છૂંદણાંની પરંપરા

કુદરતે દીધેલા રૂડા રૂપને વધુ નિખારવા, યૌવનને વધુ આકર્ષક બનાવવા માનવી આદિકાળથી મથતો રહ્યો છે. સૌંદર્યપ્રસાધન વડે પોતાના શરીરનું લાવણ્ય ખીલવવાની અને આગવી ઓળખ ઊભી કરવાની ભાવના લોકનારીના હૈયે અહર્નિશ રમતી આવી છે. જૂનાકાળે ગામડાગામની ગોરીઓ સૂંડલોએક ઘરેણાં અને રંગબેરંગી વસ્ત્રો પહેરીને મીઠી સોડમ (સુગંધ)થી મઘમઘતો સોંધા નામનો લેપ અંગ પર લગાડતી, પણ જ્યાં સુધી હાથે, પગે અને મોં ઉપર છૂંદણાં પડાવતી નહીં, ત્રાજવડાં ત્રોફાવતી નહીં ત્યાં સુધી શરીરના સોળેય શણગારો એને અધૂરા લાગતા. આજે તો રબારી, ભરવાડ અને આદિવાસી સ્ત્રીઓમાં છૂંદણાંની પ્રથા આછીપાતળી જ રહેવા પામી છે. લોકશાસ્ત્રના અભ્યાસીઓ માટે છૂંદણાંની કલાપરંપરા અભ્યાસ અને સંશોધનનો આગવો વિષય બની શકે એમ છે.

છૂંદણું એટલે શરીર ઉપર છૂંદીને પાડેલું અલંકારરૂપ ટપકું, ભાત કે આકૃતિ. છૂંદણાં એ આદિકાળથી લોકનારીના સૌંદર્યનું અને શૃંગારરસનું પ્રતીક બની રહ્યા છે. સ્ત્રીના થાનેલાનું દૂધ અથવા તાંદળજાની ભાજીનો રસ તથા દીવાની મેશ – કાજળ ભેગાં કરી તેનું ચામડી ઉપર ટપકું કરી તે ટપકાને સોયની અણીએ ટોચ્યા કરી પછી લોહી નીકળે ત્યારે તેના પર હળદરને મેશ દાબવાથી પડતો ડાઘ તે છૂંદણું. હિંદી ભાષામાં ‘ગોંદને’ ના નામે ઓળખાતાં છૂંદણાં આદિવાસી સંસ્કૃતિના ઉદ્‌ગમ સાથે ગાઢ રીતે સંકળાયેલાં હોવાનું વિદ્વાનો માને છે. વિશ્વના ઘણા દેશોમાં છૂંદણાંની પરંપરા જોવા મળે છે.

માનવજીવનમાં છૂંદણાંની શરૂઆત અને એની પ્રાચીનતા વિશે કહેવું હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે છૂંદણાંનો આગવો ઈતિહાસ આદિવાસી સંસ્કૃતિ અને આદિજાતિઓ સાથે સંકળાયેલો છે. પ્રાચીન સમયમાં આદિજાતિઓ પોતાના વંશવેલાને ઓળખવા માટે સ્ત્રીપુરુષ બંનેનાં અંગો ઉપર અમુક ચોક્કસ પ્રકારની નિશાનીઓ અંકિત કરતા. કાળક્રમે આ પ્રથામાં આવેલા પરિવર્તન પછી માત્ર માતૃવર્ગના અંગો રંગવાનું ચાલુ રહ્યું. પોતપોતાના કુળોને ઓળખવા માટે કુળવાર આકૃતિઓ અને ચિહ્‌નો નક્કી થયાં. સામાજિક વ્યવહારમાં કે લગ્ન જેવા પ્રસંગોમાં પોતપોતાના ટોળાના ગોત્રને ઓળખવા માટે આ નિશાનીઓ જરૂરી જણાવા લાગી એમ છૂંદણાના અભ્યાસી ફ્રેજર નોંધે છે. જો કે કેટલાક સમાજશાસ્ત્રીઓ એમનાથી જુદો મત દર્શાવીને છૂંદણાંને શરીરના અલંકારના એક અંગ તરીકે ઓળખાવે છે. હકીકત જે હોય તે પણ શરીરના જુદાં જુદાં અંગો પર વનસ્પતિના રસોથી ખાસ પ્રકારની ટકાઉ આકૃતિઓ કાઢવાની પ્રથા ભારતમાં હજારો વર્ષ જૂની હોવાનું જણાય છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને આદિવાસી વિસ્તારોમાં જાતિ, રિવાજ અને ધંધા પ્રમાણે છૂંદણાંના વિધવિધ આકાર-પ્રકારો જોવા મળે છે. સ્ત્રી કે પુરુષ કઈ જાતિના છે તે તેના છૂંદણાં પડાવેલ અંગઉપાંગો પરથી જાણી શકાય છે. રબારી, ભરવાડ, રજપૂત, કણબી, કોળી, આયર, મેર, આદિવાસી કે પછાત વર્ગની જાતિની ઓળખ તેમના અંગ માથે પડાવેલાં છૂંદણા જ આપી દે છે. ભરવાડો તેમની ઓળખ માટે આંખ ઉપર જમણા લમણે છૂંદણું પડાવે છે. સૌરાષ્ટ્રના કેટલાક પંથકોમાં મુસ્લીમ સ્ત્રીઓમાં પણ છૂંદણાંની પરંપરા એક સમયે જોવા મળતી. આરોગ્યની રીતે પણ છૂંદણાં ઉપયોગી જણાયાં છે. શરીરની અમુક નસોને ઓળખીને એના પર છૂંદણાં પાડવામાં આવે છે. રસોળીને મટાડવા માટે તેના પર છૂંદણાં પડાવાય છે. વિખૂટી પડી ગયેલી વ્યક્તિની ભાળ કે ઓળખ પણ છૂંદણાંની નિશાની પરથી જ મળે છે.

આજથી પચાસ સાઠ વર્ષ પૂર્વે ગામડાગામમાં છૂંદણાં પાડવાનું કામ વાઘરણ (દેવીપૂજક) બાઈઓ જ કરતી. મારે ત્યાં દાતણ નાખવા આવતાં વાલી માસી પંચાવન વર્ષ પૂર્વે મને કહેતા ઃ ‘‘જોરુ, તું જરીક મોટો થા પછી તારા હાથ માથે જોતર, માખી અને લાડવાના છૂંદણાં પાડી આલીશ.’’ આ વાલી માસી વહેલા ધામમાં વહ્યા ગયાં ને મારા હાથ છૂંદણાં વગરના રહ્યા.

હાથ, પગ, મોં અને ડોક પર છૂંદણાં પાડવાનો કસબ વાઘરી સ્ત્રીઓએ જૂનાકાળે વ્યવસાય તરીકે અપનાવેલો, ગામડાની દીકરીઓ ઉંમરલાયક થાય ત્યારે આ સ્ત્રીઓ ઘેર આવીને એને ત્રાજવડાં ત્રોફી આપતી. માટીની કુલડીમાં બીયાના લાકડાના કટકા પલાળીને તેમાં તાવડીની કાળી મેશ અને બુટપાલીશના કણીદાર રંગનું મિશ્રણ કરી જુવારના મલોખામાં સોય નાખી એને એ મિશ્રણમાં બોળીને છુંદણાં આલેખતી. જેના હાથે પગે છૂંદણાં પાડવામાં આવે એને કીડી ચટકો ભરે એવું દર્દ થાય છે. ત્રાજવડા ત્રોફાવવાનો આનંદ એવો અનેરો હોય છે એથી કુંવારી કન્યાઓ આ મીઠું મીઠું દર્દ હોંશે હોંશે સહન કરે છે. છૂંદણાં પડાવવાના રોમાંચ અને આ અલૌકિક આનંદથી એના અંતરના બત્રીસે કોઠે આનંદના દિવડા પ્રગટે છે. આ અનુભવ અને રોમાંચને કન્યા જીવનભર સંભારણારૂપે હૃદયના એક ખૂણે સાચવી રાખે છે.

છૂંદણાં પડાવવાની પરંપરા સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં જોવા મળે છે. અલબત્ત બંનેના છૂંદણામાં પ્રતીકો અલગ અલગ જોવા મળે છે. પુરુષો હાથ ઉપર લાડવા, માખી, સાંકળી, પોંચી અને જોતરના પ્રતીકો પડાવે છે, જ્યારે ધર્મમાં શ્રદ્ધા ધરાવનારા આસ્તિક પુરુષો હાથે રામનામ, રાધાકૃષ્ણ, સીતારામ કે ઓમ, હડી કાઢતા હનુમાન જતિ, વાંસળી વગાડતો કાનુડો, શંકર- પારવતી, ધનુષધારી શ્રીરામ, અંબાજી, લક્ષમીજી તથા કપાળમાં રામનું કે સીતાનું બાશિંગ, વૃંદાવન, રથ, રામ મોરો, તુલસી, ત્રિશૂલ વગેરે ધર્મપ્રતીકો પડાવે છે. પછાત વરણના પુરુષો જમણા ગાલની ટસર પર માખી જેવા છૂંદણાના આકારો પડાવે છે. જંતરમંતર જાણવાનો દાવો કરનારા ભગત-ભૂવાઓ પોતાની છાતી પર નરમૂંડ ત્રોફાવે છે.

રૂપની રૂડી રબારણો હાથે, મોં પર, ગળાના ભાગે અને પગની પાનીથી ઢીંચણ સુધી છૂંદણાં પડાવે છે. ભરવાડણોના છૂંદણામાં ગોપસંસ્કૃતિના વિશિષ્ટ પ્રતિકો ડેર, ગાય, જોતર, લાડવો, દાણા ઉપરાંત કાવડ, વાવ, દેરડી, એલચડી, ફળ, ખજૂરી, માખી, વીંછી, મોર ઉપરાંત ઝાડ, વેલ, ફૂલ, વાઘ, સિંહ, ગાય, ત્રિશૂળ, ઓમકાર, હરબી, કમળફૂલ, નાવડી, રેલગાડી, ખેરિયા, આંબાપાન, પીપળાના પાન, રામનું પારણું ઈત્યાદિ પ્રતીકો પડાવે છે.

6492649067_255767f251_b

આજે તો તરણેતર કે માધવપુર જેવો મેળો કુંવારી કન્યાઓ માટે છૂંદણાં પડાવવાનું અનોખું સ્થળ મનાય છે. સોયની અણી ઘોંચીને છૂંદણાં પાડવાની પ્રથા પૂરી થઈ ગઈ છે. હવે તો છૂંદણાં છૂંદવા માટેનું નાનકડું મશીન આવે છે. મેળામાં છૂંદણાં પાડવાનું મશીન લઈને બેઠેલા માનવીને જોતાં જ કુંવારી કન્યાઓના કાળજે છુંદણાં પડાવવાના કોડ જાગે છે. હજારો માનવીઓની મેદની વચ્ચે તે છૂંદણાં છૂંદાવવા બેસી જાય છે. હાથે, પગે અને મોં માથે વિવિધ પ્રકારના છૂંદણાં પડાવી, મેળામાં માણેલી મોજના સંભારણારૂપે સહિયરોના નામ એકબીજીના હાથ પર પડાવે છે. પ્રેમી હૈયાઓનું મિલનસ્થળ પણ આપણા મેળા બની રહ્યા છે. મેળામાં છાનેછપને મળતા પ્રેમીઓ પ્રેમ અને મિલનની મધુરસ્મૃતિને છૂંદણાંરૂપે અંકિત કરાવે છે. અલ્લડ પ્રેમિકા દુનિયાનો ડર રાખ્યા વિના હૈયા માથે ટહૂકંતો મોરલો અને હાથ પર મનના માણીગરનું નામ પડાવે છે.

ડુંગરાની ગાળિયુમાં વસતા આદિવાસી ભીલ, ગરાસિયા, દુબળા અને રાઠવા જેવી વનવાસી જાતિઓમાં છૂંદણાં પડાવતી વખતે વિશિષ્ટ પ્રકારનો ઉત્સવ ઊજવવામાં આવે છે. ત્રાજવડાં ત્રોફાવવા માટે તૈયાર થયેલી કન્યાના આંગણે ઢોલ ઢબૂકે છે. ઢોલના ધિરજાંગ ધિરજાંગ અવાજ ઉત્સવનો સંદેશો ડુંગરાની ગાળિયુંમાં આવેલા પ્રત્યેક ઘેર પહોંચાડે છે. આ પ્રસંગે સૌ આદિવાસી સ્ત્રીઓ એકઠી થઈને ગીતો ગાય છે. સ્ત્રીપુરુષો ભેગા થઈને ઢોલના તાલે તાલે નાચે છે. સાહેલીઓ છૂંદણાં પડાવવા બેઠેલી કન્યા પાસે બેસીને ગીતો ગાઈ, એને આનંદમાં રાખે છે જેથી કન્યા ત્રાજવડાં ત્રોફાવવાના મીઠા દર્દને સહન કરી શકે. આ પ્રસંગે ગવાતા ગીતમાં માતા પોતાની દીકરીને શિખામણ આપે છે તેનો ભાવ કંઈક આવો છે ઃ ‘મારી વ્હાલી દીકરી ! તું બંગડીઓ ખરીદીશ તો થોડા વખતમાં તૂટીફૂટી જશે પણ છૂંદણાં તો તને જીવનભર સાથ આપશે. આ મૃત્યુલોક છોડીને પરલોકે સિધાવીશ ત્યાં પણ તે તને સાથ આપશે. દુનિયાના સ્વાર્થી લોકો તો તું જીવતી છું ત્યાં લગી તારી સાથે રહેશે પણ છૂંદણાં કાયમ તારી સાથે જ રહેશે માટે કાળજું કઠણ કરીને છૂંદણાંના દુઃખને થોડો વખત સહન કરી લે.’

શરીરના રૂપલાવણ્યની સાથે સંકળાયેલાં છૂંદણાં વિશે લોકસમાજમાં અનેક પ્રકારની માન્યતાઓ, વિશ્વાસ અને શ્રદ્ધા પ્રવર્તતાં જોવા મળે છે. જેમ કે

(૧) હાથ ઉપર હનુમાન જતિ, માતા કે દેવદેવીનું છૂંદણું હોય તો અંધારામાં માનવીને બીક નથી લાગતી. સીમ શેઢે કે એકાંતે ભૂતપલીત કનડતાં નથી.

(૨) મોં પર છૂંદણું પડાવવાથી કોઈની બૂરી – ભારે નજર લાગતી નથી.

(૩) હાથે પગે નાગ કે વીંછીનું છૂંદણું પડાવ્યું હોય એને નાગ, વીંછી જેવાં ઝેરી જનાવર કનડતાં નથી. કદાચ કરડી જાય તો એના ઝેરથી માનવી મરતો નથી.

(૪) આદિવાસીઓ માને છે કે છૂંદણાં પડાવેલી સ્ત્રી એના પતિને કદી છેતરતી નથી કે એની સાથે વિશ્વાસઘાત કરતી નથી.

(૫) છૂંદણાં પડાવેલી નારી કદી વંધ્યા રહેતી નથી.

(૬) છૂંદણામાં સંમોહન શક્તિ રહેલી છે. છૂંદણાવાળી કન્યા ઇચ્છિત ભરથાર મેળવી શકે છે.

(૭) રબારી ભરવાડો માને છે કે સ્ત્રી પુરુષના હાથ ઉપર રવૈયાનું ફૂલ ત્રોફાવેલું હોય એના આંગણે અખંડ દૂઝણું રહે છે. એનાં છોકરાં કાયમ ઘી- દૂધે વાળુ કરે છે.

(૮) સ્ત્રીએ ટચલી આંગળી પાસેની અનામિકા ઉપર ત્રણ ત્રાજવાની દેરડી પડાવેલી હોય તો તેને ‘મા-મેળો’ કહેવામાં આવે છે. મા-મેળો એટલે આવી સ્ત્રીને એની મરતી માનો મેળાપ થાય છે.

(૯) જે નારી કપાળમાં ચાંલ્લાની જગ્યાએ હિંગળોકનું ત્રાજવું પડાવે છે એનો માન્યતા અનુસાર ચૂડી ચાંલ્લો અખંડ રહે છે.

(૧૦) આદિવાસીઓ માને છે કે છૂંદણાં પડાવેલી સ્ત્રી ચારિત્રયશીલ અને એના પતિને હંમેશા વફાદાર રહે છે.

(૧૧) જો સ્ત્રી પગની ઘૂંટી પર છૂંદણું પડાવે તો એના ઘરમાં ‘કેડય સમાણું કામ’ ને ‘ગોઠણ સમાણું ધાન’ રહે છે.

(૧૨) સૌરાષ્ટ્રમાં લોકો એમ કહે કે જે માણસ શરીર પર છૂંદણાં નથી પડાવતો એને બીજા જન્મમાં સાંઢિયાનો અવતાર મળે છે, અને ઉની ઉની રેતીના રણમાં દોડવું પડે છે. રબારીઓ એવું માને છે કે શરીર માથે છૂંદણાં ન પડાવનાર સ્ત્રીને બીજા ભવમાં આખલાનો અવતાર મળે છે.

છૂંદણાંની સાથે રૂપસૌંદર્યની, ગોત્રની ઓળખની, ધર્મભાવનાની અને સંસ્કૃતિની વાત સંકળાયેલી હોવા છતાં એની પાછળ આયુર્વેદના શાસ્ત્રની વાતો પણ પડેલી જોઈ શકાય છે. માનવના શરીર પર રસોળીની ગાંઠ નીકળે ને વધવા માંડે ત્યારેએ ગાંઠ ઉપર છૂંદણું પડાવવાથી ગાંઠ વધતી અટકી જાય છે એવા કિસ્સા આ લેખકની જાણમાં છે. ‘છૂંદણાં છૂંદવા’ એ કહેવતના અર્થમાં પણ પ્રયોજાય છે. એનો અર્થ થાય છે ‘વારંવાર વાંકા પાડીને કનડવું. ટોચ ટોચ કરવું, એક ને એક દોષ આગળ ધરીને મહેણાંટોણાં મારવા.’ આમ છૂંદણાંનો સંસ્કાર લોકજીવન અને લોકસંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. છૂંદણાંની કલાપરંપરા આજે તો લોકજીવનમાંથીયે લુપ્ત થઈ ગઈ છે. નગરના યુવક- યુવતીઓ ફેશનરૂપે છૂંદણાંના સ્ટીકરો ખભે, મોં, પેટ, પીઠ અને ગળા પર પાડતી થઈ છે. જૂની કલા નવા સ્વરૂપે નગરોમાં દાખલ થઈ છે અર્થાત્‌ સંસ્કૃતિ પરિવર્તન પામે છે, લુપ્ત થતી નથી.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!