કચ્છના માલધારી રબારીઓ અને એમની કલા-સંસ્કૃતિ

જૂના જમાનાથી અનેક યાયાવર જાતિઓનું સંગમસ્થાન બની ભાતીગળ લોકસંસ્કૃતિ અને કળા-કારીગરીનો ફૂલબગીચો ખીલવનાર કાચબા આકારના કામણગારા કચ્છપ્રદેશ માટે એક લોકોક્તિ બહુ જાણીતી છે.

”શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
વર્ષામાં વાગડ ભલો, કચ્છડો બારેમાસ.”

ભૂસ્તરશાસ્ત્રીઓ હિમાલયથી પણ પહેલા કચ્છપ્રદેશની ઉત્પત્તિ થઇ હોવાનું માને છે. કચ્છ પ્રદેશ ડુંગર, દરિયો અને રણનું પ્રાકૃતિક સૌદર્ય ધરાવતો સમૃધ્ધ પંથક છે. એક તરફ સાગરકાંઠો છે તો બીજી તરફ કુદરતનો બેમિસાલ કરિશ્મા ધરાવતું કચ્છનું અફાટ રણ છે. આ રણ રેતીની ઢુવાનું નહીં પણ ઉજ્જડ ખારોપાટ છે. દરિયાએ કચ્છી-માડુને વિશાળ દિલદિલેરી અને સાહસવૃત્તિ બક્ષ્યા છે, તો રણે એને ક્રૂર વાસ્તવિકતાઓ અને વિષમતાઓ વચ્ચે જીવન ટકાવી રાખવાનું શિખવ્યું છે.

જી હા. આપણે અહીં વાત કરીએ આઝાદીના સાડા છ દાયકા પછીયે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભટકતું જીવન જીવનારા, કાળજાના કટકા જેવા પાળેલાં પશુડાંને પોષવા ઉઘાડા પગે આથડતા, પથ્થરોને ઠોકરે મારતા, ગાંડાબાવળની ભાલા જેવી શૂળોને પગથી ભાંગી નાખતા, ઉનાળાનો આકરો તાપ અને શિયાળામાં વાગડની ટાઢ સહન કરી, આભનું ઓઢણું અને ધરતીનું બિસ્તર બનાવીને આળોટનારા દિલાવર દિલના ખમીરવંતા કચ્છી માલધારી રબારીઓના રીતરિવાજ, ખાનપાન અને ખુમારીની.

એમ કહેવાય છે કે ભટકતું જીવન જીવનારા રબારીઓ ૧૦મી સદીમાં કચ્છમાં આવીને ઠરીઠામ થયા છે. રબારી અંગે સંશોધન કરનાર રાજરત્ન ગૌસ્વામી નોંધે છે કે મંગોલિયામાં વસતા હૂણોની વસ્તીમાં સતત થતા રહેલા વધારાને કારણે તેઓ મોટા સમૂહમાં એકત્ર થઇને આજુબાજુના પ્રદેશો પર આક્રમણ કરતા. સ્થાનિક પ્રજાને ત્યાંથી હિજરત કરવી પડી. તેથી કુશાણો, પહલવો, શકો વગેરે ભારત તરફ આવ્યા. રબારી, ભરવાડ વગેરે જાતિયોને પણ આવા જ કારણોસર પોતાના વસવાટના મૂળ સ્થળને છોડીને ઈસુની પહેલી બીજી શતાબ્દી દરમ્યાન બર્બર જાતિ જે રબારી ગણાયા છે. તે ભારતમાં બલુચીસ્તાન તરફ આવી પહોંચ્યા. ત્યાંથી સિંધ અને મારવાડ પહોંચેલા રબારીઓની કેટલીક શાકાઓ સિંધના રસ્તે કચ્છમાં આવી અને અહીં ઠરીઠામ થઇ, કચ્છમાં રબારીઓના જાજરમાન અસ્તિત્વનો ઉલ્લેખ લાખા ફૂલાણીનાં માતા જે વાગડના રબારી હતા તેનાં પરથી મળે છે. આ ગાળો ઈસુની ૧૦મી સદીનો એટલે ત્યાં સુધીમાં રબારીઓ કચ્છમાં ઠરીઠામ થયા હશે એલવું અનુમાન કરી શકાય.

રબારીઓ માટેની બીજી એક માન્યતા એવી છે કે રબારીઓ કચ્છમાં આવ્યા તે પહેલા તેઓ મારવાડમાં વસતા હતા. કહેવાય છે કે અલ્લાઉદ્દીને રાજપૂતાના પર ચડાઇ કરી ત્યારે ઝાલરા પાટણની એક રબારી કન્યાના અપ્રતીમ સૌંદર્યની વાત તેના કાને પડી. અલ્લાઉદ્દીને કન્યા માટે માગું મોકલ્યું. રબારીઓને આ વાત મંજૂર નહોતી, તેથી તેઓ ભાગીને સિંધના નગરસમૈના સુમરા રાજાના આશરે આવ્યા. અલાઉદ્દીને ત્યાં ચડાઇ કરી. સુમરાઓના આધિપત્યનો નાશ કર્યો. ત્યાંથી રબારીઓ કચ્છમાં સમાઓના આશરે આવ્યા, પણ આશ્રયદાતા સુમરાઓને ભૂલ્યા નહોતા. તેમની યાદમાં રબારણો હાથીદાંતના ચૂડલાને રંગાવતી નથી. સફેદ જ રાખે છે એમ સંજય ઠાકર નોંધે છે.

ઈતિહાસના પાનાં પર નજર કરીએ તો જણાય છે કે વિ.સં. ૧૬૦૫ના માગશર સુદ-૬ના રોજ કચ્છની રાજધાની તરીકે ભૂજનું તોરણ બંધાયું ને ભૂજમાં વસવાટ શરૂ થયો ત્યારે માત્ર હમીરાઇ નામે એક નાનકુડી એવી તળાવડી હતી. આ તળાવડીના તીરે હમીર નામના રબારીની વાંઢ અને સાંઈ ઝિંદાનો એક કુબો હતો. રબારી જાતિની પ્રાચીનતા આ પ્રસંગથી પુરવાર થાય છે. ભૂજની એ હમીરાઇના સ્થળે વિસકેલું હમીરસર તળાવ જોઇ શકાય છે. હમીરસરને કાંઠે આજનો ઝીંદાઆરો આ ઘટનાનું સ્મરણ કરાવે છે.

આ હકીકતોને આધારે એવા તારણ પર આવી શકાય કે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં વસતા રબારીઓ પશુપાલનના તેના ધંધાને કારણે કચ્છ જે મૂળે માલઢોર માટે ચરિયાણનો પ્રદેશ હોવાથી અહીં આવ્યા. રબારીઓની વિશિષ્ટતા વર્ણવતા રાજરત્ન ગોસ્વામી લખે છે કે માતા મામણના વાહન ઊંટને આશરે દરતીના બેય છેડા વચ્ચેના દેશદેશના સિમાડાઓમાં પોતાના ‘માલ’ સાથે નીકળીને વિચરતા રહેતા આ રબારીઓ પ્રકૃતિના આશરે પોતાની જાતને સમર્પી દેનારા, સુદ્રઢ બાંધાના, ઊંચા પડછંદ એવા આ રબારીઓ તેના ઈંડાકાર ચહેરા પરની તીક્ષ્ણ, પાતળી અને મોટી આંખો, સફેદ પાઘડી કાથી અજરખનો મોટો રૂમાલ, લાંબી બાંયનો સફેદ આભો ને ચારસા જેવી ચોરણી, ખભે ઉપવસ્ત્રમાં અજરખનો રૂમાલ, કાનમાં સોનાના કુણક ને હાથમાં મોટી કડિયાળી ડાંગ લઇને લાંબી લાંબી ડાંફુ દેતો રબારી તરત જ ઓળખાઇ આવે.

કચ્છમાં જુદે જુદે સ્થળે વસવાટ કરવાથી પ્રાદેશિક સ્થળ વાગડમાં રહ્યા તે વાગડિયા, અંજારમાં રહ્યા તે ઢેબરિયા, ભૂજ, મુદ્રા ને નખત્રાણામાં રહ્યા તે દેશી, કાચ્છી કે કાછેલા તરીકે ત્રણ પેટા પ્રકારોથી ઓળખાય છે. કચ્છના પૂર્વ ભાગમાં વસતા ‘વાગડિયા’ અને ‘ઢેબરિયા’ રબારી અંજાર તાલુકામાં જોવા મળે છે. આ ત્રણ જાતિયોમાં ઢેબરિયા રબારીની સંખ્યા વધુ પ્રમાણમાં છે. તેમનું મુક્ય મથક મિદિયાંડો છે. અહી ઢેબરિયા રબારીના રબારીના ૮૦૦ ઉપરાંત કુટુંબો વસવાટ કરે છે.

આ ત્રણે જાતિયોના પહેરવેશમાં ફરક જોવા મળે છે. ઢેબરિયા રબારીની સ્ત્રી કાપડુ, ઘાઘરો પહેરી માથે ઓઢણી ઓઢે છે. કાચ્છી રબારી સ્ત્રીઓ ડુંટી ઢાંકતાં કાપડાં લાલ રંગના મશરૂમ કામવાળાં તથા ઘાઘરો ભરતભરેલા અને ઓઢણી કાળા રંગની ઓઢે છે. ત્રણે કોમમાં પુરુષોનો પહેરવેશ સફેદ કપડાંનો હોય છે, રબારણ સ્ત્રીઓ કાળાં વસ્ત્રો કેમ પરિધાન કરે છે તે અંગેની એક લોકવાયકા એવી છે કે રબારીઓ જુના કાળે જેસલમેરમાં વસવાટ કરતા. ત્યાંના રાજાએ રબારીની રૂપાળી કન્યાની માગણી કરી. વ્યભિચારી રાજવીને કન્યા ન આપવા માટે તેઓ ત્યાંથી નાસી છૂટયા. પછીથી આ કન્યા ધરતીમાં સમાઇ ગઇ. તેની સ્મૃતિમાં તેઓ આજપર્યંત કાળાં વસ્ત્રો પહેરે છે. અને શોક પ્રદર્શિત કરે છે. મોટા ભાગના સંશોધકો પણ આવો જ મત રજૂ કરે છે.

જ્યારે પ્રમોદ જેઠી કહે છે કે કાળા કપડાં પહેરવા પાછળનું કારણ વૈજ્ઞાાનિક છે. રબારી લોકોનો વ્યવસાય ઘેટાં-બકરાંનું પાલનપોષણ કરવાનું છે. તેઓ ઊન વેચવાનો ધંધો પણ કરે છે. આ ઊનમાં કાળું ઊન વેચવામાં મુશ્કેલી પડે જેથી એ ઊનનો ઉપયોગ પોતાના વપરાશ માટે રાખે છે. તેમાંથી તેમનાં ઊની વસ્ત્રો ડાંગશિયા વણકરો પાસે વણાવી લે છે. કાળાં ઊનનાં કપડાં ત્રણે ઋતુમાં ઉપયોગી રહે છે. શિયાળામાં ટાઢથી રક્ષણ મળે. ઉનાળામાં ઊની વસ્ત્રો પહેરવાથી પરસેવો વળે ને પવન લાગતા ઠંડક થાય જ્યારે ચોમાસામાં ઊની વસ્ત્રો જલ્દી ભીંજાતા નથી એટલે વરસાદથી રક્ષણ મેળવે છે. કાળી ઓઢણી, કાળાં કપડાં કે કાળા ઘાઘરા પર ભરતકામ કરીને સુશોભિત કરે છે. શોકના કારણે કાળાં વસ્ત્રો પહેરાતા હોય તો ભરતકામ ન થાય.

વગડામાં માલઢોર ચરાવતા રબારીનો પોશાક કેડિયું અને પોતડી હોય છે. એણે કેડવે બાંધેલા રૂપાના કંદોરામાં ચપ્પુ, ચિપિયો, કાનમાંથી મેલ કાઢવાનું સાધન રાખે છે. કાંટો વાગે તો ચિપિયાથી કાઢી શકાય. રબારી પુરુષો મોટેભાગે ચલમ-ભૂંગળીના બંધાણી હોય છે. તેઓ ચામડાની પદડી (પાકીટ)માં તમાકુ, બીજા ભાગમાં ભૂંગળી, રૂની કળી, ચમકનો ટુકડો ને ગજવેલ (લોઢા)ની પટ્ટી રાખે છે. વગડામાં બા’કસ ન હોય એટલે તેઓ ચલમ ભરી ગજવેલને ચકમકથી રૂની કળી સળગાવી ચલમ પેટાવે છે. પોતાના માલઢોરને ઓળખવાના માહેર હોય છે. હજારેક ઘેટાં-બકરાનું વાંભ હોય તો એમાંથી પોતાના અઢીહેં ઘેટાં બકરાં ઓળખીને નોખા તારવી લેવાની સૂઝ ધરાવે છે. રબારી ગાયો રાખતા હોય તો એનાં નામ પાડે છે. સો ગાયો ચરીને બેઠી હોય ત્યારે એક વાંભ કરીને ગાયના એક પછી એક બોલે ઈ ગાય ફટદેતી ઊભી થઇને આવી જાય. ગાયો એવી એને ડીલે ચકેલી હોય છે. આ પણ રબારીઓની કોઠાવિદ્યા છે.

કચ્છી રબારી સ્ત્રીઓ અભણ છે પણ કળા કારીગરીમાં ભલભલા ભણેલાઓ અને ફાઇન આર્ટસવાળાને ભૂ પાઇ તે એવી અનોખી કોઠાસૂઝ ધરાવે છે. જે રબારી લોકો ગામડાઓમાં સ્થાયી થયા છે ત્યાં કાચી ગાર-માટીના ભૂંગા (કુબા) બનાવીને રહે છે, તેમાં બાઇઓ ગારમાટી સાથે ગધેડાની લાદનું મિશ્રણ કરીને અદ્દભૂત લીંપણ-કામ કરે છે. આ લીંપણકળા ટાબકટીબકરૂપે નહીં પણ ભૂંગાના અપરૂપ શણગારરૂપે કરે છે. લીંપણકશીથી ભૂંગાની ભીંતો, જાળિયાં, ટાંકા, દીવી-ગોંખ, રાંધણિયાની ડોકાબારી, ભૂંગાની પેડલી, મજૂસ, અનાજ ભરવાના કોઠી-કોઠલા, રસોડુ, ચૂલા, આગવોણ, પાણિયારુ અરધી ઊઠે છે. તેમાં મોર ઈંઢોણી, મોરપગ, ફૂલ, સૂર્ય, પાનિહારી, પૂતળી, ફૂલ, આંબો, પોપટ, હાથી, સૂડો, કાનુડો, ગોપીઓના અંકનો જોવા મળે છે. બહુરંગી લોકજીવનના પરંપરાગત પરિબળમાંથી પ્રગટેલી કચ્છ, કાઠિયાવાડના ઘરખોરડાં ને ઓરડાની બેનમુન લીંપણકળા લોકનારીના હૃદયમાં અર્નિશ રમતી કળા અને સૌંદર્યપ્રિયતાની વાત કહી જાય છે. લીંપણકળાના રૂપસૌંદર્યથી છલકાતો ભર્યોભાદર્યો ભંડાર નીરખવો હોય તો કાછેલા અને ઢેબરિયા રબારીના ભૂંગા સિવાય બીજે ક્યાંય જોવા ન મળે.

કચ્છના રબારી ભરત ઉપર સંશોધન કરવા આવેલા અમેરિકન બહેન જુડી ફ્રેચરે રબારી ભરતને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે. એમણે અમેરિકાના ક્રાફ્ટ મ્યુઝિયમમાં કચ્છી ભરતનો આખો ખંડ ઊભો કર્યો છે. ત્યાં કચ્છી રબારી ભરતના ઉત્તમ નમૂના સચવાયા છે. જુડીબહેન આજે તો રબારી સંસ્કૃતિ પર ઓળઘોળ થઇને રબારી વસ્ત્રોમાં સજ્જ થઇને કચ્છમાં કાયમી રહી ગયાં છે ને રબારી બહેનોને તાલીમ આપી ભરતકામના ઉત્તમ નમૂના તૈયાર કરાવી સારું વેચાણ કરાવી આપે છે. આ સેવાકાર્ય માટે એમણે જીવન સમર્પિત કર્યું છે.

કચ્છમાં રબારી લોકોમાં સ્ત્રીનું માન વધુ જળવાય છે. પુરુષ સ્ત્રીને ‘તમે’ કહીને માનથી બોલાવે છે જ્યારે સ્ત્રી પતિને ‘તુંકારે’ બોલાવે છે. વરનો વ્યવહાર સ્ત્રી સંભાળે છે. બજારમાં ખરીદીનું કામ એને કરવાનું હોવાથી એકદમ વ્યવહારુ અને હોંશિયાર હોય છે. વગડામાં રહેનારા પુરુષો વ્યવહારમાં ઓછું સમજે છે.
કચ્છમાં રબારી જાતિના ૨૫૦૦થી ૩૦૦૦ જેટલાં કુટુંબો છે. તેમાં ૩૦ ટકા જેટલા સ્થાયી છે. બાકીના ૭૦ ટકા વનવગડામાં ભટકતા જોવા મળે છે. ઢેબરિયા રબારી લગ્ન જેવા માંગલિક કાર્યો માટે ગોકળઆઠમનો દિવસ પસંદ કરે છે. બાળલગ્નો આજેય પ્રચલિત છે. એક ગામમાં એકીસાથે ૧૦૦થી ૨૦૦ વરકન્યાઓ પરણે છે. રબારી લોકોમાં છોકરી પરણીને સાસરે જાય ત્યારે પોતાના પિયરની અટકથી ઓળખાય છે. સૌરાષ્ટ્રમાં ‘તેર તાંસળી’ની પ્રથા છે. તેમાં ૧૩ જાતિયો એક તાંસળીમાં જમી શકે છે. તેમાં રબારીનો સમાવેશ થાય છે. કહેવાય છે કે આ ૧૩ જાતિયોનો ઉદ્દભવ કોઇ એક સ્થળે થયો હોવો જોઇએ.

રબારી ઉત્સવપ્રિય પ્રજા છે. કાનુડો, રમેંણ, પલ્લી અને પુંજ જેવા ઉત્સવો પોતીકા ભાવથી ઊજવે છે. જન્માષ્ટમીએ કાનુડાનો ‘બર્થડે’ જન્મદિવસ આવે એને હોંશેહોંશે ઉજવાય છે. કાછેલા રબારી ગોકુળઅષ્ટમીએ ‘કાનુડો’ રાખે છે. ગોસ્વામી કહે છે કે કાનુડો એ યશોદાની પૂજા છે. દાગીના રાખવાની માટીની કોઠીની આકૃતિનો કાનુડો બનાવે છે, કાનુડાની રાતે નહેડો ધમધમે. પહેલું આણું વળીને આવેલ જોવનવંતી વહુવારુઓથી માંડીને ઠરીઠામ થયેલ બાઇઓ ‘કાનુડો’ રમવા કુંડાળે પડે અને ગીતો ગવાય ઃ

‘તમે દ્વારકા શીદ જાવ છો રઢિયાળા રે
તમે લાવો દ્વારકાની છાપ રઢિયાળા રે’

કૃષ્ણજન્મ પછી પણ ‘કાનુડા’વે પાછો વાળીને પણ દિવસો સુધી નેસડામાં એનો ઉત્સાવ મનાવવામાં આવે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!