? ગાર્ગી : મિથિલાનરેશ જનકના નવરત્નોમાંની એક પ્રખર પ્રતિભાવાન મહિલા –
ગાર્ગી વાચક્નુ નામના મહર્ષિની પુત્રી હતી. તેનું વાસ્તવિક નામ વાચક્નવી હતું પણ ગર્ગવંંશમાં જન્મી હોવાને કારણે તેનું હુલામણું નામ “ગાર્ગી” પડ્યું હતું.
આજે મહિલા સશક્તિકરણની વાત થાય ત્યારે પુરાણમાં નજર કરો તો દેખાય આવે કે, ગાર્ગી ભારતવર્ષની એવી સ્ત્રી હતી જે ભલભલા બ્રહ્મજ્ઞાની પુરુષોને હંફાવી શકતી. ગાર્ગીનું વ્યક્તિત્વ જ એટલું પ્રચંડ પ્રતિભાશાળી હતું કે એની સામે જોવાની કોઇની હિંમત નહોતી !
ગાર્ગી મુળે એક વિદુષી હતી અને મિથિલાનરેશ રાજા જનકના દરબારના નવરત્નોમાં તેમનું સ્થાન હતું ! જનક પોતે જ મહાન બ્રહ્મજ્ઞાની હતાં અને તેના દરબારમાં યાજ્ઞવલ્ક જેવા સર્વોચ્ચ મુનિરત્ન બિરાજમાન હતાં. મિથિલા આખી શાસ્ત્રવિદ્યામાં પારંગત હતી. અને ગાર્ગીને એવા વાતાવરણમાં નવરત્નમાં સ્થાન મળ્યું હતું. આથી દેખીતું છે કે ગાર્ગી જેવીતેવી તો હોય જ નહિ !
ખરેખર ગાર્ગી વેદ-વેદાંતમાં નિપુણ હતી. એની બોલવાની છટા અને કુશળતા ભલભલાને શાસ્ત્રચર્ચામાં માત કરી દેતી ! જનક રાજાની પુત્રીઓ – સતા, ઊર્મિલા, માંડવી અને શ્રૃતકૃતિ પર એમના જ્ઞાનનો પ્રભાવ હતો.
એક વખત ઘણીવારની જેમ મહારાજા જનકના દરબારમાં શાસ્ત્રચર્ચા યોજાય હતી. રાજા જનકે જેના બંને શિંગ સોનાના પત્રોથી જડેલા છે એવી હજાર ગાયો બતાવી અને કહ્યું – “જે શાસ્ત્રચર્ચામાં વિજેતા બને એ આ ગાયો લઇ જાય.”
કોઇ ઉભું ના થયું ! કોઇની હિંમત ના ચાલી. આખરે મહર્ષિ યાજ્ઞવલ્કે એના શિષ્યને કહ્યું કે “ગાયોને આપણા આશ્રમ ભણી હાંકવા માંડ !” મહર્ષિ યાજ્ઞવલ્ક ! ભારતવર્ષનું એક એવું અણમોલ રત્ન કે જે દરેક વેદ-વેદાંત ઘોળીને પી ગયેલ ! હવે એના સામે બોલવાની કોણ હિંમત કરી શકે ! પણ ગાર્ગી ઉભી થઇ ! યાજ્ઞવલ્કને એણે વિવિધ પ્રશ્નો પુછ્યા. એટલે સુધી કે એકવાર તો યાજ્ઞવલ્ક પણ એના મગજ પરનો કાબુ ગુમાવીને કહી બેઠા કે,ગાર્ગી ! હવે બસ કર. ક્યાંક એમ ન થાય કે આમ કરી કરીને તારું માથું ફાટી જાય ! ગાર્ગી અને યાજ્ઞવલ્ક વચ્ચે જે સંવાદ ચાલેલો એ અત્યંત રોચક હતો. જગતના ગુઢત્તમ પ્રશ્નો ગાર્ગીએ પુછેલા અને યાજ્ઞવલ્કે એના જવાબ આપેલા. આ વાતનું “બૃહદાઅરણ્યક” ઉપનિષદમાં બહુ સચોટ વર્ણન છે.
ગાર્ગીએ પૃથ્વી જલમાં ઓતપ્રોત છે તો જલ શેમાં ઓતપ્રોત છે ? જેવા એક પછી એક સવાલ પુછ્યા. યાજ્ઞવલ્કે એના યોગ્ય ઉત્તર આપ્યા. અંતે વાત આવી બ્રહ્માંડ પર ! યાજ્ઞવલ્કે કીધું કે આ બધું બ્રહ્માંડમાં ઓતપ્રોત છે.અને ગાર્ગીએ પ્રશ્મ નાખ્યો કે, બ્રહ્માંડ શેમાં ઓતપ્રોત છે ? એટલે યાજ્ઞવલ્કે કહેલું કે હવે તું હદ વટાવે છે ! પણ બાદમાં યાજ્ઞવલ્ક જવાબ આપે છે કે સર્વસ્વ બ્રહ્માંડ સહિત બધું એટલે બધું જ “અક્ષર”માં સમાવિષ્ટ છે ! અક્ષર નિરાકાર છે, એનો અંત નથી, એનો આરંભ નથી, એ સર્વસ્વ છે ! આમ યાજ્ઞવલ્ક ગાર્ગીને “અક્ષરમહત્વ” સમજાવે છે.
આ સંવાદને આપણે ભુલી ગયા બાકી જો એના મુળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હોત તો આજે ભારતને એ ખબર હોત કે બ્રહ્માંડ કેવડુક છે ! જ્યારે હજી “નાસા” યુગો સુધી શોધ કરે તોપણ એની તાકાત નથી કે બ્રહ્માંડનો અંત શોધી શકે ! જ્યારે આપણા ધર્મગ્રંથોમાં હજારો વર્ષો પહેલાંથી આ જવાબ આપી દેવાયો છે ! વિચાર કરો ખરેખર ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન હતી ! આજે આપણે જ એને ભુલી ગયા છે અને ભોગવી રહ્યાં છીએ !
ગાર્ગી પુછે કે, તમારે તો બે-બે પત્નીઓ છે અને છતા તમે બ્રહ્મચારી કહેવાઓ છો ! ત્યારે યાજ્ઞવલ્ક કહે છે કે, સાચો બ્રહ્મચારી એટલે “વાંઢો” નહિ પણ જે પરમતત્વની ખોજમાં લીન રહે એ બ્રહ્મચારી ! અને મારે આ પ્રેમ છે એ બંધન નથી,મારે માટે સંસાર બંધન નથી એટલે મારે પરમતત્વની સાધનામાં કોઇ અડચણ નથી ! સાચો પ્રેમ તો એ કહેવાય છે જે તમને મુક્તિ આપે, બંધન નહિ ! ગૃહસ્થજીવન વડે પણ “બ્રહ્મચર્ય” નિભાવી શકાય છે.
આમ, છેલ્લે ગાર્ગી સ્વીકારે છે કે યાજ્ઞવલ્ક નિ:સંદેહ મહાન છે અને ગાયો વાળવાનું પોતાના શિષ્યને તેમણે કહેલું તે ઉચિત જ હતું. યાજ્ઞવલ્ક પણ એના પ્રશ્ન પુછવાની વૃતિને બિરદાવે છે. જો ગાર્ગીએ પ્રશ્નના કર્યા હોત તો યાજ્ઞવલ્કે પિરસેલ આ સરળત્તમ જ્ઞાનથી આજે આપણે અજાણ હોત !
યાજ્ઞવલ્કને એકથી એક છવાયા પ્રશ્ન પુછનાર આ ગાર્ગીની મહાનતા વિશે તો શું કલ્પી પણ શકાય ! એના જેટલું મહાન “સ્ત્રી સશક્તિકરણ”નું ઉદાહરણ બીજું હોય પણ શું શકે ! વંદન એ મહાન આર્યનારીને !
– Kaushal Barad.
જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.