‘‘આ ક્ષણેથી તમે લાલજી સુથાર નહિ, પણ નિષ્કુળાનંદ સ્વામી..’’

ભોગ અને ભયને પડતાં મૂકી જાણનાર ભડવીરના ભાલ જેવો ભાણ ઝંકોળા દઈ રહ્યો છે, અફાટ રણની રેતી ધગી રહી છે, જન્મકુંડળીના ગ્રહની વક્રદ્રષ્ટિનો સંતાપ સહેતી નારાયણીના ઉરમાંથી ઉઠતી વેદના જેવી વરાળ ભોમકાને ભરી રહી છે, તડકો ત્રાપટ બોલાવી રહ્યો છે.

એવેટાણે શેખપાટથી પગપાળા નીકળેલા સહજાનંદ સ્વામી કચ્છની ધરતીને પંડયના પુનિત પગલે પાવન કરવા પગ ઉપાડી રહ્યા છે. પુષ્પ જેમ પોતાનો પરાગ અર્પીને આસપાસના વાતાવરણને સુવાસિત કરે, એમ સંત સુવિચારને વેરતા સરી રહ્યા છે.

જેની ભીતરમાં ભક્તિનો ભાવ ધૂંટાઈ ઘૂંટાઈને ઘેરો થઈ રહ્યો છે એવા લાલજી સુથારને શ્રીહરિએ ભોમિયા તરીકે ભેળા લીધા છે. મહારાજના મુખમાંથી નીકળતા બોલ લાલજી સુથાર સરવા કાને સાંભળી રહ્યા છે.

વિકટ વાટ પંથ લાંબો હોવાથી પરિયાણ પહેલાં ભાતુ ભરેલો ડબરો ખડિયામાં જાળવીને મૂક્યો છે. ખંભે પાણીની ભંભલી ભેરવી છે. ન કરે નારાયણને વાટમાં કાંઈ આપદા આવી પડે તો કામ લાગે એવું મનોમન ટેવીને થોડું રૂપાનાણું પગરખાંમાં સંતાડી મૂક્યું છે. સ્વામી ને સેવક નિજાનંદી ભીતરમાં ભરીને ભેંકાર ભાસતી ભોમકાનો પલ્લો કાપી રહ્યા છે. કાઠિયાવાડનો કિરતાર હવે કચ્છને કાર્તિવંત કરવા, સતસંગીઓને સુખિયા કરવા સૌને ભક્તિના ભાવમાં ભિંજવવાના મનમાં મનોરથ ભરીને જઈ રહ્યો છે.

છપૈયામાં ઉદય પામેલો અરુણ ચેક ધરતીના છેડાને અજવાળતો જઈ રહ્યો છે. સૂરજ માથે તોળાઈ રહ્યો છે. ક્યાંક છાંયડો મળે તો ભાતાનો ડબરો ઉઘાડી ટીમણ કરવાનો વિચાર કરતા લાલજી ભગત મહારાજનો પડછાયો થઈને પાછળ પાછળ ડાંફૂ દઈ રહ્યા છે.

ત્યાં તો ઉઠતી વરાળમાંથી જાણે આકાર બંધાતો હોય એમ ચીંથરેહાલ માણસ સામે આવીને કરગર્યો.

‘‘મા’રાજ, ભીતર ભૂખના ભડકા બળે છે. ખાવાનું હોય તો આપોને’’

માંગનારની માથે કરુણાસાગરની કૃપાળુ નજર પડી. લાલજી સુથારે ખડિયો સંકોરતા સહજાનંદસ્વામીની સામે જોયું એટલે મીઠું મરકીને મહારાજ બોલ્યા.

‘‘આમ ખડિયો સંતાડયે ભાતાનો ડબરો છૂપો નહીં રહે. ભૂખ્યાની ભૂખ ભાંગ્યે ભગવાન રાજી રહે. ભાતાનો ડબરો ઉઘાડો ભગત.’’

ખડિયામાંથી ભાતાનો ડબરો કાઢી ખાવાનું આપતા લાલજી ભગત અચરજ ભરી આંખે બેય બનાવોને અવલોકી રહ્યા. એક તો આ વગડામાં અણધારી રીતે આ ભિખારીનું આવવું, ભાતાના ડબરાની શ્રીજીને જાણ હોવી.

ભિખારીએ ભોજનથી પેટ ભરી લીધું ત્યારે ડબરાનું તળિયું દેખાઈ ગયું હતું. પછી પાણીની ભંભલી પણ ગટગટાવીને એણે તો તાંતરાવી મૂક્યા.

ગુરુશિષ્યે વળી પાછો મારગ સાંધ્યો. રોંઢો ઢળ્યો. થાક, ભૂખ અને તરસનો ત્રગડ રચાઈ રહ્યો ત્યાં તો પાંચ બુકાની બંધાએ બેયને આંતર્યા. એક જણે ડારો દેતાં કહ્યું.

‘‘ખબરદાર, ડગલું ભર્યું છે તો ફૂંકી દેશું.’’

શ્રીહરિના અને લાલજી ભગતના પગ ધરતી માથે ખોડાઈ ગયા એટલે બીજા બોલ નીકળ્યા, ‘‘ખડિયામાં હોય ઈ બારૂં કાઢો.’’

લાલજી ભગતે ખભેથી ખડિયો ઉતારી ઉંધો કરી ખંખેર્યો. પૂજાપાત્રો અને ભાતાનો ખાલી ડબરો દડી પડ્યા.

‘‘આને શું અમારે ધોઈ પીવા ? અમે કાંઈ વેરાગી નથી. એલા, જડતી કરો.’’

એક લુંટારે લાલજી સુથારના અંગરખાને ફંફોળ્યું. પાઘડી ઉતરાવી ખંખેરી જોઈ પણ કાંઈ મળ્યું નહીં એટલે મોવડી બોલ્યોઃ

‘‘હાલો ભેરૂ, આ તો સાધુડા. આમાં આપડો દિ’નઈ વળે’’

ખાલી હાથે પાછા વળતા લુંટારાને રોકીને સહજાનંદ સ્વામી વેણ વધ્યાંઃ

‘‘ભાઈ, તમે કામના કાચા, તમને લૂંટારા થતા આવડ્યું નહીં’’

મહારાજનાં વેણ સાંભળી મોવડીએ કરડી નજર નોંધી કહ્યું ઃ

‘‘મા’રાજ, કેમ વળમાં વેણ કાઢો છો ?’’

શ્રીજીએ હળવેથી કહ્યું ઃ- ‘‘આ ભગતે પોતાના પગરખાંમાં રૂપાનાણું સંતાડ્યું છે.’’ સાંભળતાં જ લુંટારાની આંખ ફાટી. લાલજી સુથાર સામે મીટ માંડી બોલ્યો ઃ

‘‘ઉતાર પગરખાં’’

ગલોફા ફાટીને ઉઠેલો ઘોર વગડામાં વેરાણો. લાલજી ભગતે પગરખાં ઉતાર્યા. તેમાં સંતાડેલું રૂપાનાણું ખંખેરીને લુંટારા રાજીના રેડ થતા હાલી નીકળ્યા. એટલે ગરવું હસીને મહારાજે વેણ ઉચ્ચાર્યાંઃ

‘‘લાલજી ભગત, હાલો. આપણેય અહુર થાય છે. કોઈ ગામને પાદર ઉતારો કરીએ’’

બન્નેએ ઉતાવળે પગ ઉપાડ્યા. પંથ કપાતો જાય છે. સત્‌ સંગ થતો જાય છે. સૂરજ નમતો જાય છે. લીલાં ઝાડ અને હિલોળા લેતી મોલાત ક્યારનીય પાછળ રહી ગયાં છે. હવે તો ઉઘાડો વગડો, હવાની ફરકી સાથે ઉડી આવતી રણની રેતીના કણો કચ્છની ધરતી આવી હોવાનો અણસારો આપતા હતા. હવે તો સંધ્યાની રૂંજ્યુ વળી ગઈ છે. ઝડવઝડ દિ’ રહ્યો છે. ગામનું પાદર દેખાણું. કૂવાનો પાવઠડો પરખાણો. જોગંદરની જટા જેવી વડવાયું વિસ્તારીને પાદરને શોભાવતો વડ જોયો. ફરતો લીંપણ કરેલો ઓટો જોયો. એટલે શ્રીજી વેણ વધ્યા ઃ

‘‘ભગત, અહીં જ ઉતારો કરીએ’’

બેયે ખંભેથી ખડિયા ઉતાર્યા. અંગૂછાથી ધૂળની ખેપટ ઝાટકી ઘડીક પોરો ખાધો ત્યાં તો સાંજ સંકેલાઈ ગઈ. સંધ્યા આરતીની ઝોલરૂ વાગી ઘડી સાપડીમાં અંધારાં ઉતર્યા.

મહારાજ બોલ્યા ‘ભગત, હવેતો ભૂખ લાગી છે. ગામમાં જઈ ભિક્ષાની ઝોળી ફેરવો’

‘‘મહારાજ, આ શું બોલો છો ?’’

‘‘આપણે તો સાધુ. માધુકરી માંગવી પડે’’

અંદરથી અકળાયેલા લાલજી ભગત મહારાજને વળતો ઉત્તર દેતા બોલ્યાઃ

‘‘અરે, એક તો હું સંસારી. વળી પાછો આગામનો જમાઈને મારે ઘરેથી હમણાં પિયરમાં આવ્યા છે. મારાઘી ભિક્ષા તે કેવી રીતે મગાય ?’’

‘‘એનો ઉપાય હું તમને બતાવું’’

ભાતુ ભૂખ્યાને ખવડાવી દેનાર, રૂપિયા લુંટારાને દેખાડી દેનાર સહજાનંદ સ્વામી પર તેની અકળલીલાને ઉકેલવા મથતી મીટ માંડીને લાલજી ભગતે ભારો ભાર ભરોસો રાખીને કહ્યુંઃ

‘‘બતાવો ઉપાય’’

પોતાના ખડિયામાંથી ભગવાં વસ્ત્ર કાઢી કહ્યું ઃ ‘‘લ્યો ભગત, આ પહેરીને ગામમાં ભિક્ષા માંગો. બે કામ સરશે. એકતો તમનો કોઈ ઓળખશે નહીં, બીજું ભિક્ષા મળશે’’

લાલજી સુથાર પળવાર ભગવા વસ્ત્રને નિરખી રહ્યા. જે વડલા હેઠય એક સમયે પોતાની જાનનાં ગાડાં છૂટ્યાં,તાં, જનડિયુંના ગહેકતા ગળાએ ગીતોના ગુંજાવરે ગામનો ગોંદરો ભરી દીધો’તો, જ્યાં ઢોલા ત્રાંસા અને શરણાયુંના સૂરે પોતાનું સામૈયું થયું તું ! ગોળના પાણીએમોં મીઠા થયા’તા, આ અધોઈ ગામના પાદરમાં સંસારના સોણલાની છાબો છલકાણી’તી એજ વડલા હેઠય ભગવા ! વાર કિરતાર તારી કળા અપરંપાર! ‘‘લાવો મા’ રાજ !’’

‘લાવો મા’રાજ’ બોલીને લાલજી સુથારે ભગવાં વસ્ત્રો હાથ ધર્યા. વડલાની ઓથે સંસારી વસ્ત્રો ઉતારી સાધુનાં વસ્ત્રો ધારણ કર્યા. જોળી સહિત અધોઈ ગામમાં સાધુ તરીકે પ્રવેશ કર્યો ત્યારે શ્રીહરિએ જાણ્યું કે લાલજીભગતના લલાટના લેખ ઉઘડવાનું વેળુ આવીને ઉભું રહી ગયું છે. લાલજી ભગતે ગામમાં ફરતા ફરતા સસરાને આંગણે આવીને ભિક્ષાનો સાદ કર્યો. સંસારી જીવનની ધર્મપત્નિના હાથે ભિક્ષા પામીને પંડ્યે પાછા વળ્યા ત્યારે નિર્મોહી મન સાવ નીતરીને નિર્મળ થઈ ગયું હતું.

મહારાજ અને ભગત ભિક્ષાનું ભોજન લેવા બેઠા. જમતાં જમતાં શ્રીજી મહારાજે લાલજી ભગત પર નજર ઠેરવી પ્રશ્ન પૂછ્‌યો ઃ

‘‘ભગત ! તમે ગુરુરામાનંદ સ્વામી પાસે દીક્ષા લેવાનો મનસૂબો મૂકેલો ?’’

‘‘હા મહારાજ, મનની ઈચ્છા તો મૂકેલી હતી, પણ…’’

‘‘પણ શું ?’’

‘‘સમય આવ્યે સંસારમાંથી ખેંચી લઈશ’’ એમ ગુરુએ કહેલું.

‘‘એ સમય આ વડલા હેઠ્ય આવી ગયો જાણો ભગત’’

‘‘હું કાઈ સમજ્યો નહીં મહારાજ’’

‘‘જ્યારે તમે સંસારી વાધા ઉતારી સાધુનાં વસ્ત્રો ધારણ કર્યા તે પળ પાકી ગયેલી હતી તેની પાછળ ગુરુ રામાનંદ સ્વામીની પ્રેરણા હતી

‘‘એટલે ?’’

‘‘એટલે એમ કે તમે આ ક્ષણેથી લાલજી સુથાર નહી પણ ‘‘નિષ્કુળાનંદ સ્વામી’’

અને સરિતાનો પૂનિત પ્રવાહ મહાસાગરમાં સમાઈ ગયો.

નોંધ ઃ સ્વામી નિષ્કુળાનંદજીએ ભક્તિ પદો રચીને બહુમૂલ્ય પ્રદાન કરેલું છે. તેમણે ભક્તચિંતામણી ગ્રંથની રચના કરેલી

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!