ઇ.સ. 1003માં રા’ કવાટનું મૃત્યુ થતા તેનો પુત્ર રા’ દિયાસ સોરઠની ગાદીએ બેઠો હતો. રા’ દિયાસ નિતીવાન, દાનેશ્વરી અને મહાપરાક્રમી હતો. રા’ દિયાસે આબુના પરમાર રાજાની કુંવરી સોમલદે સાથે લગ્ન કરતા આબુ અને સોરઠના સંબંધો મજબૂત થયા હતા. તો વાળાંક પંથકના વાજા રાજાની કુંવરી સાથે પણ રા’ દિયાસે લગ્ન કરતા તેણે પોતાની સ્થિતી મજબૂત કરી લીધી હતી.
રા’ દિયાસ ખોડીયારમાના પરમ ઉપાસક હોય તેઓ રાણીઓને લઈ ખોડીયારમાંના દર્શન કરવા અવારનવાર ગળધરા જતા ત્યારે વાળાંકનો રાજા પોતાની પુત્રી અને જમાઈની પૂરતી સરભરા કરતા હતા. ત્યારે રા’ દિયાસના મિત્ર ઓડીદર બોડીદરના દેવાયત બોદર, સોમલદે રાણીને ધરમની બહેન કહી તેના પિયરીયાની ખોટ પૂરી કરતા હતા.
સોમલદે રાણીને રા’ દિયાસના પરમ મિત્ર ઓડીદર બોડીદરના દેવાયત બોદર ધરમની બહેન કહી જૂનાગઢથી દૂર આબુમાં આવેલા તેના પિયરીયાની ક્યારેય ખોટ પડવા દેતા ન હતા. તો રા’ દિયાસની બંને રાણીઓ આબુનરેશની કુંવરી સોમલદે અને વાળાંકનરેશની કુંવરી સગી બહેનો કરતા પણ વિશેષ પ્રેમથી સાથે રહેતી હોય રા’ દિયાસ સાથે આનંદથી સંસાર ભોગવી રહી હતી. જોકે રા’ દિયાસને ત્યાં શેર માટીની ખોટ ઘણા વર્ષો સુધી રહી હતી.
રા’ દિયાસ અને સોમલદે રાણીએ ગળધરામાં બીરાજમાન ખોડીયારમાની આરાધના કરતા માતાજીએ પ્રસન્ન થતા તેમને ત્યાં લગ્ન પછી લાંબા સમયે પારણું બંધાયું હતું. રા’ નવઘણના જન્મ વિશે અનેક લોકકથાઓ સાંભળવા મળે છે. અતિશ્યોક્તિથી ભરેલી પ્રચલીત લોક કથાઓ મુજબ સોમલદેએ સામાન્ય રીતે નવ મહિના ગર્ભ ધારણ કરવાની જગ્યાએ નવવર્ષ સુધી પેટમાં ગર્ભની પીડા ભોગવ્યા પછી પુત્રને જન્મ આપ્યો હતો. જોકે ખોડીયારમાની અપાર કૃપાથી રાણી સોમલદેએ નવ વર્ષની જગ્યાએ નવઘડી સુધી પ્રસવની અસહ્ય પીડા ભોગવ્યા પછી તંદુરસ્ત બાળકને જન્મ આપતા તેનું નામ નવઘણ રાખવામાં આવેલ હોવાનું સંભવ છે.
રા’ નવઘણના જન્મ અંગે ભલે મતમતાંતર જોવા મળતા હોય પરંતુ રા’ દિયાસ અને સોમલદેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ ખોડીયારમાએ તેને પરાક્રમી પુત્રનું વરદાન આપતા રા’ નવઘણનો જન્મ થયો હતો, તે અંગે કોઈ અલગ મત જોવા મળતો નથી. અમરેલી તાબાના ધારી નજીક શેત્રુંજીનદીમાં આવેલા ગળધરા સામે આવેલા કાળા પથ્થરોમાંથી વહેતો પાણીનો ઝરો ગળધરા તરીકે ઓળખાય છે, જે કાળીપાટના ઘુના તરીકે પણ લોકોમાં પ્રચલીત છે.
શ્રીખોડીયાર માતાજીએ જૂનાગઢને ગાદી વારસ આપતા ચૂડાસમા રાજપૂતો ત્યારથી તેમને કૂળદેવી તરીકે પૂજવા લાગ્યા હતા. એકવખત રા’ નવઘણ ખોડીયારમાતાજીના દર્શન કરવા જતો હતો, ત્યારે તેનો ઘોડો 200 ફૂટ ઉંચી ભેખડ પરથી નદીમાં પડતા માતાજીએ તેની રક્ષા કરી હતી, જે સ્થળ ગળધરાની નજીક આવેલ છે. હાલમાં ગળધરા તિર્થસ્થાન નજીક ખોડિયાર ડેમ બાંધવામાં આવતા તે સિંચાઈ સાથે પ્રવાસન કેન્દ્ર તરીકે સૌરાષ્ટ્રભરમાં પ્રસિદ્ધ છે.
રા’ દિયાસના દરબારમાં ઓડીદર બોડીદરના અડાભીડ આહીર દેવાયત બોદરનો આગવો દબદબો હતો. રાણી સોમલદેના ધરમના ભાઈ તરીકે દેવાયત બોદર વાર-તહેવારે કોઈ વાતની ખોટ પડવા દેતા ન હતા. રા’ દિયાસે પુત્ર જન્મથી ખુશ થઈ નવઘણ સવા મહિનાનો થતા વંથલીમાં ભવ્ય ઉત્સવનું આયોજન કરેલ હતું. રા’ દિયાસના આમંત્રણને માન આપી આબુના રાજપરિવાર, વાળાંકના રાજપરિવાર તેમજ નાના-મોટા અનેક રાજપરિવારો, મહાજન સાથે પ્રતિષ્ઠીત મહાનુભાવોએ ઉત્સવમાં હર્ષભેર ભાગ લીધો હતો.
રા’ દિયાસે પુત્ર જન્મની ખુશીમાં બોલાવેલ દરબારમાં દેશ-વિદેશના અનેક રાજાઓ, અનેક પ્રતિષ્ઠીત લોકો સાથે ઓડીદર બોડીદરથી દેવાયત બોદર પણ મોસાળુ લઈ રાજદરબારમાં હાજર રહ્યા હતા. રાજકુંવર નવઘણને એક એકથી ચડીયાતા કિંમતી નજરાણાઓ ધરવામાં આવી રહ્યા હતા. કુંવરને આપવામાં આવી રહેલ અતિકિંમતી ભેટ-સોગાતો જોઈ દેવાયત બોદર નવઘણ માટે આહીરાણી સોનલઆઈએ મોકલાવેલ હીરના ભરતથી શોભતું ઝબલું અને કંદોરો આપવો કે કેમ ? તેવી મુંઝવણ અનુભવી રહ્યા હતા.
ત્યારે રા’ દિયાસ અને રાણી સોનલદેની આંખો રાજદરબારમાં હાજર હજારો લોકો વચ્ચે દેવાયત બોદરને શોધી રહી હતી. અચાનક તેઓની નજર એક સાથે દૂર બેઠેલા દેવાયત બોદર ઉપર પડતા રા’ દિયાસે તેમને બોલાવ્યા હતા.
“દેવાયત આયર, શું ભાણીયાને મોસાળા વગરનો રાખશો ?”
“અરે, સોરઠધણી એ શું બોલ્યા ? દેવાયતભાઈએ પિયારીયાની ખોટ મને ક્યારેય પડવા દીધી છે, ખરી ?”
રાણી સોનલદે અને રા’ દિયાસે પાસે બોલાવતા દેવાયત બોદર ધીમે પગલે નવઘણના પારણાં પાસે પહોંચ્યા હતા. દેવાયત બોદરે સંકોચ સાથે આહીરાણી સોનલઆઈએ પ્રેમથી હીરનું ભરત ભરી તૈયાર કરેલા ઝબલું, સોનાનો કંદોરો અને બહેન સોનલદેના એક જોડી કપડા મોસાળામાં આપ્યા હતાં. દેવાયત બોદરને સંકોચ અનુભવતા જોઈ રાણી સોનલદે મોસાળુ વધાવવા સિંહાસન ઉપરથી ઉભા થયા હતા. રાણી સોનલદેએ દેવાયત બોદરને દુ:ખણા લઈ મોસાળુ વધાવતા દેવાયત બોદર ભાવવિભોર થઈ કહેવા લાગ્યા,
“બહેન, આ રાજા રજવાડાઓ લાવ્યા તેવી કિંમતી ભેટો લાવવી મારા ગજા બહારની છે, પણ આહીરાણીએ જાતે ભરત ભરી આ ઝબલું મોકલ્યું છે !” દેવાયત બોદરે મોસાળું આપતા સોનલદેએ હરખથી સ્વીકારતા કહેવા લાગ્યા.
”દેવાયતભાઈ, હીરા-ઝવેરાતના કિંમતી આભૂષણો કરતા સોનલભાભીએ હેતથી મોકલેલ ઝબલું મારા માટે અમૂલખ છે !”
“બહેન, તમે તો આજ ભર્યા દરબારમાં મને મોટો કરી દેખાડ્યો !”
“દેવાયત આયર, તમારા જેવા ખાનદાન માણસને કોઈ મોટા નથી કરી શકતું, તમે તો તમારા કર્મોથી જ મહાન છો !”
”રા’ આ તો તમારી મોટાઈ કહેવાય પણ વખત આવ્યે યાદ કરજો, ઓડીદર બોડીદરનો દેવાયત આયર યદુકુળને ઉજળુ કરી બતાવશે !”
“વીરા, તું તો મારા મા જ્ણ્યા કરતાંય વિશેષ છો, બસ આવોને આવો ભાવ જાળવી રાખજે !”
રા’ દિયાસ અને રાણી સોનલદેએ વંથલીના દરબારમાં દેવાયત બોદરનો આદર કરતા સૌ તેના તરફ આદરભાવથી જોવા લાગ્યા હતા.
વંથલીમાં નવઘણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવતા તેમાં હાજર પોતાના સમર્થકોને જોઈ રા’ દિયાસનો ઉત્સાહ આકાશને આંબવા લાગ્યો હતો. એ સાથે પિતા રા’ કવાટના પગલે આગળ વધતા રા’ દિયાસે પોતાની સૈન્ય શક્તિ મજબૂત કરવાનું શરૂ કરી દીધું. રા’ દિયાસ પાટણના રાજાએ પોતાના દાદા રા’ ગ્રહરિપુના કરેલા અપમાનનો બદલો લેવા માંગતો હતો. એ વખતે અણહિલવાડ પાટણની ગાદી ઉપર દુર્લભસેન સોલંકી શાસન કરતો હતો.
દુર્લભસેને પોતાની બહેનના સ્વયંવરનું પાટણમાં આયોજન કરી રા’ દિયાસને ખાસ આમંત્રણ મોકલ્યું. રા’ દિયાસ સ્વયંવરમાં હાજર રહેતા પાટણની રાજકુમારીએ સોરઠપતિ સાથે લગ્ન કરવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી, પણ રા’ દિયાસને ખંડીયા રાજા કહી દુર્લભસેને અપમાનીત કરતા પોતાની બહેનને મારવાડના રાજા મહેન્દ્ર સાથે પરણાવી દીધી હતી. દુર્લભસેનના હાથે પાટણ સ્વયંવરમાં અપમાનીત થયેલો રા’ દિયાસ તેને સબક શિખવવાના દ્રઢ નિર્ધાર સાથે વંથલી પાછો ફર્યો હતો.
રા’ દિયાસે અપમાનનો બદલો લેવા પાટણ ઉપર આક્રમણની તૈયારી આદરી હતી, એ દરમિયાન પાટણપતિ રાજા દુર્લભસેનની રાણી સંઘ લઈ પ્રભાસ પાટણ – સોમનાથની યાત્રાએ નીકળતાં તે ગિરનાર આવી રોકાઈ હતી. રા’ દિયાસને પાટણની રાણીનો સંઘ ભવનાથ-ગિરનારમાં રોકાયો હોવાની જાણ થતા તેણે પાટણની રાણી કર આપે તો જ દામોકુંડમાં સ્નાન કરવા દેવામાં આવે તેવો હુકમ કર્યો હતો. પાટણની રાણી સંઘ સાથે દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરવા જતા સોરઠના સૈનિકોએ તેમને રોકતા દાણની માંગણી કરી હતી.
“રાણીસાહેબા, દામોકુંડમાં સ્નાન કરતા પહેલાં તમારે સોરઠનો કર ભરવો પડશે !”
આમ કહી સોરઠના થાણદારે પાટણનું વેલડું આગળ વધતું અટકાવ્યું હતુ.
“થાણદાર, મારગ છોડ ! નહીંતર બેમોત માર્યો જઈશ; તેં કોનું વેલડું રોક્યું છે, તે જાણે છે ?”
”જી, મહારાણી આપ પાટણના મહારાણી છો તે જાણું છું, પરંતુ સોરઠનો કાયદો દરેક માટે સમાન છે; તમારે દાણ તો ચૂકવવું જ પડશે !”
એ દરમિયાન સોરઠસેનાની તૈયારી જોઈ સંઘના કારભારીએ પાટણમાં થયેલા અપમાનનો બદલો લેવા રા’ દિયાસે દાણની માંગણી કરેલ હોવાનું રાણીને સમજાવી સંઘર્ષ ટાળવાની વાત કરી હતી. પરિસ્થિતીનો ક્યાસ કાઢી દાણ ચૂકવી દામોદર કુંડમાં સ્નાન કરવાનું અપમાન સહન કરવા કરતા રાણીએ અધવચ્ચે યાત્રા પડતી મૂકી પાછા ફરવાનું મુનાસીફ માન્યું હતું.
રાણીનો સંઘ અપમાનિત થઈ સોમનાથની યાત્રા અધૂરી મૂકી પાછો ફરતા પાટણમાં હોહા થઈ ગઈ. સોરઠના રાજા રા’ દિયાસે કરેલા અપમાનથી કોપાયમાન થયેલી રાણીએ પાટણપતિ દુર્લભસેનને માંડીને વાત કરી. એક વખતના ખંડીયા રાજા રા’ દિયાસે પાટણની રાણી પાસે દાણ માંગવાની હિંમત કરતા તેને પોતાની તાકાત બતાવવા દુર્લભસેન અધિરો થયો. પોતાની વાતની દુર્લભસેન ઉપર ધારી અસર થતી જોઈ રાણી કહેવા લાગી.
“હે, સ્વામી રા’ દિયાસે કરેલ અપમાનનો યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો ગુર્જરનરેશ ચારેબાજુ હાંસીને પાત્ર ઠરશે !”
“રાણી, તમારી વાત સાચી છે, દિયાસની હિંમત વધી ગઈ હોય તેને ઉગતો ડામવામાં ન આવે તો પાટણને જરૂરથી ભારે પડે !”
દુર્લભસેને એ સાથે દરબાર ભરી વંથલી ઉપર તાત્કાલીક આક્રમણ કરવાનો આદેશ કર્યો. રાજા દુર્લભસેનનો આદેશ થતા જ વંથલી તરફ પાટણની વિશાળ સેનાએ ઝડપથી કૂચ કરી હતી. રા’ દિયાસે આટલા ટૂંકા સમયમાં પાટણની સેના ચડી આવશે તેવું ધાર્યું ન હતું. રા’ દિયાસ પાસે પાટણની વિશાળ સેનાનો સામનો કરી શકે તેવી મજબૂત સેના વંથલીમાં ભેગી કરવા જેટલો સમય ન હતો.
વંથલીમાં રહેલી મર્યાદિત સેના સાથે દુર્લભસેનને પરાજીત કરવો સંભવ ન લાગતા રા’ દિયાસે તાત્કાલીક પોતાની રાજધાની વંથલીથી ઉપરકોટ(જૂનાગઢ) ખાતે ફેરવવાનો નિર્ણય કર્યો.
હાલમાં જૂનાગઢ શહેર વચ્ચે આવેલો સદીઓ જૂનો ઉપરકોટનો કિલ્લો ઇસ્વીસન પૂર્વે બીજી સદીમાં મૌર્ય શાસન કાળમાં બંધાયો હોવાનું માનવામાં આવે છે. ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓ, અશોકનો શિલાલેખ તેમજ સુદર્શન તળાવના અવશેષો આ વાતની સાક્ષી પુરતા જોવા મળે છે.
આશરે સીત્તેરથી પંચોતેર ફુટની ઉંચી અને પાંચ-છ ફુટ જાડી દિવાલો ધરાવતો ઉપરકોટનો કિલ્લો ભારતના અભેદ કિલ્લાઓમાં આગવું સ્થાન ધરાવે છે. કિલ્લામાં આવેલા અનાજના વિશાળ ભંડારો, પાણીના સ્ત્રોત જેવા કે અડીકડી વાવ અને નવઘણ કુવો, કિલ્લા ફરતે આવેલી ઉંડી ખાઈઓ તેમજ તેના ગુપ્ત રસ્તાઓના કારણે ઉપરકોટ સલામતીની દ્રષ્ટિએ અતિસુરક્ષિત કિલ્લાનું બિરૂદ પામ્યો.
રા’ કવાટે ઉપરકોટના કિલ્લાનું સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વ સમજી તેને વધુ મજબૂત કરતા તે મર્યાદિત સૈનિકો સાથે દુશ્મનો સામે વર્ષો સુધી ટકી રહેવાની ક્ષમતા ધરાવતો. રા’ દિયાસે વંથલીથી ઉપરકોટમાં રાજધાની ફેરવવાનો આદેશ કરતા પ્રજાજનો અને પૂરતી સાધન સામગ્રી સાથે તાત્કાલીક સ્થળાંતર કર્યું. રા’ દિયાસ ઉપરકોટના કિલ્લામાં સલામત રીતે પહોંચી જતા પાટણની વિશાળ સેનાનો સામનો કરવો તેના માટે સરળ થઈ ગયું.
દુર્લભસેન વંથલી પહોંચ્યો ત્યારે ઉજ્જડ રાજધાનીમાં તેને રોકનાર કોઈ ન હતું. પાટણની સેનાએ વિના અવરોધે વંથલી કબજે કરી ઉપરકોટ તરફ પ્રયાણ કર્યુ. રાજા દુર્લભસેન માટે ઉપરકોટનો અભેદ કિલ્લો કબજે કરવાનું સરળ ન હોય અનેક પ્રયત્નો છતાં તેને સફળતા મળતી ન હતી.
લાંબા સમયથી તંબુ તાણી બેઠેલી સેનાને કોઈ પરિણામ ન દેખાતા તે કંટાળી પાટણ પાછા ફરવાની ઉતાવળ કરવા લાગતા ગુર્જરપતિ મુંઝાયો હતો. એક દિવસ ઉપરકોટની ગગનચુંબી મજબુત દિવાલો સામે જોઈ ગુર્જરનરેશ કપાળે હાથ દઈ રા’ દિયાસને કેવી રીતે હરાવવો ? તે અંગે વિચારી રહ્યો હતો. ત્યારે બીજલ નામનો એક ચારણ સંધ્યા સમયે ગુર્જરનરેશની છાવણીમાં આવી પહોંચ્યો.
“હે, ગુર્જરનરેશ આમ કપાળે હાથ દેવાથી દિયાસ હાથ લાગવાનો નથી !”
”હા, ચારણ ત્રણ મહિનાથી વિશાળસેના સાથે હાથ ઘસતા બેઠા છીએ, પણ કંઈ ઉપાય સુઝતો નથી !”
”મહારાજા, ઉપાય હાથ વગો છે, બાકી ઉપરકોટ જીતવા તો જીંદગી પણ ઓછી પડે !” ”અરે, બીજલભાઈ શું વાત કરો છો ? એવો શું ઉપાય હાથવગો છે ? એ તો કહો !”
“ગુર્જરપતિ, ઉપાય તો બતાવું પણ એમાં મને શું ફાયદો ?”
“અરે, બીજલ ઉપાય બતાવો તો સોરઠ તમને સુપરત કરીશ !”
”ગુર્જરધણી, જો જો થુંકેલુ ચાટવું ન પડે !”
”બીજલ, ગુર્જરપતિ ક્યારેય બોલેલું ફેરવી ન તોળે ભરોસો રાખો !”
”તો કરો તૈયારી, કાલે રા’ દિયાસનું માથું તમને ભેટમાં આપીશ !”
”શું વાત કરો છો ?” ”રાજા, કાલે ચડતા પહોરે હું રાજા પાસે દાન માંગીશ, અને રા’ દિયાસ માંગ્યા દાન આપવામાં પાછી પાની નહીં કરે એની મને ખાત્રી છે !”
અને એ સાથે બીજલ ઝેરીએ રા’ દિયાસની ઉદારતા, પરાક્રમ, દાન અને ટેકીલાપણાની માંડીને વાત કરી. દુર્લભસેને વાતમાં રસ દાખવી બીજલ ચારણ તેના કાર્યમાં આગળ વધે તે માટે તેને લોભામણી લાલચો આપી તૈયાર કર્યો.
રા’ દિયાસના રાજમહેલની બારી સામે રહેતા કેટલાક પશુપાલકોને બીજલના કાવત્રાની જાણ થતા આ અંગે રા’ દિયાસના સેનાપતિને તેઓએ ચેતવ્યો. એક માન્યતા મુજબ રા’ દિયાસના વફાદાર પશુપાલકો રા’ના રાજમહેલની બારી સામે ઝુંપડા બનાવી રહેતા હોય લોકો તેમને રા’ની બારી સામે રહેનારા રા’બારીના નામે બોલાવતા. જે કાળાંતરે રબારી તરીકે ઓળખાયા હોવાનું માનવામાં આવે છે.
બીજલ ઝેરી બીજા દિવસે સૂર્યોદય વખતે નક્કી કર્યા મુજબ ઉપરકોટ કિલ્લાના દરવાજામાં દાખલ થતા સૈનિકોએ અટકાવ્યો હતો. બીજલનો ઇરાદો જાણી ચૂકેલા સૈનિકોએ તેને અટકાવતા તે નિરાશ થયો, પરંતુ એમ હાર માની લે તેવો તે ન હતો. એ વખતે બીજલની નજર અચાનક દુર્ગ ઉપર ફરતા રા’ દિયાસ ઉપર પડતા તેણે અવાજ કર્યો.
”હે, સોરઠધણી તારા આંગણેથી માંગણ ક્યારેય ખાલી હાથે પાછો ફર્યો હોય એવું સાંભળ્યું નથી ! હવે શું એટલા નબળા દિવસો આવ્યા છે કે તારે માંગણને આવતા રોકવા પડે છે ?”
“કેમ, ચારણદેવ આવા આકરા વેણ બોલો છો ?”
“રા’ તારા સિપાઈઓ મને તારી પાસે આવવા દેતા નથી !”
બીજલ ચારણની વાત સાંભળતા પાઘડીને છેડે તલવાર બાંધી તેની ઝુલ બનાવી દુર્ગ નીચે ઉતારી બીજલને તેની ઉપર બેસાડી દુર્ગમાં લીધો. અને બીજલ ઝેરીએ દુર્ગમાં પગ મુકતા જ તેણે રા’ દિયાસના ગુણગાન ગાવાનું શરૂ કરી દીધું.
“ચારણદેવ, હું જાણું છું તમે કેમ આવ્યા છો પણ ચિંતા છોડો અને જે માંગવું હોય તે ખુશીથી માંગો !”
રા’ દિયાસે હૈયાધારણ આપી બીજલ ચારણને જે માંગવું હોય તે ખુશીથી માંગવાનું કહેતા પળનોય વિલંબ કર્યા વગર બીજલે રા’ ના માથાની માંગણી કરી.
બીજલે રા’ દિયાસના માથાની માંગણી કરતા ઉપરકોટમાં આ વાત વાયુવેગે ફેલાતા મહારાણી સોમલદેને તેની જાણ થતા તે બીજલ ચારણ પાસે પહોંચી કહેવા લાગી.
અઘા તું અઘાથીયેં, ભાઈયે છ મગણીહાર;
તાજી ડીયાં તડાક, દીયાં હાથી ડીયાં હજાર,
ગીનની ચંદનહાર, પણ છડી દયાં સરદાર;
બીજલ ઝેરી બીજ તેં વાવી વાખ નીપજાવીયાં.
”હે, માંગણહાર ભાઈબીજલ તેં તો ઝેરી બીજ વાવી ઝેર પેદા કર્યું. અરે, તું માંગે તો હાથી, ઘોડા, જમીન, જર ઝવેરાત આપું પણ તું રાજાનું માથું માંગવાની જીદ છોડી દે !” એ સાંભળી બીજલે જવાબ આપેલ.
તાજી આય તબીલમેં ગેમર આય ઘણાં;
મોકે નાય મણાં આલો સિર વાલો અબે.
”હે, સોમલદેરાણી મારા તબેલામાં ઘણાં ઘોડા-હાથી છે, મારે કોઈ વાતની કમી નથી, બસ મને તો રા’ દિયાસનું માથું જ વહાલું છે.”
બીજલની વાત સાંભળી સોરઠની મહારાણી સોમલદેએ પોતાના ચાર-પાંચ માસના દિકરા નવઘણને લઈ રા’ દિયાસની બહેન પાસે દોડી વાત કરી તે સાંભળી રા’ દિયાસની બહેને કહ્યું.
વઢી દેને વીર, મથો મગણીહારક;
તો કેડે બંધી કીનજી કવિયાં કેર કરે.
”હે ભાઈ, બીજા માટે અશક્ય તારા જેવા દાતા માટે આપવું સહજ હોય માંગણને માથું વાઢી દે !”
સોમલદેએ રા’ કવાટની દીકરીનો જવાબ સાંભળતા તે રાજમાતા પાસે દોડી, ત્યારે રાજમાતાએ તેનું દુ:ખ જોઈ પોતાના પૂર્વજોનું ગૌરવ વધે તેવા વેણ કાઢ્યા.
મથો મગણીહારકે, જો દયાસ તું ન દે;
તો કેડે બંધી કીનજી કવિયાં કેર કરે.
”હે, દિયાસ જો તું માંગણને માથું આપીશ નહીં તો કવિઓ કોના ગુણગાન ગાશે !” સિંધના પ્રસિદ્ધ શાયર શાહ અબ્દુલ લતીફે આ પ્રસંગને રોચક રીતે રજૂ કરેલ છે.
સોરઠ મંગણહારકે, જાલ ભરે જાના,
અસી બહી બ જણા, બીજલ જા બાના.
છડ તંદુલ જા તાના મુરી વંજ તું મંગના.
હીસે સરતાં હીકસ્સી, ઈંધે લજ મરાં,
લખે સરતાં લખ સીસી, લખરી હું દિયાં.
“હે, સોરઠની મહારાણી માંગનારે માંગી માંગીને મારું માથું માંગ્યુ છે, અરે મારા કમનસીબ છે કે મારી પાસે એક જ માથું છે, જો લાખ માથાં હોત તો દરેક માથા હસતા હસતા દાનમાં આપતા મને આનંદ થાત !”
આમ કહી રા’ દિયાસે પળનોય વિલંબ કર્યા વગર પોતાના હાથે તલવારથી માથું ઉતારી બીજલના હાથમાં સોંપ્યું હતું.
રા’ દિયાસે માથાનું દાન કરતા સોરઠમાં ફેલાયેલ હાહાકાર વચ્ચે પ્રજાવત્સલ અને પરાક્રમી રાજા ગુમાવતા લોકો તેમજ સેનામાં ઘોર નિરાશા ફેલાઈ ગઈ. બીજલને રા’ દિયાસનું માથું લઈ દુર્લભસેનની છાવણી તરફ જતો જોઈ લોકોને ફીટકાર વરસાવતા જોઈ દુર્લભસેને અપકિર્તિથી બચવા કાચીંડાની જેમ રંગ બદલતા તાત્કાલીક મૃત્યુદંડ આપ્યો. જોકે અન્ય એક માન્યતા મુજબ બીજલ પોતાના અધમ કૃત્યથી ખેદ પામતો પાગલ થઈ ગયો હોવાનું પણ કહેવાય છે.
રા’ ના મૃત્યુથી સોરઠ ઉંડા આઘાતમાં સરી પડતા મેલા મનના ગુર્જરપતિએ ઉદારતા દાખવી રા’ દિયાસનું માથું ઉપરકોટમાં પાછું મોકલાવેલ. રા’ દિયાસનું માથું મળતા મહારાણી સોમલદેએ સતી થવાની તૈયારી આદરી. એ સાથે સગી બહેન જેવી રા’ દિયાસની વાંજારાણી(વાળાંક રાજાની કુંવરી)ની હાજરીમાં દાસી વાલબાઈ વડારણને બોલાવી કુંવર નવઘણને દેવાયત બોદર પાસે પહોંચાડવાની જવાબદારી સોંપી.
“વાલબાઈ, વિપત્તના વાદળા ઘેરાણા છે, જૂનાગઢનો વારસ તને સોંપું છું, સાચવીને બોડીદર પહોંચાડજે !”
”રા’ સાથે સોમલદેબેન તમે પણ નવઘણ સાથે અમોને નોધારા છોડશો તો કોના ભરોસે જીવશું ?” વાંજારાણીએ રડતા રડતા સોમલદેને કહ્યું.
”ખોડીયાર માતાજી પર ભરોસો રાખી નવઘણનું ધ્યાન રાખજો તે સૌ સારા વાના કરશે, વિપત્તમાં દેવાયતભાઈ આયરને ભુલતા નહીં ઈ’ સુખનો નહીં દુ:ખનો સાચો સાથી છે !”
“હા, મોટાબેન આ કપરા કાળમાં દેવાયતભાઈ ઉપર જ ભરોસો મૂકી શકાય તેમ છે !”
રાણી સોમલદેએ પોતાના માસુમ બાળકને વાલબાઈ વડારણને સોંપી ખોડીયારમાનું સ્મરણ કરતા કરતા રા’ દિયાસ પાછળ સતી થયા. રા’ દિયાસના મૃત્યુથી નેતૃત્વ વિહિન થયેલ સોરઠસેના હતાશ થતા દુર્લભસેને મોકાનો લાભ ઉઠાવી આક્રમણ કરતા ઉપરકોટમાં દાખલ થયો. દુર્લભસેને ઉપરકોટમાં દાખલ થઈ નિર્દયતાપૂર્વક રાજ પરિવારની કતલ કરી પોતાની હકૂમત સ્થાપી. જોકે રા’ દિયાસનો કુંવર દુર્લભસેનના હાથમાં ન આવતા તેણે શોધ આદરી. ત્યારે બીજીબાજુ ગુર્જરસેના ઉપરકોટમાં દાખલ થતા ચૂડાસમા વંશના આખરી ચિરાગ નવઘણનું જીવની જેમ જતન કરતા દાસી વાલબાઈ વડારણે છૂપો વેશ ધર્યો. એ સાથે વાંજારાણીએ પણ ગોવાલણનો વેશ ધરી રાજમહેલમાં ચાલી રહેલ કત્લેઆમ વચ્ચે નવઘણને ગોદમાં લઈ નીકળેલી વાલબાઈને છુપા ભોંયરા સુધી દોરી ગઈ.
આગળની માહિતી વાંચવા માટે આ લિંક ઉપર ક્લિક કરો => રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 2
રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..લેખક : જયંતિભાઈ આહીર