લગ્નપ્રસંગે ઉકરડી નોતરવાનો અનોખો લોકરિવાજ

દિવાળીનું પાંચ દિવસનું પરબ રૂમઝૂમતું વહી જાય અને કારતકી અગિયારસના તુલસીવિવાહ રંગેચંગે ઉજવાઈ જાય તી કેડ્યે લોકજીવનમાં વિવાહ-વાજનની બઘડાટી બોલવા માંડે. લગ્નપ્રસંગે જાતિએ જાતિએ નોખનિરાળા રિવાજો જોવા મળે. આમાંનો એક ઉકરડી નોતરવાનો રિવાજ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખૂબ જાણીતો છે. લગ્નટાણે ઉકરડીની સ્થાપના થાય છે પણ આ ઉકરડી શું છે? એની સ્થાપનાવિધિ શા માટે કરાય છે એની વિધિ કરનાર બહેનોને પણ ભાગ્યે જ ખબર હોય છે. આજે મેં આ રસપ્રદ વિષય પર પ્રકાશ પાડવાનો અભિગમ રાખ્યો છે.

ઉકરડી શબ્દ સંસ્કૃત ઉત્કટ (ઢગલો) પરથી આવ્યો છે. એનો અર્થ થાય છે કચરા પૂંજાની ઢગલી. નાનો ઉકરડો. વિવાહ પ્રસંગે કચરો પૂંજો નાખવાની જગ્યા. જનોઈ અને લગ્નપ્રસંગે ઘરની બહાર સ્ત્રીઓ દ્વારા શમીની ડાળ રોપવાની ક્રિયા. શ્રી ભગવતી પ્રસાદ પંડ્યા નોંધે છે કે જેમ ઘર, ખેતર અને ક્ષેત્રના દેવતાઓ હોય છે તેમ ઉકરડી એ શેરીની દેવી ગણાય છે. તે શેરીમાં રહેનાર સૌનું રક્ષણ કરે છે. લગ્ન પ્રસંગે પ્રાચીનકાળે ઉચ્છિષ્ટ ભોજન પદાર્થ અને અન્ય કચરો નાખવા માટે ઘરથી થોડેક છેટે અમુક જગ્યા મુકરર કરવામાં આવતી. ત્યાં ખાડો ખોદી તેમાં નાનકડી કુલડી મૂકી ‘ઉચ્છિષ્ટ ભોજિની’ નામની દેવીનું આવાહન કરવામાં આવતું. કેટલાકના મતે ઉકરડી વિધ્ન કરનારી દેવી ગણાય છે, તેથી ખાડો ખોદીને તેને દાટવામાં આવે છે. લગ્નવિધિ પૂરો થતાં ઉકરડીમાં આવાહિત દેવીનું વિસર્જન કરવામાં આવતું. મહોલ્લા માતા જેવી આ એક દેવી છે, જે વિધ્નોનો નાશ કરે છે. તેથી કેટલેક ઠેકાણે ઉકરડીની જગ્યાએ ત્રિશૂળ જેવું નાનકડું આપુધ પ્રસ્થાપિત કરાય છે, તે કદાચ હદમર્યાદા બતાવવા માટે પણ હોય.

કાઠિયાવાડમાં લગ્નપ્રસંગે ઉકરડી નોતરવાનો રિવાજ ઉચ્ચ તેમજ લોકવરણમાં સર્વત્ર જોવા મળે છે. ઉકરડી નોતરવાની વિધિ લગ્નના શાસ્ત્રમાં ક્યાંય દેખાતી નથી, પણ ચાક વધાવવો, પસ ભરાવવો, પીઠી ચોળળી વગેરે વિધિઓની જેમ ઉકરડીની વિધિ પણ સ્ત્રીઓએ પાછળથી ઉમેરી દીધી હશે! આ વિધિ ખાસ કરીને સ્ત્રીઓએ જ નક્કી કરી દીધી લાગે છે, કારણ કે તેમાં માત્ર સ્ત્રીઓ જ ભાગ લે છે. પુરુષ કે ગોરમહારાજને તેમાં જરાસરખુંયે સ્થાન નથી એમ શ્રી ખોડીદાસ પરમાર નોંધે છે.

ભગવદ્ગોમંડલ ઉકરડીનું અર્થઘટન આ પ્રમાણે આપે છે. ઉકરડી અર્થાત્ એક ખરાબ દેવી, ડાકણ. લગ્ન વગેરે અવસરમાં ઘરથી થોડેક છેટે આ દેવીનું સ્થાપન ઉત્થાપન કરવામાં આવે છે. તેને ઉકરડી નોતરવી ઉઠાડવી એમ કહે છે. ઉકરડી દાટવી એટલે વિવાહ પ્રસંગે જાન આવવાના આગલા દિવસે ઉકરડા કે ભોંયમાં છાનામાના પૈસો સોપારી દાટવાં. આ રીતે મેલા દેવોને આવાહન કરી સ્થાપવામાં આવે છે. ઉકરડી નોતરવી એટલે (૧) દેવતાને આમંત્રણ આપવું. દેવીને પ્રસન્ન કરવી. (૨) લગ્નમાં બૈરાં ગાતાં ગાતાં ઉકરડા આગળ પાણી છાંટી પાપડ, પુરી, સોપારી અને પૈસો મૂકે. દૂધ વેચનારી બાઈ તે લઈ લ્યે ત્યારે સૌ હડેહડે કરે તેવી ક્રિયા કરવી. ઉકરડી ની સરખામણી દીકરીની ઊંમર સાથે કહેવતમાં કરવામાં આવી છે. ‘ઉકરડીને દીકરી વધતાં વાર નંઈ.’ દીકરી જોતજોતામાં ઊંમરલાયક, પરણવા લાયક થઈ જાય છે એ ભાવ અભિપ્રેત છે.

ઉકરડીનું સ્થાપન શેરીમાં શા માટે કરવામાં આવે છે એની એક દંતકથા આ પ્રમાણે મળે છે. ઘણાં વરસો પૂર્વે સૌરાષ્ટ્રના એક સંસ્કારી બ્રાહ્મણનો દીકરો કાશીથી ભણીને પાછો આવતો હતો. વાટમાં એક ગામ આવ્યું. તે તરસ્યો થયો હોવાથી કૂવે પાણી પીવા ગયો. બ્રાહ્મણ છું એમ કહીને એ કન્યાએ એને પાણી પાયું. પાણી પીતાં પીતાં બ્રાહ્મણ પુત્રે પોતાનું હૈયું ખોયું. તપાસ કરતાં ખબર પડી કે એ કન્યા ઉતરતા વર્ણની છે. બ્રાહ્મણ પુત્ર કહે ‘પરણું તો એને જ નહીંતર આજીવન કુંવારો રહું.’ વડીલો નામકર ગયા. બ્રાહ્મણ અને પેલી કન્યાએ કૂવે પડીને કમોત કર્યું. પરિણામે બંને પ્રેતયોનિમાં ગયાં. એ પછી કૂવા પાસે જ્યારે કોઈની જાન નીકળે ત્યારે જાનૈયાઓને તેઓ વિધ્નો નાખીને હેરાનપરેશાન કરવા માંડ્યા. પછી સૌએ મળીને આનું નિવારણ પૂછ્યું. ત્યારે પ્રેતાત્માઓએ કહ્યું ઃ ‘અમારે લગ્ન જોવાં છે. લગ્ન માણવા છે. અમને લગ્ન બતાવો તો પછી તમને નહીં કનડીએ.’

બ્રાહ્મણો બધા ભેગા થયા. તે દિ’ ઊંચનીચના ભેદ ભારે હતા. એમણે વિચાર્યું કે બ્રાહ્મણને માંડવે લઈ જઈએ પણ નીચા વરણની કન્યાને માંડવે શી રીતે લઈ જવાય? એ પછી એવો તોડ કાઢ્યો કે બ્રાહ્મણ પુત્રને માંડવામાં ક્ષેત્રપાલ ભાટીના લોટકા ઉપર મૂકેલ અણઘડ પથ્થરા તરીકે મૂકવો. તેને મગચોખાની કાચી ખીચડીનું નિવેજ કરવું. તેણે ખોટું કર્મ કર્યું હોવાથી વરકન્યાએ તેને પૂજવાને બદલે પગનો અંગૂઠો અડાડીને તેના ખોટા કર્મનું ભાન કરાવ્યું. જ્યારે પેલી પાણી પાનાર નીચા વરણની કન્યાને માંડવામાં ન લાવતાં શેરીના નાકે તેને બેસાડી. લગ્ન પતી ગયા પછી નવવઘૂ ઉકરડીને ઉઠાડીને માંડવા સુધી લઈ આવે છે અને સવા પાલી ચોખાના નિવેજ ધરાવે છે.

લગ્ન પ્રસંગે વરકન્યા બંનેના ઘેર ઉકરડીની સ્થાપના કરવામાં આવે છે. રાતના ફુલેકુ ફરીને ઘેર આવે ત્યારે જે ઓરડામાં ગણેશની સ્થાપના કરી હોય તે ઓરડામાં બાજઠ ઢાળી વર અથવા કન્યાને હાથમાં ઘઊં કે ચોખાનો ખોબો ભરાવીને ઊભાં રાખવામાં આવે છે. કુટુંબની બહેનોમાંથી એક બહેન માથે મોતીભરનો મોડિયો મૂકી માથે ચૂંદડી ઓઢી તેના પર ઇંઢોણી ને ઉપર ત્રાંબાનો કળશિયો મૂકી હાથમાં રામણદીવડો લઈ ઉકરડી નોતરવા જાય છે. બધી બહેનો ગીતો ગાતી સાથે જાય છે.

ઉકરડી નોતરતા વનમાળી રે
જડિયો છે સોનાનો ખૂંટો કે ગુજરમાળી રે

તેની ઘડાવીશ કડી વનમાળી રે
શોભાવીશ જમણા કાને કે ગુજર માળી રે

ઉકરડી નોતરવા માટે ઘર પછવાડે શેરીના નાકે નિયત સ્થળે બહેનો આવે છે. ત્યાં કુંડાળું કરીને બેસે છે. પોંખનારી સ્ત્રી પાણી રેડીને જગા લીંપે છે. તેના પર કંકુનો સાથિયો કરી ચૂંદડીના છેડેથી સોપારી ને પૈસો છોડીને મૂકે છે. છાણનો સંપુટ મૂકીને ચાર વખત તેને વધાવે છે. હાજર રહેલી સ્ત્રીઓને ઉકરડીનો ગોળ આપી કળશ્યામાંથી થોડું થોડું પાણી આપે છે. આ પ્રસંગે સ્ત્રીઓ એકલી હોવાથી મશ્કરીનાં અને ઉઘાડાં ગીતો પણ મોજથી ગાઈ લે છે ઃ

તાવડામાં ટીપુ તેલ હાજી ને હરિયાજી
કયા વહુની છઠ્ઠી કરી હાજીને હરિયાજી
તખુ વહુની છઠ્ઠી કરી હાજી ને હરિયાજી

જન્મ્યાં ત્યારે નહોતી કરી હાજી ને હરિયાજી
મા દીકરીની ભેગી કરી હાજી ને હરિયાજી.

ઉકરડી પ્રસંગે વહેંચવામાં આવેલો ગોળ સ્ત્રીઓ જ ખાય છે. લોકમાન્યતા એવી છે કે ઉકરડીનો ગોળ પુરુષો ખાય તો બાયલા થાય છે. આથી ઉકરડી નોતરવા જાય ત્યારે બહેનો છોકરાંને સાથે લઈ જતી નથી. સ્ત્રીઓ ઉકરડી નોતરીને પાછી આવે ત્યાં સુધી વર કે કન્યાને બાજોઠ ઉપર હાલ્યા ચાલ્યા કે બોલ્યા વિના મૂંગામંતર ઊભા રહેવાનું હોય છે. એની પાછળની લોકમાન્યતા એવી છે કે જો વર-કન્યા બોલે તો એમની સાસુ ગુંગણી થઈ જાય છે.

ગુજરાત સૌરાષ્ટ્રની જેમ રાજસ્થાનમાં પણ લગ્નપ્રસંગે ઉકરડીની સ્થાપના કરવાનો રિવાજ જાણીતો છે. ત્યાં સ્ત્રીઓ ગાતી ગાતી ઉકરડી નોતરવા જાય છે ત્યારે દિયર ને ભોજાઈ પણ સાથે જાય છે. એક કુલડીમાં લાડવો મૂકે છે. સાથે કપડાનો ચાબખો રાખે છે. ચતુર દિયરિયો લાડવો લેવા આવે ત્યારે ભાભી એને ચાબખાથી ફટકારે છે. પછી નક્કી કરેલી જગાએ કુલડી અને રામપાતર દાટે છે.

વાતડાહ્યા માણસો ઉકરડી પાછળનો ઉદ્દેશ આ પ્રમાણે સમજાવે છે. લગ્નવાળા ઘેર સૌ સગાવહાલા માંડવે આવે છે, ત્યારે લગ્ન મહાલવા દરદાગીના ય સાથે લાવે છે. લગ્નની ધમાલમાં કોઈ દાગીનો તૂટી જાય કે ખોવાઈ જાય તેવી શક્યતાઓ વઘુ રહે છે. આવી કિંમતી ચીજો કચરાપૂંજા ભેગી ચાલી ન જાય તેની સાવચેતીરૂપે ઉકરડી સ્થાપવાનો રિવાજ આવ્યો હોય તેવી કલ્પના કરી શકાય. ઘરની જગ્યા સ્વચ્છ રહે તેવી ભાવના પણ આ રિવાજ પાછળ રહેલી છે. લગ્નના દિવસો દરમ્યાન ઘરનો બધો જ કચરો જ્યાં ઉકરડીની સ્થાપના કરી હોય ત્યાં નાખવામાં આવે છે. લગ્ન ઉકેલાઈ ગયા પછી સ્ત્રીઓ ગાતી ગાતી ઉકરડી ઉઠાડવા જાય છે. કવિ દલપતરામે ઉકરડી અંગેનું ગીત પણ રચ્યું છે ઃ

ઉકરડી નોતરતાં સુન બેનડી રે માદલિયો રણઝણે રે
લાઘ્યો છે સોનાનો ખીંટો માદલિયો.

તેના ઘડાવીશ ઠોળિયાં માદલિયો.
સોવરાવીશ જમણા કાને માદલિયો.

ઉકરડી નોતરતાં સુન બેનડી રે માદલિયો.
લાઘ્યો છે રૂપાનો ખીંટો માદલિયો.

તેનું ઘડાવીશ ઝાંઝરું માદલિયો.
સોવરાવીશ જમણે પાય માદલિયો.

ઉકરડી નોતરતાં સુન બેનડી રે માદલિયો.
લાઘ્યો છે લોઢાનો ખીંટો માદલિયો.

તેનો ઘડાવીશ દીવડો માદલિયો.
સોવરાવીશ જમણા હાથે માદલિયો.

આમ ગાતાં ગાતાં બહેનો ઉકરડીની જગ્યાએ જઈને ત્યાં દાટેલી સોપારી કાઢીને ભાણેજને આપી દે છે. પછી ત્યાંનો કચરો તપાસી લે છે કે તેમાં કોઈ ચીજ જણસ જતી તો નથી રહીને?

ઉકરડીની સ્થાપના પાછળની ઉદાત્ત લોકભાવના એવી છે કે જેને ઘેર વિવાહ હોય તેને ત્યાં વીસ પ્રકારના વા (પવન) વાય. સગાવહાલા ને કુટુંબીઓ અનેક સમશ્યાઓ સર્જે. લગ્નમાં નોખનિરાળા સ્વભાવના લોકો આવે. ત્યારે ઘરવાળાંએ આ દિવસો દરમ્યાન મોટું મન રાખીને રાગ, દ્વેષ, ઇર્ષા, કલહ, કુસંપને પેટમાં સમાવી દેવા જોઈએ. જેમ ઉકરડી બધા કચરાને સમાવે છે. લોક સંસ્કૃતિના પ્રતીકો પાછળની ઉદાત્ત ભાવના તો જુઓ.

લોકગીતોમાં ઉકરડીનાં પણ અનેક ગીતો મળે છે. ઉકરડીનાં ગીતોમાં મોટાભાગે વિનોદી ગીતો ફટાણાં જ ગવાય છે. આ રહ્યું એવું એક મજાનું ફટાણું ઃ

કયા ભાઈ મુંબઈ શહેરે ગ્યા’તા મજાનો કેવડો રે
માઘુભૈ મુંબઈ શહેરે ગ્યા’તા મજાનો કેવડો રે

ત્યાંથી ખત્રણ પરણી લાવ્યા મજાનો કેવડો રે
કયા ભઈ ખાટલડા ખંખોળે મજાનો કેવડો રે

કયા ભઈ ઢોલિડા ઢંઢોળે મજાનો કેવડો રે
કયા વહુ રહ રહ રુવે મજાનો કેવડો રે

રતનવહુ રહ રહ રુવે મજાનો કેવડો રે
ભાભી શા માટે તમે રુવો મજાનો કેવડો રે

તમારા ભૈ ખત્રણ પરણી લાવ્યા મજાની કેવડો રે
ઝૂમણાં ખત્રણને પહેરાવે મજાનો કેવડો રે

શહેરોમાં તો ઉકરડી વીસરાઈ ગઈ છે પણ ગામડામાં ઉકરડીનો રિવાજ આજેય અકબંધ રહેવા પામ્યો છે.
ચિત્ર: ખોડીદાસ પરમાર

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!