પ્રેમાધિન ભક્તિથી કૃષ્ણત્વને પામનાર : કૃષ્ણભક્તો  

આપણા દેશમાં એવા અનેક સંતો, ભક્તો થઈ ગયા, જેમણે પરમ ભક્તિ અને પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવથી જીવનને કૃતાર્થ કરી દીધું. તેમનો પ્રભુ પ્રત્યેનો નિરંતર ભાવ અને સાધના એવી અનોખી હતી કે તેઓ સદેહે કૃષ્ણત્વને પામી ગયા. ક્યારેક ઝેર પચાવીને તો ક્યારેક મશાલની સાથે હાથ બાળીને શ્રીકૃષ્ણ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિની ચરમસીમાને પ્રગટ કરીને જીવનને યથાર્થ કરી દીધું

મીરાંબાઈ  ———

“મેંરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ…”
મેવાડની મીરાંનો ઉલ્લેખ આવે અને શ્રીકૃષ્ણનો ઉચ્ચાર ન થાય, તો કદાચ મીરાંના અસ્તિત્વની વાત અધૂરી જ રહી જાય. રાજસ્થાનના જોધપુરમાં રાઠોડ રતનસિંહના ઘરે સોળમી શતાબ્દીમાં જન્મ લેનાર મીરાંબાઈ એ શ્રીકૃષ્ણ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. મીરાંબાઈનાં અંતરમનમાં બાળપણથી શ્રીકૃષ્ણની છબી વસી હતી. તેમણે રચેલાં ભક્તિરસ પદોમાંથી જ તેમની કૃષ્ણભક્તિનો રસ નિષ્પન્ન થાય છે. મીરાંબાઈ રાજ પરિવારનાં હોવાથી તેમની શ્રીકૃષ્ણ પ્રત્યેની આવી દીવાનગીને સમજનાર કોઈ ન હતું, તેથી જ તેમના દિયરે મીરાંબાઈ માટે વિષ મોકલાવ્યું હતું અને મીરાંબાઈ શ્રીકૃષ્ણનો પ્રસાદ સમજીને તે પી ગયાં. કહેવાય છે કે આ વિષની અસરથી શ્રીકૃષ્ણની મૂર્તિ નીલવર્ણ બની ગઈ હતી. આ રીતે શ્રીકૃષ્ણએ મીરાંબાઈનું ઝેર પચાવ્યું. તેમની દીવાનગીને તૃપ્ત કરવા અંતે દ્વારકામાં જ શ્રીકૃષ્ણએ મીરાંબાઈને સદેહે જ પોતાની મૂર્તિમાં સમાવીને જીવ અને પરમ તત્ત્વના મિલનને એકાકાર કર્યું.

ભક્તિની અસ્ખલિત ધારાને પ્રવાહિત કરનાર સંત સુરદાસ ————

કૃષ્ણ ભક્તિથી સાહિત્યને અજવાળનાર સુરદાસનું નામ ભક્તોમાં સર્વોપરી છે. સુરદાસના પદમાં લય તાલની સાથે ભક્તિરસનો ત્રિવેણી સંગમ રચાય છે. સુરદાસનો જન્મ મથુરા નજીકના એક નાનકડા ગામડામાં થયો હતો. સુરદાસને બાળપણથી જ વિરક્તિભાવ હતો. જ્યારે તેમને વલ્લભાચાર્ય જેવા સમર્થ ગુરુ મળ્યા ત્યારે તેમના જીવનને એક નવો વળાંક મળ્યો. વલ્લભાચાર્યએ રોજ શ્રીનાથજીના મંદિરમાં તેમણે રચેલ પદ ગાવાની આજ્ઞા આપી અને આ જ કાર્યએ સુરદાસને કવિ બનાવી દીધા. સંત શિરોમણી સુરદાસે હિન્દી સાહિત્યમાં શ્રીકૃષ્ણ ભક્તિની ધારા વહાવી દીધી. સુર સુરાવલી, સુરસાગર, સુરલહરી વગેરે તેમના ગ્રંથો હિન્દી સાહિત્યમાં પ્રચલિત છે. સુરદાસે વિનય પદ પણ રચ્યાં છે. તેમણે દ્વાદશસ્કંધ પર પદોની રચના કરીને તેમના પદમાં જ્ઞાન, કર્મ, ભક્તિને પ્રાધાન્ય આપ્યું. તેઓ શ્રીકૃષ્ણ ચરિત્રમાં એવા ઓતપ્રોત રહેતા કે તેમનાં પદ વાંચનાર કે સાંભળનારને પણ શ્રીકૃષ્ણ ભગવાનની દિવ્યમૂર્તિની સાક્ષાત્ અનુભૂતિ થતી.

Sant Surdas

પુષ્ટી માર્ગના પ્રણેતા વલ્લભાચાર્યજી ————

મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કૃષ્ણત્વને પામવા માટે પુષ્ટી માર્ગનો સરળ માર્ગ લોકોને બતાવ્યો. વલ્લભાચાર્યએ જીવનના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. એક તો પુષ્ટીપ્રેમ જે પ્રભુના પ્રેમ પર વિશ્વાસ રાખે છે. બીજો મર્યાદાજીવ જે શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર જીવે છે. ત્રીજો પ્રકાર જે સંસારના મોહમાં જ ડૂબ્યો રહે છે. વલ્લભાચાર્ય આ ત્રણેયમાંથી પુષ્ટી માર્ગને અનુસરતા હતા. પુષ્ટી માર્ગ પ્રમાણે તેમને શ્રીકૃષ્ણ પર અસીમ શ્રદ્ધા હતી અને તેમણે શ્રીકૃષ્ણની ભક્તિ દ્વારા જ ધર્મનો એક અલગ દૃષ્ટિકોણ સમજાવ્યો. તેમણે કૃષ્ણને બ્રહ્મ માનીને તેમનુુ વર્ણન કર્યું છે. તેમની કૃષ્ણભક્તિ અને યોગેશ્વર તરફની આસ્થા તેમના સાહિત્ય સર્જનમાં જોવા મળે છે. તેમણે બ્રહ્મસૂત્ર પર આધારિત અણુભાષ્યની રચના કરી. ભગવદગીતા પર સુબોધિની ટીકા અને તત્ત્વાર્થ દીપ નિબંધ રચ્યાં. આ રીતે મહાપ્રભુજી વલ્લભાચાર્યનું જીવન અને સાહિત્ય કૃષ્ણત્વથી સભર હતું.

શ્રીકૃષ્ણ બોડાણાના પણ સારથી બન્યા ———

ડાકોર ગામમાં રહેતા બોડાણાનું જીવન પણ શ્રીકૃષ્ણથી ઓતપ્રોત હતું. બોડાણાની શ્રીકૃષ્ણ પ્રત્યે એવી અનન્ય ભક્તિ હતી કે ખુદ ભગવાનને તેમની સાથે ડાકોર આવવું પડયું હતું.બોડાણા દર વર્ષે ડાકોરથી દ્વારકા ભગવાનનાં દર્શન કરવા માટે પગપાળા જતા. ૭૦ વર્ષની તેમની ઉંમર સુધી તેમણે ક્યારેય આ નિયમ તોડયો ન હતો. બોડાણાની વૃદ્ધાવસ્થા થતાં અને શરીર કામ ન કરતાં તેમણે ભગવાનની ક્ષમા માંગતાં કહ્યું કે,  —- ” હે દ્વારકાના નાથ હું હવે દ્વારકા નહીં આવી શકું.” પણ શ્રીકૃષ્ણ ભગવાને તેમને સપનામાં સંકેત આપ્યો કે ——
‘તું દ્વારકા આવ ત્યારે ગાડું લઈને આવજે, હું તારી સાથે ડાકોર આવીશ.’ અને સાચે જ તે દહાડે ભગવાન બોડાણાની સાથે આવ્યા અને સારથી બનીને ગાડું પણ ભગવાને જ ચલાવ્યું.

ડાકોરમાં મહાદેવના મંદિર નજીક આવીને લીમડાની ડાળી પકડીને ગોવર્ધન ઊભા રહ્યા હતા. અને કહેવાય છે કે તે લીમડાની ડાળી પણ શ્રીકૃષ્ણના સ્પર્શથી મીઠી બની ગઈ છે. દ્વારકામાં શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ ન જોતાં પુજારી અને બ્રાહ્મણો બોડાણા પાસે આવ્યા. બોડાણો ગરીબ હોવાથી બ્રાહ્મણોએ મૂર્તિ લેવાની એક યુક્તિ કરી. પુજારીએ કહ્યું કે —– ” જો મૂર્તિ જોઈતી હોય તો ત્રાજવામાં મૂર્તિની ભારોભાર સોનું મૂક.” બોડાણો તો ગરીબ હતો. તેની પાસે તો માત્ર તેની પત્નીનાં કુંડળ હતાં અને તેણે એ જ ત્રાજવામાં મૂક્યાં, પણ બોડાણા સાથે તો ખુદ શ્રીકૃષ્ણ હતા, તેથી કુંડળવાળું ત્રાજવું મૂર્તિની ભારોભાર જ થયું અને ડાકોરમાં જ આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. દ્વારકા અને ડાકોરમાં એકસરખી જ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ આજે પણ બોડાણાની શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિનું પ્રમાણ રજૂ કરે છે.

મહાન ભક્ત નરસિંહ મહેતા ———-

નરસિંહ મહેતા એટલે દાસત્વ ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. નરસિંહ મહેતાને વેદ, પુરાણ, શાસ્ત્રનું કોઈ જ જ્ઞાન ન હતું. તેઓ કર્મકાંડની વિધિ પણ નહોતા જાણતા. છતાં પણ તેમણે આધ્યાત્મિક ક્ષેત્રે જે પરમ ગતિની પ્રાપ્તિ કરી તે અદ્વિતીય હતી. જપ, તપ અને સાધના વગર માત્ર હૃદયની તન્મયતાથી તેમણે શ્રીકૃષ્ણના હૃદયમાં સ્થાન મેળવ્યું. નરસિંહ મહેતાએ તેમની સહજ અને સરળ ભક્તિથી આ વાતને સાબિત કરી દીધી કે જ્યારે ભગવાનની ભક્તિમાં મન એટલું ઓતપ્રોત થઈ જાય કે મશાલ સાથે આખેઆખો હાથ બળી જાય ત્યાં સુધી પ્રભુ પ્રત્યેની દીવાનગી ન છૂટે. એ જ ભક્તિ અને દીવાનગી પ્રભુની સમીપ લઈ જાય છે.

નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણ પ્રત્યે સંપૂર્ણ સમર્પણભાવ હતો. તેઓ સાંસારિક દરેક ચિંતા તેમનાં ચરણોમાં ધરીને ચિંતામુક્ત થઈ જતા અને ભગવાન પણ ભોળા ભક્તની લાજ ક્યારેક મામેરું ભરીને તો ક્યારેક હૂંડી સ્વીકારીને રાખતા.
કહેવાય છે કે  ——
એક વાર તેમના વેવાઈએ નરસિંહ મહેતાને મહેણું માર્યું હતું કે, ‘ભગવાન તમારાં બધાં જ કામ કરે છે તો તેમને વરસાદ વરસાવવાનું કહોને!’ આ સાંભળીને તરત જ નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાવાનું શરૂ કર્યું અને થોડી વારમાં વાતાવરણ પલટાયું. મુશળધાર વરસાદ તૂટી પડયો.

નરસિંહની ભક્તિએ બસ એક સંદેશ આપ્યો છે કે જો પ્રભુ પ્રત્યે અતૂટ આસ્થા અને શરણાગતિનો ભાવ હોય, તો શ્રીકૃષ્ણ સ્વયં આવીને આપનાં કામ પાર પાડે છે. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ અનંત ભાસે’ આટલી સરળ શૈલીમાં પણ ગૂઢ આધ્યાત્મિક ફિલસૂફી રચીને તેમણે ગુજરાતી સાહિત્યને પણ ભક્તિરસથી તરબોળ કરી દીધું છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ૧૫૦૦થી વધુ ભક્તિપદો રચ્યાં છે. આ રીતે સુરદાસ, મીરાંની જેમ નરસિંહના જીવનમાં અને સાહિત્યમાં પણ શ્રીકૃષ્ણ હતા.

અક્રૂરજીની કૃષ્ણભક્તિ ——–

અક્રૂરજી પણ શ્રીકૃષ્ણ ભગવાનના અનન્ય ભક્ત હતા. યદુવંશીય કુળના હોવાથી એક કૌટુંબિક નાતે તે શ્રીકૃષ્ણના કાકા હતા. તેઓ વસુદેવના નાના ભાઈ હતા, પરંતુ આ કૌટુબિંક અને લોકિક સંબંધથી પર પણ તેમનો અને શ્રીકૃષ્ણ ભગવાનનો એક સુંદર આત્મિક નાતો હતો. બંને વચ્ચે ભક્ત અને ભગવાનનો નિરાળો સંબંધ હતો. અક્રૂરની પ્રેમાધિન ભક્તિ એવી વિરલ હતી કે તેઓ સતત શ્રીકૃષ્ણ ભગવાનનાં ચિંતન, સ્મરણમાં રહેતા હતા. આ બંનેના આ પ્રકારના પરમ સંબંધને લીધે જ કંસે અક્રૂરજીને શ્રીકૃષ્ણને મથુરા લાવવા માટે પસંદ કર્યા, કારણ કે મથુરામાં અક્રૂરજી જ એક એવી વ્યક્તિ હતી જેના પર ભગવાનને ભરોસો હતો અને તે જ તેમને મથુરા લાવી શકે તેમ હતા. મથુરાથી નીકળી ગોકુળ પહોંચ્યા ત્યાં સુધી પ્રેમચિંતિત અક્રૂરજીની આંખો સતત વરસી રહી હતી અને અક્રૂર એ વિચારીને ખુશ થતા હતા કે જે મારા હૃદયમાં દિવસ-રાત સતત વાસ કરે છે, તે આજે મને સાક્ષાત્ દર્શન આપશે. તેમના કાકા હોવાના નાતે હું તેમને હૃદયસરસા ચાંપી શકીશ.

કહેવાય છે કે જ્યારે તેઓ રથ પર બેસીને ગોકુળ આવી રહ્યાં હતા ત્યારે તેઓ રથમાંથી ઊતરી ગયા અને ગોકુળની રેતીમાં આળોટવા લાગ્યા હતા. તેમને આજે પ્રભુનાં દર્શન સિવાય કંઈ જ નહોતું દેખાતું. તેમને પોતાના શરીરની પણ સૂધબૂધ નહોતી. તેમને ગોકુળમાં પ્રવેશતાં જ કણ કણમાં કૃષ્ણત્વની અનુભૂતિ થવા લાગી. શ્રીકૃષ્ણે પણ તેમણે રસ્તામાં જોયેલા દરેક મનોરથને પૂર્ણ કર્યા અને તેમના પરમ ભક્તને હૃદયથી લગાવી લીધા. અક્રૂરજી પણ શ્રીકૃષ્ણની પ્રેમાધિન મૂરતને સાક્ષાત્ જોઈને ધન્ય થઈ ગયા.

? કૃષ્ણમ વંદે જગદગુરુમ
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી
ગીવિંદ બોલો હરિ ગોપાલ બોલો
ભૂતળ ભક્તિ પદારથ અમો પામીએ
સાચેજ ભક્તિમાં પાર શક્તિ છે અને ખરેખર સાચા ભક્ત થવું એ કઈ નાનીસુની વાત નથી
નમન  છે આ કૃષ્ણ ભક્તોને !!!!

————-જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!