ગુજરાતનો રબારી સમાજ

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મલક માથે પશુપાલનનો વ્યવસાય કરતી ભ્રમણશીલ માલધારી કોમોમાં ભરવાડો ૯૫ પરગણામાં અને રબારીઓ ૪૦ જેટલા પંથકોમાં પથરાયેલાં છે. ઘેટાં- બકરાં રાખે તે ભરવાડ અને ગાય, ભેસ, ઉંટ ઇત્યાદિ પાળે તે રબારી. આજે એવું રહ્યું નથી ભરવાડ ઘેટાં- બકરાં સાથે ગાયો, ભેંસો જેવો મોટો માલ રાખતા થયા છે. ગોપ પ્રજાનો પેટગુજારો માલ-ઢોર હોવાથી તેના રહેઠાણો, ખડ-પાણીવાળા બીડોની આસપાસ જ રહ્યા છે. તેઓએ વાડા, નેસડા, ભૂંગા અને કૂબાઓમાં રહી પ્રાકૃતિક સંસ્કાર ઝીલીને ગોપ સંસ્કૃતિને વિકસાવી છે.

આપણે અહીં વાત કરીએ પડછંદ કાયા, ભરાવદાર અને પ્રભાવશાળી મુખ, ઘઉં વર્ણો વાન, ભરાવદાર મૂછોના થોભિયા. હાથમાં ડાંગ, પગમાં દેશી પગરખા હાલે તો ધરતી ધણધણે, હાકોટો નાખે તો ઉડતા પંખી ખરી પડે, કડિયાળી ડાંગના ઘાએ ચડે તો કોઈ જીવતો જાવા ન પામે. ભલભલાને ભૂભેગા કરી દે એવી ખમીરવંતી રબારી કોમની.

રબારી સમાજનો કોઈ લેખિત ઇતિહાસ કે આધાર મળતો નથી. અવારનવાર દંતકથાઓ, કિંવદંતીઓ, લોકકથાઓ અને બારોટના ચોપડા આધારે આ કોમનો પરિચય આપવાનો પ્રયત્ન છૂટોછવાયો થયો છે. રાજરત્ન ગોસ્વામી ‘રબારીઓના ઉદ્ગમ’ અંગેના એક લેખમાં જણાવે છે કે વર્તમાન સમયમાં રખડતી રઝળતી મોટા ભાગની જાતિયો સ્થિર થતી જાય છે પરંતુ મારવાડ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વસવાટ કરતી રબારી કોમ આજે પણ પોતાનો પરંપરાગત પશુપાલનનો વ્યવસાય જાળવી રાખી ક્યાંક સ્થાયી થયા છે. બાકી યાયાવર- જીવન જીવે છે. થોડાક સમયથી રબારી સમાજના અભ્યાસ પ્રતિ સંશોધકો અને નૃવંશશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચાયું છે. એમાં પણ સૌથી ગૂંચવતો પ્રશ્ન એ રહ્યો છે કે આ રબારીઓનું મૂળ શું ? ઉનના કાળા કપડામાં ચોટલાથી પગના ટેરવા સુધી જાતજાતના દાગીના પહેરેલ રબારી સ્ત્રીઓ જોનારને પણ આકર્ષિત કરે છે અને મૂછાળા રબારી પુરુષો એમાં ઉમેરો કરે છે. આ કાળા પહેરવેશે એમના વિશેની માન્યતાઓમાં ઘણું કુતૂહલ જન્માવ્યું છે. ભૂતકાળમાં આ અંગે થોડોક પ્રયત્ન થયો છે. કર્નલ ટોડ, જેમ્સ કેમ્પબેલ, કર્નલ વોકર, કર્નલ જે ડબલ્યુ વોટસન, કેપ્ટન જ્યોર્જ, હેલબુશ, વેસ્ટફાલ જેવા વિદેશી વિદ્વાનો ઉપરાંત ભારત અને ગુજરાતના શ્રી આર. જી. ભાંડારકર, રત્નમણિરાવ જોટે, અમૃત પંડયા, કંચનપ્રસાદ છાયા, શંભુપ્રસાદ દેસાઈ, રાજરત્ન ગોસ્વામી, મણિલાલ ગાલા ઉપરાંત જ. મ. મલકાણ અને સી. ડી. પરીખે રબારીઓના કૂળ અને મૂળ ઉપર પ્રકાશ પાથરવા ઠીક ઠીક પ્રયત્ન કર્યો છે તેની નોંધ લીધા વિના ચાલે એમ નથી.

રબારી શબ્દ મૂળ ‘રેવડ’ શબ્દમાંથી ઉતરી આવ્યો છે. રેવડ એટલે ગાયો, ભેંસો, ઊંટ, ઘેટા બકરાનું ટોળું. આ ટોળાને સાચવનાર ‘રેવાડી’ તરીકે ઓળખાતો એનું અપભ્રંશ થતા ‘રબારી’ શબ્દ આવ્યો. આજે હરિયાણામાં ‘રેવારી’ (રેવાડી) જિલ્લો છે ત્યાંથી સ્થળાંતર કરીને આવ્યા એ રેવારી કાળાંતરે રબારી તરીકે ઓળખાયા. એમ કહેવાય છે કે રબારીઓ ભગવાન શ્રી કૃષ્ણ સાથે દ્વારિકા આવ્યા. કુશસ્થળીના નાશ પછી શ્રી કૃષ્ણે દ્વારિકા વસાવ્યું. આ સમયે ‘રૈવતક’ નામનો પર્વત હતો ત્યાંના વસવાટ ઉપરથી તેઓ રૈવત અને કાળાંતરે એમાંથી રબારી તરીકે ઓળખાયા છે.

બીજી એક પ્રચલિત કિંવદંતી રબારીઓની ઉત્પત્તિને મહાદેવજી સાથે જોડે છે. મહાદેવજી પાસે પોઠિયો અને પાંચ પગવાળો ઊંટ હતો (આજે ઊંટની છાતી પર પાંચમા પગનું નિશાન જોઈ શકાય છે.) આ ઊંટ ચરવા જાય ત્યારે પાર્વતીજીનો બગીચો મેદાન વાળી દેતો. પાર્વતીની ફરિયાદ સાંભળીને શંકર ભગવાને એમને નહાતી વખતે શરીરના મેલમાંથી એક પૂતળુ બનાવવા કહ્યું. બીજે દિવસે પાર્વતીજીએ અંગનો મેલ ઉતારીને એક પૂતળું બનાવ્યું. મહાદેવજીએ સમડાના વૃક્ષ નીચે ઉભા રહી પૂતળાને સજીવન કર્યું. એમાંથી જે માણસ ઉત્પન્ન થયો તે સાંબડ કહેવાયો. સાંબડને પાર્વતીના ઊંટને ચરાવવાનું અને સાચવવાનું કામ સોંપ્યું. સાંબડનું આદિ નિવાસસ્થાન કૈલાસ ગણાય છે. રબારીઓ આજે પણ સમડાના વૃક્ષને પવિત્ર માને છે.

વહીવંચાઓના ચોપડાની વાત આગળ ચાલે છે. સમય પસાર થતા એકલા એકલા એકલવાયા ઊંટ ચરાવીને કંટાળેલા સાંબડે મા પાર્વતીજી સમક્ષ પોતાના લગ્ન કરાવી આપવા વિનંતી કરી. પાર્વતીજીએ એનો પ્રસ્તાવ સ્વીકારતા કહ્યું ઃ ‘સાંબડ ! આવતી કાલે તું નદીએ આવજે. ત્યાં સ્વર્ગલોકની અપ્સરાઓ સવારે કિલ્લોલ કરતી, હસતી- રમતી સ્નાન કરવા આવે છે એ સ્નાન કરતી વખતે કપડા કાઢીને નદીના કાંઠે મૂકે છે ઈ વખતે તને ગમતી હોય ઈ અપ્સરાના વસ્ત્રો ઉપાડીને વહ્યો જાજે.’

માતા પાર્વતીની સૂચના મુજબ બીજે દિવસે સાંબડ નદી કિનારે સંતાઈ ગયો. ઇન્દ્રલોકમાંથી અપ્સરાઓનું ટોળું નદી કિનારે ઉતરી આવ્યું. કિનારે કપડા મૂકી નદીમાં સ્નાન કરવા ઊતર્યું એમાંથી એક અપ્સરાના વસ્ત્રો લઈને સાંબડ પાર્વતીજીના ભવનમાં જઈને સંતાઈ ગયો. સ્નાન બાદ ‘રાઈ’ નામની અપ્સરાના કપડા ન મળતા તપાસ આદરી. એ વખતે અપ્સરા સખીઓએ પોતાના વસ્ત્રોમાંથી એક એક કટકો કાપી આપી ‘રાઈ’ માટે વસ્ત્ર બનાવી આપ્યું. કિંવદંતી કહે છે કે ત્યારથી લઈને આજ સુધી ઉત્તર ગુજરાતની રબારણ બહેનો કાળા નવા સાડલાને કોર-પાલવ કરીને પહેરે છે.

એ પછી બધી અપ્સરાઓ પાર્વતીજીના ભવને પહોંચી અને રાવ કરી ત્યારે પાર્વતીજીએ કહ્યું ઃ ”સાંબડ જે માંગે તે આપો તો એ તમારા વસ્ત્રો પાછા આપી દેશે.” અપ્સરાઓ સંમત થઈ એટલે સાંબડે ‘રાઈ’ નામની અપ્સરા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. વચને બંધાયેલી અપ્સરાઓએ વાતને સ્વીકારી સાંબડનું ‘રાઈ’ સાથે લગ્ન કરાવ્યું. સાંબલ અને રાઈના પુત્રો માતાના નામે રાયકા કહેવાયા. શિવજીએ ઉત્પન્ન કરેલા રબારીના આદ્યપુરુષ સાંબડની શાખ આજપર્યંત અતિ પવિત્ર ગણાય છે.

બીજી દંતકથા અનુસાર ભગવાન શિવજીએ સાંબડ કે સાંબલના લગ્ન રાયકા, કુણન અને રેણુકા નામની અપ્સરાઓ સાથે કરાવ્યા. સમય જતા સાંબડને ચાર પુત્રીઓ અને એક પુત્ર થયો. એ વખતે શિવે કહ્યું ઃ ‘સાંબડ તારું કુટુબ વસ્તારી થઈ ગયું છે એટલે હવે તું સ્વર્ગ છોડીને બહાર જઈને રહે તો વાંધો નથી.’ કહેવાય છે કે ત્યારથી સાંબડ ‘રાહબારી’ એટલે કે બહાર રહેનાર તરીકે ઓળખાયો. સાંબડ સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યો સાંબડને ચાર પુત્રીઓ હતી નામલ, કામલ, પ્રેમલ અને ઉમા. ચારેય કન્યાઓ ઉંમરલાયક થતા સાંબડે એમને રાઠોડ, પરમાર, પઢિયાર અને જાદવ કૂળના રાજપૂતો સાથે પરણાવી. એમાંથી રબારીનો વંશવેલો આગળ ચાલ્યો. આ રાજપૂત યુવાનોએ પણ ઊંટ ચરાવવાનો વ્યવસાય સ્વીકાર્યો. તેઓ રાજપૂત કન્યાઓને પરણવાને બદલે અપ્સરાઓને વર્યા એટલે રાહબારી- રબારી તરીકે ઓળખાયા (આજે ય રબારીઓમાં પરમાર, રાઠોડ, પઢિયારિ, સોલંકી, ચૌહાણ, ગોહિલ, મકવાણા, ચાવડા, જાદવ, કાછેલા જેવી રાજપૂત અટકો જોવા મળે છે.) આમ, રાજપૂતો રાજપૂત મટીને રબારી થયા એવી દંતકથામાં સત્ય હોય કે ન હોય પણ ઇતિહાસવિદો માને છે કે રબારીઓ મધ્ય એશિયાના બર્બર જાતિના લોકો છે. યવનોએ જેમને વરવર કે યુબેરિજ તરીકે ઓળખાવ્યા છે તે જ આ રબારીઓ છે એમ રાજરત્ન ગૌસ્વામી નોંધે છે. બીજા એક મંતવ્ય અનુસાર રબારીઓ મૂળે બલુચિસ્તાનમાંથી આવ્યા. તેમની મૂળ માતા હિંગળાજનું સ્થાનક ત્યાં છે. બલુચિસ્તાનમાંથી પંજાબ, સિંધ, મારવાડ આવ્યા અને ગુજરાત- સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પ્રવેશ્યા સૌરાષ્ટ્રમાં વસવાટ કર્યા પછી રબારીઓ ગીર, નાધેર, બરડો, બારાડી, કચ્છ, ઓખા અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વસી ગયા.

આપણા સમાજમાં મોટા ભાગની જ્ઞાતિઓમાં પોતાની કૂળના વહીવંચા બારોટો હોય છે. રબારીઓના પણ વહીવંચાઓ છે. તેઓ બારોટોને ‘પીર’ તરીકે માનપાન આપે છે. લગ્ન આદિ શુભ પ્રસંગોએ તેમને આમંત્રણ અપાય છે ‘દાપુ’ આપીને કુટુંબના છોકરા- વહુના નામ તેમના ચોપડે લખાવાય છે. આજે ય બારોટોના ચોપડા કાના- માતર વગરના બોડી લિપિમાં લખાય છે. રબારીઓના બારોટોના ચોપડા નવમી સદીથી શરુ થયેલા છે તે પહેલાની વિગત મળતી નથી. બીજી તરફ પશુપાલક ગુર્જરોનું અઢાર હજાર કુટુંબોનું ભિન્નમાળમાંથી જે સ્થળાંતર થયું તે નવમી સદીના ઉત્તરાર્ધમાં થયું જ્યારે અત્રે પણ બારોટની ઉપલબ્ધિ નવમી સદીના ઉત્તરાર્ધ પછીની છે આમ સ્થળાંતર થઈને બારોટના ચોપડાનો સમયગાળો એક જ છે. ત્રીજી સદીમાં સૌરાષ્ટ્રમાં સોરઠિયા રબારી આવ્યા તે પછી નવમી સદીમાં આવ્યા હોવાનું અલગ સમર્થન સાંપડે છે એમ જ. મ. મલકાણ નોંધે છે.

રબારીઓ પોતાને ‘વિસોતર’ કહેવરાવવામાં ગૌરવ સમજે છે. વહીવંચા પરંપરા અનુસાર વિસોતર એટલે ૨૦ + ૧૦૦ + ૧૩ મળીને રબારીઓની ૧૩૩ અટકો છે. એમાં ૨૦ રાજપૂત અટકોનો પણ સમાવેશ થાય છે. આ રહી રબારીઓની અધધ અટકો.

૧. અજાણા, ૨. આગ, ૩. આલ, ૪. આમલા, ૫. ઇલવા, ૬. ઇહોર, ૭. ઉલવા, ૮. ઉનાઈ, ૯. ઉમોટ, ૧૦. કરમટા, ૧૧ કટારિયા, ૧૨ કળોતરા, ૧૩ કાછેલા, ૧૪ કાછોળ, ૧૫ કાલોર, ૧૬ કૈડ, ૧૭ કોડ, ૧૮ કોલા, ૧૯ કોડિયાતર, ૨૦ ખટાણા, ૨૧ ખડેર- ખઢોર, ૨૨ ખારવણિયા, ૨૩ ખારોડ, ૨૪ ખેર, ૨૫ ખાંભલ્યા, ૨૬ ગરચર- ગરસોળ, ૨૭ ગુરગટિયા, ૨૮ ગુર્જર, ૨૯ ગોહિલ, ૩૦ ચેલણા, ૩૭ ચોપડા, ૩૮ ચોરા, ૩૯ ચૌહાણ, ૪૦. જાદવ, ૪૧ જામળા, ૪૨ જીડ, ૪૩ જીયોર, ૪૪ જોટાણા, ૪૫ ઝોર ૪૬ ટમાલિયા, ૪૭ ડાભી, ૪૮ ડિયા, ૪૯ ડોડિયા, ૫૦ દેવ, ૫૧ દેસાઈ, ૫૨ ધગલ, ૫૩ ધામા, ૫૪ ધારભૂટિયા, ૫૫ ધેંધવા, ૫૬ નાવર, ૫૭ નોરી, ૫૮ નાગોહ, ૫૯ પરમટા, ૬૦ પરમાર, ૬૧ પસવાળા, ૬૨, પઢિયાર- પઢાર ૬૩ પડંત, ૬૪ પાટવાળ, ૬૫ પાનકુટા, ૬૬ પુંછલ્યા, ૬૭ બઢ, ૬૮ બલ્યા, ૬૯ બાર, ૭૦ બારડ, ૭૧ બારેચ, ૭૨ બુચોત, ૭૩ ભરુ, ૭૪ ભોખર, ૭૫ ભાડકા, ૭૬ ભાડચ્યા, ૭૭ ભારાઈ, ૭૮ ભીંટ, ૭૯ ભુખા, ૮૦ ભુસલા, ૮૧ ભુંગોર, ૮૨ ભુંભળિયા, ૮૩ ભુંન્દે, ૮૪ ભેદરા, ૮૫ ભેમાળા, ૮૬ ભોકુ, ૮૭, ભાંગલા, ૮૮ ભાંગરા, ૮૯ મુછાળ, ૯૦ મયરા, ૯૧ મરકડા, ૯૨ મરુચા, ૯૩ મળસુંદા, ૯૪ મારું, ૯૫ મુછાળ, ૯૬ મોટણ, ૯૭ મોયડાવ, ૯૮ મોરી, ૯૯ માંગરા, ૧૦૦ રાડા, ૧૦૧ રાઠોડ, ૧૦૨ રોજીયા, ૧૦૩ રોઝ, ૧૦૪ લળતુકા, ૧૦૫ લલુતરા, ૧૦૬ લુણી, ૧૦૭ લોઢા, ૧૦૮ લંધર, ૧૦૯ વચ્છર, ૧૧૦ વસા, ૧૧૧ વઈ, ૧૧૨ વાઘડા, ૧૧૩ વાતમા, ૧૧૪ વાવા, ૧૧૫ વાઘેલ, ૧૧૬ વાઢેર, ૧૧૭ વેરાણા, ૧૧૮ સેવાર, ૧૨૪ સવધરિયા, ૧૨૫ સાવધોર, ૧૨૬ સાગવાડિયા, ૧૨૭ સિંઘલ, ૧૨૮ સોલંકી, ૧૨૯ સાંબોળ- સાંબડ, ૧૩૦ હરણ, ૧૩૧ હલુકા, ૧૩૨ હુણ, ૧૩૩ હુચોલ.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વસતા પાટણવાડિયા રબારી દેહી કે દેસાઈ તરીકે ઓળખાય છે. તેમાં ૧૨૦ શાખ છે. તેમાં લુણી, કટારા, શૈખોન, ચરમટા, ચારલિયા ઇત્યાદિ શાખો જોવા મળે છે. રબારીઓ બાહ્ય ઉપયોગમાં કે સરકારી દફતરે મોટા ભાગે દેસાઈ શાખ લખાવે છે. મૂળ શાખ તો તેઓ તેમના આંતરિક વ્યવહાર, ઓળખ અને માતાજીની જાતર પ્રસંગે એકબીજાને ભેગા કરવા સમયે જોવાય છે. જ્યારે સોરઠિયા રબારી મહદઅંશે પોતાની મૂળ શાખ જ લખાવે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

–  કચ્છના માલધારી રબારીઓનો ઇતિહાસ

error: Content is protected !!