ખાનદાન ખોળિયાં – ઓરમાન ભાઈની દિલાવરી

પ્રચંડ શક્તિએ મુશળધાર વરસેલો મેઘ, કોઇ દરિયાના બેટમાં એની થકાન ઉતારવા લાંબો થાય એમ બગસરાના ધણી દરબાર ભાયાવાળા, દરબારગઢના વચલે ઓરડે ઢોલિયા ઉપર લાંબા થઇને સૂતા છે. સવામણની તળાઇમાં અડાબીડ જોમવંતું એનું કલેવર ગળીને સાવ ‘અંચન’ થઇ ગયું છે. ભાયાવાળા માંડ માંડ પથારીમાં દેખાય છે! જે ભુજાઓએ ધિંગાણામાં ઝાટકાના મે વરસાવ્યા હતા અને બગસરા સર કરેલું એ ભુજાઓ લાંબી કરેલી પાઘડીના છેડાની જેમ પથારીમાં અચેતન થઇને પડી છે.

સરધાર (હાલાર) માત્રાવાળાએ આ બેટો કાપડના તાકાને હોશિયાર દરજી માપે, અંદાજે, એંધાણ કરે અને પછી વિગતવાર વેતરણ કરે એમ જિવાયેલ જિંદગીને નોખા નોખા ખૂણેથી જોઇ રહ્યો છે. ‘ભાઇ! ભાઇ! જિંદગીમાં આવો સમો પણ આવીને ઊભો રહ્યો? આ ગિરાસ, આ સાહ્યબી, આ ખમ્મા ખમ્મા, બાપા બાપા.. કાળની એક જ થપાટે થાળમાંથી મોતી વેરાય એમ વેરાઇ જશે? આ મોટપ, આ ગૌરવ, આ માનપાન-ધુમાડાનાં બાચકાં હતાં કે બીજું કાંઇ? ઓઇ જીતવા! આ તો પાણીનો પરપોટો નીકળ્યો. હવાના એક જ ફટકે ફટ થઇ જવાનો… મિથ્યાપણાનો વંટોળિયો ખાપણના છાંયે લઇ આવ્યો…!’

‘હે! સૂરજદાદા! હે દેવળવાળા! હવે તો છેલ્લે ક્યારે પાણી છે, જીવડાની લાજ રાખજે. ગામ અને ગિરાસ માટે માથાં દીધાં છે અને લીધાં છે, પણ ઇ તો ક્ષત્રિયના દીકરાની ફરજ લેખે… પણ તું આને પાપ ન ગણીશ અને જો પાપ ગણાતું હોય તો તું પતિત પાવન છો હા, કોઇની આંતરડી કકળી હોય તો આજ માફી માગું છું, તકડાવાળા!’

સવારનો સૂરજ હજી ઊગ્યો નથી. મળસકાનું આછું અજવાળું… દરબારગઢના મોભારેથી ટપક ટપક ખરે છે અને ભાયાવાળો આત્મમંથનના રવાયે વલોવાઇ રહ્યા છે. પળભર એનો આત્મા બ્રહ્નાંડના માળે જાય છે અને ત્યાંથી ફટ દઇને પાછો આવે છે. ગામ અને ગિરાસ તો ગંજાવર છે. સાત પેઢી વાપરે તો ખૂટે નહીં એવડો મોટો પથારો છે પણ ભાયાવાળાને ચિંતા છે નવા અને જૂના ‘ઘર’નાં ઓરમાયાં સંતાનોની…

‘આગલા ઘરના ત્રણ દીકરા… વાલેરો, કાળો અને માંગો’ દરબાર વિચાર્યે જાય છે. છે તો બાપનું નામ ઉજાળે એવા કરમી અને તેવડ પણ એની અજોડ છે. ત્રણેય ભાઇઓએ બાવડાના બળે ભાલે માગ કરીને લુંિઘયા ભાડેર, મોણવેલ, દેરડી અને સૂડાવડ ગામ કબજે કર્યા છે, પણ નવા ઘરનાં બે સંતાનો દીકરી આયબા આઠ વરસની અને દીકરો રામ માત્ર ચાર વરસનો નાનો બાળ! હજી તો ઘોડિયે પોઢે છે… ઓહ! બીજું ઘર કરવાની ભૂલ જો મેં ન કરી હોત તો.. ‘અને દરબારથી મોટો બધો નિ:શ્વાસ નંખાઇ ગયો.

‘હે રામ!’’

અને બાપુનો આ અવાજ સાંભળીને દીકરી આયબા બાપુના ઓશિકા પાસે દોડી આવે છે. વીંઝણાથી પવન ઢોળે છે. બાપુનું માથું દબાવે છે. હાથ-પગ ચાંપે છે. આઠ વરસનું આ કોમળ ફૂલડું, એની અપાર સમજણ અને ચતુરાઇથી વાતને પામી ગયું છે કે બાપુ ગયા પછી અમારું કોઇ નથી! આથી વારે વારે રાત અને દિવસ બાપુની માંદગીના બિછાને પતંગિયાની જેમ ફરફર્યા કરે છે! અને બાપુની પથારી પાસે આવીને કજિયો કરતા નાનેરા ભાઇ રામને વારે છે. ચૂપ રહેવા સમજાવે છે પણ નાનકડો રામ, આ વાત સમજતો નથી!

અત્યારે પણ દોડતો દોડતો બાપુના વાળમાં આંગળીઓ નાખીને સાદ દેવા માંડ્યો…! ‘બાપુ! જાગો!’દરબાર ભાયાવાળાની વિચારમાળા તૂટી. એના હરિસ્મરણમાં વિક્ષેપ પડ્યો.

‘આને તમે આઘોપાછો લઇ જાવ…’ દરબારે ઘરવાળાંને ધીમા સાદે આદેશ કર્યો: ‘અટાણે લાડ કરવાનું ટાણું છે?’‘હાલ્ય દીકરા!’ દીકરાની જનેતાએ બેટાને ઊંચકી લીધો અને આવનારી વિપતના અણસારથી રૂંધાયેલા કંઠે કાઠિયાણીથી બોલાઇ ગયું: ‘તારાં લાડ હવે વેરાઇ જવાનાં છે રામ! પછે તો આપણે નોધારાં અને ઓશિયાળાં! કોણ જાણે આશરો પણ નહીં રહે!’સમજણી દીકરીની આંખેથી બોર બોર જેવાં આંસુ પડી ગયાં…

ઓશિયાળ અને લાચાર જેવા શબ્દોને જેણે ઝાટકે દીધા’તા એવા અડીખમ પુરુષ ભાયાવાળાની આંખ, આંખ મટીને ભેંકાર ગુફા બની ગઇ… કાઠિયાણીએ જે વાત સહજતાથી કહી નાખી એમાં નાના દીકરા રામના ભાવિનો ઘોર અંધકાર હતો! વાત સાચી હતી ને? શોકયના દીકરા હાથી જેવા જોરાવર હતા અને પોતાનો રામ તો ક્યારામાં ઊગતા છોડવા જેવો.

ગામ-ગિરાસ અને રાજ-રજવાડાના જીવતરમાં માયા, મમતા કે કરુણાનાં એંધાણ પણ શાનાં હોય? કારી ઘા જેવા દગાફટકા અને કાવાદાવાથી ભર્યો ભર્યો ગિરાસ ‘મેલો’ જ હોય? એનો ભોગવટો તો ખાંડાની ધાર! સત્તાના સીમાડા ઉપર સ્વાર્થની કાળમીંઢ શિલાઓ તોળાતી રહે. આવા કપરા અને કથોરા સંજોગોમાં રામ શેં રહી શકે?‘કાઠિયાણી!’ દરબારનો કંઠ ઠપકાથી છલકાયો: ‘મેં તો રામને ફક્ત આઘો લઇ જવાની વાત કરી એમાં તમને આટલું બધું દુ:ખ થઇ ગયું?’
જવાબમાં પત્નીએ પોતાની અબોલ અને ઓશિયાળી આંખો માત્ર માંડી પણ એના હોઠ ડૂસકાંને રોકવા કાંપતા હતા…દરબાર ભાયાવાળાએ ઊંડો શ્વાસ લીધો… પોતાની આ માંદગી છેલ્લી હતી… એને પ્રતીત થઇ ગયું કે હવે પોતે આ ઢોલિયેથી ઊભા થઇને રાજકાજ કરી શકે એમાં કોઇ માલ નહોતો અને દીકરા રામની જનેતાનો આ ફડકો પણ અસ્થાને ક્યાં હતો?‘સાંભળો!’ દરબારે ઘરવાળાને કહ્યું: ‘દીકરા રામના રોટલાની જોગવાઇ થાશે ત્યાર પછી જ હું મારો દેહ છોડીશ, ત્યાં સુધી… ત્યાં સુધી…’‘બાપુ!’

દીકરીએ ડૂસકાં ભયાઁ… પત્નીએ મોં આડે સાડલાનો છેડો દાબ્યો… નાનકડો રામ આ વાત સમજી ગયો હોય એમ બાપુના ઢોલિયાથી અળગો થઇ ગયો…!સૂરજ ઊગ્યો… દરબારની માંદગી વધતી ચાલી. ગઢમાંથી સૌ સગાંસાગવાંને કહેણ મોકલાયાં એટલે ચડતે પહોરે બધા આવી ગયા…ત્રણેય દીકરા પણ પોતપોતાના ગામ-ગિરાસમાંથી બાપુની પથારી પાસે આવીને ગોઠવાઇ ગયા…ભાયાવાળાની સૂરતા તૂટે છે, સંધાય છે અને જ્યારે સંધાય છે ત્યારે એના અંતરેથી એક ઉદ્ગાર ઊઠે છે:

‘હે દેવળવાળા!’‘બાપુ!’ મોટો દીકરો કાંધાવાળો, બાપુની વેદના અને પીડા જોઇને બોલ્યો! ‘તમારો આત્મા શાથી ટળવળે છે. બાપુ આ મૂંઝારો શાનો છે, બાપુ?’ અને પળ રહીને ઉમેર્યું: ‘અમારી કોઇ ભૂલચૂક દેખાય છે? અમને કાંઇ ભળ-ભલામણ કરવી છે? ખખળીને બોલો, બાપુ! સૂરજની સાક્ષીએ અમે તમારું વેણ પાળી બતાવીશું. અમારી ત્રણેય ભાઇઓની આ પ્રતિજ્ઞા છે.’

અને ખડેડીને ખાંગા થયેલા ડુંગરની ખોપ જેવો બગસરાનો ધણી હોલવાતા દીવામાં દિવેલ પુરાય અને ઝળહળે એમ આઠેય અંગે ઝળહળી ઊઠ્યો! એના પંડમાંથી પળાર્ધ માટે સઘળા રોગ અને બધી વેદના વિદાઇ થઇ ગયાં… કડેડાટ કરતા પથારીમાં બેઠા થયા પછી પોતાના ત્રણેય દીકરાને વારાફરતી જોયા.‘બોલો બાપુ!’ દીકરાઓ ઉત્સુક થયા.

‘કાંધા! વાલેશ! માત્રા!’ પિતાએ પુત્રોને સંબોધ્યા: ‘મારા જીવને શાંતિ નથી બાપ!’ અને રામ તરફ આંગળી ચિંધી: ‘આ રામ સાવ નાનો… તમે રામને સાચવશો?’ ‘બાપુ! રામ અમારો ચોથો ભાઇ છે.’ દીકરાઓએ બાપને ખાતરી આપી: ‘રામ સાથે ભેદભાવ રાખીને વરતીએ તો કુળને મહેણાં બેસે, બાપુ!’ ‘પણ એના ગિરાસ માટે?’ ‘અરેરે બાપુ! અમારી ઉપર આવડો અણભરોસો?’

‘પણ તમારો તો ઇ ઓરમાન ભાઇ!’ ‘હશે બાપુ! પણ લોહી તો એક બાપનું ને? અમે અત્યારે સૂરજ નારાયણની સાક્ષીએ તમને પાણી આપીએ છીએ કે આ બગસરાનો સુવાંગ ધણી રામ રહેશે. બગસરાના ગિરાસમાંથી અમારે ચપટી મુઢ્ઢી ધાન પણ અગરાજ છે, હાંઉ!’

પેલી ભઢ્ઢી ઉપર મેધવર્ષા થાય એમ આગલા ઘરના દીકરાઓની પ્રતિજ્ઞાથી દરબાર ભાયાવાળાનો આત્મા પ્રસન્નતાના લેરખે બેસીને પરલોક સિધાવી ગયો! પિતાની અત્યંષ્ટ ક્રિયા કરીને પુત્રોએ બારમું કર્યું. આખા કાઠિયાવાડમાંથી બગસરાના કારજે ન્યાતનો ડાયરો થયો. ડાયરો છાશું પીવા ઊભો થયો એ વેળા વાલેરાવાળાએ ન્યાત આગળ વાત મૂકી કે ‘અમે ગિરાસ અમારા નાનેરાભાઇ રામને સુવાંગ આપવાના છીએ અને અમે ત્રણેય ભાઇઓ પ્રતિજ્ઞા સાથે જાહેર કરીએ છીએ કે બગસરામાંથી અમારે ચાર આંગળ જમીન પણ હરામ છે.’

‘ઓરમાન ભાઇઓની દિલાવરી સાંભળીને ન્યાતીલાઓએ ત્રણેય ભાઇઓને ધન્યવાદ દીધા અને પછી ભલામણ કરી કે રામભાઇ મોટો થાય ત્યાં લગી તમે બગસરાનો વહીવટ કરો.’ ત્રણેય ભાઇઓ કબૂલ થયા… ચીવટ અને ચતુરાઇથી મધમાખી જેમ મધપૂડાને સાચવે એમ ત્રણેય ભાઇઓએ બગસરાને સાચવ્યું. બહેન આયબા ઉંમરલાયક થતાં બગસરામાં જ રહેતા ભાણકોટીલા સાથે એનાં ધામધૂમથી લગ્ન કર્યા અને પછી બગસરા રામને સુપરત કર્યું: ‘ભાઇ, તારો વહીવટ હવે તું સંભાળ!’ અને ત્રણેય ભાઇઓ પોતાના ગામ-ગિરાસમાં જતા રહ્યા.

બગસરાનો વહીવટ રામવાળા સંભાળે છે. બહેન અને બનેવી બગસરામાં જ રહે છે પણ વહીવટકાર રામવાળાને બનેવી ભાણ કોટીલા સાથે મતભેદ થયો. બગસરાના ધણી લેખે રામવાળાએ વર્તન કર્યું. એથી બનેવીને ખોટું લાગ્યું અને બગસરામાંથી ઉચાળા લઇને ચાલી નીકળ્યા. રામવાળો પણ વટને ખાતર મનાવવા ન ગયા.

બહેન અને બનેવીનું વેલડું કોઠા (વાળા) પીપરીઆ ગામે પહોંચ્યું. બહેને પોતાના ઓરમાન ભાઇ વાલેરાવાળાને સમાચાર મોકલ્યા કે ભાઇ મને મળવા આવે… બહેન ‘નારાયણ’ કહેવડાવે છે. વાલેરાવાળા ગામને પાદર આવ્યા. બહેન અને બનેવીના ઉચાળા જોયા અને વાતની વસમાણ્ય પામી ગયા: ‘બહેન! આ શું?’ ‘કાંઇ નૈ ભાઇ!’ આટલું બોલતાં તો બહેનનો કંઠ રૂંધાઇ ગયો. ‘મેં કું પાદરથી નીકળી છું, એટલે ભાઇને મળતી જાઉં.’

‘કેમ બા? ભાઇને આંગણે ન અવાય?’ વાલેરાવાળા મમતાથી બોલ્યા: ‘અમારો અને રામનો ગિરાસ નોખો છે પણ સૂરજ દાદાને પ્રતાયે મન-અંતર હજી એક જ છે… બોલો બહેન, બગસરા સૌ મજામાં છે ને?’

‘બગસરા તો અમે છોડી દીધું, ભાઇ!’

‘બગસરા છોડી દીધું? કાં? શું કામે બહેન?’

‘તમારા બનેવીનાં માનપાન રામભાઇ ન જાળવે તો મારે બગસરાના ગિરાસને શું કરવો ભાઇ!’ બહેને આંખો લૂછી: ‘અમે હવે જતાં રહીએ છીએ.’

‘ન જવાય બહેન!’ વાલેરાવાળાએ વેલડા સહિત બહેન-બનેવીને પોતાના ઘેર લીધાં: ‘હું તમારો ભાઇ જ છું બહેન!’ અને પળ રહીને એણે કહ્યું: ‘હવે પછી તમારું અને મારા બનેવીનું ગૌરવ જળવાય, માનપાન રહે અને તમારે મારી પણ ઓશિયાળ ન કરવી પડે એ માટે મારા ગિરાસનાં ગામોમાંથી ગીગાસણ અને લેરિયા બે ગામ તમને બક્ષિસ કરું છું.’ અને દુનિયાએ પણ આંખો ઠારીને અનુભવ્યું કે ઓરમાન ભાઇ પણ કેવો હોય છે!

‘‘‘

વાલેરાવાળાની રખાવટ અને ઉદારતાનો જવાબ જાણે ખુદ ધરતી આપતી હોય એમ સંવત ૧૫૯૬માં વાલેરાવાળા ગિરનારની જાત્રા કરીને આવતા હતા ત્યારે કોઠા પીપરીઆ ગામને સીમાડે રસ્તામાં એક નાગ ફેણ પછાડી અને ચાલતો થઇ ગયો. દરબારે શાસ્ત્રકારોને આ રહસ્ય પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે એ ધરતી પર ખોદકામ કરાવો. જમીનમાં માથા દટાયેલી છે અને ખોદકામ કરતાં સોનામહોરના સાત ચરુ નીકળ્યા.

અઢળક ધન મળતાં, ઉદાર ચરિત વાલેરાવાળાએ આ ધનને સત્કાર્યમાં વાપરી નાખવા માટે ‘સહસ્ત્ર ભોજપ્ત યજ્ઞ કરાવ્યો. દેશમાંથી વિદ્વાન પુરોહિતોને બોલાવીને યજ્ઞ આરંભ્યો. કાઠિયાવાડના તમામ રાજાઓ, મહારાજાને નિમંત્રયા… સંતો અને મહંતોની પધરામણી થઇ. ગાયો, ભેંસો, ઘોડાઓનાં દાન અપાયાં. પંદરસો જેટલા રાજવીઓને દરબાર વાલેરાવાળાએ સોનેરી પાઘડીઓ બંધાવી અને ફૂલની જેમ સાચવીને મહેમાનગતિ કરી.

વાલેરાવાળાની અણમોલ મહેમાનગતિ માણીને રાજવીઓ અતિશય પ્રસન્ન થયા… એમણે સૌને વાલેરાવાળાએ બોલાવીને કહ્યું: ‘દરબાર! તમે અમને અથાક માન-સન્માન આપીને તમારા ઋણી બનાવ્યા… અમે સૌએ પણ નિર્ણય કર્યો છે કે તમને અમારે સરપાવ આપવો… અમે સૌ તમે માંગો એટલાં ગામ અમારા રાજમાંથી આપવા તૈયાર છીએ, તો માંગો!’

‘મારે ગામ કે ગિરાસ નથી ખપતાં, બાપ!’ દરબારે વિનયથી ઇન્કાર કર્યો: ‘સૂરજની સાક્ષીએ બોલું છું કે મારે આપની વાલ કે વીંટી પણ અગરાજ છે… મેં આ યજ્ઞ દેવા માટે કર્યો છે, લેવા માટે નહીં, બાપા…!’ ‘પણ તમારે કંઇક તો માંગવું પડશે… અમારે ઠાલા હાથે અહીંથી વિદાય નથી જોઇતી…’ ‘ભલે…’ દરબાર વાલેરાવાળાએ કહ્યું: ‘તમારે જો મને કાંઇ આપવું હોય તો માગું છું કે તમારા સૌના રાજમાં અમારા કાઠી ભાઇઓ રહેતા હશે… મારા એ ભાઇઓ છે. માટે તમે સૌ એમની પાસેથી વેરો કે વેઠ ન લેશો… જો તમે આટલું વેણ પાળશો તો મને ઇન્દ્રાસન મળ્યું એમ ગણીશ.’

અને સૌરાષ્ટ્રના રાજવીઓએ જ્ઞાતિભક્તિ કેવી હોવી જોઇએ એનો આનંદાશ્રર્ય અનુભવ કર્યો… રાજમાં રહેતા કાઠી ભાઇઓના વેરા અને વેઠ્ય માફ કર્યા.

તોરણ – નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!