ભાવનગર જીલ્લાના મહુવા તાલુકા માં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ”ગઢ કોટડા’’ તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનક નો અનેરો ઇતિહાસ રહેલો છે. ગોહિલવાડનાં શક્તિ ર્તીથોમાં ઉંચુ સ્થાન ધરાવતાં ઉંચા કોટડા વાળી માં ચામુંડા નું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે. અહીં ચૈત્ર માસ દરમિયાન દૂરદૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહ પરિવાર લાપસી-પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે. જેની સુવિધા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવવસ્થા યોજવામાં આવે છે. તો ચાલો જાણીયે ઉંચા કોટડાનો ઇતિહાસ.
શ્રી ચામુંડા માતાજી મંદિર ઉંચા કોટડાનો ઇતિહાસ
લોક વાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી માં ચામુંડા ની ભક્તિ ભાવથી આરાધના અને પૂજા કરતા. એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઇ જહાજી ભીલ સાથે વેણે વાતું કરતા. સમય જતા મારવાડની ધરતી માં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યા ત્યારે જહાજી ભીલ ને માલઢોર ની ચિંતા થવા લાગી એટલે તેને માતાજીને પ્રાથના કરી પ્રાથના સાંભળી માતાજી એ જહાજી ભીલ ને કાઠિયાવાડ ની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું.
ત્યારે જહાજી ભીલ મારવાડ માંથી નીકળી ને કાઠિયાવાડ માં ગોહિલવાડ ની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે. અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરે છે. જહાજી ભીલ ને શેર માટીની ખોટ હતી એટલે માતાજી એ તેમના ભક્તિ ભાવથી પ્રસન્ન થઇ ને પુત્ર પ્રાપ્તિ ના આશીર્વાદ આપ્યા. સમય જતા તેમની પત્ની ને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલાજ જહાજી ભીલ નું મૃત્યુ થયું. સમય જતા તેમની ઘરે પુત્ર નો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળીયો ભીલ રાખ્યું પુત્રના જન્મ પછી જહાજી ભીલ ના પત્ની નું પણ મૃત્યુ થાય છે.
આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળીયા ભીલ ને લઇ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકીઆવે છે. હમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળીયા ભીલ ને મોટો કરે છે. નાનપણ થીજ માં ચામુંડા કાળીયા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે. આમ કરતા કરતા કાળીયો ભીલ મોટો થાય છે. સમય જતા કાળિયો ભીલ માતાજીને પ્રાથના કરેછે કે હે માં મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વહાણો ને લૂંટવા છે. ત્યારે માતાજી તેને પ્રસન્ન થઇ કહે છે હે કાળીયા તું વહાણો લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મીનુ જ વહાણ લૂંટ જે કોઈ ધર્મીને લૂંટ તો નઈ અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયા માં ના જતો.
આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજી ની રજા લઇ ને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠી માં રાખે છે. એક વખત કાળિયો ભીલ દરિયા માં વહાણ લૂંટવા જાય છે અને માતાજી ની રજા માંગે છે પણ માતાજી એને જવાની ના પડે છે ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયા માં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડી ને કેદ કરી લ્યે છે. પછી જેલ માં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજી ને પ્રાથના કરે છે કે હે મારા કુળ ની દેવી માં ચામુંડા મેં તમારી વાત ન માની ને ભૂલ કરી છે માતાજી મને માફ કરજો. માતાજી તેની પ્રાથના સ્વીકારી તેને માફ કરે છે અને કાળીયા ભીલ ને ફિરંગીઓ ની કેદ માંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશ ના માટે વહાણો ને લૂંટવાનું છોડી ને માતાજી ની ભક્તિ કરે છે.
આજ ની તારીખે ઉંચા કોટડા માં હાલ કાળીયા ભીલ ની કોઠીઓ મોજુદ જોવા મળે છે. એક એવી પણ લોક માન્યતા છે કે વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલા ના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીએ રહેતુ. સમય જતા આ જગ્યાનું મહત્વ વધતા આસપાસનાં અનેક ગામોનાં ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડા માની બાધા-આખડી રાખી મનોકામના પૂર્ણ થતાં આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી, ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા જેથી તેનું મહાત્મ્ય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું.
ચૈત્ર માસમાં નવરાત્રિ ને કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદાજુદા વાહનો, પદયાત્રીઓનો પ્રવાહ અવિરત વધતો ગયો હોઈ સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા ‘શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ’ બનાવી સં.૨૦૩૪માં આ સ્થાનકનો જીણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય મંદિર, યજ્ઞ શાળા, ભોજન શાળા, યાત્રિક ઉતારા, સહિત અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે.
આ તિર્થમાં ટ્રસ્ટ દ્વારા લાપસી-પ્રસાદ માટે આવતા યાત્રા સંઘ માટે વાસણ, પાણી, બળતણ, જરૂરી સાધન સામગ્રી પુરી પાડવામાં આવે છે. તેમજ અહિં સંસ્થા દ્વારા તમામ યાત્રીકો માટે કોઇપણ જાતના ભેદભાવ વિના સાર્વજનિક ભોજન પ્રસાદની કાયમી વ્યવસ્થા ઉભી કરાઇ છે. ચૈત્રી પુનમ આ ધર્મસ્થાનનો વાર્ષિક દિન હોઇ આ પાવન દિવસે અહિ દર્શન, પુજન, પ્રસાદ માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
આજે ગઢ કોટડા ની ભવ્યતા એટલી બધી વધી છે કે કોઇ યાત્રિક ને કોઇ જાત ની અડચણ ઉભી થતી નથી શક્તિપીઠ ઉચા કોટડા તરફ થી જમવા ની તથા રહેવા ની સુવિધા કરવા મા આવી છે અને આજુ બાજુ ના ગામડા માથી માતાજી ની સેવા કરવા માટે “સેવા મંડળો” પોતાની ઈચ્છા થી વિનામુલ્યે સેવા કરવા માટે પહોચી જાય છે અને આવેલ યાત્રિકો ને મહેમાન ની જેમ સાચવે છે કોઇ યાત્રિક ભુલો પડ્યો હોય તો આજુ બાજુ ના ગામ લોકો દ્વારા પુરેપુરી સહાય મળે છે
ભાવનગર થી ઉંચા કોટડા મંદિર ૮૦ કિ.મી અંતરે આવેલ છે. મહુવા થી ઉંચા કોટડા ૩૫ કિ.મી અંતરે આવેલા છે. ઉંચા કોટડા ના મહત્વના દિવસો માં ચૈત્ર માસ ધણો મહત્વનો માસ છે. આ માસ દરમ્યાન શકિત ઉ૫સના નો સમય છે. ચૈત્ર પુનમ ને દિવસ મેળો ભરાય છે. લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસો માં બાજુના ગામો માંથી લોકો દર્શન કરવા આવે છે.
તો મિત્રો આ હતો શ્રી ચામુંડા માતાજી મંદિર ઉંચા કોટડાનો ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
– શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ
– શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા
– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ
– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન
– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા
– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો