દધીચિનું અસ્થિ બલિદાન અને વજ્ર

વજ્રએ ભારતીય પુરાણો મુજબ સૌથી મજબુત હથિયાર છે. વજ્રએ ઇન્દ્રનું શસ્ત્ર હતું. કહેવાય છે કે, વજ્રનો નાશ કરવો કે એને તોડી પાડવું અશક્ય હતું. તેના દ્વારા ગમે તેનો વધ પલભરમાં કરી શકાતો. આવા અવિનાશી અને ભયંકર શસ્ત્રની ઉત્પતિ પણ એવા જ મહાન બલિદાનને કારણે થઇ છે.

મહર્ષિ દધીચિ અને ઇન્દ્ર –

મહર્ષિ દધીચિ એક મહાન તપસ્વી હતાં. કહેવાય છે કે,એના જેટલી કઠોર તપશ્વર્યા કરવાની શક્તિ અન્ય કોઇ પાસે નહોતી. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતાં અને પ્રખર વૈરાગી હતાં. તેમના તપથી ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગેલું અને ઇન્દ્રને ડર પેઢેલો કે ક્યાંક પોતે સ્વર્ગનું રાજ્ય ગુમાવી ન બેસે….! આથી તેમણે અપ્સરા સાથે કામદેવને દધીચીના તપમાં ભંગ કરવા મોકલેલા પણ દધીચિ પર કામદેવના પુષ્પધન્વા બાણોની જરા પણ અસર ન થઇ….! આથી ઇન્દ્રએ તેમના પર પ્રહારો કરેલા પણ એકપણ પ્રહાર દધીચિને સ્પર્શી નહોતો શક્યો.

એકદમ કઠોર તપશ્વર્યાથી મહર્ષિ દધીચિએ અલભ્ય એવું સંપૂર્ણ “બ્રહ્મજ્ઞાન” પ્રાપ્ત કરેલું. જે મહાન તપસ્વીઓ ઉપરાંત કોઇ પણ વ્યક્તિ પાસે નહોતું. એકમાત્ર દધીચિ જ એવા હતાં જેમણે સંપૂર્ણ બ્રહ્મજ્ઞાન મેળવ્યું હતુંં.

તે પછી ઇન્દ્ર દધીચિ પાસે જાઇ છે અને પોતાને બ્રહ્મજ્ઞાન આપવાની માંગણી કરે છે પણ દધીચિ ના પાડે છે કારણ કે, બ્રહ્મજ્ઞાન ગ્રહણ કરવા માટે ઇન્દ્ર પાસે યોગ્ય લાયકાત નહોતી. આથી ઇન્દ્ર કહે છે કે,જો તેઓ બીજા કોઇને પણ બ્રહ્મજ્ઞાન આપશે તો પોતે દધીચિનું માથું ધડથી અલગ કરી દેશે….!

એ પછી એકવાર દેવોના વૈદ્ય એવા અશ્વીનીકુમારો દધીચિ પાસે આવે છે અને અશ્વનું મસ્તક લગાવી તેઓ દધીચિ પાસેથી બ્રહ્મજ્ઞાન મેળવે છે. આ વાતની ઇન્દ્રને ખબર પડે છે અને તે અશ્વીનીકુમારોને સ્વર્ગમાંથી કાઢી મુકે છે. તે પછી પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે ઇન્દ્ર દધીચિનું મસ્તક કાપી નાખે છે. પણ અશ્વીનીકુમારો ફરીથી મસ્તક જોડી દે છે….! આમ,ઇન્દ્ર દધીચિ સાથે અણબનાવ ભર્યા સબંધો રાખે છે.

વૃતાસુરનો આતંક –

વૃતાસુર નામે એક મહાશક્તિશાળી રાક્ષસ સ્વર્ગલોકમાં આતંક મચાવે છે. ઇન્દ્ર સહિત બધા દેવો તેનાથી ત્રાહિમામ્ પોકારી જાય છે. પલભરમાં તે ઇન્દ્રને હરાવીને આખા સ્વર્ગ પર પોતાનો અધિકાર સ્થાપી દે છે. ઇન્દ્ર સહિતના દેવો દરબદર ભટકે છે. તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પાસે જાય છે. પણ કોઇ તેમની મદદ કરવા શક્તિમાન નથી. વૃતાસુરને કોઇપણ શસ્ત્રના પ્રહારની અસર થતી જ નહોતી તો એમનો વધ કરવો કેવી રીતે….! બધાં જ અસ્ત્ર-શસ્ત્ર વૃતાસુરને કોઇ પણ જાતની હાની પહોંચાડી નહોતા શકતાં. આખરે બ્રહ્માએ કહ્યું કે,તમે મહર્ષિ દધીચિ પાસે જાઓ. જો તેમના હાડકાંમાંથી હથિયાર બનાવો તો એ શસ્ત્ર વડે જ વૃતાસુરનો વધ કરી શકાય….!

ઇન્દ્ર મુંઝાયો. પોતે જેની સાથે વાટકીનો વહેવાર પણ નહોતો રાખ્યો ને એને બદલે મારાકાપીનો જ સબંધ રાખ્યો હતો તેની પાસે પોતે જઇ કેવી રીતે શકે ? અને તે પણ દધીચિના હાડકાં માંગવા….! દધીચિના પ્રાણની માંગણી કરવા જવાનું….! પણ આ પ્રશ્ન દેવોના અસ્તિત્વનો હતો એટલે મનકમને પણ ઇન્દ્ર અને બીજા દેવતાઓ દધીચિ પાસે ગયાં.

પ્રાણનું બલિદાન –

દધીચિ પાસે જઇને ઇન્દ્રએ વાત મુકી. દધીચિના સંસ્કાર ઊંચા હતાં તેમણે દેવતાઓનું હિત થતું હોય તો પોતાના અસ્થિ બીજા શાં ખપના એમ કહીને તરત જ પોતાના પ્રાણોનું બલિદાન આપવાની તૈયારી કરી. આવી મહાન વ્યક્તિને બ્રહ્મજ્ઞાન મળે છે કારણ કે એની લાયકાત એટલી ઊંચી હોય છે….! મહર્ષિ દધીચિ તેમના આ મહાન બલિદાનને લીધે આજે પણ સદાબહાર મહાત્મા તરીકે વંદનીય છે.

દધીચિએ સમાધિ લગાવી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. હવે તેમના શરીરમાંથી અસ્થિ બહાર કાઢવા માટે પહેલાં માંસને અલગ કરવાનું હતું….! આ કામ કોણ કરે ? કોઇ દેવતાની હામ ન ચાલી. આખરે કામધેનુ પ્રગટ થઇ અને તેમણે પોતાની જીભ વતી ચાંટીને દધીચિના શરીરનું માંસ ઉતાર્યું. તે પછી તેમના અસ્થિમાંથી વજ્ર બનાવ્યું અને ઇન્દ્રએ તેના વડે વૃતાસુરનો વધ કર્યો. ત્યારબાદ ઇન્દ્રનું તે કાયમનું શસ્ત્ર બન્યું.

વજ્ર એક અવિનાશી અને સૌથી કઠોર શસ્ત્ર છે કારણ કે એની પાછળ દધીચિ જેવા મહાત્માનું સર્વસ્વ અપર્ણ કરી દેવાની ભાવના સાથેનું અસ્થિ બલિદાન છે. જગત માત્રના કલ્યાણ માટે પોતાના અસ્થિનું જીવતાજીવ અર્પણ કરનાર દધીચિ સદાયને માટે લોકજીભે રહેશે. જે વ્યક્તિ જગતકલ્યાણ માટે ખપી જાય છે તે અમર જ રહે છે. જ્યારે અમૃત પીને અમર થનારા એમ કરી શકતા નથી કે એને જગત યાદ કરતું નથી. કવિ દુલા કાગના કહેવા મુજબ –

જગત આખાના ઝેરના પ્યાલાં પીનારો,આ દુનિયામાં અમર બનશે

સૌના અમૃતના પ્યાલાં ઝુંટવીને જે પીશે તે પહેલાં મરશે….!

– Kaushal Barad.

જો તમે આવીજ અજાણી વાતો વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ભગવાન રામનું ધનુષ્ય : કોદંડ

– અર્જુનનું ગાંડીવ ધનુષ્ય 

– જયદ્રથ વધની ગાથા

– હાડી રાણીનું અમર બલિદાન

– નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ

– શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ

error: Content is protected !!