શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશામૃતથી નાસ્તિક પણ આસ્તિક બની ગયા

ભારતના મહાન સંત શ્રી રામકૃષ્ણ પરમહંસના અગ્રગણ્ય શિષ્યોમાં એક સ્વામી વિવેકાનંદ અને બીજા કેશવચંદ્ર હતા. એકવાર શ્રી રામકૃષ્ણ પરમહંસ શિષ્યોને ઉપદેશ આપી રહ્યાં હતા. તે સમજાવી રહ્યાં હતા કે વિચાર, વાણી અને વર્તનની એક સૂત્રતા આવે તો જ માનવીમાં પૂર્ણતા આવે. ઘણીવાર એવું બને છે કે વિચાર આચારમાં પરિણત થતો જ નથી ! અધ્યાત્મના ક્ષેત્રમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો પણ સમન્વય થવો જરૂરી છે. કેટલીક વાર માનવી એના જીવનમાં આવેલા ઉત્તમ અવસરને અજ્ઞાન, અણસમજ અને આળસને કારણે ગુમાવી દે છે. આને લીધે તે અવસરનું મહત્વ સમજતા નથી અને એનો લાભ લઇ જીવનને કૃતકૃત્ય કરી શકતા નથી. પોતાની વાતને બરાબર સમજાવવા માટે પોતાની સામે સૌથી આગળ બેઠેલા શિષ્ય નરેન્દ્રને પૂછયું-

‘નરેન્દ્ર ! કલ્પના કર કે તું એક માખી છે. તારી સામે કટોરામાં અમૃત ભરેલું છે. તને ખબર છે કે આમાં અમૃત છે. હવે તું શું કરવાનું પસંદ કરીશ ? તું એમાં કૂદી પડીશ કે કિનારે બેસીને એને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશ ?’

ગુરુનો પ્રશ્ન સાંભળ્યા પછી સહેજ વિચાર કરીને નરેન્દ્રનાથ (ભવિષ્યમાં જે વિવેકાનંદ બન્યા) બોલી ઉઠયા-
‘હું કિનારે બેસીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરીશ. એ પ્રવાહીમાં એકદમ વચ્ચે કૂદી પડવાથી ડૂબીને મરી જ જવાય. એવું હું કદાપિ ના કરું !’

નરેન્દ્રનાથનો  આ જવાબ સાંભળી શ્રી રામકૃષ્ણ પરમહંસ હસી પડયા અને કહેવા લાગ્યા-
‘જોયું ને ? અજ્ઞાન અને અણસમજ આનું નામ કહેવાય ! અરે વત્સ ! જેના સ્પર્શથી તું અમરતા પામવાની કલ્પના કરે છે. એની વચ્ચે કૂદીને એમાં સ્નાન કરીને, એકાકાર થઇને તને મૃત્યુનો ડર લાગે છે? તું ભૂલી ગયો ને કે આ સામાન્ય લૌકિક પ્રવાહીની વાત નથી ! આ તો અમૃતની વાત છે. અમૃતમાં ડૂબીને તે દ્રૂપ થવાથી કદી મૃત્યુ આવે ખરું ? પરમ તત્વનું પણ આવું જ છે. જ્યાં સુધી તમે એમાં ડૂબો નહી. ત્યાં સુધી તમને એના પૂર્ણ આનંદની અનુભૂતિ થતી નથી. માનવી લૌકિકને છોડવા તૈયાર નથી. એ અલૌકિક પરમ શક્તિમાં પૂરોપૂરો નિમજજ  થવાનું  સાહસ કરતો નથી. જે એમાં ડૂબે છે એ મહા સુખ પામે છે. કિનારે બેસી રહેનારને કોઇ લાભ થતો નથી. ઇશ્વરને પામવા માટે લૌકિક, ભૌતિક જગતનો કિનારો છોડીને પરમ આનંદ રસમાં ડૂબવું પડે છે. એના માટે બધુ છોડીને પૂરેપૂરા સમર્પિત થવું પડે છે !’

કેશવ ચંદ્ર શ્રી રામકૃષ્ણ પરમહંસના અત્યંત બુદ્ધિમાન શિષ્ય હતા. શ્રી રામકૃષ્ણનો સ્વભાવ જેટલો સરળ હતો. એનાથી સાવ વિપરીત કેશવચંદ્રનો સ્વભાવ સાવ જટિલ હતો. એ દરેક વાત તર્ક અને બુદ્ધિની સરાણે ચકાસતા એ એવું જ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરતા કે ઇશ્વર ક્યાંય નથી. લોકોને અને ગુરુને પણ પ્રશ્ન કરતા રહેતા- ઇશ્વર ક્યાં છે ? કોણે જોયો છે ઇશ્વર ? એક દિવસ તે નાસ્તિકના જેવી વાતો કરવા લાગ્યા ચર્ચા થોડી ઉગ્ર થઇ ગઇ. શ્રી રામકૃષ્ણ પરમહંસની દરેક વાતને તે તર્કથી કાપવા લાગ્યા.

શ્રી રામકૃષ્ણ પરમહંસ એક પળ વાર મૌન થઇ ગયા. પછી પોતાની જગ્યાએ ઉભા થઇ હસવા લાગ્યા અને નાચવા લાગ્યા. કેશવચંદ્ર વિસામણમાં મુકાઇ ગયા કે હવે આગળ કરવું શું ? શ્રી રામકૃષ્ણ કંઇ કહે તો પોતે એનો વિરોધ કરે. એ પ્રતિવાદમાં કંઇ રજૂ કરે તો પોતે પોતાનો વાદ આગળ ચલાવે ને ! પણ પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણને આ રીતે મૌન ધારણ કરીને નાચતા જોઇને એ બોલી ઉઠયા- ‘તો છેવટે તમે પણ માની લીધું અને સ્વીકારી લીધું ને કે ઇશ્વર ક્યાંય નથી ?’

શિષ્ય કેશવચંદ્રની વાત સાંભળી શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેવા લાગ્યા-
‘વત્સ ! તને જોયો ન હોત તો કદાચ માની પણ લેત કે ઇશ્વર નથી પણ તારા જેવી વિચક્ષણ બુદ્ધિવાળી મેધાવી વ્યક્તિને જોયા પછી તો મને એ વાત પર વધારે વિશ્વાસ આવી ગયો છે કે ઇશ્વર જરૂર અસ્તિત્વ ધરાવે છે ! એના વિના આવી અદ્ભૂત વ્યક્તિનું સર્જન કોણ કરી શકે ? હવે તો મને પાકો ભરોસો થઇ ગયો છે કે ઇશ્વર જરૂર છે જ ! હું તો જ્યાં નજર કરું છું ત્યાં મને કોઇને કોઇ રૂપે એના દર્શન થઇ જાય છે ! મને તારામાં પણ એ જ દેખાઇ રહ્યો છે. ઇશ્વર નિરાકાર છે એ વાત સાચી છે પણ એની સાથે એ સાકાર પણ છે એની મને સતત પ્રતીતિ થતી રહે છે. એ તારા જેવા પ્રજ્ઞાવાન મનુષ્યના રૂપમાં પણ પ્રકટ થાય છે.’

કહેવાય છે કે એ દિવસે કેશવચંદ્ર ત્યાંથી ઊભા થઇને ચાલવા લાગ્યા હતા. પણ જ્યારે ફરી પાછા આવ્યા ત્યારે પૂર્ણ આસ્તિક થઇ ગયા હતા. સ્વામી વિવેકાનંદની જેમ કેશવચંદ્ર પણ શ્રી રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય બની રહ્યા હતા…

– દેવેશ મહેતા

error: Content is protected !!