અમરમાની ટેલ
સૂતેલીનો પ્રારબ્ધ લેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો.
સવારે મધ્યાહ્ ને કે સાંજે ગામડાંની સીમોમાં ‘સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. છતાં ઘેરો લાગતો. અવાજમાં કરુણાબીની વીરતા હતી. એ અવાજના વચગાળામાં મક્કમપગલાંના ધ્વનિ સંધાતા હતા. અવાજ ખેતરવા ખેતરવા પરથી સાંભળીને સીમનાં લોકો દોટ કાઢતાં, રીડિયા મચીજતા કે, ‘બાવણ નીકળી, જુવાન બાવણ નીકળી.’ નજીક જવાની કોઈની હિંમત ન ચાલતી. પણ પછવાડે ઠ્ઠઠાનાબોલ છૂટતા: ‘મીરાંબાઈ બનવા નીકળી છે ! ધણીધોરી વગરની પાટકે છે ! જુવાની જોઈ એની જુવાની !’
ખેતરના પાકમાંથી વૈયાં ઉરાડવા માટે જુવાનો ગોફણો રાખતા. એમાંથી પથ્થરો પણ છૂટતા હતા. અનેકપથ્થરોની ચણચણાટી અમરબાઈએ પોતાના કાનની લગોલગ સાંભળી હતી. કોઈ કોઈ વાર પથ્થર વાગતો ત્યારેપછવાડે પણ જોયા વિના આગળ પગલાં માંડતી એ ‘શબદ’ બોલતી: ‘સત દેવીદાસ’ ‘સ…ત દેવીદાસ.’
દિવસો ગયા. હાંસી શમવા માંડી. લોકો નજીક આવતાં થયાં. લોકોની જીભ પણ ઊઘડી: “સત દેવીદાસ, મા!”
“સત દેવીદાસ, બાપુ !” અમરબાઈ સૌને જવાબ દેતાં.
“મા, દુ:ખની વાત સાંભળતાં જશો?”
“કહોને બાપુ !”
“આ મારી વહુને પેટ શેર માટીની ખોટ છે. ઘોડિયું બંધાવોને !”
“આ મારી દીકરીને એની જેઠાણી જંપવા દેતી નથી, એકાદ દોરો કરી આપોને!”
“અમારા જમાઈને ધનુડી ભંગડી વળગી છે, છોડાવોને મા !”
સહુના જવાબમાં અમરબાઈ એક જ બોલ સંભળાવતાં: “દોરા-ધાગા ને મંતર તો મારી કને એક જ છે બાપુ, કેઇશ્વર સહુનું સારું કરજો !”
‘બાવણ મતલબી હશે, ભાઈ !’ એવું વિચારી લોકો શ્રીફળ લાવતાં, કોરી ધરતાં, દાણાની સૂંડલી ભરી રસ્તામાં ઊભાં રહેતાં.
“ન ખપે, કશુંય ન ખપે ભાઈ લોક !” એટલું કહીને અમરબાઈ મોં મલકાવતાં.
એના મલકાટમાં ગજબ વશીકરણ હતું.
થોડે દહાડે અમરબાઈનું મન ચલિત થયું. એણે દેવીદાસની પાસે વાત ઉચ્ચારી: “જગ્યાનો વરો વધ્યો છે.રોગિયાં અને અભ્યાગતોની સંખ્યા ફાલતી જાય છે. આ ગોવાળો ને ખેડૂતો સામેથી ચાલીને દાણા આપવા તેમ જજગ્યામાં ગાયો બાંધવા માગે છે. જગ્યાને ખાતર સ્વીકારી લઉં?”
થોડી ઘડી તો સંતે કશું કહ્યું નહીં; રખેને કશોક ઉપદેશ આપવા જેવું થઈ જશે, રખે અમરબાઈને હું મારીચેલકી સમજી બેશીશ, રખેને મારા ડહાપણનું હું પદ મારા હૈયામાંથી અંકુર કાઢશે, એ બીકે પોતે ચૂપ રહી ગયા. પછી હસીને જવાબ આપ્યો: “આપણો સંઘરો આપણને જ દાટી દેશે, બે’ન ! તારા પગ થાક્યા છે?”
“રામરોટી પૂરી થતી નથી.”
“કેને કેને માગો છો તમે? ”
“તમામ હિંદુ વરણને.”
“મુસલમાન કાં નહીં? રક્તપીતિયાને જાત નથી બે’ન ! એ તો જાત બહારનાં, જગતની બહાર કાઢી મૂકેલાં છે.એ ન અભડાય. આપણેય જાત તજી છે.”
થોડી વાર પછી સંતે સંભારી આપ્યું: “ઢેડોના વાસમાં જાઓ છો? ”
“ના રે !”
“કેમ નહીં? શીદ તારવો છો એને? પ્રભુનાં તો એ તારવેલાં નથી ને? ”
“ના.”
“આપણે પ્રભુથીયે ચોખ્ખેરા?” સંત હસ્યા. અમરબાઈનું મોં લજ્જાથી નીચે ઢળ્યું.
બરછીને જોરે જમીનો દબાવી દબાવી કાઠીઓ ઠરીઠામ બેસતા હતા. જમીન ખેડનારા ધીંગા ખેડૂતો મળીજવાથી કાઠીઓ નવરા પડ્યા હતા. રજપૂતોની નકલ કરવા લાગેલા કાઠીઓએ પોતાના ઘરમાં ઓઝલ પરદાપેસાડ્યા. સૂરજના સ્વતંત્ર પૂજકો મટીને તેઓએ શિવ, વિષ્ણુ આદિ ઉજળીયાત જાતિઓના ઈષ્ટદેવોને સ્વીકારવામાં પોતાની ઈજ્જત માની હતી. ધર્માલયો દાનપુણ્યનાં ને સખાવતોના સ્થાન બની જાય છે ત્યારે એમાંથી મળતી પ્રતિષ્ઠાના પરદા પાછળ માનવી પોતાનાં હજારો પાપો છુપાવે છે.
બગેશ્વર ગામનો કાઠી જમીનદાર, જેનું નામ આપણે જાણતા નથી, તેની દેશભક્તિ ઉપર ઉજળિયાત વસ્તીમુગ્ધ બની હતી. બગેશ્વરના શિવલિંગની સામે દરરોજ એક પગે ઊભો રહીને એ દસ માળા ફેરવતો હતો. મહાશિવરાત્રિની શિવયાત્રામાં, શિવની પાલખીની આગળ આળગોટિયાં ખાતો ખાતો આખી વાટ મજલ કરતો.
ભિક્ષાની ટહેલ નાખતી અમરબાઈ કોઈ કોઈ વાર બગેશ્વર સુધી આવવા લાગી. પરબ – વાવડીના સ્થાનક ઉપર આશ્રિતોની ભીડ વધતી જતી હતી. સહુને પેટે ધાન પૂરવા માટે અમરબાઈનો ભિક્ષાપંથ લંબાયે જતો હતો. દત્તાત્રયના ધૂણાથી બગેશ્વર દસ ગાઉ હતું.
વગડા ખેડતી કેટલીક સ્ત્રીઓએ અને ગોવાળોએ એને ચેતાવેલાં કે ‘માતાજી, ભલાં થઈને એ દિશામાં જતાં નહીં. ત્યાં સ્ત્રીનું રૂપ રોળાયા વિના રહેતું નથી. વળી ત્યાં જનોઈવાળાઓનું અને કંઠીવાળાઓનું જોર છે.’
‘મને, ધરમની ગવતરીને કોણ છેડવાનો છે?’ એવું સમજીને અમરબાઈ નિર્ભય ભમતી હતી. પણ બગેશ્વરના કાઠીઓ વિશે એણે બહુ બહુ વાતો જાણી તે પછી એનું દિલ થરથરતું હતું. પણ દિલ તો ઘોડા જેવું છે, એક વાર જ્યાં ચમકીને અટકે છે ત્યાં એ સદાય અટકે; માટે ડાહ્યો ચાબુક સવાર પોતાના પ્રાણીની ચમક પહેલે જ ઝપાટે ભાંગીનાખે છે.
અમરબાઈના આત્માએ પણ ચમકતા કલેજા ઉપર આગ્રહનો ચાબુક ફટકાવ્યો. એક દિવસની સાંજે બાગેશ્વરની શેરીઓમાં ‘સત દેવીદાસ’ નો સખુન ગુંજી ઉઠ્યો. તે વખતે સૂર્ય આકાશની સીમમાંથી થાકી લોથ થઈ ક્ષિતિજની નીચે જતો હતો. સજ્જનની વિદાય પછી પણ પાછળ રહી જતી સુવાસ જેવી સૂર્યપ્રભા હજુ પૃથ્વી પર ભભકતી હતી. થોડા જીવતરમાંય ઘણી ઘણી રમતો રમી જનારી સંધ્યા પણ હવે તો છેલ્લા શ્વાસ ભરતી હતી. તે વખતે બગેશ્વરનો પૂજારી બાવો દરબારની ડેલી તરફ ઝપાટાભેર ચાલ્યો. ને ત્યાં પહોંચી એણે લાલઘૂમ લોચનો ફાડી બગડેલી હિંદી વાણીમાં વરાળો કાઢી કે ‘કાઠી, તેરા સત્યાનાશ નિકલસે!’
‘શા માટે, ગુરુજી?’
‘વો નકલી મીરાંબાઈને સારા ગાંવકો ધર્મભ્રષ્ટ કર દિયા. ઘર ઘર ભીખતી ભીખતી વો અબ કહાં ચલી માલૂમ સે તૂંને?’
‘ક્યાં?’
’ચમારવાડેમેં, વહાં વો મુડદાલ માંસકી ભીખ લેસે.’
બગેશ્વરનો પૂજારી હજી તો પૂરું બોલી નહોતો રહ્યો, કાઠી દરબારના મોં પરની રેખાઓ હજુ પૂરેપૂરી કરડાઈધારણ નહોતી કરી રહી, ત્યાં તો નજીકમાંથી અવાજ આવ્યો, ‘સત…. દેવીદાસ!’ માઢ મેડીની બારીમાંથી કાઠીરાજે ડોકિયું કર્યું, જોગણને આવતી દેખી.
અંચળો નથી, ચીપીયો નથી, કાનોમાં કડીઓ નથી, ડોકમાં કંઠી નથી, માળા પણ નથી. ગેરુવા રંગમાં આછું રંગેલું ઓઢણ સંસારીની અદબથી ધારણ કર્યું છે, ને માથા પર કાળા કોઈ વાસુકિનાં બચળાંને મળતાં વેંત વેંત ટૂંકાંલટૂરિયાં છે. પૂર્વે ત્યાં એક આણું વાળીને પિયુઘેર જતી આહીરાણીનો ઘૂંટણે ઢળકતો ચોટલો હતો.
પૂજારી કાઠીરાજના ચહેરાને નિહાળતો હતો. એ ચહેરાની રેખાઓએ પહાડી ઝરણાંઓના પ્રવાહોની સુંવાળી રસાળી બંકાઈ ધારણ કરવા માંડી હતી.
અમરબાઈ કાઠીરાજની ડેલીમાં ક્યારે પેઠી, અને રામરોટી માગીને પછી ક્યારે બહાર નીકળી ગઈ તેનું ભાન કાઠીરાજને રહ્યું નહોતું. એ ભાન એને પૂજારીએ જ કરાવ્યું. ‘દેખ, તેરે ઘરમેં ભી ડાકણ જાઈ આવી.’
‘હેં! ગોલ..!’
કાઠીની ગાળોમાં પ્રિય શબ્દ, લાડકવાયો શબ્દ, સદાય જીભને ટેરવે રમતો શબ્દ ‘ગોલકી’ અથવાપુરુષવાચક ‘ગોલકીના’ એવો હતો. એ શબ્દમાં રમૂજભર્યો તિરસ્કાર હતો.
પણ એ શબ્દનો ઉચ્ચ્કાર કાઠીરાજના હોઠ ઉપર અધૂરો રહી ગયો. એ હોઠની નજીકમાં જોગણનાં વદનનીકલ્પના છબી રમતી હતી. જીવનમાં પહેલી વાર કાઠીરાજને એવું એક માનવી જડ્યું, કે જેના પ્રત્યેનો અપશબ્દપોતાની જીભ ઊંચકી ન શકી.
નીચે બેઠેલા ચોકીદારોને એણે હાક મારી, ‘કેમ એ બાવણને અંદરના વાસમાં જવા દીધી?’
માણસોએ જવાબ આપ્યો, ‘એણે અમારી રજા માંગી નહીં. એને અમે રોકવાનું કહી જ ન શક્યા; અમારી જીભકોણ જાણે શા કારણે તાળવામાં ચોંટી રહી.’
‘એટલે? ડાચાં ફાડીને બધાં બસ એની સામે ટાંપી જ રહ્યાં? તમારા માંહેલા એંશી વરસના બુઢ્ઢાઓને ત્યાં શુંજોવા જેવું રહી ગયું’તુ?’
માનવી જેને ચમત્કારોમાં ખપાવે છે એ બાબતો મૂળ તો આવી જ સીધી ને સાદી હશે કે? આત્માનું બળ જ્યારે એકઠું થઈને દેહ ઉપર ઝળેળી ઉઠે છે ત્યારે વાઘ વરુ જેવા મનુષ્યો પણ શું એ વિભૂતિના પ્રભાવથી દબાઈ નથી જતાં? પહાડ શા પડછંદ પુરુષો એકાદ દૂબળા અને ખૂબસૂરત દેહની પાસે અવાક બને છે, એનું શું રહસ્ય હશે? શ્રીકૃષ્ણે અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવવાની જરૂર જોઈ હશે એવું માનવામાં જ નથી આવતું. અર્જુન તો ચમક્યો, ધ્રુજ્યો ને નમ્યો હશે, એનાં સારથીના સાદા નાના માનવ સ્વરૂપની સામે. કેમ કે એ માનવી, એ મુરલીધર જીવનતત્વોનો સુંદર મેળ મેળવી શક્યો હતો. લાંબા લાંબા દાંત અને દાંતની વચ્ચે ચગદાતો અનંત માનવસમૂહ, એવું કશુંજ દેખાડી અર્જુન શા મહાવીરને, પ્રજ્ઞ પુરુષને સ્તબ્ધ કરી દેવાની જરૂર નહોતી.
‘પૂજારી! તમે પધારો. હું એ વાતની વેતરણ કરી નાંખીશ.’
‘હા, નહીંતર તેરા નિકંદન નિકલ જાસે.’ એવી દમદાટી દેતો પૂજારી પાછો ગયો. ને પૃથ્વી ઉપર પૂરેપૂરા અંધારા ઉતરી ચૂક્યા.
સત દેવીદાસ અમર દેવીદાસ
જય પરબના પીર
આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ
– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો