★ સંત એકનાથ ★

શ્રેષ્ઠ ભક્તોમાં જેમની ગણતરી થાય છે તેવા મહાન સંત એકનાથનો જન્મ મહારાષ્ટ્રના પૈઠણ ગામમાં સંવત ૧૯૫૯માં એટલે કે આજથી લગભગ ૧૧૨ વર્ષ પહેલાં થયો હતો. (ફાગણ વદ છઠ, તા.૧૨-૦૩-૨૦૧૫)  ગુરુવાર પિતાજીનું નામ સૂર્યનારાયણ હતું. માતાનું નામ રુકિ્મણીદેવી હતું. આ બાળક જન્મથી જ દૈવી ગુણ સહિત જન્મ્યું હતું. આપણો સમાજ કર્મપ્રધાન છે. જેવાં જેવાં કર્મ હોય છે. તે તેવા કુળમાં જન્મતો હોય છે. સંત એકનાથ ગયા જન્મમાં કોઈ મહાન ભક્ત હશે તેથી બીજા જન્મે પણ પોતાના કર્મો અનુસાર દૈવી ગુણ લઈ જન્મ્યા. તેઓ બાળપણથી જ શ્રદ્ધાવાન, બુદ્ધિશાળી તથા ઈશ્વરના પરમ ભક્ત હતા.

તેઓ જ્યારે છ વર્ષના થયા ત્યારે તેમને યજ્ઞોપવીત આપવામાં આવ્યું હતું. તેઓ દરરોજ ભજન તથા સત્સંગ કરતા. એક દિવસની વાત છે. તેઓ બેઠા બેઠા તેમનો સ્વાધ્યાય કરતા હતા. ત્યાં તેમને આકાશ‍વાણી સંભળાઈ, “તમે દેવગઢ ગામે જાવ. જનાર્દન પંતનાં દર્શન કરો. તેમનાં દર્શન કરવાથી તમે કૃતાર્થ થઈ જશો. ” એકનાથ તરત નીકળી પડ્યા. દેવગઢ ગામે તેઓ ગયા. છ વર્ષ સુધી તેમણે જનાર્દન પંતની સાચા હૃદયથી સેવા કરી. એક દિવસની વાત છે. તેમના ગુરુ જનાર્દન પંતે પૈસાનો હિસાબ કરી પાઈની ભૂલ શોધી કાઢવા કહ્યું. તેમને એક પાઈની ભૂલનો હિસાબ જડી ગયો. તેમને ખૂબ આનંદ થયો. તે દોડતાં દોડતા જઈ ગુરુજીને હિસાબ બતાવવા લાગ્યા. તેમનો આનંદ જોઈ ગુરુજીએ તેમને ટકોર કરી, સાંસારિક ભૂલો શોધવામાં આટલો આનંદ આવે છે તો સંસારમાં આપણાથી કેટલી ભૂલો થાય છે. તે શોધશો તો તમારું જીવન ધન્ય થઈ જશે. આટલી જ લગનથી ભગવાનમાં મન લગાવો.”

બસ એકનાથજી તરત ભગવાનમાં મન લગાવી બેઠા. ગુરુ કૃપા તથા પૂર્વ જન્મનાં ઉદ્દાત્ત કર્મોથી તેમને બહુ જ ટૂંક સમયમાં ભગવાન દત્તાત્રેયનાં દર્શન થયાં. તેમણે આ વાત તટસ્થ ભાવે ગુરુજીને કહી. ગુરુજીએ તેમની પીઠ થાબડતાં કહ્યું કે, “જાવ હવે તમારો બેડો પાર છે. આજથી તમે ગુરુ દત્તાત્રેયને જ માનજો.”

એક વખત એક ગેબી સ્વરૂપે ભગવાન દત્તાત્રેયે તેમને દીક્ષા આપી કહ્યું કે, “હે ભક્તરાજ, જાવ પર્વત પર જઈ ભજન કરો. ધર્મનો પ્રચાર કરો.” એકનાથજી તરત ચાલી નીકળ્યા. તેઓ નાસિક જઈ ત્રંબકેશ્વર પહોંચ્યા. ચતુઃશ્લોકી ભાગવત પર તેમણે વ્યાખ્યા લખી. તે પછી તેઓ ચિત્રકૂટ પહોંચ્યા. ત્યાં તેમણે બંને ગુરુની કૃપાથી રઘુકુળ શિરોમણિ શ્રીરામ ભગવાનનાં દર્શન થયાં. તેઓ હવે તેમનાં ગામ આવ્યા. તે વખતે તેમની કીર્તિ ખૂબ ફેલાઈ ગઈ. તેથી તેમનાં દાદા દાદીએ જનાર્દન પંત પાસે જઈ તેમનાં લગ્ન કરાવવાની રજા માગી. ગુરુએ રજા આપતાં એકનાથજીનાં લગ્ન ગિરિજાદેવી સાથે  થયાં. તેમનાં પત્ની પણ ભક્તિવાળાં હતાં.

સંત એકનાથજી પ્રત્યેક પ્રાણી પરત્વે દયા અને સમતાનો ભાવ ધરાવતા હતા !

મહારાષ્ટ્રના પૈઠણ નામના ગામમાં સંવત ૧૫૯૦માં જન્મેલા મહાત્મા એકનાથ ઉત્તમ કોટિના સંત હતા. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો અને તે બાળપણથી જ પ્રતિભાશાળી, વિદ્વાન અને મેઘાવી હતી. નાની ઉંમરે જ તેમણે સંસ્કૃતમાં વાતચીત કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હતી. બાર વર્ષની વય સુધીમાં તો તેમણે રામાયણ, મહાભારત અને ભાગવતના અનેક અંશ અને કેટલીય પૌરાણિક કથાઓનું અધ્યયન કરી લીધું હતું. તેનાથી તે ઈશ્વર-અભિમુખ બન્યા અને તેમનામાં આધ્યાત્મિક જ્ઞાાનની અભીપ્સા ઉત્પન્ન થઈ.

Sant Eknath

એક દિવસ અંતઃપ્રેરણાથી તે ઘેરથી નીકળી પડયા અને દેવગઢ જઈ જનાર્દન સ્વામીના શિષ્ય બન્યા. તેમણે છ વર્ષ સુધી જનાર્દન સ્વામી પાસે રહીને આધ્યાત્મિક જ્ઞાાન ગ્રહણ કર્યું. એકનાથજીએ પોતે લખ્યું છે – “‘હું ગુરુ સેવામાં એવો તલ્લીન થઈ જતો કે તરસ જળને ભૂલી જતી અને ભૂખ અન્નને ભૂલી જતી !’ છ વર્ષ પર્યંત ગુરુ પાસેથી જ્ઞાાન ગ્રહણ કર્યા પછી તેમણે શૂલભંજ નામના પર્વત પર જઈ કેટલાય મહિનાઓ સુધી એકાંતમાં તપસ્યા કરી. જ્યારે ગુરુને એમ લાગ્યું કે તે બધી રીતે યોગ્ય બન્યા છે ત્યારે તેમને તીર્થયાત્રા કરી જ્ઞાાન અને ભક્તિનો પ્રસાર કરવા આજ્ઞાા કરી. બે-ત્રણ વર્ષ લગભગ બધા તીર્થોની યાત્રા કરી અંતે પોતાના ગામે પરત ફરી ગૃહસ્થાશ્રમ શરૃ કર્યો. એકનાથ ભાગવતની કથા સરળ ભાષામાં કહેતા અને જાતે ભજનો બનાવી સુંદર કંઠે ગાતા.

સંત એકનાથ પ્રાણી માત્રમાં પરમાત્માના દર્શન કરતા. એકવાર એકનાથજી ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તા પર નીકળેલા કોઈ સાપને લોકો મારી રહ્યા હતા. તેમણે તેમને અટકાવ્યા અને કહ્યું – “એ ક્યાં તમને કરડવા આવે છે ? એ તો રસ્તો ઓળંગીને બીજી તરફ જતો હતો. સાપ જોયો નથી કે એને માર્યો નથી એવું થોડું કરાય ? એ સર્પ યોનિમાં જન્મ્યો છે તેથી શું થઈ ગયું ? તમે એને નહીં મારો તો તે તમને પણ નહીં મારે. એને પોતાનો જીવ જોખમમાં છે એવું લાગે તો ડરીને તે દંશ મારે, નહીંતર ન મારે.’ સંત વચનની અસર તો થાય જ. લોકોના ગળે આ વાત ઉતરી ગઈ અને તેમણે સાપને જવા દીધો.

થોડા દિવસ પછી એકનાથ અંધારામાં નદીએ સ્નાન કરવા જતા હતા. તે વખતે કિનારા પાસે એક સાપ તેમની સામે આવી ફેણ ચડાવી ઊભો રહી ગયો. એકનાથજીએ તેને હળવેથી હટાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો પણ તે ત્યાંથી ના ખસ્યો તે ના જ ખસ્યો. એકનાથજી ત્યાંથી પાછા ફરી બાજુના બીજા ઘાટે સ્નાન કરવા જતા રહ્યા. સ્નાન કરીને પાછા ફરતા હતા ત્યારે અજવાળું થઈ ગયેલું. પેલો સાપ ત્યાં જ છે કે જતો રહ્યો છે તે જાણવાનું તેમને કુતૂહલ થયું. તેથી તે જગ્યાએ પાછા આવ્યા. જુએ છે તો ત્યાં સાપ તો નથી

પણ સાપ જ્યાં સ્થિર બનીને ઊભો રહી ગયો હતો અને તેમને આગળ જવા દેતો નહોતો. તેની પાછળ વરસાદને લીધે મોટો ખાડો પડી ગયો હતો. એકનાથજી એ ખાડામાં પડી જાય નહીં એ માટે તેમને ત્યાંથી પાછા વાળવા એ સાપે પ્રયત્ન કર્યો હતો. એકનાથજી સમજી ગયા કે જે સર્પને તેમણે લોકોના મારથી બચાવી જીવતો જવા દીધો હતો તેણે જ તે પરોપકારનો બદલો વાળવા તેમને ખાડામાં પડતા બચાવી તેમનું રક્ષણ કર્યું હતું !

સંત એકનાથના જમાનામાં છૂત-અછૂતની ભ્રમણા ભારે પ્રમાણમાં હતી. શૂદ્ર જાતિમાં જન્મેલો રાન્યા નામનો એક યુવક એકનાથજીના કીર્તન અવારનવાર સાંભળતો. એકવાર એમના મુખેથી ઉપદેશ સાંભળ્યો —— ‘”પ્રાણીમાત્રમાં એક જ ઈશ્વરનો વાસ છે. એટલે જગતમાં બધા મનુષ્યો અને પ્રાણીઓ સાથે સમાનતાથી વર્તવું જોઈએ. પ્રભુના રાજ્યમાં કોઈ ઊંચ કે નીચ નથી.’ રાન્યાના મનમાં વિચાર આવ્યો કે જો અમારામાં પણ ઈશ્વરનો વાસ છે તો એકનાથજી અમારા ઘેર પણ પધારે જ ને ! તેણે એકનાથજીને પોતાના ઘેર ભોજન લેવા નિમંત્રણ આપ્યું. આમેય રાન્યા બહુ ધર્મનિષ્ઠ હતો અને ક્યારેય માંસ કે મદિરાને અડકતો પણ નહોતો. એકનાથજીએ એના નિમંત્રણનો નિઃસંકોચ ભાવે સ્વીકાર કર્યો અને બીજા બ્રાહ્મણોનો ભારે વિરોધ હોવા છતાં તેને ઘેર જઈ ભોજન લીધું. એના લીધે કટ્ટરવાદી બ્રાહ્મણોએ ઘણા સમય સુધી તેમની નિંદા કર્યે રાખી, તેમ છતાં તેમણે તેની પરવા ન કરી.

સંત એકનાથજીએ અનેક પતિત લોકોનો પણ ઉદ્ધાર કર્યો હતો. પૈઠણમાં રહેતી દેહનો વ્યાપાર કરતી એક પતિત સ્ત્રીને એમની ભાગવત કથામાં પિંગલા ચરિત્રનું આખ્યાન સાંભળી વૈરાગ્ય ઉપજ્યો અને પોતાના પૂર્વ જીવન પરત્વે પશ્ચાત્તાપ થતાં ભગવાનની ભક્તિના માર્ગે જવાની ઈચ્છા થઈ. ત્યારે સંત એકનાથજીએ તેની મરજીને માન આપીને તેના ઘેર જઈ તેનું ઘર પાવન કર્યું હતું અને તેને ‘રામ કૃષ્ણ હરિ’નો મંત્ર આપી પુણ્ય પંથે વાળી તેનો ઉદ્ધાર કર્યો હતો.

આમ એકનાથજીએ પોતાના ઉદાહરણ દ્વારા પોતાના સમકાલીન લોકોને સાચા બ્રાહ્મણત્વનો આદર્શ બતાવ્યો કે કેવળ બાહ્ય શુદ્ધાચાર અને પૂજા-પાઠથી બ્રાહ્મણ નથી બનાતું. પણ નિમ્ન દશામાં પડેલા પ્રાણીઓ, કચડાયેલા અને દમિત થયેલા પતિત લોકોને ઉપર ઉઠાવી. એમનો ઉદ્ધાર કરવાથી બ્રાહ્મણ બનાય છે. જે વ્યક્તિ એમ સમજે છે કે નીચ કે પતિત લોકોના સંસર્ગમાં આવવાથી તે ભ્રષ્ટ થઈ જશે કે તેને પાપ લાગશે, તે શુદ્ધતા અને જ્ઞાાનનો ઢોંગ જ કરે છે. કોઈ પડતા માનવીને બચાવવામાં આપણા હાથ મેલા થઈ જાય એનાથી કંઈ આપણો આત્મા દુષિત થઈ જતો નથી.

છાંસઠ વર્ષની વયે દેહ છોડતી વખતે તેમણે ભક્તોને ઉપદેશ આપ્યો હતો – “ભાગવત ધર્મનું પાલન કરજો, હળીમળીને રહેજો, વિઠોબાના ચરણનું શરણ લેજો અને મનુષ્ય જન્મ સાર્થક કરજો …..”

આધુનિક ભાગવત સંત એકનાથજીને
શત શત નમન !!!!

——– જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!