‘અમારો આ પંથક ‘નાઘેર’ ગણાય. ના ઘેર એટલે ઘેર નથી… બીજો અર્થ આ પંથકમાં નાઘોરીના રાજ હતાં એવો પણ થઇ શકે. પણ એની વાત પછી. આ પાળિયો જુઓ, આ અંબાડા ગામનો સીમાડો છે. આ પાળિયો પ્રેમજી ચુંવાળિયા કોળીનો છે. આમ તો પ્રેમજીનો રણચગો છે. રણચગો એટલે રણમાં અથવા ધીંગાણે ચડેલો આદમી લડતાં-લડતાં ‘રણ’ ચગાવે અને ચરે એનો રણચગો મંડાય…’
‘વાહ! બંધ બેસતો અર્થ કર્યો રણચગાનો તમે! રણ એટલે લડાઇ પણ થાય. રણે ચડનાર રણબંકો, રણશૂરો, રણઘેલો અને રણવીર પણ કહેવાય છે, એમ આ રણમાં મરનાર રણનો સગો એટલે રણસગો પણ થાય બરાબર?’
‘હા… એમ છે. અમારા ત્રણ ગામ વાજડી, અંબાડા અને કાંધીના સીમાડામાં આવા ત્રણ ત્રણ રણસગા છે. પણ તમે કીધું એવા રણઘેલા રણબંકા કે રણવીર નહોતા પણ ઇ તો બધા અનાયાસે ગામની આબરૂ સાચવવાની કપરી વેળાએ, હાથમાં ચડ્યું ઇ હથિયાર લઇને મરવા માટે જ રણે ચડેલા સાવ સાધારણ વરણના. એક વાણિયો, એક કણબી અને એક ચુંવાળિયો કોળી. આ ત્રણના આ રણચગા છે.’
‘ઓ હો! તો તો રંગે છે એવા આદમીઓને. રણશૂરા કે રણબંકા તો ઘણીવાર ખાવા માટે, ગામ ગિરાસ મેળવવા રણે ચડતા હોય છે પણ આમણે ગામની આબરૂ સાચવવા લીલાં માથાં ઉતરાવ્યાં. ઘણા ઘણા રંગ એને…’
‘હા રંગ દેવા જ પડે એમ છે. આ પ્રથમ રણસગો પ્રેમજી ચુંવાળિયા નામના કોળી આદમીનો છે. આ અંબાડા ગામનો સીમાડો છે. અહીં પ્રેમજી ચુંવાળિયો સૂતો છે. અમારાં વાજડી અને અંબાડા ગામની વહુઓ આની લાજ ઢાંકે છે!’
‘આની એટલે કોની?’
‘પ્રેમજી ચુંવાળિયાની ખાંભીની.’
‘પણ ખાંભીની લાજ? ઘૂમટા?’
‘હાસ્તો. પાળિયામાં પોઢેલ આ દૈવતધારી આદમીઓ હોં ભાઇ! ઇ અદબ જાળવવાના અધિકારી ખરા કે નૈ? આ વહુવારુઓ એની લાજ ઢાંકે તો ઇ રાજી થાય.’
‘પ્રેમજી ક્યાંનો?’
‘પ્રેમજી ચુંવાળિયો મૂળ કાંધી ગામનો. ઊના પાસેનું રિળયામણું, શેરડીના વન ઝુલાવતું કેસર કેરીઓના આંબા મહેકાવતું… કેસરના ઢગલા કરતું. આ કાંધી પ્રથમથી જ કોઇ ધનવાનની લાડકી દીકરી જેવું રૂમઝૂમતું ‘બરેનું’ ગામ.’
‘ઠીક પણ આ પ્રેમજીની લાજ?’
‘કાંધી ગામની એણે લાજ રાખી માટે કાંધી ગામની દીકરીઓ જો અહીં વહુવારુ તરીકે આવે તો પ્રેમજીની લાજ ન ઢાંકે. કેમ કે, પ્રેમજી એના પિયરનો… પણ વાજડી અને અંબાડાની વહુઓ લાજ ઢાંકે છે. કેમ કે એને મન આ પ્રેમજી હજી હયાત છે. ખોંખારા દેતો, જીવતો, જાગતો અને હાલતો-ચાલતો.’
‘શું વાત કરો છો?’
‘વાત નહીં હકીકત કહું છું. આ તો ભાઇ, કાઠિયાવાડનો સોરઠી મુલક શ્રદ્ધા, વિશ્વાસ અને રખાવટથી હર્યોભર્યો હતો. અમારાં આ ગામડાંઓમાં દેવીઓ, દેવતા, શૂરાપૂરા, સતીઓ અને જતીઓની માનતા થતી. કુદરતી આફતવેળા આ બધાં લોકજીવનની આસ્થાનાં સ્થળો. આ સ્થળોએ લોકો માથાં ટેકવે અને રક્ષા માગે… રક્ષા થાય પણ ખરી. ગામમાં પૂર આવે તો જળદેવીના નામે ચૂંદડી મોડિયો કોઇ ગામધણી કે ગામનો મુખી એના હાથે જળમાં પધરાવે અને પૂર ઓસરી જાય! શીતળામાતાની દેરીઓ આગળ અમારી ગ્રામનારીઓ માથા પર સળગતી સગડીઓ લઇને જતી અને એનાં બાળકોની, એનાં માલ-ઢોરની, કુટુંબની શીતળામાતા રક્ષા કરતાં. હડકવા માટે હડકમોઇ માતાની દેરીએ જતાં. નાના મોટા રોગ માટે મંદિરો, દેવળો કે પીરના તકિયાની માનતા થતી. તે દી’ ક્યાં હતાં દવાખાનાં? ક્યાં હતાં રોગનાં ઔષધો? આમ એની શ્રદ્ધા જ એમની વહારે આવતી તો પછી આવા પરદુ:ખભંજન આદમીઓના અદબ શા માટે ન જાળવે? અને આવી અદબ ન જાળવે તો પછી આવતીકાલે ગામને માટે માથાં પણ કોણ આપે? આ ભોમકા માતો ભાઇ મરવાના કોડ જાગતા. ધીંગાણે જતા મર્દને ખાતરી રહેતી કે મારા મરણ પછી મારા ગામના લોકો મારી પૂજા કરશે.’
‘વાહ… વાહ…!’
‘એટલે આ પ્રેમજીને અમારા લોકોએ મરવા નથી દીધો. અમારા ત્રણ ગામની વહુ, બેટીઓ અહીં રાત વરતે નિર્ભય થઇને ફરે છે. વગડે ભમે છે. આ મહિલાઓનાં રૂપ સામે કે એનાં ઘરેણાં સામે કોઇ હરામીની આંખ નથી મંડાતી. વહુ બેટીઓની શ્રદ્ધા અકબંધ છે કે અમારો પ્રેમજી બાપો અહીં હાજરાહજૂર છે, કોણ છે આંગળી ચિંધનાર?’
‘તો તો ભાઇ લાજ ઢાંકી પરમાણ.’
‘હાસ્તો… જુઓ આ વાણિયાધાર કાંધી ગામનો પાંચવાણીયા કટુંબનો દેવચંદ શેઠ, અમારા કાંધી ગામનો વેપારી, સુંવાળી ચામડીનો આદમી પણ એકવાર એણે અહીં પ્રાણ દીધા અને તે આ ધારનું નામ પડ્યું. ‘વાણિયાધાર’ અને જુઓ આ સાંઢિયાબેલા તરીકે ઓળખાતા પથ્થરના આ બેલાં… અહીં માલોભાઇ ડાગોદરો મૂળે કણબી પટેલ અને બીજો માલોભાઇ રબારી આ બેય જણ આ રાવળના પટમાં બહારવટિયાની ગોળીએ વીંધાણા હતા.’
‘ઓહો… કાંધીનો ઈતિહાસ તો ભાતીગળ છે. ભાઇ જરા વિગતે વાત કરો ને!’
‘સાંભળો, “કાંધી ગામનો ગરાસીયો ગોહિલ તે ‘દી ઘરે નો’તો… આ ગોહિલો મૂળ તો પાલીતાણા ભાયાત ના શાહજી ગોહિલ ના સીધી લીટી ના વંશજો…નાધેર વિસ્તાર મા આમ તો ગરાસીયા ગોહિલ ના મુળ ગરાસ ના ચોવિસ ગામ એટલે ચોવિસી કેહવાય શાહજી ગોહિલ પાલીતાણા ના સીધી લીટી ના વામાજી ગોહિલ ૧૩ મી પેઢી અને વામાજી ની પેઢી મા કાંધાજી ગોહિલ થયા જે શાહજી ગોહિલ પાલીતાણા ની ૧૮ મી પેઢી થાય કાંધાજી ગોહિલ ના નામ ઉપર જ કાંધી ગામ નુ નામ રાખેલ ગરાસીયા ગોહિલ ના રાજ ત્યારે….
“તો આ ગામ એ ગોહિલ દરબારુ નું..એમ ને..?”
“હા..ભાઈ આ કાંધી ગામ એ કાંધાજી ગોહિલ નું..કાંધી ના ચોક મા હજી એ કાંધાજી ની ડેરી પણ છે…”
આ મુલકમાં ચોવીસ ગામમાં નાઘોરીઓ વસે છે. અમારું કાંધી ગામ પણ ગોહિલ કાંધાજીનું ગામ. કાંધીના ચોકમાં કાંધાજીની ડેરી પણ છે પણ એક દિવસ કાંધાજી ઘેર નહોતા અને કાંધીનો શત્રુ સાંગોજી નામનો બહારવટિયો વીસ જેટલા સાગરીતો લઇને કાંધી ઉપર ચડી આવ્યો. આખું ગામ બહારવટિયાની મુઠ્ઠીમાં આવી ગયું. ગામની બહેન-બેટીઓ અને લક્ષ્મી માથે કાળા કાગડા ઊડવા લાગ્યા. ગામમાં સોપો પડી ગયો. વીસ વીસ બંદૂકધારી બહારવટિયાઓનો સામનો કઇ રીતે થાય? પણ અમારા કાંધીના ગામદેવતાઓએ ત્રણ આદમીના હૈયામાં ધરપત મૂકી. આ ત્રણેય આદમીઓ ખોળમાં ખાંપણ લઇને ચોકમાં આવ્યા.
માલો રબારી, પ્રેમજી કોળી અને છત્રીસ ઇંચનો ડગલો પહેરનાર દેવચંદ શેઠ. કાયમ માટે ત્રાજવા તાણનાર દેવચંદ વાણિયાએ તે દી’ હાથમાં તલવાર લીધી અને ત્રણેય આ આદમીઓ બહારવટિયાનાં ટોળાંમાં પડ્યા. બહારવટિયા હાંકા બાંકા થઇ ગયા. ઘોડા, ઊંટ ઉપર માલ ભરીને લઇ જવાનાં એનાં સપનાં કાંધીની બજારમાં જ વેરાઇ ગયાં. લૂંટફાટ બંધ થઇ. બહારવટિયા ધીંગાણે ચડ્યા. માત્ર એક જ હાકલથી ગામને ધ્રુજાવનાર આ લૂંટારા સબાસબી વીંઝાતી તલવારોથી થથરી ઊઠ્યા. ત્રણ જણામાંથી એક પણ પાછો પડતો નથી અને ત્યાં તો ગામમાં પણ રામ જાગ્યા અને આખું કાંધી ગામ હલકી ઊઠ્યું. કમોદ ખાંડવાનાં સાંબેલાં, ખંપાળીઓ, કોદાળીઓ, હળની કોશો અને ડાંગોનો મે’ વરસ્યો. બહારવટિયા ભાગેડુ થયા.
ગામ લોકો પાદરેથી પાછા વળ્યા પણ પેલા ત્રણની સાથે એક કણબી પટેલ માલો ડાગોદરો પણ જોડાયો અને ચાર જણાએ લૂંટારાનો પીછો પકડ્યો. પ્રેમજી ચુંવાળિયો ઉઘાડે માથે, માલો રબારી ખંભાતી ડાંગો, કેડ્યે પાઘડી વીંટતો દેવચંદ શેઠ અને ખભે ખંપાળી લઇને હડી કાઢતો માલો કણબી! અંબાડા ગામનો સીમાડો આવ્યો અને લૂંટારાએ જામગરી દાગી. દેવચંદ શેઠ નિશાને આવ્યા અને સાડા ચાર હાથ જમીન રોકીને સૂઇ ગયા. બીજી ગોળીએ માલો રબારી શેઠનો સથવારો કરી ગયો. સાંઢિયાબેલા પાસે માલો કણબી પણ ઢળી પડ્યો. ત્રણ સાથીઓ રણમાં સૂતા છતાં પ્રેમજી ચુંવાળિયો પાછો વળતો નહોતો અને બહારવટિયાએ ભાગતાં ભાગતાં અંબાડા અને વાજડી ગામ વચ્ચે રાવળ નદીના કાંઠા ઉપર પ્રેમજીને સુવડાવી દીધો…! આમ, ગામની અસ્મિતા અને આબરૂને અકબંધ રાખવા જીવતરને હોમી દેનારા, પારકી છઢ્ઢીના જાગતલો એવા આ જવાંમદોઁના પાળિયા આ ત્રણ ગામના સીમાડાના બેવજીમાં હાલ પણ ઊભા છે. કોઇને ચોખા જુવારાય છે. કોઇને લાપસી અને શ્રીફળ જુવારાય છે. પ્રેમજી કોળીના પાળિયાની વહુવારુઓ લાજ ઢાંકે છે ત્યારે ધરા સોરઠીની આ અણમોલ આસ્થા અને અદબ આગળ માથું નમી જાય છે.
(સંવાદદાતા: રામકૃષ્ણ પંડ્યા-કાંધી)
તોરણ – નાનાભાઈ જેબલિયા