પાળિયો ન હોય એ ગામમાં ઓખામંડળના વાઘેરો પાણી અગરાજ કરતા

સાતમી સદીથી સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા ઓખામંડળમાં વસેલી વાઘેર પ્રજાની સંસ્કૃતિમાં ગ્રીસની, આસીરીઆની, સ્કીધીયાની, ઈરાન અને સિંધની સંસ્કૃતિની ઝીણીપાતળી છાયાનાં દર્શન થાય છે. વાઘેર પ્રજાનો પોતાનો આગવો કોઇ ધર્મ હોય તેવું તેમની રહેણીકરણીમાંથી જડી આવતું નથી. અલબત્ત સોળમા સૈકા પછી તેઓ દ્વારકાનાથની જય બોલાવવાનું શીખ્યા હતા. માણેકવંશના પાંચસો છસો વરસના ઈતિહાસમાં કોઇ વાઘેર સરદારે પોતાના ગામને પાદરે મંદિર કે દેરું બંધાવ્યાની કથા સાંપડતી નથી એમ ઓખામંડળના વાઘેરોમાં કલ્યાણરાય જોશી નોંધે છે. આપણા લોકદેવો વાછરુદાદા, ખેતરપાળ, આશાપુરા, શિકોતર, ગાત્રાળ, શીતળા, આવડય, શૂરાપુરા અને સતીઓ એમના લોકશ્રધ્ધાના વિસામા છે.

આજે ઓખામંડળના દ્વારકા, બોરખેતરી, માંકડપર, સૂરજકોરાડી, આરંભડા, રોગીંજા, પાડલી, લોવરાળી, તુરંગા, વસઇ, વાછડું, બાલપર જેવાં ૪૨ ગામોમાં વાઘેરોનો વસવાટ જોવા મળે છે. કેટલાંક ગામો તો વાઘેર સરદારોએ પણ બાંધ્યાં (વસાવ્યા) હતાં. ‘ઓખામંડળના વાઘેરો અને એમની સંસ્કૃતિ’ પીએચ.ડી.માટેના મહાનિબંધમાં વાઘેર પ્રજાની સંસ્કૃતિ, રીતરિવાજો અને માન્યતાઓ પર ડૉ. પ્રહ્લાદ પટેલે રસપ્રદ માહિતી આપી છે.

વાઘેરો વિવિધ પ્રસંગોએ ધરતીમાતાનું પૂજન કરે છે. તેમાંય નવું ગામ વસાવતી વખતે ગામને ‘ધારાવારી’ દેવામાં આવતી. એક માણસ પાણીનો હાંડો લઇ પાણીની ધાર કરતો કરતો આગળ ચાલે અને બીજો માણસ એક હાથમાં ઘીનો દીવો અને બીજા હાથમાં દૂધનો લોટો લઇ દૂધની ધાર કરતો જાય. આ રીતે બંને ગામની આસપાસ આંટો મારી ગામની ભાગોળે પાડાનો ભોગ આપી એનું માથું જમીનમાં ભંડારતા. વાઘેરોની એક એવી માન્યતા છે કે આ ધારાવારી દેનાર વ્યક્તિની એક આંખ ફૂટી જાય છે.

વાઘેરો જ્યારે નવું મકાન બનાવે છે ત્યારે તેનો પાયો ખોદી પાયાની પૂજા કરે છે. તેમાં પતિ-પત્નીનું અખંડ જોડું, પાયામાં હળદર, સોપારી, તાંબાનાણું, ચાંદીનાણું, દૂધ, દહીં વગેરે વસ્તુઓથી ભૂમિપૂજન કરી તેના ઉપર મકાનનું ચણતર કરે છે.

ઉનાળામાં અખાત્રીજના અવસરે નવા વરસની ખેડય શરૂ કરતા પહેલા બ્રાહ્મણ કાઢી આપે તે મુહૂર્તે અને એ દિશામાં પહેલો ચાસ કાઢી નવા વરસની ખેતીના શુકન કરે છે. ખેતરમાંથી પાક લણી લીધા પછી તૈયાર કરેલા અનાજને ઘેર લઇ જતાં પહેલાં ખજૂર, પુસ્તાં વગેરે ચીજોથી ખળાને જુવાર્યા (વધાવ્યા) બાદ નવું અનાજ ઘેર લઇ આવે છે.

ખેતીકામ સાથે સંકળાયેલા વાઘેરો – ચોમાસાનો મન મૂકીને પ્રથમ મેહૂલિયો વરસી જાય ત્યારે વાવણી કરતી વેળાએ  ‘કાઢ’ અર્થાત્ ગાડાની પૂજા કરે છે. બળદોના કપાળે કંકુના ચાલ્લાં કરી, ખેડૂત અને બળદોને શુકનનો ગોળ ખવરાવી ગાડું જોડે છે. ગાડા આગળ જુવાર, તુવેર, મગ, કપાસ વગેરેની ઢગલીઓ કરી, તેમાં સોપારી મૂકી તેના ઉપરથી ગાડું ચલાવે છે. પછી સોપારી લઇને અનાજ વાવવાની કોથળી – ‘ખોભાયા’માં રાખે છે. બપોરે સ્ત્રીઓ નવાં વસ્ત્રો પહેરી વાડી – ખેતરે ભાત લઇને જાય છે. એ વખતે લોક દેવતા વાછરાદાદા અને ખેતરપાળ (ખેતરના રક્ષક)ને તલવટ, જુવારની ઘૂઘરીનું નૈવદ્ય ધરાવે છે.

વાઘેરોને અંગ્રેજ સરકારે ગુનેગાર કોમમાં ખપાવી દીધી હતી. હકીકતે વાઘેરો સ્વાતંત્ર્યપ્રેમી અને વતનપ્રેમી હતા. વાઘેરોને અપાતી જીવાઇમાં અન્યાય કરવામાં આવતો ત્યારે તેઓ રાજ્ય સામે બહારવટે ચડતા. જોધા માણેક, મૂળુ માણેક, વીધા માણેક જેવા કંઇક વીરોનાં નામો ઈતિહાસના પાને અમર થઇ ગયાં છે. આ બહારવટિયાઓનાં પણ પરંપરાથી ઊતરી આવેલા નૈતિક જીવનમૂલ્યો હતાં. બહારવટે ચડેલો વાઘેર રોટલાથી ન અભડાય. તે આલમની અઢારે વરણના રોટલા ખાઇ શકે; પણ તેનાથી મિષ્ટાન્ન ન ખવાય. તેણે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું પડતું. સ્ત્રીનો સ્પર્શ પણ વર્જ્ય ગણાતો. તે સ્ત્રી, સાધુ અને બ્રાહ્મણને લૂંટતો નહીં. ધાર્મિક સ્થળોનો દુરુપયોગ કરતો નહીં. કોઇ વાર ભૂખના દુઃખને કારણે સંજોગોવશાત્ કોઇ ભતવારીના રોટલા પડાવે તો બાઇને બહેન માની કાપડા પેટે કોઇક રકમ એને આપતો. બહારવટે ચડેલો માણસ ‘પંચકેશ’ રાખતો હોઈ તેનાથી રુંવાડું પણ ન ઉતારી શકાતું. અગાઉ વાઘેરો દાઢી રાખતા ત્યારે તે માટેના પણ નિયમો હતા. તેનાથી પગપાળા બહારગામ ન જવાય. ઘોડા ઉપર બેસીને જ જાય. દાઢી રાખનાર વાઘેર પગમાં જોડા રાખે. ઘેર ડેલીએ ડાયરો ભરી સવાર-સાંજ કાવા-કસૂંબા લેવરાવે. તે કોઇની મજૂરી પણ ન કરે. માટે આજે દાઢી રાખતા વાઘેરોને અન્ય વાઘેરો કટાક્ષમાં કહે છે કે ”એમ દાઢી ન રખાય ભાઇ! એમ તો દાઢીમાં ધૂળ ભરાય.”

વાઘેર પ્રજા પીપળો કંડી અર્થાત્ ખીજડો, તુલસી ઈત્યાદિને પવિત્ર માને છે. લગ્ન પ્રસંગે કંડીપૂજા કરે છે. તેમાં જુવારના કંટવા (બાફેલી જુવાર) અને ચલા (ઘઉંના મોળા પૂડલા) નાળિયેર, તલવટ, વગેરે થાળીમાં લઇને એક બાઇ ઢોલ-વાજિંત્ર સાથે વરરાજાને માથે પડ ઝાલીને જતાં લોકોની પાછળ ચાલે છે. વરની મા વરની પાછળ ઝમરખ (રામણદીવડો) પકડે છે. પછી ગામની ભાગોળે ખીજડાના ઝાડ પાસે જઇ ઘીનો દીવો કરી, જુવારના ઠેઠવાના પાંચ કોળિયા મૂકી ઉપર ચણાના ટૂકડા મૂકી નાળિયેર વધેરી કંડીને જુવારે છે. સાથે આવેલાં છોકરાં બાકી વધેલી વસ્તુઓ ઝૂંટાઝૂંટ કરીને ખાઇ જાય છે. વરરાજા પગરખાં કાઢી, કંડી પૂજ્યા પછી અવળે પડખે વળે છે જ્યારે ઢોલી, શરણાયો અને વરની મા સવળે પડખે ફરે છે અને ઢોલીને નાળિયેરની કાચલી આપે છે. શ્રી કલ્યાણરાય જોશીના કથન મુજબ આ રિવાજ સિંધનો છે. લોહાણા પણ કંડી પૂજવા જાય છે.

વાઘેર સ્ત્રીઓ બોળચોથના દિવસે વાછરડાવાળી ગાયનું પૂજન કરે છે. આ માટે વિશેષતઃ તેઓ કાળી ગાય અને કાળા વાછરડાને પ્રથમ પસંદગી આપે છે. નાગ પાંચમના દિવસે માટીના નાગદેવ બનાવી તેના ઉપર દહીં, દૂધનો અભિષેક કરી કુલેર અને ફણગાવેલ બાજરાથી જુવારે છે. પાંચમનો ઉપવાસ કરનાર બહેનો બળદ દ્વારા ઉત્પન્ન કરેલ અનાજ ખાતી નથી. તે દિવસે બળદોને ચાંલ્લા કરી પૂજન કરીને ગોળ ખવરાવે છે. ગૂંગીવ્રત વખતે ગૂંગીને પીપળાના થડ પાસે મૂકીને પીપળા ફરતા ચાર ખાંટાની પ્રદક્ષિણા કરે છે. શીતળા સાતમની આગલી રાતે ચૂલો ઠારીને ચૂલામાં કપાસનો લીલો છોડવો રોપે છે. તે દિવસે ચૂલાને લીંપીગૂંપીને ટાઢું ખાય છે.

વાઘેરોમાં જાતર રમાડવાની વિધિ પણ થાય છે. જાતર રમાડવાની હોય તે સ્થળે મંડપ બાંધી પાંચ જણ કળશની સ્થાપના કરે છે. નિયાણી અર્થાત્ કુમારિકા તાંબાના ઘડામાં અબોટ પાણી ભરી લાવીને કળશમાં રેડે છે. તેના ઉપર નાળિયેર મૂકી બંનેને કુંભાદરો બાંધે છે. ત્યાર પછી ભૂવો, વાછરાદાદાનું સ્થાપન કરે છે. પછી માતાજીના મંડપમાં બે તાંસળાં ભરી રવાનો શીરો મૂકે છે. મંડપની નીચે ચોફાળ પાથરી તેના પર એક છાબમાં દેવીનાં ધોતિયાં અને માતાજીની ચીરી રાખે છે. ત્યાર પછી બધાના માથે મંત્રેલ જુવારના દાણા છાંટે છે. જેના પંડયમાં દેવનો ઓતાર આવે તે ધૂણવા માંડે છે અને સાચજૂઠના પારખાં કરવામાં આવે છે.
આ પ્રજા ભૂતપ્રેતમાં પણ શ્રદ્ધા ધરાવે છે. કોઇને વળગાડ થયો હોય તો તેને કાઢવા માટે ભૂવાને ધૂણાવે છે. હોળી, દિવાળી, અખાત્રીજ એ વાઘેરોના માનીતા તહેવારો છે. હોળીના દિવસે યુવાનો ભેગા મળીને ગામના ઝાંપે દાંડિયા રાસ રમે છે. બાળકો છાણાંલાકડાં ચોરી લાવી હોળી પ્રગટાવે છે. જે બાળકની પહેલી હોળી હોય તેનો મામો આવીને ભાણેજને તેડીને હોળી ફરતાં આંટા ફરે છે. પરણેલી પત્ની પિયરમાં હોય તો હોળીઆંટા માટે તેડી લાવે છે. સાસુ જમાઇને હોળી રમવા માટે નાળિયેર મોકલે છે. જેની સાસુ આ વિવેક ન કરે તેના નામનો પથ્થર હોળીમાં પધરાવીને જમાઇ મશ્કરીમાં બોલે છે ‘મુંજી સસજેનાં જો પાણો ઉખિયાતો.’ અર્થાત્ ઃ મારી સાસુના નામનો પથ્થર હોળીમાં નાખું છું. હોળી પછીના પડવાના દિવસે હોળી નીચે દાટેલ કુંભના રંધાઇ ગયેલા ચણા પ્રસાદી તરીકે વહેંચે છે. હોળીની રાતે આ કુંભની રક્ષા કરવા માટે ગામના યુવાનો આખી રાત ચોકી કરે છે. જો કોઇ કુંભ કાઢી જાય તો ગામનો ગરાસ ખોયો ગણાય. જુવાનિયાઓનું નાક વઢાયું ગણાય.

વાઘેરોમાં ‘તણી’ બાંધવાનો એક વિશિષ્ટ રિવાજ ડૉ. પ્રહલાદ પટેલ નોંધે છે. મોટી ઊંમરે મૃત્યુ પામેલ વ્યક્તિ પાછળ જો પહોંચતું સુખી ઘર હોય તો ‘તણી’ બાંધે છે. તેમાં નક્કી કરેલા ત્રણ દિવસોમાં ઓખામંડળના ૪૨ ગામોના મુખ્ય માણસો અને સ્ત્રીઓ ગામવાર કે ઘણીવાર નજીકના એક કરતાં વધુ ગામોના લોકો સમૂહમાં મરનારના પરિવારના દુઃખમાં ભાગ લેવા જાય છે. ત્યાં ગયેલા પુરુષો કાણ કરીને ગામની ભાગોળે ડાયરામાં બેસે છે. સ્ત્રીઓ એક મોટા બંધ ફળિયામાં ભેગી થાય છે. ત્યાં વચ્ચે એક થાંભલો ઊભો કરી તંબુ બાંધ્યો હોય છે. આ થાંભલા પાસે લંઘા કુટુંબની બાઇ નરવા સાદે મરસિયાં ગવરાવે છે. દુઃખ કરાવવા ગયેલ સ્ત્રીઓ ઓઢણું કેડયે બાંધી છાતી બેસી જાય એટલા જોરથી છાતી કૂટે છે ને મરસિયાં (મૃત્યુ પ્રસંગના વિલાપગીતો) ગાય છે. કોઇ સ્ત્રી પૂરા જોસથી છાતી ન કૂટતી હોય તો બાજુની સ્ત્રી કોણી મારીને બહાર કાઢે છે. પછી દરેક સ્ત્રી પોતાની સાથે લાવેલ કાપડું લંઘી બાઇને આપે છે. રોવા કૂટવાની વિધિ બાદ સ્ત્રીઓને મિષ્ટાન જમાડવામાં આવે છે. ત્રીજે દિવસે તણી પૂરી થતાં છોકરાંઓ પથ્થરાના ઘા મારી લંઘીબાઇને ભગાડી મૂકે છે. જો એમ ન કરે તો ગામમાં ફરી બીજા કોઇનું અકાળ મૃત્યુ થાય છે તેવી લોક માન્યતા છે.

કોઇને બાળક ન થતું હોય તો દ્વારકાથી ચાર માઇલ છેટે આવેલ મેઘાબા સતીની માનતા માને છે. માતાની બાધા ફળે જ છે એવી એમની દ્રઢ શ્રદ્ધા છે. મેધાબા ગરમ પાણીથી બફાઇને મૃત્યુ પામ્યાં હોવાથી માણેક શાખના વાઘેરો રીંગણાને ચૂલામાં કે ભઠ્ઠીમાં શેકતા નથી. એનો ઓળો બનાવીને ખાતાં નથી. ઘરની ગાયના વાછરડાની ખસી કરાવતા નથી. એમ કરે તો મેઘાબા કોપાયમાન થાય છે એમ કહેવાય છે.

વાઘેરો ધિંગાણામાં ખપી જનારના પાળિયા ઊભા કરે છે. તે ઉપરાંત કુટુંબમાં કોઇ પિતૃ નડતર હોય તો ભૂવા ધુણાવીને તે કહે તો પાળિયો ઊભો કરે છે. આ વિધિ માટે હરિજન કડિયા શિલ્પી પાસે પાળિયો કોતરાવી, બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવરાવી ગામની પૂર્વ ભાગોળે પૂર્વાભિમુખ પાળિયો ઊભો કરે છે. ધિંગાણામાં ખપી જનારનો પાળિયો ગામઝાંપે ઊભો કરે છે. તે ઉપરાંત તે જ્યાં મરાયો હોય ત્યાં રણ ખાંભી ઊભી કરે છે. પોતાના પ્રિય જાનવર ગાય, અશ્વ જ્યાં મર્યાં હોય ત્યાં તેમની ‘ઠેસ’ ઊભી કરે છે. જૂના જમાનામાં વાઘેરો જે ગામની ભાગોળે પાળિયો ઊભો ન હોય તે ગામનું પાણી હરામ ગણતા. સ્વજનના મૃત્યુ પાછળ વાઘેરો કાપડી સાધુને બોલાવીને રામદેવ પીરનો પાટ મંડાવે છે. ઓખામંડળમાં વરસેદહાડે રામદેવપીરના ચારસો ઉપરાંત પાટ મંડાય છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!