નારીની લાજ બચાવવા રામસિંહે ડાકુઓ સાથે ધિંગાણુ કર્યુ

બનાસકાંઠાની ધરતી માથે ઘોર અંધારા ઘુંટાઈ ગયા છે. હસબીના મોઢા જેવી મેઘલી રાત મંડાઈ ગઈ છે. માણસને પોતાનું પંડય નો કળાય એવો અંધકાર ભરડો લઈને પડયો છે. ઝમઝમ કરતી ઘોર અંધારી રાત વહી રહી છે. બનાસના પાણી પણ થંભી ગયા છે. પશુપંખી સૌ જંપી ગયા છે.

આવે ટાણે બાસ્પા ગામનો રાજપૂત રામસિંહ વરાણા ગામેથી બાસ્પા પોતાની ડેલીએ પુગવા પંથ કાપી રહયો છે. ભેળા ગામના બેત્રણ માણસો છે. વાતુના ફંગોળીયા કરતાં સૌ મારગને ટુંકો કરી રહયા છે. ગામના માણસોને રામસિંહને સથવારો, એટલે હૈયે જરાય ફડક નથી. રામસિંહ એટલે મરદનો કટકો ને બે ફાડીયા. જેની રગેરગમાં રજપૂતાઈનો રંગ ઘુટાઈ રહયો છે. આંખ્યુમાં ક્ષાત્રતેજના અહોનીશ આટા પાટા પડી રહયા છે. પંડય મથે જુવાન્ી બાપનું લેખાતું હતું. એવા રામસિંહના પરાક્રમો પંથકમાં પંકાઈ ગયેલા. રામસિંહના પરાક્રમોએ નવાબી કચેરીના કમાડ રામસિંહ માટે ઉઘડી ગયેલા. એને અકદેરા આદર થતાં હતા.

આવા રામસિંહ રાજપૂતના ખંભે શુધ્ધ ચાંદીની પાવલી જડાવ હંબેલે શિરોહી તેલ લટકતી રહી છે. સાફામાંથી ડોકાતા ઓડિયા ઓતર-દખણના પવામાં ફરૂકી રહયા છે. લોખંડી પગ પંથ કાપી રહયા છે. બાસ્પા અને વરાણાના સીમાડા જ્યાં સામસામા ભેરૂબંધને ભેરૂ ભેટે એમ ભેટીને પડયા છે આવા સીમાડે રામસિંહ અને વટેમાર્ગુએ પગ દીધા ત્યાં કાને ચીસ સંભળાણી.

કોઈ બચાવો કોઈ બચાવો…

રાજપૂતના કાન ચમક્યાં. પગ થંભ્યાને પડકારો કર્યો.

એલા કોણ છે?

બુલંદ ગળામાંથી નીકળેલા પડકારે જાણે ગેબના ગુંબજો ગર્જયાં. રામસિંહ સાથેના વટેમાર્ગુઓએ મુઠીઓ વાળીને વૈતુ મુક્યું. ગામ ભણીને રામસિંહે દોટ દીધીને ડણક દીધી-

એલા મુકી દયો બાઈને.. વેણ સાથે રામસિંહે તલવાર તાણી.

અષાઢીની બે વાદળીના હૈયા ચીરીને વીજળી ચમકારો કરે એમ રામસિંહની તલવારે ઝબકારો કર્યો.
સમીની જેલ તોડીને ભાગેલા ડાકુઓએ સામી ડણક દીધી.

છોકરા ભાંગવા માંડય, નકર તળ રે-શ

ભાગું તો ભોમકા લાજે..

તો થા ભાઈડો.

ડાકુઓએ પડકારો કર્યો, રામસિંહે તલવાર તોળી, બાઈને પકડીને ઉભેલા જણ ઉપર એવો તે બળુકો ઘા કર્યો કે માથુ ધડથી હેઠું ઉતરી ગયું.

રામસિંહે વેણ કાઢયા.
બેન ઘર ભેળી થા, હવે હું છું ને હરામખોરો છે.

શિકારીના તીરથી બચવા હરણી છુટે એમ બાઈ છુટી, રામસિંહ અને ડાકુઓ વચ્ચે તલવારૂની મંડી ઝાકઝીક બોલવા. રામસિંહના રૂવે રૂવે રાજપૂતાઈનો રંગ ત્રબકવા માંડયો. અબળાની આબરૂ ઉગારવાને રાજપૂતની રખાવટને રાખવા ધીંગાણે પડયો. એકસામટા સાત સાત ઘા ઝીલતો જાય છેને સામા ઝીંકતો જાય છે. સાતને વેતરીને રામસિંહ પડયો, ત્યાં તો જડાસ મશાહે ગામનું માણસ પુગ્યું. જોયું તો રામસિંહના અંગમાંથી લોહી ત્રબકી રહયું છે. રામસિંહને ઝઝોળીને નાંખી હનુમાન મંદિરે લાવ્યાને રામસિંહે રામના દૂતના દ્વારે દેહ છોડી સરગાપરીનો માર્ગ સાંધ્યો.

નોંધ- આ રાજપૂતાઈની રખાવટને અણનમ રાખનાર વીરનો પાળીયો પૂજાય છે. તે બાસ્પા ગામના હનુમાનજીના મંદિર પાસે ઉભો છે.

તણખો-
વાવાઝોડાના ચકરાવામાં આવી જઈને મતદાન કરનારા કદી યોગ્ય પ્રતિનિધિ મોકલી શકતા નથી. પરિપક્વ વિચારને અંતે મતદાન કરનારા પ્રમાણિકપણે પડઘો પાડી શકે તેવી યોગ્ય વ્યક્તિને મોકલી શકે છે.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!