પરોપકારી કાબા શેઠ

ગામની શેરીઓ અને ચોક વળાઇ ગયાં. દરબારી ઉતારામાં ચણોઠીના ફોતરા જેવા ગોળા ઉપર માંજેલાં બુઝારા અને ગ્લાસ-પિયાલા ગોઠવાઇ ગયાં. ચાર-ચાર ગામના ચોકીદારો ભરી બંદૂકે પહેરો ભરી રહ્યા. રાજાશાહીનો એ જમાનો હતો. ભાવનગરની રાજધાનીમાંથી વસૂલાતી અધિકારી. ફારમનું ‘નામ પાડવા’ વંડા ગામે મુકામ કરી રહ્યા હતા. વરસ માંડ ‘આઠ આની’ પાકેલું. ખેડૂત વર્ગમાં ફફડાટ હતો…! રાજાશાહીનો ચીંથરીઓ અમલદાર પણ ભલભલાના છક્કા છોડાવી શકતો.

ત્યારે આજ તો સમરાંગણની તોપ જેવો ધુંવાધાર અમલદાર નાનકડા એવા ગામે મુકામ કરી રહ્યો હતો. વંડા તે દી’ ‘તથા’નું ગામ-વંડા ગામે થાણેદાર રહે. જો આ ગામના મહેસૂલનું નામ રૂપિયો કે દોઢ રૂપિયો પડે તો આસપાસનાં બાર જેટલાં ગામડાંના ખેડૂતોનો કડૂસલો વળી જાય! રાજની લાખો રૂપિયાની મહેસૂલનો છેડો વંડા ગામથી ગૂંથાવાનો શરૂ થાય. વસૂલાતી અધિકારી સાથે વહીવટદારે આવીને સૌપ્રથમ ગામના પાંચ-દસ ખેડૂતનો દાણો દાબી જોયો, પણ એ બધાએ એક જ વાત ઉચ્ચારી: ‘સા’બ! કાબા ધનજી પટેલને બોલાવો-એ જે કાંઇ કરશે એ સૌને મંજૂર રહેશે.’

‘કાબા પટેલ એટલે મૂળ તો કણબીને?’ ‘ના સા’બ! કણબી નૈ વાણિયા, વાણિયા પટેલ.’ ‘વાણિયામાં વળી પટેલ?’ ‘હા… એ લોકોના પૂર્વજો મૂળીના પરમારોના કારભારી હતા. તે દી’ના બધા પટેલ કહેવાય છે.’ વહીવટદાર સાહેબનો નમૂછિયો હોઠ સહેજ વંકાયો અને લાલ એવા ગાલ ઉપર કાચની ધાર જેવો કટાક્ષ ચિતરાયો. ‘આ તો ભાઇ ખેતી અને ખેડૂતની વાત છે. એમાં વાણિયાની શી જરૂર?’

‘કાબા પટેલ ખેડૂત છે. સા’બ!’ વહીવટદાર સાહેબ વસમું હસ્યા: ‘તો તો ગીરોખત કરીને બમણા-ત્રમણા માંડીને કોક કણબી કે દરબારની જમીન તફડાવી હશે.’ ખેડૂતો આ વાતે કોચવાયા: ‘અરેરે, ઇ શું બોલ્યા, સા’બ? કાબા ધનજીને દોઢસો વીઘાં જમીન છે, આંગણે હાથણી જેવી ભેંસું છે. એનો રોટલો પણ બૌ મોટો હોં સા’બ!’

‘વાણિયાને વળી રોટલો હો’ય!’ સાહેબ હસ્યા: ‘રોટલી હોય-મૂળાના પતીકાં જેવડી, અને એય તે એની થાળી પૂરતી!’ ‘સાબ’! આપ તો ભાગ્યશાળી મનેખ છો. પણ એકવાર કાબા પટેલના મહેમાન થઇ જોવો. કાબા પટેલના રોટલા, એનાં અથાણાં, એનાં દહીંના દડબા…’ સાહેબ કંઇક વિચારે ચડીને ઊભા થતા બોલ્યા: ‘વાણિયો જબરો.’ ‘અમારે તો બાપા, અધરાતનો હોંકારો.’ ………. ‘સાહેબ!’ વસૂલાતી અધિકારીની એ સ્પેશિયલ રૂમમાં પ્રવેશીને વહીવટદાર અદબ ભીડીને ઊભા રહ્યા: ‘આ ગામનો કાબા ધનજી પટેલ, મૂળ તો વણિક છે, પણ એની પક્કડ આ પ્રજા ઉપર બહુ મોટી છે. કાબો પટેલ આબરૂદાર છે.’ રાજની રાજધાનીમાંથી સત્તાનો કસૂંબો લાવેલા સાહેબનો મગજ થોડો તમતમ્યો. વસૂલાતી અધિકારીનો ટોપો પોતાનો આ કર્મચારી તરફ ઊંચો થયો: ‘એ આબરૂદાર હોય કે જાગીરદાર, રાજની આગળ એની હેસિયત શી? આપણો એકાદ ડારો એની પાઘડીના આંટા ઢીલા-પોચા કરી નાખે, સમજયા મિસ્ટર? એ વેપારી છે, વણિક છે. સો જગ્યાએથી એને પકડીને પડકારી શકાય. થોડી સલૂકાઇ વાપરો. વરસ નબળું છે એની ના નથી પણ રાજને માટે લાખોની વાત છે.’

‘વહીવટદાર સાહેબે બોચી ખંજવાળી.’ સાહેબની આંખો થોડી પહોળી ગઇ: ‘તમારા જેવો અધિકારી, આવા સામાન્ય માણસોથી પ્રભાવિત થાય એ નવાઇ નહીં, શરમની વાત ગણાય!’ ‘સાહેબ! આપ ખુદ અહીં પધાર્યા છો ત્યારે-’ વહીવટદારે લોચા વાળ્યા. ‘સમજી ગયો.’ સાહેબ ખુરશીમાં ટટ્ટાર થયા: ‘બે ચોકીદારને મોકલીને તાબડતોબ એને મારી પાસે મોકલો. તમે જોઇ શકશો કે વણિક આપણી સાથે હાજી હા કરવા માંડશે!’ સાહેબના માણસો કાબા પટેલને બોલાવવા માટે દોડ્યા. વંડા ગામનો આ વણિક, પોતાની ચેમ્બરમાં હાજર થાય એ પૂર્વે વસૂલાતી અધિકારી સાહેબની તુમાખીના ચિતારાએ કાબા પટેલનું એક કાલ્પનિક ચિત્ર મગજના કેન્વાસ ઉપર દોરી લીધું: કાતરેલી વાણિયા મૂછો, ઢીલા અને ખુશામતખોર હોઠ, ચાર આંટાની ઢીલી પાઘડી, લફડફફડ ધોતિયું અને કથીરના રૂપિયા જેવું, ખોટું હસતો ચહેરો.

સાહેબના રુવાબદાર બારણા આડેનો પડદો ઊંચો કરીને જ્યારે કાબા શેઠ સાહેબના ટેબલ પાસે ઊભા રહ્યા ત્યારે રાજના આ અધિકારીને પ્રતીતિ થઇ ગઇ કે ડાર્યો ડરે એવો આ વાણિયો નથી! પહોળું કપાળ, નિર્ણાયક રીતે બિડાયેલા હોઠ અને આત્મવિશ્વાસથી ભર્યાભર્યા ચહેરામાં મૂછોના થોભિયાં ફરકાવતા કાબા શેઠ માપસરના હાસ્ય સાથે સાહેબ સામે ઊભા હતા. વસૂલાતી અધિકારી હાથમાં દીવો લઇને આના ચહેરામાંથી એકાદ નબળી રેખા શોધવા મથતા હતા, કે જેથી એ રેખા પર પગ મૂકીને બે ડગલાં આગળ ભરી શકાય!

‘બેસો શેઠ!’ સાહેબે કાબા પટેલને ખુરશી ચીંધી. ખભા પરના ખેસને ખોળામાં ગોઠવીને, સોનાના ફરેવાવાળી આંગણીઓવાળા હાથે શેઠે નિરાંતે આંકડા ભીડ્યા. ઉતારાની ઓસરીમાં બીજા અમલદારો એક કાને થઇને આ મુલાકાતને સાંભળવા ચૂપ ચૂપ ઊભા હતા. ‘તમે વણિક છો, ખરું?’ સાહેબે પૂછ્યું. ‘હા બાપ!, જ્ઞાતિએ વાણિયો છું.’ ‘વણિકબુદ્ધિ હંમેશાં આગળ રહે.’ સાહેબ અકળ હસ્યા! ‘વાણિયાનો દીકરો એના ચોપડામાં શ્રીલાભ સવાયા લખીને જ આગળ વધે.’ ‘સમજાયું નૈ સાહેબ!’ ‘સમજાવું.’ સાહેબ થોડા ટટ્ટાર થયા. ‘આ ગામના ખેડૂતો મહેસૂલ માટે તમારા પર વિશ્વાસ મૂકે છે. તમે બોલો, એ બધાને માન્ય છે.’ ‘ઉપરવાળાની દયા. બીજું શું, બાપા?’ ‘તમારા કોટને ગજવાં ખરાં, શેઠ?’ ‘છેને? કોટને ગજવાં હોય જ સાહેબ!’ ‘એને ભરતાં આવડે છે કે પછી આમ ને આમ? વાણિયાના દીકરાઓ તો રિછ પાસેથીય પૈસા કઢાવ્યાની વાર્તાઓ છે.’

સાહેબે એક ક્ષણ, ડારતી નજર કાબા શેઠ ઉપર નાખી અને બોલ્યા: ‘મારે આ ગામની મહેસૂલ દોઢ રૂપિયા લેખે વસૂલવી છે. અને તમારે એમાં ટાપશી પૂરવાની છે.’ અને શેઠના ચહેરામાં ચિકિત્સકે એક નજર નાખીને ઉમેર્યું : ‘તમારી બાબતમાં આપણે સમજી લઇશું.’ ‘મારી બાબતમાં સાહેબ અત્યારે જ સમજી લઇએ તો?’ કાબા શેઠ બોલ્યા: ‘પછી તો આપને ખાતરી થાય ને!’ ‘હં… હવે મૂળ વાત પર આવ્યા.’ સાહેબ સમજયા કે કાબા શેઠનો દાણો ગળ્યો ખરો. ‘તો હવે દોઢ રૂપિયો જ નામ પાડશું ને?’ ‘હા દોઢ પાડૉ…’ શેઠે માથું હલાવ્યું. ‘કાબા ધનજી દોઢ રૂપિયા લેખે દોઢસો વીઘાની ફારમ ભરી દેશે, હાંઉ?’

સાહેબની ડોક ઊંચી થઇ એટલે શેઠ બોલ્યા: ‘બાકીના બીજા ખેડૂત આઠ આના જ ભરી શકશે સા’બ! ખેડૂનાં છોકરાંને ખાવા પૂરતા દાણા પણ નથી નીપજયા. અંગ માથે લૂગડાં નથી. ખેડૂ આઠ આના જ ભરશે, આપ ભાવનગર જઇને હજૂર સાહેબને આ વાત સમજાવજો બાપા!’

‘તમે રાજને પક્ષે રહીને લાભ મેળવો શેઠ!’ સાહેબ હજી પણ શેઠને તાવતા હતા. ‘આ ગામડિયાના અધગાંડા લોકો તમને શો ગણ દેવાના?’

‘અધગાંડા ભલે રિયાં, સા’બ! પણ મારી જીભાન ઉપર ઇ બધાં ફના થઇ જાય. એનાથી મોટો ગણ મને ક્યાંથી મળે? અને દગો કરીને જો હું મારો સ્વાર્થ સાધું તો મારા જેવો બીજો ગણચોર પણ ક્યાં મળે? જો આપને દોઢ રૂપિયો વસૂલાત લેવી હોય તો કાબા ધનજીની… બાકી કીડી કોશનો ડામ ન ખમે, બાપા!’ અને આસ્તેથી કાબા શેઠ ઊભા થયા. ‘બેસો શેઠ!’ વસૂલાતી અધિકારીએ કાબા શેઠ ઉપર સંતોષભરી નજર નાખી: ‘તમારા બોલ ઉપર રાજ વિશ્વાસ મૂકીને આઠ આના મહેસૂલ જાહેર કરે છે, બસ?’ અને પળ એક રહીને ઉમેર્યું: ‘મારે તો એ જોવું હતું કે આટલા બધા ખેડૂતો જેની ઉપર વિશ્વાસ મૂકે છે એ કાબા ધનજી પટેલ, માટીપગો તો નથી ને?’ અને સાહેબે આ વણિક કૃષિકાર સાથે ખુશીપામાં હાથ મેળવ્યો…!

તોરણ – નાનાભાઈ જેબલિયા

error: Content is protected !!