પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
અમદાવાદથી દક્ષિણે ૧૨૫ કિ.મી. અને વડોદરાથી ૪૯ કિ.મી. ગોધરાથી ૪૭ કિ.મી. તથા હાલોલથી કેવળ ૭ કિ.મી. ના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ અદભૂત સૌંદર્ય વેર્યું છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જરધરાની ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે.
આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકમાતાજીનું મંદિર એ સૌથી ઊંચાલ નો ભાગ-રળિયામણો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે. અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીંના મેદાની વિસ્તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓ મન ભરીને માણે છે
પાવાગઢનો ઇતિહાસ
હજ્જ઼ારો વષૅ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. એ માંથી ફાટેલા જવાળામુખી માંથી આ પાવાગઢનાં કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પવૅત જેટલો બહાર દેખાય છે તેનાં કરતાં ધરતી ની અંદર તરફ વધારે છે..
એટલે કે તેનો પા જેટલો ભાગ દ્રષ્ટિ ગોચર થાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો.
હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા.આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્વર્યા અને આરાધના કરીને બહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્વ કર્યુ હતું. એવું પણ કહેવાય છે કે, શ્રી કાલિકા માતાજીએ આપેલ નર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગદ્જનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. પાવાગઢ પર્વતની છેલ્લી ટૂક પર એટલે કે દરિયાઈ સપાટીથી ૨,૭૩૦ ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતાં સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નુત્ય કરી , પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યાં હતા, જે અલગ અલગ ૫૧ શક્તિપીઠરૂપે પ્રસ્થાપિત થયેલ છે. તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા-અર્ચના થાય છે.
આ ડુંગર પુરાતનકાળ થી ખુબજ ઐતિહાસિક અને ધામિૅક મહત્વ ધરાવે છે. રાજ્યની બીજી પણ મહાશકિત પીઠ અંબાજી બહુચરાજી અને પાવાગઢમાં પાવાગઢનાં ” માઁ ” નાં મંદિરનું સ્થાન અનન્ય છે. શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદી ઓથી મહાકાળી ” માઁ ” નાં ભક્તોના હદયમાં ઉચું સ્થાન ધરાવે છે. આ પાવનકારી ભકિતમય નવરાત્રિ નાં તહેવારોમાં તથા માગસર પોષ વદ અમાવસ્યા-દશૅન અમાસનાં દિવસોમાં પાવાગઢ ની ધામિૅક યાત્રાનો ઘણો મોટો મહિમા છે. આ સમય દરમ્યાન યાત્રાળુ ઓ પાવાગઢનાં મહાકાળી ” માઁ ” ના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે.
મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળીમાંની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ધણી વિશાળ છે. એ સાથે પૂવૅ તરફ મહાલક્ષ્મીજી અને બહુચર ” માઁ ” ની પ્રતિમા ઓ ખૂબ દશૅનીય છે. તેમનાં ચરણોમાં ભક્ત ભાવિજનો મસ્તક ટેકવી ધન્યતા નો અનુભવ કરે છે. અહીં થી જ ભદ્રકાળી માતાનાં મંદિરે જવાની સુંદર પગદંડી છે. શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે જે (ગંગા, જમુના અને સરસ્વતી) શુધ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. આ શીવાય તળેટીથી માંચી સુધી અને માંચીથી મૌલિયાટૂક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહોજલાલીની પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાનાકારે દરવાજા, ટંકશાળા, ખંડેર, મહેલાતો અને વિશાળ ગિરિદુર્ગ ભગ્નાવશેષરૂપે પથરાયેલા પડ્યાં છે.
પાવાગઢનું ધાર્મિક મહ્ત્વ પણ ખુબ જ છે. ઘણાં લોકો અહીં ચાલતાં પગપાળા પણ આવે છે. અહીં ખુબ જ શ્રધ્ધાથી આવનાર દરેકની ઇચ્છા મા અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહી પગથિયા ચડીને જ જવું પડતું હતું પરંતું હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. તેથી હવે માતાજીનાં દર્શન કરવા ખુબ જ સરળ થઈ ગયાં છે. તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રા નો લ્હાવો તો જરૂરથી લેવા જેવો છે.
તો મિત્રો આ હતો પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ, જો તમે આવીજ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો આજે જ અમને ફેસબુક પર ફોલો કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –
– શ્રીકષ્ટભંજન દેવ સાળંગપુરનો ઇતિહાસ
– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ
– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો
No Responses