અરબી સમુદ્ર અહર્નિશ જેના પગ પખાળે છે એવું સોહામણું સૌરાષ્ટ્ર ૧૬૦૦ કી.મી. લાંબો સાગરકાંઠો ધરાવે છે. આ સાગરકાંઠેથી સૌરાષ્ટ્રમાં અનેક સમુદ્રખેડુ જાતિઓ આવી. ક્ષત્રિયો આવ્યા. મેર, કાઠી અને આયરો આવ્યા. જૂના કાળે સૌરાષ્ટ્ર સમૃધ્ધ પ્રદેશ હોવાથી સ્થળ મારગેથી પશુપાલકોના ટોળાં અને પાટીદાર ખેડૂતોના જૂથો આવ્યાં. પશુપાલક એવા રબારી, ભરવાડ અને આયરો આવ્યા. કુંભાર, વણકર, સુથારો, સોની જેવા કારીગરો આવ્યા. ભ્રમણશીલ જાતિઓમાંથી ગધઈ, ગાડલિયા, તરિયાતાઈ, ભાંડ, ભોપા, મકરાણી, મતવા, મારવાડા, મદારી, વણઝારા, વાઢાળા, વાળંદ, વાઘેર, વાંઝા, સલાટ, સગર, સિપાઈ, સિદ્દી હાટી, ઓડ, અતીત જેવી સો ઉપરાંત જાતિઓનું સંગમસ્થાન જૂનાકાળથી સૌરાષ્ટ્ર બની રહ્યું છે. આ બધી જાતિયોએ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ધબકતી રાખી છે. પણ આજે એવી જ એક હિંદુ-મુસ્લિમ બંને કોમોના રીતરિવાજો પાળતી સૌરાષ્ટ્રની હિંદુ ગણાતી નટડા કોમ અને એમની સંસ્કૃતિનો અછડતો પરિચય કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે.
સૌરાષ્ટ્રમાં સોરઠ અને મધ્ય સૌરાષ્ટ્રમાં નટડા નામની લોકજાતિ જોવા મળે છે. નટથી આ જુદીકોમ છે. તેમના પહેરવેશ અને બોલી પરથી ખ્યાલ આવે છે કે તેઓ સિંધમાંથી અહીં આવીને વસ્યા છે. જૂનાકાળે સૌરાષ્ટ્રમાં આવીને અહીંની ભાષા તેમણે અપનાવી લીધી જણાય છે. કોમ નાની છે અને ફરતલ-ભટકતું જીવન ગુજારે છે. તેઓ ગધેડા રાખે છે. તેની ઉપર પોતાનો ઘરવખરીનો અને દંગાનો સામાન રાખી એક ગામથી બીજે ગામ ફરે છે,અને નાનો મોટો ધંધો કરે છે. તેઓ પડાવ માટે નદીનો વિશાળ પટ કે ગામના પાદરનું ખેતર પસંદ કરી ત્યાં રાવટીઓ નાખે છે. નટકા ઘર બાંધીને સ્થાયી રહેતા નથી. ઉપર આભ અને નીચે ધરતી બેની વચ્ચે બાંધેલી રાવટી એ એમનું ઘર. તેમનું ધંધાનું કામ પૂરું થઈ જતાં એક ગામ છોડીને ઉચાળા ભરી બીજે ગામ જાય છે ને ત્યાં પોતાનો પડાવ નાખે છે. સામાજિક સંપર્કો જળવાઇ રહે એ માટે વારતહેવારે નિયત કરેલાં ઉના, જૂનાગઢ, અમરનગર, રાજકોટ જેવા સ્થાનોએ ભેગા થાય છે.
શરીરે ઘઉંવર્ણા અને મજબૂત બાંધો ધરાવતા નટડા પોતાને હિંદુ ગણાવે છે. તેમની અટકો રાઠોડ, પરમાર વગેરે રાજપૂતોને મળતી આવે છે. આમ છતાં સિંધની જૂની અસર અને ત્યાંના મુસ્લિમ સહવાસને લઈને તેમનામાં કરીમ, જીભો, ઇસો, હમલો ઇત્યાદિ મુસ્લિમ નામો અને મુસ્લિમ સમાજની ભાષા અને સામાજિક રીતરિવાજોની અસર આજેય તેમનામાં જોવા મળે છે. નટડા નારીઓ મુસ્લિમ સ્ત્રીઓ જેવી જ બંગડીઓ પહેરે છે. આંખોમાં આંજણ આંજે છે. પરસ્પર વ્યવહારમાં તેઓ ઉર્દુ મિશ્રણવાળી ભાષા વાપરે છે. ઇતર કોમો સાથે ગુજરાતીમાં વાતો કરે છે. નટડાઓનો મુખ્ય વ્યવસાય ગામડાંમાંથી ઘેટાં-બકરાં વેચાતાં રાખીને શહેરોમાં વેચવાનો છે. તેમની સ્ત્રીઓ ગામડાંમાં કાચની બંગડીઓ, સોય અને સુરમો જેવી ચીજો વેચે છે અને પૂરક આવક મેળવે છે. શિક્ષણનું પ્રમાણ નહીંવત્ છે અને તેમની આર્થિક સ્થિતિ અત્યંત નબળી જોવા મળે છે. તેમ છતાં લગ્ન જેવા પ્રસંગોમાં ખૂબ જ પૈસા વાપરે છે.
નટડાઓના સામાજિક જીવન પર ઉડતી નજર કરીએ તો જણાય છે કે તેમનામાં બાળલગ્નોની પ્રથા બિલકુલ નથી. ૧૮ થી ૨૦ વર્ષનો દીકરો અને ૧૭ થી ૧૮ વર્ષની કન્યા થાય ત્યારે જ સગાઈ નક્કી થાય છે. સગાઇ નક્કી કરવા માટે ઘરનો બાપ અને પાંચ નાતીલા કન્યાને ઘેર જાય છે. સગાઇ નક્કી કરીને સામસામા ગોળ ખાય છે. જૂના કાળે દીકરાનો બાપ દીકરીવાળાને રૂ. ૨૫ આપતો. લગ્ન વખતે રૂ. ૬૦ અને લગ્ન પછી રૂ. ૩૦૦ દર વરસે વીસ વીસના હપ્તાથી દીકરીના બાપને આપવા પડતા. દીકરાના બાપની આર્થિક સ્થિતિ સારી ન હોય તો સામે પોતાની કે પોતાના કુટુંબની દીકરી વરાવતા.
આ કોમની લગ્નવિધિ પણ અત્યંત સાદી, સરળ અને સમાજશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય બની રહે એવી છે. આપણે ત્યાં સગાઇ, લગ્ન, મરણ કે શ્રાદ્ધ માટે બ્રાહ્મણ હોય છે. પણ નટડાઓને બ્રાહ્મણ, ગોર કે કુળગોરની જરૂર પડતી નથી. લગ્ન વખતે જે કન્યા પરણતી હોય તેનો દિયર લગ્નવિધિ કરાવી દે છે. આ વિધિ પણ જરાય અટપટી કે શાસ્ત્રીય નહીં. લગ્ન વખતે દિયર કન્યાને ભાવિ પતિને સંબોધીને ‘તમે મારા ધણી છો’ અને વરને ભાવિ પત્નીને સંબોધીને ‘તું મારી સ્ત્રી છે’ આટલું બોલાવે એટલે નાતના રિવાજ મુજબ લગ્ન થઈ ગયા ગણાય. આટલી સાદી વિધિ પછી ચૉરી બાંધવામાં આવે. દિયરની હાજરીમાં ચૉરી ફરતા વરકન્યા ચાર ફેરા ફરે. પછી હાજર નાતીલાઓ વરકન્યાને ચાંલ્લો આપે છે.
નટડા કોમમાં મામા ફોઇના દીકરા-દીકરીને વરાવવાનો ચાલ ખરો. લગ્નમાં જાનને ત્રણ દિવસ રોકવામાં આવે. લગ્ન પૂર્વે વરરાજાને બે દિવસ અગાઉ પીઠી ચોળવામાં આવે. ત્રીજે દિવસે નવરાવીને પછી લગ્ન લેવાય. લગ્ન પ્રસંગે લગ્નગીતો અને ઉઘાડા ફટાણાં પણ ગવાય. ફટાણાં ને ગીતોમાં હિંદી-ઉર્દુ મિશ્રિત શબ્દો સાંભળવા મળે. આ કોમમાં બીજી કોઈ પેટા નાત નથી. પોતાની નાતમાંથી દીકરી લે છે ને દે છે. ઘંટિયા કોમ સાથે નટડાને ભાણાં વ્યવહાર (જમવાનો) ખરો પણ દીકરી લેવાદેવાનો વ્યવહાર નહીં.
નટડા પુરુષોનો પોષાક જોઈએ તો તેઓ ગુઢવાણી ચોરણો, પહોળી બાંયનું કુડતું અને તેની ઉપર સીંધી ઢબની બંડી (જાકીટ) પહેરી માથે ફેંટો બાંધે છે. બંડીમાં કોઈ કોઈ વળી રૂપાના ઘુઘરીવાળા બટન પણ રાખે છે. જુવાનો દાઢી નથી રાખતા પણ વયસ્કો, વૃધ્ધો દાઢી રાખે છે. સૌ કોઈ માથે ઓડિયા (વાળ) રાખે છે. ફેંટો બાંધે ત્યારે ઓડિયાં બહાર દેખાય એમ બાંધે છે. એમનાં બૈરાંઓ બાર વારનો ઘેરદાર ઘાઘરો, કસોવાળું પેટઢંક અને હાથના પોંચા સુધી પહોંચે એવું છ રાગનું પહેરણ અને માથે છૂટ્ટું ઓઢણું ઓઢે છે. દીકરી કુંવારી હોય ત્યાં લગી સીંધી ઢબની ચોરણી પહેરે છે અને લગ્ન પછી ઘાઘરો પહેરવો શરૂ કરે છે. સધવા સ્ત્રી ગમે તે રંગનો પોષાક પહેરી શકે પણ વિધવા નારી માટે કાળો પોષાક ફરજિયાત છે. સ્ત્રીઓ ઘરેણાંની શોખીન છે. તેઓ પગમાં ઝાંઝરી અને અઠાસિયા પહેરે છે. હાથમાં ચાંદીની બંગડી અને માઠી પહેરે છે. પુરુષો કોઈ કોઈ વાર ચાંદીની વીંટી પહેરે છે. સ્ત્રી અને પુરુષ બંને ડોકમાં સોનાબીયા અને કેરબાની હારડી પહેરે છે. ચાલુ દિવસે ઘરેણાં પહેરે ન પહેરે પણ લગ્ન પ્રસંગે તો ખાસ પહેરે છે. આ કોમમાં પુરુષોની લાજ કાઢવાનો ચાલ બીલકુલ નથી. આમ છતાં કુટુંબના વડીલોની મર્યાદા જાળવે છે. કોઈ વડીલ સામેથી આવતો હોય તો લાજ ન કાઢતાં સ્ત્રી મોં ફેરવીને ઊભી રહી જાય છે.
આ જ્ઞાતિમાં દેરવટા અને પુનર્લગ્ન (નાતરા)નો રિવાજ જોવા મળે છે. સવેલી (કોઇની પરણેતરને) ઉપાડી જવા પર કડક પ્રતિબંધ છે. દેરવટુ (પતિ ગુજરી જતાં દિયર સાથે લગ્ન) કરે ત્યારે પાંચ નાતીલાને જમાડીને દિયર-ભાભી સાથે ઘરસંસાર માંડે છે. બીજી કશી વિધિ આ પ્રસંગે કરવામાં આવતી નથી. પુનર્લગ્ન પ્રસંગે પુરુષે વિધવા અથવા ત્યકતાના પિતાને રૂ. ૨૦૦ આપવાનો, બાઈને ત્રણ જોડી નવાં કપડાં આપવાનો અને પાંચ નાતીલાને જમાડવાનો રિવાજ છે.
નટડા કોમના ઇતર સામાજિક રિવાજો જોઈએ તો તેમનામાં સિમંતનો રિવાજ નથી. સુવાવડમાં બાઈ સાત દિવસનું સૂતક પાળે છે. સાતમે દિવસે ન્યાતને જમાડીને પ્રસૂતા નારીને નવડાવવામાં આવે છે. બાળકને ગળથુથી પાવાની અને છઠ્ઠીની વિધિ કરવામાં આવે છે. ગળથુથીમાં ગધેડાની લાદ અને ગોળ ભેગા કરી જૂના કાળે બાળકને પીવરાવવામાં આવતા. (આ અભણ લોકોને એની આયુર્વેદિક જાણકારી અવશ્ય હોવી જોઈએ.) છઠ્ઠી પ્રસંગે ઘીનો દીવો કરી બાળકને પગે લગાડે છે. આ વખતે બાળકના નામકરણની વિધિ પણ કરવામાં આવે છે. નામસંસ્કરણ પ્રસંગે માતા બાળકને તેડે છે. ‘છટ માતાજી’ (ષષ્ટિ દેવી) આગળ દીવો કરી બાળકને પગે લગાડે છે. આ વિધિ વેળાએ ન્યાતની સ્ત્રીઓ, બાળકના હાથમાં આઠ આઠ આના આપતી જાય અને જે નામ પાડયું હોય તે નામે બોલાવતી જાય. બાળકના ‘બાળમોવાળા’ ઉતારવાનો રિવાજ ખરો પણ કુળદેવીના સ્થાનકે નહીં પણ ગમે ત્યાં ઉતરાવી લે છે.
દિવાળી, હોળી અને નવરાત્રીના તહેવારોનું આ કોમમાં ઘણું માહાત્મ્ય મનાય છે. હોળી પ્રસંગે નદીમાં કે ખુલ્લા મેદાનમાં તેઓ હુતાસણી પ્રગટાવે છે. ખડકેલી છાણ-લાકડાની હોળીની એક બાજુ માંડવો નાખી તેમાં લાલ રંગના કપડાના કટકામાં પિત્તળની ઘોડી ઉપર ખોડિયાર માતાજીની મૂર્તિ પધરાવી દરેક સ્ત્રી-પુરુષો હાથમાં નાળિયેર અને પાણીનો કળશો લઈ સમૂહમાં હોળી ફરતાં ફરે છે. એ દરમ્યાન માતાજીનો ભૂવો રૌદ્ર અવાજ સાથે માથાની સવા હાથની ચોટલી છૂટી મૂકીને હાઉ… હાઉ… હાઉ કરતો ધૂણવા માંડે છે. ત્યારે સમૂહમાં હોળીની પરિક્રમા કરતા લોકો તાનમાં આવી જઈ હાથમાં રહેલાં નાળિયેર જોરજોરથી હોળીમાં હોમતા જાય છે. નાળિયેર હોમીને સૌ ભૂવાને પગે લાગે છે. ચાર છ માસના નાના બાળકોને પણ ભૂવાને પગે લગાડરાવે છે. આ પછી હોળીનું છાણું લઈ જયાં દેવીનો માંડવો નાખ્યો હોય ત્યાં પધરાવે છે. જૂના કાળે માતા આગળ બોકડાનો ભોગ આપી સૌ પ્રસાદી લેતા. નવરાત્રીમાં છઠથી નોમ સુધી ખોડિયાર માતાનો માંડવો નંખાય છે. ભૂવો હોમહવન કરે છે. દિવાળીનો તહેવાર પણ માતાજીને લાપસીના નૈવેદ્ય કરીને ઉજવે છે.
આમ નટડા કોમ દેવીપૂજક અને વહેમી પણ ખરી. ભૂત, ભૂવામાં શ્રધ્ધા ધરાવે. ખોડિયાર, મેલડી, છટ જેવી દેવીઓ અને ભૂચર તથા સુરધનમાં ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે. ભૂચર નામે જૂના કાળે નટડા કોમમાં કોઇ ભગત થઇ ગયા. એનો ઇતિહાસ કે વિગત કોઇ જાણતું નથી. શ્રધ્ધેય કુળદેવ તરીકે આ લોકો પરંપરાથી તેમનામાં અપાર આસ્થા રાખે છે. માંદગી જેવા પ્રસંગે દવા ન લેતાં ભૂવા પાસે નડતર જોવરાવી તેનું નિરાકરણ કરાવે છે. ભૂવા ધૂણાવીને દાણા જોવરાવે. ભૂવો દાણા ચવરાવે. ભૂત, ભૂવા ને ડાકલામાં અપાર શ્રધ્ધા ધરાવે છે. તહેવારોમાં માતાજીના માંડવા સ્થાપે તે સિવાય ભટકતી કોમ હોવાથી માતાજીને કોથળીમાં પોતાની સાથે રાખે છે અને જયાં જાય ત્યાં સાથે લેતા જાય છે. માતાજી તેમની રક્ષા કરે છે એવી એમની દ્રઢ માન્યતા છે.
આ કોમમાં નાતનું વર્ચસ્વ ઘણું મોટું છે. કુટુંબના કે અંદરોઅંદરના ઝઘડા નાત દ્વારા પતાવે છે. નાતનો કોઈ મુકરર પટેલ નહીં પણ જે તે સમયે ઝઘડો પતાવવા પાંચ દસ નાતીલાને બોલાવવામાં આવે છે. તેઓ જે ફેંસલો આપે તે બેય પક્ષ માન્ય રાખે છે. નાત સર્વોપરી ગણાય છે. જ્ઞાતિનું બંધન તેમનામાં જરા પણ ઢીલું થયું નથી. એમ કહેવાય છે કે અત્યાર સુધીમાં આ કોમમાંથી ગુનો કરીને કોઇ માણસ જેલમાં ગયાનું જાણમાં નથી. આ નિરુપદ્રવી કોમના માણસો રજવાડાના સમયમાં ગામડાંમાં જતાં ત્યાં પટેલ કે મુખીને વાકેફ કરી, નામ નોંધાવીને તે ગામમાં થોડા દિવસ ધંધાપાણી માટે રોકાતા.
નટડા પોતાને હિંદુ કહેવરાવે છે પરંતુ મરણ પ્રસંગે તેઓ મુસલમાનની માફક શબને દાટે છે. મરણના ત્રીજા દિવસે શબને દાટવામાં આવ્યું હોય તે જગ્યા પર બકરાની લીંડિયું પાથરી ધૂણી કરે છે. ત્રીજે દિવસે મૃતકનું કારજ કરે છે. કારજમાં માત્ર મગની દાળ અને રોટલો પીરસાય છે. મૃતકનું શ્રાધ્ધ પણ કરે છે. શ્રાધ્ધ પક્ષના પંદરે દિવસ શ્રાધ્ધ પાળે છે.
શારીરિક સંપત્તિ ધરાવતી અને જીપ્સીઓ જેવી ખડતલ અને વિચરતી નટડા કોમ નાની સંખ્યામાં સૌરાષ્ટ્રમાં બહારથી આવીને વસી હતી. આજે તો તેઓ છૂટાંછવાયા નગરોમાં જઇને વસી ગયા છે. અમદાવાદમાં પણ તેઓ આવીને રહ્યા છે. સ્ત્રી અને પુરુષો હાથલારી ચલાવી મહેનત મજૂરી કરીને પોતાનો નિર્વાહ કરે છે. પરંપરિત વેશભૂષા જાળવી રાખી હોવાને કારણે નટડા સ્ત્રીઓ આજે ય ઓળખાઇ આવે છે.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ