સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -4)

બગસરના દરબારનું અમરમાની પાછળ આવવું

‘મારી ઘોડી પર પલાણ મંડાવો.’ કાઠીરાજે હુકમ આપ્યો. પોતાના એક સ્વામીનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે ઘોડી હાંકી મૂકી. બંને ઘોડાં માર માર ગતિએ પરબવાવડી જગ્યાને માર્ગે ચડી ગયાં.

સીમાડો વટાવ્યો કે તુરત જ આગળની ગામથી એક શબદ બોલ્યો ‘સત દેવીદાસ!’ ‘સત દેવીદાસ!’

અંધકાર હોય છે ત્યાં શબ્દો પણ દેહધારીઓ બનતા દીસે છે. કોઈ અવાજ નિર્દોષ બાળકનું રૂપ ધરે છે, કોઈફૂંફાડતો સાપ બને છે, કોઈ કલ્લોલતા પક્ષી નો અવાજ કાઢે છે, કોઈ સખુન શુક્રના તારાની જ્યોત પ્રગટાવતો લાગેછે. તો કોઈમાંથી કેવડાના ફૂલની સુગંધ મહેકી ઊઠે છે.

અમરબાઇનો બોલ અંધકારમાં કોઈ બચ્ચું શોધતી છાળી (બકરી) જેવો લાગ્યો.

‘આ જાય! હાંક્યે રાખો !’ કહીને ઘોડીને જરાક ડચકારી.

બેઉ ઘોડીઓના ડાબલા ગીરકાંઠાની કાળી પોચી ભોમ ઉપર બોદા અવાજ કરતા હતા.

ફરીથી અવાજ આગળ એટલો ને એટલો સંભળાયો’ સ…ત દેવીદા…સ!’

‘હં, આ રહી. કરો ઝટ ભોળાં.’ કહીને કાઠીરાજે ફરીથી ઘોડીને ડચકારી લગામને સહેજ જ ડોંચી. તેજીલી ઘોડીને પૂરપાટ રેવાળની ચાલમાં નાખવાને માટે આટલો ઇશારો જ બસ હતો.’ અંધકારમાં ઘોડીઓ સન્મુખ, ડાબીગમને જમણી બાજુ, વારંવાર કાનોટી માંડીને તાકતી જતી હતી. ને ઘોડીની આઁખોની તાક પધોરે બંને અસવારો પણ પોતાની ઝીણી આંખોને ખેંચતા હતા.

ડાબી બાજુએ સતવાળી નદીમાં દેડકાની દુનિયા ગાનના જલસા કરી રહી હતી. તી! તી! તી! અવાજ કરતું કોઈ બગલું એક ઠેકાણેથી ઊડી બીજે ઠેકાણે બેસતું હતું માછલીઓ અંધારામાં રંગબેરંગી હીરા જેવી ઝગમગતીહતી. છૈયા નાં ઘાસનો કેડ્ય કેડ્ય સમાણો જથ્થો ડાકુઓના જૂથની જેમ નદીનાં નીરને દબાવી સૂનમૂન ઊભો હતો.

‘આ તે શું?’ કાઠીરાજને જીવનમાં બહુ જ થોડાં જ વિસ્મયો માંહેલું એક વિસ્મય થયું ‘આટલી બધી એના પગની ઝડપ! ક્યારુની ઘોડા મોર્ય ચાલી જાય છે. દોડતી હશે કે શું? કે આડી અવળી તરી ગઈ હશે?’

જવાબમાં ધ્વનિ સંભળાયો ‘સત દેવીદાસ!

‘આ રહી નજીક જ’, એવા ઉલ્લાસમાં આવી જઈ અસવારે ઘોડી ને દબાવી. ઘોડી રેવાળની ચાલમાંથી બાદડુકમાં ગઈ.

અર્ધા ગાઉની એક દોટ પૂરી કરીને જ્યારે કાઠીરાજ શૂન્યમાં ઊભા થઈ રહ્યા ત્યારે પેલો અવાજ ખેતરવા જેટલો પછવાડેથી સંભળાયો ‘સત દેવીદાસ!’

‘વાંસે વળી ક્યારની રોકાઈ ગઈ, ગો…!’

‘ગોલકી’ શબ્દનો ઉચ્ચાર કરી એકવાર અધૂરો રહ્યો.

અસવારો થંભ્યા, સારી પેઠે વાર થઈ. કોઈ જ નહોતું આવતું.

‘ગઈ ક્યાં?’

એ પ્રશ્નનો ઉત્તર દેતો ધ્વનિ ફરીથી પાછો ખેતરવા આગળ જઈને ઊઠ્યો ‘સ..ત દેવીદાસ!’

અવાજની સંતાકૂકડીની રમત સારી પેઠે ચગી ગઈ. કાઠીના દિલમાં જે એક મધૂરી અધીરાઈ જાગી હતી તે કડવી કડવી બની ગઈ. એને રોષ ચડ્યો. એ ચતુર વર્ણનો પુરુષ, દોંગાઈ જેને એક વિદ્યા ની માફક વરી છે એવી,જગતનાં કંઈક હાટ-બજારોમાં ભ્રમણ કરતી સોરઠ ધરામાં ઊતરેલી કાઠી જાતિનો એ જાયો, પહેલી વાર ભોંઠો પડ્યો. વધુ દાઝ તો એને એટલા માટે ચડી કે પોતાની થાપ આપનાર એક સ્ત્રી હતી, એક વેરાગન હતી.

‘મેલી વિદ્યાને સાધી હશે ગો… એ? પાંખો કરીને એ વિદ્યાધરીની જેમ ઊડતી હશે?’

ગુંદાળીધાર વટાવી. પીપળિયું પન પાચળ મુક્યું. ધીરો એક દીવો ટમટમ્યો, ને ફરીવાર ત્યાં ધ્વનિ થયો. પગના ધબકાર પણ બોલ્યા ‘ઓ જાય! પણ આ તો એની જગ્યા આવી ગઈ! બચી ગઈ!

ઘોડીઓ જ્યારે જગ્યાની નજીક પહોંચી ત્યારે રસ્તાને કાંઠે એ ઊભી હતી. તારામંડળમાં તેજમાં એનો આકાર સ્વચ્છ દેખાયો. એણે મીઠો અવાજ કર્યો ‘સત દેવીદાસ! કોણ છો બાપુ?’

‘મુસાફરો છીએ.’

‘કેટલેક જાવું છે?’

‘જાવું’તું તો બીજે, રસ્તો ભૂલ્યા છીએ.’

‘કાંઈ ફીકર નહીઁ બાપા, રસ્તો ભૂલેલાંને માટે જ અહીં જ વિસામો છે.’

‘ક્યાં?’

‘સત દેવીદાસની ઝૂંપડીમાં. આવશો?’

અસવારોને ભાવતું તે જ જડી ગયું. ‘ભલે.’

‘ચાલો, બાપ.’

અમરબાઈએ કાઠીરાજની બંને ઘોડીઓની લગામ ઝાલી દોરવા માંડ્યું. અસવારો ચૂપ રહીને દોરાતા ચાલ્યા. અમરે પુછ્યું ‘પછવાડે ઘોડા દોટવતા દોટવતા કોણ તમે જ આવતા’તા, ભાઈ?’

‘ક્યાં? ક્યારે ? ક્યાંથી?’ કાઠીરાજ થોથરાયો.

‘ઠેઠ બગેશ્વરીને સીમાડેથી.’

‘કોઈક બીજા હશે.’

‘જે હો તે હો, ભાઈ; પણ બાપડા કોણ જાણે શુંય ગોતતા’તા વગડમાં અંધારે ગોતતા કાંઈ ભાળ મળે નહીંને? ભેળો ભોમિયો નહીં હોય. ને પાછું આ તો ગીર વગડો, વીરા! ઘોડાં તૂટી જાય. હશે! કોઈ બચાડા અતિ વહાલીજણસની ગોતમાં જ નીકળ્યા હશે ને!’

એટલું બોલી અમરબાઈએ પાછળ નજર કરી. જગ્યાનો ઝાંપો આવી ગયો હતો, ઝાંખો દિવો ઝાંપે બળતો હતો. ઝાંખા પ્રકાશમાં બેઉએ એકબીજાને નિહાળ્યાં.

‘ઊતરો, બાપ!’ કહીને અમરબાઈએ ઘોડી થોભાવી દીધી.

કાઠીરાજ નીચે ઊતર્યો ત્યારે એનું દેહપરિણામ સ્પષ્ટ દેખાયું.

સૂરજમુખો, પાતલા સોટા જેવો, સિથિયનોનો વારસ, આભે રમતું, મસ્તક, આજાનબાહુ, જેના પૂર્વજોએ હિમાલયની અભેદ્ય પહાડમાળા વીંધી પંચસિંધુને તીરે મેખીઓ ચરાવી, જેંની માતાઓ યુરોપની સંસ્કૃતિમાંથી રાચરચીલાંની, ગૃહશોભાની ને દેહ સૌંદર્ય સમજવાની કળાઓ લઈ હિન્દમાં ઊતરી, જેની પત્નીઓ ચેક પંજાબમાંથી નીકળી સોરઠમાઁ ઊતરતાં પણ સંગાથે પોતાનાં લંબુસુરિલાં લોકગીતો હૈયાની દાબડીમાં સંઘરી રાખ્યાં, જેના પિતૃઓએ કોમના રંક તેમ જ રા’ને એક જ પંગતે જમાડનારી તેમ જ એક હોકે ધૂંટ લેવાની પરજપરંપરા સ્થાપી,જેના અરનશૂર વડવાને સૂર્યદેવ થાન પાસેના ડુંગરાની એક જાળ પાસે હાથો હાથ સાંગનું શસ્ત્ર બંધાવ્યું, ને જેની કોમેસોરઠમાં અઢાર તાંસળીઓ (કોમો) વચ્ચે રોટીબેટીના વ્યવહાર સ્થપાયાં.

એવી એક બહુરંગ જાતિનો રૂપાળો રસીલો જુવાન જે વેળા ઘોડીએથી ઊતર્યા તે વેળા વીસેક જીવતાં માનવક્લેવરો જગ્યાના ઓટા ઉપરથી ચિત્કાર કરી ઊઠ્યાં.

‘મા’તમે આવ્યાં ! ઝટ હાલોને મા ! બહુ ભૂખ લાગી છે. પેટમાં લાય લાગી છે.’

ત્રીજાએ કહ્યું ‘દેવીદાસ બાપુને ઓચિંતાનું ગામતરું આવ્યું ને અમે સાવ એકલાં પડી ગયાં, રાજનાસપાઈસપરા કાંઈ હાકોટા કરી ગયા, માડી!’

‘બાપુ ગામતરે ગયા? ક્યાં ગયા?’ અમરબાઈએ ઝોળી ઉતારતાં ઉતારતાં પુછ્યું.

‘જૂનેગઢ તેડી ગયા. તલવારુંવાળા દસક જણ આવ્યા’તા.’

કાઠીરાજ એ વખતે પરસાળપર ચડતો હતો. એ પોતાના સાથી તરફ ફર્યો. એનો હાથ સહેજ ઝીણી મૂછો ઉપર ગયો.

દીવાની જ્યોતને કોઈએ જાણે ચાબુક ફટકાર્યો હોય ને, તેવી રીતે એણે મરોડ લીધો.

અમરબાઈએ આજે પહેલી જ રાત દેવીદાસ વિનાની હતી. એના હદયમાં પહેલીવાર એક ઊંડી ફાળ પડી. દેવીદાસ નથી, અને એક જોબનજોદ્ધ પુરુષ અહીં રાત રોકાશે. શું થશે?’ નિત્યના નિયમ પ્રમાણે પંગત બિછાવી ને વચ્ચોવચ અમરબાઈ એ ઝોળી ઠાલવી, ત્યારે અતિથિઓ ઝીણી નજરે એ અન્નની ખબર લીધી.

પણ એ ખબર અધૂરી હતી. અધૂરી માહિતીને અમરબાઈ આ રીતે પૂરી કરી. ઝોળીમાંથી એક એક રોટલો અને ધાનનો લોંદો સર્વ જમનારાને દેખાડતી દેખાડતી પોતે કહેતી હતી કે ‘હરિનાં બાળા ! આ રોટી રામપરના ગામોટ-ઘરની, આ રોટલો ઘંટિયાળ ગામના ભરવાડનો દીધેલો, આ બગેશ્વરના ચમાર-ઘરનું બંટીનું ધાન, અને આ એક રોટલો–’ એણે રોટલાને ઊંચો કરી વધુ ચીવટથી તપાસ્યો.

‘હરિનાં બાળ ! આ એક રાજદરબારી રોટલો છે. હું એમાં કીડા ખદબદતા દેખું છું. કરણ કે એ ઘડનારીને મેં આજ નજરે દેખી. એના એક લમણા ઉપરથી વાળ ચાલ્યા ગયા હતા. મેં પૂછ્યું કે ‘આઈ લમણાંની લટો ક્યાં?’ એણે કહ્યું કે, ‘બળી ગઈ.’

મેઁ પૂછ્યું , ‘શી રીતે?’

એ કહે કે ‘ચૂલે રોટલા કરતાં કરતાં !’

મેં પૂછ્યું, ‘એમ કેમ બળે?’

એ કહે કે ‘ઝોલું આવી ગયેલું. રાતના ત્રીજે પહોરે દરબાર ડેલીએ દાયરો ભરીને કસુંબા ને દારૂની મેફલ કરતા’તા. મે’માનોને રોટલા ખવરાવવાનું બાકી હતું.’

‘હરિનાં બાળ !’ આ રોટલો ચમારના ધાન કરતાં ઊતરતો છે. એ આપણે નહીં ખાઈ શકીએ. એ આપણને જરશે જ નહીં , એ તો સમાશે આપણી ગવતરીના જ ઉદરમાં.’

‘હરિનાં બાળ!’ આજ આપણે જમવા પહેલાં એ કાઠીરાણીનાં દુ:ખને સંભારીએ. કહો સહુ, કે ભગવાન એનું ભલું કરજો!’

સહુએ કહ્યું ‘ભગવાન એનું ભલું કરજો!’ પછી જમવાનું શરૂ થયું.

પરસાળમાં બેઠેલા મહેમાને આ આખો પ્રસંગ સળગતાં સળગતાં સાંભળ્યો. પણ કિન્નાને માટે એની પાસે આખી રાત પડી હતી. એણે સાંત્વન ધર્યું.

આજારોને સુવારી દઈ અમરબાઈ પરોણાંઓના બિછાના પાથરવા ગયાં. મુખ્ય ઘરથી થોડે છેટે એક મઢૂલી ઉતારા તરીકે વપરાતી. ગરીબી એ જગ્યાના સંચાલકોનું જીવનવ્રત હતું. પણ એ વ્રતના અભિમાનમાં તણાઈને દેવીદાસે પરોણાઓને પણ ગરીબીવ્રતમાં જકડ્યા નહોતા. આથી કરીને અતિથિગૃહમાં તો ખાટલા અને ગાદલાં પણબબે વસાવી લીધાં હતાં. સંતે એક વખત કપાસની મોસમમાં ખળાવાડે ઝોળી ફેરવી હતી. ભલા ખેડૂતો મશ્કરી કરતાકે ‘બાપુ, આમ છોકરાની રમત શું કરો છો! લઈ જાઓને એક એક કળ પાસેથી મણ મણ કપાસ!’

સંત હસતા : ‘દોથો દોથો જ દ્યોને ભાઈ! દૂઝણી ધેનુઓ જેવા છો, તો પાછાં વે’લાં વે’લાં વસૂકી જાશો, જો મણમણ ઉઘરાવીશ તો.’

ખાટલાનાં લાકડાં પણ પોતે જ જંગલમાંથી કાપી આવેલ ને ભીંડી પણ પોતે જ ભાંગીને વાણ (રસી) બનાવી દીધું હતું.

અતિથિગૃહમાં દીવો પેટાવીને અમરબાઈ જ્યારે પથારીઓ પાથરતી હતી, ત્યારે ત્યારે એની ચીવટ હરકોઈ જોનારાને સંશયમાં નાખે તેવી હતી. ખાટલાં ખંખેર્યા, ગાદલાં ઝાપટ્યાં, ગાદલાંને અને બાલોશિયાને ખૂણેખૂણેથી જીવાત જોઈ નાખી. અને તે ઉપર રજાઈઓ બિછાવી પોતાના હાથ આખી પથારી ઉપર દાબી જોયા, એકલી એકલી બોલી : ‘ક્યાંય ગાંઠોગડબો તો રહ્યો નથી ને?’

‘કેટલી બધી કાળજી!’ અમરબાઈની પીઠ પાછળથી કોઈએ ટીકો કર્યો.

પછવાડે જોયું તો રૂપાળો કાઠી મહેમાન બારણા બંધ કરીને અંદર ઊભો હતો. બારણાંને એણે પોતાના શરીરથી દબાવી રાખ્યાં હતાં.

પ્રથમ તો અમરબાઈને પોતાની આંખો ઉપર જ અવિશ્વાસ આવ્યો. આ શું જગ્યાનો મહેમાન જ છે, જેને હજુ હમણાં જ ગાયનું તાજું દૂધ પિવરાવ્યું, તે જ આ માણસ છે? આ માણસ આટલો બધો રૂપાળો છે છતાંય શું એનામાં લંપટતા હોઈ શકે?

મહેમાન સામે ઊભો ઊભો મોં મલકાવી રહ્યો હતો. દીવાની જ્યોતમાં એક જંગલી જીવડું સડસડ સળગતું હતું, અતિથિનો દેહ કેમ જાણે કોઈ કાળા ચોગઠામાં મઢ્યો હોય તેવો એનો કાળો પડછાયો ભીંત પર એની પછવાડે પડતો હતો; ને જગત પણ તે સમયે કોઈ કાવતરાખોરના કલેજા જેવા અંધકારમાં સપડાયું હતું. માત્ર થોડા તારાઓ જ કરોડો જોજન દૂરથી છૂપા હોઠ પટપટાવીને જગતને સાનમાં કહેતા હતા કે, ‘હિંમત હારીશ ના!’

અમરબાઈએ ફક્ત એટલું કહ્યું, ‘સત દેવીદાસ.’

બહુ પ્રયત્ને એના ગળામાંથી સૂર નીકળ્યો. એ સૂર જાણે કે એનો સાથી બન્યો. અમરબાઈને તુરંત એમ લાગ્યુંકે અહીં કોઈક મારો મદદગાર છે, જેણે આ શબ્દોનો જવાબ દીવાલોમાંથી વાળ્યો. અંધારી સાંકડી ગલીમાંથી પસારથતું માનવી ગાય છે, ગાઈને પોતાની એકલતા મિટાવે છે.

કોઈએ દઝાડ્યો હોય ને જાણે! એવી દાઝ દાખવતો કાઠી પોતાના મોં પરનો મલકાટ સંકેલી લઈ સહેજ ઉગ્રઆંખે અમરબાઈ તરફ વધ્યો. એની ભુજાઓ આ એકલી સ્ત્રીના દેહ પ્રત્યે પહોળાયેલી હતી. એના જુલફાં મોંને ઢાંકતા હતાં.

‘સત દેવિદાસ ! સત દેવિદાસ ! સત દેવિદાસ !’ એના અક્કેક પગલે અમરબાઈએ આ બોલ રટ્યા. એ બોલનાધ્વનિએ અતિથિને ઉશ્કેર્યો – બંદૂકમાંથી છૂટતી ગોળી વાઘને ઉશ્કેરે તે રીતે.

‘બોલ મા એ બોલ,’ એણે કહ્યું, ‘મારાથી એ સાંભળ્યા જાતા નથી. તું મારણના જાપ જપછ એમ ને? મારો પ્રાણનીકળી પડે છે, ખબર નથી પડતી? મારા માથામાં દુ:ખાવો ઉપડ્યો છે. શૂળ પરોવાય છે, મને પડવા દે પથારીમાં.’

આવું આવું વિચિત્ર ભાષણ કરતો કરતો મહેમાન બિછાના પાસે પહોંચ્યો ત્યારે એ પોતાના શરીર પરનો કાબૂગુમાવી બેઠો હતો. એ ભફ દેતો બિછાનામાં પડ્યો. એણે પોતાનું માથું બે હાથોમાં જકડી લીધું. હજુ તો હમણાં હસતું હતું એ જ મોં ઓચિંતાનું રિબાતું, ઓશિયાળું બની ગયું.’

અમરબાઈ એની સામે ચૂપચાપ ઊભેલી હતી. પડ્યાં પડ્યાં મહેમાને એને નિર્ભય ઊભેલી નિહાળી. એના હોઠ બિડાયેલા હતાં, એની આંખોમાં કોઈ જાતની અધીરાઈ નહોતી.

‘તું ભાગતી કેમ નથી? તું હજુ મારી સામે ઊભવાની હિંમત શી રીતે રાખી રહી છો?’ માથમાં શૂળો ભોંકાતા હતા તેની અરેરાટી કરતાં કરતાં મહેમાને પૂછ્યું.

અમરબાઈએ માત્ર માથું ધૂણાવ્યું.

‘તેં મને આ શું કરી મૂક્યું?’ મહેમાન કષ્ટાતો કષ્ટાતો કહેતો હતો. માર્ગે મારાં ઘોડાંને ભૂલાં પાડ્યાં તારા એ શબ્દેજ, અત્યારે મને આ દુ:ખાવામાં નખાવ્યો એ પણ તારા આ શબ્દે જ.’

અમરબાઈને પહેલી જ વાર ખબર પડી કે પોતાની પછવાડે ઘોડા દોડાવનારો બગેશ્વરનો કાઠીરાજ આ પોતેજ હતો. હવે એને સમજાયું કે ‘સત દેવિદાસ’ ના બોલે એ એના માથામાં શૂળો શા કારણે પરોવ્યાં હતાં, જંગલમાં એબીનો હતો તે જ વાતની અસર અત્યારે થઈ હતી.

‘ભલી થઈને તારા મરણજાપ પાછા વાળી લઈશ?’

અમરબાઈ રોગીના એ શબ્દો સામે શાંતિથી હસી.

વાડ્યની બહાર એ વખતે ચારેક ઘોડાઓના ડાબલાઓ પછડાયા.

ઝાંપા ઉપર ઘોડાં ખડાં રહ્યાં, અસવારોએ બહાર ઊભા ઊભા હાક મારી, ‘સત દેવિદાસ!’

‘સત દેવિદાસ !’ અમરબાઈનો સામો સૂર આ અતિથિગૃહમાંથી ઊઠ્યો.

‘મને- મને-‘ કાઠીએ લાચારીભર્યાં સ્વરે કશુંક કહેવાનો પ્રયત્ન કર્યો, પણ માથું નીકળી પડતું હતું, નસોખેંચાતી હતી, બાલોશિયાની નીચે માથાને દાટીને એ વેદના સહેતો હતો. જાણે જીવતો સળગતો હતો. વધારામાં એણે બહાર વા’ર આવી સાંભળી. એને પોતાનું મોત છેલ્લી છલાંગો ભરતું દેખાયું.

‘હમણાં જ તમારા માથાના દુ:ખાવાની દવા લાવું છું.’ એટલું બોલીને અમરબાઈએ બારણાં ખોલ્યાં. પાછાં ધીરેથી બંધ કરી બહારથી સાંકળ ચડાવી. સાંકળ ચડી તેનો અવાજ અંદર સૂતેલા પરોણાંએ સાંભળ્યો. એને પોતાનાં બૂરા તકદીરની ખાતરી થઈ ચૂકી.

ઝાંપે જઈને એણે તારોડિયાના પ્રકાશમાં અસવારો માંયલા મુખ્ય અસવારને ઓળખી લીધો.

‘સત દેવીદાસ, આપા શાદુલ ખુમાણ !’

‘કેમ બાપ, અસૂરા આવવું પડ્યું, આવી મેઘલી રાતે?’

‘ઓલ્યો અસૂર આજ તમારી પાછળ પડ્યો’તો ને?’

‘કોણ?’

‘બગેશ્વર વાળો,,,’

‘કોણે કહ્યું? મને તો ખબર નથી ભાઈ !’

‘ત્યારે મને શું ખોટા સમાચાર મળ્યા? ગામેગામથી ખેપિયા દોડ્યા’તા કે પરબ વાવડીવાળી જોગણની વાંસે બગેશ્વરવાળાનાં ઘોડાં છૂટ્યાં છે. એ સાંભળીને જ હું મારતે ઘોડે ભેંસાણથી આવ્યો.’

‘ના રે ના, આપા શાદુળ, કોઈકે બનાવટ કરી. નાહક તમારાં ઘોડાંને તગડ્યાં ! ખમા માડી ! ઊતરશો?’

‘કહો તો ઊતરીએ, જરૂર હોય તો રાત વાસો રહીને જઈએ, બાકી તો દોડાદોડ કરી રહ્યા છીએ દેવીદાસ મહારાજની શોધમાં.’

‘કેમ શોધમાં? જૂનાગઢ લઈ ગયા છે ને?’

‘ના રે ના, નામ દીધું જૂનાગઢ પોલીસનું, પણ લઈ ગયા છે કોઈક બહારવટિયા!’

‘બહારવટિયા?’ અમરબાઈને અચંબો થયો : ‘બહારવટિયા દેવીદાસજીને શા માટે લઈ જાય?’

‘હવે એ જાતે દા’ડે જાણશો.’

કોઈપણ ગર્ભિત અર્થવાળી અથવા માર્મિક વાણીનો અર્થ ન કઢાવવો એવી અમરબાઈની પ્રકૃતિ હતી. એ જવાબ આપ્યા વિના જ ઝાંપો ઝાલીને ઊભી હતી.

ફરી એક વાર અસવારે કહ્યું : ‘ભે નથી લાગતી ને? નીકર બે જણા ને આંહી મૂકી જાઉં.’

અતિથિ ગૃહની પથારીમાં પડ્યો પડ્યો આ વાત સાંભળી રહેલ પરોણો લગભગ ઊભો થઈ ને ગોદડામાં સંતાવાની તૈયારી કરતો હતો. એનું આખું શરીર પસીને રેબઝેબ થઈ ગયું હતું. ત્યાં તો એને પોતાના. મૃત્યુ ખંડમાંથી મુક્તિશબ્દ સાંભળ્યો : ‘ના ભાઈ! તમે તમારે જાવ, બાપુની શોધ કરો. અહીં તો મારે રામના રખવાળા છે.’

‘ઠીક ત્યારે, સત દેવીદાસ.’

‘સત દેવીદાસ.’

એ શબ્દે અમરબાઈએ વિદાય દીધી. થોડી વારમાં જ ઘોડાંના ડાબલાં ચૂપ બન્યાં. અમરબાઈ પાછાં અતિથીગૃહમાં દાખલ થયાં. પળેપળ જેની જુગજુગ જેવડી જતી હતી, મોતને અને જેણે તસુવા છેટું હતું, જેની જીવાદોરી પોતે દૂભાવેલી એક સ્ત્રીના હાથમાં પડી ગઈ હતી, તે માણસે જાણે કે પોતાનાં વેરાઈ ગયેલાં હાડકાં પાછાં એકઠાં કર્યા.

‘તમારે માટે આ ડીંડલા થોરનું દૂધ લાવી છું, ભાઈ ! લ્યો હું માથે ચોપડી દઉં.’

એમ કહીને અમરબાઈએ કાઠીની પથારી પર એક પાંદડાના પડિયા સાથે લળી. થોરનું દૂધ એને લમણે ચોપડીને પોતે થોડી વાર સ્થિર ભાવે ઊભી રહી. સૂતેલા મહેમાનની આંખોમાં અબોલ લાચારી હતી. પછી અમરબાઈએ ફરીથી કહ્યું, ‘હવે હું સૂવા જાઉં છું, વીર ! ને જરૂર હોય તો મને યાદ કરી કહેજો કે ‘સત દેવીદાસ ! ’એટલે હું ભરનીંદરમાંય એ શબ્દ સાંભળીશ.’ ચાલી જતી એ જુવાન વેરાગણનો શબ્દે શબ્દ અક્કેક તમાચા જેવો લાગ્યો.

પ્રભાતે અમરબાઈ જ્યારે જાગ્યાં ત્યારે કાઠીરાજ અને એનો સાથી નાસી ગયા હતા.

દેવીદાસજીને બહારવટિયા પકડી ગયા? બહારવટિયાને શો કસ કાઢવાનો હોય? અમરબાઈ ચિંતામાં પડ્યા.

સંસારને તજ્યા પછી પણ પાછી નવી સ્વજનપ્રીતિ તો લાગી જ પડી હતી. દેવીદાસને એ પોતાના નવજન્મના પિતા જ નહીં, પણ માતાય ગણતી હતી. અમરબાઈને હંમેશાં એવું થતું કે પોતે દેવીદાસના ખોળામાં તાજું જન્મેલ બાળક રમે તે ભાવે રમે છે. આજ એનો પિતા ગુમ થયો હતો. નજીકમાં જ્યાં જ્યાં ચોકિયાતોનાં થાણાં હતાં ત્યાં જઈને એણે રાવ કરી કે મારા દેવીદાસ બાપુ ગુમ થયા છે.

‘કોણ છે આ દેવીદાસ!’ અધિકારીઓ તપાસ કરતા, ‘અરે આ તો પેલો દવલો રબારી, બે છોકરાંનો બાપ બની પછી આ જગ્યા બાંધી બેઠો છે.’

વાત સાચી હતી. ગીરકાઠાંના શોભાવડલા ગામમાં જીવો નામે રબારી રહેતો ગયો. ગાયો, ભેંસો, બકરાં, ગાડર અને ઊંટ : માલધારીની એ પાંચેય લક્ષ્મી એની પાસે હતી. અઢારસોના સૈકામાં એકાશિયો કાળ પડતાં સામતાં ઢોરને ગામની આસપાસમાં ચારો પૂરો ન પડ્યો એટલે જીવો રબારી માલ લઈને ગિરનાર ભણી ચાલી નીકળ્યો.

ગિરનારની તળેટીમાં બીલખાની નજીક રામનાથને નાકે એણે પૂરતો ચારો દીઠો, દિલ ઠર્યું, ત્યાં મુકામ કીધા. રામનાથનું મંદિર તે કાળમાં ગીચ ઝાડી વચ્ચે વીંટળાયેલું હતું. પગથિયાં નહોતા બંધાયાં. લોકોની અવરજવર ઓછી હતી. રામનાથની એવી વિકટ, વિકરાળ અને સૂનકાર જગ્યામાં થોડા એક સુપાત્ર સાધુઓ જ રહેતા અને તે સહુના ગુરુ જયરામગરજી હતા.

બહુ નાની વયમાં જગરામગરજીનું ત્યાં આવવું થયું હતું, વખત જતે તે જોગીએ નજીકમાં ગધેસિંગના ડુંગરાઉપર વસતા એક વૃદ્ધ ફકીર નૂરશાહનો સત્સંગ સાધ્યો હતો, અને નૂરશાહની મદદથી પોતે યોગાભ્યાસમાં પણ આગળ વધ્યા હતા. મુસ્લિમ ગુરુ અને હિંદુ ચેલાની વચ્ચે એકાત્મતા તો એટલી બધી આવી ગયેલી કે જયરામગરજીનું નામ પણ ‘જયરામશાહ’ બની ગયું હતું. લોકોની જીભ ઉપર હિંદુ-મુસ્લિમ સંસ્કારોનો ‘અભેદ’ આવી લાક્ષણિક રીતે અંકિત થઈ ચૂક્યો હતો. પંથદ્રષ્ટિમાંથી છૂટી ગયેલા પ્રભુપંથીઓ કેટલા આસાનીથી એકરસ બની જતા‍! ભેદબુદ્ધિનું ઝેર પી જનારા આવા સંતો આજે નથી રહ્યા – હશે તો જગતને એની જાણ નથી. ખેર! લોકવાયકા એવી છે કે જીવા રબારીનું વાંઝિયા-મહેણું આ જયરામશાહની દુઆથી મટેલું ને જીવાનો પુત્ર દેવો લગ્નસંસાર માંડી, બે દીકરાનો પિતા બન્યા પછી જ જગતનાં દુખ્યાં ભૂખ્યાંની ચાકરી કરવા ઘર તજી ગયો હતો.

પ્રથમ એણે ચોડવડા ગામની હદમાં ઝૂંપડી બાંધી. કહેવાય છે કે જયરામશાહે જીવાને એક બિયું આપેલું, ને એસાચવી છેવટે દેવો માગે ત્યારે આપવા કહેલું. માતાપિતાની પાસેથી મળેલું એ બિયું આ દેવાએ ચોડવડા પાસેની પોતની ઝૂંપડી સન્મુખ વાવ્યું.

જે પ્રદેશમાં પશુધારીઓ વસે છે તે પ્રદેશમાં વરસાદ, છાંયડી તેમજ વિશ્રામ આપનાર વૃક્ષ ને રોપવું એ પરમ ધર્મક્રિયા બરોબર લેખાતું. દેવાએ પોતાના કર્તવ્ય – જીવનનું મંગલ મુરત એક વૃક્ષરોપણ વડે કર્યું તે વસ્તુ મર્મની છે.

લોકસેવાની દિક્ષા ત્યારે દોહ્યલી હતી. હરેક યુગને એની પોતાની કસોટીઓ ને સાધનોની નીતિરીતિઓ હોય છે. તે કાળના સોરઠી યુગમાં દીક્ષિતોને માથે ગિરનારની સાત પરકમ્મા કરવાનો આદેશ હતો. દેવો રબારી પરકમ્માએ ઊપડ્યો.

અક્કેક પરકમ્મા પૂરી થયે એ ઝૂંપડીએ આવીને એકાદ-બે દિવસ રોકાતો. ફરી પાછો નીકળતો. પ્રત્યેક પ્રદક્ષિણાએ દેહને ચકાસ્યો. પચીસેક ગાઉની એક્કેક લાંબી મજલમાં પહાડની પ્રકૃતિએ એને ગેલ કરાવ્યા તેમજ ભયાનક અનુભવો કરાવ્યાં. દેવો એકાંતનું બાળ બન્યો. દેવાએ વિકરાળ પશુઓથી બાંધવતા બાંધી. દેવાને અઢારભાર વનસ્પતિ જોડે કુટુંબભાવ બંધાયો. દેવાની દ્રષ્ટિમાં ગંભીરતાના અંજન આંજનારું અનંત આકાશ રાત્રી દિવસએની જોડે રંગોની ભાષામાં વાત કરતું હતું. એવી તો સાત પરકમ્માઓ દેવાએ પૂરી કરી. સાતમીવાર, કહેવાય છે કે, લોહલંગરી નામના સાધુએ પોતાની ઝોળીમાંથી રામરજનો પાસો કાઢીને દેવાને લલાટે તિલક કર્યું ને આદેશ દીધો કે‘દેવા! દેવોના દાસ! વાવડી ગામની હદમાં દત્તાત્રેયનો ધૂણો છે, અને સંત જસા વોળદાનની સમાત છે, ત્યાં જઈ જગા બાંધજે, ને જગત જેને પાપિયાં ગણી ફેંકી દે છે, તેમને ટુકડો આપવો શરૂ કરજે.’

એ રીતે દેવાએ – દેવીદાસે – પરબ વાવડીની જગ્યા સ્થાપી અને અપરિગ્રહવ્રત આચર્યું. કશો જ સંઘરો, સંચય કે ગામગરાસ ન કરવાનું આવું વ્રત દેવીદાસ સિવાય બીજા કોઈએ લીધું જાણ્યું નથી; કેમ કે લોકવાણી એ આ પ્રકારનું બિરુદ એક દેવીદાસને જ ચડાવેલ છે કે –

(દોહો)

કે’ને ખેતર વાડિયું, કે’ને ગામ ગરાસ,
આકાશી રોજી ઊતરે, નકળંક દેવીદાસ.

(કોઈ સેવકોને વાડી-ખેતરો હશે. કોઈને ગામગરાસ હશે. પણ એ બધાથી નિષ્કલંક રહેલા દેવીદાસને તો આકાશવૃત્તિનું જ વ્રત હતું.)

સત દેવીદાસ                              અમર દેવીદાસ

જય પરબના પીર

આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સંત દેવીદાસ – (ભાગ -1)

– સંત દેવીદાસ – (ભાગ -2)

– સંત દેવીદાસ – (ભાગ -3)

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

 

error: Content is protected !!