ભગવાન શ્રીકૃષ્ણ દીવાની મીરાંબાઈ 

ચિત્તોડ જેટલું ઐતિહાસિક છે એટલું જ એ ધાર્મિક પણ છે. ચિત્તોડમાં જેટલાં ઐતિહાસિક સ્મારકો છે એટલાંજ પ્રસિદ્ધ મંદિરો પણ છે. ગઢ કાલિકા, શિવ મંદિર, કૃષ્ણ મંદિર અને મીરાં મંદિર. મીરાં બાઈના મંદિરની વાત જ અનેરી છે એમાં જાઓ ને તમે તો તમને એમજ લાગશે હમણા જ મીરાંબાઈ કૃષ્ણના પદો ગાવાં લાગશે.

આ મંદિર એ અનુભૂતિનું મંદિર છે. જે મને થઈ છે ……. બીજાં કોઈને થાય કે નહીં એની તો મને ખબર નથી. આ મંદિર એક આગવી ભાત પાડતું મંદિર છે કારણકે એમાં કોઈ ભગવાનની મૂર્તિ નથી. જે છે એ મીરાંબાઈની સ્મૃતિઓ છે જે આપણે આપણા હૃદયમાં કાયમી ભરીને સાથે લાવવાની હોય છે. જીવનનું અમુલ્ય ભાથું છે —– આ સ્મૃતિઓ. આ મંદિરનું શિખર એ બીજાં તે સમયનાં મંદિરો કરતાં અલગ જ છે કારણકે એનો ગુંબજ વિશાળ અને શિખર ઊંચું છે. જે તમને ઓરિસ્સાની યાદ અવશ્ય અપાવે છે !!!! આ મંદિર અંદરથી બહુ જ સામાન્ય છે પણ આજુ બાજુ અદ્ભુત કોતરણીઓ છે. આ મંદિર અત્યારે પણ મીરાંબાઈની યાદ અને ચિત્તોડની શાન છે.

મીરાંબાઈનાં જન્મસ્થળ મેડતામાં પણ એક અદ્ભુત આસ્થાઓથી ભરપુર અને માનવ મહેરામણ થી ઉભરાતું મીરાં મંદિર છે જ. આ મંદિરમાં લોકોને અખૂટ અને અપાર શ્રદ્ધા છે. ત્યાં મેળાઓ ભરાય છે અને ઉત્સવો ઉજવાય છે. આ મેડતા જાણીતું થયું જ છે મીરાંબાઈને લીધે જ અને આ મંદિરને લીધે જ. આ મંદિર વશે બહુ ઓછાને ખબર છે અને એટલાં જ માટે એ જોવા કોઈ જતું નથી, પણ ત્યાં જવા જેવું છે હોં કે !!! ગુજરાતી થઈને આપણે મેડતા નાં જઈએ કે ચિત્તોડ નાં જઈએ તો આપણું ગુજરાતીપણું લજવાય !!!

ગુજારતી સાહિત્યમાં ભક્તિ સંપ્રદાયની શરૂઆત જ નરસિંહ મહેતા અને મીરાંબાઈએ કરી હતી એટલાં જ માટે ગુજરાતી સાહિત્યનાં આ શરૂઆતના યુગને જ નરસિંહ-મીરાં યુગ કહેવામાં આવે છે. આ બન્નેના પદો અને ભજનો આજે પણ ગુજરાતમાં ઠેર ઠેર ગવાતાં જ હોય છે. આ બંનેની કૃષ્ણ ભક્તિ અને મન પ્રત્યેના લાગાવને જ કારણે એમણે ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયેલો !!! આ બન્ને એ ગુજારતી સાહિત્યને એક નવી દિશા અર્પેલી એ નિર્વિવાદ છે !!!!

મીરાં બાઈ (૧૪૯૮ -૧૫૪૭) એક રાજપૂત રાજકુમારી હતી, જે ઉત્તરી-પશ્ચિમ ભારતનાં રાજસ્થાનમાં રહેતી હતી. મીરાંબાઈ ભગવાન કૃષ્ણની ભક્ત હતી અને મીરાંબાઈને પ્રેમભક્તિની અગ્રણી પ્રતિપાદક કહેવામાં આવે છે એમણે ભગવાન કૃષ્ણની પ્રશંસા વ્રજભાષા અને રાજસ્થાની ભાષામાં ભજન ગયા હતાં

મીરાબાઈનો જન્મ ઇસવીસન ૧૫૦૪માં રાજસ્થાનના મેડતામાં થયો હતો. મીરાંબાઈના પિતા રત્નસિંહ , જોધપુરનાં સંસ્થાપક રાવ જોધાજી રાઠોડનાં વંશજ રાવ દુદાનાં પુત્ર હતાં. મીરાંબાઈને એમનાં દાદાજી એ પાળી-પોષીને મોટી કરી …… શાહી પરિવારોનાં રીતિ રિવાજ અનુસાર એમની શિક્ષામાં શાસ્ત્રોમાં જ્ઞાન, સંગીત, તીરંદાજી, તલવારબાજી, ઘોડેસવારી અને રથ ચલાવવાનો આવતાં હતાં. એમણે યુદ્ધની આપદા આવવાં પર અસ્ત્રશસ્ત્ર ચલાવવાની પણ તાલીમ આપવામાં આવી હતી !!! જો કે આ બધાની સાથે મીરાબાઈનું બાળપણ કૃષ્ણ ચેતનાનાં વાતાવરણમાં વીત્યું જેને કારણે એમનું જીવન ભક્તિ તરફ વળી ગયું !!!

વિદ્વાનોમાં એમની જન્મ-તિથિ સંબંધમાં મતૈક્ય નથી …… કેટલાંક વિદ્વાન એમનો જન્મ ઇસવીસન ૧૪૩૦માં માને છે અને કેટલાંક ઇસવીસન ૧૪૯૮ !!! મીરાંબાઈ મેડતા મહારાજનાં નાનાં ભાઈ રતનસિંહની એક માત્ર સંતાન હતી. એમનું જીવન બહુજ દુખ અને કષ્ટમાં વ્યતીત થયું હતું !!! મીરાં માત્ર ૨ જ વર્ષની હતી ત્યારે એની માતાનું મૃત્યુ થઇ ગયું
એટલે એમનાં દાદા રાવ દુદા એને મેડતા પોતાની સાથે લઇ આવ્યાં અને પોતાની દેખરેખમાં એનું પાલન-પોષણ કર્યું. રાવ દુદા એક યોદ્ધા હોવાની સાથે-સાથે ભક્ત હૃદય વ્યક્તિ પણ હતાં અને સાધુ-સંતોની આવન-જાવન એમને ત્યાં અવિરત ચાલુ જ રહેતી હતી !!!! એટલાં માટે મીરાં બચપણથી જ ધાર્મિક લોકોનાં સંપર્કમાં આવતી રહી !!!

જ્યારે મીરાબાઈ કેવળ ૪ વર્ષની હતી ત્યારથી જ તે પોતાનો સમય કૃષ્ણ ભક્તિમાં વ્યતિત કરતી હતી. મીરાંબાઈએ એક દિવસ એમનાં ઘરની બહાર એક વિવાહ સમારંભ જોયો, જેમાં એણે સુંદર વેશમાં દુલ્હાને જોઇને એની માં ને પૂછ્યું “માં મારો દુલ્હો કોણ બનશે?” મીરાબાઈની માં એ કૃષ્ણ ભગવાનની તસવીર તરફ જોઇને કહ્યું.”મારી પ્યારી મીરાં ….. ભગવાન કૃષ્ણ તારો દુલ્હો બનશે !!!”.આ વાતનાં કેટલાંક દિવસો પછી મીરાંબાઈની માંનું અવસાન થઇ ગયું. જેમ જેમ મીરાંબાઈની ઉંમર વધતી ગઈ એમણે એમ લાગવાં લાગ્યું કે ભગવાન કૃષ્ણ એમની સાથે વિવાહ કરશે. આ દરમિયાન એમણે કૃષ્ણને એમનાં પતિ માની લીધાં હતાં

મીરાંબાઈ પ્રતિભાશાળી, મૃદુભાષી અને મધુર અવાજમા ગાતી હતી. મીરાંબાઈ એ સમયમાં સૌથી સુંદર મહિલાનાં રૂપમાં પ્રસિદ્ધ હતી અને એની સુંદરતાની ખબર આસપાસનાં રાજ્યોમાં પણ ફેલાઈ ગઈ હતી. મીરાબાઈની પ્રસિદ્ધિ જોઇને રાણા સાંગાએ પોતાનાં પુત્ર ભોજરાજનો વિવાહ મીરાબાઈ સાથે કરાવવાં માટે રાવ દુદાને મળ્યાં. રાવ દુદા રાજી થઇ ગયાં ….. પરંતુ મીરાં કૃષ્ણપ્રેમમાં તલ્લીન હોવાંનાં કારણે અન્ય પુરુષ સાથે વિવાહ નહોતી કરવાં માંગતી !!! વિરોધ કરવાને બદલે પોતાનાં દાદાજીની વાત રાખવાં માટે એમણે ભોજરાજ સાથે વિવાહ કરી લીધો !!! ઇસવીસન ૧૫૧૩માં મીરાંબાઈનો રાજા ભોજરાજ સાથે ૧૪ વર્ષની ઉંમરમાં જ વિવાહ થઇ ગયો અને એ રાણા ભોજરાજ સાથે ચિત્તોડગઢ ચાલી ગઈ.

Meera Mandir, Chittorgarh

પોતાનાં ઘરનું કામકાજ નીપટાવ્યાં પછી મીરાંબાઈ રોજ કૃષ્ણમંદિરમાં જતી હતી અને ભગવાન કૃષ્ણની સામે નાચતી અને ગાતી હતી. રાનાડે ભોજરાજની માંને એમનો આ વ્યવહાર પસંદ નહોતો આવતો. મીરાબાઈની સાસુએ એને  માં દુર્ગાની પૂજા કરવાંનો બાધ્ય કર્યો પરંતુ મીરાંબાઈએ નાં પડતાં કહ્યું કે  —— “મેં મારું જીવન પહેલાંથી જ ભગવાનકૃષ્ણને સમર્પિત કરી દીધું છે…..” મીરાબાઈની નણંદે મીરાંને બદનામ કરવાં એક ષડયંત્ર રચ્યું. એને રાણા ભોજરાજને બતાવ્યું કે મીરાં કોઈ સાથે ગુપ્ત રૂપે પ્રેમ કરે છે અને મીરાબાઈને મંદિરમાં મેં એને એમની સાથે વાતો કરતાં જોઈ છે. આ વાત સાંભળતાં જ મહેલની સ્ત્રીઓ બડબડવાં લાગી કે મીરાં રાણા પરિવારની સાખ પર કલંક છે  …….

આ વાતોથી ગુસ્સે થઈને રાણા ભોજરાજ હાથમાં તલવાર લઈને દોડતાં દોડતાં મીરાંબાઈ પાસે પહોંચ્યાં, પરંતુ સંયોગવશ મીરાં એ સમયે મંદિર ગઈ હતી !!! સક શાંત અને સમજદાર રિશ્તેદારે રાણા ભોજરાજને સલાહ આપી કે “રાણા, તમે પોતાની જલ્દબાજીમાં લીધેલાં નિર્ણય લઈને પસ્તાવાનો વારો આવશે, પહેલાં આરોપની તપાસ કરો અને તમને આપોઆપ સત્યની ખબર પડી જશે. મીરાબાઈ ભગવાનની ભક્ત છે, યાદ કરો કે તમે એનો હાથ પકડયો હતો. ઈર્ષ્યાને કારણે કેટલીક સ્ત્રીઓ મીરાંની વિરુદ્ધ સાજીશ રચીને તમને ભડકાવે છે જેથી કરીને તમે એમને ખતમ કરીદો. રાજા ભોજરાજ શાંત થઇ ગયાં અને પોતાની બહેન સાથે મધ્ય રાત્રીએ મંદિરમાં ગયા….રાણા દરવાજા ખોલીને દોડતાં અંદર ગયાં અને એમણે મીરાંબાઈએ એકલામાં પોતાને મૂર્તિ સાથે વાત કરતાં અને ગીત ગાતાં જોયાં.

રાણાએ ચીસ પાડીને મીરાંને કહ્યું  —– “મીરાં પોતાનાં પ્રેમીને મને બતાવો જેની સાથે તમે વાત કરી રહ્યાં છો …..!!!” મીરાંબાઈએ જવાબ આપ્યો —– ” આ સામે ભગવાન બેઠાં છે જેમણે મારું દિલ ચોર્યું છે. રાણા મીરાંબાઈના કૃષ્ણપ્રેમને સમજી ગયાં એનાં પછી ઘણી વખત સ્ત્રીઓએ મીરાંબાઈ વિરુદ્ધ સાજિશ રચી, પરંતુ મીરાનો વાળ પણ વાંકો નાં થયો.મીરાબાઈ પોતાનાં પરિવાર સમક્ષ સદૈવ શાંત રહેતી હતી. જયારે પણ કોઈ એમનાં વૈવાહિક જીવન વિષે પૂછતાં તો એ ભગવાન શ્રીકૃષ્ણને જ પોતાનાં પતિ બતાવતી હતી. રાણા ભોજરાજનું હવે દિલ તૂટી ગયું પરંતુ એ જીવન પર્યંત મીરાંબાઈ સાથે સારાં પતિની જેમ જ રહ્યાં !!!

મીરાંબાઈને એક દિવસ એક ટોકરીમાં સાપ રાખીને મોકલ્યો અને સાથે એપણ સંદેશ મોકલાવ્યો કે આમાં તો ફૂલોની માળા છે. મીરાંબાઈ ધ્યાન ધર્યા પછી જ્યારે ટોકરી ખોલીને જોયું તો એમાં ફૂલોની માળા પહેરેલાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ હતી. મીરાંબાઈનાં દેવરે અમૃતનો પ્યાલો કહીને એને ઝેરનો પ્યાલો મોકલ્યો …… મીરાંબાઈએ એને ભગવાન શ્રીકૃષ્ણને ચઢાવ્યો અને એને પ્રસાદનાં રૂપમાં પી લીધો જે વાસ્તવમાં અમૃત બની ગયું હતું !!! એમણે મોકલાવેલું ખીલાઓનું બિસ્તર ગુલાબનાં બિસ્તરમાં બદલાઈ ગયું. જ્યારે યાતનાઓનો આ સિલસિલો ખુબજ વધી ગયો ત્યારે મીરાબાઈએ ગોસ્વામી તુલસીદાસને એક પત્ર મોકલ્યો આને એમની સલાહ માંગી !!!

એમણે પત્રમાં લખ્યું —–
“મને મારાં સગાઓ જ લગાતાર યાતના આપે છે પરંતુ હું ભગવાન કૃષ્ણની આરાધના કરવાની નથી છોડી શકતી, હું હવે મહેલમાં ભક્તિ અભ્યાસ નથી કરી શક્તી, મે તો બાળપણથી જ ગિરધરગોપાલને પોતાનાં મિત્ર બનાવી દિધા હતાં અને હું હવે એમની સાથે એટલી બધી જોડાઈ ગયેલી છું કે કોઇ પણ આ બંધન ને નાજ તોડી શકે !!!

પત્રનાં જવાબમાં તુલસીદાસે જવાબ આપ્યો —–
” એ લોકોને ત્યાગી દો જે તમને નથી સમજતા અને તમને આરાધના નથી કરવાં દેતાં, ભલેને એ તમારા પ્રિય રિશ્તેદાર કેમ ના હોય !!! પ્રહલાદે ભક્તિ માટે પોતાનાં પિતાને છોડી દીધાં, વિભીષણે રામ ભક્તિ માટે પોતાનાં ભાઈ રાવણનો ત્યાગ કર્યો, ભરતે પોતાની માતાનો ત્યાગ કર્યો , બલિએ પોતાનાં ગુરુનો ત્યાગ કર્યો , આ બધું કરીને એ પોતાનાં જીવનથી ખુશ હતાં !!! ભગવાન સાથે સંબંધ અને પ્રેમ જ સત્ય અને અન્નંત છે બાકી બધાં સંબંધો અસ્થાયી છે !!!”

મીરાંબાઈના જીવનમાં નવો મોડ ત્યારે જ આવ્યો જયારે એક વાર અકબર અને એમનાં દરબારી સંગીતકાર તાનસેન વેશ બદલીને મીરાંનાં ભજન સાંભળવા માટે ચિત્તોડ આવ્યાં. બન્ને મંદિરમાં પ્રવેશ કરી ગયાં અને મીરાંનાં ભજનો સાંભળવા લાગ્યાં અને જેવી મીરાંબાઈ જવાં લાગી તો એમણે મીરાંબાઈનાં પવિત્ર ચરણોને છુઈ લીધાં !!! અને અણમોલ રત્નથી બનેલો હીરાનો હાર મૂર્તિની આગળ રાખી દીધો!! આ વાતની ખબર કોઈક રીતે રાણા ભોજરાજ પાસે પહોંચી તો અકબરે એમને પગ પડેલો ગળાનો હાર ઉપહારમાં આપી દીધો. રાણાએ ઉગ્રથઈ ને મીરાબીને કહ્યું “નદીમાં જઈને ડૂબી મરો અને ફરી ક્યારે મને પોતાનો ચહેરો ના બતાવશો …… તમે મારા પરિવારનું અપમાન કર્યું છે !!!”

મીરાંબાઈએ રાણાની આજ્ઞા માનીને નદીમાં ડૂબી જવાં માટે રવાના થઇ ગઈ અને રસ્તામાં ઝૂમતાં નાચતાં ભગવાન શ્રીકૃષ્ણનું નામ લેવાં લાગી. જયારે મીરાંબાઈએ ડૂબવા માટે નદીમાં જવા પગ ઉઠાવ્યો ત્યારે એક હાથે એમને પાછળ ખેંચી લીધાં. જ્યારે મીરાંબાઈ પાછળ ફર્યા તો જોયું તો ગિરધારી કૃષ્ણ એમની સામે ઉભાં હતાં અને એમને જોતાં જ મીરાંબાઈ બેહોશ થઇ ગયાં !!! જ્યારે એમને હોશ આવ્યાં ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ હસતાં હસતાં મીરાબાઈને કહ્યું  —– ” મારી પ્રિય મીરાં, તમારુ જીવન તમારાં નશ્વર રિશ્તેદારો સાથે ખતમ થઇ ગયું છે હવે તમે સ્વતંત્ર છો, આનંદ મનાવો, તમે હંમેશા જ મારાં જ રહેશો …..!!!”

મીરાં રાજસ્થાનની ગરમ રેતાળ જમીન પર ખુલ્લા પગે ચાલી રસ્તમાં ઘણી સ્ત્રીઓ, બાળકો અને ભક્તોએ એમનું આતિથ્ય કર્યું ….. એ વૃંદાવન પહોંચ્યા અને પછી ત્યાં સંત રોહિદાસને મળ્યાં. એમાંથી એ એટલાં બધાં પ્રભાવિત થઇ ગયાં કે એમને જ મીરાંબાઈએ ગુરુપદે સ્થાપી દીધાં. આજ છાંટ એમનાં પદોમાં જોવાં મળી પાછળથી !!! વૃન્દાવનમાં એમણે ગોવિંદ મંદિરમાં પૂજા કરવાં માંડી, બસ ત્યારથી જ એ જગ્યા વિશ્વભરનાં શ્રદ્ધાળુઓ માટે પવિત્ર સ્થાન બની ગયું

પ્રશચ્યાતાપ કરતાં રાજા ભોજરાજ વૃંદાવન મીરાબાઈને જોવાં પહોંચ્યાં અને એમને પ્રાર્થના કરીને એમનાં દુર્વવ્યવહાર માટે ક્ષમા માંગી. એમણે મીરાંબાઈને પાછાં પોતાનાં રાજ્યમાં ફરવાં માટે વિનંતી કરી અને એમણે ફરીથી પોતાની રાણી બનવાંનું કહ્યું. મીરાએ રાણાને કહ્યું કે —- હવે ભગવાન શ્રી કૃષ્ણજ એમનાં રાજા છે અને પોતાનું જીવન એ એમની જ સાથે વ્યતીત કરશે. રાણા ભોજરાજ સમજી ગયાં કે મીરાં હવે એમનાં વશમાં નથી અને એ બદલાયેલાં જીવન સાથે વૃંદાવનથી ચાલી નીકળ્યાં !!!

મીરાંબાઈની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ અને એ દિવસ-રાત સત્સંગમાં જ તલ્લીન રહેતી હતી. રાણા ભોજરાજનાં અનેકવાર આગ્રહ કરવાંને કારણે મીરાંબાઈ ફરી મેવાડ પાછાં ફર્યા અને એમની જ સહમતિનો સ્વીકાર કરીને એ કૃષ્ણનાં મંદિરમાં રહેવાં લાગી. મેવાડથી એક વાર ફરી એ રાણા ભોજરાજ સાથે વૃંદાવન ગઈ અને દ્વારકામાં ….. કૃષ્ણ જન્માષ્ટમીનાં પર્વ પર મીરાં ભગવાન શ્રી કૃષ્ણનાં ભજનો પર નાચી રહી હતી અને જ્યારે ભજન ખત્મ થઈ ગયું તો એમને પાછાં જવાનું કહ્યું. મીરાબાઈ નાચતાં નાચતાં ગિરધારીનાં ચરણોમાં પડી ગઈ અને કહેવા લાગી
“હે ગિરધારી શું તમે મને બોલાવી રહ્યાં છો ? ……. હું આવી રહી છું !!!”

જયારે રાણા ભોજરાજે આ જોયું ત્યારે વીજળી ચમકી અને મંદિરનાં દરવાજા પોતાની જાતે જ બંધ થઇ ગયાં. જ્યારે દરવાજા ખુલ્યા તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પર મીરાંબાઈની સાડી લપેટાયેલી હતી અને કેવળ બાંસુરીનો જ અવાજ આવી રહ્યો હતો !!!!

મીરાં

બસ આ બે અક્ષર એટલે, “પવિત્રતા અને અમર કૃષ્ણ ભક્તિ ” મીરાં ની ભક્તિ અને કૃષ્ણ પ્રેમ ની કોમળ ભાવના, તથા તેની કૃષ્ણ પ્રત્યેની તન્મયતા તેના અલૌકિક પદ અને અને સંગીત રચનામાં પ્રતીત  થાય છે. જેને “સંકીર્તન” કહે  છે. મીરાં ને ઓળખવા ક્યાય દુર જવાની જરૂર નથી. પણ તેનું જીવન અને કવન જ મીરાં ની તન- મન- અને આત્માની પવિત્રતાની સુવાસ આપણને સંમોહિત કરી જાય છે.

આમ છતાં, “મીરાં” ને સમજવા માટે આપણે તેના જીવન અને કવન બંનેમાંથી પસાર થવું જ પડે. મીરાં ના પદોને સમજીએ તો જ અને ત્યારે જ એક ચીર શાંતિનો દરવાજો ખુલે છે અને આપણે તેના આધ્યાત્મિક મહેલના આંગણે ઉભા રહી શકીએ.અને તો જ મીરાં જેવી એક સંતના મનોરાજ્યનું મોતી આપણે પામી શકીએ.

મીરાં એટલે એક અદ્ભુત સ્ત્રી ચરિત્ર! તેના ભાવ-પદો  ઉત્તમ અને ઉંચી પ્રેમ-લક્ષણા ભક્તિ.! મીરાં એટલે કૃષ્ણ-પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ!

વૃંદાવન થી તેઓ ગુજરાતમાં દ્વારકા ગયાં. અને પછી બાકીનું જીવન તેમણે ત્યાં જ વિતાવ્યું. દરમ્યાન વિક્રમજીતની બાદ ચિત્તોડની ગાદીએ ઉદયસિંહ આવ્યો. અને તેને ચિત્તોડના પતન પાછળ ચિત્તોડની રાજરાણી અને ભક્ત-શિરોમણી મીરાનું અપમાન અને તેનું ચિત્તોડ છોડી જવું જ છે એવી તેની દ્રઢ માન્યતા હતી. તેથી તે હાથી ઘોડા અને પાલખી લઈને આદર પૂર્વક મીરાં ને પાછા ચિત્તોડ લઇ આવવા જાતે જાય છે. અને તેને ખુબ વિનવે છે,કે “માં, અમારો ગુનો માફ કરો અને અમારા આ ગુન્હાની સજા ચિત્તોડની પ્રજાને ન આપો.. આપ પાછા મહેલે પધારો.” અને મીરાં જવાબ આપે છે કે, ” જોઉં ,હુ મારા ગિરધર ગોપાલ ની રજા મળે તો આવું” આમ કહી તેઓ મંદિરમાં આવી ઉભા અને ભગવાનને કહ્યું કે,

પ્રભુ,પાલવ પકડીને રહી છું પ્રેમથી રે,
મારા છેલ્ છબીલા અંતરના આધાર,

હવે શરણાગત ની વહારે ચડજો વિઠ્ઠલા,
પ્રભુ, કૃપા કરી રાખો મીરાંને ચરણ ની પાસ!

એ જ સ્મિત, એજ મોર પીછ, અને એજ મધુર બંસી નો નાદ! અને મીરાં જાતનું ભાન ભૂલીને કૃષ્ણ ના હૃદય માં સમાઈ ગયાં! મીરાં અદ્રશ્ય થઇ ગયાં! આ સમય ૧૫૪૭ નો છે જ્યારે તેમની ઉંમર પચાસની પણ નહિ હોય!

ભારત ના સંત સાહિત્યમાં મીરાનું સ્થાન અજોડ છે. આજે ચારસો વર્ષે પણ આવી બીજી ભક્ત કવિ થઇ નથી. તેમણે વ્રજ ભાષા, હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા માં કાવ્યો ની રચના કરી છે.

જેમાં “મુખડાની માયાલાગી રે”- “જુનું તો થયું રે દેવળ”- ગુજરાતીમાં ખુબ જાણીતા પદો છે.

કૃષ્ણ તરફની અનન્ય ભક્તિ અને સર્વસ્વ સમર્પણ જે મીરાં માં જોયું છે એવી સમર્પણ ની ઉચ્ચ ભાવના અને સર્વસ્વ છોડવાની જે ત્યાગ વૃત્તિ બહુ ઓછા ભક્તોમાં જોવા મળી છે. આમ મીરાં એટલે, ઉત્તમ વૈરાગી, ઉત્કટ કૃષ્ણ પ્રેમી અને જનમ ની જોગણ.

આવો જનમ કોઈનો હોઈ શકે? કઈ જ્યોતિ આ ધરા પર જન્મે છે ? અને કઈ ચિનગારી ચિદાનંદ ની શોધ નો તણખો બની જીવન પર્યંત કયા તત્વની અંદર સમાઈ  જાય છે !

મીરાંબાઈના અતિપ્રખ્યાત પદો/ભજનો 

મીરાંબાઈ ના ભજન
મેરે તો ગિરિધર ગોપાલ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ;
દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ …મેરે તો

ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ;
સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ …મેરે તો

ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ;
અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ …મેરે તો

દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ;
રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ …મેરે તો

અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ;
મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ …મેરે તો

મારો હંસલો નાનો

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું;

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે;

ઊડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં;
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

મને લાગી કટારી પ્રેમની

પ્રેમની, પ્રેમની, પ્રેમની રે;
મુને લાગી કટારી પ્રેમની.

જળ જમુનાનાં ભરવા ગયા’તાં;
હતી ગાગર માથે હેમની રે;
મુને લાગી કટારી પ્રેમની.

કાચે તે તાંતણે હરિજીએ બાંધી;
જેમ ખેંચે તેમ તેમની રે;
મુને લાગી કટારી પ્રેમની.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
શામળી સૂરત શુભ એમની રે;
મુને લાગી કટારી પ્રેમની.

ઝેર તો પીધાં છે જાણી જાણી

ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડના રાણા;
ઝેર તો પીધા છે જાણી જાણી;

નથી રે પીધાં અણજાણી રે, મેવાડના રાણા.
ઝેર તો પીધા છે જાણી જાણી;

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.

સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે;
સંતોની સંગે હું લોભાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.

સાધુડાના સંગ મીરાં છોડી દો;
તમને બનાવું રાજરાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથી રે;
જનમોજનમની બંધાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.

મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
તમને ભજીને હું વેચાણી રે, મેવાડના રાણા;
ઝેર તો પીધાં છે જાણી જાણી.

મનડું વિંધાણું રાણા

મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું…..
નીંદા કરે છે મારી નગરીના લોક રાણા;
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું…..
ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા;
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું…..
બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા;
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું…..

મેરો દરદ ન જાણૈ કોય

હે રી મૈં તો પ્રેમ-દિવાની મેરો દરદ ન જાણૈ કોય |
ઘાયલ કી ગતિ ઘાયલ જાણૈ જો કોઈ ઘાયલ હોય |
જૌહરિ કી ગતિ જૌહરી જાણૈ કી જિન જૌહર હોય |
સૂલી ઊપર સેજ હમારી સોવણ કિસ બિધ હોય |
ગગન મંડલ પર સેજ પિયા કી કિસ બિધ મિલણા હોય |
દરદ કી મારી બન-બન ડોલૂં બૈદ મિલ્યા નહિં કોય |
મીરા કી પ્રભુ પીર મિટેગી જદ બૈદ સાંવરિયા હોય |

મુખડાની માયા લાગી રે

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા;
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;
મન મારું રહ્યું ન્યારું રે;
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;
તેને તુચ્છ કરી ફરીએ રે;
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.
સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું;
તેવા ઘેર શીદ જઈએ રે;
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.
પરણું તો પ્રીતમ પ્યારો, રાંડવાનો ભય ટળ્યો રે;
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.
મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે;
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે.

રામ રમકડું જડિયું રે

રામ રમકડું જડિયું રે, રાણાજી;
મને રામ રમકડું જડિયું.
રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું;
નહિ કોઈના હાથે ઘડિયું રે;
મને રામ રમકડું જડિયું.
મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા;
કોઈ એક વિરલાને હાથે ચડિયું રે;
મને રામ રમકડું જડિયું.
સૂના શિખરના ઘાટથી ઉપર;
અગમ અગોચર નામ પડિયું રે;
મને રામ રમકડું જડિયું.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
મન મારું શામળિયા સંગ જડિયું રે;
મને રામ રમકડું જડિયું.

નંદલાલ નહિ રે આવું

નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે;
કામ છે, કામ છે, કામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.
આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના;
વચ્ચમાં ગોકુળિયું ગામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.
વનરા રે વનમાં રાસ રચ્યો છે;
સો-સો ગોપીઓની વચ્ચે એક કહાન છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.
વનરા તે વનની કુંજગલીમાં;
ઘેરઘેર ગોપીઓના ઠામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.
વનરા તે વનના મારગે જાતાં;
દાણ આપવાની મુને ઘણી હામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.
બાઈ મીરાં રહે પ્રભુ ગિરધરનાં ગુણ;
ચરણકમળમાં મુજ વિશ્રામ છે રે;
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે.

પગ ઘુંઘરૂ બાંધ

પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||
મૈં તો મેરે નારાયણ કી આપહિ હો ગઇ દાસી રે |
પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||
લોગ કહૈ મીરા ભઇ બાવરી ન્યાત કહૈ કુલનાસી રે |
પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||
બિષ કા પ્યાલા રાણાજી ભેજ્યા પીવત મીરા હાઁસી રે |
પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||
મીરા કે પ્રભુ ગિરધર નાગર સહજ મિલે અબિનાસી રે |
પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે ||

મીરાંબાઈ કોનાં કે મીરાં કોની ? મેવાડ, વૃંદાવનકે ગુજરાતની !!! અરે ભાઈ એ તો આખાં ભારતની એના પર ક્યારેય પ્રાંતવાદનું લેબલ ના લગાડાય. આમેય નિસ્વાર્થ ભક્તિનો તો કોઈનો પણ અધિકાર છે જ ને !!! ભક્તિ અને પ્રેમ એ બ્રાંડ નથી જ !!! બહુજ સરળતા ભર્યા નિસ્વાર્થ કૃષ્ણ પ્રેમનાં પદોની કવયિત્રી મીરાને જેટલાં પણ યુગો આવશે એ બધાંજ યાદ રાખવાંનાં છે. સદાય ભક્ત સ્ત્રી અને ઉચ્ચકોટિની કવયિત્રીને શત શત નમન !!!!

——— જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!