મેઘો ભગત

ખોબા જેવા નાનકડા ગામની પછવાડાની શેરીમાં, બેઠા ઘાટના મકાનની ઓસરીમાં પતિ પગરખાં સીવે છે, પત્ની પગરખાંમાં વાપરવાના દોરા વણે છે. ગામનાં તોરણ બંધાયાં એ વાતને સો વરસ થયાં અને સોના સૈકામાં ન બની હોય એવી ઘટના બની છે. ગામના ઘરેઘરમાં અરેરાટી છે… એ અરેરાટીના છાંટા આ આંગણે પણ ઊડ્યા છે. પતિ-પત્ની સંવાદે ચડ્યાં.

‘આપણા ગામમાં જ કે’ હરાજી થવાની છે.’ પત્ની બોલી:

પતિ કહે : ‘કેમ?’

‘હા, આપણા ગોચરની હરાજી… જુલમ નથી? હડાબોળ કળજગ, બીજું શું?’

‘ભારે કરી…!’ પતિ સમજણવાળું હસ્યો અને પગરખાંના ચામડામાં આર ઘોંચી ‘થઇ ભારે…!’

‘ગાયું ભૂખી મરશે, વલવલશે…’

‘તારા બાપે તને એકાદ ગાય ધામેણી દીધી છે?’ પતિ ટેભા લેતો લેતો વળી હસ્યો: ‘તારે વળી શાનું દુ:ખ?’‘વાંકાં શું લેવા બોલો છો?’ પત્ની ઓશિયાળી થઇ: ‘મારે અને તમારે ધોળાં પળિયાં આવ્યાં… હવે મારા બાપને શું કામે સંભળાવો છો? મારો બાપ તો ગરીબ હતો બચ્ચારો! ગાય ક્યાંથી આપે?’

‘તો પછી દોરા વણવા માંડ્યો. આપણો ધંધો ભલો અને આપણે ભલા. આપણે ગાય નથી, ગોચરમાં ચરવા જાવાની નથી… પછી પેટબળતરા શાની?’‘અરરર! એવું શું બોલો છો? ગાય આપણી હોય તો જ એની ઉપર દયા? ગામની ગાયો ઉપર દયા નહીં? ઇ ગાયો ભૂખી રહેશે એનું કાંઇ નૈ?’

‘જો ઉજમ!’ પતિ થોડો સહિષ્ણુ થયો: ‘દયા હોય તો પણ આપણે શું કરીએ? આ કાંઇ પાંચ-પચ્ચીસ રૂપિયાનો મામલો નથી. સો સોની નોટોની વાતો છે અને તું કાંઇ એટલું બધું દે ખરી?’

‘હા…’ પત્નીએ દોરાને પગના અંગૂઠામાં દબાવીને બે હથેળીઓની ભીંસ દીધી: ‘દઇ દઉં! સો સોની નોટો જો મારા ઘરમાં હોય તો બધી દઇ દઉં: આપણા ગામના ગોચરને કાંઇ જાવા દઉં? મૂઓ જેરામો પણ કેવો પાકયો? ગાયોનું ગોચર ખેડવા ઊભો થયો, પાપી! જોજયો ઇ રોયો આપણા ગામનું ગોચર લઇ જાવાનો. પાપિયો! અભાગિયો! આખા ગામમાં કાળો કકળાટ થાય છે. તમે નથી સાંભળતા?’

‘શું કકળાટ થાય છે, ઉજમ?’

‘કે’ છે: આપણું ગામ સો ખોરડાંનું નાનું ગામડું છે. ગોચરને રાખવા માટે ગામ પાસે પૈસા નથી. ગામમાં ફાળો હાલે છે.’‘એમ?’‘ને ત્યારે? તમે નથી જોતા?’‘હું ક્યાંથી જોઉં? ફાળો લેવા આપણે ઘેર કોઇ નથી આવ્યું.’‘આપણે ગરીબ ખરાંને? તમે ફાળો નોંધાવત?’‘હા, વળી. તું કહે તો હું જરૂર નોંધાવું.’‘નોંધાવો. મારી હા છે.’

‘ગમે એટલા?’ પતિ ટીખળે ચડ્યો.

‘અરે, ગાયો માટે આપણું આખું ઘર લૂંટાવી દો! જાવ! હું રાજી, બસ? આ ભવે તો આપણે વાંઝિયા છીએ. કાંક પુણ્ય કરશું તો આવતો ભવ’

‘ઉજમ! જોઇ વિચારીને બોલજે. હું જો દેવા બેસીશ તો ઘર આખું તળિયાઝાટક કરી નાખીશ.’

‘કરી નાખો…! ન કરો તો મારું મોઢું ન ભાળો.’

‘તો નક્કી ને?’

‘હા… નક્કી નક્કી….! સાતવાર નક્કી, હાંઉ?’પુરુષ બહુ ચાલાક હતો. પોતે જે ઇચ્છતો હતો એ વાત પત્ની પાસે નક્કી કરાવવા માગતો. થઇ ગઇ!

‘તો હવે જોજયે, આ મેઘા ભગતનો ઝપાટો.’ કહીને એણે ચામડા ઉપર વિંગડો પછાડ્યો. એક, બે અને ત્રણ! દાંત પીસીને બોલ્યો: ‘ઇ બેકડા ગામના જેરામ બોટાણીને, વીરાપુરાનો આ મેઘો દેખાડી દેશે કે બેટા! અમારા ગામનું ગોચર તને ન મળવા દઉં, તેં ગાયોના ચરણ ઉપર હાથ નાખ્યો?’

હા, એ જમાનો હતો. ગોચરની જમીન ગાયોની ગણાતી-એમાંથી ઘાસની સળી લેવી એ પણ પાપ મનાતું. એ જમીનના વેચાણહક નહોતા. જમીનની હરાજી થતી. વધારે પૈસા આપે એને જમીન મળે. પછી મહેસૂલ ભરે અને જમીન ખેડી ખાય. પરંતુ ગોચરની જમીન કોઇ રાખે નહીં. એની હરાજી ન થાય. એ પડી રહે અને ગામની ગાયો આખું ચોમાસું એમાં ચરી ખાય.

પણ આટલાં વરસમાં બેકડા ગામનો જેરામ બોટાણી એક એવો નીકળ્યો કે વીરાપુરાનું ગોચર ખેડવા તૈયાર થયો. માપણી-કારકુન સામે નકશો ધરીને એણે પોતાની બાજુના ગામ વીરાપુરાનું દોઢસો વીઘા ગોચર હરાજીથી રાખવા અરજી કરી. મહેસૂલી અધિકારીએ અરજી માન્ય કરીને હરાજીની તારીખવાળી નોટિસ કાઢી અને નોટિસ ઉપર જૂનાગઢ રાજ્યની મહોર મારી…

વીરાપુરા ગામમાં સન્નાટો ફરી વળ્યો. ઘેર ઘેર કાળો કકળાટ ઊઠ્યો: ‘અરરર! આપણા ગામની ગાયોનો કોળિયો ઝૂંટવાઇ ગયો.’એકાદ-બે દિવસના કકળાટ પછી ગામના આગેવાનોએ હૈયાં કઠણ કર્યા. ગામફાળો કરીને ગોચરને ગામમાં જ રાખવું. સો ઘર ફર્યા ત્યારે બસો રૂપિયા ઊભા થયા. માત્ર એક મેઘા ભગતને ગરીબ ગણીને એના બે રૂપિયા જ લીધા! નિયત તારીખે વહીવટદારોનો ગામના ચોરે મુકામ થયો. બેકડા ગામનો જેરામ બોટાણી આવી પહોંચ્યો… હરાજી શરૂ થઇ… ‘પચસા… સો…. સવાસો… દોઢસો… પોણા બસો… એક બાજુ વીરાપુરાનું આખું ગામ અને એક બાજુ જેરામ બોટાણી એકલો.’ ‘મારા સવા બસો…’ જેરામ ધડાકો કરીને ઊભો રહ્યો.

ગામનું તળિયું આવી ગયું. બસો રૂપિયા કરતાં વધારે એક પાઇ પણ નહોતી ગામ પાસે…! કકળાટ મચી ગયો. ગામ લાચાર થઇને બેસી ગયું. ગામનું ગોચર ગામમાંથી ચાલી નીકળ્યું હતું. સો વરસથી ગામની ગાયો ચરતી હતી હવે ભૂખે ભાંભરડા દેશે… અરર! હે ભગવાન!

‘મારા અઢીસો રૂપિયા!’ ટોળાંને છેવાડેથી અવાજ આવ્યો. પછી મેલું-ફાટેલું, જેમ તેમ બાંધેલું ફાળિયું થોડુંક કળાણું…‘એલા આ તો મેઘો ભગત…!’ અઢીસો રૂપિયા બોલ્યો! ક્યાંથી કાઢશે રૂપિયા!

‘મારા ત્રણસો.’ જેરામ બોટાણી ભભક્યો.‘મારા ચારસો!’ મેઘાએ હાથ ઊંચો કર્યો.‘પાંચસો.’ જેરામ ત્રાડ્યો.‘મારા સાડા પાંચસો.’ મેઘાનો હાથ ઊંચકાયો.‘મેઘા !’ જેરામ બોટાણીને સાદ ફટાકિયો થઇને ફૂટ્યો: ‘ભાંગ તો નથી પીધીને?’‘દૂધ પીધું છે. જેરામભાઇ!’ મેઘો હળવાશથી બોલ્યો: ‘ગોચર તો મારે જ રાખવું છે.’‘હેં?’ ગામ હવે ચોંક્યું: ‘ગોચર મેઘો ભગત લઇ લેશે! હત માળા! ખોરા ટોપરા જેવી દાનત! વાંઝિયો છે છતાં ગોચર હડપ કરવા માગે છે? માળો ચિંથરાં જેવો! બસ ગોચર પડાવી લેવા જ રૂપિયા ભેગા કરતો’તો!’‘રહેવા દે, મેઘા! આ ધંધો રહેવા દે.’ ગામે એને વાર્યો. એટલામાં જેરામ બોટાણી ગજર્યો: ‘મારા પોણા છસ્સો.’‘મારા પૂરા છસ્સો!’ મેઘો ઊછળ્યો.

‘મેઘાભાઈ! જોઇ-વિચારીને બોલ કરજો.’ વહીવટદાર, આ ચિંથરિયા જેવા માણસને અવિશ્વાસથી, અજંપાથી જોઇને બોલ્યો: ‘રૂપિયા અહીં સ્થળ પર જ વસૂલ કરીશ.’ જેરામ બોટાણી પાવરમાં આવ્યો : ‘મારા સવા છસ્સો!’‘બોલો, ભગત!’ પત્ની મેઘાની પડખે આવીને ઊભી રહી: ‘બોલો, તમ તમારે!’ગામ ચિલ્લાયું : ‘રહેવા દે મેઘા! મેઘા! મેઘા! ઘરનો દીવો ઘર સળગાવશે? તું ગામનો થઇને ગામની ગાયોનું બૂરું કરીશ?’મેઘાને ઓ’તાર ચડ્યો : ‘મારા પૂરા સાતસો!’જાણે આકાશમાંથી વીજળી પડી. ગામ બધાનાં કાળજાં અધ્ધર ચડી ગયાં.

જેરામ બોટાણીના હાંજા ગગડી ગયા! હવે એના ગજા બહારની વાત હતી. પાંચસોની માંડ કિંમત થાય એવું ગોચર, સાતસો રૂપિયાના ડુંગરે જઇને ઊભું હતું!જેરામની જીભ સિવાઇ ગઇ.‘સાતસો રૂપિયા, ત્રણવાર!’ વહીવટદારે ફેંસલો ટીપ્યો.મેઘા ભગતે મેલા, ફાટેલા પંચિયાની પોટલી વહીવટદારના પગ આગળ મૂકી : ‘ગણી લ્યો સા’બ! વધે એટલા મને પાછા આપો.’

સાતસો લીધા પછી સવા બસો રૂપિયા વધકના નીકળ્યા…! મેઘો લઇને ચાલતો થયો!‘મેઘા ભગત! તમારે ખાતે લખ્યું છે. સહી કરતા જાવ.’ અમલદારો બોલ્યા.‘ના રે બાપા!’ મારા ખાતે શાનું?’‘તો?’‘તો શું? હતું એમને એમ, ગામને ખાતે લખો. ઇ તો અમારા ગામનું હતું અને અમારા ગામનું જ રહેશે.’ મેઘો ભગત ચાલતો થઇ ગયો.‘હેં?’ ગામ આખાના હોઠમાંથી હર્ષનો એક ઊછળતો, કૂદતો ઉદ્ગાર નીકળી પડ્યો: ‘ગામ માટે? રંગ મેઘા ભગતને? તેં તો ગામની આબરૂ રાખી.’

તોરણ – નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!