બંગાળના અમર પ્રેમીઓ ચંડીદાસ અને રામી ધોબણની દિવ્ય પ્રેમકથા

પ્રેમી હૈયાંઓ માટેનું પ્રયાગરાજ બંગાળનું નાન્નુર ગામ
‘હું પ્રેમના સોહામણા સરોવરમાં સ્નાન કરીશ. કામણગારી આંખોમાં પ્રેમનું આંજણ આંજીશ. પ્રેમ જ મારો ધર્મ છે, પ્રેમ જ મારું કર્મ છે. હું પ્રેમને માટે જીવીશ અને પ્રેમને માટે જ મારા પ્રાણની આહુતિ આપીશ.’

પ્રેમની પરિભાષા સમજાવતાં આ શબ્દો છે ધોબણ કન્યા માથે હૈયું ઓળઘોળ કરનાર ચૌદમી સદીના અલગારી બ્રાહ્મણ કવિ ચંડીદાસના. ચંડીદાસ પ્રેમને દૈવી સ્વરૂપ આપી એને અલંકૃત કરી ઊંચા આસને બેસાડનાર મહાકવિ હતો. રાધા-કૃષ્ણની પ્રેમલીલા સંબંધમાં બંગાળના વૈષ્ણવ કવિઓએ સુંદર, લલિત, કોમળ અને હૃદયસ્પર્શી પદોમાં જે યાદગાર રચનાઓ આપી છે, એ બધામાં અનોખા પદોનો રચયિતા ચંડીદાસ બંગાળના લોકહૈયાં પર જાણે કે છવાઈ ગયો છે.

આ પ્રાચીન મહાકવિએ પ્રેમના સાગરમાં વિહાર કરીને પોતાની જાતને જાણે કે પ્રેમરસથી ભીંજવી દીધી હતી. પ્રેમ એ જ એનો જીવનમંત્ર હતો. પ્રેમ જ એના જપ અને પ્રેમ જ એનાં તપ હતાં. પ્રેમ જ એની સાધના અને પ્રેમ જ એની સિદ્ધિ હતાં, તેથી જ આ પાગલ પ્રેમીએ રાધાકૃષ્ણની જીવનલીલાનું વર્ણન કરવા મશ્યે કેવળ પ્રેમદેવતાના ગુણગાન ગાયાં છે. બપૈયો જેમ ‘પિયુ’ ‘પિયુ’નું રટમ કરે, એમ ચંડીદાસ પ્રીત, પ્રીત. પ્રીતની રઢ લગાવી બેઠો હતો. એ એક પદમાં એકરાર કરતો કહે છે ઃ

‘‘પ્રેમદેવીની મનોહર મૂર્તિ કોણ જાણે કેવી રીતે મારા મનમંદિરમાં આવીને બિરાજમાન થઈ ગઈ છે! પ્રાણ જાય તો પણ એ પ્રેમને છોડવા માગતી નથી. આવા અલૌકિક પ્રેમની રચના કોણે કરી હશે! પ્રેમ નામના આ બે અક્ષરો આજ લગી ક્યાં છૂપાઈ ગયા હતા? જ્યાં મારી ‘પ્રેમપૂતળી’ બિરાજેલી હતી ત્યાં એના અંતરના મર્મસ્થાનમાં પ્રેમનો અંકૂર પાંગર્યો. મારા હૃદયનાં પ્રેમનો કાંટો શૂળ બનીને ભોંકાઈ રહ્યો છે. પ્રેમાગ્નિની જ્વાળા લાખ વાતેય બૂઝાતી નથી.’’

આકાશમાં અષાઢ મહિનાના કાળાં ડિબાંગ વાદળાંના ડુંગર ખડકાઈ જાય ને મતવાલો મોરલો ડોકની સાંકળના ત્રણ ત્રણ કટકા કરી ‘મે-આવ… મેંઆવ… મેંઆવ’ ટહૂકા કરી ગામના પાદરને ગજવી મૂકે એમ પ્રેમના બાગમાં કુંજન કરતા આ પ્રેમકવિનું જીવન અને કવન અનેક કથાઓ અને દંતકથાઓના જાળાંથી વીંટળાયેલું છે, એના પર ઉડતી નજર કરી લઈએ.

ચંડીદાસ ઘણું કરીને ચૌદમી સદીના અંત ભાગમાં બંગાળમાં આવેલ નાન્નુર નામના નાનકડા ગામમાં જન્મ્યો હતો. પ્રેમથી પાવન બનેલી આ ધરતી પર નાન્નુર ગામ આજેય પ્રેમકવિની કીર્તિની યશપતાકા લહેરાવતું ઉભું છે. પ્રેમદિવાના પાગલ ચંડીના ઊના ફફળતા નિસાસા અને આંખ્યુંમાંથી વરસેલા શ્રાવણ ભાદરવાના નીરથી પલળીને પવિત્ર બનેલું વાશુલી દેવીનું મંદિર આ વાતની સાક્ષી પુરતું મોજૂદ છે. પ્રેમ હૈયાં માટે નાન્નુર ગામ બીજું વૃંદાવન બની રહ્યું છે. બીરભૂમ જિલ્લાના શાકુલિપુર થાણા-તાબાનું આ ગામ છે અને શુઉડીથી બાર ગાઉના અંતરે પૂર્વદિશામાં આવેલું છે. અહીં અનેક ૠષિ-મુનિઓના આશ્રમો અને ઉના પાણીના ઝરા આવેલા છે. મયૂરાક્ષી, અજય, સાલ અને દ્વારિકા જેવી નદીઓ ખળખળ નાદે વહેતી પસાર થાય છે. અહીંના બેલફૂલ તો બસરાનાં ગુલાબને ય ઝાંખા પાડી દે એવા રંગ, સુગંધવાળાં છે. આવો સુરમ્ય પ્રદેશ કવિ જયદેવ અને ચંડીદાસની જન્મભૂમિ છે.

ચંડિદાસના પિતા ગ્રામદેવી ‘વાશુલી’ના મંદિરના પૂજારી હતા. પિતાના અવસાન પછી ચંડીદાસને વાશુલીદેવીના મંદિરની પૂજાનો વારસો મળ્યો. પૂજારી બનેલો ચંડીદાસ શુદ્ધ ચિત્તવૃત્તિ, ભાવના અને શ્રદ્ધાથી દેવીની આરાધનામાં સમય વિતાવતો. સવાર સાંજ મંદિરમાં દેવીની આરતી કરતો. પ્રસાદ પણ જાતે જ બનાવતો. દેવીને થાળ ધરાવી, ભાવિક ભક્તોને સ્વહસ્તે જ વહેંચતો. વાર તહેવારે કથા કીર્તન કરી ગામલોકોને જ્ઞાનભક્તિની વાતો સંભળાવતો. ઉંમરના ઉંબરે આવીને ઉભેલા યુવાન ચંડીદાસના અંગ માથે જુવાની ભગડતી રમવા માંડી હતી. એનું અંગ સૌષ્ઠવ અને રૂપલાવણ્ય પૂનમના ચંદ્રની જેમ પ્રસન્નપણે પાંગર્યું હતું. ધોળી ધોતલીમાં સજ્જ થયેલા આ ફૂટડા યુવાનના હૃદયની નિર્મળતા, પવિત્રતા એની આંખોમાં વરતાતાં હતાં આથી દેવીના દર્શન કરવા આવતા શ્રઘ્ધાળુઓ દેવીના દર્શન સાથે ચંડીદાસના દર્શન કરીને પોતાની જાતને ધન્ય માનતા અને આનંદ પામતા.

વાશુલીદેવીના દર્શન કરવા આવતી કંઈક રૂપસુંદરીઓ ચંડીદાસસના રૂપ માથે પોતાનું હૈયું ઓળઘોળ કરી દેતી, પણ આ પૂજારીનું હૃદય તપસ્વી જેવું નિર્મળ અને પવિત્ર હતું. વિકારો અને વાસના એનાતી અઢાર ગાઉના અંતરે છેટાં રહેતાં, એમ છતાં એક માછણ બાઈના મહરે એના હૈયામાં જબરો ઝંઝાવાત સર્જી દીધો. પૂર્વ જન્મની પ્રીત આળસ મરડીને બેઠી થઈ. અનેક રૂપસુંદરીઓના પ્રેમને ઠોકરે મારનાર મંદિરનો પૂજારી ગામની સામાન્ય ધોબણ રત્નમણિ ઉર્ફે રામીના પ્રેમ પાછળ દિવાનો બન્યો. ચંડીદાસ રામી ધોબણને દિલ બેઠો એની પણ એક રસપ્રદ ઘટના છે.

એક દિવસની વાત છે. ચંડીદાસ બજારમાં માછલી ખરીદવા માટે ગયો. માછણ બાઈના ટોપલામાંથી એણે માછલી ખરીદ કરી. પછી પૈસા આપવા જતો હતો ત્યાં જોયું કે એટલા જ પૈસામાં માછણ બાઈએ બીજા ઘરાકને વઘુ માછલીઓ આપી. એ જોઈને ચંડીદાસ બોલી ઊઠ્યો ઃ ‘‘અરે બાઈ, આના જેટલી રકમમાં તેં મને કેમ ઓછી માછલી આપી? હું તને ખોટા પૈસા આપું છું? આવા બે ભાવ કેમ કરે છે? હું ય મંદિરનો પૂજારી છું, સમજી!’’

ત્યાં નયનો નચાવતી મરક મરક સ્મિત સાથે માછણ બોલી ઃ ‘તને ઈ વાત નઈં સમજાય. તું મંદિરમાં આરતી ઉતાર ને મજા કર્ય. જેને મેં વધારે માછલી આપી ને ઈ મારા મનનો માણીગર છે. મારા કાળજાનો કટકો છે. મારી આંખનું રતન છે. મારો પ્રેમી છે. તારે વધારે માછલીઓ લેવી હોય ને તો પ્રેમ કરતા શીખ. કો’ક માછણના હૈયાનો હાર બની જા તો તને વઘુ માછલીઓ મળે. આમ પ્રેમ આગળ પૈસાની શું વિસાત? તું આવો ને આવો ભોટ જ રહ્યો!’

એક સામાન્ય માછણના મુખે પ્રેમની વાત સાંભળતાં જ ધર્મ અને પ્રેમ વચ્ચેની પાળ તૂટી ગઈ. ચંડીદાસના ચિત્તમાં વિચારોનો ચકડોળ ચક્કર-ભમ્મર ફરવા મંડાણો. એમાંથી એના અંતરમાં પ્રેમરૂપી પારિજાતના પુષ્પો પાંગર્યાં. નદી કિનારે ફરવા જતાં એક વહેલી સવારે એની નજર, આંબા માથે ઝૂલતી કાચી કેરી જેવી ધોબીની દિકરી રામી ઊપર પડી. રતિ-સમ રામી એના મનમંદિરમાં મુકામ માંડીને બેસી ગઈ. એ પછી તો ચંડિદાસ નદીએ નહાવા જવાના નિમિત્તે દરરોજ રામીના દર્શન કરવા જતો. એક દિવસ ચાર આંખો મળતાં જ બંનેના અંતરમાં લાગણીઓ કૉળી ઊઠી. પ્રેમની વસંત પુરબહારમાં પાંગરી. બેય યુવાન હૈયાં પ્રેમની હીરલાગાંઠથી બંધાઈ ગયાં.

બ્રાહ્મણ જેવો બ્રાહ્મણ ને તેય પાછો દેવીનો પૂજારી. ઈ ઊઠી ને ગામના ગંદા લૂગડાં ધોતી ધોબણના પ્રેમમાં પડે તો ધરતી રસાતાળ થઈ જાય એવો એ રૂઢિચુસ્ત જમાનો. કહેવાય છે કે મોટા માણસની માંદગી અને નાના માણસનું છિનાળવું એ છૂપાં રહેતાં નથી. પ્રેમ અને પાયલ છૂપાવ્યા છૂપતાં નથી. વાયે ચડીને વાત ગામમાં અને અડખેપડખેના પંથકમાં પ્રસરી ગઈ. ટીકાઓની ઝડીઓ વરસવા માંડી. બ્રાહ્મણોની નાતમાં હાહાકાર મચી ગયો. ચંડીદાસના જીવનમાં ઊભા થયેલા પ્રેમના ઝંઝાવાતમાંથી પ્રગટી પ્રેમની અમર કવિતાઓ. (જે આજેય બંગાળના જનજીવનમાં જાણીતી છે.)

નાતના મોવડીઓએ ચંડીદાસને બોલાવીને ઠપકો આપ્યો. જાહેરમાં એને ભાંડ્યો ઃ ‘ચંડાળ ચંડીડા! તું બ્રાહ્મણ જેવા ઉચ્ચ કૂળમાં ઇંગારો પાક્યો. તારા બાપ ને કહળા કુટુંબને માથે કાળી ટીલી ચોડી દીધી. ક્રિયાકાંડનું સત્યાનાશ વાળી દીઘું. તારા પ્રેમે બ્રાહ્મણોને પતનની ઊંડી ખીણમાં ધકેલી દીધા… સમજ્યો! સો મણ સાબુથી ધોઈશ તો ય તારા પ્રેમનું કલંક નહીં ધોવાય… બ્રાહ્મણ આગેવાનો ગળું ફાડીને કહી રહ્યા હતા.

ત્યારે ચંડીદાસે નાતીલાઓને કહ્યું ઃ ‘પ્રેમ એ તો દિવ્ય વસ્તુ છે. અલૌકિક વસ્તુ છે. પ્રેમી હૈયાં વિના પ્રેમને બીજા કોઈ જ ન સમજી શકે. રામી ધોબણ સાથે મારો પ્રેમ, દિવ્ય પ્રેમ છે. વાસના અને વિકારોથી વીંટળાયેલો નથી. જન્મ જન્માન્તરનું ૠણાનુંબંધ છે. પ્રેમ એ તો ઇશ્વર સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. આ પંથે કો’ક જ વીરલા પરહરે છે. એમની વાતું જ ન્યારી છે.’’

નકુલ ગામે ચંડીદાસનો એક ભાઈ હતો. એણે ધોબણની સંગત છોડી દેવા માટે ભાઈને ખૂબ સમજાવ્યો. તે ન માન્યો. છેવટે બ્રાહ્મણોએ ચંડીદાસના આખા કુટુંબને નાત બહાર મૂક્યું. નકુલે બ્રાહ્મણ આગેવાનો આગળ નાકલીટી તાણી. એના ભાઈએ ચંડીના પ્રેમના પ્રાયશ્ચિતરૂપે બ્રહ્મભોજન આપવાનું સ્વીકાર્યું. નિયત દિવસે બ્રાહ્મણો ચોટલિયુંની ગાંઠો મારીને જમવા બેસી ગયા. રસોઈયું પીરસાવા માંડી. એ વખતે રામી ધોબણ બોરસલીના ઝાડ પાછળ ઊભી રહીને આ તમાશો જોવા લાગી. એની આંખ્યુંમાંથી શ્રાવણ ભાદરવો વરસે છે. એનાથી ન રહેવાયું. એ દોડતી બ્રાહ્મણોની પંગત વચ્ચે આવી. ચંડીદાસને પગે પડીને કાકલૂદી કરવા મંડાણી ઃ ‘મેં તમારો શું ગુનો કર્યો છે? તમે મારો કેમ ત્યાગ કરો છો? અમર પ્રેમની, દિવ્ય પ્રેમની વાતો કરનારો મારો પ્રેમી આવો માટીપગો નીકળ્યો? ચંડીદાસ તેં પ્રેમ શબ્દને લજવ્યો. સમજ્યો?’

સૂનમુન થઈને ઊભેલા ચંડીદાસને પોતાની ભૂલ સમજાઈ. બ્રાહ્મણોની નાત વચ્ચે જ એ દોડીને રામીને ભેટી પડ્યો અને બોલ્યો ઃ ‘‘આપણે પ્રેમ દૈવી પ્રેમ છે. સાચો પ્રેમ છે. નાતના માંધાતાઓ હવે આપણને નહીં જુદાં પાડી શકે. તું મારી જ છે ને કાયમ મારી જ રહેશે. મારું વચન છે.’’

એમ બોલતો ચંડીદાસ રામી ધોબણનો હાથ હાથમાં લઈને ચાલતો થયો. ‘‘રામી, ચાલ હવે આપણે અહીં નથી રહેવું. પ્રેમનગરમાં જઈને પ્રેમની ઇંટો વડે ઈમારત ઊભી કરીશું. એમાં પ્રેમની ભીંતો હશે, પ્રેમના પલંગ અને ગાદલાં હશે. પ્રેમનાં ઓછાડ અને ઓશિકાં બનાવીને પ્રેમથી પોઢીશું. આ દૈવી પ્રેમને જીવનભર જાળવવા પ્રેમથી પુરુષાર્થ કરીશું.’’

ચંડીદાસની વાત સાંભળતાં જ બ્રાહ્મણોની નાત માથે જાણે કે વીજળી ત્રાટકી. અર્ધા જમ્યાં ને અર્ધા ભૂખ્યાં ભૂદેવો ભોજન મંડપ છોડીને ભાગવા માંડ્યા. કહેવાય છે કે એ વખતે રામી એમને ચાર ભૂજાળી દેવીના સ્વરૂપે દેખાઈ. એ પછીના અસલ કવિતાનાં પાનાં ફાટી ગયાં હોવાથી આ વર્ણન દ્વારા જે અનર્થ ઉત્પાત મચ્યો હતો તેની કૂતુહલપ્રેરક વઘુ વાતો જાણવા મળતી નથી. પણ પ્રેમ, ચંડીદાસને ઇશ્વરની આરાધનામાં વઘુ પ્રવૃત્ત કરે છે. પ્રેમની નિસરણી વાટે ચંડીદાસ ઇશ્વરની વઘુ નજીક પહોંચી એને પામવા પ્રયત્ન કરે છે. એનાં અમર બંગાળી પદો અને વાતની પ્રતીતિ કરાવે છે ઃ

એક નિવેદન કરી પુન પુન સુન રજકિનિ રામિ
યુગલ ચરણ શીતલ બલિયા શરણ લઈ લાભ આમિ.
રજકિનિ રૂપ કિશોરી સ્વરૂપ કામ ગંધ નાહિ તાપ.
ના દેખિલે મન કરે ઉચાટન ન દેખિલે પરાણ જુડાય…

આ સળંગ પદ છે. એનો ભાવાર્થ આવો છે ઃ
સાંભળ! હું ફરી ફરીને કહું છું. ધોબણ રામી! તારા પાય શીતળ છે. એટલે હું તારા શરણે આવ્યો છું. તારું રૂપ ધોબણનું, રજકિનિનું પણ રૂપ કિશોરી રાધાનું છે. તેમાં કામવાસનાની ક્યાંય ગંધ નથી. તને જોઉં નહી તો મન વ્યાકૂળ થઈ જાય છે. તું નજરે પડે છે ત્યારે જીવને શાંતિ થાય છે. તું રજકિનિ મારી રમણી છે. તું પિતા છે. તારું ભજન એ ત્રિકાળ સંઘ્યા છે. તું વેદમાતા ગાયત્રી છે. તું શિવ-હરની પત્ની પાર્વતી છે. તું વાગ્વાદિની સરસ્વતી છે. તું મારા ગળાનો હાર છે. તું મારા નયનોની તારક છે. તું ન હોય તો મને સર્વત્ર અંધકાર ભાસે છે. તારું ચંદ્રવદન જોવા ન મળે તો મારું હૃદય મૃતવત્‌ બની જાય છે. તારી રૂપમાઘુરીનું ક્ષણભર પણ વિસ્મરણ થતું નથી. હું શું કરું તો તું મને વશ થાય! તું જ તંત્ર છે. તું જ મંત્ર છે. તું જ મારી ઉપાસના છે. ત્રિભૂવનમાં તારા વગર મારું બીજું કોઈ જ નથી. વાસુલી દેવીની આજ્ઞાથી હું ચંડીદાસ કહું છું કે ધોબણના ચરણોમાં મારું સર્વસ્વ સમાયેલું છે. ‘રજકિનિ પ્રેમ નિકસત હેમ’ રજકિનિનીનો પ્રેમ કસોટીએ ચડાવેલું શુદ્ધ હેમ-સોનું છે.

ચંડીદાસ અને રામીના મૃત્યુ અંગે બેત્રણ કિંવદંતીઓ સાંભળવા મળે છે. સવા બસો વરસ પૂર્વે મળી આવેલી રામીની કવિતા પરથી જણાય છે કે ગૌડના નવાબની સભામાં કીર્તન-પદો ગાવા માટે ચંડીદાસને નિમંત્રણ મળેલું. તેની ગાયકી પર મુગ્ધ બનીને નવાબની બેગમ એના પ્રેમમાં પડી. એણે નવાબ આગળ પ્રેમનો એકરાર કરતાં ગુસ્સે ભરાયેલા નવાબે ચંડીદાસને હાથીની પીઠ ઉપર બેસાડીને જાહેરમાં ફટકા મારવાની સજા કરી. ચંડીદાસ પર કોરડા વીંઝાતા હતા ત્યારે તે કરુણ નજરે રામીને નિહાળી રહ્યો હતો. બેગમ આ દ્રશ્ય જોઈ મૂર્ચ્છાવશ થઈ મૃત્યુ પામી. ત્યારે રામી એને ઠપકો આપી કહેવા લાગી ઃ ‘વાસુલીદેવીએ માત્ર મને જ ચંડીદાસને આણ્વાની આજ્ઞા કરી હતી. છતાં તમે એ આજ્ઞાનું ઉલ્લંઘન શીદ કર્યું?’

બીજી કથા એવી છે કે ચંડીદાસ રામીને લઈને મતિપુર ગામે પોતાનાં પદો સંભળાવવા માટે ગયો ત્યાંથી પાછા ફરતાં જ્યાં રાતવાસો કર્યો એ ઘરનું છાપરું પડતા ચંડીદાસ એ રામી બંને એકબીજાના આશ્વ્લેષમાં મૃત્યુ પામ્યાં.

ત્રીજી કથા અનુસાર ચંડીદાસ જ્યારે નાન્નુરની નાટકશાળામાં કીર્તન કરી રહ્યો હતો ત્યારે ગુસ્સે ભરાયેલા નવાબે તોપના ગોળાથી આખી નાટકશાળા ઉડાડી દીધી. બંગાળનો સર્વશ્રેષ્ઠ પ્રેમ કવિ અને મૃત્યુલોકનો મહામૂલો ગાયક સદાને માટે નાટકશાળાના ખંડિયેરોમાં દફનાવાઈ ગયો. નાન્નુર ગામમાં વાસુલીદેવીના મંદિર પાસે આવેલા ખંડિયેરના ટેકરાને આજેય ચંડીદાસના સ્થાનક તરીકે ઓળખાવાય છે. ચંડીદાસ આજે હયાત નથી પણ પદો દ્વારા બંગાળી સાહિત્યમાં અમીટ અને અમર સ્થાન જમાવીને બેઠો છે. એના પેગડાંમાં પગ ઘાલીને ઊભો રહે એવો બીજો કોઈ પ્રેમકવિ બંગાળમાં હજુ સુધી થયો નથી એમ કહેવાય છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!