દુષ્કાળમાં કાઠી દરબારોની સખાવત

કાઠીને કે છે જગત, સૂરજના સંતાન;
અશલ બીજ ગુણ એહના, દેગ તેગ ને દાન.
-રાજકવિઃ શંકરદાનજી દેથા(લીંબડી)
—————————-

કાઠી ક્ષત્રિય સમાજ સૂર્ય ઉપાસક, ધર્મ અને પરંપરા માટે દ્રઢ તથા ગાયો, બ્ર્હામણો અને ધરતી માટે બલીદાન આપનારા, વિરતા અને ધીરતા ,શૌર્ય અને સમર્પણ માટે પંકાય છે. ‘अतीथीदेवो भवः’ એ પ્રાચિન ભારત ના સંસ્કાર છે, કાઠી સંસ્કૃતી મા ‘પરોણાગત’(મહેમાનગતી) નુ આગવુ મહત્વ છે.

કુળવંત અને કળાવંત કાઠીયાણી એ પારણા થી માંડી ને યુધ્ધ ના પરાક્રમ સુધી આખો જીવન વ્યવહાર ભરત ગુંથણ મા આલેખ્યો છે એવી જ રીતે અન્નપુર્ણા સ્વરુપે એમના વિવેક અને આગવી રસોઇકલા પણ વિશીષ્ટ છે.

શીલ, શૌર્ય, નીયમ પાલન, ટેકધારી અનેક કાઠીઓ ના પરાક્રમથી ક્ષાત્રત્વ દીપી ઉઠ્યુ છે, ક્ષત્રિય નો એવો જ ઉજળો સંસ્કાર છે દાન. દેવુ, મરવુ અને મારવુ એ દોહ્યલુ છે.

દુષ્કાળો મા સખાવત કરનાર કાઠી દરબારો ની કિર્તિ લોકોએ ગાયા છે,

‘પાઠી દત્તરી પઢીયા, જસ આઠી દસ જોઇ
મહીપત માઠી વાર મા, કાઠી સમાન ના કોઇ’

(આ મારવાડી દુહા નુ પાઠંતરઃઆઠી+દસ(અઢાર) કોમ જોઇ લ્યો પણ કાઠી દેવો ના પાઠ ભણ્યા છે, માઠીવાર(દુષ્કાળ) મા કાઠી સમાન કોઇ નથી.)

ગાય મકોડા ચરે અને અસ્તરી બાળક ભરખી જાય એવુ કારમુ ટાણુ. ઢોર ના હાડપિંજરના ઢગલા ખડકાણા હતા. કાગડા, કુતરા, ગીધડા, શિયાળીયાને ઉજાણી થઇ હતી. ધરતીનુ હૈયુ ચીરાઇ ગયુ હતુ અને નદી નાળા સુકાઇ જવાથી પશુ પંખી પાણી વગર વલવલતા હતા. રોગો ના દાવાનળ સળગતા હતા. માણસો ટપોટપ મરી રહ્યા હતા અને કોઇ ની અંતીમ વિધી કરવાની વેળા નહતી.

દુબળ રાંકનો હાલ્યો દરિયો,નોંધ વિનાનો સાંધો ન રહ્યો.
ડૂલ્યા ઢોર થયા છે ડગતાં,રાંક બજારે હિંડે રગતા.

લીધો કાળે નાઘેર લપેટો,ભરૂચ લગી હરિયો ભેટો.
પાર કિયો જયપુરને ભેટો.જબ્બર તણો કોઇ ખમે ઝપેટો.

જગ બારાડી પડિયો જોતા,રૈયત બાધીને હરિયલ રાતો.
નબળા તણા ઘર હોતા નો’તા,ચપટ એક માં કાઢયા છોતા.

કેટલાક જાણીતા દુકાળ ના નામો-

સંવત ૧૩૧૫નો પનરોતરો. સંવત ૧૬૮૭નો સત્યશિયો. સંવત ૧૭૭૫નો પંચોતેરો. સંવત ૧૭૮૭નો લીલો સત્યાશિયો, તિલોતરો એટલે સંવત ૧૮૦૩, સંવત ૧૮૪૭નો સુડતાળો. સંવત ૧૮૬૯નો અગણોતેરો. સંવત ૧૯૩૪નો ચોત્રીસો. સંવત ૧૯૫૬નો છપ્પનિયો. આ સિવાય કચ્છ કાઠીયાવાડ મા કાયમ દુષ્કાળ જેવી જ પરિસ્થીતી રહેવા પામતી.

*****

કાઠી રાજશ્રીઓ, ગામધણી વગેરે એ આપત્તિકાળ મા આવી પડેલા દુષ્કાળો માં રસોડા જાહેર પ્રજા માટે ખુલ્લા મુક્યા, સદાવ્રતો ચાલુ કર્યા અને ખુબ નામનાઓ મેળવી.

કાઠી સંતો ની દેહાણ પરંપરા ની જગ્યાઓમા પણ રોટલા અને ગૌસેવા નુ મહત્વ અપાયુ છે.

આણંદપર દરબાર શ્રી ભોજ ખાચર ને ત્યા એક હજાર દુષ્કાળગ્રસ્ત લોકો જમતા, છેવટે ત્યા પણ અન્ન ખુટી પડ્યુ અને એટલે લોકો ને જીવાડવા રોઝડા મારીને ખીચડી ભેગા ભેળવીને ખવડાવેલા, જેનો દુહો

દભરીને સર દોષા, દુજા સર દેયેં નહિ,
કી રંધાયે રોઝ, ભડ રસોડે ભોજલા.

છપનીયા દુષ્કાળ માં શેલણા ધણી શ્રી પીઠાબાપુ ખુમાણ પોતે કર્જ મા ઉતરી ને પણ અભ્યાગતો ની સારી સખાવત કરી હતી, દ.શ્રી ભોજબાપુ ખુમાણ (ભમોદરા) ની ઉદારતા પંકાયેલી, ઘોબા દરબાર ડોસલ ખુમાણે પણ રસોડા ખોલ્યા હતા.

ગીગા બારોટે એ વખત ના સખાવત કરી દાળદર ભાંગતા સોળેક દાતાર કાઠી દરબારો ના નામ વણી ને છપનીયા દુકાળ નુ ગીત રચેલુ.

સુખપુર ના શ્રી શાર્દુળવાળા એ ચુમોતરા દુષ્કાળ મા અન્નદાન આપ્યુ જેની નોંધ મળે છે.

વિ.સ. ૧૯૨૬ મા તીડ નો પ્રકોપ મારવાડ, કાઠીયાવાડ પ્રદેશ મા થયો, એ તીડો સર્વ સાફ કરી ગયા, બાવળ ની છાલ પણ રહેવા ના દિધી. જસદણ દરબાર શ્રી ઓઢા ખાચરે રસોડા ખોલ્યા લોકો ને જમાડતા પોતે હાજર રહેતા, એક દિવસ શ્રી ઓઢા ખાચર પોતે બે વાગ્યા રસોડે આવ્યા, લોકો ભુખ મા ટળવળતા હતા, કારણ પુછતા વ્યવસ્થાપક માણસે કિધુ કે બળતણ ના ગાડા મોતીસર ની વાડીએ થી સાંજ કોર આવશે ,ઓહો ત્યા સુધી આમને ભુખ્યા રહેવા દેવાય, દાડીયા ને હુકુમ કર્યો, ગેસ્ટહાઉસ ના ધોરાજી ના હાથીપગા વાળા ઢોલીયા તમામ ભંગાવી શીણા કરી બળતણ બનાવી દિધા ને ચુલો પેટાવી લોકો ને જમાડ્યા.

ઓગણેતેર ના કાળ મા દ.શ્રી જીવાબાપુ ખાચર (ગઢડા) એ રસોડુ ખુલ્લુ મુક્યુ.

સુડતાળો(૧૮૪૭)માં ગઢડા, હાડીકા, ભીમડાદ ના અનુક્રમે ઉનડબાપુ ખાચર, જીવાબાપુ ખાચર, મેરામબાપુ ખાચરે રસોડા ખુલ્લા મુક્યા.

‘દુહો’

‘ઉનડ ગઢડે અન્નદીએ હાડીકે જીવો જે
ત્રીજો ટોડો તે મેરામ મચ્છરાજરો’

દ.શ્રી વીરાબાપુ ખવડ(લાખાવડ) પંચોતરે દુષ્કાળે દાતાર તરીકે પંકાયા તા,

‘વસવ બધી જોતા સમય આવ્યો વખમ
મયલ પંચોતરે ઘણા મર્યા

કઠે જઇ કવેસર ગીત દુવા કહે
સુજતા નથી કોઇ દાતાર સારા

ખત્રીવડ ખવડ ખવે રાખણહારા
ડાંખરા અને દાતાર દોઢા’

એ સિવાય દ.શ્રી ભોજબાપુ ખવડ (ગારંભડી),

‘રામો અને રાઠોડીયો,ડોહો અન્નદાતાર
ભાળા ઘર ભોજલ તણે,કાઠી ભાંગણ કાળ’

દ.શ્રી માત્રા ખવડ(શીરવાણીયા) ,

બેઠા છે ભુખ્યા બધા બળવંત,અમારા બાળ
એને કળભલ ઉતરાવો કાળ,મેર કરી ને માત્રા

દ.શ્રી ભોકા ખવડે દુષ્કાળ મા ગામો મા રસોડા ચાલુ કરાવ્યા હતા.

‘આબુ તળેટી સધ,અડગ ટુંકુ ગરવા તેમ
જુના જોગી જેમ,ભાંગે દાળદર ભોકલો’
————————-

અચુક સુરજ ઉગવા,મેહ વરહવા
કાઠી અન્ન દેવા, ત્રણેય સરજ્યા તેવ તેવા
—,–,—

ધરત ખાંડ, ઘઉ જમણ દધાઆ ચૂલ ઘણા, બેવલી નાઠીયા અણી બાજુ।
કાઠીયા જે વટા રાઉ રાણા નકો, કાઠીયા તણા ઘર ઘણે કાજુ ॥

(જ્યા ઘઉ, ખાંડ ભરપુર છે, જ્યા દુધપાક ના કેટલાય ચુલા ચાલે છે, એવી જગ્યા એ જમણ માટે ભુખ્યા લોકો બેય હાથ ની મુઠીયુ વાળી ને ખાવા આવે છે જે કામ અન્ય રાજવી કે રાણા નથી કરી શકતા એ મુળુ ખાચર(ચોટીલા-આણંદપર) પોતાને ઘરે કરે છે.
—————–
સમસ્ત કાઠી જ્ઞાતિની આ યોગ્યતા સંબંધે કવિરાજ કનરાજ ઝીબા(દેગામ-ધાગ્રંધા) ની રચના…:-

*ગીત-સાણોર*
કાજૂ આભરણ ધરણરા કાઠી,
કાઠી અશરણ શરણ કહાય;

કરણ જસા દાતા નૃપ કાઠી,
જાચ્યાં કાઠી દારિદ જાય.

કરમી ભૂપ હૂવે નિત કાઠી,
કાઠી જસા ગુણી નહ કોય;

કહિયે પાળ બિરદરા કાઠી,
હોડ કાઠીરી કિણશું હોય.

કવિયાં પિયર જગતસર કાઠી,
કાઠી વંચો ન કો કરે;

કવિયાં કાજ દિયે શિર કાઠી,
(તો) દૂજે કાઠી કેમ ડરે.

કળિયુગમાંહ પ્રાગવડ કાઠી,
કાઠી ઘર અનક્ષેત્ર કહાય;

કદી નકાર ન ભાખે કાઠી,
ધણ્ય કાઠી હથ ભૂત ધરાય.

માગણ દશા હોય જો માઠી,
(તે) કાઠી વિણ કુણ સધર કરે;

કાઠી અશલ હોય જો કાઠી,
(તો) ભેટે કાઠી ભીડ નરે.

કરતા ભલા કિયા જગ કાઠી,
કાઠી જગમાં નોત કિયા;

‘કવિ કનરાજ’ વિના નૃપ કાઠી,
પાવત આદર કઠે પિયા.
● ● ●

-કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન
સહયોગઃ શ્રી સુર્યકાંતભાઇ વરસડા, શ્રી આનંદભાઇ મહેડુ, ડો.શ્રી પ્રદ્યુમનભાઇ ખાચર, શ્રી જીલુભાઇ ખાચર, પદ્મશ્રી કાનજી ભુટા બારોટ, શ્રી વનરાજસિંહ ખવડ
‘–**–**–‘

જય સૂર્યદેવ
જય કાઠીયાવાડ

/———————————-/

દુષ્કાળ ડરાવે ફાળ પડાવે, મેહ ન આવે મુરજાવે,
એ વખતે આવે ગુનિગુન ગાવે બહુ રિઝાવે બિરદાવે,

દાતાર નિભાવે, પંડ દુઃખ પાવે, ના મુખ આવે દામ નથી,
વિત્ત વાવરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી..

error: Content is protected !!