ખાનદાન બહારવટિયો

‘પેંડા કેટલા કીધા?’

‘દસ શેર’

‘હં!… બીજું?’

‘પાંચ શેર ઝીણી સેવ.’

‘આંગણે કાંઇ વરો-બરો આવ્યો છે એલા?’

‘નાસ્તા માટે જોઇ છ, શેઠ! વરો શાનો?’

‘ભલે… પણ દસ શેર પેંડા અને પાંચ શેર ઝીણી સેવના રૂપિયા કેટલા થાશે એનો ખ્યાલ છે? કે પછી એમ ને એમ?’

વંથલીના શેઠ અભેસંગની આંખો પોતાની દુકાને નાસ્તો લેવા આવેલ આ અજાણ્યા આદમી સામે મંડાણી. દેખાવે સાવ ગોબરો ગંધારો! દાઢીમાં સેંથકની ધૂળ, મેલાંઘાણ લૂગડાં, સાવ રાંકો…!‘પૈસા છેને ગજવામાં?’ વેપારીએ પૂછ્યું.

સાવ અકારણ અવળાઇએ ચડેલા આ વેપારીને જોઇને એ આગંતુક આદમીની દાઢીમાંથી ધ્રુજવાર છેક એની કથાઇ પાઘડીમાં જઇને ધૂણવા માંડી. એની આંખમાં બહારવટાઇના દીપડા ઘૂરકી ઊઠ્યા કે આ પોતડિયાને એના ‘થડા’ ઉપરથી ખેંચી લઉં… બે પાટા મૂકું! મારી ઓળખાણ દઇ દઉં કે એલા કાછડિયા હું કાંઇ વંથલીનો ભિખારી નથી. આખા સોરઠને ધ્રુજાવનાર ખૂંખાર બહારવટિયા કાદુનો હું માણસ છું. તારા જેવા કેટલાયનાં પોતિયાં પલાળી દીધાં છે. ઇ કાદુ મકરાણી આંહી વંથલીના નહેરામાં જ છે, હાલ્ય જોવો હોય તો…! પણ આદમી ગમ ખાઇને ઊભો રહ્યો…!

વંથલીનો આ અડાબીડ વેપારી કાંઇ ઓછી માયા નહોતી. જૂનાગઢના નવાબ સુધી એની ધનસંપત્તિની છોળો ઊડતી હતી અને માટે તો નવાબે એનાં ધનનાં રખવાળાં કરવા વીસ-વીસ આરબોની બેરખ એની ડેલીએ બેસાડી હતી. અત્યારે બોલવામાં જરાય ગફલત થઇ જાય તો એની ડેલીએથી આરબો, પોતાને બંદીખાને નાખી વાળે… અલ્લા! અલ્લા! અબઘડી તો ખમી ખાવું! ‘પૈસા લઇ લ્યો શેઠ!’ આવતલે ગજવામાંથી નોટો કાઢી અને શેઠના ડબલા ઉપર મૂકી.

‘હવે તો જોખશો ને?’ ‘હા, પૈસા તો રોકડા જ લેશું… શું? મોટા ચમરબંધીનુંય ઉધારમાં બાકી ન રાખીએ. શું? અમને કાંઇ ભે લાગે છે? કોઇના બાપની?’‘કેમ ત્રાંસ વાઢો છો શેઠ?’ પેલા અજાણ્યાની આંખમાં રાતડ્યો ફૂટી. ‘તમારી દુકાને ઘરાક થઇને આવ્યો છું, લૂંટારો થઇને નૈ.’

‘લૂંટારો? અરે, લૂંટારા ફૂંટારાની તો ઐસી તૈસી… શું?’ શેઠ વળી પાછા અભિમાને ગયા. ‘આ વંથલી છે. ગુજરાતના નાથ જેવા સિદ્ધરાજ જેસંગનેય આ ગામમાં તીન-પાંચ થઇ ગયા’તા… શું?’ અને કોણ જાણે કેવુંય ચોઘડિયું બેઠું કે લેવાદેવા વગર અભેસંગ શેઠ ધૂંવરાળ થઇ ગયા. ‘આટલા પંથકમાં કાદુડી કૂદા-કૂદ કરે છે ઇ જાણું છું પણ વંથલીમાં આવે તો ખબર પાડી દઉં કે કેટલી વીસે સો થાય છે.’

‘એમ?’ આગંતુકની ખોપરી કડાકા કરી ઊઠી: ‘કાદુ મકરાણી કદાચ વંથલી આવે તો?’

‘તો? તો શું વળી? મારી દુકાનની પડખે જ આ જમીન પડી છે નકામી, કાદુને ભંડારી દઉં અને એની માથે કબર કરી દઉં ઓહોની.’પંદર શેર નાસ્તાની ફાંટ બાંધીને ચાલતા થયેલ માણસે પંદર શેર વજન જેટલી ભારે પ્રતિજ્ઞા લીધી કે આજ તો અભેસંગ શેઠને ધમરોળું પછી જ અનાજ ખાઉં.

‘ઓહોહો…! તમેજ માણસુરભાઇ ગઢવી!’ વંથલીના નહેરામાં દોઢ વીસું જેટલા સાથીદારો સાથે પડાવ નાખીને બેઠેલા કાદુ મકરાણીએ મળવા આવેલા વરલ ગામના ચારણ કવિ માણસુરભાઇને ઉમળકાથી બાથમાં લીધા. ‘મારાં ધન્ય ભાગ્ય, દેવીપુતર! મારી જેવા રઝળતા માનવીને તમારાં દર્શન થયાં. બેસો બાપ! હમણાં નાસ્તો આવશે.’

વરલ ગામના માણસુર ગઢવી તે દી’ બિલખાના આલાવાળાને ત્યાં ઊતર્યા હતા. પોતાની માથે કરજ ઘણું વધી ગયું એટલે બિલખા જઇને વાળા દરબારોને વાત કરવી એવા આશયથી પ્રથમ દરબાર આલાવાળાને મળ્યા, પણ એનો હાથ ભીડમાં હોવાથી એણે દરબાર નાજાવાળાનું નામ દીધું અને ગઢવીએ નાજાવાળાને વાત કરી પણ જોગાનુજોગ એનાય હાથમાં હાજર થાય એમ હજાર રૂપિયા નહોતા. દરબાર નાજાવાળાએ કાદુ ઉપર ચિઢ્ઢી લખીને પોતાનો માણસ સાથે મોકલ્યો. અને આમ વરલના ગઢવી માણસુરભાઇ, કાદુને ગોતતા-ગોતતા એના નેખમે આવ્યા. કાદુ મકરાણી એને બાથ ભરીને મળ્યો. આવકારો ઊજળો દીધો પણ હજાર રૂપિયાની વાત આવતાં ત્યાંય શુકન ન થયાં!

kadu makarani

‘માણસુરભાઇ! બે દી’ જાળવો.’ કાદુએ વિનંતી કરી: ‘તમને દેવા માટે આજ તો ખુદાના નામ સિવાઇ કાંઇ નથી પણ બે દી’માં હજાર રૂપિયાને બદલે હજાર સોનામહોર આપીશ. અલ્લા કસમ. ફેર નૈં પડે.’ ‘તમે બિલખે રોકાજ્યો, હું મોકલી દેશ.’ આટલી વાત પૂરી થઇ કે વંથલીમાં નાસ્તો લેવા ગયેલો કાદુનો માણસ ભાગતે પગે આવ્યો. નાસ્તો મૂકીને ગાંસડીની જેમ બેસી પડ્યો!

‘કાં ભાઇ?’ કાદુએ એને ટપાર્યો. ‘આમ અણોહરો કાં થઇ ગયો?’‘આજ વંથલીના વેપારીઓ મારી માથે છપ્પનના આરા ચીર્યા માલિક!’ ‘વેપારીએ! બહારવટિયાના સાગરીત ઉપર! તેં સાંખી લીધું?’ કાદુની ભ્રમરો તંગ થઇ. ‘સાંખુ નહીં તો બાજી બગડી જાય એમ હતી. બાકી વેપારીએ બોલવામાં મણા નથી રાખી.’

‘શું બોલ્યો?’ ‘એણે કીધું કે કાદુડી જો મારા વંથલીમાં આવે તો એને મારી હાટડીની બાજુમાં ભંડારી દઉં…’

‘એની ભલી થાય…’ કાદુએ હથેળી મસળી.

‘કોના જોરે ઇ બોલ્યો?’

‘એની લખમી (લક્ષ્મી) ના જોરે…’ નવાબે એની ડેલીએ આરબ બેસાડ્યા છે, ભરી બંદૂકે… એનો ગો એની ખોપરીમાં કડાકા કરે છે.

‘ઠીક, નાસ્તો કરી લે…’‘મારે તો નાસ્તો હરામ છે…’

‘તો પછી અમારેય હરામ છે…’ કાદુ મકરાણી ઊભો થયો. ‘હવે તો વંથલી ભાંગી ને જ પાણી પીશું?…’

નાસ્તાનાં પડીકાં વંથલીના નહેરામાં જ કીડીઓ માટે પડતા મૂકીને ત્રીસ સાથીઓ સાથે કાદુ મકરાણી વંથલી ઉપર ચડ્યો. શેઠની ડેલીએ બેઠેલા વીસ ચાઉસોને કેવી રીતે ઘેરી લેવા એનો વ્યૂહ ગોઠવીને કાદુએ રૂંજ્યું વેળાએ વંથલીમાં પગ દીધો… મહારાજ મેર બેસવા ટાણે ઘોડાઓના ડાબલાથી વંથલીની બજારો પડઘાઇ ઊઠી. સાંજ વેળાએ નાસ્તા માટે કાવો બનાવવાના બુંદદાણા વાટતા ચાઉસોને ડેલીના ખાનામાં જ કાદુના માણસોએ ઘેરી લીધા. વીસેયની બંદૂકો આંચકી લઇને ખાલી કરી નાખી. એકીસાથે વીસ બંદૂકોના અવાજ સાંભળીને વાળુની થાળી પર બેઠેલા શેઠ બારણાં બંધ કરવા ગયા ત્યારે કાદુએ એને બાવડે પકડીને બહાર ખેંચ્યા:

‘શેઠ! તારા ચાઉસોની દશા જોઇ લે.’ કહીને કાદુએ ડેલી તરફ આંગળી ચિંધી. કાદુના માણસો બિનહથિયારધારી ચાઉસોને ગોઠણભેર હંકાવીને ડેલીના ખાનામાં ઓરડીમાં ભરવાડ એનાં બકરાંને ઝોકમાં ઠાંસે એમ ઠાંસી રહ્યા હતા! શેઠના હોઠ ઊઘડી ગયા અને આડો ખોબો લાળો બહાર નીકળી ગઇ…! ગેં ગેં ફેં ફેં થઇ ગયું: ‘તમે કોણ?’

શેઠનો બંગલો ધ્રૂજે એવું અટ્ટહાસ્ય કરતો કાદુ મકરાણી હસ્યો: ‘મને ન ઓળખ્યો? અભેસંગ! હું કાદુ મકરાણી… તું રોંઢા વેળા બકયો’તો કે કાદુને ભોંમાં ભંડારી દઉં… હવે બોલાવ્ય તારા ચાઉસોને’. કાદુએ શેઠની પીઠ ઉપર પાટું મારીને હુકમ કર્યો: ‘કાઢી દે તિજોરી-કબાટની ચાવીઓ…’

‘લ્યો બાપુ!’ શેઠાણીએ ચાવીઓનો ઝૂડો કાદુના પગમાં મૂકીને હાથ જોડ્યાં. ‘હું તો તમારી દીકરી છું બાપુ! તમને પગે લાગું છું કે મારા પતિને મારશો મા… સોનામહોરો, રૂપિયા, દાગીના મારા હાથે જ ઢગલો કરી દઉં, પણ દીકરીનો ચૂડલો ના ભાંગશો કાદુ બાપુ!

કાદુએ ડારો કર્યો: ‘તું હટી જા… બાઇ!’ ‘નૈં હટું. બાપથી દીકરી શાની ડરશે? ડાહી શેઠાણીએ બાજી હાથમાં લઇ લીધી. ‘મારા પતિને મારતાં પહેલાં મને ગોળી મારો બાપુ! હું ચૂંદડી ઓઢીને સ્મશાને જાઉં.’

‘તેં તો આજ ભારે કરી દીકરી!’ કાદુ નરમ પડ્યો. શેઠાણીએ પોતાના હાથે નાણાં, દાગીના અને સોનાની ગીનીઓનો ઢગલો કર્યો. ‘લઇ જાવ બાપુ!’સાથીઓ ફાંટો બાંધવા તૈયાર થયા ત્યારે કાદુએ એને રોક્યા.‘સબૂર!’સાથીઓ આભા બનીને સરદાર સામે જોઇ રહ્યા.‘મેં એક જણને વચન દીધું છે માટે હજાર સોનામહોર લઇ લો. બાકીના માલને હાથ ન અડાડશો! કાદુ બહારવટિયો છે, લુંટારો નથી.’ અને શેઠની સાથે ડોળા કાઢીને કીધું: ‘એલા વેપારી! તારા ઘરનું માણસ ડાહ્યું છે એટલે તને જાવા દઉં છું.’ અને હજાર સોનામહોર ગણીને ઉમેર્યું.

‘શેઠ! તારી હજાર સોનામહોર હું અઠવાડિયામાં આપી જાઇશ.’‘અરે મારા બાપ!’ શેઠના ખોળિયામાં પ્રાણ સંચાર થયો: ‘મારે કશું જ પાછું નથી જોતું બાપા! ખુશીથી લઇ જાવ…’‘શેઠ કાદુને તમે ઓળખતા નથી, આ તો અત્યારે મેં એક જણાને વચન આપ્યું છે એટલે લઇ જાવ છું, બાકી જે ઘરમાં મારી ધરમની બહેન કે દીકરી હોય એ ઘરનું પાણી પણ હું પીતો નથી. માટે ખાતરી રાખજો કે અઠવાડિયે સોનામહોર પાછી આવી જશે… અને જુઓ શેઠ! કાલથી તમારા આ વીસેય ચાઉસોને જૂનાગઢ પાછા મોકલી દેજયો, એના રક્ષણની હવે તમારે જરૂર નથી, તમારું રક્ષણ હવે કાદુના નામે થશે.’ કહીને કાદુ ઠરતા પહોરે ચાલ્યો ગયો.

રાતોરાત હજાર સોનામહોર બિલખે બેઠેલા માણસુર ગઢવીને મોકલી આપી. ચોથે દિવસે કાદુએ વિસાવદર ભાંગ્યું. ત્યાંથી માત્ર એક હજાર સોનામહોર જ લીધી અને રાતોરાત પોતાના સાથીને મોકલીને હજાર સોનામહોર વંથલીના વેપારી અભેસંગને મોકલી આપી.

લેખક:- નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!