ગુજરાતના કૂવાઓ અને એની વિશેષતાઓ

આજે તો અનેક સગવડ સુવિધાઓ આપણા આંગણે મુકામ માંડીને બેઠી છે. ચકલી ખોલો એટલે નર્મદા ડેમનું પાણી આવવા માંડે. ગામડા-ગામમાં યે ઘરોઘર પાણીના નળ આવી ગયા. વિકાસના વાવા-ઝોડા વચ્ચે વાવ, કૂવા, કૂઈ, વીરડાની સંસ્કૃતિ ભૂતકાળની વાત થઇ ગઈ. આપણી બહેન-દીકરીઓને તો પાણીશેરડો, પનિહારી, હેલ્ય, ઘડો, દેગડું, ઇંઢોણી, ગરણાની મોઈ, સિંચણિયું, કૂવો, કોસ, થાળું, ચાવેડો, પાવઠું જેવા શબ્દોની ભાગ્યે જ ખબર હશે ! યંત્રયુગની આંધીમાં ઉડઉડ કરતાં લોકજીવન અને લોકબોલીમાંથી આવા બધા શબ્દો ઝડપથી ઘસાવા ભૂંસાવા માંડયા છે, ત્યારે મારે વાત કરવી છે લોક સંસ્કૃતિની વિરાસત સમા ગુજરાતના કૂવાઓની અને એની વિશેષતાઓની.

કૂવા શબ્દના અનેક અર્થો મળે છે. ૧ આંખનું એક જાતનું દરદ. ૨. કૂવો પડવો. આંખનો ડોળો નીકળી પડવો. ૩. જમીનમાંથી પાણી કાઢવા ખોદેલો ખાડો-કૂપ. કૂવા પરથી આવેલા કેટલાક શબ્દો ઃ કૂવાથંભ- વહાણની વચ્ચેનો મોટો થાંભલો. કૂવેતર-કૂવાના પાણીથી વાવેતર માટે તૈયાર કરેલ જમીન. કૂવરા-ખૂંધવાળો માણસ. કૂવર-રથ, ગાડાનો ઉંટડો, જેના પર હાંકનાર બેસે છે. કૂવત-કૌવત- શકિત વગેરે.

ભારતીય સંસ્કૃતિ અને ગ્રંથોમાં વાવ, કૂવા, કુંડ ને જળાશયો બંધાવવા એને પુણ્ય કાર્ય ગણવામાં આવ્યું છે. આથી રાજયોના ધોરી માર્ગો, સીમશેઢે કે ગામના પાદરે દયા પ્રેમી માનવીઓએ બંધાવેલ અસંખ્ય વાવ-કૂવા ને પાણીની પરબો જોવા મળે છે. આ કૂવાને કલાપૂર્ણ બનાવવા માટે કોતરકામ કરીને સુંદર પાવઠું કે થાળું બંધાવવામાં આવે છે. થાળાની બંને બાજુએ ટોડા બાંધવામાં આવે છે. એ ટોડાને પણ શણગારવામાં આવે છે. એના સંદર્ભે એક કહેવત લોકજીવનમાં જાણીતી છેઃ

‘કૂવાનું ઢાંકણ પાવઠું, ઘરનું ઢાંકણ નાર,
બાપનું ઢાંકણ બેટડો, ને જગનું ઢાંકણ જાર.’

અર્થાત્‌ ઃ પાવઠા વિનાનો કૂવો રૂપાળો દેખાતો નથી, નારી વગરનું ઘર બાવા વગરની મઢી જેવું સૂનું લાગે છે. સુપાત્ર અને કર્મી દીકરાથી બાપની આબરૂ વધે છે. દુષ્કાળને સમયે કરવરા વરસમાં ઓછા વરસાદે જુવાર પાકે છે જે ગરીબ માણસોની ક્ષુધાને શાંત કરી જગનું ઢાંકણ બની રહે છે.

શિલ્પવિષયક ગ્રંથો ‘અપરાજિત પૃચ્છા’, ‘રાજવલ્લભ’ અને ‘ઝાલાવંશવારિધિ’માં દસ પ્રકારના કૂવાઓનું વર્ણન મળે છે. એ બધા જ પ્રકારના કૂવાઓ વર્તુળાકાર બાંધવા અંગે લખાયું છે. કૂવાની એ જાતોમાં ચાર હાથ પહોળા કૂવાને શ્રીમુખ, પાંચ હાથ પહોળા કૂવાને વૈજય, છ હાથ પહોળા કૂવાને પ્રાંત, સાત હાથ પહોળા કૂવાને દુંદુભિ, આઠ હાથ પહોળા કૂવાને મનોહર, નવ હાથ પહોળા કૂવાને ચુડામણી, દસ હાથ પહોળા કૂવાને દિગભદ્ર, અગિયાર હાથ પહોળા કૂવાને જય, બાર હાથ પહોળા કૂવાને નંદ અને તેર હાથ પહોળા કૂવાને શંકર કહેવામાં આવે છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ઉપર જણાવ્યા મુજબના કૂવાઓ મળી આવે છે. ગોળાકાર, ચોરસ, લંબચોરસ, ષટકોણ અને અષ્ટ્‌કોણ એમ પાંચ પ્રકારના કૂવાઓ ઉપરાંત જૂનાગઢમાં ‘નવઘણ કૂવો’ અને મહેમદાવાદમાં ‘ભમ્મરિયો કૂવો’ જેવા પુરાણા ફેરકૂવાઓ પણ જોવા મળે છે. ડૉ. ગૌદાની લખે છે કે આવા કૂવાઓ સંવતના ૪થા સૈકાથી ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે.

કૂવા સંસ્કૃતિ પર ઉડતી નજર કરીએ તો જણાશે કે આદિમાનવ થોડો વધારે સમજણો થયો એટલે નદીનું વહેણ સૂકાતાં એ વહેણમાં વીરડા ગાળતાં શીખ્યો. પછી નદીના જળનો આંતરપ્રવાહ ઉંડો જતાં માનવીએ નદીમાં વીરડા કે ફૂટિયા ગાળવા માંડયા. સમયના વહેણ સાથે એને સમજાયું કે નદીના જળના આંતરજળ સિવાય જમીનમાં નીચે પણ આંતરજળના પ્રવાહો વહે છે. (વરાહમિહિરાચાર્યે એના પર તો બૃહદ્‌સંહિતા ગ્રંથની પાછળથી રચના કરી છે.) માનવીએ જમીન પર ઊંડા ફૂટિયા ગાળવાનું શરૂ કર્યું. એની દિવાલો માટીની હોવાથી વારંવાર ધસી પડતી અટકાવવા લાકડાનો અને ત્યાર પછી પાકી ઇંટોનો ઉપયોગ શરૂ કર્યો. આવા ઇંટેરી પ્રકારના જૂના કૂવા હડપ્પન સંસ્કૃતિના લોથલ, મોંહેંજોદડો, ધોળાવીરા વગેરે પ્રાચીન વસાહતોના ઉત્ખનનમાંથી મળી આવે છે.

ગુજરાતનો જૂનામાં જૂનો કૂવો અમદાવાદ જિલ્લાના સરગવાળા ગામ નજીક લોથલના ટીંબામાંથી મળી આવ્યો છે. શિલ્પવિષયક પરિભાષામાં કે ગામડામાં આવા કૂવાને કૂઇ કહેવામાં આવે છે.

ગુજરાતના અન્ય પુરાણા કૂવાઓમાં જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં નવઘણ કૂવો જોવા મળે છે. એના માટે એક ઉકિત પ્રચલિત છે.

‘અડી-કડી વાવને નવધણ કૂવો
જેણે નો જોયો ઇ જીવતો મૂવો.’

શ્રવણના ભજનમાં પણ એનો ઉલ્લેખ આ પ્રમાણે મળ છે ઃ

‘અડી-કડી વાવ ને નવઘણ કૂવો
ત્યાં શ્રવણનો જન્મ હુવો
પારસપીપળી ને સુરૂપા પાન
શ્રવણ ધાવે ઇની માને થાન.’

નવઘણ કૂવો સંવતના ૧૧મા સૈકામાં જૂનાગઢના રા’નવઘણે બંધાવ્યો હતો. આશરે ૩૨ ફૂટ લાંબો અને એટલો જ પહોળો આ કૂવો ચતુષ્કોણ આકારનો છે. કૂવાના પાણી સુધી વગર સીંચણિયે પાણી લેવા પહોંચી શકાય તે માટે કૂવાની દિવાલમાં અંદરના ભાગે સીડી બનાવવામાં આવી છે. આ સીડી ઉપર અમુક અંતરે નાની બારીઓ મૂકવામાં આવેલ છે. કૂવાની આ શૈલી કંઇક અંશે વાવને મળતી ગણાય. આ પ્રકારની સીડીવાળા કૂવાને ભમ્મરિયો કૂવો કહેવામાં આવે છે, પણ બધા જ ભમ્મરિયા કૂવામાં આ પ્રકારની સીડીઓ હોતી નથી. આ નવઘણ કૂવાની અન્ય વિશેષતા એ છે કે આખો યે કૂવો રેતિયા પથ્થરના ખડકમાંથી સમચોરસ કોતરી કાઢવામાં આવ્યો છે. કૂવાની દિવાલે ચારે બાજુ ઉપરથી નીચે ઉતરતી જુદા જુદા કાટખુણા પાડતી સીડી બંધાયેલ છે. આ સીડીની બંને બાજુ દિવાલ છે. એક બાજુની દિવાલમાં કૂવાનું પાણી કેટલું ઊંડું છે તે જોવા માટે થોડે થોડે અંતરે બારીઓ મૂકેલી છે. આ પ્રકારના કૂવા અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે.

નવઘણ કૂવા જેવો બીજો મહંમદ બેગડાએ બનાવેલો ભમ્મરિયો કૂવો કૂવાની દુનિયામાં બેનમુન ગણાય છે. ઉનાળાની ગરમીમાં કૂવામાં નિવાસસ્થાન બનાવીને રહેવાની કલ્પના મહેમુદ બેગડાને જ આવી શકે ! ખેડા જિલ્લાના મહેમદાવાદ નગરના પાદરમાં આવેલા આ ભમ્મરિયા કૂવાની ચારે બાજુ ત્રણ મજલા સુધી ભૂગર્ભ ખંડો બાંધવામાં આવેલા છે. એ ખંડોની એક બાજુની બારીઓ કૂવામાં પડે છે. આ બારીઓ માટે ઝરૂખાઓ પણ બાંધવામાં આવ્યા છે. અમદાવાદની ઉનાળાની ગરમીથી બચવા મહેમુદ બેગડાએ ભમ્મરિયા કૂવાની વિશિષ્ટ રચના કરાવી હતી. બેગડો ઉનાળામાં કોઈ કોઈ સમયે ભમ્મરિયા કૂવાના ખંડોનો મહાલય તરીકે ઉપયોગ કરતો. સમગ્ર ભારતવર્ષમાં આ શૈલીનો કૂવો ભાગ્યે જ કયાંય જોવા મળે છે. આ કૂવામાં ઊતરવા માટે બે સીડીઓ બાંધવામાં આવી છે. ભારતીય પુરાતત્ત્વ ખાતાને હસ્તક આવેલો આ કલાપૂર્ણ કૂવો આજે ભંગાર હાલતમાં પ્રાચીન જાહોજલાલીની યાદ આપતો ઊભો છે. આ લેખકે કૂવામાં સાપ ફરતાં નજરે નીહાળ્યા છે. જમીનમાં આવેલા કૂવાના દર્શન ઉપરની જાળી વાટે કરી શકાય છે. અંદર અવાવરું પડયું છે. ભૂતિયા કૂવા જેવું ભાસે છે.

આશરે ૧૪મા સૈકામાં બંધાયેલો આવો જ એક ભમ્મરિયો કૂવો વાત્રક નદીના કિનારે સાબરકાંઠા જિલ્લામાં ધોળી પાવઠીના નામે ઓળખાતા એક કિલ્લાના કોઠાની અંદર આવેલો છે. કિલ્લાના એક કોઠાની અંદરના કૂવામાં બે બાજુએ ત્રણ માળ પાડી તેમાં જુદા જુદા ઓરડા બંધાવી એક મહેલની રચના કરવામાં આવી છે. કૂવો, કોઠો અને મહેલ એમ ત્રિવિધ પ્રકારની રચનાવાળા આ કૂવાને ડોશીના કાંઠલાના નામે ઓળખવામાં આવે છે. ભૂગર્ભ મહાલય એટલે કે મહેલની સાથે જોડીને બનાવવામાં આવતા અજોડ કૂવા ભારત સિવાય દુનિયાની કોઇ સંસ્કૃતિમાં જોવામાં આવતા હોવાનું જાણમાં નથી.

કૂવાના પ્રકારોની સાથે એના નામોનીય એક મજા છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ વડનગર ગામની બહાર સંવતના ૧૨મા સૈકામાં બંધાયેલ કૂવો ‘ઝણઝણ કૂવો’ તરીકે જાણીતો છે. એ કૂવામાં ત્રણ બાજુએથી કૂવાના તળિયેથી બાર ફૂટ જેટલી ઊંચાઈએથી પાણી નાનકડા ધોધની જેમ પડે છે. એ પાણીનો અવાજ કૂવામાં થતાં ઘોરને લઇને ‘ઝણઝણ ’ એ પ્રકારે સંભળાય છે. આથી કૂવાનું નામ જ ‘ઝણ ઝણ કૂવો’ પડી ગયું. કૂવાના નામમાંયે કેવી કેવી વિશેષતાઓ છે !

હવે જોઈએ શિલ્પગ્રંથો મુજબ બનેલા ગુજરાતના કેટલાક કૂવાઓ. આવા પુરાણા કૂવાઓમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિહોર ગામનો ઇંટેરી કૂવો મૈત્રકકાલીન મનાય છે. કૂવાઓની જાતમાં એ ‘શંકર’ પ્રકારનો કૂવો ગણાય. સલ્તનત સમયમાં બંધાયેલો દહેગામ તાલુકાના ધમીજ ગામનો હરિયો કૂવો ‘જય’ પ્રકારનો ગણાય છે. એ જ તાલુકાના અંગુથલા ગામમાં વણઝારાએ બંધાવેલ ભમ્મરિયો કૂવો ‘ચુડામણી’ પ્રકારમાં આવે છે. સંવત ૧૨૧૭ ની સાલમાં ભાવનગર જિલ્લાના મહુવા ગામના કબ્રસ્તાન પાસે આવેલ કૂવો ‘મનોહર’ પ્રકારમાં ગણાય છે. દહેગામ તાલુકાના હાલીસા ગામનો મોટો ભમ્મરિયો કૂવો ‘દુંદુભિ’ પ્રકારમાં આવે છે. મહુવા નગરનો ૪૦૦ વર્ષ પુરાણો વાધર કૂવો ‘પ્રાંત’ પ્રકારમાં ગણાય છે. ખેડા જિલ્લાના દેવા ગામનો કૂવો ‘વૈજ્ય’ પ્રકારનો અને ૨૦૦ વર્ષ પુરાણો છે. અમદાવાદમાં ઓઢવ ગામના તળાવ કાંઠે આવેલો ‘શ્રીમુખ’ પ્રકારનો ગણાય છે. મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો ‘નંદ’ પ્રકારમાં ગણી શકાય.

સાબરકાંઠાના વડાલી ગામનો મોટો કૂવો કૂવાઓની જાતમાં ‘દિગભદ્ર’ પ્રકારનો ગણાય. એ ૧૫માં સૈકામાં બંધાયેલો છે. આ જ શૈલીનો એક કૂવો અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલો છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ચરાડા ગામના અંબાજી માતાના મંદિર પાસે આવેલા કૂવાના થાળામાંથી કોસનું પાણી આગળ વધે એટલે નાની ટાંકીમાં જાય છે, એ ટાંકીની ઉપર મગરનું સુંદર મનોહર શિલ્પ મૂકેલું છે. એ ટાંકીમાં ત્રાંબાની ૬ નળીઓ મૂકી છે. એની નીચે બેસી માણસ સ્નાન કરી શકે છે. ટાંકીની બંને બાજુએ પનિહારીઓના અને કામસૂત્રના શિલ્પો કંડારેલાં છે. આવો એક કૂવો આજોલ ગામમાં છે એમ ડૉ. હરિલાલ ગૌદાની નોંધે છે. અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં ભીમનાથ મહાદેવની બાજુના બંગલાના ચોગાનમાં સલ્તનત સમયનો એક કૂવો આવેલો છે. એ કૂવામાં એવા પ્રકારની રચના કરવામાં આવી છે કે કૂવાની વચ્ચોવચ કૂવાના કાંઠાથી થોડાક નીચાણના ભાગમાં આડો પાટડો મૂકેલો છે. તેમાં વચ્ચોવચ હીંચકા માટેના લોખંડના કડાં નાખેલાં છે. કૂવામાં પાણીથી થોડે ઉંચે લોખંડની જાળી મૂકી છે.

લોકજીવન સાથે કૂવો જોડાયેલો હોય તો એની કહેવતો કેમ ન હોય !

૧. બાપના કૂવામાં થોડું જ ડૂબી મરાય.

૨. આગ લાગે ત્યારે કૂવો ખોદવા થોડું જ બેસાય !

૩. કૂવાની છાયા કૂવામાં સમાય. દુઃખને સમજવા છતાં નિરુપાયે સહન કરવું.

૪. કૂવાને મોઢે કંઇ ઢાંકણું છે ? ઃ જાહેર છે તે ખુલ્લું જ હોય !

૫. કૂવાને મોઢે ગળણુ છે ?

૬. કૂવામાં ઉતારવું ઃ આડુંઅવળું સમજાવી નુકશાનીમાં ઉતારવું.

૬. કૂવામાં ઉતારીને વરત કાપવો ઃ દગો કરવો.

૭. ઊંડા કૂવામાં ઊતરવું ઃ મુશ્કેલીમાં મૂકાવું.

૮. કૂવામાં નાખવું ઃ કૂવામાં નાખવા જેવી દુર્દશાએ પહોંચાડવું.

૯. કૂવામાં પડવું ઃ આપત્તિમાં ફસાવું.

૧૦. કૂવામાં હોય તો અવાડામાં આવે.

૧૧. કૂવામાંનો દેડકો ઃ એની દુનિયા કૂવા જેવડી હોય. જગતમાં કંઇ શીખવા જેવું બાકી રહેતું નથી એમ માનનાર માણસ.

૧૨. કૂવો કરવો ઃ દુઃખના માર્યા કૂવામાં પડીને આપઘાત કરવો.

૧૩. કૂવો ખોદવો ઃ દેવું કાઢવું ઃ બીજાને હાનિ પહોંચાડવા પ્રયત્ન કરવો.

૧૪. કૂવો-અવાડો કરવો ઃ કૂવામાં પડી ડૂબી મરવું.

૧૫. કૂવો ભરવો ઃ ભેગું કરવું, દાટવું.

કૂવાકાંઠે બાઈઓ પાણી ભરતી હતી. એક તરસ્યો વટેમાર્ગુ આવ્યો ને બોલ્યો ઃ ‘બેન, પાણી પાને.’ બાઈએ કૂવામાંથી પાણીનો ઘડો સીંચીને ઊંચી ધારે પાણી રેડવા માંડયું. વટેમાર્ગુએ ખોબો ધરી પાણી ચસકાવવા માંડયું. પછી કંબોડી થઇ હોય ને બળદિયું માથું હલાવે એમ પાણી રેડવાનું બંધ કરવા માથું હલાવવા માંડયો, ત્યારે બાઈ બોલી ઃ ‘માહળો મૂરખો જ લાગે છે !’ ત્યારે વટેમાર્ગુ બોલ્યો ઃ ‘બેન ! તમને આંય કોણે આવીને કીઘું ?’ ‘રોયા, તારા લખ્ખણે.’ કૂવા સાથે જોડાયેલી ગઇ કાલની આવી વાતડિયું છે ભાઈ ! વાવ અને કુંડની વાત ફરી કોઇવાર.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!