મગધની અદ્વિતીય રૂપસુંદરી પાટલીપુત્રની રાજનર્તકી ઃ કોસા

ભારતની સુજલામ્ સુફ્લામ ધરતી પર આઝાદીની ઉષાએ અજવાળાં પાથર્યા એ અરસાની આ વાત છે. એ કાળે દેશમાં ૬૦૦ ઉપરાંત રજવાડાંઓના રાજ અમર તપતાં હતાં. આ રાજવીઓમાં પોતાના રાજ્યમાં રાજકવિ, રાજજ્યોતિષી, રાજગાયક, ગાયિકાઓ, શુકનાવળીઓ અને રાજનર્તકીઓ રાખવાનો રિવાજ હતો. કચ્છના કલાપ્રેમી રાજવી રાવ લખપતજીના રાજ્યમાં પચ્ચીસ શ્રેષ્ઠ ગાયિકાઓ અને નર્તકીઓ હતી. હું આજે વાત લઇ આવ્યો છું મગધસમ્રાટ ધનનંદ અને પાટલીપુત્રની રાજનર્તકી કોસાની. પ્રેમ અને વૈરાગ્ય વચ્ચે ઝૂલતી આ ઇતિહાસકથા પર સત્યદેવ નારાયણસિંહાએ સુપેરે પ્રકાશ પાથર્યો છે.

પાટલીપુત્રની રાજનર્તકી સુનંદા પોતાના પદ પરથી નિવૃત્તિ લઈ રહી હતી. રાજ્યનો સુપ્રસિદ્ધ ‘કૌમુદી મહોત્સવ’ નજીક આવતો હતો. આ દિવસે મગધસમ્રાટે મહેમાનો સમક્ષ નવી રાજનર્તકી માટે કોસાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. કોસા મગધની અદ્વિતીય રૂપસુંદરી, રતિ જેવી રૂપવાન, માયા જેવી મોહિની, દારૂના નશા જેવી, જ્ઞાની, વિવેકી, સંસ્કૃતની પ્રખર પંડિત, સંગીતમાં સોળે કળાએ ખીલનારી, કામકાજમાં ચતુર, નૃત્યમાં નિપુણ અને નૃત્યાચાર્ય કુમારદેવની લાડલી શિષ્યા હતી, તેમની નૃત્યવિદ્યાની ખીલતી કળીસમ કોસા રાજનર્તકી સુનંદાની મોટી પુત્રી હતી. મગધનરેશ જાણવા માગતા હતા કે કોસા રાજનર્તકીના ઊંચા પદને જાળવી રાખવા સમર્થ છે કે કેમ ? રાજવી ધનનંદની કસોટીમાં કોસાની નૃત્યવિદ્યા પાર ઊતરી હતી, પરિણામે એને રાજનર્તકીના પદ માટે સહર્ષ સ્વીકૃતિ આપી.

આખા નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો – ‘રાજનર્તકી બનનાર કોસાની શોભાયાત્રા નીકળશે. રાજનર્તકી રત્નજડિત મુગટ પહેરીને પોતાની રંગશાળામાંથી રાજપ્રાસાદમાં પ્રવેશ કરશે, કોસાના રથને સમ્રાટના રથપ્રધાન સુકેતુ રાજપ્રાસાદ સુધી દોરી લાવશે.’ પાટલીપુત્રના નગરવાસીઓ, રાજ્યની નવી નર્તકી કોસાનું રૂપ, એના ઠાઠ અને ઠસ્સાની એક ઝલક જોવા સૂરજ ઊગે તે પહેલાં જ મોંસૂઝણામાં રાજમાર્ગ પર હકડેઠઠ એકઠા થવા માંડયા હતા. ઘરના કઠેરા અને હવેલીઓના ઝરૂખા નગરની સ્ત્રીઓથી ઊભરાવા લાગ્યા હતાં.

રાજનર્તકી કોસાની અનોખી શોભાયાત્રાનો આરંભ થયો. સુગંધથી મહેંકતા રંગબેરંગી ફૂલોથી શણગારેલો કોસાનો રથ રંગશાળામાંથી બહાર નીકળતાં જ કીડિયારાની જેમ શેરીઓમાં ઉભરાયેલી જનમેદનીએ ચિચિયારીઓ દ્વારા હર્ષનાદ કર્યો. રાજનતર્કીએ બે હાથ જોડી, સ્મિત કરી જનસમૂહના હર્ષનાદ-અભિનંદનનો વિનમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો. ધીમી ગતિએ ચાલતો કોસાનો રથ રાજમાર્ગ તરફ આગળ વધ્યો. જેણે જેણે કોસાનું ગર્વિલું રૂપ જોયું એ સંધાય એના દીવાના બની ગયા. ઝરૂખામાંથી ઝૂકી ઝૂકીને જોતી નગરની નારીઓ કોસાનું રૂપ, લાવણ્ય નિહાળીને મનમાં ને મનમાં બળવા માંડી.

રાત્રીનો પહેલો પહોર શરૂ થયો રાજપ્રાસાદના વિશાળ ચોકમાં રાજા-રાણીની હાજરીમાં નગરજનો સમક્ષ રંગમંચ ઉપર કોસાનું પ્રથમ નૃત્ય આરંભાયું. સંગીતાચાર્ય કુમારદેવ ગુરુની હેસિયતથી મંચ ઉપર ઉપસ્થિત હતા. એમણે શારદા વિચરિત રાગ બાગેશ્વરી આલાપમાં ગાવાનો શરૂ કર્યો ત્યાં તો ઘૂંઘરું રણઝણાવતી કોસા આરતીનો થાળ લઈને હાજર થઈ. આરતી પૂરી થઈ. કોસાની સાથી કલાધરિત્રીઓ ચિત્રા, હંસનેત્રા અને માલિની એ ત્રિતાલમાં વીણા, પખવાજ અને ઝાંઝની સંગત કરી. કોસાના કંઠમાંથી ગીતની સ્વરલહરી અને પગમાં ગતિ પ્રગટી. નૃત્ય, ગીત અને સંગીતની રસત્રિવેણીના સંગમાં નગરજનો રસતરબોળ બની ગયા. એમાં રાત્રીનો બીજો પહોર વીતી ગયો.

ત્રીજા પહોરે કોસાના નૃત્યનો દોર સમાપ્ત થયો. આનંદવિભોર બનેલા રાજા-રાણી કોસાને અભિનંદન આપીને વિદાય થયા. એ પછી નગરના અસંખ્ય ધનિકપુત્રો, સારથીઓ, કલાપ્રેમીઓ અને કોસાના અસંખ્ય ચાહકોની લાંબી કતાર રાજનર્તકીને અભિનંદન અને ભેટો આપવા અર્થે ઊભી હતી. આ પરંપરાના પાલનમાં કોસાના પ્રતીક્ષાલયમાં સૌ પ્રથમ પહોંચનાર વ્યક્તિ મગધ સમ્રાટની રથપતિ હતી. મહામંત્રી શકટારનો મોટો પુત્ર સ્થૂલભદ્ર જ્યારે કલામૂર્તિ કોસાને અભિનંદન આપવા પહોંચ્યા ત્યારે કોસાના રોમરોમ આનંદથી કંપી ઊઠયાં. એના અંતરના આનંદમોર એકસાથે ટહૂકી ઊઠયા. એ સ્થૂલભદ્રના સૌંદર્ય અને યુવાનીના તેજને આંખો વડે પીવા લાગી. સ્થૂલભદ્રની તેજસ્વી મુખમુદ્રા અને સ્વસ્થ સુડોળ શરીરને અનિમેષ (મટકું માર્યા વગર) નજરે નિહાળી રહી. કોસાની તંદ્રા તૂટી ત્યાં તો સ્થૂળભદ્રએ તેના ગળામાં સુગંધી પુષ્પોની માળા પહેરાવી દીધી. નગરજનોની અભિનંદનવર્ષા પૂરી થઈ ગઈ ત્યાં સુધી સ્થૂલભદ્રએ પહેરાવેલી ફૂલમાળા તેના વક્ષો પર ઝૂલતી રહી.

રાજનર્તકી કોસા અને સ્થૂલભદ્ર પ્રથમ મિલને જ હૈયું ખોઈ બેઠાં. પરભવના પ્રેમી હોય એમ પરસ્પરને દિલ દઈ બેઠા. ભારતના સર્વશ્રેષ્ઠ વીણાવાદક સ્થૂલભદ્રે રાજનર્તકી કોસા પર પોતાની જાતને ઓળઘોળ કરી દીધી. બે હૈયાં દ્વૈત મટી અદ્વૈત બનવા ઝાંખી રહ્યાં. રાજનર્તકી બનતા પૂર્વે કોસાએ મગધ સમ્રાટ પાસેથી વચન લીધું હતું કે ‘તે પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે સ્વતંત્ર રહેશે.’ આમ કોસાએ વીણાવાદક સ્થૂલભદ્રને પોતાની જીવનસાથી રૂપે સ્વીકાર્યો. બંનેએ સાથે મળીને સંગીત અને નૃત્યના ક્ષેત્રે ડંકો વગાડયો. સ્થૂલભદ્ર કોસાના નૃત્યમાં લીન બની જતા અને કોસા સ્થૂલ ભદ્રની વીણાના સૂર પર વારી જતી.
રાજનર્તકી કોસા પોતાના મનના માનેલા પ્રિયતમને રાજી કરવા માટે પોતાના કામગૃહ કોઈ વખત ‘યાચના નૃત્ય’ કરતી. કોઇક વખત અભિસારિકા, કોઇકવાર ‘મધુમિલન’ તો કોઇક વખત ‘પરકિયા પ્રમોદ’ અને ‘સંગોપનનૃત્ય’ કરતી. આમ અંતરમાં આનંદનો અબિલગુલાલ ઉડાડતા સહજીવનના સુખદ દિવસો પસાર કરવા લાગ્યા. સુખદ ક્ષણોના સંભારણાં રૂપે તેઓ પોતાના કામગૃહની ભીંતો પર ચિત્રો અંકિત કરતાં. બંને કલાકાર હોવાથી સાથે મળીને ચિત્રો દોરતાં અને ચિત્રોમાં અંતરની ઊર્મિઓ અને આનંદને અભિવ્યક્ત કરતાં. આ ચિત્રો એમની આનંદમય યાત્રાની મહામૂલી મૂડી બની રહ્યાં.

સમય સર્પની ગતિએ સરતો રહ્યો. એવામાં એક દિવસ સમાચાર આવ્યા કે મગધની મહારાણીના ગુરુ શંકરના ભક્ત શાંબ મંત્ર-તંત્ર અને માનબલિદાન વિષયક સિધ્ધિઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરીને પાંચ વર્ષ પછી ૧૦૮ શિષ્ય-શિષ્યાઓના સંઘ સાથે પાટલીપુત્રની ધરતી પર પધારી રહ્યા છે. રાજનર્તકી કોસાને મગધના મહારાજાનો હુકમ થયો કે એણે આજે રાત્રે શિવભક્ત જાદુગર સમક્ષ પોતાનું અનુપમ નૃત્ય પ્રસ્તુત કરવું.

રાજાની આજ્ઞા સાંભળતાં જ કબૂતર પાછળ કાળિયો કોશી (શિકારી-પક્ષી) પડયો હોય ને કબૂતર ફફડી ઊઠે એમ કોસા ઘડીભર ધૂ્રજી ઊઠી. ઓહ ! ભયંકર છૂટા વાળ અને ઘૂવડ જેવી બીકાળવી આંખોવાળા શિવભક્ત તાંત્રિક સમક્ષ નૃત્ય ! તેમની સિધ્ધિ પાછળ વાઘ, વરુ, ચિત્તા, સિંહ, ભયંકર સાપ જેવા હિંસક જનાવરો જોડાયેલા હોય. બાપ રે ! કોસાને આંખે અંધારા આવવા મંડાણાં, એને આજે પહેલી વાર જ રાજનર્તકીનું પદ ભારે બોજારૂપ લાગવા માંડયું. ત્યારે સ્થૂલભદ્રએ એને રાજ્ય તરફની ફરજનું ભાન કરાવ્યું ને હિંમત બંધાવી. કોસા તૈયાર થઈ.

રાત્રે શિવભક્ત જાદુગર અને તેના શિષ્ય-શિષ્યાઓ, નવયુવતીઓ, પરિચારિકાઓ, વાઘ, વરુ, સર્પ, સિંહ જેવાં છૂટાં ફરતાં હિંસક પશુઓની વચ્ચે કોસાએ પોતાનું નૃત્ય શરૂ કર્યું. નૃત્ય પૂરું થતાં શિવભક્તે ઇશારો કરીને કોસાને પાસે બોલાવી. તેના પંડયમાં વગર ડાકલે માતા આવી. તે થર થર થર ધૂ્રજવા લાગી. નર્તકીની ભયભીત મુખમુદ્રા શિવભક્તથી છાની ન રહી. તેઓ પોતાના આસન ઉપરથી ઊભા થઇને કોસાની ઢુંકડા આવ્યા. પિતૃભાવથી તેના મસ્તક માથે ડાબો હાથ મૂકીને બોલ્યા ઃ ‘હે નર્તકી ! કોઇક વખત જ કોઇકના ઉપર પ્રસન્ન શાંબ આજે તારા પર પૂર્ણ પ્રસન્ન છે. મા ભવાની તારું રક્ષણ કરે. વખત છે ને ભવિષ્યમાં તારા પર કોઈ અણધારી આફત આવે ને મારી જરૂર પડે તો વિના સંકોચે બેટા, વહી આવજે.’ એ પછી કોસાએ ‘હાશ’ કરીને છુટકારાનો શ્વાસ લીધો. બસ અહીંથી એના ભાગ્યએ કરવટ બદલી.

સ્થૂલભદ્ર અને કોસાની પ્રણયચર્ચા રાજા ધનનંદના રથના અધ્યક્ષ સુકેતુ સુધી પહોંચી. તેનું અંતર ઇર્ષાની આગથી સળગી ઊઠયું. રાજનર્તકીના અભિવાદન પ્રસંગે એણે કોસાની રૂપનીતરતી કામણગારી કાયા જોઈ હતી. તે પૂર્વે સમ્રાટના પ્રતિનિધી તરીકે એણે રાજનર્તકીને રત્નજડિત મુગટ પહેરાવ્યો હતો. ત્યારથી એની લોભી નજરમાં કોસા વસી ગઈ હતી. એને પામવા માટે સામ, દામ, દંડ, ભેદથી બધી યોજનાઓ ઘડવા માંડયો હતો. છેવટે સ્થૂલભદ્રને મારી નાખવાનો મનસૂબો ઘડીને મહાકવિ વરરુચિનો સાથ લીધો. એમાંય એ ફાવ્યો નહીં. આખરે બંનેએ મળીને મહામંત્રી શકટારને પોતાની ઇર્ષા-આગમાં હોમવાનું કાવત્રુ રચ્યું. એમાં તેઓ સફળ રહ્યા. કપટ કરીને શકટારનું ખૂન કરવામાં આવ્યું.

હવે અહીં મગધપતિ ધનનંદ સમક્ષ પ્રશ્ન ઊભો થયો. આ ગૌરવશાળી પદ પર કોની નિયુક્તિ કરવી ? પરંપરા પ્રમાણે તો આ પદનો અધિકારી શકટારનો મોટો પુત્ર સ્થૂલભદ્ર હતો. મહારાજાએ સ્થૂલભદ્રના નાના ભાઈ શ્રીનાયકને બોલાવીને પૂછ્યું ઃ ‘રાજ્યના મંત્રીપદનો અધિકારી તારો મોટો ભાઈ ક્યાં છે ?’
‘મહારાજ ! એ તો કોસાને ઘેર છે. આજ બાર બાર વર્ષનાં વહાણાં વાયાં. સંગીત, નૃત્ય અને રાજનર્તકી કોસાના રંગરાગમાં ડૂબીને બાર વર્ષમાં બાર કરોડ મહોરો ઉડાડી ચૂક્યા છે., મગધરાજે સ્થૂલભદ્રને તેડવા રાજ્યનો રથ રવાના કર્યો. રથમાં બેસીને રાજદરબારમાં આવેલો સ્થૂલભદ્ર પિતાના મૃત્યુથી ઊંડો આઘાત પામ્યો હતો. કલાકાર આત્મા કકળી ઊઠયો હતો. જીવનમાં પહેલીવાર એને સંસારની નશ્વરતાનો ખ્યાલ આવ્યો. એને થયું ઃ ‘ઇશ્વરે માનવ જેવો મૂલ્યવાન અવતાર આપ્યો છે. બાર બાર વર્ષ લગી રૂપસુંદરીની સોડયમાં રહેવાથી મને જીવનમાં શું મળ્યું ? માનવ જીવન માત્ર રંગરાગ કે ઉપભોગ માટે થોડું છે ? મેં જીવનનાં કિંમતી વર્ષો નૃત્યાંગની પાછળ નકામા વેડફી માર્યાં !”

સ્થૂલભદ્રએ મગધ સમ્રાટને વિનમ્રતાપૂર્વક કહ્યું ઃ ‘મહારાજ ! મને રાજ્યનું મંત્રીપદ જોઈતું નથી. સંસાર મને અસારલાગે છે. મેં વૈરાગ્યની વાટે જવાનો નિર્ણય લીધો છે. આપ મારા નાનાભાઈ શ્રી નાયકને મંત્રીપદ સોંપજો. મગધપતિની રાજ્યસભામાં સન્નાટો છવાઈ ગયો. કોસા રડતી હતી. માથાં પછાડતી રહી. પોતાના નિર્ણય પર અડગ રહીને સ્થૂલભદ્ર જૈનધર્મના આચાર્ય સંભૂતિવિજયની પાસે પહોંચી ગયો.

* * *

પાટલીપુત્રની ધરતી પર એવી ને એવી એક રાત્રી રમવા ઊતરી પડી. આજે મહેમાન બનીને આવેલા રથના અધ્યક્ષ સુકેતુ સમક્ષ કોસાએ નૃત્યનું આયોજન કર્યું હતું. આ નૃત્ય માટે અલગ અંદાજ અને રૂપથી સજ્જ થયેલી રંગશાળામાં પોતાના મહેમાન સાથે કોસાએ પ્રવેશ કર્યો. સુકેતુને સુવર્ણજડિત આસન પર બેસાડીને નોકરાણીને ફર્સ પર સરસવનાં ફૂલ પાથરવા માટે કહ્યું. સરસવના ફૂલોના ઢગલામાં તીક્ષ્ણ સોયો ગોઠવવામાં આવી. દરેક સોય ઉપર એક એક કમળનું ફૂલ મૂકાયું. સરસવના ઢગલાની વચમાં આંગળી રહી શકે તેટલી જ જગ્યા રહી હતી.

નૃત્યની તમામ પૂર્વતૈયારી પૂર્ણ થતાં કોસાએ કહ્યું ઃ ‘હે મહાપુરુષ ! આજે હું આ જમીન પર તમારી સમક્ષ ‘સૂચિકા નૃત્ય’ કરીશ. જરા જેટલી ગફલત થાય તો મારા પગમાં ઝેરી સોયો પેસી જાય. પછી મને દુનિયાની કોઈ શક્તિ બચાવી શકશે નહીં. આજે તમને જીવસટોસટનું આ નૃત્ય બતાવવાનું છે. કમળના ફૂલમાં છિદ્ર ન પડે એ રીતે આ નૃત્ય દર્શાવીશ. આ નૃત્ય મગધપતિએ સૌપ્રથમવાર મારી પરીક્ષા લીધી ત્યારે કર્યું હતું. અને બીજી વખત મારા આરાધ્યદેવ સ્થૂલભદ્ર સમક્ષ કર્યું હતું. આજે ત્રીજીવાર તમારી સમક્ષ કરું છું.’

સંગીતકારોએ આજે સાજ ઉપર રાગરાગિણીઓ રેલાવવા માંડી. કોસાના ઘૂંઘરુંએ વાજિંત્રો સાથે તાલ મિલાવવા માંડયાં. શરીરના એકેક અંગને મરોડ આપતી, યૌવનમદથી ઉભરાતી કોસાએ નૃત્ય કરતાં કરતાં નૃત્યભૂમિની સોયોને જાણે એકબાજુ કરી દીધી. પછી નૃત્યમાં ગતિ આવી. સંગીતકારોએ રાગિણીને દોર આપ્યો…..અને….અને મૃદંગની પડી જાણે હમણાં ફાટી જશે, વીણાના તાર જાણે કે તૂટી પડશે. રંગશાળામાં પ્રલય થવાનો હોય એવું વાતાવરણ સર્જાઇ ગયું. જોનારા દર્શકો ભાવવિભોર બનીને અમીટ નજરે નૃત્ય નિહાળતા જ રહ્યા. રાત્રીના ત્રીજા પહોરે નૃત્યનો દોર સમાપ્ત થયો. સરસવના ફૂલના ઢગલા ત્યાંને ત્યાં જ રહી ગયા. કમળફૂલ વણવિંધ્યા રહી ગયાં.

રાજનર્તકી કોસાની નૃત્યસાધના પર મહેમાનો વારી ગયા. સુકેતુ ચિત્રમાં આલેખ્યો હોય એવો સ્થિતપ્રજ્ઞ બની ગયો. એ પોતાની ધનુર્વિદ્યાના ચમત્કારોથી રાજનર્તકી કોસાને આશ્ચર્યચકિત કરી પોતાની કરવા આવ્યો હતો. એ પોતે જ નૃત્ય નિહાળી આશ્ચર્યચકિત થઈ ગયો. કોસાના એકાંકીપણાની શૂન્યતાને પૂર્ણ કરવા આવ્યો હતો, પરંતુ તે શરમીંદો બની ગયો. એને પોતાની વિષયવાસના પર તિરસ્કાર ઉપજ્યો. મહેમાન બનીને આવેલા સુકેતુએ રાજનર્તકીના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું. એના મોંમાંથી એટલા જ શબ્દો બહાર આવ્યા ઃ ‘દેવી, મને માફ કરો. થોડી ક્ષણો પહેલાં હું મારી જાતને મહાન સમજતો હતો. તમારાં અલૌકિક નૃત્યની અનુભૂતિ પછી મને સમજાયું કે વિષયવાસના માનવીને માનવ રહેવા દેતી નથી. સંસાર હવે મને અસાર લાગે છે. દેવી, તમે મને જીવનનો સાચો રાહ બતાવ્યો છે. મને આશીર્વાદ આપો, હું પણ તમારા પ્રિયતમના પંથને અનુસરવા જઈ રહ્યો છું.’

એ સમયે જૈન સાધુ શ્રી સંભૂતિવિજય પોતાના શિષ્યો સાથે ચતુર્માસ સિવાય વર્ષના તમામ સમયગાળા દરમ્યાન પગપાળા ભ્રમણમાં વિતાવતા હતા. તેમને શિષ્યો સાથે ચાર માસ કોઈ ભયંકર સ્થળે રહીને વિતાવવાનો નિયમ હતો. આગામી ચાતુર્માસ નજીક આવતો હતો. તેમના શિષ્યોએ ચાતુર્માસ પસાર કરવા પોતપોતાની ઇચ્છા પ્રગટ કરી.

એકે કહ્યું ઃ ‘હે ગુરૂદેવ ! હું વાઘની ગુફામાં રહીને ચાતુર્માસ પસાર કરીશ.’

બીજો બોલ્યો ઃ’ગુરૂદેવ ! હું કોઈ ઝેરી સાપના રાફડા આગળ શીર્ષાસ્ન કરીને ચાતુર્માસ પસાર કરવા માગું છું.’

ત્રીજા શિષ્યએ કહ્યું ઃ ‘હે આચાર્ય ! હું કૂવાની પાળ ઉપર એક પગે ઊભો રહીને ચાતુર્માસ પસાર કરીશ.’

આચાર્ય સંભૂતિવિજયે પોતાના ત્રણેય શિષ્યોને તેમની ઇચ્છા પ્રમાણે આજ્ઞા આપી. પછી એમણે સ્થૂલભદ્ર તરફ નજર નોંધી.

સ્થૂલભદ્રે કહ્યું ઃ ‘ગુરુદેવ ! માફ કરજો. આગામી ચાતુર્માસ હું મારી પહેલાંની પ્રેમિકા રાજનર્તકી કોસાની રંગશાળામાં, જેની ભીંતો ઉપર કામ પ્રગટાવતી યૌવનમૂર્તિઓ આલેખલી છે, તેમાં હું છ એ રસવાળું ભોજન કરીને પસાર કરવા ઇચ્છું છું. મારે કામ પર વિજય મેળવવો છે. મને આશીર્વાદ આપો.’
આ સાંભળીને આચાર્યના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેમણે ખૂબ જ સ્નેહથી સ્થૂલભદ્રની પીઠ થાબડીને કહ્યું ઃ

‘હે સ્થૂલભદ્ર, મૃત્યુ સામે લડવું સહેલું છે, પરંતુ કામિની, રૂપસુંદરી, પહેલાંની પ્રિયતમાની સાથે રહીને છએ રસોવાળું ભોજન કરને ચાતુર્માસ પસાર કરવાની કદાચ તારા જીવનની સૌથી મોટી અને છેલ્લી કસોટી છે. હું તને કોસાને ત્યાં જવા માટે સહર્ષ રજા આપું છું.’

* * *

ચાતુર્માસના ચાલીસ દિવસ વીતી ગયા. પોતાના પ્રિયતમને ફરીથી મેળવવા માટે કોસાએ જે યુક્તિઓનો સહારો લીધો હતો તેમાં તે હારી ગઈ. કોઈ વખત ‘યાચના’, કોઈ વખત ‘અત્જિસારિકા’, ‘કામકર્તા,’ ‘મધુમિલન,’ ‘પરક્રિયા-પ્રમોદ’, ‘સંગોપાન’ વગેરે નૃત્યો દ્વારા તે પોતાના પ્રિયતમને રીઝવવા રાતોની રાતો કેટલાયે પ્રહર સુધી નૃત્યો કરતી કરતી થાકી જતી. છતાંયે સ્થૂલભદ્ર જરાપણ બેધ્યાન બનતો નહીં. કોસા આથી વધુ વ્યથિત બની ગઈ. રંગશાળામાં દોરેલાં ચિત્રો એક સમયે કામની ભાવના પ્રગટાવતાં એ આજે ભાવવિહોણા બની ગયાં. તેમનામાં કામને પ્રગટાવનારું સત્ય રહું નથી ? આછા પ્રકાશમાં પોતાના મદમસ્તભર્યા યૌવનને છલકાવતી અર્ધનગ્ન દાસીઓની કાયા જોઈને પણ તેમને મારી યાદ નહીં આવતી હોય ? એકએકથી અદકાં નૃત્યો કરીને તે હારી ગઈ. એ કંઈ નવા ઉપાયો યોજવાનો વિચાર કરતી હતી ત્યાં એને અચાનક શંકરભક્ત તાંત્રિક શાંબની યાદ આવી. તેમણે વચન આપ્યું હતું. સંકટ સમયે યાદ કરવાનું. કદાચ તેમની તંત્રવિદ્યા મારી મહેચ્છા પૂર્ણ કરી શકે, શાંખની શક્તિ ઉપર તેને પૂરેપૂરો ભરોસો હતો. એ પછી કોસા શંકરભક્ત શાંબની પાસે પહોંચી. એણે પોતાની વ્યથા વર્ણવી શાંબે કહ્યું ઃ

‘હે પુત્રી ! તું આ ઔષધિ લઈ જા. વીસ દિવસ સુધી તારા પતિને ખવરાવજે. છતાં તે તારા પ્રત્યે વૈરાગ્ય બતાવે તો એકવીસમા દિવસે તું તેની સમક્ષ તારા જીવનમાં કદી ન કર્યું હોય એવું અપૂર્વ નૃત્ય બતાવજે.’

કોસાએ અત્યંત શ્રદ્ધાપૂર્વક તંત્રવાળી ઔષધિનો પ્રયોગ શરૂ કર્યો. દરેક દિવસે અને દરેક પળે તે સ્થૂલભદ્રની આંખોમાં પરિણામ વાંચવા પ્રયત્ન કરતી, પરંતુ સ્થૂલભદ્રની આંખોમાં નિર્વિકાર ભાવ જોઈને નિરાશ થઈ જતી. એ પછી પોતાના અનોખા નૃત્ય દ્વારા સફળતા મેળવવા માટે એકવીસમા દિવસની વાટ જોવા માંડી.

એકવીસમો દિવસ આવી પહોંચ્યો. સ્થૂલભદ્રનો તપોભંગ કરવા માટે અને પોતાના પ્રિયતમને પાછો પ્રાપ્ત કરવા માટે તેણે એની સમક્ષ ‘અનંગ-પ્રભાવ’ નૃત્ય કરવાનું નક્કી કર્યું. રાત્રીનો પ્રથમ પહોર આવ્યો. કોસા ધીરા ધીરા ધીરા ડગલાં માંડતી કામગૃહમાં પ્રવેશી. આજે કામણ કરવા નીકળેલી એ કામણગારી નારીનું અંગ માત્ર રંગ-બેરંગી ફૂલોથી જ ઢંકાયેલું હતું. એના નિઃર્વસ્ત્ર શરીરનું સૌંદર્ય ફૂલોની વચમાંયે નખરી આવ્યું. સ્થૂલભદ્ર નિર્વિકાર ભાવથી સામે બેઠા હતા.
‘અનંગ-પ્રભાવ’ નૃત્ય માટે કાળા પડદા લટકાવેલા હતા. સંગીતકારોને આ નૃત્ય જોવાની બંધી હોવાથી પડદાની પાછળ બેઠા હતા. કોસાના પગના ઘૂંઘરુંના તાલે સાજ રણકી ઊઠયાં, કામોત્તેજક સંગીત સાથે નૃત્ય શરૂ થયું. થોડી જ પળોમાં કામગૃહની ચારેય દીવાલોમાં અનંગનો પ્રભાવ પડવા માંડયો. કોસાના માંસલ શરીરના અવયવો ધુ્રજવા લાગ્યાં. નૃત્યની ગતિ વધવા માંડી. રાત્રીનો બીજો પ્રહર શરૂ થયો. નર્તકીના પુષ્પ અલંકારોમાંથી ફૂલડાં ખરવા લાગ્યાં. એના પગ શિથિલ થવા માંડયા. શ્વાસની ગતિ વધવા લાગી. એની આંખે અંધારા આવવા માંડયા. બસ, એ જ ક્ષણે કોસા સ્થૂલભદ્રના ચરણોમાં પડી ગઈ, અને બે હાથ જોડીને બોલી ઃ ”આર્ય, મને માફ કરો. હું હારી, તમે જીત્યાં.” એટલું બોલતાં જ ધુ્રસકે ધુ્રસકે રડતી કોસા ધરતી પર બેભાન થઈને ઢળી પડી .
ચાતુર્માસ પૂરાં થયા. સ્થૂલભદ્રે વિદાય લીધી, ત્યારે પણ કોસાના અંતરમાં ઊંડેઊંડે પણ આશા પંખી ઝૂલતું હતું. એને હતું કે હજુ પણ તે પોતાના પ્રિયતમને પ્રાપ્ત કરી શકશે, આ આશાને સહારે તે જીવી રહી હતી.

* * *

એવું ને એવું બીજું વર્ષ આવ્યું, ચોમાસાના ચાતુર્માસ શરૂ થયા. એવામાં એક દિવસ એક અપરિચિત તરુણ તપસ્વીને પોતાને દ્વારે આવીને ઊભેલા જોઈને કોસા આશ્ચર્યચકિત થઈ ગઈ. તપસ્વીએ વિનમ્રતાપૂર્વક કહ્યું ઃ ‘હે કલ્યાણી ! હું તમારા કામગૃહમાં ચાતુર્માસ પસાર કરવાની ઉમ્મિદ સાથે આવ્યો છું. આપ મને રજા આપો તો મારા અહોભાગ્ય સમજીશ. મારે મારા તપને ઉજાગર કરવું છે.’

કોસાએ તે તરુણ તપસ્વીનો પરિચય પૂછ્યો એટલે ઉત્તરમાં એણે એટલું જ કહ્યું કે હું આચાર્ય સંભૂતિવિજયનો શિષ્ય અને સ્થૂલભદ્રનો સહાધ્યાયી છું. ગયો ચતુર્માસ મેં વાઘની ગુફામાં પસાર કર્યો હતો, પરંતુ આચાર્યે મારી તપશ્ચર્યાની કોઈ કિંમત કરી નહીં. તેમણે તો સ્થૂલભદ્રના ચાતુર્માસને જ મહત્ત્વ આપ્યું. આથી હું એ જોવા આવ્યો છું કે વાઘની ગુફામાં રહીને ચાતુર્માસ પસાર કરવા કઠિન છે કે એક રાજનર્તકીના કામગૃહમાં રહીને !’

વિદ્વાન અને ચતુર કોસા પરિસ્થિતિનો પાર પામી ગઈ. તરુણ તપસ્વીને તેના કામ ગૃહમાં મોકલવામાં આવ્યો. પૂજાપાઠની આવશ્યક સામગ્રી પણ એને આપવામાં આવી. તે દરરોજ પેલા તપસ્વીની પાસે જઈને જરૂરિયાત અંગે પૂછતી અને પોતાના નયનકટાક્ષ વડે તેના હૃદયને વીંધીને શયનગૃહમાં પાછી ફરતી. થોડા જ દિવસોમાં કામદેવ પ્રગટ થયા. કોસાનું રૂપલાવણ્ય અને કંચનવરણી કામણગારી કાયા માથે તરુણ તપસ્વી ઓળઘોળ થઈ ગયો. એના અંગમાં અનંગ (કામદેવ) પ્રગટયો. કોસાની અનુભવી નજર આ વાતને પામી ગઈ. બ્રહ્મચર્યનો તપસ્વી એક નારીના દેહનો ઉપભોગ કરવા માટે પતનની ઊંડી ખીણમાં પડે તે તેને મંજૂર ન હતું. તેણે તરુણ અને બિનઅનુભવી તપસ્વીને ધર્મ અને નીતિથી હરાવવાનો સંકલ્પ કર્યો.

દિવસો વીતવા લાગ્યા. તપસી રાજનર્તકી પર બ્રહ્મચારી પડયા લપસી. તરુણની દિવસે દિવસે વધતી આસક્તિને જોઈને કોસાએ એક દિવસ ધન માગ્યું. તપસ્વીએ ધન આપવાની પોતાની અસમર્થતા બતાવી. ચતુર કોસાએ બીજો દાવ નાખ્યો ને કહ્યું ઃ

‘હે તપસ્વી ! તમે મને ધન ન આપી શકો, તો કંઈ નહીં. પણ તમે મારી બીજી એક માંગણી પૂરી કરી શકો એમ છો. આ રાજનર્તકીને રાજી કરીને એનું મન જીતવું હોય તો તમે નેપાળ જાઓ. ત્યાંના મહારાજા રોજ સવારે રત્નકંબલ (રત્નજડિત કાંબળા-ધાબળા)નું દાન દે છે એ મને લાવી આપો.’

આ માંગણી તો બહુ સહેલી છે, એમ વિચારીને યુવાન તપસ્વી રત્નકંબલ મેળવવા માટે વહેલી સવારે ચાલી નીકળ્યો. દિવસો, અઠવાડિયા અને મહિનાઓ સુધી તે ચાલતો રહ્યો. ભૂખથી ખખડી ગયેલા શરીરે કોસાને પામવાની ઇચ્છાથી નદી, નાળાં ને પહાડો પસાર કરતો કરતો એક દિવસ નેપાળ જઈ પહોંચ્યો. સવારના ભિક્ષુકોની લાઈનમાં ઊભો રહીને રત્નકંબલ લઈને તે પાટલીપુત્ર પાછો ફર્યો. એને મનમાં હતું કે હવે તો કોસા મારી સમક્ષ આત્મસર્પણ કરી જ દેશે.

* * *

એક દિવસની વાત છે. રાજનર્તકી કોસાએ તપસ્વી દ્વારા લાવવામાં આવેલ રત્નકંબલથી પોતાનું અંગ લૂછીને પછી તેના પર પગ લૂછ્યા. પોતે અપાર કષ્ટ વેઠીને લાવેલા મૂલ્યવાન રત્નકંબલનો આવો ઉપયોગ ? તે બોલી ઊઠયો ઃ ‘દેવી, અમૂલ્ય રત્નકંબલનો આવો દુરુઉપયોગ ?’

કોસા ગંભીર બનીને બોલી – ‘અરે મૂર્ખ તપસ્વી ! ઇશ્વરે મોંઘો મનખાદેહ આપ્યો છે. તપશ્ચર્યાને તડકે મૂકી વાસના પાછળ મૂલ્યવાન માનવદેહને આમ વેડફી મારવાનો ? તપસ્વી ! તમે આચાર્યનું બધું શિક્ષણ વેડફી માર્યું. તપસી બનવા નીકએલા તમે એક નારીદેહ માટે આટલી બધી મર્યાદા વટાવીને મહા અપરાધ કર્યો છે. તમારા વાસનામય પાપકર્મની હું ભાગીદાર થઈ શકું નહીં. અહીંથી વહેલી તકે વિદાય થઈ જાવ. જતાં જતાં એટલું યાદ રાખજો કે તપશ્ચર્યા માટે વાઘની ગુફાથી વધુ ભયંકર નર્તકીનું કામગૃહ છે.’

તપસ્વી શરમિંદો થઈ ચાતુર્માસ કર્યા વગર જ આચાર્ય સંભૂતિવિજય પાસે ચાલ્યો ગયો. કોસાને ઊંડેઊંડે પણ આશા હતી કે સ્થૂલ ભદ્ર આ ચાતુર્માસ વખતે અવશ્ય આવશે. પોતાના પ્રિયતમની પ્રતીક્ષામાં તે દિવસો પસાર કરવા લાગી, અને એક દિવસ એ પ્રતીક્ષાને પડતી મૂકી સ્થૂલભદ્રના માર્ગે ચાલી નીકળી. તે હવે પાટલીપુત્રની કામણગારી રાજનર્તકી રહી ન હતી. તે કેશમુંડિતા સફેદ વસ્ત્રધારિણી સંન્યાસિની, સાધિકા ભિક્ષુણી બની ગઈ હતી. જૈન સાહિત્યમાં પ્રણય, ત્યાગ અને વૈરાગ્યની આવી અનેક કથાઓ ધબકતી પડી છે.

ચિત્ર ઃ રામુ,
(સૌજન્ય ઃ પ્રમોદ કુમાર શર્મા)
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!