લોકજીવનનાં લગ્ન પ્રસંગના અદ્‌ભૂત રિવાજો

ધરતી પર ૠતુરાજ વસંતનું આગમન થાય એટલે પ્રકૃતિ પુરબહારમાં ખીલી ઉઠે છે. વૃક્ષો નવાં પર્ણો અને પુષ્પોથી અરઘી ઊઠે છે, મંજરીથી મહોરેલી આમ્રકુંજોમાં કોયલો પંચમ સૂર રેલાવે છે, ખાખરા ખીલવા માંડે છે. ડુંગરાની ગાળિયું, જંગલ ને ઝાડિયું કેશરિયા વાઘા ધારણ કરે છે. આમ વાસંતી વાયરો પ્રકૃતિમાં નવા પ્રાણ પુરે છે અને કૈંક કુંવારાઓના કાળજે પરણવાના કોડ પ્રગટાવે છે. ઢોલ ઢબૂકે છે. શરણાયું ગીતો રેલાવે છે. મટકી ને રાસડાની રમઝટ જામે છે. હોંશીલા વરરાજાની જાડેરી જાનું જોડાય છે. જાનડિયુંનાં લગ્નગીતો ઝકોળાં લેવા માંડે છે.

કોયલ બેઠી જૂનાગઢને ગોંખ
મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે રે હો રાજ
કોયલ માગે ચૂંદડિયુંની જોડય
મારા મનસુખભાઈ માગે રે લડિયલ લાડડી હો રાજ

રૂપાની ઘંટડીરોખા અવાજે ગવાતાં લગ્નગીતો અને ઢોલનો અનેરો અવાજ સાંભળીને લગ્નની માર્કેટમાંથી આઉટ થઇ ગયેલો કોઈ અભાગિયો જીવ ઢોલને ઠપકો દેતા કહે છે ઃ ‘એ ઢોલ, ભલા આદમીકોક દિ’તો મારા આંગણે આવીને વાગ્ય. મારું વાંઢામેંણુ તો ભાંગે.’

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામ પ્રદેશોમાં વસતી વિધવિધ લોકજાતિઓ પાસે લગ્નના પારંપરિક આગવા અને અદ્‌ભૂત રિવાજો જોવા મળે છે. સુધારાનો વાયરો વાતા ઘણા રિવાજો ઘસાતા ભૂંસાતા ચાલુ રહ્યા છે, ને ઘણાં લુપ્ત પણ થયા છે, ત્યારે લાખો વાચકો સમક્ષ લોકજીવનનાં લગ્ન પ્રસંગના આવા રિવાજોની નાનકડી છાબ લઇને ઉપસ્થિત થાઉં છું.

આશ્વલાયન ગૃહ્ય સૂત્રમાં મહાભારત કાળના બ્રાહ્મ, દૈવ, પ્રજાપત્ય, આર્ય, ગાંધર્વ, આસૂર, પૈશાચ અને રાક્ષસ એમ આઠ પ્રકારનાં લગ્ન થતાં. એ સમયમાં પ્રમાણસર અંગઉપાંગોવાળી અને ગળા પર વાળની બે લટ જમણી તરફ વાળતી હોય એવી, મંગલસૂચક ચિન્હો અને લક્ષણોવાળી કન્યાને પસંદ કરવામાં આવતી. વર બુદ્ધિશાળી હોય એમ કન્યા પણ બુદ્ધિમતી, સુલક્ષણી અને નિરામય આરોગ્ય ધરાવનારી હોય એ જરૂરી મનાતું. આ બધા ગુણો બાબત વરને સમજ ન પડે તો પરણનાર યુવાનને માટીના આઠ લાડવા બનાવવા સૂચવાયું છે. એના માટે એક વર્ષમાં બે પાક આપનાર ખેતરની, ગાયની ગમાણની, યજ્ઞની વેદીની, ઉનાળે સૂકાઈ ન જતાં તળાવની, જુગાર રમાતો હોય એવી જગાની, ચાર રસ્તાના ચકલાની, ઉજ્જડ જમીન અને સ્મશાનભૂમિની માટીમાંથી આ લાડવા બનાવીને કન્યાને એક લાડવો ઉપાડવા કહેવાતું. જો એ પહેલી જગાનો લાડવો ઉપાડે તો એની સંતતિ ખાધેપીધે સુખી રહે. બીજો ઉપાડે તો પશુધન મળે. ત્રીજો ઉપાડે તો સર્વ પ્રકારની સંપત્તિ મળે. જુગારની જગાને ઉપાડે તો કન્યા જુગારી બને. ચાર રસ્તાની માટીને ઉપાડે તો કન્યા ભટકતી થાય. સાતમી અને આઠમી જગાનો લાડવો ઉપાડે તો કન્યા ગરીબાઈ લાવનારી કે પતિનું મૃત્યુ લાવનાર લક્ષણવાળી ગણાતી.

સૌરાષ્ટ્રમાં ભરવાડોમાં બે ફાંટા. એક નાના ભાઈ અને બીજા મોટા ભાઈ. એમનામાં કન્યાઓની ભારે અછત. ભરવાડણો અભણ પણ ભારે હૈયાં ઉકલતવાળિયું. બે બાઇયું ને સીમંત સાથે આવે અને કુટુંબમાં અડીને સગી થતી ન હોય તો એકબીજાના પેટે ચાંલ્લા કરીને સગાઇ નક્કી કરી નાખે. પછી જો બંનેને દીકરા કે બંનેને દીકરીઓ જન્મે તો સગાઈ ફોક થયેલી માની લેવાતી. અને જો દીકરો દીકરી જન્મે તો વચન પ્રમાણે સમૂહ લગ્નમાં એક માંડવે સાગમટે સર્વેના ફેરા ફેરવી દેવામાં આવે છે. પેટચાંલ્લાવાળી સગાઈ પરંપરા આજે તો અવશેષરૂપે જ રહી છે.

હિંદુ લગ્નવિધિમાં વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશ અને ગોત્રેજની સ્થાપના, મંડપારોપણ, ઉકરડી નોતરવી, જડ વાસવી, ફુલેકુ ફેરવવું જેવી એક પારંપારિક વિધિ માણેકથંભ રોપવાની છે. મંડપારોપણ વખતે જેનાથી શુભ આરંભ કરવામાં આવે છે, એવો આ માણેક થંભ મૂળ તો પ્રસંગ નિર્વિઘ્ને ઉકેલાય એવા ઉદ્દેશથી પ્રજાપિતા બ્રહ્માના સ્વરૂપે સ્થાપવામાં આવે છે. ગામડા ગામના સુથાર ખીજડાના લાકડામાંથી નાનકડો માણકો બનાવી એને કાથા અર્થાત ગેરુથી રંગીને માણેકથંભ લગ્નવાળા ઘેર મૂકી જાય છે, પણ અહીં ભરવાડોના વિશિષ્ટ માણેકથંભની વાત કરવી છે.

ભરવાડની નાતમાં જયાં સમૂહલગન થવાનાં હોય એ ગામના ભરવાડો ઢોલ-શરણાઈ સાથે વાજતે ગાજતે સીમાડે જઈ શમી અર્થાત્‌ ખીજડાના વૃક્ષની પૂજા કરે છે. પછી લગ્ન માટે એને કાપવાની રજા માગે છે. સુથાર આખું વૃક્ષ કાપી લાવે છે. એના થડમાંથી છથી આઠ ફૂટનો ઉંચો માણેકથંભ બનાવી એના ઉપર વલોણું કરતાં કાનગોપી, હોકો પીતો ભરવાડ, ગણપતિ, ઝાડ વગેરે કોતરી ટોચ ઉપર દેગડું અને ઘડો કંડારી એના માથે છતર અને છતર ઉપર મોર બેસાડે છે. છતર ફરતી લાકડાની સાંકળો કોરે છે. આમાં કયાંય વાળાચૂંકની ખીલી વપરાતી નથી. રાતવેળાએ માણેકથંભ પાસે સોળ દીવા પ્રગટાવી ઝાકમઝોળ કરવામાં આવે છે. નાતના પટેલ અખંડ દીવો રાખે છે. રાતવેળાએ માણેકથંભ પાસે ભજનોની ઝૂક બોલે છે. લગ્ન પૂર્ણ થયે માણેકથંભને નદી કે તળાવના જળમાં પધરાવી દેવામાં આવે છે. કયારેક શિવાલયના ચોકમાં રોપી દેવામાં આવે છે. આજે ભરવાડ જ્ઞાતિમાં સુધારા દાખલ થતાં કલાત્મક માણેકથંભ ભૂતકાળનું સંભારણું બની રહ્યો છે. લેખકે આવો માણેકથંભ ૫૦ વર્ષે પૂર્વે આકરુ ગામના શિવાલયમાં જોયો હતો.

ભારતવર્ષમાં જૂના કાળે કેટલીક જાતિઓમાં લગ્ન પૂર્વે વૃક્ષ સાથે લગ્ન કરવાનો રિવાજ હતો. ‘નિર્ણયસિંધુ’, ‘સંસ્કાર કૌસ્તુભ’ અને ‘સંસ્કાર પ્રકાશ’માં જણાવ્યા મુજબ એક પછી એક એમ બે પત્ની મૃત્યુ પામે તો ત્રીજો વિવાહ કરતાં પૂર્વે ‘આર્ક વિવાહ’ નામની વિધિ કરવાનો રિવાજ હતો. સૌભાગ્યવૃદ્ધિ અને વૈધવ્યના નિવારણ અર્થે અશ્વસ્થ વિવાહનો રિવાજ અને અખંડ સૌભાગ્ય માટે ‘કુંભવિવાહ’ ની વિધિ કરવામાં આવતી. યુવાન કુંવારો દીકરો મૃત્યુ પામ્યો હોય તો એની પાછળ વાછરડા વાછરડીનાં લગ્ન કરી લીલ પરણાવવાનો રિવાજ સૌરાષ્ટ્રમાં ઘણી જાતિઓમાં આજેય જોવા મળે છે.

સરાણિયા એ મૂળ રાજસ્થાનની પણ ગુજરાતમાં વિચરતી જાતિ છે. એ જૂના કાળે તરવારો, ભાલા વગેરેને ધાર કાઢી સજી આપતા ને એનાં મ્યાન બનાવી આપતા. અન્ય જાતિઓની જેમ સરાણિયાનાં દીકરા-દીકરીનાં લગ્ન પૂર્વે એની સગાઈ નક્કી કરવામાં આવે છે. ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ની નોંધ અનુસાર કન્યાની મા અને વરનો બાપ પોતપોતાના પેટે માટીના માટલાં બાંધતાં. પછી સામસામા પેટ ભટકાડીને માટલાં ફોડી નાખતાં. આમ વેવાઈવેલા એકબીજાને દીકરા-દીકરી આપી નવા સંબંધથી જોડાતાં તેના પ્રતીકરૂપે આમ કરવામાં આવતું. આ રિવાજ કાળની ગર્તામાં વિલીન થઇ ગયો છે.

દક્ષિણ ગુજરાતમાં વસતા ચૌધરી આદિવાસીઓમાં સગાઈ પ્રસંગે દીકરા-દીકરી પક્ષના કુટુંબીઓ કન્યાના આંગણે ભેગા થાય છે. બંને પક્ષના વડીલો હાથમાં ખાખરાનાં પાન રાખે છે. પાન પર ભીની ખાંડ મૂકે છે. પછી દીકરા પક્ષની સ્ત્રીઓ પૂછે છે ઃ

‘વેવાણો ! અમારો છોરો ગમ્યો કે ?’

‘ગમ્યો એટલે તો લીલું પાંદડું પકડયું ને ?’

આમ પ્રશ્નોત્તરી પૂરી થાય એટલે નાતનો મુખી ઊભો થઈને કહે ઃ ‘અહીં પાંચ પાઘડીઓ બેઠી છે. અહીં પાંચ કાપડાં બેઠાં છે. પેલી કહેવત છે કે કાંકરે કાંકરે પાળ બંધાય. ટીપેટીપે સરોવર ભરાય. સરોવરની પાળ તૂટે, પણ સગાઇ ન તૂટે, જેના વાંકે સગાઈ તૂટે એને દંડ ભરવો પડશે.’

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં વસતા આદિવાસીઓમાં લગ્ન પૂર્વે મુહૂર્ત જોવાનો વિશિષ્ટ રિવાજ જાણીતો છે. છોકરાનો બાપ અનુકૂળતા મુજબના દિવસે નાતના માણસોને રોટલા શિરાવવા નોતરે છે. બપોરે જમી કારવીને પછી સૌ શુકન લેવા નીકળે છે. ડુંગરાની ગાળિયુંમાં સૌ ચારે બાજુ જોતાં ચાલે છે. રસ્તામાં ભૈરવ (દેવચકલી) ઉડતી જણાય તો બધાને બતાવે છે. પછી ભૈરવ જ્યાંથી ઉડી હોય ત્યાંથી ઝાડના બે પાંદડાં તોડી તેના પર પથરો મૂકી દે છે. આને મુહૂર્ત મળી ગયું માનવામાં આવે છે. જો પહેલે દિવસે ભૈરવનું મુહૂર્ત ન મળે તો બીજે દિવસે જાય છે, તેમ છતાં દેવચકલીનું મુહૂર્ત ન જ મળે તો છેવટે લગ્ન મોકૂફ રાખે છે. આવી શ્રદ્ધા આજેય આ આદિવાસીઓએ જાળવી રાખી છે.

સુરત જિલ્લાના કંકણા આદિવાસીઓમાં સગાઈ પ્રસંગે કન્યાનાં કુટુંબિયા પસંદ કરેલા દીકરાના ઘેર જાય છે. સગાસંબંધીઓ ભેગાં થાય છે. ઘરમાં ધાન ખાંડવાના ખાંડણિયા આગળ વર-કન્યાને બેસાડીને થાળીમાં ચોખા ને કંકુ નાખી દીવો કરી સગાઈ જાહેર કરવામાં આવે છે. સગાઈ બાદ કન્યા પોતાના પતિગૃહે રહેતી થઇ જાય છે. પછી જયારે લગ્નના ખર્ચાની જોગવાઈ થાય ત્યારે ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. એ વખતે એમના બાળકો પણ લગ્નમાં ભાગ લેતાં હોય છે. લગ્નની જોગવાઈ ન થાય ને બાળકો પરણાવવા લાયક થઇ જાય ત્યારે દીકરા-દીકરીના લગ્ન લેતાં પહેલા મા-બાપે અચૂક પરણી જવું પડે છે. ડાંગી આદિવાસીઓમાં પણ આવ્યો વ્યવહાર- કુશળતાભર્યો રિવાજ જોવા મળે છે.

આજથી પચાસ વર્ષ પૂર્વે અમારા ભાલ પ્રદેશ, ગોહિલવાડ ને ઝાલાવાડ પંથકમાં કણબી અને રાજપૂતોમાં વેવાઈના માંડવે વરરાજાની જાન જમવા બેસતી ત્યારે સમસ્યા, હરિયાળી ને ફટાણાં ગવાતાં. બધી રસોઈ પતરાળાં અને રામવાટકા (માટીના શકોરાં)માં પીરસાઈ જાય એ વખતે માંડવા પક્ષની ચતુર સ્ત્રી ધાન (અન્ન) બાંધતી આ મુજબ બોલે છે ઃ

બાર હાથ બોરડી તેર હાથ વેઢો,

ઈ દાતણનો નો આવ્યો શેઢો,

ઇ દાતણ તમે કરન્તે જાની,

અમીએ બાંધ્યા તમને તાણી,

હાથની હથેળી બાંધી

બાવલપરની થાળી બાંધી

તાતી રસોઈયું બાંધી

આસણ બાંધાં, બેસણ બાંધ્યાં,

બાંધ્યા ઘોડે ધુ્રવ જેમ

લીલું સૂતર પીળું સૂતર

મોર્ય જમે ઈ નીચનું પૂતર

બાંધેલ ધાનની સમસ્યાનો ઉકેલ જાનપક્ષની કોઈ સ્ત્રી ન કરે ત્યાં સુધી જાનના માણસોને ભૂખ્યા બેસી રહેવું પડતું. આમ ધાન-જમણ બાંધીને માંડવાની સ્ત્રીઓ હરિયાળીનું ગીત ગાય છે. એ પછી જાનમાંથી કોઇ ચતુર અને કોઠાસૂઝવાળી બાઈ સમસ્યાનો ઉત્તર આપી ધાન ધાન છોડે છે ઃ

બાર હાથ બોરડી, તેર ગજ વેઢો,

ઈ દાતણનો નો આવ્યો શેઢો.

ઇ દાતણ તમે કરજો જાની

અમીએ છોડયા તમને પ્રમાણી

એહણ છોડયાં, બેહણ છોડયાં

ધુ્રવતીથી ઘોડા છોડયા

બેવડ રાશ્યે બળદ છોડા

ઉડતા તો કાગ છોડયા

ધરતીના તો નામ છોડયા

અન્નપાણી છાશ્ય છોડયા

તલ સોયા તલ ઝાટકયાં

તલમાં ન મળે તરે

બાંધનારીને બેન કહી જમો તમે સવે.

ધાન છોડયા પછી જાન રંગેચંગે જમે છે અને ફટાણાંની છાકમછોળ ઉડે છે.

જૂના સમયમાં જાનને ગામના પાદરે ઉતારો અપાતો. કન્યા પક્ષવાળા વરને વધાવવા આવે. જાનનાં સામૈયા થાય. પછી વરરાજા તોરણે આવે ત્યારે ગામના ઉંચા ટોડા ઉપર વરરાજાનો સાળો પાણીનો લોટ્યકો ભરીને બેસે છે. એ સાળો બનેવીની અક્કલ હુંશિયારીનું માપ કાઢવા સમસ્યા પૂછે છે. સલોકા બોલાવે છે. ચતુર વરરાજા ફટાફટ ઉત્તર આપે તો એને મંડપમાં આગળ જવા દે છે. જો ઉત્તર ન આપી શકે તો માથે પાણીનો લોટ્યકો રેડી વરરાજાને ટાઢાબોળ કરીને માંડવે જવા દે છે.

સૌરાષ્ટ્રમાં સોરઠિયા ચારણો વસે છે. એમને આંગણે લગ્નપ્રસંગે આવે ત્યારે જાડી જાન તેડાવે છે. કાળજાના કટકા જેવી દીકરીની જાનને દિવસો સુધી આગ્રહ કરીને રોકે છે. એ વખતે બારોટો પણ આવે છે. ડાયરો થાય છે અને બારોટોને પાઘડી, રોકડ રકમ, ગાય – ભેંસનું દુઝણું કે ઘોડો આપી રાજી કરે છે. એને માંડવો વરસાવ્યો કહેવામાં આવે છે.

કચ્છના બન્ની વિસ્તારમાં સાંઢિયા ઉછેરવાની જત જાતિ વસે છે. તે મુસ્લિમ ગણાય છે, પણ લગ્નપ્રસંગે ગણપતિની સ્થાપના કરે છે. વર કન્યાને ત્યાં માડવો રોપાય છે. હિંદુ વિધિ મુજબ પીઠી ચોળ્યા બાદ મૌલવી એને કલમા પઢાવે છે.

આજે તો લગ્નપ્રસંગે વેવાઇઓની મશ્કરી કરવાનું ભૂલાઈ ગયું છે, પણ જૂના કાળે વેવાઈ લગ્નમાં આવ્યા હોય ને સૂઈ ગયા હોય ત્યારે આંખો પર પલાળેલા અસેળિયાની લૂગદી મૂકીને આંખો ચોટાડી દેવાતી. જમવા બેસે ત્યારે દાળના વાટકામાં મુઠ્ઠી ભરીને મીઠું નાખીને આપતા. સૂતેલા વેવાઈના કપડાં ગોદડા સાથે સીવી દેતા. કયારેક ઉંઘણશી વેવાઈને ખાટલાસોંતા ઉપાડીને તળાવની પાળે કે શ્મશાનઘાટે મૂકી આવતા. તે દિ’ માનવીનાં મન બહુ મોટા હતાં એટલે ખોટું કે ખરાબ લગાડતા નહીં. સૌ આનંદ માણતા.

વિરમગામ વિસ્તારના વઢિયાર પંથકમાં નાડોદા રાજપૂતોમાં લગ્ન પ્રસંગે કન્યાને આપવા માટે ભરત ભરેલો ગવાળો (મોટો થેલો) તૈયાર કરવામાં આવે છે. જાન ઉઘલે ત્યારે જાનમાંથી કોઈ મજબૂત જાનૈયો ઘરમાં ગવાળો લેવા જાય છે. એ વખતે ઘરમાં સંતાઇને ઉભેલી આઠ-દસ વઢિયારી સ્ત્રીઓ ગરમ કરેલા તેલ હળદરમાં બોળેલી ઇંઢોણીઓ ગવાળો લેવા આવેલાના બરડામાં સબોડે છે. લોંઠકો આદમી ઇંઢોણીના મારથી બચવા ગવાળો લઇને દોડવા જાય છે તો ઓરડામાં વેરેલા મગ પર લપસી પડે છે. બળૂકી બાઇઓ એને ઇંઢોણીના મારથી છઠ્ઠીનું ધાવણ ઓકાવી નાખે છે.

લગ્નના આવા લોકરિવાજો પાછળ નિર્દોષ આનંદ અને ઉદારતાની ઉદામ ભવાનાઓ ભળેલી જોવા મળે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!