પરોણાગત ઃ કાઠિયાવાડની લોકસંસ્કૃતિનો સંસ્કાર

માગશર કે ચૈતર-વૈશાખનો મઈનો હોય, પેટના જણ્યાના લગનિયા લીધા હોય, આંગણે આનંદનો અવસર હોય, સગાંવહાલા, સાજન-માજન આવવા માંડે ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછરેલી હરખુડી બાઈઓ મહેમાનોને મધરોખો મીઠો આવકારો આપતી ગાય છેઃ

અમ ઘર્યે સાજનિયા ભલે આવ્યા રે

સાજનિયાને ઊતરા ઓરડા દેવરાવો રે

ઊતારા ઓરડા લઈ સાજનિયા

પડો ને પાંદડી પડઘી વાગે

ઢોલ શરણાઈ ઝાંપે વાગે… અમ

આમ સાજનિયા અર્થાત્‌ સ્વજનો મહેમાનોને ઉતારા ઓરડા, બેસણ હિંડોળા ખાટ, દાતણ દાડમી, નાવણ કુંડિયું, ભોજન લાપશી, મુખવાસ એલચી-પાનનાં બીડાં, પોઢણ ઢોલિયા અપાય છે. કાઠિયાવાડની મહેમાનગતિ કોરી કોરી લગ્નગીતોમાં જ નથી ગવાતી પણ ત્યાંના લોકજીવનના માનવીઓના આચરણમાં પણ જોવા મળે છે. લગ્ન જેવા પ્રસંગે જ નહીં પણ અમસ્થા સુવાણ્યે મહેમાનગતિ માણવા આવેલા મહેમાનોને આભ જેવડો આવકારો મળે છે. અહીં મારે વાત કરવી છે, સૌરાષ્ટ્રના આવકારાની, મહેમાનગતિની એમને અપાતાં માનપાનની અને ખાનપાનની.

આવો ઉજળો આતિથ્ય સત્કાર, મહેમાનગતિની મૉજ સૌરાષ્ટ્રમાં સર્વત્ર ન મળે. અમારો લોકકવિ ચાર ચરણના દૂહા દ્વારા કહે છે ઃ

ભાણાં ખડખડ લોહજડ,
આવતડાં પૈયાં (મહેમાન);
એટલાં વાનાં જાળવે,
જેનાં વજ્જરયે હૈયાં.

અર્થાત્‌ ઃ જેની ડેલીએ મહેમાનોનો મારશલો હોય, એમને જમાડવા જુઠાડવા ઓંશરીમાં અહર્નિશ ભાણાં (વાસણો) અને લોઢાનાં હથિયારો-ખાંડાં કાયમ ખખડતા હોય (યુદ્ધ-ધીંગાણાં થાતાં હોય) આટલાં વાનાં જેના વજ્જર જેવાં હૈયાં હોય ઈ જીરવી શકે.

સૌરાષ્ટ્રમાં જ્ઞાતિએ જ્ઞાતિએ મહેમાનગતિની ગત જુદી જુદી જોવા મળે છે. કાઠી-દરબારોમાં મહેમાનો આવે એને અદકેરા માનપાન મળે. બંધાણીઓ હોય એને માટે પાણીનો હાંડો, ખરલું અને માળવી અફિણ આવે. કસૂંબો તૈયાર થાય. સામસામા રંગ દઈને અંજળિયો પિવરાવાય. મહેમાનોને મનવાર કરતા બંધાણી બોલે ઃ

કહૂંબા કાશીગરરા દરિયારા હિલોળ;
સાદા લથડિયા લેવે, ફરે અમલી હીલોળ

કસૂંબાના કેફના કલાબા ઉપડે પછી હોકો તૈયાર થાય. ચોમાસાની મેઘલી રાતે દેડકા બોલે એમ હોકાની જમાવટ થાય ત્યાં બાપુનો હૂકમ થાય ઃ

‘એલા મેહૂર! ‘ઠૂંગા’ લાવો.’

બાપુનો હૂકમ માથે ચડાવતો મેહૂર દરબારગઢ તરફ જઈ રૂપાની ધૂંઘરિયું ને તોફણા ટાંકેલો કિનખાબને રૂમાલ ઢાંકેલો ઠૂંગા (નાસ્તા)નો થાળ લઈને ડાયરામાં આવે. બપોરા થાય એટલે ડાયરો ‘છાશું પીવા’ અર્થાત્‌ જમવા ઊભો થાય. ભીમડાદના કાઠી દરબાર જીલુભાઈ ખાચર નોંધે છે કે ઓરડામાં ચાકળિયું નાખવામાં આવે. વાઘનખના પાયાવાળા પીત્તળના જડતર અને ઘડતર વાળા બાજોઠ ઢળાય. પડખે પિત્તળની પડઘી (તાંસળી મૂકવાનું સ્ટેન્ડ) અને ઢીંચણિયાં મૂકાય. (એની પાછળ પણ આયુર્વેદનો નિયમ જોવા મળે છે. જમતી વેળા ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે મૂકો તો સૂર્ય નાડી શરૂ થાય અને જમણી તરફ રાખો તો ચંદ્ર નાડી શરૂ થાય. દૂધપાક, બાસુંદી, લાડુ જેવા મિષ્ઠાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય એટલે સઘળું પચી જાય. માત્ર દૂધ, દહીં કે અન્ય પ્રવાહી પીવામાં ચંદ્ર નાડીનો ઉપયોગ થાય.)

ઓરડામાં બેઠક લીધા બાદ જમનારની નજર સામે જમવાની બધી વસ્તુ મૂકાય જેથી કોઈને માગતા શરમ ન થાય. સવારની દોહ્યા વગરની રાખેલી ગાયના દૂધનું બોધરણું, દહીંનું ગોરહડું, બે શાક, તીખું અને ખાટું સાથે મિષ્ઠાન, અથાણાં મૂકાય. બાજોઠ સાથે રોટલા, રોટલી, ઘીની વાઢી, ખાંડેલાં મરચાં મૂકાય. થાળમાં મીઠું હોય. કાઠીના શાક ઓછા મીઠાવાળા બને. જોઈએ તે ઉપરથી મીઠું લે. મીઠું મગાય નહીં. મીઠું માગવું એ રસોઈ કરનારના અપમાન જેવું લાગે. વાળંદ પીરસણે હોય. સૌથી પહેલા મિષ્ઠાન ન પીરસાય. પછી શાક ખાટું અને તીખું પીરસાય. કોઈ દહીં ખાતાં હોય, કોઈ દૂધ ખાતાં હોય. કોઈ રોટલો જમતાં હોય, કોઈ રોટલી જમતાં હોય. શાક પીરસતાં પહેલાં ઘીની વાઢીમાંથી ઘી પીરસીને અંદર શાક પીરસવામાં આવે જેને અબગાર કહે છે. કાઠીની પ્રખ્યાત મિઠાઈ હરિસો છે. એ પીરસાય પછી તાંસળિયે તાંસળિયે દૂધ પીરસાય. હરિસામાં પાશેરેક ઘી નંખાય. આ હરિસાના બટકા, દૂધની કઢી, ભાતલા, રોટલા, તલધારી લાપશી પીરસાય. કાઠીના શાકમાં ચાર પાંચ જાતની ભાજી, ખરકોડીની ડોડી, કંકોડાનું શાક, રાડારૂડીના ફૂલની ભાજી, લૂણીની ભાજી સાથે ધૂંઘારેલા દહીંનું ધોળવું હોય. કહેવાય છે કે ઘીનું મારણ (ઘી વઘુ ખવાઈ ગયું હોય તો) દહીનું ઘૂંગારેલું ધોળવું ગણાય. ઘૂંધારેલું એટલે સળગતા કોલસા ઉપર પાવળું ઘી નાખી ઘૂમાડો થાય એટલે એને તપેલું ઢાંકી દેવામાં આવે. પછી ઝેરણી વડે ઝેરેલું પાણી નાખ્યા વગરનું ધોળવું તપેલામાં નાખો એટલે ઘીના ઘૂમાડાની અંદર સુગંધ આવે. એ પચવામાં ખૂબ હળવું. આમ ઘૂંગારેલી છાશ પણ થાય.

કાઠી દરબારોના ખાનપાન તો જુઓ. કાઠિયાણી સાત પાણીનો રોટલો અને એક પાણીનું શાક બનાવે. શાક વઘાર્યા પછી એક જ વાર માપથી પાણી નંખાય. જે કાયમ બનાવતા હોય એને માપની ખબર હોય. બાજરાના રોટલાને ઘડતા પહેલા માટીની કાળી કથરોટમાં પાવલીભાર મીઠું ઓગાળી પછી ટોયું લોટ નાખે અને ચૂલે મૂકેલું ઉનુ પાણી કથરોટમાં નાખે, જેથી ‘વક’ આવે. પછી લોટને મહળવાનું શરૂ કરે. જેમ મહળાય એમ લોટ કઠણ થાય. પછી પાણીનું છાબકુ લઈ લોટને છટકારો આપે. ફરી મહળે. એમ સાતવાર પાણી આપી પીંડાને બે હાથની હથેળી વચ્ચે ઘડીને તાવડીમાં નાખે. એમાં કાળજી ન રાખે ને હવા ભરાઈ જાય તો રોટલામાં ભમરા પડે. (સૌરાષ્ટ્રમાં પટલાણી એની દીકરીને બાજરાનો ઘડતા શીખવે ને ભમરો પડે ત્યારે પડખામાં ચૂંટલો ભરીને કહે ઃ ‘આ ભમરાળો રોટલો તારો બાપ ખાશે, પણ તારો હાહરો નંઇ ખાય. પાટલા માથેથી સીધો ઘા જ કરશે.) તાવડીમાં નાખીને ત્રાંબિયા જેવો સેડવે. ને તાવડીમાંથી ઊતરે પછી ઉનો ઉનો જ પીરસાય.

કાઠી બહેનોની ખૂબી તો જુઓ. રસોડામાં રોટલો ટીપાતો હોય ને પડખેના ઓરડામાં મહેમાનો જમવા બેઠા હોય તોય રોટલા ઘડવાનો ટપાકો ન સંભળાય. ઓંશરીમાં ૨૫ મહેમાનોની પંગત પડી હોય તો ય બાજરાના રોટલા સૌને ગરમ ગરમ જ પીરસાય. આમાં ચૂલા બનાવવાની પણ ખૂબી છે. ગામડાના ચૂલા માટે કહેવત છે કે ‘ચૂલા છીછરા, આગવોણ ઊંડી ને બેડ બમણી.’ બેડ એટલે ચૂલાની પાછળનો ભાગ. શ્રી જીલુભાઈ ખાચર કહે છે કે ચૂલાની બેડ બમણી રાખવાનું કારણ બાજરાના રોટલા ચડી ગયા પછી પાછળ બેડ ઉપર ઊભા મૂકાતા જેથી રોટલા ઠરતા નહીં. ગામડામાં ચૂલા બનાવે ત્યારે વાળંદ અને કુંભારની કોઠાસૂઝવાળી અને ચૂલાની બનાવટની જાણકાર બહેનોને સાથે રાખી કાળી માટી, રેતી, કુંવળ, ઢૂહા, લાદનું મિશ્રણ કરીને ચૂલા નાખતા. આવા ચૂલા ધગ્યા પછી બે કલાક આખો ચૂલો ગરમ રહેતો, એથી એની બેવડ પર મૂકેલા રોટલા ગરમ જ રહેતા. કાઠી દરબારોના રસોડે બાજરાના રોટલા ઉપરાંત જુવાર, મગ, સાકર, મકાઈ, ટીમરાની છાલ, મહુડા અને કેરીના રસના રોટલા બનતા. ચોખાના લોટમાં ઘી અને દૂધ નાખી મઇં મોઢું દેખાય એવો ‘હરીસો’ (મીઠાઈ) બનતો. બિરંજ, લાપશી, સુખડી, દૂધની કઢી અને ડુંગળીનો… જી હા. ડુંગળીનો દૂધપાક બનતો. એમના અથાણાંની કેટકેટલી જાતો! પીપરના પેપાનું, કુંવરપાઠાનું, ખારેકનું, વાંસનું, સાકરટેટીનું, કોઠાનું, ડુંગળીનું, રીંગણાંનું, પપૈયા અને કારેલાનું ય અથાણું અહીં જોવા ને ખાવા મળે.

ગુજરાતના ગામડાઓમાં વાહનો બઘડાટી બોલાવતાં થયાં એને આપણે વિકાસ તરીકે વર્ણવીએ છીએ પણ જૂના કાળે ગાડાં કે ઘોડા ઉપર બેસીને પગપાળા જે ગામતરાં થતાં એમાં અદકેરો આનંદ હતો. શાંતિ હતી. નિરાંત હતી. મૉજ હતી. સગાવહાલા કે મેમાનો ગાડાં ડમણિયાં લઈને આવ્યા હોય એમના બળદોની ય ચાકરી બરદાસ્ત થાય. વાવણી માટે ટાળાની જુવારની કડબ રાખી હોય ઈની બળદુને નિરણ કરાતી. જેને બળદ-ગાડાનો વેંત ન હોય એવા બાઈયું-ભાઈયું ગુડિયા-વેલ (પગપાળા)માં ગામતરાં કરતા. બાઈઓ પાંચ ગાઉનો પલ્લો કાપીને આવી હોય એમને બેસવા ખાટલિયું ઢાળી અપાય. ઉનામણીઆમાં ઊના પાણી મૂકાય. ઘરની વહુઆરુઓ વડીલ બાઈયુંના પગ ધોવા માંડે ત્યારે એમને પૂછે ઃ ‘ભાણી! તારે કેટલા ભાણી ભાણિયા? સગઈ કરી છે કે નંઇ? ચઇં જોઈ રાખ્યું છે? બાઈ ઉત્તર આપ્યા પછી પગ ચોળતી ચોળતી બોલે ઃ ફૂઈ પગ ચોળવા દો. નઇં તો રાતે કળવા માંડશે ને ઊંઘ નંઈ આવે.’

સૌરાષ્ટ્રની સંસ્કૃતિ જેમની નસેનસમાં વહે છે એવા અમારા સ્વજનસમા શ્રી કાનાભાઈ ડાંગર કહે છે ઃ અમારા આયરોમાં વહાલામાં વહાલો મે’માન આવ્યો હોય એના માટે દૂધપાક બને પછી કંસાર. ચુરમુ કે લાડુ જમણમાં હોય. અમારામાં ઢોકળીના ચુરમાનું મા’તમ મોટું. કુંભારવાડેથી લાવેલો માટીનો પહોળા મોઢાનો પાટિયો હોય એમાં કળશો એક પાણી નાખી, એમાં બાજરાના રાડાં ભાંગી માળો બનાવીને મૂકે. એમાં ઉપરાઉપરી ગોઠવેલાં મલોખાના માળા માથે વણેલી કાચી રોટલી ચોવડી કરીને મૂકે, પછી એના ઉપર ઢાંકણી ઢાંકી દે. ચૂલા નીચે તાપ કરે એટલે પાટિયાનું પાણી ઉકળવા માંડે પછી એની વરાળથી ઢોકળી પાકી જાય. હોંશિયાર બાઈયું રોટલિયું વણતી જાય ને પાટિયામાં મૂકતી જાય. જે પાકી જાય ઈ લઈને મહેમાન જમવા બેઠા હોય એમની થાળીમાં ગરમાગરમ જ મૂકે. ઢોકળી પીરસનારની પાછળ પાછળ એક થાળી ગઢિયા ગોળની અને દળેલી ખાંડની આવે. ખાંડ લેવી હોય ઈ ખાંડ લે. ગોળ લેવો હોય ઇ ગોળ લે. થાળીમાં ઢોકળીને ભાંગીને ચુરમુ કરે. ઉપર ઘી, ખાંડ કે ગોળ લઈ ચોળી નાખે. એમાંય જો ભાલિયા કાઠા (દાઉદખાની) ઘઉં હોય તો ઢોકળીમાંથી સુગંધ વછૂટે.

અમારા આયરો ઘઉં ખાય પણ બાજરો વિશેષ ખાય. મહેમાન આવે એટલે બાજરાના ‘લાહા રોટલા’ નઇં પણ ‘ભાટલા’ કરવા પડે. બાજરાનો રોટલો ઘડીને તાવડીમાં નાખી એકકોર્ય સેડવે. બાઈયુનો ભાઈ કે અંગત સગા મહેમાન હોય ત્યારે મઇં ભાત્યું પડે. કઇં ન મળે તો વેલણના છેડાથી ભાત પાડે. તાળાની કૂંચીથી ભાત પાડે; પછી મઇં ભરપટે ઘી ભરે. મહેમાનો માટે બાબરકોટનો બાજરો ને ચાંચ (બેટ)નું બકાલું ઉપયોગમાં લેવાય.

જમતી વખતે હોશિયાર અને પોરહીલો ઘરધણી મહેમાનને દૂધ ઘી ની મનવાર કરે. મહેમાનો અરઘુક જમ્યા હોય ત્યાં દહીનું ગોરહડું આવે. ઘરધણી ઉમળકો વ્યક્ત કરતા કહે ઃ ‘હેં ભોજભા! દઈંમાં જરાક ખટાશ લાગે છે.’ આ વાત રસોડામાં સંભળાઈ જાય તો બાઈઓ મીઠું ન મોકલે પણ ઓરડામાંથી ઘીનું ડાબરિયું મોકલે. દહીંને ખાટું મટાડવા ને મહેમાનગતિ કરાવવા દહીંમાં ઘીનો અબગાર નાખે, પછી પીરસે. દૂધના બઘોણાં આવે એટલે મહેમાનને દૂધની તાણ કરી કરીને ક્યારેક કાંડાય મરડી નાખે. મહેમાન હાંઉ હાઉં કરતા આડો હાથ ધરે તોય તાંહળિયું ભરી દે.

મહેમાનગતિનો માહેર ન હોય એવા મહેમાનનાં અહીં પારખાં પણ લેવાઈ જાય. જમનાર મહેમાન રોટલાના થાળમાંથી જમણા હાથે રોટલો ભાંગે તો પરખાઈ જાય કે આ નવોસવો છે. એને ખાવાની ખબર પડતી નથી. કાઠી દરબારોમાંય આ રીતે છે. ભાણે બેસેલ બરમુડા પહેરેલો સુધરેલો જુવાનિયો હોય તો તરત ખબર પડી જાય કે આને ખાતા નથી આવડતું.

ગિર (જૂનાગઢ વિસ્તાર)ના ગામડાંઓની વળી નોખી ગત. અહીં મે’માન ને પૂછો પૂછો કે કાનાભાઈ, અહીં કેટલા દિ’ થ્યાં? તો કહે ઃ ‘વીહક દિ’ થ્યા.’ બીજાને પૂછો તો કહે ઃ ‘કાલ્ય મઈનો પૂરો થશે. હમીરભૈ ક્યાં જાવા દ્‌યે છે?’ ગિરમાં મહેમાન જાવાનું નામ દે એટલે ઘરધણી ઠાકરના સમ દઈ બે પાંચ દિ’ વઘુ રોકે. (અમારા ભાલનળકાંઠામાં મહેમાનને બહુ દિ’ થઈ ગ્યા હોય, ને ઘર સાંભર્યું હોય ને ઘરધણી રજા ન આપતા હોય ત્યારે વહેલી સવારે પાણીનો કળશ્યો ભરી પાદરમાં લોટે જવા નીકળે ત્યાંથી લોટો ય હાથમાં લઈ પોતાના ઘરભણી બારોબાર ખેંતાળી મૂકતા.) ગિરના ગામતરામાં મહેમાનને દૂધની બહુ તાણ્ય કરે, પણ તમે જો ભાદરવા મઈનામાં ગ્યા હો તો દૂધ ઓછું ખાવું. ગિરના દૂધ અને પાણી બેય વાયડા પડે. બહુ ઘ્યાન રાખવું પડે.

મહેમાનો યજમાનને આંગણે રમીભમીને જતા રહેતા એવું જૂનાકાળે નહોતું. ચારણ કે બારોટ રાજ કે પ્રજાના આંગણે જમી જાય તો દૂહા રચી એમની કીર્તિને અમર કરી દેતા ઃ

માળેશ્વર ને માળિયું, તાતા ભોજન તૈયાર,
ભોજ સરિખો ભૂપતી, ચાલો જોઈએ ચાર.

ભોજ હાટીને બિરદાવતા જૈતા બારોટ કહે છે કે માળિયામાં ચાર વસ્તુ જોવા જેવી છે. પ્રથમ માળેશ્વરદાદાનું મંદિર, આમ્રઘટાથી શોભતું માળિયા ગામ, ભોજ સરખો ત્યાંનો રાજવી અને ચોથું એના દરબારમાં આવનાર મહેમાનો માટે તાતા એટલે ગરમાગરમ ભોજન. આજે રજવાડા રહ્યા નથી પણ એમની મહેમાનગતિની કીર્તિ કાયમ રહી છે.

ચિત્ર ઃ ‘ચકોર’
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!