જેસાજી વેજાજી – ભાગ 2

જેસાના મારેલ જોય, હોદા કેક ખાલી હુવા
રહીયું બીબીયું રોય, કેકહુંદી કવટાઉત !

[કેટલા યે અમીરોને જેસાએ મારી નાખ્યા, તેથી કેટલા યે હાથીની અંબાડીઓ ખાલી પડી. કેટલા યે મુસલમાનોની બીબીઓ રોતી રહી.]

જેસાના જખમેલ જ્યાં ત્યાં ખબરૂં જાય,
(ત્યાં તો) મામદના હૈયા માંય, કૂદે હરણાં કવટાઉત !

[જેસાજીને હાથે અમૂક માણસો જખ્મી થયા, એવી ચોમેરથી ખબરો આવે છે, એ સાંભળીને મામદશા પાદશાહના હૈયામાં હરણાં કૂદી રહ્યાં હોય એવી વ્યાકૂળતા ચાલે છે.]

ફર બગતર નર ફાડ્ય, પાખર અસ વીંધી પૃથી,
નડીયું સેંસ લલાટ કૂંટ તાહળું ક્વટાઉત !

[એ ક્વાટજીના કુંવર ! તારાં ભાલા કેવા જોરથી ભોંકાયાં ! યવન યોદ્ધાઓના મસ્તક પર ઝીંકાતાં એ ભાલાંએ માથાના ટો૫ વીંધ્યા, બખ્તર વીંધ્યાં, પુરૂષ વીંધ્યો, ઘોડાનું પલાણ વીંધ્યું, ને જાણે કે ધરતી વીંધીને એ ભાલો શેષનાગના લલાટ પર અડક્યો.]

મારી દળ મામદ તણા, ખુટવીયા ખાગે
જેસા લોબાન જે કીધો મોંઘો ક્વટાઉત !

[ઓ જેસાજી ! તેં મામદશાહના સૈન્યમાંથી એટલા બધા મુસલમાનોને મારી નાખ્યા છે કે એ બધાની કબર પર રોજ ધૂપ કરવાના લોબાનની માગ વધી પડવાથી લોબાન મોંઘોં થઈ ગયો છે. ]

“વણારશી શેઠ ! થોડીક વાર આ ડગલો પેરી લ્યો. આજ તમે અમારા મેમાન છો. તમને ટાઢ્યું નો વાય, માટે આ ડગલો પેરી લ્યો.”

જંગલમા બાન પકડાયેલા, જુનાગઢવાળા વણારશી શેઠે કડકડતી ટાઢમાં બહારવટીયાનો ડગલો પહેર્યો. થોડીવાર થઈ ત્યાં શેઠનું સુવાળું શરીર સળવળવા લાગ્યું. ગુલાબી ચામડી ઉપર ચાઠાં ઉઠ્યાં. શેઠ ડગલો કાઢવા લાગ્યા, પણ તૂર્ત જ બહારવટીયાએ એને અટકાવ્યો:

“ના શેઠ, ડગલો એમ ન કઢાય. એ તો હવે જ્યારે તમારી ચિઠ્ઠી જુનેગઢ શેઠાણી પાસેથી સીકરાઈને આવશે ને, ત્યારે જ ડગલો તમારા ડીલ માથેથી ઉતરશે.”

“ભાઈ સાહેબ ! પણ આમાં મારૂં શરીર વીંધાઈ જાય છે. રૂંવે રૂંવે આગ હાલી છે.”

“શેઠ, અમે ડગલામાં કાંઈ એરૂ વીંછી થોડા ભર્યા હશે ?”

“પણ બાપુ ! એ જેસાજી બાપુ ! મને વેદના બહુ થાય છે.”

“અરે વાણીયો ! એમાં બીજુ કાંઈ નથી. અમારા ટોલા છે. અમારા ચાંચડ, માંકડ છે. ભાઈ ! અમે તો રોજ આ ડગલા પેરીએ છીએ. પણ ટોલા બાપડા હવે તો અમારાં ડીલમાં લોહી વિના શું પીવે? આજ ટોલાને ઠીક તમારૂં મીઠું લોહી મળ્યું ! શેઠીઆ માણસનું ગળ્યું લોહી બાપડા બારવટીયાના ટોલાને ક્યાંથી મળે ?”

“એ બાપા ! આ તો ગઝબ ! નથી રેવાતું.”

“ફકર રાખો મા શેઠ, શેર અધશેર લોહીમાં કાંઈ મરી નહિ જાઓ. તમને અમારે બરછીએ નથી વીંધવા. તમને વાણીયાને અમે વાઢીએ કાપીએ નહિ. નાહક લોહી ભાળીને તમને ઉનત્ય આવે. ઈ કરતાં આ ટોલા ભલા. તમને ય પૂણ્ય થાય ને અમને ય એક દિ’ પાશેર લોહીનો બચાવ થાય.”

“પણ મારાથી આ નથી સહેવાતું. મને મોકળો રહેવા દો. તમે રાખશો એટલા દિ’ આંહી રહીશ.”

“ભાઈ વેજા !” જેસો બોલ્યો, “ શેઠને હવે સંતાપ મા. ઉતારી લે ડગલો.”

ડગલો ઉતારતાં જ વાણીઆએ ‘હાશ’ ઉચ્ચાર્યું. શરીર પર જીવાત્યના ચટકાનું ચિત્રામણ થઈ ગયું છે.

“વણારશી શેઠ !” બહારવટીયો બોલ્યો “આ ડગલો અમે રોજ પહેરીએ છીએ. અમારા દુ:ખનો કાંઈ ખ્યાલ આવે છે ?”

“શા સારૂ ટોલા સાચવો છો, બાપુ !”

“તમારા ઓલા ધોળાં પીળાં લૂગડાંવાળા સાધુ શા સારૂં ટોલા સાચવે છે ? જાણતા નથી ?”

“એનાથી તો જીવ ન મરાય. એ તો સાધુ કહેવાય. જીવદયા પાળવાનાં એનાં વ્રત લેખાય.”

“ ત્યારે શેઠ, અમારે યે બહારવટાનાં વ્રત હોય છે. અમે બહારવટીયા પણ અરધા જતિ. અમારાથી અંગ માથેની જીવાત્ય ન મરાય. નીચી પડી જાયને, તોય ઉપાડીને પાછી લુગડામાં મેલવી જોવે. નવાય નહિ. ધોવાય નહિ. આજ અઢાર વીસ વરસથી અમારા આવા હાલ છે. ”

ડાહ્યો વણિક વિચારે ચડી ગયો. થોડી વાર રહીને મ્હોં મલકાવી બોલ્યો: “બાપુ ! જું લીંખને જાળવો છો ત્યારે વેપારી વાણીઆને બાન પકડી નાણાં કાં છોડાવો ? આટલી બધી હત્યા કાં કરો ? ખેડુનાં ખેતર કાં ઉજજડ કરો ? એમાં દયા કેમ નહિ ? ”

“ના, તમ પર દયા ન હોય. શેની હોય ? તમારાં તો માથાં વાઢીને ગિરને ગાળે ગાળે એનાં તોરણ બાંધવા જોવે.”

“કાં બાપુ ? ” શેઠની રોમરાઈ થરેરી ઉઠી.

“કાં ? પૂછો ચો ? લાજતાં નથી ? જે પાદશાહ અમારે માથે માછલાં ધોવે, એને તમે સલામુ કરો ? એને કરવેરા ભરો ? એ અધરમીને ખેડુતો કામી કામીને ખેારાકી પૂરે ? એનું રાજ તમે આંહી નભાવો ? એક તો પરદેશી ને વળી અધરમી ! તમે એના કૂતરા બનીને પગ ચાટો, અમારા માથે જુલમ ગુજારવાની બધી જોગવાઈ કરી આપો, તોય અમારે તમને જાવા દેવા એમ ને ?”

બહારવટીયાને બોલે બોલે જાણે ગિરના ડુંગરા સાદ પૂરાવી રહ્યા છે. પંખીડાં ઝાડવાં ઉપર બેઠાં બેઠાં અંગ સંકેાડીને લપાઈ ગયાં. બહારવટીયો ફરી બોલ્યો:

“તમથી તો આ ટાલા ને ચાંચડ માંકડ ભલા ! પાદશાહને પૈસા ય નથી દેતા ને સલામુ ય નથી ભરતા. અમારાં ડીલ ઉપર એને ઈશ્વરે અવતાર દીધો, એટલે બાપડાં ક્યાં જાય ! પાશેર લોહી પીને પડયાં રહે છે. એને અમે કેમ મારીએ ? મારીએ તો તમને જ.”

વાતો થાય છે ત્યાં ઓચીંતો રથ ગાજિયો. રાતોચોળ માફો દેખાણો, ભાલો ઉપાડીને ઠેક દેતો પંચકેશવાળો સાવઝ વેજોજી ડુંગરાની ટોચે ગયો.

“મોટાભાઈ ! ” વેજાએ કહ્યુંઃ “એક બાઈ માણસ ઉતર્યું દેખાય છે. હારે પાંચ આદમી લાગે છે.”

“હથીઆરબંધ ? ”

“ના, માથા ઉપર અક્કેક કોથળી મેલી છે. મજૂર જેવા હાલ્યા આવે છે.”

“વેજા ! બાપ, સામો જા. જે કોઈ બોન હોય એને આંહી સાચવીને તેડી લાવ. વગડામાં જનાવરનો ભો છે.”

થોડીવારે વેજાજી એક બાઈને અને પાંચ કોથળીવાળા મજૂરોને તેડી ભોંયરે આવ્યો. બાઇને જોતાં જ વણારશી શેઠની મુખમુદ્રા, દીવેલ પૂરતાં જેમ ઠાકરની આરતી ઝળેળી ઉઠે તેમ ચમકી ઉઠી. આવનાર સ્ત્રીએ નીચું નિહાળી સાડલાનો છેડો સરખો કર્યો.

બહારવટીયા સમજી ગયા. પાંચે થેલી બહારવટીયાની સન્મુખ મૂકાવીને એ સ્ત્રી આગળ વધી. ગરવી, ગોરી, પેટે અવતાર લેવાનું મન થાય તેવી એ બાઈએ જાજરમાન અવાજે પુછ્યું “ભાઈ, તમે જ જેસાજી વેજાજી ?”

“હા બાઈ ! અમે પોતે જ.”

“લ્યો તમારાં દુ:ખણાં લઉ.” આગળ વધીને બેય બહારવટીયાનાં નીચાં નમેલ માથાંને વાણીઆણે વારણાં લીધાં.

“તમે કોણ છો બા !” બહારવટીઆએ પૂછ્યું.

“હું તમારી બોન છું વીરા ! ને તમે આ તમારા કેદીનો દંડ કર્યો છે, એ દંડની કોરીઓ લઈને ચુકવવા આવી છું.”

બહારવટીયા અજાયબ બન્યા: “આ શેઠ તમારે શું થાય બોન ?”

“મારા માથાના મુગટ. તમે એને જીવતા રાખ્યા, એથી હું તમારાં ઘરવાળાને આશિષ દઉ છું કે ઈશ્વર એના અખંડ ચૂડા રાખે.”

“અખંડ ચૂડા !” બહારવટીયા હસી પડ્યા, “બાર વરસથી તો બોન, રજપૂતાણીયુંના ચૂડા વગર ખંડ્યે ખંડેલા જ છે, હવે આ અખંડ ચૂડાના કોડ રજપૂતાણીયુંને નહિ રહ્યા હોય.”

સાંભળીને સહુ અબોલ બની ગયા.

જેસોજી બોલ્યો : “બોન ! હવે તમે આ ડુંગરામાંથી પધારો. વણારશી શેઠ ! હવે તમે છૂટા છો. અને આ થેલીયું પણ પાછી લઈ જાઓ.”

“કેમ બાપુ !”

“અમારી બોનને કાપડામાં પાછી આપીએ છીએ.”

બાઈ બોલી: “ના બાપુ ! તમે રાખો. તમારે જોવે.”

“અમારે નહિ જોવે બેન ! અમારે રૂપાના ખુમચામાં નથી જમવું પડતું. અમારે પાદશાહને પકવાન પિરસીને ક્યાં જમાડવો છે ? તમે પાછું લઈ જાવ. અમારે તો તારી એક કોરી પણ અગરાજ છે બોન !”

વણારશીએ બહારવટીયાના પગની રજ લીધી, હાથ જોડીને કહ્યું “બાપુ ! છું તો વાણીઓ. સ્વાર્થમાં બુડબુડાં છુ. પણ તમારાં બહારવટાનો અંત આણવા માટે મારાથી બનશે એટલું કરીશ.”

“ભાઈ ! વીરા !” શેઠાણી બોલી : “જુનેગઢ આવો ત્યારે બેનની સાર લેજો હો ! અને સાત પાદશાહની પાદશાહી વચ્ચે પણ મારૂં ખોરડું માના પેટ સમું માનજો. તમે મને નવો અવતાર દીધો છે. હું કયે ભવ ઈ કરજ ઉતારીશ !”

“રંગ છે તુંને બોન !”

બેય બહારવટીયા ઘોડેસવાર બનીને ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે કાળો કાગડો દેખાતાં નથી. જુવાનો ભૂખથી ને મુસાફરીથી થાકી લોથપોથ થઈ ગયા છે.

ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માદણામાં (કાદવના ખાડામાં) બેઠેલી એક ભેંસ ઉભી થઈ, અને ચાલવા લાગી.

જુવાનો જોઈ રહ્યા કે આંહી ભેસ ક્યાંથી ?

વેજો બોલ્યો કે “ભાઈ, આજ તો આ ભેંસને દૂધે જ વાળું કરવું છે.”

“બહુ સારૂં !”

અંધારે અંધારે ભેંસનું પૂછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડીક વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં પાધરી ચાલી ગઈ.

અસવારોએ પણ ડેલીમાં જઈ ઘોડાંનાં પેઘડાં છાંડ્યાં. ઉતરીને ચોપાટમાં બેઠા. મઢ મોટો, પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.

ઘડીક થયું ત્યાં તો એક સફેદ વસ્ત્રોવાળો ખૂબસુરત જુવાન આવીને ઉભો રહ્યો. મુંગો મુંગો બથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો. જઈને ઘોડારમાં બેય ઘોડાં બાંધી આવ્યો. વાળુની વેળા થઈ, જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બેય પરોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી એવી એક સ્ત્રીએ આવીને શાક રોટલા ને દૂધ પિરસ્યાં. રાતે ઓશરીમાં મહેમાનો માટે ઢોલીઆ ઢળાણા. કોઈ કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સહુ સૂવા ગયા.

મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે : આંહી અંતરીયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો ? આવડા મોટા ગઢમાં આ બે જ સ્ત્રીપુરૂષ શી રીતે રહેતાં હશે ? બોલતાં ચાલતાં કેમ નથી ? આવા રૂપાળાં બે મોઢાં ઉપર દુ:ખની પીળાશ શા માટે ?

ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરૂષ કણકતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે કણકી રહ્યો છે. આખી રાત કણક્યા જ કરે છે. જંપ લેતો જ નથી.

મુસાફરો ચોંકીને સાંભળતા જ રહ્યા, બેમાંથી એકેયને ઉંઘ આવી જ નહિ. વિચારમાં પડી ગયા. ભળકડા ટાણે ઓરડામાં કણકારા બંધ પડ્યા તે વખતે મુસાફરોની આંખો પણ મળી ગઈ.

સવારે તડકા સારી પેઠે ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી, અને નજર કરે તો ન મળે દરબારગઢ ! કે ન મળે ઢોલીઆ ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેય ઘેાડાં બોરડીનાં ઝાળાં સાથે બાંધેલાં : માથે વડલો છે, ને પડખે ઉંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે યે બ્‍હીવરાવે તેવા અવાજ કરતી ધાંતરવડી નદી ચાલી જાય છે.

તાજ્જુબ થઈને બેય બહારવટીયા ચાલી તો નીકળ્યા છે. એનાં કલેજા પણ થડક થડક થાય છે; પણ સાંજ પડી ત્યાં બેમાંથી વેજો બોલ્યો:

“ભાઈ ! એ ગમે તે હોય, પણ આપણે એનો રોટલો ખાધો; ને હવે શું એનું દુ:ખ : મટાડ્યા વિના ભાગી જશું ?”

“સાચું ! ન જવાય. આજ પહોંચીને પતો મેળવીએ.”

રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ બન્ને ભાઈ ઉભા રહ્યા: એ જ દરબારગઢઃ એ જ ચોપાટઃ એ જ જુવાનઃ એ જ રાંધીને પિરસનાર રંભાઃ એની એ જ પથારી !

વાળુ કરીને ઉભા થયા એટલે બે ય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઉભા રહ્યા. અને પૂછ્યું “બોલો, કોણ છો તમે ? ને આખી રાત કણક્યા છો કેમ ?”

“તમને એ જાણીને શો ફાયદો છે.”

“અમે રજપૂતો છીએ, જેનો રોટલો જમ્યા એનું દુ:ખ ટાળીએ નહિ તો મરવું પડે.”

“જુવાનો !” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો. “જુવાનો ! ડરશો નહિ ને ?”

“ડર્યા હોત તો પાછા શીદ આવત ?”

છાતી ચીરી નાખે તેવો ભયંકર સ્વર કાઢીને જુવાન બોલ્યો. અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો કે “જુવાનો ! હું માંગડા વાળો !”

“માંગડા વાળો ! ! !”

મુસાફરોના મ્હોમાંથી ચીસ નીકળી ગઈ.

“હા, હું ધાંતરવડીનો ધણી માંગડો : કમોતે મુવો. ભૂત સરજ્યો છું. વણિક-પુત્રી પદમાને લઈને આંહી એનાં લોહી ચૂસતો વસ્યો છું. તે દિ’ ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઈને ભાંગી ગઈ. હજી એ હાડકું ને એ બરછીની કરચ આ વડલાની વાડ્યમાં દટાઈને પડ્યાં છે. એ બરછીની કરચ મારી છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણુકું છું ભાઈ !”

“એનો ઇલાજ શો ?”

“તમારાથી બને તો તમે હાડકુ ગોતીને બરછીની કરચ કાઢો, ને મારાં હાડકાં દામા કુંડમાં પહોંચતાં કરો, નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એ ખટકા ખમ્યા જ કરીશ.”

એટલું બોલીને ઓહ ! ઓહ ! કરતો જુવાન ઓરડામાં ગયો. બારણાં બંધ થયાં. મુસાફરો સુતા. સવારે એની એ દશા દેખી.

વાડ્યના થડમાં ખોદાણ કામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં ઉઠાવ્યાં, બે ય બહારવટીયા દામે કુંડ ચાલ્યા ગયા. [ માંગડાવાળાની કથા જુઓ]

ભાદરવા મહિનાની મેઘલી રાતે અમદાવાદના મહેલને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે. નદીમાં પૂર ઘુઘવે છે, આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વિજળીએ એવી તો ધૂમાધૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. ધીરે રહીને હુરમ બોલી :

“ઓહોહોહો ! કેવી કાળી ઘોર રાત છે !”

પાદશાહે કહ્યું, “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે ?”

“બીજું તે કોણ ભમતું હોય ? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા સૂબાનું વેર તોળાઈ રહ્યું છે !”

“કોણ ? જેસો વેજો !”

“હા ખાવંદ ! તમારા તો બારવટીયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ ! ”

“બેગમ ! અટાણે મને એનું શુરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડો વીંઝતા હશે ? બખોલોમાં સુતા હશે?”

“બીજુ શું કરે, ખાવીંદ ! તમે એને સુવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે !”

“હુરમ ! અટાણે એ બેય ભાઈ હાજર થાય તો માફી આપું ! ગામડાં પાછાં સોંપીને બારવટુ પાર પાડું ! એવું મન થઈ જાય છે.”

“અરેરે ! અટાણે એ આંહી ક્યાંથી હોય !”

“સાદ તો કરો ?”

“અરે ખાવંદ, મશ્કરી ?”

“ના, ના, મારા સમ, સાદ તો કરો !”

ઝરૂખાની બારીએ જઈને રાણીએ અંધારામાં સાદ દીધો ? “જેસાજી ભાઈ ! વેજાજી ભાઈ !”

નીચેથી જવાબ આવ્યો “બોલો રાણી મા ! હાજર છીએ.”

“ઓહોહોહો ! ભાઈ અટાણે તમે આંહી ક્યાંથી ?”

“પાદશાની રખેવાળી કરવા, બો’ન !”

“પાદશાની – તમારા શત્રુની રખેવાળી ?”

“હા બોન !”

“કેમ ?”

“અમારે માથે આળ ચડે તે બ્‍હીકે.”

“શેનું આળ ?”

“તે દિ’ બોનને પાદશા કાપડામાં દીધેલો છે. કોઈ બીજો દુશ્મન આવીને માથું વાઢે, તો નામ અમારાં લેવાય ! અમે રહ્યા બારવટીયા ! અમારી મથરાવટી જ મેલી બોન ! અમારા માથે જ કાળી ટીલી આવે ! અમારૂં ખોટું નામ લેવાય એ કેમ સંખાય ?”

“વાહ રે મારા વીરાઓ ! રોજ ચોકી કરો છો ?”

“ના બો’ન ! આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”

મામદશાહે કનોકન આ વાતચીત સાંભળી. અટારી પરથી કુદી પડીને એ રજપૂત-વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યા :

“જેસાજી વેજાજી ! સવારે કચારીએ આવજો. આપણે કસુંબા પીવા છે.”

“પાદશા સલામત ! તમારો પરદેશીનો ભરોસો નહિ. રાજમાંથી કોઈને હામી થાવા મોકલજો કાલે, બોરીઆને માળે.”

એટલું કહીને બહારવટીયા ચાલી નીકળ્યા. [કોઈ કહે કે એ જવાબ આપનારા બહારવટીયા નહોતા, પણ માંગણાવાળાનું પ્રેત હતું.]

૧૦

ચાવ્યો ચવાણો નહિ, ભાંગ્યો નો ભંગાય
મામદના મુખમાંય થીઓ કાંકરો કવટાઉત !

[અન્નના કોળીઆમાં જેમ કાંકરો આવી ગયો હોય, એ જેમ ચવાય કે ભંગાય નહિ, અને બહાર જ કાઢવો પડે, તેમ કવાટજીનો પુત્ર જેસોજી પણ મામદશા પાદશાહના મુખમાં કાંકરા જેવો થઈ પડ્યો. એના ગરાસનો કોળીઓ પાદશાહના મ્હોંમાંથી પાછો નીકળ્યા વિના ઈલાજ નથી.

આવતી કાલે સવારે પાદશાહની કચારીમાં બહારવટીયાનું બહારવટુ પાર પાડવાનો અવસર છે.

આજ પહેલા પોરની રાતે બેય ભાઈઓ વેશ-પલટો કરીને પગપાળા નગરની વાતો સાંભળતા નીકળ્યા છે. ગઢની અંદરની રાંગે રાંગે ચાલ્યા જાય છે. માણસોનો પગરવ ત્યાં થોડો જ છે. એમાં એકાએક વેજોજી બોલી ઉઠ્યો :

“જોયું મોટા ભાઈ ! શે’રનાં માણસને શરમ ન મળે ! ”

“હોય ભાઈ ! બાઈયું તો બચારી અટાણે જ કળશીએ જવા નીકળી શકે. અને અબળાની જાત ! આ રોગું અહરાણું ગાજે એમાં કેટલેક આઘે જાય !”

“પણ પુરૂષ ભાળીને ઉભીયું યે ન થાય ?”

“ચુપ ચુપ ! સાંભળ ! આપણી વાતો થાય છે.”

બન્ને જણાએ અંધારે ખુણે પીઠ દઈ ઉભા રહીને કાન માંડ્યા. હંસલા મોતી વીણે એમ વેણે વેણ વીણી લીધું.

ગઢની રાંગે, દિશાએ બેઠેલી વાણીઆણીઓ અરસપરસ આવી વાતો કરતી હતી:

“હાશ ! દાદાને પરતાપે કાલ્ય બારવટીયાનું પાર પડી જાશે!”

“હા બાઈ ! ડાકોરને દેવે પાદશાહને સારી મત્ય સૂઝાડી. બાર વરસથી રોજ સાંજે દિ’ છતાં દુકાનો વાસવી પડતી !”

“પણ પીટ્યો પાદશાહ દગો કરીને પકડી તો નહિ લ્યે ને ?”

“ના રે ! આપણું મા’જન બારવટીયાનું જામીન થયું છે ને !”

“અરે બાઈ ! માજને ય શું કરે ! ધણીનો કોઈ ધણી છે ? મા’જન પાસે ક્યાં ફોજ છે ! પાદશા તો પકડીને પૂરી દ્યે બહારવટીયાને.”

“પૂર્યાં પૂર્યાં ! અમારા લાલચંદ શા ને પદમશી ઝવેરી જોયા છે ? દગો થયા ભેળી તો આખા અમદાવાદમાં હડતાળ પડાવે, હડતાળ, ત્રણ દિ’ સુધી હીરા મોતી ને રેશમનાં હાટ ઉઘડે જ નહિ.”

“હા, હો ! ઈ ખરૂં. મા’જન હડતાળ પડાવે, ત્રણ દિ સુધી રાજને બકાલું, તેલ કે લોટ ક્યાંઈ લાખ રૂપીઆ દેતાં ય મળે નહિ. બેગમુને ફુલના હાર ગજરા ય ન મળે ને !”

“તો તો પાદશાહ બાપુ આવીને મા’જન આગળ હાથ જ જોડે હો બે’ન ! હડતાળ કાંઈ જેવી તેવી વાત છે ?”

વાતો સાંભળીને બહારવટીયા શ્વાસ લઈ ગયા.

“મોટા ભાઈ !” વેજો બોલ્યો, “આ મહાજન આપણા જામીન ! પાદશા દગો કરશે તો આપણા હામી હડતાળ પાડશે ! હાટડાં વાસીને પાછલે બારણેથી વેપાર કરશે ! વાહ હામી ! પણ એમાં નવાઈ નથી. જેની બેન-દીકરીયું આમ બેમરજાદ બનીને પાટલીએ બેસે, એના બાપ બેટાથી બીજુ શું બની શકે ? હડતાળું પાડશે ! હાલો ભાઈ પાછા ! હેમખેમ બહાર નીકળી જાયેં. આંહી જો ડોકાં ઉડશે તો માજન હડતાળ પાડશે !”

“ભાઈ ! બાપાં ! સથર્યો રહે. આકળો થા મા. તેલ જો ! તેલની ધાર જો ! જોવા આવ્યા છીએ તો પૂરૂ જોઈને પાછા . વળીએ.”

અંધારાની ઓથે ઓથે બહારવટીઆ આગળ ચાલ્યા. ઘુમતાં, ઘુમતાં, ઘુમતાં એક બીજો લતો આવ્યો. મકાનોનાં બારીબારણાં આડા ચક લટકતા દીઠા. નજીવા નગરીમાં પ્રેત ફરતાં હોય તેવી સફેદ બુરખામાં ઢંકાએલી, પગમાં ચટપટ બોલતા સપાટ વાળી કોઈ કોઈ આબોલ ઓરત ક્યાંઇક વરતાતી હતી.

“ભાઈ ! પઠાણવાડો લાગે છે.”

ત્યાં તો આઘેરેક ગઢની રાંગને અંધારે ઝીણો કલબલાટ ઉઠ્યો :  “હાય ખુદા ! કોઈ મરદ”

“હાય હાય ! આપના મું દેખેગા !”

“અબ કહાં જાય !

“યે કાંટેમેં ”

“યે કૂવેમેં.”

બહારવટીઆ નજીક પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો કૂવામાં ધબકારા સંભળાયા, અને પાંચ દસ બાઈઓને ઉંધે મ્હોંયેં કાંટાના ઝાળામાં પડતી દીઠી.

સડેડાડ પગ ઉપાડતા બે ભાઈ દૂર નીકળી ગયા.

જેસો બેાલ્યો “ભાઈ વેજા ! આ બીબડીયું ભાળી ? એનાં મલાજો ને કુળલાજ જોયાં ?”

“હા ભાઈ ! આના પેટમાં પાકેલાઓ જો હામી થાય, તો હડતાળું ન પાડે, પણ માથાં આપે. અસલ પઠાણોનું લોહી તે આનું નામ. મલીદા સાટુ વટલેલાની વાત હું નથી કરતો.”

“ત્યારે પાદશાહની ફોજમાં પણ અસલ લોહીના પઠાણો રહે છે ખરા. બધા ય બાંડાઓ નથી લાગતા. ”

૧૧

“શેઠીઆવ ! તમારી અમારે માથે મોટી મહેરબાની થઈ. પણ પાદશાને જઈને કે’જો કે માજનના હામીપણા માથે તો અમે નહિ આવીએ.”

“કાં બાપુ !” ભાતભાતની પાઘડીઓ વાળા શેઠીઆઓ હાથ જોડીને પૂછવા લાગ્યા.

“પાદશા દગો કરે તો તમે શું કરો ?”

“અમે શું શું ન કરીએ ? અમે હડતાળું પાડીએ : હાટડે ખંભાતી તાળાં દેવરાવીએ : ઘાંચીની ઘાણી ને કુંભારના ચાકડાં બંધ કરાવીએ. અમે માજન શું ન કરી શકીએ ? શાકપીઠમાં બકાલાં સડી સડીને ગામને ગંધાવી નાખે; જાણો છો ઠાકોર ? ભલેને અમને વેપારમાં હજારૂની ખેાટ્ય જાય, તો ય શું, તમારા માથા ઉપરથી ઓળધોળ કરી નાખીએ દરબાર ?”

“હા શેઠીઆવ ! તમે તો સમરથ છો. પણ હડતાળ પાડ્યે કાંઈ અમારાં ડોકાંમાંથી નવાં કોંટા થોડા ફુટે છે ! લીલાં માથાં ફરીવાર નથી ઉગતાં ભાઈ !”

“ઈ તો સાચુ બાપા ! અમે તો બીજું શું કરીએ ? અમારી પાસે કાંઈ લાવ લશ્કર થોડું છે ?”

“શેઠ ! મારી ન શકો, પણ મરી તો જાણો ને ?”

“ત્રાગાં કરવાનું કો’છો ? અરરર ! અમે ત્રાગાળું વરણ નહિ – ઈ તો ભાટ -ચારણુંનાં કામ !”

“સારૂં શેઠ ! જાવ ! પાદશાને કેજો કે અમારા હામી માજન નહિ.”

“ત્યારે !”

“કાં રાણીજાયા, ને કાં બીબીજાયા ?”

“બીબીજાયા ! મલેછ તમારા હામી ? માજન નહિં, ને મલેછ ? જેને મોવાળે મોવાળે હિંસા ! અરરર ! ”

કલબલાટ મચી ગયો. મહાજનના શેઠીયા સામસામાં લાંભા હાથ કરીને જાણે પરસ્પર વહી પડશે એવે ઉગ્ર અવાજે બોલવા લાગ્યા. અરર ! અરરર ! એમ અરેરાટીનો તો પાર જ ન રહ્યો.

મહાજન વીંખાયું, માર્ગે મીચકારા મારીને વાતો કરતાં ગયાં; “હંબ ! થાવા દો. પઠાણને હામી બનાવીએ. સામ સામા મર કપાઈ મરે. કાં એનું બારવટું પતે છે, ને કાં એને પઠાણો કાપે છેઃ બેય રીતે કાસળ જાશે.”

“હંબ ! ઠીક થયું, નીકર ભાઈ, આ તો પાદશાહના મામલા ! સપાઈ ધોકે મારીને હાટડાં ઉઘડાવે. અને આપણે સુવાળું વરણ. ધોકા ખાય ઈ બીજા ! આપણે કાંઈ કાંટીઆ વરણ જેવા પલીત થોડા છીએ, તે ધોકા ખમી શકાય ?”

“હંબ ! બલ્લા ટળી !”

“હંબ ! બળતું ઘર કરો કૃષ્ણાર્પણ !”

૧ર

પાંચસો ઘોડાનો ઉપરી પઠાણ: લાલ ચટક મોઢું: મુખમુદ્રામાંથી ખાનદાની ટપકતી આવે છે: હાવ ભાવ કે હાથજોડ જાણતો નથી: માથા પર સોનેરી પટાની કાળી લુંગી બાંધી છે: પાંચ જ અસવારે ઝાડીમાં ઉતર્યો. બહારવટીયાની પાસે જઈને જરા ય નમ્યા વિના, વધુઘટુ બોલ્યા વિના, જાણ કરી કે “હમ તુમારા જામીન !”

“જમાદાર ! પાદશાહ તમારો પાળણહાર છે, નીમકનો દેનાર છે. અમ સાથે દગો કરશે તો તમે શું કરશો ?”

“મારેગા ઔર મરેગા.”

“બસ ભાઈ વેજા ! આનું પાણી મરે નહિ એની આંખ્યું કહી આપે છે. લોહી જો, એનું લોહી ! સતીની આંગળીએથી ઝરતા કંકુડા સરીખુ. ”

“ચાલો જમાદાર !”

ઘોડે ચડીને, પૂરે હથીઆરે, ઘુઘરમાળ ગજવતા બહારવટીયા પઠાણની ફોજ વચ્ચે વીંટાઈને ચાલ્યા. જુનાગઢની બજારમાં તે દિવસ બહારટીયાને નિરખવા માણસ ક્યાં માતું હતું ?

બહારવટીયા મહેલના ચોકમાં જ ઉભા રહ્યા. પાદશાહને કહેવરાવ્યું કે “ઝરૂખામાં આવીને તમે વષ્ટિ ચલાવો. અમે ઘોડે બેઠા બેઠા આંહીથી જ વાટાઘાટ કરશું. કચારીમાં નહિ આવીએ.”

રજપૂતોને વીંટીને પાંચસે ઘોડુ વાળો પઠાણ ઉભો રહ્યો. બહારવટીયાને ભોળવીને ક્યારીમાં ગારદ કરવાની બાજીમાં પાદશાહ ન ફાવ્યો. ઝરૂખે બેસીને રજપૂતોના ઘોડાની હમચી જોતો જોતો, મ્હોં મલકાવતો પાદશાહ જોઈ રહ્યો.

બહારવટીયાને ગરાસ પાછો સોંપાણો.

[બન્ને ભાઇઓના જીવનનો અતિ દારુણ અને કરુણ રીતે વ્હેલો વ્હેલો અંત આવી ગયોઃ શાંતિ મળ્યા પછી બન્ને ભાઈઓ ઉઘમે ચડ્યા હતા- જેસાજીએ જેસર અને વેજાજીએ વેજળકા બાંધ્યાં. પણ પછી જેસોજી હાથસણી જઈને અને વેજોજી જેસર જઈને જુદા જુદા રહ્યા. સ્ત્રીઓનો કંકાસ હશે એમ લાગે છે.]

દૈવયોગે વેજાજીનો કુંવર સંગજી જેસાજીને ઘેર મૃત્યુ પામ્યો. એની માતાને સંદેહ રહી ગયો કે કુંવર દગાથી મરાયો, એ વાત તો વિસારે પડી. જેસાજીના કુંવર રણમલનાં લગ્ન મંડાયાં. પણ કાકા જેસરથી આવ્યા નહિ- કુંવર પોતે જ કાકાને તેડવા ગયો. ત્યાં રાતે કાકાએ એનું ફુલેકું ચડાવ્યું, મોડી રાતે થાકેલો રણમલ કાકાને ખોળે માથું નાખી સૂઈ ગયો. તે વખતે કાકીને દીકરાનું વેર સાંભર્યું. કંઈક બહાને વેજાજીને બહાર મેાકલી પેાતે એ પોઢેલા રણમલની હત્યા કરી:

રોયું રણમલીયા, માથે કર મેલે કરે
સરઠું સરવૈયા, તું જોખમતે જેસાઉત !

[ હે જેસાના પુત્ર રણમલ ! તું મરતે આખી સોરઠ શિર પર હાથ મૂકીને રડી. ]

વેજાજીને જાણ થઈ. ઘણા વિલાપ કર્યા. સ્ત્રીને ફિટકાર દઈ પોતે વેજળ કોઠે રહેવા ચાલ્યા ગયા. પણ રણમલના મામા મોસાળું લઈને આવેલા તેઓ પેાતાના ભાણેજના ઘાતકનો જાન લેવા ચાલી નીકળ્યા. તેઓને પાછા વાળવા પ્રયત્ન કરતો, ઘણું ઘણું મનાવતો, કરગરતો, ક્ષમાવીર જેસોજી પણ સાથે ચાલ્યો. વેજળ કોઠા પાસે પહોંચ્યા ત્યારે જેસાજીએ પોતાના ઝનુની સગાઓને કહ્યું કે “ઘડીક થોભો. હું છેલ્લી વાર મારા ભાઈને મળી આવું.”

એટલો સમય માગીને એ વેજળ કોઠે ચાલ્યો. જોયું તો જેસાધાર પાસે વેજોજી ભાલો લઈને એક સૂવરની પાછળ શિકારે નીકળેલ છે. સૂવર ઝપટમાં આવતો નથી.

“હાંઉ ભાઈ !” જેસો આડો પડીને ઉભેા રહ્યો, “તું હવે એને ન માર. એ રણમલનો જીવ હશે. અને રણમલ અટાણે તારે ભાલે ચડી બેઠો છે.”

વેજોજી નીચે ઉતર્યો. પોતાના ક્ષમાવંત ભાઈને ભેટી પડ્યો.

જેસો બેાલ્યો “ ભાઈ વેજા ! લાખ વાતે ય તને રણમલના મામાઓ જીવવા નહિ આપે. અને તું મુવા પછી મારે જીવીને શું કરવું છે ? માટે પરાયે હાથે કપાવા અને કમોતે મરવા કરતાં બેય જણા આંહી જ અરસપરસ મરીને એક જ સાથરે સજાઈ કરીએ. જીવ્યા ત્યાં સુધી ભાઈઓ જ હતા, મોત વખતે પણ માડીજાયા જ રહીએ. ”

વેજો માથુ નમાવીને બોલ્યા, “ભલે ભાઈ, પહેલો મને જ મારી નાખીને તમારા હાથ ઠારો.”

“ના વેજા ! એમ,નહિ, પ્રથમ, તું મને ઘા કર. પછી હું મરતો મરતો પણ તુને મારીશ.”

“ના, તમે મારું માથું ઉડાવો. હું પછી તમને મારીશ.”

“ભાઈ વેજા, તારે માથે બે ખતા છે: મોટા બાપુની અને રણમલની એટલે તારું માથું વઢાણા પછી તું મને નહિ મારી શકે. માટે પ્રથમ તારો ઘા.”

ભોંય પર પછેડી પાથરી, બને ભાઈ બેઠા. કસુંબા લીધા. હેતપ્રિતથી ભેટ્યા પછી વેજાએ જેસાની ગરદન પર ઘા કર્યો. ઘા કરીને પોતે માથું ઝુકાવી બેસી ગયો.

જેસાએ એક હાથે પોતાનું કપાએલ મસ્તક ધડ ઉપર ટકાવી રાખ્યું અને બીજે હાથે વેજા ઉપર ઘા કર્યો.

બન્ને ભાઇઓ આવી શાંતિથી વેજલ કોઠા પાસે કામ આવ્યા.

બન્નેના ચગલા (પાવળીયા) જેસાઘાર ઉપર રોપાયા. તે પછી જેસાજીનાં બ્‍હેન ભાઈની ખાંભી માથે નાળીએર ચડાવવા આવ્યાં. જુવે તો બેયનાં મ્હોં ઉગમણાં હતાં. કોની કઈ ખાંભી, એ બ્‍હેનથી ન વરતાણું.

હાથ જોડીને બ્‍હેન બોલી: “હે વીરા ! હું તને કેમ ઓળખું ! મારાં હેત સાચા હોય તો હું માગું છું કે જેસોજી ઉગમણે જ રહે, અને વેજોજી ગોત્રહત્યારો હોવાથી આથમણે મોઢે થઈ જાય !”

બ્‍હેનની વાણી સાંભળીને બેમાંથી એક ખાંભી આથમણી ફરી ગઇ હતી, એમ કહેવાય છે.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.

જેસાજી વેજાજી – ભાગ 1

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!