જૂનાકાળે લક્ષ્મીરૂપે પૂજાતી કોડીનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

કુદરતે કાઠિયાવાડને ઉદાર હાથે પ્રાકૃતિક સમૃદ્ધિ બક્ષી છે એમાંની એક છે ૧૬૦૦ કિ. મિટર લાંબા સાગરકાંઠાની. તમે કોઇવાર ચોરવાડ, દીવ, વેરાવળ કે સોમનાથની યાત્રાએ ગયા હો ને દરિયાકિનારે પગ પખાળતા ઊભા રહો તો તમને સાગરના ઘૂઘવતાં મોજા ભીંજવી નાખે. આ મોજું પાછું વળી નીકળે ત્યારે તેના ઓવાળમાં આવેલાં શંખ, છીપલાં અને કોડીઓ વીણવાની ભારે મોજ આવે. શંખ માટે અગાઉ આપણે વાત કરી ગયા છીએ. છીપલાંમાં વાત કરવા જેવું સૌંદર્ય દેખાતું નથી. પણ મૂલ્યવાન કોડીઓના ઇતિહાસની અને તેનાં વ્યાપારી ચલણની વાત આજે માંડવી છે.

વેપારી વાણિયા વાતવાતમાં કહે છે ઃ ”જુઓ ભઇલા ! બક્ષિસ લાખની પણ હિસાબ કોડીનો. ડાહીમાના દીકરાઓએ કોડીને ભલે ટકાની કરી નાખી હોય પણ કોડી જૂનાકાળે ધનનું પ્રતીક હતી. મૂલ્યવાન ચલણી નાણું હતી. કોડી શબ્દ સંસ્કૃત કદર્પિકા અને પ્રાકૃતમાં ‘કવડ્ડિયા’-કવહિયા કવડી પરથી ઉતરી આવ્યો છે.
કોડીના અનેક અર્થ ભગવદ્ગોમંડલમાં મળે છે. કોડી હલકું ચલણ, કાપડી સાધુની એક જાત, ગરદન અને માથાના સાંધા આગળનું બહકાનું એક હાડકું, કોટિ-કરોડ, વીસનો જથ્થો, બારી-બારણાંની પટી, ધોકો કે પાટિયાની સાંકડી બાજુ, હલકી કિંમતનું, તુચ્છ, નાની શંખલી વગેરે. આ કોડી દરિયાઈ જીવડાનું કોટલું છે. વિજ્ઞાનની ભાષામાં એને સમુદ્રી કીડાઓનો અસ્તિકોષ છે. હિંદી અને પેસિફીક મહાસાગરમાંથી ધોળી, રાતી અને પીળી ત્રણ જાતની કોડીઓ મળે છે.

અત્યારે દરિયામાંથી ૧૬૫ પ્રકારની કોડીઓ પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે. જૂના કાળે એમાંથી ‘મનીકોડી’ અને ‘રીંગ કોડી’ બે જાતની કોડીઓ નાણાં તરીકે ચલણમાં હતી. સમુદ્રી સંશોધકોએ એને ‘સાયપ્રિયા મોનેટા’ અને ‘સાયપ્રિયા અનેત્સ’ એવા નામો આપ્યાં હતાં. આ કોડીઓ સમુદ્રના મધ્યભાગમાં ઊંડા તળિયેથી મળે છે. મની કોડી પીળા રંગની એક ઇંચની લંબાઈની તથા વજનવાળી હોય છે. જ્યારે રીંગ કોડીઓ નારંગી રંગની હોય છે. આનો ઉપયોગ દાગીના માટે પણ થતો. આજે આ બંને પ્રકારની કોડીઓ લક્ષદ્વીપ અને માલદ્વીપના દરિયામાંથી મળે છે. વિશ્વભરમાં કોડીઓની મળતી ૧૬૫ જાતોમાંથી પ્રિન્સકોડી, લ્યૂકોડોન, ગટ્ટાટા, ફૂલ્ટસ, બાકર્લેસ, બ્રોડરિયસ તેમજ સુરિનામ નામની કોડીઓ બહુ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આને કોડીઓમાં કોહિનૂર કહી શકાય. જાણકારો કહે છે કે દુનિયામાં પ્રિન્સ કોડીઓ તો માત્ર સાત જ છે, સને ૧૯૬૧માં એક પ્રિન્સ કોડીની કિંમત રૂ. ૧,૨૮૦૦૦ હતી. ગટ્ટારા કોડીની કિંમત ૧૩૦૦૦ રૂપિયા આંકવામાં આવે છે. ફૂલ્ટન કોડી તો આજ સુધીમાં દરિયામાંથી મળી જ નથી. જ્યારે પણ મળી છે ત્યારે માછલીનું પેટ ચીરવાથી જ મળી છે.

જીવવિજ્ઞાનની ભાષામાં જેને સાઇપ્રિયા કહેવામાં આવે છે એ કોડી જૂનાકાળે વિનિમયના સાધન તરીકે ચલણી નાણાંરૂપે સ્વીકારવામાં આવી હતી. કલ્હણની ‘રાજતરંત્રિગિણી,’ ભતૃહરિના ‘વૈરાગ્યશતક’ અને પ્રખ્યાત ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યના ‘લીલાવતી’ ગ્રંથમાં કોડીઓનું વર્ણન અને ઉલ્લેખો ચલણી નાણાંરૂપે કરાયા છે. એમાં ગણિતના ઉખાણારૂપે એક પ્રશ્ન પૂછાયો છે કે – જો એક પુરુષને પહેલા દિવસે બે કોડીઓ આપવામાં આવે, બીજા દિવસે ચાર, આમ રોજ રોજ બમણી થઈ જતી હોય તો ૩૦ દિવસમાં કેટલી કોડીઓ થઈ હશે ? અને તે કોડીઓ કેટલા સોનાના સિક્કા જેટલી હશે ? ઉત્તર એવો છે કે એ વ્યક્તિ પાસે મહિના પછી ૨,૧૪,૭૪,૮૩,૬૪૬ કોડીઓ પહોંચી જશે. એની કિંમત એ સમયના સોનાના ૧,૦૪,૮૫૭ સિક્કા જેટલી હશે ! એ સમયે ધર્મના પંડિતો અને મંદિરના પૂજારીઓને દક્ષિણામાં કોડીઓ અપાતી. સંશોધકો એક હકીકત સ્વીકારે છે કે કોડીઓનું ચલણ સર્વપ્રથમ ભારતમાં શરૂ થયું. ત્યાર પછી વિદેશોમાં એનો ચલણરૂપે ઉપયોગ થવા માંડયો.

અંગ્રેજી ભાષામાં જેને કાઉરી, ફ્રેન્ચમાં કોરીસ, રોમમાં કોરી, જર્મન અને રશિયન ભાષામાં કૌરિસ અને આફ્રિકાના ગ્રોની સ્વાહિલી ભાષામાં જેને કુરડી તરીકે ઓળખવામાં આવે છે, એ કોડી પૌરાણિકકાળથી ભારતીય સંસ્કૃતિ અને ધર્મની સાથે પણ જોડાયેલી જોવા મળે છે. સુંદર આકાર, મનોહર રંગો અને અલગ અલગ કદને કારણે લોકપ્રિય બનેલી કોડીને લક્ષ્મી અર્થાત્ ધનનું પ્રતીક માનવામાં આવે છે. કોડી શિવ સાથે પણ સંકળાયેલી છે. શિવની બાંધેલી જટાનો આકાર કોડીને મળતો આવે છે. આ કારણે જ કદાચ શિવને કપર્દિન કહેવામાં આવે છે. સંસ્કૃતમાં કોડીને ‘કપર્દિકા’ કહેવામાં આવે છે. શિવના વાહન નંદીને આવા કારણથી કોડીઓ ગૂંથેલા શણગારથી સજાવવામાં આવે છે.

આજે ભારતના કેટલાક પ્રદેશોમાં કોડીને દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તુલજાભવાનીની પૂજા થાય છે. આ દેવીઓના પૂજારી ગળામાં કોડીઓની માળા પહેરી રાખે છે. આ દેવીને એકલી કોડીઓ જ ચડાવવામાં નથી આવતી પરંતુ તેના ભક્તો કોડી જડેલાં વસ્ત્રો પહેરીને નૃત્ય પણ કરે છે.
આજે ભારતમાં કોડીનું ચલણ આથમી ગયું હોવા છતાં કોડી લક્ષ્મીના સમૃદ્ધ પ્રતીક તરીકે લોકહૃદયમાં બિરાજે છે. પ્રાચીન શાસ્ત્રોમાં કોડીને સુખ, સૌભાગ્ય અને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવ્યું છે. દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન માટે ઘીનો દીવડો પ્રગટાવવામાં આવે છે તેમાં વાટની સાથે કોડિયામાં એક કોડી નાખવાની પરંપરા અનેક ક્ષેત્રોમાં આજેય જોવા મળે છે. બંગાળમાં લક્ષ્મી પૂજાના પ્રસંગે એક એવી ટોપલીની પૂજા કરવામાં આવે છે જે બધી જ બાજુએથી કોડીઓથી શણગારેલી હોય છે. આ ટોપલીમાં માળા, દોરો, કાંસકી, અરિસો, સિંદૂર, લાખંડનું કડું તથા બીજી અનેક વસ્તુઓ હોય છે. આ ટોપલીને બંગાળીમાં લોખીઝાપાં અર્થાત્ લક્ષ્મીની ટોપલી કહે છે.

ભાલપ્રદેશમાં વરઘોડિયા પરણી આવીને તુરંત ગણપતિ આગળ કોડી તથા કરડાથી કોડી કરડો રમત રમે છે. ઉત્તરપ્રદેશમાં કોડીનો અનોખો રિવાજ જોવા મળે છે. અહીં દિવાળીના પ્રસંગે દીવાના તેલના કોડિયામાં કોડીને ડૂબાડી રાખવામાં આવે છે. આ કોડી કોઈ તફડાવી ન જાય તેનું સવાર સુધી સતત ધ્યાન રાખવામાં આવે છે. આમ કરવા પાછળની માન્યતા એવી છે કે જે કોઈ વ્યક્તિ આ કોડીને પોતાના ખિસ્સામાં રાખીને જુગાર રમવા જાય છે તે જીતીને ઘેર પાછો ફરે છે. તેને વર્ષભર ઘરમાં સાચવી રાખે તો એ પવિત્ર કોડી સુખ અને સૌભાગ્યની દાતા ગણાય છે. ઉત્તરપ્રદેશની કુંવારી કન્યાઓ, દસેરાના ઉત્સવ પ્રસંગે ઘરના બારણાં પાસે છાણ વડે દેવીની આકૃતિ આલેખી તેને કોડીઓથી કલામય રીતે શણગારે છે. મથુરા, વૃંદાવન અને ગોકુળમાં ગોવર્ધન પૂજા પ્રસંગે ગોવર્ધનની મૂર્તિને કોડીઓનો શૃંગાર કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં શીતળા સાતમે ગામનાં ગોરાણી શીતળામાની માટીની મૂર્તિ બનાવીને કોડીઓની આંખો લગાડે છે અને રૂના નાગલા પહેરાવી ચૂંદડી ઓઢાડે છે. ‘કોડી કોડી’ સૌરાષ્ટ્રના ગામડામાં રમાતી એક રમતનું નામ પણ છે.

લોકજીવનમાં કોડીનું આકર્ષણ અનેરું રહ્યું હોવાથી લગ્ન જેવા મંગલ પ્રસંગે પણ કોડીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ નવવધૂના કંકણ જોડે કોડી બાંધવામાં આવે છે. લગ્નની વેદી જ્યાં વર-કન્યા પરણવા બેસે છે તે મંડપને પણ કોડીઓથી સુશોભિત કરાય છે. વરવધૂની છેડાછેડી સાથે પણ કોડીઓ બાંધવામાં આવે છે. લગ્ન પ્રસંગના કળશમાં પણ કોડીઓ નાખવામાં આવે છે. (સૌરાષ્ટ્રમાં સિમંતીના સિમંત વખતે બાંધવામાં આવતી રાખડીમાં પણ કોડીને કાણી કરીને બાંધવામાં આવે છે.) આમ ભારતના વિવિધ પ્રાંતોમાં કોડીનો ઉપયોગ જુદી જુદી રીતે આજેય કરવામાં આવે છે. ઓરિસ્સામાં લગ્ન વખતે કન્યાને તેના માતાપિતા એક ટોપલી ભેટમાં આપે છે જેને ‘જગથીપેડી’ કહે છે. આ ટોપલીમાં રોજિંદા વપરાશની વસ્તુઓ સાથે કોડી પણ મૂકવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં પણ આ જ પરંપરા છે તેને ત્યાંની ભાષામાં ‘કવિડા પેટ્ટે’ કહેવામાં આવે છે.

હિમાચલ પ્રદેશના પહાડી ભરવાડો અને આફ્રિકાના જંગલોમાં રહેનારી ‘ઇવ’ નામની આદિવાસી જાતિના લોકોમાં સ્ત્રી કે પુરુષ મૃત્યુ પામે ત્યારે તેના અંતિમ સંસ્કાર સમયે તેના શરીર પર કોડીઓ મૂકવાની પ્રથા હતી. કોડી ચલણી નાણું હોવાથી મૃતકના શરીર પર મૂકેલી કોડીઓ તેનો લેણદાર આવીને લઈ જતો, જેથી દેવું ચૂકવાઈ જવાથી મૃતકના આત્માને શાંતિ મળે અને ઋણમુક્ત થયાનો કુટુંબને સંતોષ મળે તેમ માનતા.

પ્રાચીનકાળમાં કોડીઓનો ઉપયોગ ચલણી નાણાં તરીકે વ્યાપાર વિનિમયમાં થતો હતો. આજે ભલે કાગળિયા-નોટો અને સિક્કાએ ચલણમાં સ્થાન જમાવ્યું હોય પણ જૂના કાળે વિશ્વના અનેક દેશોમાં કોડીનો ચલણી નાણાં સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતો. કોડીઓ ચલણમાં આવવાનું ઉડીને આંખે વળગે એવું કારણ એ છે કે તેને સહેલાઇથી ગણી શકાય છે. એક સ્થળેથી બીજે લઈ જઈ શકાય છે. તે કદી સડી જતી નથી. વળી નકલી કોડીઓ બનાવી શકાતી નથી. માત્ર બે સિવાયની બીજી કોઈ જાતની કોડીઓ ચલણમાં ચાલતી નથી. કોડીઓની એક આગવી ઓળખ છે.

સદીઓ પૂર્વે અમેરિકામાં પણ કોડીનું ચલણ હતું. ૧૩મી સદીમાં માર્કોપોલોએ ચીનમાં કોડીનું ચલણ નિહાળ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝના એક ચર્ચના નિર્માણમાં ૩૬૦ લાખ કોડીઓ મજૂરી તરીકે ચૂકવવામાં આવી હતી. વેસ્ટ ઇન્ડિઝના એક ચર્ચના નિર્માણમાં ૩૬૦ લાખ કોડીઓ મજૂરી તરીકે ચૂકવવામાં આવી હતી. શ્રી બ્રજેશ કુલશ્રેષ્ઠ નોંધે છે કે આફ્રિકામાં કોડીઓનું ચલણ સૌ પ્રથમ અરબી વેપારીએ કર્યું. ત્યાર પછી યુરોપના વેપારીઓએ એનો સારી પેઠે લાભ લીધો. ડચ, પોર્ટુગીઝ, ફ્રેંચ અને અંગ્રેજોએ આફ્રિકામાં હજારો ટન કોડીઓની આયાત કરી. તેઓ ગુલામો ઉપરાંત હાથીદાંત, નાળિયેરના તેલની ખરીદી પણ કોડીઓ વડે જ કરતા. પહેલાં આ વ્યાપાર સમુદ્રતટ સુધી મર્યાદિત હતો. એ પછી ધીમે ધીમે વેપારીઓ અંદરના ભાગે પહોંચી ગયા. વેપારીઓ સાથે કોડીઓ પણ ત્યાં પહોંચી ગઈ. આમ આફ્રિકામાં કોડીઓના ચલણની બોલબાલા હતી ત્યારે ત્યાં બે કોડીમાં એક બાઈ ખરીદી શકાતી. એક કોડીમાં એક ગાય ખરીદી શકાતી. પાંચ કોડીમાં એક ઇંડું કે ૩૦ કેળાં સને ૧૮૬૦માં મળતાં. એ કાળે વેપારીઓ પણ તેજી-મંદી મુજબ માલની ખરીદી અને વેચાણ કરતા. પ્રશાંત મહાસાગરના ટાપુઓ પરથી સસ્તા ભાવે કોડીઓ ખરીદીને આફ્રિકામાં મોંઘા ભાવે વેચી દેતા. ત્યાં એ કાળે બે હજાર કોડીઓનું મૂલ્ય એક ડોલર ગણાતું.

ચલણમાં વપરાતી કોડીઓ પ્રશાંત મહાસાગરના ગરમ અને છીછરા વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. માલદિવ તો કોડીઓના ટાપુ તરીકે ઓળખાતો હતો. ૯મી સદીમાં સુલેમાન નામના અરબી વેપારી અને દસમી સદીના બગદાદના એક મુત્સદ્દીએ કોડીઓ ભેગી કરવાની પદ્ધતિનું રસપ્રદ વર્ણન કર્યું છે. એ મુજબ નાળિયેરીના પાન વડે કોડીઓ એકઠી કરવામાં આવતી. વિશ્વભરના વેપારીઓ અહીં આવતા અને માલના બદલામાં કોડીઓ આપી જતા. એક અનુમાન અનુસાર દર વર્ષે ૩૦ થી ૪૦ જેટલા વહાણો કોડીઓ ભરીને અહીંથી જતાં. માલદિવ કોડીઓ એકત્ર કરવાનું કેન્દ્ર હતું તો એ કાળે ભારત કોડીઓના વિચરણનું કેન્દ્ર હતું. ઇસ્ટ ઇંડિયા કંપનીના જમાનામાં ભારતમાં પ્રતિવર્ષ ૪૦ હજાર પાઉન્ડની કિંમતની કોડીઓની આયાત કરવામાં આવતી.

કોડીએ લોકજીવન પર કામણ કર્યું હોવાથી એના કેટકેટલા ઉપયોગ છે ? આયુર્વેદમાં કોડીની ભસ્મનો ઉપયોગ દર્શાવ્યો છે. અનુભવી વૈદ્યો કોડીને લીંબુના રસમાં પલાળીને પછી કુલડીમાં મૂકી પટ આપતા. તેમાંથી બનેલી ભસ્મ બરોળ, અજીર્ણ જેવાં પેટના અનેક દર્દોમાં વાપરે છે. બૂરી નજર ન લાગે માટે બહેનો પોતાના વહાલસોયા બાળકને ગળે કોડી બાંધે છે. ભરવાડો બકરીની ડોકે કોડી બાંધે છે. શ્રદ્ધા ધરાવનારા કેટલાક લોકો નવા મકાનની બારશાખે કે નવા વાહનને શુભસ્વરૂપે કોડી બાંધે છે. આદિવાસીઓ કોડીનો ઘરેણાંરૂપે ઉપયોગ કરે છે, વણઝારા સ્ત્રીઓ કોડીઓનાં ફૂમતાંના નાડાં પહેરે છે. ખેડૂતો ગાય બળદના કાને કોડીઓ બાંધે છે. પશુ શણગારોમાં મોચી કોડીઓનો ઉપયોગ કરે છે. આદિવાસી નર્તકો પોતાની વેશભૂષામાં કોડીઓ વાપરે છે. મદારી પોતાની મોરલીને કોડીઓ અને ચણોઠી ચોંટાડીને શણગારે છે.

કોડી સાથે ગુજરાતી કહેવતો ય કેટલી બધી જોડાઈ છે. જુઓ

૧. કોડીની કમાણી નહીં ને ઘડીની નવરાશ નહીં.

૨. કોડીચોર તે પાડીચોર. અર્થાત્ ઃ નાભીમાંથી મોટી ચોરી કરતા માણસ શીખે.

૩. કોડીની સત્તા અને લાખની મત્તા. પૈસા હોય તો બધું થઈ શકે.

૪. કોડી હરામ, બચકા હલાલ-મારવો તો મીર મારવો.

૫. કોડીની કિંમત સમય આવ્યે સમજાય એ ઉક્તિવાળો પ્રસંગ સ્વામી હંસાનંદ પાસેથી સાંભળવા મળેલો છે.

સને ૧૯૬૩-૬૪ના વર્ષમાં ગંગોત્રી ખાતે હસકુટિરમાં હું રહેતો હતો. મોડી રાત્રે એક બકરીવાળો પહાડી ભરવાડ રોતોરસળતો ત્યાં આવી ચડયો. મેં રડવાનું કારણ પૂછ્યું. એણે કહ્યું ઃ ”મારા પિતાજીનું અવસાન થયું છે. એમની નનામીમાં મૂકવા માટે મારી પાસે કોડી નથી. સ્વામીજી ! મને ક્યાંકથી કોડી મેળવી આપો નહીંતર મારા પિતાની સદ્ગતિ નહીં થાય. નનામીમાં મૂકવાનો અમારામાં રિવાજ છે.”

મને આશ્ચર્ય થયું ને એના પર દયા આવી, પરંતુ હિમાલયમાંથી નીકળતી નદીના પ્રદેશમાં અંધારી રાતે કોડી ક્યાંથી કાઢવી ? ત્યાં મને અચાનક જ યાદ આવ્યું. મહિનાઓ પહેલા મને રસ્તે ચાલતા એક કોડી મળી હતી. મેં કુતૂહલવશ ઉપાડી લીધી હતી અને કુટિરના એક ખુણામાં ફેંકી દીધી હતી. રસ્તામાં મળેલી કોડીની મને કોઈ કિંમત નહોતી. સ્વામીજીએ આગળ ચલાવ્યું ઃ ‘પણ પેલા બકરીવાળાની વાત સાંભળીને મને જડેલી કોડી યાદ આવી. મેં ભરવાડને કહ્યું મહિનાઓ પહેલા મને મારગમાંથી એક કોડી જડી હતી. મેં પેલા ખૂણામાં ફેંકી દીધી હતી. એના ઉપર ધૂળ પણ જામી ગઈ હશે !’ કચરામાં જતી રહી ન હોય ને જડે તો તારા સદ્ભાગ્ય ! બકરીવાળાઓ ફાનસ લઈને ત્યાં કોડી શોધવા લાગ્યો. એના સદ્નશીબે કોડી હાથ આવી ગઈ. મારે મન જે કોડીની કોઈ કિંમત નહોતી એ કોડીનું મૂલ્ય પેલા ભરવાડ માટે લાખો રૃપિયા કરતાંયે વિશેષ હતું ઃ કારણ કે એના પિતૃભક્ત આત્માને અકથ્ય તૃપ્તિ અને આનંદ થયો હતો. પિતાના અવસાનથી રડતા આવેલા ભરવાડના શોકગ્રસ્ત હૃદયમાં કોડી મળ્યા પછી કેટલો બધો સંતોષ વરતાતો હતો એ હું હજુયે ભૂલ્યો નથી.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!