ર ધ્રોઈ રહી ગઈ હતી તે ધ્રોઈ માંથી નવો પાક ઉભો થયો અને આજુબાજુના ગામ કરતા સૌથી વધુ પાક ( જુવાર ના ડુંડા )થયા આ જોઈ લોકો આશ્ચર્ય પામ્યા હતા.

એક દીવસ કોટડા ગામે બે સાધુ પધારેલ બંન્ને સાધુએ ગીગાભગતની ભક્તિ વીશે સાંભળેલ માટે બન્ને સાધુઓ કોટડા ગામે ગીગાભગત પાસે પહોંચ્યા. ગીગાભગતે તેમને આવકાર આપ્યો અને સેવા કરી.ભોજનનો સમય થતા ગીગાભગતે સાધુઓને જમવા માટે પ્રાથના કરી પરંતુ ઘરમાં બે જ રોટલા હતા માટે પોતે અને રુપીમાં જમ્યા નહી અને બન્ને સાધુઓને જમાડ્યા. ગીગાભગતે બન્ને સાધુઓને ફરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સાધુઓએ જણાવ્યું કે ભવનાથના મેળામાં અમારો ધુણો હોઈ છે ત્યા અમે તમને મલશુ. સાધુના જવાબથી ગીગાભગતે પુછ્યું કે ત્યાતો ઘણા ધુણાઓ હોઈ છે માટે મને કેમ ખબર પડે કે એ આપનો જ ધુણો છે, ત્યારે સાધુઓએ કહ્યુ કે વાયુની વીપરીત દીશાએ ધુણાનો ધુમાડો વાતો હોઈ તે અમારો ધુણો હશે. જ્યારે સાધુઓ રવાના થઈ રહ્યા હતા ત્યારે તેમની ચાખડીઓ ત્યાં જ રહી ગઈ, ગીગાભગતે બન્ને સાધુઓને ચાખડીઓ દેવા માટે કહેવા ગયા ત્યાંતો બન્ને સાધુઓ અદ્રશ્ય થઈ ગયા અને ચાખડીઓ તરફ નજર કરી તો બન્ને ચાકડીઓ પણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ હતી.

આમ વહેલી સવારે ગીગાભગત ભવનાથ જવા રવાના થયા અને ત્યા હકીકતમાં તે ધુણો હતો જે વીપરીત દીશામાં વાતો હતો પણ બન્ને સાધુઓ ક્યાય દેખાયા નહી. ગીગાભગતને થયું કે જો બન્ને સાધુઓને શોધવામાં સમય વેડફીસ તો જે કોટડા ગામમાં રામરોટી માંગવાનો નિયમ છે તે ખંડીત થશે માટે તે ત્યાંથી રાત્રે ફરી કોટડા જવા રવાના થયા, કોટડા પહોંચતા તે રાત્રે આરામ કરતા હતા ત્યારે તેમને સ્વપ્ન આવ્યુ કે તમે જેને ભવનાથ શોધી રહ્યા હતા અને તમારા ઘરે જમાડ્યા હતા તે અમે ગોપીચંદ અને ભરથરી છીએ.

એક વખત ગીગાભાગત પોરબંદર આવ્યા હતા, તે દિવસે તેમના પુત્ર ભીમાભગતને એક જાનવર કરડેલુ. તેથી ગીગાભગતને થયુ કે મારા જીવતા મારો દિકરો મૃત્યુ પામે તે હું કદી થવા નહિં દઉ. આ માટે ગીગાભગતે કોટડામાં બીરાજમાન ભારાઆતા દ્રારા સ્થાપીત ઓખાના ધોરી ધજાવાળા વાછરાદાદાને પ્રાથના કરી કે તમે મારુ આયુષ્ય મારા પુત્રને પ્રદાન કરો હું ભલે મૃત્યુ પામું. આમ કહી ગીગાભગત કોટડા પાછા આવ્યા અને સમગ્ર ગામજનોને બોલાવી ને કહયુ કે આવતીકાલે હું દેહ છોડી દેવાનો છું! ગામના પાદરે જીવણપરી બાપુની સમાધિ પાસે મારા દેહને સમાધિ આપજો. ગામ લોકોએ ગીગાભગતની આ વાતને મજાકમાં લેતા વિશ્વાસ ન કર્યો પરંતુ બીજ દિવસે વેહલી સવારે ગીગાભગતે પોતાના પરિવારજનોને બોલાવી રામનામ લેતા લેતા સમાધીમુદ્રામાં પદ્માસન વાળી દેહોત્સર્ગ કર્યો.

ત્યારબાદ તેમના પરિવારના સભ્યોએ ગીગાભગતની આદેશ મુજબ કોટડા ગામમાં જીવણપરીબાપુની સમાધિની પાસે જ તેમના દેહને સમાધિ આપી. આજે પણ ગામના પાદરમાં ગીગાભગતની જીવીત ચેતન સમાધિ પુજાય છે અને જે લોકોને જુનું આંખ માથું દુખતુ હોય અને દવાથી મટતુ ન હોયતો તે ત્યાં શ્રીફળ સોપારીની માનતા રાખે તો સારુ થઇ જાય છે. હાલ ત્યાં વિક્રમ સંવત ૨૦૭૭ શુભવાર શનીવાર તારીખ ૨૪-૦૭-૨૦૨૧ ને ગુરુપુર્ણીમાંના રોજ ગીગાઆતાની નૂતન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમના વંશજ પરિવારના સભ્યો દ્રારા કરવામાં આવેલ છે. આ તકે સંતો મહંતોના સામૈયા, ભજન સંતવાણીનું ભવ્ય આયોજન અને યજ્ઞ થઇ રહ્યો છે.

ગીગાઆતાએ પોતાના સંપુર્ણ જીવન દરમ્યાન અનેક અબોધ પશુ-પક્ષિયો માટે ૧૮ વર્ષ સુધી અખંડ રામરોટી માંગીને ભોજન જમાડ્યા છે. ગૌમાતા માટે ગામના અવેડા જાતે સાફ કરી ને તેમા નિર્મળ પાણી ભર્યા છે તથા અનેક વૃક્ષો વાવી તેનુ જતન કર્યુ છે. ગીગા આતાના પરિવારમાં પાંચ પુત્રો ભીમા આતા, કરશન આતા, મુંજા આતા, વીરમ આતા અને રામ આતા તથા જાયણી આઇ, જીવી આઇ અને ગીગી આઇ નામે ત્રણ પુત્રીઓ છે.

અમારા કોટડા ગામમા શ્રી વાછરાડાડાનું ભવ્ય મંદીર છે જેના ઘોડા ભારાઆતા ઓખાથી લાવેલા અને કોટડા ગામે તેની સ્થાપના કરી હતી. ભારાઆતાની ભક્તિથી સ્થાપીત શ્રી વાછરાડાડા ત્યાં જાગૃત અને હાજરા હજુર મંદીરમાં બીરાજે છે. અમારા કુટુંબના પેઢી દર પેઢી ભુવા આતાઓ દ્વારા એ મંદીરની સેવા કરવામાં આવે છે. સૌ પ્રથમ ભારા આતા ત્યાર બાદ કરશનઆતા ત્યાર બાદ તેમના પુત્ર રાણાભગત અને હાલ મારા મોટા બાપા લાખાબાપા દ્વારા મંદીર મા સેવા પુજા ચાલુ છે.

અવા મહાન સંતો અને જીવમાત્ર પર દયા રાખનાર હરીભક્તો દ્વારા આપણો મહેર સમાજ ઉજળો બન્યો છે. તથા આપણે પોરહ લેવા જેવી બાબત છે આપણા સમાજમા આવા અનેક શુરવીરો,સતીઓ અને સતો-ભક્તોએ જન્મ લઇ મહેર સમાજને સેવા અને ધર્મનો રાહ ચીંધ્યો છે. હું પોતે ગીગાભગતની ચોથી પેઢીના વરસદાર તરીકે ગર્વ અનુભવુ છુ કે હું ગીગાભગતના કુટુંબમાં જન્મ્યો!!

📌 માહિતી-લેખકઃ
કરશનભાઇ ઓડેદરા- પોરબંદર

📌 ચિત્રાકંન-છબીઃ
કરશનભાઇ ઓડેદરા- પોરબંદર

📌 પ્રેષિત-સંકલનઃ
મયુર સિધ્ધપુરા- જામનગર

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!