🐎 પગડા નુ પાણી 🐎

આ કોરથી થાળી રમતી મેલી હોય તો નીચે પડ્યા વગર સામી કોર નીકળી જાય એવી હકડેઠઠ્ઠ કચેરી ભરાણી હતી અને ગાઢા અમલીમલ્લ ઉમરાવો વીરાસન વાળી હથિયાર ભીડી મૂછોના આંકડા ચડાવીને દેહધારી વીરરસ જેવા બિરાજ્યા હતા. કેસર-જાયફળ નાખેલ ઘાટા કસુંબાની અંજલિઓ સાથે સુખડીનો ઠૂંગો ફરતો હતો અને રાજકવિની પાતળી જીભે અમલરંગનાં વધામણાં ઊગતાં’તાં :

રંગ રામા રંગ લખમણા,
રંગ દશરથ રા લાલા.

લંકા લૂંટી સ્રોવની
ભળકતા ભલા.

(દશરથપુત્રો એવા રામલક્ષ્મણને રંગ છે કે જેમણે ઝળકતાં ભાલાંઓ લઈને સોનાની નગરી એવી લંકાને લૂંટી.)

રંગ રામા રંગ લખમણા
રંગ દશરથ રા બેટા

લંકા લૂંટી સ્રોવની
કર કર આખેટાં.

(રાજા દશરથના પુત્રો એવા રામલક્ષ્મણને રંગ છે કે જેમણે માત્ર શિકાર રમતાં જ સુવર્ણનગરી એવી લંકાને લૂંટી.),

વળી કવિની પાતળી જીભ આગળ વધી :
બાપ, રંગ તો આવા શુરવીરોને હોય, પણ આ રેડિયા કસુંબાની. તાસીર તો ન્યારી છે હો !

અમલ મેં ઉદમાદિયા,
સેણાં હંદા સેણે,

તો વિણ ઘડી ન પડે,
ફીકાં લાગે નેણ.

(હે અમલ ! તું ઉત્સાહ અપનાર અને પ્રિયજનોનો પણ પ્રિયજન છે. તારા વગર સમય વીતતો નથી અને નયનો નિમાણાં લાગે છે.)

ત્યાં તો એક પટેલે આવીને ધા નાખી : “બાપુ! હવે તો માથે આભ તૂટ્યું છે. ધણી બેઠાં અમે નધણિયાતા થઈ ગયા છઈ. આટકોટ-ભાડલાના કાઠીઓ સાંતી હાંકતા કણબીના દીકરાનાં માથાં વાઢી લ્યે છે.” – ત્યાં તો સિંહાસને બિરાજેલા જામ જસા અને એની પડખે બેઠેલ વજીર મેરુ ખવાસનાં રૂંવાડાં સડડડ… કરતાં અવળાં થઈ ગયાં, આંખો કંકુવરણી બની.

થરકત ભુજ, ફરકતાં અંગ,
અરૂ રોમરાઈ ઊવટે અભંગ.

મેરુ ખવાસે હાકલ કરી : એવો કોઈ શૂરવીર છે, કાઠીઓનું જડાબીટ કાઢી નાખે એવો ? રીડ પડ્યે રજપૂત નૈ ઊઠે ?”

આ હાકલ સાથે તો પચ્ચાસ-પચ્ચાસ શૂરવીરો ઊભા થઈ ગયા. ત્યાં તો બાદા સેતા નામે ઉમરાવે તરવાર લઈ જામની સલામ કરી : “ઘણી ખમ્મા, અન્નદાતા, આ માથું તમારું છે. આટકોટ-ભાડલાની કાઠીઓને વાઢીને ઉછેડી નાખું તો જ હું બાદો સેતો.”

રંગ છે, રંગ, બાદા સેતા ! ઝાઝા રંગ છે તને ” કચેરીમાં એવા ભલકારા ઊડ્યા અને બાદો સેતો પચ્ચાશ ચુનંદા સવારોસાથે ચડ્યો. વારનાં ઘોડા ભાલા પર આભા તોળતા પાંચાળ માથે ચડ્યા.

ભાડલામાં પડાવ નાખી બાદા સેતાએ કાઠીઓને સંદેશો મોકલ્યો કે જીવતા-મૂએલા પકડ્યા વગર પાછો જવાનો નથી, તો માટી થાજો. એમાં એક દિવસ હિંગોળગઢના જંગલમાં બાદા સેતાને રાજવીર રોહડિયા અને માણસિયો ખાચર ભેટી ગયા. બાદો સેતો એમને જોયે ઓળખે નહિ. હવે બાદો સેતો એકલો જ શિકારે નીકળેલો. સાથે બીજું કોઈ નહીં

રાજવીરે પૂછ્યું : એ જે માતાજી ! ભા, આ કોરના અજાણ્યા લાગો છો.”

“હા, ભા, હું બાદો સેતો. જામનગરથી આવું છઉં. ભાડલા-આટકોટના કાઠીઓનાં તોફાન વધ્યાં છે.”

તો આપા, ખાચરને પકડી કેમ નથી લેતા ?”

નજરે ચડ્યા ભેગો શિકારી જાળામાંથી સસલું પકડે એમ પકડી લઉં. તમે મને દાદા ખાચર નજરે બતાવશો ?”

“ભારે કામ થયું. ઝટ હાલો. હમણાં નદીકાંઠે જ દાદા ખાચર બેઠો છે. મોડું કરશો તો કયાંક ભાગી જશે.”

બાદ સેતાને પોતાના ભુજબળ પર વિશ્વાસ છે, એટલે તે અજાણ્યા માણસો સાથે ચાલ્યો. ત્રણેયની રાંગમાં પાણીદાર ઘોડીઓ રમતી આવે છે.

નદીને કાંઠે દાદા ખાચર કંસુબો લેવા બેઠો છે, ત્યાં આ ત્રણેય આવ્યા. એમને જોઈ દાદા ખાચર કહે:

“આવો, આવો, રાજવીર ગઢવા! આવો, આપા માણશિયા ! આ મહેમાન કોણ છે ?” – “આપા, ઈ બાદો સેતો છે. તમને પકડવા આવ્યો છે. હાં, બાદા સેતા, આ દાદા ખાચર છે.”

કરાળ કાળ જેવો છે દાદા ખાચર. જોનારની તો છાતીનાં પાટિયાં બેસી જાય. વાત સાંભળતાં જ એની આંખોમાં હિંગળો અંજાઈ ગયો છે. હાથ તલવારની મૂઠ પર જઈ પડ્યો છે.

રાજવીર ગઢવીએ કહ્યું : બાદા સેતા, જુદ્ધ તો સમોવડિયા સાથે હોય. પેલાં તું દાદા ખાચર બરોબરિયો છો ઈ સાબિત કર, પછી એને પકડવાની વાત કરજે જા દાદા ખાચર કેવો મરદ છે ?” પારખા કરવા છે તો બીડ ની કાંટ્ય મા ચાલ.

બાદા સેતાને સમજતાં વાર ન લાગી કે આ બે પણ દાદા ખાચરના જ સાગરીતો છે. ત્રણેય બાદા સેતાને લઈને જંગલમાં ચાલ્યા. કસાઈવાડે જતા બકરા જેવી બાદા સેતાની હાલત થઈ છે.

એ કાળે તો સૌરાષ્ટ્રમાં દીપડાની વિપુલ વસ્તી હતી. જંગલમાં ક્યાં દીપડો છે એની દાદા ખાચરને જાણ હતી. ત્યાં સૌ પહોંચ્યા.

રાજવીર ગઢવી કહે : બાદા સેતા, જો ત્યાં દીપડો સૂતો છે. જઈને પૂંછડું પકડીને ઉઠાડ, પછી તરવારેથી મારી દેખાડ.”

ડાલામથ્થો કરાળ દીપડો જોઈને સેતાનાં હાંજાં ગગડી ગયાં. એણે કહ્યું: પેલાં દાદા ખાચર મરદાઈ બતાવે, પછી મારી વાત.”

ત્યાં તો જઈને દાદા ખાચરે દીપડાનું પૂછડું પકડ્યું અને ઉપાડીને માંડ્યો ચકર-ભમ્મર ફેરવવા. થોડી વાર ફેરવી ઝાડના થડ સાથે ભટકાડ્યો. લડથડતા દીપડો ઊભો થાય ત્યાં તો સોઈ ઝાટકીને તરવારનો એવો ઘા ઝીંક્યો કે દીપડાના બે કટકા થઈ ગયા. પણ આ નાનકડી ધમાલનો લાભ લઈ બાદો સેતો ઘોડીને એડી મારતા ભાગી છૂટ્યો.

“એ કૂતરાને પૂરો કરજો” કહેતાં દાદા ખાચરે માણશિયા ખાચર અને રાજવીર ગઢવીને બાદા સેતા પાછળ કર્યા. પાંચાળની ધરતીમાં ધૂળની ડમર ઊડતી આવે છે, પણ બાદા સેતાની પાણીદાર ઘોડી જીવ લઈને ભાગતી જાય છે.
રાજવીર ગઢવીની રાંગમાં માણકી ની વછેરી છે, વછેરી ની માણકી જામનગરના ફેરા મા એક પગ ખોઇ સવારી માટે નકામી થઇ ગઇ હતી,
ભાગતા સેતાને છેવટે આંબી લીધો. માણશિયો ખાચર ભાલો તોળતાં કહે: ગઢવી, બાદા સેતાને વીંધી નાખું ?”

આપા માણશિયા, સૂરજનો પોતરો ભાગતાને મારશે ? બાપ, તારે તો સેતાની છાતી વીંધવાની હોય, પીઠ નૈ.”

ત્યાં તો ભાદરકાંઠો આવ્યો, આટકોટનાં ઝાડવાં દેખાણાં. સેતાને થયું : હવે આટકોટ આવતાં જ ફોજમાં લઈ જઈ આ બેયને મારી પાડવા. અને એણે આડેધડ ટૂંકો રસ્તો લીધો. પણ જુએ તો પોતે ત્રણત્રણ માથોડાં ઊંડી પાટને કાંઠે આવી ગયો છે. અને કાંઠો પણ બે માથોડું ઊંચો છે. સામે જ વીસ હાથ છેટે બીજો કાંઠો છે. બાદા સેતાએ ઘોડીને કાંઠે દોડાવી ઊતરવાનો આરો ગોત્યો. ત્યાં તો રાજવીર ગઢવી અને માણશિયા ખાચરની ઘોડીઓ પણ ભાદરકાંઠે આવી ગઈ અને ચારેય પગ ભેગા કરી બકાક ઝમ.. કરતાં છલાંગ લગાવી કે સામે કાંઠે જઈ પડી.

બાદો સેતો ફેરો ખાઈને આવે છે, ત્યાં તો સામેથી જ માણશિયા ખાચરની ચક્કર-ચક્કર ફરતી સાંગ છૂટી અને બાદા સેતાની છાતી અને ઘોડીની પીઠ વીંધતી ધરતીમાં ખેંચી ગઈ.

“રંગ છે, આપા માણશિયા, તારી શૂરવીરતાને ઝાઝા રંગ છે !”

દેવ, ખરા રંગ તો માણકીના પગડાનાં પાણીને છે.”

[ નોંધ : ભાદરકાંઠો કુદતાં રાજવીરની વછેરી માણકીની આંખો નીકળી ગયેલી. પરિણામે તેને ત્યાં જ ગૂડી નાખવી પડેલી. હાલ તે સ્થળે વછેરી માણકીની અને બાદા સેતાની ખાંભીઓ છે અને માણકીની અન્ય ખાંભી હિંગોળગઢમાં છે. પડધરી નદીને કાંઠે પણ વછેરી ની મા માણકીના ડાબલા ના પગની ખાંભી છે. આ વાત રાજવીર રોહડિયાના વંશજ શ્રી ખેમરાજજી રોહડિયા ખડકાણા, તા. જસદણ, પાસેથી જાણવા મળી છે. ]

~રતુદાનજી રોહડીયા
કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

(મહારાણા પ્રતાપે અકબર ની ફૌજ ને ભુખે મારવા ખેડુતો ને ખેતી છોડી જંગલ મા જવા આદેશ આપેલ, એક ખેડુતે ના માનતા તેંને ફાંસીએ ચડાવેલ. આમ જ્યારે મોટા રજવાડા નાના ગરાસને હડપી લેતા ત્યારે તેમને આર્થીક ફટકા આપવા ખેડુતો ને ખેતી કરવા દેવાતી નહિ, જામનગર, ભાવનગર, વડોદરા દ્વારા કાઠી રજવાડાઓ ના ઘણા ગીરાસ આંચકાયા બાદ પ્રતિ સંઘર્ષ મા ખેડુતો ની સ્થીતી આ કારણે કપરી બનાવાઇ હતી.)

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!